મનની મીરાત
પરસ્પર લાગણીની પરખ: ઇમોશનલ લિટરસી
‘તારાં સ્મરણો ભીની ખુશ્બો, મારું અંતર બળતો ધૂપ’ સ્નેહા સ્માર્ટ ફોનથી આ મેસેજ ટાઇપ કરીને પોતાના પ્રિયતમ સ્નેહલને મોકલે છે. યંગ કપલ સ્નેહા અને સ્નેહલની લવલી લવલાઇફ જોઇને તેમની આસપાસના તમામ લોકોને તેમની ભારે ઇર્ષ્યા આવે છે. આમ થાવનું કારણ તમને ખબર છે? આજે સ્નેહલ સાંજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે ઓફિસના આંગણામાં ખીલેલો તાજો મોગરો સ્નેહા માટે લઇ આવ્યો છે. આ ફૂલ જોઇને સ્નહેાનો મનમોગરો મહેંકી ઊઠે છે અને િદવસભરના કામની વચ્ચે થાકેલી લાગણીઓ લીલીછમ થઇ જાય છે. સ્નેહલ ક્યારેક મોગરો તો ક્યારેક ગુલમહોર લઇને આવે છે. સ્નેહા પણ વર્કિંગ વુમન છે. ઓફિસ અને ઘરના અગણિત કામની વચ્ચે પણ સ્નેહલને વારંવાર યાદ કરે છે અને હાથવગા સેલ ફોન પર કે વોટ્સએપ પર લાગણીભર્યો ટહુકો કરી લે છે તો ક્યારેક તે પોતાની લાગણીને અભિવ્યક્ત કરતાં રોમેન્ટિક શેર-શાયરી મેસેજ કરે છે. આમ, તેઓ કદી પોતાની લાગણીઓને ઠેબે ચડવા દેતા નથી. ઘડિયાળના કાંટે જીવાતી જિંદગીની વચ્ચે તેમનાં હૃદયનું નેટવર્ક ક્યારેય ખોરવાતું નથી. તેઓ ચોવીસ કેરેટના સોના સમા સ્નેહનું કાળજીપૂર્વક જતન કરી જાણે છે. સ્નેહા અને સ્નેહલ લાગણીઓને હુંફાળી રાખવા માટેની એબીસીડી જાણે છે એટલે પરસ્પરની નાની-મોટી, ઝીણી ઝીણી લાગણીઓને હળવેકથી પંપાળે છે. બસ, આ રીતે તેઓ એકબીજા પ્રત્યેની લાગણીનું ઝરણું વહેતું રાખે છે અને તે સુકાઇ ન જાય એનો ખાસ ખ્યાલ રાખે છે. નાનકડી પ્રેમાળ ચેષ્ટાઓ દ્વારા તેઓ કૂણી કૂણી લાગણીને સતત રિચાર્જ કરતાં રહે છે. તેઓ એકબીજા પ્રત્યેની લાગણીને પારખવાની, સમજવાની અને સંવેદી શકવાની આવડત ધરાવે છે એટલે સુખના પ્રદેશમાં લાગણીનો તરાપો લઇને વિહરતાં રહે છે. તેમની આવી ખુશીથી છલોછલ િજંદગીની લોકોને અદેખાઇ આવે છે. એવંુ કહી શકાય કે સ્નેહા અને સ્નેહલ હાઇલી ક્વોલિફાઇડ હોવાની સાથેસાથે ઇમોશનલી લિટરેટ પણ છે. શું તમે આ કપલની જેમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ધરાવો છો? જો આનો જવાબ ‘ના’ હોય તો ચાલો, આજે એ સમજવાનો અને લાગણીની લિપિને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.
