Nagar - 18 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 18

Featured Books
Categories
Share

નગર - 18

નગર-૧૮

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન અને એલીઝાબેથ નગરની હોસ્પિટલમાં રોશન પટેલને મળવા પહોંચે છે. ઇશાન રોશન સાથે વાતો કરતો હોય છે ત્યારે એલીઝાબેથ હોસ્પિટલના મોર્ગ તરફ જાય છે...મોર્ગમાં માર્ગીની લાશ અચાનક બેઠી થઇ તેની સમક્ષ આવે છે. હવે આગળ વાંચો.....)

ભયાનક ડરનાં લીધે એલીઝાબેથ લગાતાર ખીચી રહી હતી. તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો અને ચહેરો પીળો પડી ગયો હતો. ભૂરી આંખોમાં દુનીયાભરનો ખૌફ ઉભરી આવ્યો હતો. તેનાં હાથ-પગ, સમગ્ર દેહ થર-થર ધ્રુજતો હતો. તે ત્યાંથી દુર જવા માંગતી હતી... ચિલ્લાઇને ઇશાનને બોલાવવા માંગતી હતી...પરંતુ એવું કંઇ તેનાંથી થયુ નહી. તેનાં ચેહરાની એકદમ નજીક માર્ગીનો ચહેરો હતો. તેની આંખો બંધ હતી તેમછતાં તેનો સફેદ પડી ચૂકેલો ભયાનક ચહેરો એલીઝાબથનાં હ્રદયમાં ડર પેદા કરતો હતો. તેનાં સફેદપૂણી જેવા ચહેરા ઉપર માત્ર હોઠ જ હલતાં હતાં, અને એ હોઠો વચાળેથી એક વાક્ય વારં-વાર નીકળતું હતું. “ખૂન કા બદલા ખૂન.....ખૂનનો બદલો ખૂન....” હોસ્પિટલની નાનકડી અમથી રૂમમાં એ શબ્દો કોઇ જંગી સ્પિકરમાંથી નીકળતા ડરામણાં સંગીતની જેમ પડઘાઇ રહયાં હતા. એલીઝાબેથની છાતીના પાટીયા બેસતાં જતા હતાં.

આખરે તેણે આંખો બંધ કરી પોતાનાં બંને હાથ માર્ગીના સોલ્ડર ઉપર ટેકવ્યા અને શરીરમાં હતી એટલી સમગ્ર તાકત એકઠી કરીને માર્ગીને એક જોરદાર ધક્કો માર્યો. અચાનક ધક્કો લાગવાથી માર્ગીના પગ ફર્શ ઉપરથી ઉખડયા અને તે પાછળ તરફ ધકેલાયો, એ સાથે અચાનક જાણે તેનાં પગમાંથી કૌવત ઓસરી ગયુ હોય એમ તે લથડયો અને તેનું શરીર જમીન ઉપર ઢળી પડયુ. એલીઝાબેથ ચિખતી, બુમો પાડતી એ કમરામાંથી બહાર તરફ દોડી.....

@@@@@@@@@@

“ એ તલવાર કયાં છે રોશન.....?” ક્યારનો મનમાં ઘુમરાતો પ્રશ્ન ઇશાને આખરે પુછી લીધો. “ જો એ તલવાર કોની છે એ જાણવા મળી જાય તો આ કેસમાં કંઇક રોશની પડે.”

“ એ તલવાર પોલીસનાં કબજામાં છે. અને તને શું લાગે છે.....? પોલીસે એનાં વિશે તપાસ નહી કરી હોય.....? જયસીંહ રાઠોડ ભારે પાવધરો માણસ છે. તેણે આ કેસનાં બધા પાસા ઉપર જરૂર વિચાર્યુ જ હશે.....” રોશન બોલ્યો.

“ તો પછી એ તારી પાછળ શું કામ પડયો છે....? તલવારનાં માલિકને શોધે એટલે કેસ સોલ્વ. નાહકનો એ તારી પાછળ સમય શું કામ બગાડે છે....?”

“ મને તો કંઇ સમજાતું નથી. વિચારી-વિચારીને મારું મગજ બહેર મારી ગયું છે....” રોશને પોતાનાં કપાળે હાથ દબાવતાં કહયું.

