સાંઢણી
રાંગેય રાઘવ/રાગ શસ્ય શ્યામલા
‘પી-સિકન્દર’ કસબાના મુસલમાન જાટ બાકરને પોતાના ધણ તરફ ભૂખી નજરે તાકીને જોતાં ચૌધરી નંદુએ ઝાડના છાંયેથી બેઠે બેઠે પોતાની ઊંચી ગરજતી અવાજમાં લલકાર્યો. ‘અરે, તું અહીં શું કરે છે?’ અને તેની છ ફૂટ લાંબી સુદૃઢ કાયા, જે વૃક્ષના થડને અઢેલી આરામ કરતી હતી, ટટાર થઈ. ને બટન તૂટેલું હોવાથી મોટા ખાદીના ઝભ્ભામાંથી તેની વિશાળ છાતી અને ભરાવદાર હાથ દેખાયા.
બાકર થોડો નજીક આવ્યો. ધૂળથી રજોટાયેલી નાની અણિયાળી દાઢી ને મુસ્લિમ કટની મૂછો ઉપર ને ખાડામાં ઊતરી ગયેલી બે આંખોમાં પળભર માટે ચમક આવી ગઈ. થોડું હસીને તેણે કહ્યુંૹ “સાંઢણી જોતો હતો ચૌધરીજી, કેવી સરસ છે ને! જવાન છે. જોઈને આંખો ઠરી.” પોતાના માલનાં વખાણ સાંભળી ચૌધરી નંદુ પાછા મૂળ સ્થિતિમાં આવી ગયા. ખુશ થઈને બોલ્યાૹ ‘કયું ઊંટ?’ ત્યાં, પેલી બાજુથી ચોથી બાકરે ઇશારો કરતાં કહ્યુંૹ એક ઘટાદાર ઝાડની છાયામાં આઠ-દસ ઊંટ બાંધેલાં હતાં. તેમાં એક જવાન સાંઢણી પોતાની લાંબી, સુંદર અને પુષ્ટ ગરદન લંબાવી પાંદડાંમાં માથું મારતી હતી. માલમંડીમાં નજર પહોંચે ત્યાં સુધી મોટાં મોટાં ઊંટ, સુંદર સાંઢણીઓ, કાળી બેડોળ ભેંસો, સરસ નાગોરી શીંગડાંવાળાં બળદ અને ગાયો સિવાય બીજુ કંઈ દેખાતું ન હતું. ગધેડાં હતાં પણ નહીં જેવાં જ. વધારે તો ઊંટ જ હતાં. બહાવલનગરના રેતાળ પ્રદેશમાં ભરાતા બજારમાં એમની વધારે સંખ્યા હોય એ સ્વાભાવિક છે. ઊંટ રણનું જાનવર છે. આ રેતાળ પ્રદેશમાં માણસોની અવરજવર, ખેતીવાડી અને સામાનની હેરાફેરી તેનાથી જ થતી હોય છે. જૂના જમાનામાં જ્યારે ગાયો દસ દસ ને બળદ પંદર પંદર રૂપિયામાં મળતાં ત્યારે પણ સારું ઊંટ પ૦ થી ઓછામાં હાથ નહોતું આવતું અને હવે આ પ્રદેશમાં નહેર થઈ ગઈ ને પાણીની એટલી અછત નથી રહી ત્યારે પણ ઊંટનું મહત્ત્વ ઓછું નથી થયું, ઊલટાનું વધ્યું છે. સવારી માટેનાં ઊંટ બસો બસોથી ત્રણસો ત્રણસો સુધી મળે છે અને આળસુ તથા સામાનના માટે પણ એંસી-સોથી ઓછામાં હાથ નથી આવતાં. થોડા વધારે આગળ વધીને બાકરે કહ્યુંૹ “સાચું કહું છું ચૌધરી, આના જેવી સુંદર સાંઢણી આખા બજારમાં ક્યાંય દેખાતી નથી.” ખુશીથી નંદુની છાતી ફુલાઈ. કહ્યુંૹ “આ એક જ નહીં. બધી સાંઢણી સારી છે. હું તેમને ચારો ને ફલૂસી ખવડાવું છું.”
