Kayo Love - Part - 25 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ - 25

Featured Books
Categories
Share

કયો લવ - 25

કયો લવ ?

ભાગ (૨૫)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૫

ભાગ (૨૫)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૪ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૪) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઈરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.

સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે.

ત્યાં જ રોનકે પણ સોની માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું હોય છે...આદિત્ય પળવારની મુલાકાતમાં જ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દે છે.

સોનીના બર્થ ડે બાદ પ્રિયાનું અગત્યનું કામ હતું રોઝ નામની છોકરીને મળવાનું...તેને સ્ટેશન પર નીલ સર મળે છે, બંને એક જ ટ્રેન નાં ડબ્બામાં બેસીને વાર્તાલાપ કરે છે.. પ્રિયા જર્જરીત બંગલામાં પહોંચે છે.

બંગલામાં પ્રિયાની આદિત્ય સાથે અણધારી મુલાકાત થાય છે....પ્રિયા રોઝનો ફોટો પોતાનાં મોબાઈલમાં ખેંચી લે છે.

પ્રિયા પોતાના ભાઈ સૌમ્યની આતુરતાપૂર્વક રાહ જોતી હતી....ત્યારે તેને ખબર પડ્યું કે રોઝ નામની છોકરીનું નામ રિધીમા છે... ત્યાં જ સૌમ્ય દ્વારા જ્યોતિકા ફોઈનું મોત વિષે વાત ઉખેળવામાં આવી, પ્રિયાને પોતાની ફોઈ જ્યોતિકાની મોત વિષેની ઘટના આંખ સામે તરતી દેખાઈ....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૪ જરૂર વાંચજો..)

......................................................................................................................................................

હવે આગળ...........

પ્રિયા ફરી બડબડી, “ રાઘવ જેવા કેટલા એવાં પુરુષો હશે જે સમસ્યાનો હલ કાઢવાના બદલે જાણે પત્ની જ એકમાત્ર તેની સમસ્યાનો હલ કાઢવા માટેનું સાધન હોય તેમ કાવતરા કરીને હાસિલ કરતા હોય છે.....!!”

પ્રિયા થોડી અટકી અને પોતાનાં વિચારોમાંથી અળગી થઈને પોતાનાં સૌમ્ય ભાઈને તર્કબદ્ધ કહેવાં લાગી, “ પણ બ્રો આ બધી બાબતોમાં આ ફોઈની વાત ક્યાં સંકળાયેલી છે....??”

“ એ જ કહું છું ને હવે વાત સાંભળ તું..” સૌમ્ય પણ જાણે મૂડમાં આવ્યો હોય તેવી રીતે કહ્યું.

પ્રિયાએ પોતાનાં કાન સરવા કર્યા અને આંખ સહેજ ઝીણી કરીને સૌમ્ય શું કહેવાં માગતો હતો તે ધ્યાન દઈને સાંભળવા, તે એકીટશે સૌમ્ય તરફ જોતી રહી.

મારું એમ.બી.એ. ત્યારે પૂરું થઈ ગયું હતું. ડેડ હવે મને પણ પોતાનાં બિસનેસમાં સામેલ કરવા માગતાં હતાં. પણ હું એટલા જલ્દી બિસનેસમાં જોડવા માગતો ન હતો, હું સ્ટડી કરીને થાકેલો હતો, મને આરામ જોઈતો હતો. હું લાંબો પ્રવાસ કરીને દોસ્તો સાથે મજા કરવા માગતો હતો. અને તેથી જ મને લાંબો બ્રેક જોઈતો હતો. તેટલા જ બ્રેકમાં જાણે પૂરી દુનિયા ફરવા માગતો હોય તેમ મને આપણા ઘરમાંથી જ ભાગી જવું હતું. અને તે સમય પણ આવ્યો. ડેડ ફોઈની ઘટના પહેલા આપણી સાથે છુટછાટથી વર્તતા હતાં. તેઓ ક્યારે પણ મારા કોઈ પણ કામમાં ટાંગ અડાવતા ન હતાં. અને હું પણ એવો જ કોઈ નબીરાનો બગડેલો છોકરાની જેમ ડેડ સાથે વર્તતો.