ઇશાન તેને કંઇક પુછવા જતો હતો કે સહસા તેનાં કાને એલીઝાબેથની ચીસો અફળાઇ. તે કંઇ સમજે એ પહેલા એ કમરા બહાર લોબીમાં કોઇ દોડતું આવ્યુ અને ભારે વેગથી એ વ્યક્તિએ રોશનનાં રૂમનો દરવાજો ખોલી નાંખ્યો. તે વ્યક્તિ એલીઝાબેથ હતી. કમરાનાં દરવાજે ઉભી રહીને તે હાંફી રહી હતી. તેનાં દિદાર વિચિત્ર થયા હતા. તેની આંખોમાંથી આંસુ ઉભરાતા હતા. તેની પાછળ હોસ્પિટલનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

“ ઓહ ગોડ એલી, શું થયું......?” ઇશાન દરવાજ તરફ લપકયો.

“ ત્યાં.....ત્યાં....પેલી લાશ.....” એલીઝાબેથ સરખુ બોલી પણ શકતી નહોતી. તે સખત ડરી ગઇ હતી. હાંફતી છાતીએ તે સામેનાં કોરીડોર તરફ હાથ લંબાવી કંઇક કહેવા માંગતી હતી પરંતુ તેનો પોતાનો અવાજ તેનાંજ ગળામાં અટકી ગયો હોય એમ શબ્દો ગળામાંથી બહાર નીકળતા નહોતા.

“ રિલેક્ષ...રિલેક્ષ....ડિયર.” ઇશાન બોલ્યો અને તેણે એલીઝાબેથને પોતાના પડખામાં લીધી. “ પહેલા તુ શાંત થા. પછી કહે કે તે શું જોયુ.....? કઇ લાશની વાત કરે છે તું......?”

કુતુહલવશ લોબીમાં માણસોનું નાનકડું એવું ટોળ જમા થઇ ગયુ હતું. એક વિદેશી યુવતીને ગભરાયેલી હાલતમાં દોડતી જોઇને ટોળામાં અચરજ ફેલાયું હતું.

“ તું...તું... મારી સાથે ચાલ ઇશાન. ” થોડો શ્વાસ હેઠો બેઠો એટલે તે બોલી અને ઇશાનનો હાથ પકડીને મોર્ગરૂમની દિશામાં લઇ ગઇ.

@@@@@@@@@@@@@@

મોર્ગરૂમમાં એકદમ શાંતી પથરાયેલી હતી. કયાંય કશી હલચલ મચી હોય એવા કોઇ ચિન્હો દેખાતા નહોતાં. એલીઝાબેથ ભારે હેરતથી રૂમની અંદર જોઇ રહી. તેને સમજમાં આવતું નહોતું કે આખરે અહી બધુ વ્યવસ્થિત કેવી રીતે થયું .....? માર્ગીની લાશ અત્યારે તેનાં સ્ટ્રેચર ઉપર જ પડી હતી અને તેના ઉપર વ્યવસ્થિત રીતે ચાદર પણ ઢંકાયેલી હતી. રૂમમાં પૂર્વવ્રત ખામોશી પ્રસરેલી હતી, જાણે આ રુમમાં કંઇ બન્યુજ ન નહોતું.

“ તું મને અહી કેમ લાવી એલી.....? ” ઇશાને રૂમનાં દરવાજે ઉભા રહી અંદર રૂમમાં ઝાંકતા પુછયુ. તેને એલીઝાબેથનું વર્તન વિચિત્ર લાગતું હતું. તે જે રીતે ચીખતી, બુમો પાડતી દોડી આવી હતી એ જોતા તેની સાથે જરુર કશુંક ભયંકર બન્યુ હશે એવી તેની માન્યતા હતી. પરંતુ અહી તો એવા કોઇ ચિન્હો વર્તાતા નહોતાં. ચો-તરફ ખામોશી પ્રસરેલી હતી. એલીઝાબેથ કંઇ બોલી નહી. તે વાવાઝોડાની જેમ રૂમમાં દાખલ થઇ અને સીધી જ માર્ગીવાળા સ્ટ્રેચર પાસે આવી. સફેદ ચાદર નીચે ઢંકાયેલો માર્ગીનો દેહ તેનાં ધબકારા વધારી રહયો હતો. તેણે એ ચાદર હટાવી. માર્ગીનો મૃત ચહેરો ઉજાગર થયો. તેના ચહેરા ઉપરની સફેદી હજુ એવી ને એવીજ અકબંધ હતી. જાણે વર્ષોથી આ ડેડબોડી આ પોઝીશનમાં જ ત્યાં મુકાયેલી હોય એવુ લાગતું હતું. એલીઝાબેથ ભારે અચરજથી માર્ગીના સફેદ ચહેરાને તાકી રહી.

