Pastavo in Gujarati Magazine by SUNIL MANKAD books and stories PDF | Pastavo

Featured Books
Categories
Share

Pastavo

હા.. પસ્તાવો.. હાય.. પસ્તાવો..

જીવનમાં પ્રગતિ કરવા જઈએ ત્યારે અનેક અવરોધક પરિબળોનો સામનો કરવો પડે છે. જીવનની પ્રગતિનું મુખ્ય અવરોધક બળ પૈકીનું એક એટલે પસ્તાવાની લાગણીનો કાયમી ઝુરાપો. કવિ કલાપીની પંક્તિઓ હતી... ' હા.. પસ્તાવો વિપુલ ઝરણું.. સ્વર્ગથી ઊતર્યું છે...' કેવી સરસ પંક્તિઓ છે. એ માત્ર પંક્તિઓ નથી, તેમાં જીવનનો નીચોડ છે. અદ્ભુત લાગણીઓ પૈકીની પણ એક એવી 'પસ્તાવા' ની લાગણી અત્યંત મનને હળવો કરનારી આવશ્યક લાગણી છે, કંઈ ખોટું થઇ ગયું હોય ત્યારે પસ્તાવો થાય તે જરૂરી છે પણ એના પ્રમાણમાં વધઘટ જીવનમાં અનેક હલચલ પેદા કરી શકે છે.

લાગણીઓની વિભાવના એ જીવંતતાનું દર્શન છે. પસ્તાવાની લાગણી એ પણ એક વિભાવના છે., સમયોચિત વ્યક્ત થતી લાગણીઓ વિનાનું જીવન સંભવી ન શકે એ કબૂલ પરંતુ લાગણીઓનું પ્રવાહિત હોવું પણ એટલું જ જરૂરી છે. પસ્તાવાની લાગણીને કવિ કલાપીએ ..સ્વર્ગથી ઊતરેલું વિપુલ ઝરણું.. એવું કહીને તેની મહતા સમજાવી છે. જો એ લાગણી ઝરણાંની માફક જ અસ્ખલિત વહ્યા પછી આગળ વધી જાય તો તે પાછળ સ્વચ્છ થયેલા ખડકો જેવા અડગ નિર્ણયોની છાપ છોડી જાય છે. જો કોઈ ઝરણું વહેતું અટકે તો ? બંધાયેલું ગંધાય અને વહેતું સુગંધાય એવું ખોટું નથી કહ્યું.. પસ્તાવો પણ એક ખળખળ અસ્ખલિત વહેતા ઝરણાં જેવો હોય તે જરૂરી છે. મહાત્મા ગાંધીની નિર્વાણ તિથીએ અહિંસાની વાતો કરતા આપણે આસપાસ થતી હિંસાઓની ઘટનાનું કવચ જ જોતા હોઈએ છીએ. સામાન્ય જીવનમાં હિંસા પ્રત્યે આપણી નિર્લેપતા હમેંશા છતી થતી હોય છે. પરંતુ એકંદરે નક્કર હિંસાનો વિરોધી વર્ગ મોટો છે. (માનસિક હિંસાની વાત અહીં નથી, માનસિક હિંસાને તો હિંસા ગણીએ એવી આપણી પરિપક્વતા જ નથી) ગુનેગારો પણ થોડા ઘણા અંશે પસ્તાવાની લાગણી અનુભવતા હોય છે, એટલે સામાન્ય માણસ તો પસ્તાવાની કેટલી લાગણી અનુભવે ? સામાન્ય માણસની પસ્તાવાની લાગણીની તીવ્રતા કલ્પી શકાય છે.

વાત અહીં આવી લાગણીઓના વિસામાની છે. પસ્તાવાની લાગણીઓને પણ એક ચોક્કસ સમયે, ભલે થોડાક સમયનો, અને એક ચોક્કસ જગ્યાએ વિસામો આપવો જોઈએ. જેમ વિસામો નિશ્ચિત સમયનો હોય તેમ પસ્તાવાની લાગણી પણ જો વધુ સમય સુધી વિસામો કરે તો તે પણ યોગ્ય નથી. પસ્તાવાની લાગણી વધુ પોષાય તો તે જીવનની ગતિ માટે અવરોધક પરિબળ બને છે અને કયારે વિધ્વંસક સ્વરૂપ પણ ધારણ કરે છે. કારણ કે પસ્તાવો કરનારી વ્યક્તિ જાતને કોસે છે.. અને તે થકી એ વ્યક્તિનું નિર્મળ મન થવાને બદલે મન મલીન બને છે અને એક તબક્કે એ વ્યક્તિના વિચારો શૂન્ય બની જતાં તેના જીવનની ગતિ પણ થંભી જાય છે.