ધીરેથી બાકરે પૂછયુંૹ “આને વેચવાની છે?”
નંદુએ કહ્યુંૹ “અહીં વેચવા તો લાવ્યો છું.”
“તો બોલો, કેટલામાં આપશો?” બાકરે પૂછયું
“નંદુએ પગથી માથા સુધી બાકરને નીરખ્યો ને હસતાં હસતાં બોલ્યોૹ ‘તારે પોતાને જોઈએ છે કે તું તારા માલિક માટે ખરીદવા માગે છે?’
‘મને જોઈએ છે’—બાકરે દૃઢતાથી કહ્યુંૹ નંદુએ ઉપેક્ષાથી માથું ધુણાવ્યું આ મજૂરની શી વિસાત કે આવી સુંદર સાંઢણી ખરીદે? બોલ્યોૹ “તું શું ખરીદવાનો?”
બાકરના ખિસ્સામાં પડેલા દોઢસો રૂપિયા જાણે કે ઊછળીને બહાર આવવા આતુર હતા. થોડા જોશ સાથે એણે કહ્યુંૹ “તમને એનાથી શું? કોઈ પણ લે. તમને તો ભાવ સાથે મતલબને? તમે ભાવ બોલોને?” નંદુએ તેનાં ફાટેલાં કપડાં, ઘૂંટણથીયે ઉપર સુધીની લૂંગી અને બાબા આદમના જમાનાનાં જૂનાં જૂતાં જોઈને તેને ટાળવાના ઇરાદાથી કહ્યુંૹ “જા, જા, તું આલતુફાલતુ સાંઢણી ખરીદી લે. આની કિંમત તો આઠવીસી (રૂ.૧૬૦) થી ઓછી નહીં થાય.’ એક પળ માટે તો બાકરના થાકેલા વ્યથિત ચહેરા પર આહ્લાદની રેખા ચમકી ઊઠી. તેને ડર હતો કે ચૌધરી એવી કોઈ કિંમત ન બોલી નાખે કે જે તેની ગજા બહારની હોય. પણ જ્યારે તેણે પોતાના જ મોઢે ૧૬૦ રૂ. કહ્યા તો તેના આનંદની સીમા ન રહી. ૧૬૦ રૂ. તો તેની પાસે હતા જ. જો એટલામાંયે ચૌધરી ના માને તો દસ રૂ. તો તે ઉધાર લઈ આવશે. ભાવતાલ કરતાં તો તેને આવડતો જ નહોતો. ઝટ દઈને તેણે દોઢસોની નોટો કાઢીને નંદુની આગળ ફેંકી બોલ્યો, “ગણી લો. આનાથી વધારે મારી પાસે નથી. પછી જેવી તમારી મરજી.”