“ ઇશાન....! આ ડેડબોડી અહીથી ઉભી થઇને મારી પાછળ આવી હતી. મારી સગ્ગી આંખોએ મેં એ જોયું હતું. મને સમજાતું નથી કે આ પાછી અહી કેવી રીતે આવી ગઇ....?”

“ હેં....” ઇશાનનાં મોં માંથી ઉદગાર નીકળી પડયો. તે એલીઝાબેથની એકદમ પડખે આવીને ઉભો રહયો અને માર્ગીના ઉઘાડા ચહેરાને જોઇ રહયો. એ ધમાચકડીમાં એક ડાકટર અને એક નર્સ પણ અંદર ધસી આવ્યા હતાં. ઇશાને એ લોકોની હાજરીમાં એલીઝાબેથ સાથે વધુ ચોખવટ ન કરી. “ ચાલ, આપણે રોશનની રૂમમાં જઇએ.”

“ પણ ઇશાન...” તે કંઇક બોલવા ગઇ. તેની નજરો ઇશાનની નજરો સાથે મળી. ઇશાને આંખોથીજ ખામોશ રહેવાનો ઇશારો કર્યો એટલે તે અટકી. એક આછો શ્વાસ છોડી તે ક-મને ઇશાન પાછળ ચાલી. ત્યાં એકઠા થયેલા લોકોને ખરેખર કંઇ સમજાતું નહોતું કે એ વિદેશી યુવતી આમ અચાનક કેમ દોડી આવી હતી...? અને તે આ મોર્ગ રૂમમાં આવીને ખામોશ શું કામ બની ગઇ હતી..? થોડીવાર આપસમાં વાતો કરતાં ધીમે-ધીમે બધા વિખેરાયા હતા.

ઇશાન એલીઝાબેથને રોશનને ફાળવાયેલી રૂમમાં લઇ આવ્યો. તેને બેસાડી તેણે પાણીનો ગ્લાસ આપ્યો. એલીઝાબેથ એક ઘૂંટડે આખો ગ્લાસ ખાલી કરી ગઇ. ઇશાનની જેમ રોશન પટેલને પણ તાજ્જૂબી થતી હતી.

“ નાઉ, રિલેક્ષ એલી....! હવે કહે જોઉં કે તું કઇ લાશની વાત કરતી હતી....?” ઇશાને તેની બાજુમાં બેઠક લેતા પુછયું.

“ પેલા યુવકની લાશ.....” એલીની આંખોમાં ભય તરી આવ્યો. એ ઘટના યાદ કરતા તે ડરતી હતી. “ મોર્ગના રૂમમાં પેલા સ્ર્ટેચર ઉપર હતી એ..! અચાનક ઉભી થઇને મારી પાછળ આવી હતી, તે મારા કાનમાં કંઇક બોલ્યો પણ હતો. “ ખૂન કા બદલ ખૂન....” એવુંજ કશુંક. ”

“ વોટ.....? ” ઇશાન ઉછળી પડયો.

“ મને ખ્યાલ છે કે તું મારી વાત નહી માને..! તું જ શું-કામ, બીજા કોઇને પણ આ વાત કહું તો એ મને ગાંડી ગણી લે, પરંતુ મેં જે મારી આંખોએ જોયું તેનો હું ઇનકાર કેવી રીતે કરી શકું....? અને આવું તો કેટલુંય અત્યારે મારી સાથે બની રહયુ છે. આખી-આખી રાત મને બિહામણા સ્વપ્નાઓ ડરાવે છે. દરરોજ ચિત્ર-વિચિત્ર અનુભવો થાય છે. ઇશાન, કમ સે કમ તું તો મારી વાતનો વિશ્વાસ કર. ” એલીઝાબેથ તદ્દન નંખાઇ ગયેલા સ્વરમાં બોલી.