મેં ડેડ પાસેથી પરવાનગી લઈ લીધી હતી. અને સાથે જ કોઈ બેપરવાહની જેમ ડેડ અને મોમ ને કહ્યું હતું કે, હું લાંબો પ્રવાસ કરવા માટે જઈ રહ્યો છું, મને તમે ડીસ્ટર્બ નહિ કર્યા કરતા...હું ફોન જાતે કરી લઈશ તમને... હું ક્યારે આવીશ એનો કોઈ નક્કી સમય નથી.

ડેડ અને મોમ એ બધું શાંતિથી સાંભળી રહ્યાં હતાં, કદાચ એમને ત્યારે એમ જ હતું કે જુવાન લોહી છે એટલે આટલો ઉછળતો હશે.

હું પણ લુચાઈની જેમ જતા જતા એટલું જ કહી ગયો, ડેડ મારા બેંક એકાઉન્ટમાં ફક્ત પૈસા ટ્રાન્સફર કરતા રહેજો.

હું ઘરેથી ઉત્સુકતાથી જ એ વિચારે નીકળી ગયો કે, વાઉં !! હું હવે ખૂબ રખડવાનો, અને ખૂબ મજા કરવાનો..!!

પ્લાનિંગ મારા ફ્રેન્ડોએ આગળથી જ બધું કરી રાખ્યું હતું કે આપણે ક્યાં પહેલા જવાના છે અને છેલ્લે પછી ક્યાં જઈને રોકવાના છે....એમાં પહેલું ફરવા માટેનું સ્થળ નક્કી કરાયું હતું ગોવા....

પ્રિયા આ બધી જ વાત ધ્યાનથી સાંભળતી હતી, તેને તેના ભાઈની વાત સાંભળીને હસવું પણ આવી જતુ હતું. પણ તે પોતાનું હસવાનું રોકી લેતી. કેમ કે પ્રિયાને ખબર હતી કે એક વાર હસી તો આગળની કહાની સાંભળવા નહિ મળશે. સૌમ્ય પણ એવો જ હતો, જે વાત તો કહી રહ્યો હતો પરંતુ એકદમ ગંભીર રીતે સંભળાવી રહ્યો હતો.

મારા ફ્રેન્ડ્સ લોકોને તો તું ઓળખે જ છે, રોની, તુષાર, મોન્ટી, અને એ મારો ઈડિયટ ફ્રેન્ડ અંકિત...હા એ જ બેવકૂફનાં માટે તો હું ત્યાં ફસાયો...

અમે બધા ફ્રેન્ડ્સ લોકો નોર્થ ગોવા ભણી ગયા હતાં, અન્જુના બીચને ત્યાં આપણે જઈશું એવું નક્કી થયેલું હતું. અમે લોકોએ હોટેલનાં રૂમ પણ ત્યાં જ આસપાસ પણ થોડે દૂર બુક કરાવેલા. સાંજે અમે બધા હોટેલ પરથી રવાના થઈ અન્જુનાં બીચ પર આવ્યા.

મારા બધા જ ફ્રેન્ડમાં ફરવાની ગજબની શક્તિ અને તીવ્ર ઉત્કંઠા હતી. પણ હું તો ખબર નહિ કંઈ માટીનો હતો, હું ફરવા તો દિલ ખોલીને આવ્યો હતો પરંતુ મને ખબર નહિ કયો પારાવાર થાક લાગતો હતો !! હું ત્યાં જ નાની છાવણી આગળ નીચે જ રેતીમાં સુસ્ત થઈને આડો પડ્યો, અને કાનમાં ઈઅર ફોન નાંખી સોંગ સાંભળતો રહ્યો, જવાના પહેલા મારા બધા જ ફ્રેન્ડોએ મને ઘણી લાત મારીને ગયા...કદાચ ઘણી બધી ગાળો પણ ભાંડી હશે, પણ મારું વોલ્યુમ હાઈ હતું, એટલે મને કંઈ સંભળાયું નહિ, પરંતુ હું એ બધી જ લાત સુસ્ત પ્રાણીની જેમ ખાધી. ઉત્સુકતા મારી ફરવાની ક્યાં ઓસરી ગઈ હતી એ મને ખબર પડી ના હતી.