નંદુએ બેધ્યાનપણે નોટ ગણવાનો આરંભ કર્યો પણ ગણતરી પૂરી કરતાં જ તેની આંખો ચમકી ઊઠી. તેણે તો બાકરને ફુટાવવા માટે જ કિંમત રૂ. ૧૬૦ બતાવી હતી. બાકી બજારમાં સારામાં સારી સાંઢણી પણ દોઢસોમાં મળી જતી. ને આના તો રૂ. ૧૪૦થી વધુ મળવાની તેણે સ્વપ્નમાંયે કલ્પના નહોતી કરી. પણ તરત જ મનના ભાવ છુપાવતાં જાણે કે બાકર પણ ઉપકાર કરતો હોય તેમ નંદુ બોલ્યો ‘સાંઢણી તો મારી બસો રૂ.ની છે. પણ જા, તારા માટે દસ રૂ. ઓછા કર્યા.’ અને આમ કહેતાં કહેતાં તેણે ઊભા થઈ સાંઢણીની રાશ બાકરના હાથમાં આપી દીધી. પળભર માટે એ કઠોર વ્યક્તિનું પણ મન ભરાઈ આવ્યું. આ સાંઢણી તેના ત્યાં જ જન્મી ને મોટી થઈ હતી. આજે પાળી પોષી મોટી કરીને બીજાના હાથમાં સોંપતાં તેની હાલત એવી થઈ, જેવી દીકરીને સાસરે વળાવતા બાપની થાય. થોડાક ધ્રૂજતા અવાજને નરમ કરતાં તેણે કહ્યુંૹ ’આ સાંઢણીને સારી રીતે ઊછેરી છે. તું તેને ધૂળમાં ના રગદોળતો’ જાણે કે સસરા જમાઈને કહી રહ્યા હોય મારી દીકરીને ફૂલની જેમ ઊછેરી છે. જો જો તેને તકલીફ ના પડે.
ખુશીની પાંખો પર ઊડતા બાકરે કહ્યુંૹ ‘તમે જરાયે ચિંતા ના કરો. હું તેને જી-જાનથી જાળવીશ.’ નંદુએ નોટ સાચવીને મૂકી ને સૂકા ગળાને ભીનું કરવા ઘડામાંથી માટીનો પ્યાલો ભર્યો. બજારમાં ચારેબાજુ ધૂળ ઊડતી હતી. શહેરનાં બજારોમાં પણ બધે નળ લગાવીને આખો દિવસ પાણી છાંટવામાં આવે છે ને તોયે ધૂળ ઓછી નથી થતી. ત્યારે આ તો રણપ્રદેશનું બજાર. અહીં તો ધૂળનું સામ્રાજ્ય હતું. શેરડીવાળાની શેરડી પર, કંદોઈના હલવા અને જલેબીઓ પર અને ખૂમચાવાળાના દહીંપકોડા- બધા પર ધૂળનું સામ્રાજ્ય હતું. ઘડાનું પાણી ટાંકીઓમાં ભરી શહેરમાંથી લાવવામાં આવતું હતું. પણ અહીં આવતાં આવતાં કીચડ જેવું ગંદું થઈ ગયું હતું. નંદુને એમ હતું કે પાણીને તારીને પછી પીશે. પણ ગળું સૂકાતું હતું. એક જ ઘૂંટમાં પ્યાલો ખાલી કર્યો ને નંદુએ બાકરને પણ પાણી પીવા કહ્યું. બાકર આવ્યો ત્યારે તો તેને ખૂબ તરસ લાગી હતી પણ હવે એને પાણી પીવાની ફુરસદ ક્યાં હતી? હવે તો રાત થાય એ પહેલાં ગામ પહોંચવું હતું. સાંઢણીની રાશ પકડીને તે ધૂળમાંથી રસ્તો કરતો નીકળી પડયો.
બાકરના મનમાં ઘણા સમયથી એક સુંદર ને યુવાન સાંઢણી ખરીદવાની લાલસા હતી. એ હલકી જાતિનો હતો. તેના પૂર્વજો કુંભારનું કામ કરતા હતા. પણ તેના બાપાએ પોતાના બાપદાદાનું કામ છેડી મજૂરી કરવાનું શરૂ કર્યું ને તેના પછી બાકર પણ એનાથી જ પોતાનું ને પોતાના નાના કુટુંબનું ભરણપોષણ કરતો તે વધારે કામ કરતો હોય એવું નહોતું. કામ કરવામાં તેને હંમેશાં આળસ આવતી. અને આળસ પણ શું કામ ન કરે? તેની પત્ની તેના કરતાં બમણું કામ કરી તેને આળસુ બનાવવા હાજર હતી ને! કુટુંબ મોટું નહોતું-એક તો એ પોતે, એની પત્ની અને એક નાનકડી દીકરી. પછી તે શું કામ આરામથી ન જીવે? પણ ક્રૂર અને નિર્દય વિધાતાએ એને આ વિસ્મૃતિમાંથી, સુખભરી ઊંઘમાંથી જગાડીને પોતાની જવાબદારી ઉઠાવવા લાચાર બનાવી દીધો. તેને બતાવી દીધું કે જીવનમાં સુખ જ નથી, આરામ જ નથી, દુઃખ પણ છે, મહેનત પણ છે.