“ ઇશાન માને કે નહિ, પણ હું તારી સાથે સંપૂર્ણ સહમત છું. તને જેમ વિચિત્ર અનુભવો થાય છે એવોજ અનુભવ મને પણ થયો હતો. એ રાત્રે “જલપરી” ઉપર જે બન્યું એ કોઇ સામાન્ય ઘટના નહોતી. એ કોઇ માનવીય કાર્ય નહોતું. કોઇ ભયાનક અગોચર શક્તિનો પંજો બોટ ઉપર ફરી વળ્યો હતો. એ શક્તિ મારા ત્રણ-ત્રણ મિત્રોને ભરખી ગઇ...” રોશન અચાનક વચ્ચે બોલી ઉઠયો. એલીઝાબેથની વાત સાંભળીને તે ખળભળી ઉઠયો હતો. અત્યાર સુધી તેની વાત કોઇ સ્વીકારશે નહી એ બીકે તે ખામોશ રહયો હતો, પરંતુ તેનાં જેવો અનુભવ એલીઝાબેથને થયો છે એ જાણીને તેનામાં સત્ય હકીકત કહેવાની હિંમત આવી ગઇ હતી.

“ બટ હાઉ....? તમે બંને જે કહો છો તે એક વખત સ્વીકારી પણ લઇએ તો પ્રશ્ન એ ઉદ્દભવે કે કેવી રીતે.....? અને શું કામ આ તમામ ઘટનાઓ ઘટી રહી છે....?” ઇશાને પ્રશ્ન કર્યો. તેને તાજ્જૂબી થતી હતી. ભૂત-પ્રેત કે અગોચર શક્તિ વિશે તેણે કયારેય વિચાર્યુ જ નહોતું. કારણકે તેનાં જીવનમાં એવા સંજોગો કયારેય સર્જાયા જ નહોતા. અહી. વિભૂતી નગરમાં આવ્યા બાદ કોણ જાણે કેમ, અચાનક બધુ બદલાવા માંડયુ હતું. તેને ખુદને પણ તેનો અનુભવ થઇ ચુકયો હતો એટલે રોશન કે એલીઝાબેથની વાતોને તે સંપૂર્ણપણે જૂઠલાવી શકે તેમ નહોતો.

“ કંઇક તો છે ઇશાન....! જે આ નગર ઉપર મંડરાઇ રહયું છે. ”

“ પણ એ શું છે.....? કેમ છે....? અને વિભૂતી નગર જ શું કામ......?” ઇશાને પ્રશ્ન કર્યો. “ અને સહુથી વધુ હેરાની તો એ વાતની છે કે આ બધી ઘટનાઓ સાથે એલીઝાબેથને શું લેવા-દેવા.....? એ તો અહીંની છે પણ નહી.....!”

“ હું એ જ કહેવા માંગુ છું ઇશાન, કે હું જ શું કામ.....?” એલીઝાબેથે પ્રશ્ન કર્યો.

“ અરે......તો મારું શું.....? મેં કોઇનું શું બગાડયુ છે કે મને પણ એવો ખૌફનાક અનુભવ થયો.....!” રોશન પટેલ બોલી ઉઠયો. તેની એ વાત પછી કમરામાં ખામોશી પ્રસરી ગઇ. કોઇની પાસે એ સવાલોનાં જવાબ નહોતાં.

“ કંઇક તો વિચારવું પડશે. હવે એ જાણવું જ રહયુ કે નગરમાં, અને ખાસ તો આપણી સાથે શું બની રહયું છે. રોશન, તું અને એલીઝાબેથ તું....બંને વિગતવાર મને જણભાવો કે તમે શું-શું જોયું.....? એકપણ પોઇન્ટ છુટવો ન જોઇએ. જે જોયું હોય, અનુભવ્યું હોય એ ટૂ ધ પોઇન્ટ આપણે ચર્ચીએ. તેમાંથીજ કોઇ ઉકેલ મળશે....” ઇશાને બોલ્યો. અચાનક તેને આ ઘટનાઓનાં મૂળમાં ઉંડા ઉતરવાનું મન થયું હતુ.. જો કોઇ અગોચર શક્તિ આ વિભૂતી નગરમાં છે તો એ શક્તિ શું છે......? એ જાણ્યા વગર હવે તેને ચેન પડવાનું નહોતુ. તેનાં મનમાં એક નિર્ણય લેવાઇ રહયો હતો.

ત્યારે.....રોશન તેમજ એલીઝાબેથે તેમને થયેલા અનુભવોની કથની કહેવી શરૂ કરી. એ વાતો ડરામણી હતી.