હું રેતીના ઢગ પર દરિયાના કિનારા બાજુ મારું મોં કરીને ઊંધો પડ્યો હતો. ત્યાંથી હું દરિયાનાં કાંઠે આવતા જતા લોકોને પણ જોઈ સકતો હતો, મારા બધા ફ્રેન્ડોને દૂર સુધી જતા જોયા, પછી મને તેઓ દેખાતાં બંધ થયા. હું આંખ પર ગોગલ્સ ચઢાવ્યો. એક હાથ પર બીજો હાથ રાખી એના પણ મારું ડાચું રાખી સોંગ સાંભળતો, લોકોને નિહાળવા લાગ્યો, એમને એમ અડધો કલાક જેટલો સુતો એમા તો મારી સુઈ રહેવાથી કેડ હવે દુઃખવા લાગી હતી. હું તરજ જ સફાળો થઈ બેઠો, ઓહ્હ આ... જેવા દર્દ ભર્યા મોઢામાંથી શબ્દો કાઢતો. હું ઊભો નહિ થયો પરંતુ બેસીને જ બધાને જોતો રહ્યો....દરિયાના ધીરે આવતા મોજાના પાણીમાં મારું મગજ શું જોતુ હતું તે વખતે એ મને ના ખબર પડી. અંધારું થવા આવ્યું હતું તો પણ મારા દોસ્તો ફરીને હજુ આવ્યા ન હતાં. હવે મને એકલાને કંટાળો આવતો હતો.

હું રાહ જોઈને અંકિત પર મોબાઈલ કરવા જ જતો હતો ત્યાં તો મારા પર કોઈએ જોરથી અડધી ભરેલી કોલ્ડ્રીંક વાળી પ્લાસ્ટિકની બોટેલ ફેંકી. હું એ દિશામાં જોવા લાગ્યો કે કોણે મારા પર બોટેલ ફેંકી. મેં જોયું તો ગાંડો રોની હતો. એ લોકો છુપાઈને ક્યારના ઉભા હતાં એ તો એ લોકો જ જાણે ! પણ હા, એ લોકો મને લાત મારીને ધરાયા ન હતાં, એટલે બીજી મસ્તી ચાલું કરી, ત્યારે તો મને જાણ ન થઈ કે આ બોટેલની મસ્તી કેટલી ભારે પડવાની હતી અમારા માટે નહીં, ફક્ત મારા માટે કહું તો ખોટું નહિ.

મેં એ જ બોટલ ઉઠાવી અને ફરી રોની તરફ જ ફેંકી, પરંતુ રોની ગાંડાએ મારી તરફ તે બોટલ ન ફેંકતા અંકિત તરફ ફેંકી. અંકિતે હોશ અને જોશ એમ બંનેનું મિશ્રણ કરીને પોતાનું જેટલું બળ હતું એટલું વાપરીને તેણે ફરી રોની તરફ જ ફેંકી....પરંતુ રોની ત્યારે મને કેમ જોવા પડ્યો...બેધ્યાન જેવો કેચ પકડવાના બદલે સ્થિર થઈને મારી તરફ જોતો ઊભો હતો, ઉછળીને કેચ ન લેવાના કારણે રોનીના પાછળથી જ આવતી કોઈ છોકરીના હોઠે જોરથી તે બોટેલ વાગી, તે છોકરી તળેલી માછલી લઈને કોઈ ગ્રાહકને આપવા જતી હતી, અંધારામાં એટલું દેખાતું ન હતું, પણ છાવણીનો આછો પ્રકાશ રેતી પર રેલાતો હતો ત્યારે મને થોડી ખબર પડી હતી.

અને આ આપણો અંકિત, જરા પણ વિલંબ કર્યા વગર તે છોકરીના નજદીક જઈને ઇંગ્લિશમા જ પૂછવા માંડ્યું, કે લાગ્યું તો નહીં ને બેન !! એ છોકરીએ પણ પોતાનાં હોઠ પર રાખેલો હાથ, વિલંબ કરવા વગર અંકિતના ચહેરે ચોળી દીધો. અંકિતે બધું પતી ગયું પછી સોરી કહ્યું. એટલામાં જ આ બધી ઘટના કોઈ પહેલાથી જ જોતુ હોય તેમ કોઈ એક પગ ઢસરડતો છોકરો ત્યાં ધસી આવ્યો, અને તેણે પણ કંઈ પણ બોલ્યા વગર અંકિતને પહેલા ધક્કો માર્યો અને પછી ગાલ પર ચાટો ચોળ્યો. અમારા બધા ફ્રેન્ડોનું લોહી જાણે હમણાં જ ઉકળી આવ્યું હોય તેમ અમે મળીને એ છોકરાની ત્યાં જ ધુલાઈ કરી. અમે હવે ત્યાંથી ભાગવાનું નક્કી કર્યું, બધાએ પોતપોતાનો સામન ઉઠાવી ભાગવા માંડ્યું, પરંતુ ત્યાં જ અમને ખબર પડી કે એ છોકરો બીજા ચાર માણસોને લાવ્યો હતો.