ક્ષણે ક્ષણે બદલાતા ઘડિયાળના કાંટા સાથે દ્રષ્ટિ પણ આગળ વધારવી પડે છે. આંખના પલકારા પછી પણ ઘડિયાળ સામે જોઈએ તો ગયેલી સેકન્ડને જોઈ શકાતી નથી. ઘડિયાળ અને તેના કાંટાઓ થંભી જાય તો ? સમય થંભી જાય તેવી કલ્પના થઇ શકે ? જેમ ઘડિયાળ અને તેના કાંટાઓ અવિરત ચાલતા રહેવા જોઈએ તેમ જીવનનું અવિરતપણું પણ સ્વીકારવું જ રહ્યું. ફિલ્મ 'દોસ્ત'નું એક ગીત છે.. ગીતકાર આનંદ બક્ષીએ તેના ખુ સરસ શબ્દો લખ્યા છે.... 'ગાડી બુલા રહી હૈ.. સીટી બજા રહી હૈ.. ચલના હી જિંદગી હૈ.. ચલતી હી જા રહી હૈ..' આ ગીતમાં રેલગાડીના રૂપક દ્વારા સમજાવ્યું છે કે અવિરત ચાલતી ગાડી થંભી જવાને બદલે સતત ચાલતા રહી 'જીના સીખા રહી હૈ..' જિંદગીની અદ્ભુત ફિલોસોફી વ્યક્ત કરતાં આ શબ્દો સાંભળીને અવિરત ચાલતી ગાડીને જીવન માટે સરખાવવાની સુખદ ચેષ્ટા પ્રેરક બને છે. જીવનમાં કોઈ જળ કે ચેતન વસ્તુ અટકતી નથી તો શા માટે આપણી પસ્તાવા જેવી લાગણી ને પણ કાયમી રીતે મનના કોઈ ખૂણે સાચવી રાખી તેને ગોંધી રાખવી ?

ભૂલનો પ્રત્યાઘાત પસ્તાવા સ્વરૂપે પડઘાય છે. એક નાનકડી સ્વાભાવિક પ્રક્રિયાથી મન દ્રવિત થાય છે ત્યારે એક સમજ કેળવાય કે જેમ બોલેલા શબ્દો ફરી કંઠમાં જતાં નથી, જેમ વાદળમાંથી છુટું પડેલું વરસાદી ટીપું ફરી વાદળ બની શકતું નથી તેમ મનને દ્રવિત કરનારી કોઈપણ ઘટનાને, કોઈપણ બોલાયેલા શબ્દોને ભૂંસીને કે બૂલનું પુનરાવર્તન કરવા કોઈ 'વન્સમોર' કહે તો એ પણ શક્ય નથી. હા, તે સાથે જ ફરી આવું નહીં બને અથવા તો ફરી નહીં કરું.. ની અડગતા અને દ્રઢતા જીવનની ગાડીમાં એક્સીલરેટરનું કામ કરે છે. પસ્તાવો જરૂરી છે તેટલું જ જરૂરી પસ્તાવાના કારણનું પુનરાવર્તન ન થાય તેની કટિબદ્ધતા છે, કાળજી છે, તે પ્રત્યે સભાનતા છે. એટલે એક જ જગ્યાએ અટકી જઈ માત્ર પસ્તાવો જ કર્યા કરવો એ જીવનમાં નરી મુર્ખામી સાબિત થાય છે. તેથી ઊલટું પસ્તાવાની લાગણીને થોડી ક્ષણો રહેવા દઈ તેને ભૂંસી નાંખી, ખંખેરી નાંખી હવેથી આવું નહીં જ થાય તેવા દ્રઢ નિર્ધાર સાથે જીવનની ગતિને અવિરત ચાલુ રાખવી એમાં જ ડહાપણ છે. રેકોર્ડ પ્લેયરમાં રેકોર્ડ ઉપર એક જ જગ્યાએ પીન અટકી જાય તો જ્યાં સુધી તેને ઉઠાવીને આગળ લઇ ન જવાય ત્યાં સુધી એક ને એક શબ્દ પર પીન ફરતી રહેવાથી આખરે તો રેકોર્ડમાં ખાડો પડી જાય છે અને એ રેકોર્ડ કાયમ નિરુપયોગી બની જાય છે. તેમ આવળ ક્ષણિક ભૂલના પસ્તાવાને વધુ વિસામો આપી દેવાય કે તેને કાયમી બનાવી દેવાય તો જીવન ત્યાં જ થંભી જાય છે. આપણી પ્રગતી પણ ત્યાં જ અટકી જાય છે. આપણે પણ એ અટકી ગયેલી જિંદગીની કર્કશતાને સહી નથી શકતા તેમ અન્યો માટે પણ આપણા વ્યક્તીવની એ કચાશ કઠે છે.