@@@@@@@@@@@@

મી.પંચમ દવેનાં મોનીટર ઉપર દેખાતા વાદળો, ધીમે-ધીમે સમગ્ર સ્ક્રિન ઉપર કબજો જમાવી રહયા હતા. દવે તાજ્જૂબીથી જોઇ રહયો. તે વલસાડ શહેરમાં પોતાની ઓફીસમાં બેઠો હતો. અહી વલસાડનાં આકાશમાં સહેજપણ ફેરફાર થયો નહોતો. સૂર્ય તેના સંપૂર્ણ પ્રકાશથી ઝળહળી રહયો હતો. મોનીટરમાં જે વાદળોનું ઝૂંડ દેખાતું હતુ એ માત્ર વિભૂતી નગરના આકાશમાં જ ઉદ્દભવ્યુ હતું અને ધીરે-ધીરે નગર તરફ ગતી કરતું માલુમ પડતું હતુ. જે ઝડપે અને જે માત્રામાં એ વાદળો ઉદ્દભવ્યા હતા એ દવેને આશ્ચર્ય પમાડતું હતુ. તેણે પોતાની સમગ્ર કારકીર્દી દરમ્યાન આવી હલચલ કયારેય નિહાળી નહોતી. તેણે આ બાબતે આંચલને આગાહ કરી હતી. તે આંચલ સાથે વધુ વાતો કરવા માંગતો હતો પરંતુ આંચલે તેને “ બાય” કહીને કનેકશન કાપી નાંખ્યુ હતું. હવે જ્યાં સુધી સામેથી તે ન બોલાવે ત્યાં સુધી તે કશું કરી શકે તેમ નહોતો. તેણે માથુ ધુણાવ્યું. આંચલના વિચારો ખંખેરી તે કામે વળગ્યો.

જો કે આ સમયે દવેને ખબર નહોતી કે વિભૂતી નગરનાં આસમાનમાં ઉદ્દભવેલા વાદળો તેનાં પોતાના જીવનમાં પણ તબાહી મચાવવાના હતાં.

@@@@@@@@@@@@

તમે ભર શિયાળામાં કયારેય કોઇ હિલ-સ્ટેશન ઉપર રોકાણ કર્યુ હશે તો તમને મારી આ વાતનો અંદાજ આવશે કે વહેલી સવારે કોઇપણ હિલ-સ્ટેશનનાં વાતાવરણમાં કેવું ગહેરું ધુમ્મસ પથરાયેલું હોય...! ઝાકળભર્યા સફેદ ધુમ્મસનાં વાદળો સમગ્ર હિલ-સ્ટેશન ઉપર પથરાઇ જાય છે. આંખ આગળ જાણે તમે કોઇ કોહરાનાં ઘેરામાં જકડાઇને ઉભા હોવ એવું લાગે અને બે ફુટ દુરનું દ્રશ્ય પણ જોવું અશક્ય બની જાય છે. અને એવોજ કંઇક માહોલ ચોમાસામાં એકા-એક ઘેરાઇ આવતા કાળા ભમ્મર વરસાદી વાદળોનાં સમુહના કારણે આકાશમાં સર્જાય છે. વાતાવરણમાં એકાએક સાંજ પડી ગઇ હોય એવો અંધકાર પથરાઇ ફેલાઇ જાય છે અને માહોલ એકદમ ખુશનુમા બની જાય છે. જો કે આ બધી કુદરતી રીતે બનતી ઘટનાઓ છે. તેમાં માનવી અને માહોલ, બંને ખુશી અનુભવે છે અને તરબતર થઇ ઉઠે છે. જ્યારે વિભૂતી નગરમાં તેનાંથી સાવ ઉલટું બની રહયુ હતુ. વિભૂતી નગરનાં દરીયા ઉપર જે વાદળો સર્જાયા હતા એ કોઇ કુદરતી રીતે ઉત્પન્ન થયેલા વાદળો નહોતા. ધુમ્મસનાં વાદળોનો એ સમુહ ભયાવહ દિસતો હતો. તેનાં પેટાળમાં થતી ગડગડાહટી ભલભલાનાં છાતીનાં પાટીયા બેસાડી દે એટલી ડરામણી હતી. સમુદ્રની સતહ ઉપરથી ઉદ્દભવેલા એ વાદળો અત્યારે વિભૂતીનગર તરફ ગતી કરી રહયા હતા અને તેની સ્પીડ જોતા થોડીવારમાંજ એ વાદળો સમગ્ર નગરને પોતાની ગીરફ્તમાં જકડી લેવાનાં હતા એ નિર્વિવાદિત સત્ય હતું.