રોનીએ જોરથી રાડ પાડી, “ અરે...ભાગો...યાર.. હોટેલ પર મળીએ....”

અમે બધા જાણે કોઈ ગેઈટમાંથી કુતરા છોડ્યા હોય તેમ જ્યાં જવાય ત્યાં ભાગ્યા...

મને કોઈ રસ્તો જડ્યો ન હતો, પણ ભાગતા ભાગતા જ મને એ ચારમાંથી બે આદમીએ પકડ્યો અને માર માર્યો, પણ હું એ બંનેમાંથી કેમે કરીને છુટીને ત્યાંથી નાસ્યો...હું ક્યાં પહોંચી ગયો હતો અંધારામાં જ એ જણાતું ન હતું, પરંતુ હું ગલી, ગલીએ ભાગીને એક બહારનાં રસ્તા પર ઘણી દૂર પહોંચી ગયો હતો, ત્યાં જ રસ્તા પર કોઈ સ્કૂટી લઈને આવી જ રહ્યું હતું, હું હેલ્પ કહીને બૂમ મારી. અને પાછો માર ખાઈને અધમુખો બની ગયો હતો, એટલે એ સ્કૂટી પર બેસેલી વ્યક્તિને જોયા વગર એમની પાછળ બેસી ગયો. એ વ્યક્તિએ પાછું હેલ્મેટ પહેર્યું હતું. હેલ્મેટ પરથી જ મને જાણ થઈ કે એ વ્યક્તિ કોઈ છોકરી હતી, કારણકે તેના વાળ ખુલ્લા જ હતાં જે પવનના વેગના કારણે ઝપાઝપ મારા મોઢા પર જોરથી વાગતા હતાં, હું મારું મોઢું આમ તેમ વાળથી બચવા માટે ફેરવ્યા કરતો.

એ છોકરીએ હિન્દીમાં જ કીધું, “ કહા જાના હે..?”

તે દિવસોમાં હું આળસું તો હતો જ પણ ભુલક્કડ પણ એટલો જ હતો. હું રસ્તો ખોળીને તો જઈ સકતો પણ રાતના અંધારાના સમયે મને ખબર પડી ના હતી કે હું ભાગતો ક્યાં આવી પહોંચ્યો હતો.

હોટેલનું નામ યાદ હોય તો કહું ને..!! હું ચૂપ જ રહ્યો. પછી થોડી વારમાં જ કીધું કે, “મેં મેરે ફ્રેન્ડ્સ કો કોલ કરતા હું..”

મેં અંકિત પર ફોન લગાડવા હાથમાં મોબાઈલ લીધો, મારું એ દિવસે શું હતું, પણ મને ત્યારે જ લાગ્યું કે આખો દિવસ તો ખરાબ, પણ હવે રાત નક્કી ખરાબ જવાની છે, મારી મોબાઈલની બેટરી લો થઈને ફોન બંધ થઈ ગયો હતો. એ જ્યાં લઈને જતી હતી, મેં પણ ત્યાં જ રોકાવાનો નિર્ણય કર્યો. એમ પણ મેં ઘણો માર ખાધો હતો, પહેલા દોસ્તો દ્વારા લાત અને પછી એ બે મજબૂત આદમીઓનાં હાથ અને પગનો માર...મારું શરીર હવે દુઃખવા લાગ્યું હતું...અને હું હમણાં જ મારી હોટેલની દિશા ગોતવા જાઉં તો મને ભય હતો કે પેલા ચાર માણસો પાછા મને મારવા ન દોડે..!!

એણે ફરી પૂછ્યું ક્યાં જવું છે, પણ હું મૂંગો જ બેસી રહ્યો, એ જ કારણે કે સવાર સુધી મને ખબર પડી જ જશે કે મને ક્યાં જવાનું છે!! એ છોકરી પણ ગલીમાંથી પસાર થઈ એક મકાનને ત્યાં તેનું સ્કૂટી ઊભું રાખ્યું. હું જ્યાં ઊભો હતો ત્યાંથી સાફ દરિયો દેખાતો હતો.