પાંચ વર્ષ થયાં. તેની, આરામ કરવા દેતી પ્યારી પત્ની સુંદર ઢીંગલી જેવી દીકરીને છોડી પરધામ ચાલી ગઈ. મરતી વખતે તેણે પોતાની બધી જ કરુણાને ફીકી નિસ્તેજ આંખોમાં લાવીને બાકરને કહ્યું હતું ‘મારી રઝિયા હવે તારા હાથમાં છે. તેને દુઃખ ના પડવા દેતો.’ અને આ વાક્યે બાકરના આખા જીવનની દિશા પલટાવી નાખી. તેના મૃત્યુ પછી તે પોતાની વિધવા બહેનને તેના ગામથી લઈ આવ્યો ને પોતાની આળસ-પ્રમાદને છોડી, પોતાની મૃત પત્નીની છેલ્લી ઇચ્છાને પૂરી કરવા મચી પડયો, તે દિવસ-રાત કામ કરતો હતો, કે જેથી તે પોતાની મૃત પત્નીની થાપણને, પોતાની નાની શી ઢીંગલીને જાત જાતની ચીજો લાવીને ખુશ રાખી શકે. જ્યારે પણ તે બજારમાંથી આવતો તો નાની શી રઝિયા તેને પગે વળગીને પોતાની મોટી મોટી આંખે તેના ધૂળભર્યા ચહેરાને તાકીને પૂછતી- ‘અબ્બા, મારા માટે શું લાવ્યા છો?’ તો એ તેને પોતાના ખોળામાં લઈ લેતો અને ક્યારેક મીઠાઈ તો ક્યારેક રમકડાંથી તેના હાથ છલકાવી દેતો. રઝિયા તેના ખોળામાંથી ઊતરીને પોતાની બહેનપણીઓને રમકડાં કે મીઠાઈ બતાવવા દોડી જતી. આ જ ઢીંગલી જ્યારે આઠ વરસની થઈ તો એક દિવસે જીદપૂર્વક પોતાના અબ્બાને કહેવા લાગી “અબ્બા આપણે તો સાંઢણી લઈશું. અબ્બા, મને એક સાંઢણી લાવી આપોને?” ભલી ભોળી નિર્દોષ બાલિકા. તેને શું ખબર કે તે એક દુઃખી, સાધનહીન મજૂરની દીકરી છે. જેને માટે સાંઢણી ખરીદવાની વાત તો દૂર પણ આ સાંઢણીનું સ્વપ્ન જોવું પણ પાપ સમાન છે. લુખ્ખા હાસ્ય સાથે બાકરે તેને ખોળામાં લીધી ને કહ્યુંૹ “રજ્જો, તું ખુદ સાંઢણી છે.” પણ રઝિયા ના માની. એ દિવસે મશીરમાલ પોતાની સાંઢણી પર નાની દીકરીને આગળ બેસાડીને બેચાર મજૂર બોલાવવા માટે આ કસબામાં આવ્યા હતા. ત્યારથી રઝિયાના નાનકડા મનમાં સાંઢણી પર સવાર થવાની પ્રબળ આકાંક્ષા ઉદ્ભવી હતી. અને એ દિવસથી બાકરની રહીસહી આળસ પણ ઊડી ગઈ.