ઇશાન એલીઝાબેથ સાથે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો ત્યારે તેનું મગજ સૂન્ન પડી ગયું હતું. રોશને અને પછી એલીઝાબેથે જે અજીબો-ગરીબ ઘટનાઓ તેમની સાથે બની હતી એ કહી સંભળાવી ત્યાર ઇશાનને ખરેખર મામલાની ગંભીરતા સમજાણી હતી. તેના સોહામણા ચહેરા ઉપર પહેલીવાર પરેશાનીનાં ભાવો અંકીત થયા હતા. કંઇક કરવું પડશે એવા વિચારો તેનાં જહેનમાં ઉઠતાં હતા. વિચારોમાં અટવાતો તે પાર્કિંગ પ્લોટમાં આવ્યો અને “સ્વીફ્ટ” માં બેઠો. એલીઝાબેથ પણ આગળની સીટમાં ગોઠવાઇ એટલે ઇશાને કાર તપસ્વી મેન્શન ભણી મારી મુકી. ઘરે પહોંચીને તે એક-એક મુદ્દા ઉપર વિગતવાર વિચારવા માંગતો હતો. આવી ઘટનાઓ એકાએક કેમ બનવા લાગી છે એના તળ સુધી જવાનું મન તેણે બનાવી લીધું હતું.

વિભૂતી નગરનાં સપાટ રોડ ઉપર દોડતી તેની સ્વિફ્ટ કાર નગરનાં સુંદરતમ્ બંગલાઓ વટાવતી દરીયાનાં તટ તરફ ગતી કરી રહી હતી. આગળ જતાં જમણી બાજુ વળતાં થોડે દુર તેનું તપસ્વી મેન્શન હતું . વધુમાં વધુ પંદરથી વીસ મીનીટમાં તે તપસ્વી મેન્શન પહોંચી જવાનો હતો. એલીઝાબેથ ખામોશ થઇને તેની બાજુમાં બેઠી ઝડપથી પસાર થતાં રસ્તાને તાકી રહી હતી. તેના ખુબસુરત ચહેરા ઉપર હજુ પણ ડરનો ઓછાયો પથરાયેલો હતો. જે અનુભવ તેને હોસ્પિટલમાં થયો હતો એ કલ્પનાતીત હતો એટલે તેનું ડરવું સ્વાભાવીક હતું . તેના ભૂખરાવાળની લટો બારીમાંથી અંદર પ્રવેશતાં પવનમાં ઉડી રહી હતી જેને તે પોતાના નાજુક હાથો વડે વારે-વારે સરખા કરતી હતી. તેણે મોટા કોલરનું ઓપન ગળાવાળું સાવ પ્લેન સફેદ શર્ટ પહેર્યું હતું અને નીચે આસમાની બ્લ્યુ કલરનું જીન્સ પહેર્યું હતું. એ કપડામાં તે અદ્દભૂત લાગતી હતી.

ઇશાને કાર ચલાવતાં તેને નિરખી. આટલી તંગ પરિસ્થિતીમાં પણ અચાનક તેને એલીઝાબેથને “કિસ” કરવાનું મન થયું. હજુ સવારે જ તો તેણે એલીઝાબેથ સાથે ખુબ સુંવાળી અંતરંગ પળો વિતાવી હતી તેમછતાં ફરીવાર, તેના મનમાં એવા તરંગો ઉઠવા શરૂ થયા હતા. તેણે કારની અંદરના રીયર મીરરને એલીઝાબેથનાં ચહેરા ઉપર ફોકસ થાય એમ એડજસ્ટ કર્યો જેથી કરીને વારે-વારે તેણે બાજુમાં જોવું ન પડે. એલીઝાબેથ ઇશાનની એ ચેષ્ટા જોઇને મુસ્કુરાઇ ઉઠી. અચાનક તેનાં મન ઉપર છવાયેલો ડરનો ઓછાયો હટયો હતો અને મસ્તી ઉભરી હતી. “ ઇશાન.....શું વિચારે છે......? ” હસતી આંખોએ તે બોલી ઉઠી.