“ માઉશી.....” એમ કહીને એ છોકરીએ જોરથી બૂમ પાડી.

એ મકાનમાંથી એક મજબૂત બાંધાદાર સ્ત્રી નીકળી, જે પચાસેક વર્ષના લાગી રહ્યાં હતાં.

એ છોકરીએ પોતાની સ્કુટી એક ખાલી જગ્યે પાર્ક કરતા કહ્યું, “ યાલા બગ ગ માઉશી કોણ આ હે..”

હું ત્યાં જ ઊભો બધું જોતો હતો, એટલામાં જ એ છોકરીએ હેલ્મેટ કાઢ્યું, અને મને કહ્યું, “અંદર આ જાઓ..

એ છોકરીએ, માસીને કહ્યું, “હોટેલચ્યા નામ સુદ્ધા વીસરુન ગેલા પોરગા..” અને તેઓ બંને થોડા હસ્યા...

હું હસ્યો નહીં. એ છોકરીને અને એમના માસીને શું ખબર, હું કેવી પળોજણમાંથી આડીઅવળી શેરીએ ભાગ્યો...હું વગર વિચારે એણી પાછળ મકાનની અંદર પેઠો.

માસીએ મને એક મોટા જગમાં પાણી આપ્યું, હું બહાર આવીને મારા મોઢા પર પાણી ઉછાળ્યું, કોગળો કર્યો, અને ફરી અંદર ગયો. મકાન અંદરથી મોટું લાગતું હતું, એમાં ત્રણ કમરા દરવાજા વાળા સામે દેખાતાં હતાં, અને બીજી બાજુ કિચન અને હું જ્યાં બેસ્યો હતો તે હોલ લાગતો હતો.

મારી નજર એ છોકરીને ગોતી રહી હતી કે હું પણ હજુ કેવો આમને આમ બેઠો છું, થેંક યુ પણ કહ્યું નહીં. એ છોકરી ફ્રેશ થવા ગઈ હશે, એવું મને લાગ્યું. ટુવાલથી એ મોં લુછીને આવી રહી હતી, ત્યારે જ મેં એ છોકરીને સ્પષ્ટપણે જોઈ હતી.

એ છોકરીને જોતા જ હું મારો દિલનો એક થડકારો ચૂકી ગયો. એ છોકરીની ચમકદાર માંજરી આંખો, અને ગોરો વર્ણ....એ સુંદર નહિ, અતિ સુંદર હતી, પણ હું એ મજબૂત માસીનાં સામે તે છોકરી ભણી વધારે પડતું જોયું નહીં, હિંમત ના ચાલી, એક તો પહેલાથી જ માર ખાધો હતો..!!

“આપ ખાના ખા લો...બાદમે આપકો છોડને આતી હું..” એ છોકરીએ સહેજ કહ્યું.

મને એમની વાત પરથી એટલું ખબર પડ્યું કે આ છોકરી માટે હું નવો જેવો લાગતો ન હતો, કારણ કદાચ મારા જેવા પ્રવાસીઓ આવીને એવાં જ ભૂલે પડી જતા હશે, અને એમની આવી હેલ્પ આ લોકો કરતા જ હશે.

હું ધીરેથી પૂછ્યું, “ આપકા નામ..”

પણ એ જવાબ માસીએ જાણે જોરથી બૂમ મારતી હોય તેવી રીતે કહ્યું, “ રિધીમા..”

હું જાણે નામ પૂછીને કોઈ ભૂલ કરી હોય તેવી રીતે માસીએ મારા ભણી જોયું. હું થોડી વાર નીચું જોઈ ગયો.

પછી પાછું ઉચું ડોકું કરીને ધીમેથી જ કહ્યું, “ રિધીમા, થેંક યુ યાર.” મને સાથે જ ઊભેલી માસીનો યાદ આવ્યો...એટલે મેં યાર શબ્દ કાઢીને ફરી શબ્દો દોહરાવ્યા... “રિધીમાજી થેંક યુ...પર મુજે મેરે મોબાઈલ કો પહલે ચાર્જ કરના હોગા...આપકે પાસ એસી પીનનન....” હું મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં કહ્યું.