અઘટિત ઘટનાઓના વિષચક્રમાં લાગણીઓનું ફસાવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ દ્રઢ નિશ્ચય અશક્ય એવા કરોળિયાના જાળાને ભેદી નાંખવાની ક્ષમતા સમાન છે. પસ્તાવા જેવી લાગણીને તો એવા વિષચક્રમાં ફસાવા ન જ દેવાય. જો કે પસ્તાવા જેવી અનેક લાગણીઓ જીવનની પ્રગતિમાં અવરોધક છે. એવી તમામ લાગણીઓને ઓળખીને આગળ વધનારી વ્યક્તિ જ સફળ વ્યક્તિની વ્યાખ્યાના દાયરામાં આવે છે. સફળ વ્યક્તિ બનવું હોય, જીવનને ઊંચાઈએ લઇ જવું હોય તો આવા અવરોધક પરિબળોને ઓળખીને દૂર કરવા જ જોઈએ. અહીં લાગણીઓને ઉન્મુક્ત બનાવવાની વાત નથી, તેમ આગળ કૌંસમાં મુકેલી માનસિક હિંસાની વાતને પણ હવે સ્પષ્ટ ઓળખવાનો સંકેત છે. મોટાભાગના લોકો માનસિક હિંસાને હિંસા ગણતા ન હોય એવું સહજ માની શકાય કારણ કે આપણા મસ્તિષ્કમાં કોઈનું દિલ દુભાવવું કે કોઈને દુખ પહોંચાડવું એ કોઈ હિંસા કહેવાય એ આપણે માની શકવાના જ નથી, પણ માનસિક હિંસા એ પણ એક હિંસા જ છે. શારીરિક હિંસા એ સ્થૂળ હિંસા છે તો માનસિક હિંસા એ સુક્ષ્મ હિંસા જ ગણાય. સામાન્ય રીતે આપણે સ્થૂળ હિંસા અને માનસિક હિંસા અને સ્થૂળ બનાવો થકી પસ્તાવાની લાગણી અનુભવીએ છીએ ત્યારે સાવ શુક્ષ્મ પ્રકારની માનસિક હિંસાઓ પળે પળે આપણે કરતાં હોવા છતાં તેને નજરઅંદાઝ કરતાં હોઈએ છીએ. અહીં 'મહાવીર' દ્રષ્ટિ જીવનમાં ઉતારવી આવશ્યક છે. સ્થૂળ કે શુક્ષ્મ કોઈપણ પ્રકારના પસ્તાવાના કારણને મૂળસોતાં કાઢવાની કટીબધ્ધતા જ શરીરમાં અવિરત ચાલતા હૃદય જેવા જીવનનો ધબકાર બની શકે.. એટલી સમજ કેળવીએ એટલે જીવનની વિઘ્ન દોડ જીતી ગયા સમજો.

બ્રહ્માસ્ત્ર : વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,

તેમ ડગમગે દિલ જ્યાં લગી, બ્રહ્મ ન પ્રકાશે રે..

- સ્વામી મુક્તાનાન્દજી

--------------------