“ તને કિસ કરવાનું વિચારું છું.....” રમતીયાળ અંદાજમાં ઇશાન બોલ્યો....અને કાર ચલાવતાં તે એલીઝાબેથ તરફ થોડો ઢળ્યો. એલીઝાબેથ કંઇ બોલી નહી. તે સતત હસતી હતી. ઇશાનની આવી હરકતો, આવી અદાઓ જ તેને બહુ પસંદ હતી. કોઇપણ પરિસ્થિતીનો ખોટો ભાર વેંઢાર્યા વગર સાવ સહજતાથી તે કોઇ વહેતા પાણીનાં ઝરણાની જેમ સતત વહયે જતો. તેણે આગળ ઝુકીને ઇશાનના હોઠો ઉપર એક હળવું ચુંબન કર્યુ. એક ક્ષણ પુરતુ તે બંને ભુલી ગયાં હતાં કે તેઓ ચાલતી કારમાં બેઠા છે. એકાએક.....

“ ધડામ....” કોઇક ચીજ ઉડતી આવીને કારના કાચ સાથે અફળાઇ. એ સાથેજ ઇશાનનાં સ્ટિયરીંગ પકડેલા હાથમાં એક ભયાનક ઝટકો વાગ્યો અને સ્ટિયરીંગ જમણી દિશામાં ઘુમ્યુ....

એલીઝાબેથના ગળામાંથી એક ચીખ નીકળી પડી. શું થયું એ તે બંનેને સમજાય એ પહેલા કાર રોડની સાઇડમાં બનાવેલી પગદંડી ઉપર ચડી ગઇ અને પગદંડીની વચાળે ખોડેલા વીજળીનાં થાંભલા સાથે ભયાનક વેગથી ટકરાઇ. “ ધડામ.....” ફરીવાર ધમાકાનો અવાજ થયો.

ક્ષણનાં ચોથા ભાગમાં એ ઘટના બની ગઇ હતી. ઇશાન કંઇ સમજે, કઇ સંભાળે, એ પહેલા તો તેની સ્વિફ્ટ કાર વીજળીનાં થાંભલા સાથે વેગથી ભટકાઇ પડી હતી. તે બંનેનાં શરીરને ભયાનક ધક્કો લાગ્યો. જો ઇશાને સ્ટિયરીંગ વ્હિલ અને એલીઝાબેથે કારના આગળનાં ડેશબોર્ડને મજબુતાઇથી ન પકડી લીધા હોત તો ચોક્કસ તે બંનેનાં માથા આગળના કાચ સાથે અફળાયા હોત. “ ઓહ ગોડ ઇશાન....વોટસ્ હેપનીંગ....? ” ભયાનક રીતે ધડકતાં હ્રદય ઉપર કાબુ મેળવતા એલીઝાબેથ બોલી ઉઠી. પરંતુ ઇશાને કંઇ જવાબ આપ્યો નહી. તેને ખુદને સમજાયું નહોતું કે અચાનક તેમની કાર સાથે શું અફળાયું હતું....? કારને કોઇ નુકશાન થયુ કે નહી અને કાર સાથે શું ભટકાયું એ જોવા તે દરવાજો ખોલીને નીચે ઉતરવા જતો હતો કે એલીઝાબેથે તેનો હાથ પકડી લીધો....” લુ ધેટ ઇશાન.....!” તેણે ઇશાનને સ્થિર આંખોથી જ ઇશારો કર્યો. તેની આંખો ઉપર આકાશ તરફ મંડાયેલી હતી. ઇશાને એ દિશામાં જોયુ અને તે સ્તબ્ધ બની ગયો. ઉપર આસમાનમાં કાળા ભમ્મર ધુમ્મસના ગોટે-ગોટા ઉમડયા હતા. જાણે વાદળોની ત્સુનામી આવી હોય એમ ધુમ્મસનો સૈલાબ આકાશને પોતાના કબજામાં લઇ રહયો હતો. એલીઝાબેથ અને ઇશાન ફાટી આંખોએ એ ડરામણા મંજરને જોઇ રહયાં.

“ ખૂન કા બદલા ખૂન....ખૂન કા બદલા ખૂન......” એલીઝાબેથના કાન ની એકદમ નજીક આવીને કોઇ જોર-જોર થી ચિલ્લાવા લાગ્યું. એલીઝાબેથ એકદમ જ ગભરાઇ ઉઠી. બે સેકન્ડ માટે તેનું હ્રદય એ શબ્દો સાંભળીને ધડકતું બંધ થઇ ગયું.

