એકબંધ રહસ્ય
ભાગ - 8
Ganesh Sindhav (Badal)
રવિવારની રજા હતી. સ્નાનાદી પતાવીને સુરેશ છાપાં વાંચતો હતો ને બારણે ટકોરા પડ્યા. એ સાથે જ બારણાને ધક્કો મારીને નજમા ઘરમાં પ્રવેશીને બોલી, “સંભાળી લ્યો પટેલ સા’બ. તમારા ઘરમાં પ્રવેશવા માટે હું કોઈ દિવસ તમારી રજા માંગવાની નથી.”
સુરેશ કહે, “કોઈના ગૃહમાં રજા લઈને પ્રવેશવું એ યજમાન અને આગંતુક બંને માટેના સંસ્કાર છે.”
નજમા કહે, “પટેલ સા’બ અહીં હું તમારા વર્ગખંડની વિદ્યાર્થિની નથી.”
સુરેશ કહે, “સોરી !”
નજમા ધીમું મલકીને બોલી, “રઝિયાના શું સમાચાર છે ? એને ત્યાં જૂનાગઢમેં ફાવે છે ?”
સુરેશ કહે, “એના સમાચાર તો તારે મને કહેવા જોઈએ. એણે બદલે તું મને પૂછે છે એ વિચિત્ર લાગે છે.”
નજમા કહે, “તમે એને જૂનાગઢ મૂકવા ગયા, એ મને વિચિત્ર લાગે છે.”
સુરેશે કહ્યું, “સંજોગોવસાત કોઈને સહાયભૂત થવું એ માનવતા છે. આયશાબાનુ અને રઝિયા અહીં મારે ત્યાં આવ્યા હતાં. જૂનાગઢની કૉલેજમાં હાજર થઈને રહેવા માટેનું મકાન શોધવું એ એમના માટે મુશ્કેલ હતું. તેથી તેમણે મને કહ્યું કે, તમે જૂનાગઢ સાથે આવો ને હું ગયો. આ સીધી સાદી વાત તને વિચિત્ર લાગે એ નવાઈની વાત છે.”
નજમા કહે, “આજે હું નવાઈની વાત કરવા આવી છું. મારી એ વાતની પણ તમને નવાઈ લાગશે. જે વાત તમારે મને કહેવાની હોય એ સામેથી હું તમને કહું છું. છેલ્લા ચાર વરસથી તો તમને એકલા જોયા કરું છું. તમારી આ એકલતાનો અંત લાવવા માટે હું તમારી સાથે લગ્નના બંધનથી જોડાવા માગું છું.”
સુરેશ મૂંગા રહીને નજમાને સાંભળી. કંઈ પણ બોલવા એની જીભ ઊપડતી ન હતી. નજમાએ જ પ્રશ્ન કર્યો, “કાં નવાઈની વાત લાગી ને ?”
સુરેશ કહે, “લગ્નગ્રંથીથી જોડાયા પછીથી વિકટ અને વિકરાળ પ્રશ્નો ઊભા થશે. એનો સામનો કરવો એ નેવાના પાણી મોભે લઈ જવા જેટલું કઠિન હશે. હું પરણિત છું. મારી પત્ની હયાત છે. એ કેસ કરશે. લગ્ન કર્યા પછીથી મારા મા-બાપ તારો અસ્વીકાર કરશે. કદાચ મારે નોકરી છોડવી પડે. તારા પક્ષેથી તારો ભાઈ મારી હત્યા કરવા તત્પર થશે.”
નજમા કહે, “તમે તો કૉલેજના વર્ગખંડ કહેતા હતા કે, હિન્દુ મુસ્લિમ વચ્ચે લગ્ન સંબંધો બાંધવા જોઈએ. તમારા વક્તવ્યમાં તમે ઘણીવાર કહેતા હતા કે- ‘ગાંધીજીએ આમ કહ્યું હતું ને તેમ કહ્યું હતું.’ એ શું પોથીમાંના રીંગણા હતાં ? હું મુસલમાનની બેટી છું. ઇસ્લામની અંકુશ રેખા હું લંબાવી શકું છું. તમે જે વિકટ પ્રશ્નોનો ડર મને બતાવ્યો છે તેનાથી હું અજાણ નથી. મેં તમને પ્રેમ કર્યો છે. મારા સ્વાભિમાનના પહાડ પર ચડીને મેં જોયું તો પ્રેમ નામનું શિખર આકાશને આંબતું હતું. એ શિખરને સર કરવા આપણે બંને એકસાથે ઝઝુમીશું. તમારે મને જવાબ આપવાનો છે. જો તમે પાણીમાં બેસી જશો તોયે હું તમને ખેંચીને બહાર કાઢીશ. મને જવાબ આપો.”