એને મારો મોબાઈલ હાથમાં લીધો. પછી એમણે જ કહ્યું આપ આ કમરામાં આરામ કરો, પછી નીકળજો. મને સાચ્ચે જ આરામની જરૂરત હતી. હું શરમ રાખ્યા વગર એ કમરામાં પેઠો, કમરામાં પ્રકાશ બલ્બનો હતો, આછો પીળા રંગનો પ્રકાશ આખા કમરામાં ફેલાયેલો હતો.

થોડી વારમાં માસી મારા માટે એક ભોજનની થાળી લઈને આવી, હું ભૂખ્યો હતો, એટલે હા ના એવું કંઈ પણ કહેવાં વગર મેં જલ્દીથી ભોજન પતાવ્યું. હું માસીનો આભાર માન્યો.

મને માસી સાથે થોડી વાત કરવી હતી, પણ તેઓ કમરામાં રોકાયા નહીં. હું થોડી વાર આમનેઆમ બેસી રહ્યો. હું પલંગ પર સુવા ગયો ત્યારે અપરંપાર મારી પીઠ, ડોક અને છાતીએ વેદના થતી હતી. મને એ બે માણસોએ સારો એવો મેથીપાક આપ્યો હતાં, એમના મજબૂત હાથો દ્વારા...

રિધીમા કમરામાં આવી, મને થોડો દર્દનો કરારતો જોતા જ પૂછ્યું, “ક્યાં હુવા...?”

મેં મારી સાથે બધી જ વીતી ગયેલી ઘટના સંભળાવી. એણે હસવું આવતું હતું, અને એ થોડી હસી પણ.

થોડી વારમાં એક માટીના વાસણમાં તે ગરમ કરીને હળદરનું ચીકણું સુવાળું ઘટ્ટ પ્રવાહી જેવું લાવી હતી અને મને જ મારા શરીર પર લગાડવા કહ્યું, હું મારું કાંડા ઘડિયાળ અને ગળામાં પહેરેલી સોનાની ચેઈન, આ હળદર વાળું ચીકણું પ્રવાહી ન લાગી જાય એટલે કાઢીને પલંગને અડીને રાખેલી નાની લાગતી ટેબલ પર રાખ્યા.

હું લગાડવા જ જતો હતો પરંતુ રિધીમાએ માસીને મોકલાવ્યા હતાં, માસીએ મને સારી રીતે સિસ્ટર્સની જેમ સેવા કરી, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ન હતાં. હું એટલું જ મનમાં કહી રહ્યો હતો કે અહિયાં કેટલા સારા લોકો રહે છે, નિસ્વાર્થ ભાવે સેવા...!! માસી ચાદર ઓઢાવીને જતા રહ્યાં, પરંતુ મારી નજર એ બલ્બ પર જતી હતી, જે ઝબકતો અને પછી બંધ થતો..અને ફરી ઝબકતો...પણ આખરે એ બલ્બ પ્રકાશ આપતો બંધ થયો અને આખા કમરામાં અંધકાર છવાઈ ગયો.

અંધારું જોઈને રિધીમાં અંદર આવી, ત્યાં જ જોરથી બરાડા પાડતો અવાજ મારી કાનમાં સંભળાયો, “ મિલને દો સાલ્લે...પકડ કે એસા માર નહીં મારા તો મેરા નામ ભી રોબર્ટ નહીં..”

માસીને એ રોબર્ટ નામનો છોકરો જોર જોરથી બરાડા પાડતો કહી રહ્યો હતો, “દેખો...ના....સના કા ક્યાં હાલ કિયા વો લડકે લોગોને.......” અને પછી સારી એવી ગાળી ભાંડી.

મારી સ્થિતિ હવે કફોડી થઈ ગઈ હતી, મને જરા પણ વાર ના લાગ્યું સમજતા કે રોબર્ટ નામનો છોકરો અમારી જ વાત કરી રહ્યો હતો. મને ત્યારે મારા બંને હાથના આંગળા, મોઢામાં નાખવાનું મન થઈ આવ્યું. આવી તે કેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે હું જેનાથી ભાગ્યો હતો, એના જ ઘરમાં આવીને આરામથી સેવા લઈ રહ્યો હતો...!! મને મારી જ બીક લાગવા લાગી હવે...!!

રિધીમા અવાજ સાંભળી કમરાની બહાર જવા લાગી હતી તે જ ઘડીએ મેં તેનો જોરથી અંધારામાં હાથ પકડી લીધો.

(ક્રમશ... )