આ એ જ વાકય હતું જે તેણે હમણાં થોડીવાર પહેલા નગરની હોસ્પિટલના મોર્ગરૂમમાં મૃત માર્ગીના મોઢે સાંભળ્યુ હતુ. એલીઝાબેથ થડકી ઉઠી. તેણે બારી બહાર રોડ ઉપર તેની તદ્દન નજીક ઉભેલા એ શખ્શ તરફ નજર કરી જે સતત, એકધારા “ ખૂન કા બદલા ખૂન.....” એ મતલબનાં શબ્દો દોહરાવી રહયો હતો. એ શખ્શ બીજુ કોઇ નહી પણ શંકર મહારાજ હતા. તે એલીઝાબેથના કાન પાસે એકદમ નજીક આવીને જોર-જોરથી ઉંચા અવાજે એકનું એક વાક્ય દોહરાવી રહયા હતાં.

( ક્રમશઃ )

લેખક તરફથીઃ-

નમસ્કાર મિત્રો...”નો રીટર્ન“...”નસીબ“ અને “અંજામ“ બાદ આ મારી ચોથી નવલકથા છે. “નગર” આ પણ મારા જોનરની હોઇશ.કહાની છે. હાં...આ વખતે થોડી ડરામણી વાતો પણ આવશે છતાં મને લાગે છે કે વાંચકોને તે ગમશે. રહસ્ય, રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલ, ગજબનાક ઉતાર-ચડાવ..આવી બાબતો મને હંમેશા આકર્ષતી રહી છે. અને એટલેજ કદાચ હું એવું લખી શકતો

સાચુ કહું તો મને મારા વાચકમિત્રોએ ખૂલ્લા દિલે આવકાર્યો છે...સ્વિકાર્યો છે. મને પણ ક્યારેક આશ્વર્ય થાય છે કે આ કોઇ સ્વપ્ન તો નથીને...! “અંજામ” બાદ મારા મિત્રો જે આતુરતાથી નવી નવલકથાનો ઇંતેજાર કરી રહ્યાં છે તેણે મારા જુસ્સાને ઓર વધારી મુક્યો છે. મારી જવાબદારીઓ તેથી વધી ગઇ છે. હું વધુ સજાગ બન્યો છું....! જો કે મારો સબજેક્ટ પણ એવો છે કે મારે સજાગ રહેવુંજ પડે....સસ્પન્સ થ્રિલરમાં તમે કોઇપણ બાબતને અધૂરી ક્યારેય ન છોડી શકો. જે ઘટના પહેલે પાનેથી શરૂ થઇ હોય એ ઘટનાને કહાનીના છેલ્લાં પાના સુધી તમારે જાળવવી પડે...જો તેમાં સહેજપણ શરતચૂક થાય તો તરત વાંચકો કહાનીથી વીમુખ થઇ જાય. હું મારી કહાનીઓમાં શક્ય હોય એટલો ટેબ્લો જાળવવાનો પ્રમાણીક પ્રયત્ન કરતો રહું છું...બાકીતો વાચક રાજા છે. તેમને ગમે તે ખરું.

મારી તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ હું એક વ્યક્તિને અર્પણ કરું છું...અને તે છે “ અશ્વિની ભટ્ટ “. ગુજરાતી ભાષાનાં એક ધુરંધર લેખક કે જેમણે ગુજરાતી સાહિત્યને એક નવી ઉંચાઇ, નવી દિશા, નવો મુકામ આપ્યો છે. આપણી વચ્ચે તેઓ નથી રહ્યાં છતાં તેમની નવલકથાઓ હંમેશા મને પ્રેરણા આપતી રહી છે અને આપતી રહેશે... તેમને મારા શત શત પ્રણામ.

અને હાં, બીજી એક અગત્યની વાત આજે હું કહીંજ દઉં....પ્લીઝ મિત્રો...સસ્પેન્સ જાણવાની ઉતાવળ ન કરતા. રહસ્યકથા એક પુરાની શરાબ જેવી હોય છે...જેટલી ધીરજ રાખશો એટલો તેનો નશો વધશે અને ઘૂંટાશે. મને પણ લખવાની એટલીજ વધુ મજા આવશે....

---------------------------------------------------------------------------------

“”””””””””””

“ “