નજમાના અવાજમાં મક્કમતા હતી. મૂંગો રહીને સુરેશ સંભાળતો હતો. નજમાને જવાબ આપવો એ મોટી વિટંબણા હતી. આખરે એણે કહ્યું,
“હું વિચારીને તને જવાબ આપીશ. હાલ તું ઘરે જા. આજે મારે ત્યાં મહેમાન આવવાના છે. એથી મેં રસોઈવાળા બહેનને વહેલાં બોલાવ્યાં છે. તે હમણાં આવતાં હશે. આપણા લગન સંબંધો બાબત તું પુખ્ત વિચાર કરજે. તારે તારા પરિવારને જાણ કરવી જરૂરી છે.”
નજમાના મોઢા પર ક્રોધ સાથે ગુલાબી તરસિયા દેખાયા. એનાથી એનું લાવણ્ય નવલરૂપે ઉપસતું હતું. એ ઝડપથી ચાલી ગઈ. સુરેશ એને જોતો રહી ગયો.
દિવાળીના દિવસો હતા. આ સમયે દુકાનોનો આગ ચાંપવાના બે ત્રણ બનાવ બન્યા હતા. શહેરમાં કોમી તંગદીલીના કારણે વાતાવરણ ગમગીન હતું. પોલીસનો કડક બંદોબસ્ત હતો. આવા સમયે આયશા અને રઝિયા સુરેશને ઘરે જવા નીકળ્યાં. એમની રીક્ષાને પોલીસે બે જગ્યાએ રોકી હતી. બંને સુરેશને ઘરે પહોચ્યાં. ભલા ઈન્સ્પેક્ટરે આ બંને મુસ્લિમ બાનુઓને સલામત રીતે પહોંચાડવા એમની સાથે બે પોલીસને મોકલ્યા. આયશા અને રઝિયા સાથે પોલીસને જોઇને સુરેશને નવાઈ લાગી. એ બંને મીઠાઈના બોક્ષ લઈને આવી હતી. એમાંથી થોડી મીઠાઈ પોલીસને આપી. પોલીસ ગયા પછી સુરેશ કહે, “આ ભયના વાતાવરણમાં તમારાથી અહીં આવતું હશે ?”
રઝિયા કહે, “માસીએ મને નીડર બનાવી છે. એમની પાસેથી નવું નવું બળ મને મળ્યા કરે છે.”
બીજા દિવસના છાપાંમાં ‘પોલીસ ડાયરી’ નામની કોલમમાં સમાચાર હતા. ‘શહેરના તંગ વાતાવરણ વચ્ચે મુસ્લિમ બાનુઓએ હિન્દુ પ્રાધ્યાપકને ઘરે જઈને સદભાવનાની મીઠાઈ વહેંચી.’
આયશાએ સુરેશને કહ્યું, “પટેલ સા’બ રઝીયાનો સુખી સંસાર જોવાની મને તમન્ના છે. રસુલના અબ્બાજીને મેં તમારા અને રઝિયાના નિકાહ બાબતની વિગતે વાત કરી છે. તેઓ રાજી છે ને તમારી શાદીમાં હાજરી આપવા આવશે. આમ અમે તૈયાર છીએ. તમારી તૈયારીની અમે પ્રતીક્ષા કરીએ છીએ.”
સુરેશ કહે, “હાલ શહેરમાં તોફાનોની દહેશત છે. આ સંજોગોમાં ધીરજ રાખવી જરૂરી છે. શાદી થતાં પહેલાં રઝિયા સાથે હું કેટલીક ચર્ચા કરવા માગું છું. એ પછીથી નિકાહ બાબત વિચારી શકશે. આ માટે હું જૂનાગઢ આવીશ.” સુરેશની વાત સંભાળીને રઝિયાના દિલમાં શંકાકુશંકાના વમળ ઘૂમરાવા લાગ્યા. એ બંનેના ગયા પછીથી સુરેશનો ખાલીપો પણ કષ્ટદાયક હતો.