લાગણી એ આપણી માનવસહજ પ્રકૃતિનો અભિન્ન ભાગ છે. ઇમોશન્સ દ્વારા આપણે આપણા જીવનને માણી શકીએ છીએ, જિંદગીને સારી રીતે જીવી શકીએ છીએ. જીવનમાંથી લાગણીની બાદબાકી કરી નાખીએ તો જીવન ઝેર બની જાય. ધબકતી રસસભર જિંદગી માટે ચપટીક સુખ, ઝીણી ઝીણી ખુશી, ખોબા જેટલો પ્રેમ, મુઠ્ઠીમાં સમાઇ જાય એટલી હૂંફ જરૂરી છે. આ બધી લાગણીઓને સંવેદી શકવાની આવડત વ્યક્તિએ વ્યક્તિએ જુદી છે. સારી કે નરસી લાગણીઓનો આપણા વિચારો અને આપણી વ્યાવહારિક ક્રિયાઓ પર પ્રભાવ પડે છે. સુખદ લાગીણીઓ એ સંબંધનું અેન્જિન છે અને સુખસભર જિંદગીનું ઇંધણ છે. આ ઇંધણ આપણને મળે છે ઇમોશનલ લિટરસીમાંથી. આપણે આપણી જાતને પૂછવા જેવો એક પ્રશ્ન છે કે શું આપણે બધા ઇમોશનલી લિટરેટ છીએ? ઇમોશનલ લિટરસી એટલે શું? એ ક્યાંથી આવે?
જેવી રીતે માણસને લખતાં-વાંચતા આવડે એટલે એ સાક્ષર થયો કહેવાય. એ જ રીતે તે એકબીજાની લાગણીને સારી રીતે સમજી શકે, એને સંવેદી શકે, અભિવ્યક્ત કરી શકે તો તેની ઇમોશનલ લિટરસી થઇ ગણાય. એટલે કે લાગણીની રીતે સાક્ષર થયો ગણાય. ઇમોશનલ લિટરસી બોલે તો ભાવનાત્મક સાક્ષરતા એટલે એકબીજાની લાગણીને ઓળખી, સમજી અને યોગ્ય રીતે લાગણીઓ વ્યક્ત કરવાની વ્યક્તિની ક્ષમતા.વર્તમાન સામાજિક જીવનમાં આપણે ઇમોશનલી સાક્ષર બનવાની જરૂર છે. એ આધુનિક સમયની માગ પણ છે. આપણે ભાવનાત્મક રીતે સાક્ષર બનીએ તો અાપણી જિંદગીને પ્રેમ, હૂંફ, લાગણીની દૃષ્ટિએ વધારે સમૃદ્ધ અને સક્ષમ બનાવી શકીએ. ઇમોશનલ લિટરસીની આપણા શરીર અને સંબંધો પર અસર પડે છે.
આધુનિક સમાજની ઘણી સમસ્યાઓનાં મૂળ યોગ્ય રીતે, યોગ્ય લાગણી વ્યક્ત કરવાની માણસની અસમર્થતામાં રહેલાં છે. માણસ ઇમોશનલ લિટરસી ધરાવતો નથી એટલે જ સમાજમાં હિંસા, બીમારી, ડ્રગ્સનો દુરુપયોગ, નિષ્ક્રિય સંબંધો અને વૈશ્વિક સામાજિક તકરાર જોવા મળે છે. ઇમોશનલ લિટરસીથી અનેક પ્રકારની સામાજિક કમનસીબી ઉકેલી શકાય છે. તે સામાજિક સમસ્યાઓનું ઉત્તમ નિવારણ સાબિત થઇ શકે છે.
બીજી તરફ, હકારાત્મક લાગણીસભર વર્તનથી હંમેશાં વૈયક્તિક- સામાજિક લાભ થાય છે. ગમે તેમ જીવાતા જીવનને ભાવનાત્મક સાક્ષરતા દ્વારા સહજ, સફળ અને સમૃદ્ધ બનાવી શકાય છે. તેનાથી જીવનની ગુણવત્તા સુધરે છે. ડામાડોળ થયેલાં સંબંધો સ્થિર અને વધુ હકારાત્મક બને છે.