તેણે રઝિયાને તો ટાળી દીધી પણ મનોમન પ્રતિજ્ઞા કરી કે તે જરૂર એક દિવસ રઝિયા માટે સુંદર સાંઢણી લઈ આવશે. આ પ્રદેશમાં જ્યાં તેની વાર્ષિક આવકની સરેરાશ રોજના ત્રણ આના પણ નહોતી થતી. હવે આઠદસ આના થવા લાગી. દૂર દૂરનાં ગામડાંમાં તે દિવસ-રાત કામ કરતો, પાક કાપતો, દાણા કાઢતો. ગોદામમાં અનાજ ભરતો, રોપણીના દિવસોમાં હળ ચલાવતો, ક્યારા બનાવતો. એ દિવસોમાં એને પાંચ આનાથી લઈને આઠ આના સુધીની રોજી મળી જતી. જ્યારે કાંઈ કામ ન હોય તો સવારે ઊઠીને આઠ કોસ દૂર ચાલીને બજારમાં પહોંચતો અને આઠદસ આનાની મજૂરી કરીને પાછો આવતો. આ દિવસોમાં તો રોજના છ આના બચાવતો હતો. આ નિયમમાં તેણે કોઈ જાતની ઢીલ ના થવા દીધી. તેને જાણે કે એક ધૂન ચડી હતી. બહેન કહેતીૹ “બાકર, હવે તો તું એકદમ બદલાઈ ગયો છે. પહેલાં તો તું ક્યારેય આવી તનતોડ મહેનત નહોતો કરતો.” બાકર હસીને કહેતોૹ “તું એમ ઇચ્છે છે કે હું આખી જિંદગી બેકાર રહું?”
બહેન કહેતીૹ ‘બેકાર બેસવાનું હું નથી કહેતી પણ તબિયત બગાડીને પૈસા ભેગા કરવાનું પણ નથી કહેતી.’
આવે સમયે હંમેશાં બાકરની નજર સામે મૃત પત્નીનો ચહેરો તરવરતો. તેની છેલ્લી ઇચ્છા કાનોમાં ગુંજતી રહેતી. ને આંગણામાં રમતી નાનકડી રઝિયા પર એક નજર નાખતો ને વિષાદભર્ય઼ું હસી પાછો કામમાં જોડાઈ જતો. અને આજે દોઢ વરસની તનતોડ મહેનત પછી તે પોતાની ચિર-સંચિત અભિલાષા પૂરી કરી શક્યો હતો. તેના હાથમાં સાંઢણીની રાશ હતી અને નહેરના કિનારે કિનારે તે ચાલી રહ્યો હતો.
સાંજનો સમય હતો. પશ્ચિમ તરફ ડૂબતા સૂરજનાં કિરણો ધરતીને છેલ્લી વાર સોનાનું દાન કરી રહ્યા હતા. હવામાં ઠંડક હતી. અને દૂર ક્યાંક ખેતરોમાં ટીટોડી ટીહુ ટીહુ કરતી ઊડતી હતી. બાકરના મનમાં ભૂતકાળની બધી વાતો એક પછી એક ઊઠી રહી હતી. આજુબાજુ ક્યારેક કોઈ ખેડૂત પોતાના ઊંટ પર સવાર થઈને નીકળતો. તો ક્યારેક ક્યારેક ખેતરોમાંથી પાછા ફરતા ખેડૂતોના દીકરાઓ છકડામાં રાખેલા ઘાસના પૂળા પર બેઠા બેઠા બળદોને પુચકારતા એકાદ ગીતની એકાદ કડી ગાતા કે પછી છકડાની પાછળ બાંધેલા ચૂપચાપ ચાલ્યા આવતાં ઊંટના ઘૂઘરાઓને રમાડતા ચાલ્યા આવતા હતા.
બાકરે જાણે સ્વપ્નમાંથી જાગતો હોય એમ, પશ્ચિમમાં આથમતા સૂરજ તરફ જોયું. પછી સામે ક્ષિતિજમાં નજર દોડાવી. તેનું ગામ હજુ દૂર હતું. પાછળ ખુશ થઈને જોયું. ચૂપચાપ ચાલી આવતી સાંઢણીને પ્રેમથી પુચકારી ને વધુ ઝડપથી ચાલવા લાગ્યો તેના પહોંચતાં પહેલાં રઝિયા સૂઈ ન જાય એવા વિચારથી.
