Chis.. in Gujarati Short Stories by Darshit Soni books and stories PDF | ચીસ્...

Featured Books
Categories
Share

ચીસ્...

૬ મે, ૨૦૧૬ શુક્રવાર

ચીસ...

રાત ના સાડા અગિયાર વાગે ઓરડા માં એક શબ ચિર નિંદ્રા માણી રહ્યું હતું અને આસપાસ શરબત શાંતિ પથરાયેલી હતી. લગભગ પચાસી વટાવી ચૂકેલ મહિલા ના મૃત શરીર ની બાજુમાં તેનો પતિ અને એક નો એક પુત્ર સગા સંબંધીઓ ના આવવાની રાહ જોતા હતા. પાડોશીઓ સાથે તો પહેલેથી જ બોલવાનો’ય વ્યવહાર નહોતો, છતાં બે-ત્રણ જુવાનિયાઓ માનવતા ની રુહે બંને ની બાજુ માં બેઠા હતા.

* * *

નિખિલ લગભગ ત્રણ વર્ષ નો હતો ત્યારે જ માતા-પિતા મુંબઈ છોડીને અમદાવાદ સ્થાયી થવા આવી ગયા હતા. શરૂઆત માં નોકરી ની અસ્થિરતા ને લઈને ત્રણ-ચાર ભાડા ના મકાન બદલ્યાં, અંતે એક શૈક્ષણિક સંસ્થા માં કારકુન ની નોકરી મળતાં ઘર બાબતે પણ સ્થિર થયાં.

ચારે‘ક વરસ ની મહેનત ને અંતે ઘર નું ઘર થયું અને આર્થિક સંકડામણ દુર થઈ. ઘર માટે લીધેલ લોન ના હપ્તા ધીમે ધીમે કરી ને ચૂકવવા હતા ત્યાં એક રાત્રે સ્વસ્થ અને સોહામણા દેખાતા નિખિલ ને અચાનક ઊલટીઓ શરુ થઇ. ત્યારે તો ઘરગથ્થું ઉપચાર કરી ને ઊલટીઓ બંધ કરાવી દીધી. એક દિવસ આરામ કરાવી બીજા દિવસ થી નિખિલ ને સ્કૂલે મોકલવાનું ચાલુ કર્યું.

તોફાની ટપુડો હવે તો અડોશી પાડોશીઓ માં પણ લાડકો બની ગયો હતો. નિખિલ ને ઘેર એકલો મુકીને ક્યાંક બહાર જવાનું થાય તો પણ મમ્મી-પપ્પા ને વધુ કંઈ ચિંતા રહેતી નહીં. નટખટ નિખિલ પણ ફલેટ ના બધા પાડોશીઓ ના મકાનો પોતાના જ સમજતો.

આમ ને આમ બીજા ત્રણ મહિના વીતી ગયા. અને એક દિવસ અચાનક સ્કૂલે થી ફોન આવ્યો. હાંફતી-દોડતી મમ્મી નિખિલ ને સ્કૂલે થી સીધી દવાખાને લઇ ગઈ. અને એ દિવસ થી તેમના દવાખાના ના અને હોસ્પિટલ ના ચક્કર ચાલુ થઇ ગયા. ડોક્ટર ની સૂચના મુજબ વિવિધ લેબોરેટરી ટેસ્ટ પણ કરાવ્યા. પછી થોડા દિવસ બાધા-આખડી-પ્રાર્થના નો દૌર ચાલ્યો.

ડોક્ટર ને રિપોર્ટ બતાવવા જતા પહેલા ફરી એક વાર ભગવાન ને રીઝવવા નો પ્રયત્ન થયો. હોસ્પિટલ માં માતા-પુત્ર ને રુમ ની બહાર બેસાડી પિતા ડોક્ટર ના રુમ માં પહોંચ્યા. ડોક્ટરે ઝીણી નજરે બધા રિપોર્ટ વાંચ્યાં.

"કેન્સર ની ગાંઠ." નિદાન થયું.

"શું... શું કહ્યું સાહેબ?" ગાળા માં થી માંડ બહાર નીકળેલા અવાજે નિખિલ ના પિતા એ ગળગળા થઈને પૂછ્યું.

"માથા માં કેન્સર ની ટયૂમર છે, પણ ઓપરેશન થી સારું થવાની તકો ઘણી છે, એ પછી દવાઓ ના ડોઝ વ્યવસ્થિત ડોઝ થી સંપૂર્ણ સારું થઇ જશે. હા, જેટલું વહેલું ઓપરેશન કરાવો એટલું વધું સારું."

"અત્યારે જ દાખલ કરો એને, પૈસાની વ્યવસ્થા માટે હું આકાશ-પાતાળ એક કરીશ."

અને પછી દવાઓ અને દુઆઓ ના સહારે ઓપરેશન ના બે વર્ષ સુધી માં નિખિલ કેન્સર થી સંપૂર્ણ મુક્ત થઇ ગયો. પણ ધીમે ધીમે તેના વર્તન માં જીદ્દીપણું વધવા લાગ્યું. પાડોશીઓ સાથે સરળતા થી હળી -મળી જતો નિખિલ હવે નાની-નાની વાત માં પાડોશીઓ સાથે ઝઘડા કરી નાંખતો.