‘યુએસએ ટુડ’ દ્વારા થોડા સમય પહેલાં એક સર્વે કરવામાં આવ્યો. તેમાં સામેલ થનારા લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના બાળકો અને શાળાઓમાં શું બદલવા માગે છે? એના જવાબમાં 75 ટકા માતા-પિતાએ એમ કહ્યું કે તેઓ પોતાના બાળકોને ઇમોશનલી લિટરેટ બનાવવા માગે છે. તેમણે ભાવનાત્મક સાક્ષરતા અંગે કહ્યું કે ઇમોશનલ લિટરસીના શિક્ષણ દ્વારા બાળકની જિંદગીને વધારે હળવી અને સદ્ધર બનાવવા ઇચ્છે છે. 36 ટકા માતા-પિતાએ ઇમોશનલ લિટરસીનું શિક્ષણ બાળકને સ્કૂલમાં અપાય એ માટે અમેરિકાની સ્કૂલ્સને વિનંતી કરી હતી. 33 ટકા પેરન્ટ્સે બીજી વિનંતી એવી કરી કે પહેલાં બાળકોને લાગણીશીલ બનાવો.
ઇમોશનલ લિટરસી યુનિવર્સલ છે. તે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, દરેક વ્યવસાયમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. તે દરેક વ્યક્તિના પરસ્પરના સંબંધોમાં સાનુકૂળ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. ભાવનાત્મક સાક્ષરતા સંપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવવા માટે માસ્ટર કી છે. ઇમોશનલ લિટરસી એ લાગણીની લિપિને ઉકેલવાની સમજણભરી મથામણ છે. ભાવનાત્મક રીતે સાક્ષર કઇ રીતે બની શકાય એ માટેનું અમેરિકામાં અને ઓનલાઇન અભિયાન પણ ચાલે છે.
ઇમોશનલ લિટરસી માટેની ઝુંબેશ
ઇમોશનલ લિટરસી અભિયાન એ નવી પેઢીની ઇમોશનલી તંદુરસ્ત બનાવવા માટે કટિબદ્ધ માતા-પિતાનું સરાહનીય પગલું છે એમ કહી શકાય.
ઇમોશનલ લિટરસીની ઝુંબેશ અમેરિકાની ‘સિક્સ સેકન્ડ્સ’ નામની સ્વૈચ્છિક સંસ્થાએ શરૂ કરી છે. આ અભિયાન એમન સવાફ (Ayman Sawaf) નામના એક ઉદ્યોગપતિ, લેખક અને પિતાએ શરૂ કર્યું. સવાફે લાગણીની સાક્ષરતા અને તાલીમ માટે ફાઉન્ડેશન સ્થાપ્યું. એમને ઇમોશન લિટરસી પર એક પુસ્તક"કાર્યકારી EQ: લીડરશિપ અને સંસ્થામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ લખ્યું. તેમનું આ પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બન્યું. સવાફે1993 માં ઇમોશનલ લિટરસી કેમ્પેઇન શરૂ કર્યું. આ રીતે તેમણે ભાવનાત્મક સાક્ષરતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમના આ પ્રોજેક્ટમાં જોશુઆ ફ્રીડમેન નામના એક પિતા જોડાયા. ફ્રીડમેન ઇમોશનલ લિટરસીના નિષ્ણાત છે અને નવી પેઢીના ભાવનાત્મક વિકાસ અંગેની તાલીમ આપે છે.
ઓનલાઇન અભિયાનની વાત કરીએ તો બાળકોને ઇમોશનલ લિટરસીની તાલીમ આપવા માટેવું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વેબસાઇટ પર ટ્રેનર રોવાન ગેબ્રિયલ મલ્ટિ મીડિયા પ્રેઝન્ટેશન થકી સમગ્ર વિશ્વમાં ભાવનાત્મક સાક્ષરતા અંગેની કેળવણી આપે છે. રોવાને ઇમોશનલ લિટરસી પર વીસ પુસ્તકો લખ્યા છે અને બે ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોએ ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. જેવી જ અન્ય એક વેબસાઇટ . છે. આ વેબસાઇટ પણ આખી દુનિયામાં ઇમોશનલ લિટરસીને પ્રોત્સાહન આપે છે અને આ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવે છે.
સ્નેહસભર, સુખસભર જીવન જીવવા માટે લાગણીની લોકશાહી સ્થાપવા જેવી છે અને એ કામ ઘણું સરળ છે.
અમીરાત: આજે કમાલ એની નિગાહો કરી ગઇ, આંખોમાં રસ હતો તે હૃદયમાં ભરી ગઇ.