મશીરમાલનો કસબો દેખાવા લાગ્યો. અહીંથી તેનું ગામ નજીક હતું. લગભગ બે કોસ જેટલું. બાકરની ચાલ ધીમી થઈ ગઈ અને સાથે સાથે કલ્પનાની દેવી પોતાની રંગબેરંગી પીંછીથી તેના મનના પરદા પર જાત જાતનાં ચિત્રો દોરવા લાગી. બાકરે જોયું, તે ઘરે પહોંચ્યો કે તરત જ નાની રઝિયા ઉત્સાહથી ઊછળતી તેના પગે વળગી છે અને સાંઢણીને જોઈને તેની મોટી મોટી આંખો આશ્ચર્ય ને ઉલ્લાસથી છલકાઈ રહી છે. પછી તેણે જોયું કે તે રઝિયાને આગળ બેસાડી સરકારી નહેરના કિનારે કિનારે સાંઢણી દોડાવી રહ્યો છે. સાંજનો સમય છે. ઠંડી ઠંડી હવા વાય રહી છે. અને ક્યારેક તો કોઈ પહાડી કાગડા પોતાની મોટી પાંખો ફેલાવી મોટે અવાજે કાંવ કાંવ કરતાં તેના ઉપરથી ઊડતા જાય છે. રઝિયાના આનંદનો પાર નથી. તે જાણે કે વિમાનમાં ઊડી રહી છે. પછી તેના ધ્યાનમાં આવ્યું કે તે રઝિયાને લઈને બહાવલનગરના બજારમાં ઊભો છે. નાની રઝિયા તો જાણે અવાક્ થઈ ગઈ છે. એકદમ આશ્ચર્યચકિત થઈ ચારેબાજુ અનાજના ઢગલા, કેટલાયે છકડા ને એકદમ અજાયબીભરી ચીજોને જોઈ રહી છે. બાકર ખુશ થઈને તેને બધું સમજાવી રહ્યો છે. એક દુકાન પર ગ્રામોફોન વાગે છે. બાકર રઝિયાને ત્યાં લઈ જાય છે. લાકડાના આ ખોખામાંથી ગીત કેવી રીતે વાગે છે ને કોણ તેમાં છુપાઈને ગાઈ રહ્યું છે આ બધી વાતો રઝિયાને સમજાતી નથી અને આ બધું જાણવાની તેના મનની ઉત્સુકતા તેની આંખોમાં ઉભરાઈ રહી છે.
પોતાની કલ્પનામાં રાચતો તે કસબા પાસેથી નીકળતો હતો કે એકદમ કઈંક વિચાર આવ્યો ને અટક્યો, ને કસબામાં દાખલ થયો. મશીરમાલનો કસબો પણ કોઈ મોટું ગામ નહોતું. આ બાજુનાં બધાં ગામડાં આવાં જ હતાં. બહુ બહુ તો ત્રીસેક છાપરાં હોય. પાકી ઈંટનાં બાંધેલાં મકાન હજુ આ તરફ આવ્યાં જ નહોતાં. ખુદ બાકરના કસબામાં પંદર ઘર હતાં. ઘર તો શું ઝૂંપડાં જ કહોને! મશીરમાલના કસબામાં યે આવાં વીસપચીસ ઝૂંપડાં હતાં. માત્ર મશીરમાલનું ઘર કાચી ઈંટોનું બનેલું હતું. પણ છત પર તો છાપરું જ હતું. નાનક સુથારના ઝૂંપડા પાસે તે અટક્યો. બજાર જતાં પહેલાં તે અહીં સાંઢણી માટે કાઠી બનાવી રાખવાનું કહીને ગયો હતો. તેને વિચાર આવ્યો કે જો રઝિયા સાંઢણી પર બેસવાની જીદ કરશે તો તેને ના કેમ પડાશે? આ વિચારથી જ તે આ તરફ વળ્યો હતો. એણે નાનકના નામની એક- બે વાર બૂમ પાડી. અંદરથી કદાચ તેની પત્નીએ જવાબ આપ્યો—“ઘરમાં નથી બજારમાં ગયા છે.”