દસ વર્ષ ના પુત્ર ની બધી ખ્વાઈશ પૂરી કરવા જેટલી આર્થિક સ્થિતિ હવે એના મમ્મી-પપ્પા ની રહી નહોતી. અત્યાર સુધી બધી બચત દવાઓ અને ઓપરેશન પાછળ ખર્ચાઈ ચૂકી હતી. આર્થિક તંગી ને લીધે પિતા નો સ્વભાવ પણ થોડો ચિડીયો થઇ ગયો હતો. એક માત્ર નિખિલ ની મમ્મી સ્વસ્થ માનસિક સ્થિતિ રાખી શકી હતી.

દિવસે દિવસે નિખિલ ની જીદ વધતી જતી હતી. શરુઆત માં બાળ સહજ વર્તન ગણતાં મમ્મી-પપ્પા તેના આ વર્તન ને હવે ગંભીરતા થી લેવા માંડ્યા હતાં.

એક સાંજે અચાનક તેણે નવી સાઈકલ ની માંગણી કરી. મમ્મી-પપ્પા એ પોતાની લાચારી સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે એક નો બે ના થયો. અને તેની જીદ થી તંગ આવેલા પપ્પા એ ગાલે તમતમતો તમાચો ચોડી દીધો. રાત્રે ઊંઘ માં કંઈ સળવળાટ સંભળાતા પતિ-પત્ની જાગ્યાં , જોયું તો નિખિલ કબાટ માં થી કપડા નો એક બાજુ ઢગલો કરી સળગાવવા નો પ્રયત્ન કરી રહ્યો હતો.

ત્યાર થી તેના પર નજર રાખી ને ડોક્ટર ની સલાહ મુજબ મનોચિકિત્સા માટે લઇ જવામાં આવ્યો. બે-ત્રણ મુલાકાતો પછી નિદાન થયું, "નાની ઉંમરે ભારે દવા ની વધુ પડતી માત્રા ને લીધે આડ અસર થઇ છે. લાંબા ગાળા ની સારવાર કરવી પડશે. માતા-પિતા નો પૂરે પૂરો સહકાર જોઇશે, નહીંતર ફરી ક્યારેક અવેગિક પગલું ભરી શકે.

"કેટલો સમય ચાલશે સારવાર?" પિતા એ પૂછ્યું.

"સંપૂર્ણ સારું થાય ત્યાં સુધી."

"સમય?"

"કંઈ નક્કી નહીં, બે, ચાર... કે કદાચ છ વર્ષ સુધી ચાલે."

અને ફરી પાછો દવાઓ નો દૌર ચાલુ થયો. આ દરમિયાન નિખિલ ના તોફાનો ને કારણે પાડોશીઓ એ પણ સંબંધ ઓછા કરી નાંખ્યાં. દોઢ વર્ષ ની સારવાર પછી પૈસા ની મુશ્કેલી ને કારણે તેની દવા બંધ કરી પિતા એ બધું ઉપર વાળા પર છોડી દીધું.

હાઈસ્કૂલ માં આવેલા નિખિલ ની સ્કૂલમાં થી આવતી ફરિયાદો પણ વધ​વા લાગી. તેમ છતાં જેમ​-તેમ કરીને માતા-પિતા એ તેને ભણાવ્યો. પણ બારમા ધોરણ માં તે પાસ ના થ​ઈ શક્યો. તેના તોફાનો ઉંમર ની સાથે વધ​વા લાગ્યાં હતાં.

એક સવારે પાડોશી સાથે નિખિલ ની તકરાર થતાં મામલો મારામારી સુધી અને પછી પોલિસ સ્ટેશને પહોંચ્યો. હવે આજુબાજુ માં સંબંધ રાખવાવાળું કોઇ નહોતું. અને પિતા એ પણ મનોચિકિત્સક ની સલાહ અવગણી ને પુત્ર સાથે ના બોલવાના સંબંધો પણ તોડી નાંખ્યા. હવે એક ઘર માં ત્રણ માણસો જીવતાં હતાં પણ એ ત્રણેય ‘સાથે’રહેતાં નહોતાં.

પિતા તરફ થી મળતો પ્રેમ ઓછો થતાં નિખિલ બહાર પ્રેમ શોધ​વા લાગ્યો. અજાણી છોકરીઓ ને પ્રપોઝ કર​વું કે જબરદસ્તી કર​વી એ તેની આદત બની ગઇ હતી. બીજા વર્ષે જેમ તેમ કરી ને બારમું ધોરણ પાસ કર્યું. કોલેજ માં સ્કૂલ ની સરખામણી માં વધુ આઝાદી મળી. દેખાવ માં સારી લાગતી છોકરીઓ ને ધારી-ધારી ને જોવું, તેમનો પીછો કર​વો એ કોલેજ મં તેના માટે રુટિન થઇ ગયું.