બાકર નિરાશ થઈ ગયો. હવે શું કરવું તેની સમજ ના પડી. નાનક જો બજારમાં ગયો છે તો કાઠી ક્યાંથી બનાવી હશે? પણ પાછું તેણે વિચાર્ય઼ું. કદાચ બનાવીને રાખી ગયો હોય. તેને થોડી આશા બંધાઈ. તેણે ફરીથી પૂછયુંૹ “મેં સાંઢણીની પલાણ બનાવવાનું કહ્યું હતું બનાવી છે કે નહીં?”
જવાબ મળ્યોૹ “મને ખબર નથી.”
બાકરનો અડધો ઉત્સાહ મરી પરવાર્યો. કાઠી વગર તે સાંઢણીને શું કરશે? નાનક હોત તો તેણે ભલે ના બનાવી હોય પણ બીજા કોઈ પાસેથી માગીને પણ લઈ આવત. આ વિચાર આવતાં તેને થયું ચાલો મશીરમાલ પાસેથી માગી લઈએ. તેની પાસે તો એટલાં બધાં ઊંટ છે કોઈને કોઈ જૂની કાઠી હશે જ. હમણાં તેનાથી કામ ચલાવશું ત્યાં સુધીમાં નાનક નવી કાઠી બનાવી આપશે. એમ વિચારી તે મશીરમાલના ઘર તરફ ચાલ્યો.
પોતાના સારા દિવસોમાં મશીરમાલ સાહેબ ઘણા પૈસા કમાયા હતા. જ્યારે આ બાજુ નહેર બની, તેમણે પોતાના પૈસા અને પ્રભાવથી આ બાજુની ઘણી જમીન પાણીના ભાવે ખરીદી લીધી હતી. હવે રિટાયર થઈને અહીં જ રહેતા હતા. નોકરો રાખ્યા હતા. આવક ખૂબ હતી. અને આરામથી જીવન પસાર થઈ રહ્યું હતું. પોતાની ચોપાટમાં એક પાટ પર બેઠા બેઠા હુક્કો પીતા હતા. માથે સફેદ સાફો, સફેદ ઝભ્ભો તેના પર સફેદ જાકીટ. સફેદ રંગની લૂંગી. ધૂળથી ભરેલા બાકરને સાંઢણીની રશી પકડીને આવતા જોઈ તેમણે પૂછ્યુંૹ “બાકર, કઈ બાજુથી આવે છે?” બાકરે નીચા નમી સલામ કરતાં કહ્યુંૹ “બજારથી આવું છું માલિક.”
“આ સાંઢણી કોની છે?”
“મારી જ છે, માલિક. હમણાં જ બજારમાંથી ખરીદીને લાવ્યો છું.”
“કેટલામાં લાવ્યો?”
બાકરને થયું કે કહી દે આઠવીસીમાં લાવ્યો છું. તેને મન આવી સુંદર સાંઢણી ૨૦૦ રૂ. માં પણ સસ્તી જ હતી. પણ પછી મનના માન્યું. કહ્યુંૹ ‘હજૂર, તે તો ૧૬૦ માગતો હતો પણ સાતવીસીમાં જ લઈ આવ્યો.’
મશીરમાલે એક નજરે સાંઢણી જોઈ. તે પોતે ઘણા સમયથી એક સરસ સાંઢણી પોતાની સવારી માટે ખરીદવા માગતા હતા. તેમની પાસે સાંઢણી તો હતી પણ ગઈ સાલ તેને રોગ થઈ ગયો. જો કે ગળીનાં પાંદડાં આપવાથી તેનો રોગ તો દૂર થઈ ગયો પણ હવે તેની ચાલમાં એ મસ્તી, એ ચમક રહ્યાં નહોતાં. આ સાંઢણી તેમની નજરમાં વસી ગઈ. શું સુંદર ને સુડોળ અંગ છે! કેવી સફેદ ઝાંયવાળો ભૂરો ભૂરો રંગ છે! કેવી લચલચાતી લાંબી ગરદન છે. કહ્યુંૹ “ચાલ, હું તને આઠવીસી આપું. મને એક સાંઢણીની જરૂર છે. દસ રૂ. તારી મહેનતના.” બાકરે ફિક્કા હાસ્ય સાથે કહ્યુંૹ “હજૂર, હજુ તો મારો શોખ પણ પૂરો થયો નથી.”
મશીરમાલ ઊઠીને સાંઢણીની ગરદન પર હાથ ફેરવતા હતા. “વાહ શું અસલી જાનવર છે.” મોટેથી બોલ્યાૹ “ચાલ, પાંચ રૂપિયા બીજા લઈ લે.” અને તેમણે બૂમ પાડી ‘નૂરા, ઓ નૂરા.’ નોકર ભેંસો માટે ઘાસ કાપતો હતો. દાતરડું હાથમાં લઈને તે દોડતો આવ્યો. મશીરમાલે કહ્યુંૹ “આ સાંઢણી લઈ જા ને બાંધી દે, ૧૬૫ રૂ.માં કેવી છે?”
નૂરાએ અવાક્ ઊભેલા બાકરના હાથમાંથી રાશ લીધી. ને ઉપરથી નીચે સુધી સાંઢણીને જોતાં જોતાં બોલ્યો ‘શું જાનવર છે?’ અને આટલું કહી તે ચાલ્યો ગયો.
ત્યારે મશીરમાલે ભેટમાંથી ૩૦ રૂ.ની નોટ કાઢીને બાકરના હાથમાં મૂકતાં હસતાં હસતાં કહ્યુંૹ “હમણાં જ એક જણ આપી ગયો. કદાચ તારા નસીબમાં જ હશે. હમણાં આટલા રાખ. બાકીના એકબે મહિનામાં પહોંચાડીશ. બની શકે કે તારા કિસ્મત પહેલાંયે તને મળી જાય.” અને કોઈ જવાબ સાંભળ્યા વગર એ સાંઢણી તરફ ચાલવા માંડયા.
નૂરા ફરીથી ઘાસ કાપવા માંડયો હતો. એને દૂરથી જ બૂમ પાડીને તેમણે કહ્યુંૹ “ભેંસના ચારા રહેવા દે, પહેલાં સાંઢણી માટે ગવાર નાખ. બિચારી ભૂખી થઈ લાગે છે.” અને પાસે જઈ સાંઢણીની ગરદન પંપાળવા લાગ્યા.
વદનો ચંદ્ર હજુ ઊગ્યો નહોતો. વગડામાં ચારેબાજુ સન્નાટો છવાઈ રહ્યો હતો. માથે એકબે તારા નીકળ્યા હતા. અને દૂર બાવળનાં અને બીજાં વૃક્ષો કાળાંધબ દેખાતાં હતાં. એક ઝાડની પાછળ પોતાના કસબાની બહાર બાકર બેઠો બેઠો એ ક્ષીણ પ્રકાશને જોઈ રહ્યો હતો, જે વાંસનાં કપાટિયામાંથી ચળાઈને તેના આંગણામાં પડતો હતો. તેને ખબર હતી, રઝિયા જાગતી હશે. તેની રાહ જોતી હશે. તે રાહ જોતો હતો કે દીવા હોલવાય અને રઝિયા સૂઈ જાય પછી એ ચૂપચાપ પોતાના ઘરમાં દાખલ થાય.