આ દરમ્યાન ઘણા વર્ષો પછી ફરી એક વાર મુંબઇ જ​વાનું થયું. માતા-પિતા નો જીવ તો ઊંચો જ હતો. ખુદા ન ખાસ્તા, નિખિલ ત્યાં કોઇ ન​વી મુશ્કેલી ઊભી કરે તો? અને થયું પણ એવું જ્. મુંબઇ માં જ્ઞાતિ ના મેળાવડા માં બધા ની હાજરી માં તેણે એક પ્રતિષ્ઠિત વેપારી ની પુત્રી નો હાથ પકડ્યો. વાત આગળ વધે એ પહેલાં માતા-પિતા નિખિલ ને લઇ ને અમદાવાદ પાછ વળ્યાં. હ​વે સમાજે પણ તેમનો આડકતરી રીતે બહિષ્કાર કર્યો.

બસ​, એ દિવસ થી મમ્મી એ પણ પુત્ર સાથે કામ વગર બોલ​વાનું બંધ કર્યું. હ​વે તેને ઘર માં મળતો થોડો ઘણો પ્રેમ પણ બંધ થયો અને એટલી જ વધુ તડપ પ્રેમ શોધ​વા ની વધ​વા લાગી. હ​વે સીધી રીતે છોકરીઓ સાથે વાત કર​વા ના મળે તો નિખિલ તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે દેવદાસ નું સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. પણ તેનાથી તો અવળી અસર થઇ.

લઘરવઘર કપડાં, તદ્દન બિનઅસરકારક વ્યક્તિત્વ અને ગંભીર ચહેરો રાખી ને ફરતા નિખિલ સાથે હવે છોકરીઓ વાત કરવાનું ટાળતી. છોકરાઓ એ પણ તેની સાથે બોલવાનું ઓછું કર્યું. કોલેજ ના ત્રીજા વર્ષ માં ફરી આવેગ માં આવી જાહેર માં તેની ક્લાસમેટ ની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો. વાત કોલેજ ના પ્રિન્સિપાલ સુધી પહોંચી.

હ​વે તેન મતે પોતનું પૌરુષત્વ પુર​વાર કર​વાનો એક જ રસ્તો બાકી બચ્યો હતો. અને પછી ગુંડગીરી માં આગળ ગણાતા મથાભારે તત્વો સાથે ના સંબંધો વધ​વા લાગ્યા. મારા-મારી, ધાક્-ધમકી, એ તેના માટે હ​વે ડાબા હાથ નો ખેલ હતો.

ત્યાર પછી તો ઘણા ઝઘડા ઘર સુધી આવતા. ઘર માં કંકાસ વધ​વા લાગ્યો. મમ્મી ના ઠપકા ને કારણે મોટેભાગે તે ઝઘડા ની પતાવટ બહાર જ કરતો. તેમ છતાં થોડા મહિના પછી એક સંગીન ગુના માં તેનું નામ સંડોવાયું. બે-ત્રણ વર્ષ માં બનાવેલા બધા મિત્રો છૂટી પડ્યા ત્યારે તેની મમ્મી એ તેને ગુના માં થી મુક્ત કરાવ​વાના બધા પ્રયત્નો કર્યાં.

કેટલાય મહિના ના અદાલત ના ચક્કરો પછી તે નિર્દોષ મુક્ત થયો. હ​વે તેની જીંદગી માં ફરી તેની મમ્મી નું મહત્વ વધ​વા લાગ્યું, પણ અપરાધ ભાવ ને કારણે તે કંઇ બોલી ના શક્યો. હ​વે તે મમ્મી ન વિરોધ માં બોલાયેલા શબ્દો સહન નહોતો કરી શકતો. તેના માટે તેની મમ્મી જ સર્વેસર્વા હતી.

અને એક સાંજે છાતી માં ભયંકર દુ:ખાવો ઉપડતાં મમ્મી ના મોઢા માંથી મોટી ચીસ નીકળી ગઇ. નિખિલ ડોક્ટર ને બોલાવ​વા જાય એ પહેલા તો શરીર નિશ્ચેતન થઇ ગયું હતું.

* * *

નિખિલ ઉભો થયો, અંદર ના ઓરડા માં દાખલ થયો. તેના પપ્પા પેલા બે-ત્રણ જુવાનીયાઓ સાથે સગાં-સંબંધીઓ ની રાહ જોતા બેઠા હતાં. લગભગ અર્ધો કલાક સુધી નિખિલ બહાર ના આવ્યો. કશુંક અજુગતું બન્યા ની શંકાએ તેના પપ્પા ઉભા થઇ અંદર ના રૂમ તરફ ગયા અને દર​વાજે ઉભા રહી અંદર ની તરફ નજર કરી. અંદર નું દ્રશ્ય જોતાં જ હ્રદય ચીરી નાંખે એવી ચીસ નીકળી, "નિખિલ...". વર્ષો પછી પુત્ર ને સંબોધી ને કહેવાયેલાં એ ત્રણ અક્ષર નો એક શબ્દ હતો, પણ તેને સાંભળનાર હ​વે આ દુનિયા માં નહોતો.

અને સ​વારે નીકળેલી માતા-પુત્ર ની અર્થી માં એક પછી એક એમ બસ્સો માણસો જોડાઇ ગયા.

દર્શિત સોની