હંસબાઈ ની ગાય
વઢિયાર પંથકના સમી ગામ નજીકના ઉપલિયાળા ગામનો પરમાર શાખા નો રાજપૂત બાજુમાં પડેલ ધોકો લઇને એનાં ઘરની ગમાણમાં બળદો માટે નાખેલ જુવાર નાં પૂળા નું નીરણ ખાતી ગાય ભણી દોડ્યો. એક તો સવારના પહોર મા એની ઘરવાળી એ કંકાસ નો દોર છૂટો મુક્યો હતો. એને થતું હતું કે આ બૈરી ને બેચાર ધોકા વાળી દઉં તો એની લૂલિ કૈંક સખણી રહે! પણ લોક લાજે એ બિતો હતો. એની ઘરવાળી એ એને ફજેત કર્યો હતો. જરા અમથી બોલચાલ થાય કે તરત પિયર ચાલી નીકળતી. એની આ ટેવને કારણે આ માનવી ચુપ થઈ જતો. ધણી ની નબળાઇ ને આ બાઈ પારખી ગયેલી તેથી વારંવાર દબાવે. એમને એમ કરતા તો એ બે છોકરાં નો બાપ થઈ ગયો હતો. ગામમાં નીકળે તો લોકો શિખામણ નાં શબ્દોનો ઢગલો એનાં ઉપર નાંખે”ભલા માણસ બૈરા થી શું રોજ કકળાટ કરે છે? કકળાટ થી તો ગોળા નું પાણી પણ ઝેરી બને!આ કંકાસ તમને કોક દી’નડે નઈ તો મને સંભારજો.
બૈરી નાં કડવા વેણ કઠી રહ્યા હતાં. એવામાં જ ગાયે ગમાંણમાં મોં નાખ્યું. એણે ગાયના માથામાં બેચાર ધોકા મારી દીધાં. ગાય ત્યાંજ ત્મમર ખાઇ ને ઢળી પડી. ઘરવાળી આ દૃશ્ય જોઈને હેબતાઈ ગઇ. એતો બોલી ‘ભારે થઈ.!’
‘રાજપૂત તારા માથે મોત ભમી રહ્યું છે. તને ખબર છે, આ ગાય કોની છે?
પરમાર રાજપૂત સામે એની ઘરવાળી એ લાલચોળ આંખો કાઢતા કીધું. એનાં શબ્દોમાં વાવાઝોડાની આગાહી હતી. અણધાર્યું બનવાની એંધાણી વર્તાતી હતી.
કોની ગાય છે? ઘરે ખીલે બાંધતા હોય તો! ‘રાજપૂત બોલ્યો.’
‘આ ગાય તો રાણાભાઈ ચારણ ની દિકરી હંસબાઈ ની છે શિખામણ ની વાતો છોડી દે,. આખું ગામ એમની નાની ઉંમર હોવા છતાં આમન્યા રાખે છે. હવે એને ઠેકાણે પાડ.’
હંસબાઈ નું નામ સાંભળતા તો રાજપૂત ધ્રુજી ઉઠ્યો. એ ત્યાંજ ભાંગી પડ્યો. રાણાભાઈની જોબનવન્તિ જોગમાયા સ્વરુપ દિકરી જાણે સામે આવીને ઊભી હોય એમ ભાસ્વા લાગ્યું.,
તે દિવસોમાં રાણાભાઈને તયાં ચારણો નાં માગા આવતાં હતાં. રાણાભાઈને પણ એમકે જો સારું ઠેકાણું મળે તો દિકરી હંસબાઈ ને ચાર ફેરા ફેરવી દઉં.
એક દિવસ હસતાં મોઢે રાણાભાઈનાં કોઠા નાં દરવાજા ખોલાવ્યા.
‘બાપુ હમણાં તમે કાંઈ ચિંતા માં છો?
નાં રે દિકરી, મારે વળી શેની ચિંતા?તારા જેવી દેવ કન્યા બાપના આંગણા ને પવિત્ર કરતી હોય તો એને કોઈ ચિંતા જ હોય નહીં. ચિંતા હોય તો આપણા કુળદેવી આપણી ભેરે જ છે.
એટલું બોલીને ઘરની ઓસરી મા ખાટલા ઉપર બેઠેલ ચારણે દિકરી હંસબાઈ ના માથે હાથ ફેરવ્યો. રાણાભાઈનાં અંતર મનથી સો સો ગાડાં ભરીને આશિષ વરસતા હતા. પીત્રુરદય ની ગંગા એમનાં હાથમાંથી દીકરીના મસ્તક ઉપર વહેવા લાગી. હંસબાઈ ની કાયામાં અને મુખ ઉપર લોહી ધસી આવ્યુ. એનાં રૂપના અજવાળે પેલી ઓસરી રૂડી લાગવા માંડી. એ બાપના હેત ને હૈયા થી પી રહી.
બેટા, વાત કરું? હા બાપુ મેં એટલે જ સામેથી પૂછ્યું હતું. હંસબાઈ બોલી.
‘દિકરી મોટી થાય ત્યારથી બાપની ઉંઘ અળગી બને છે.
ઉપલિયાળા નામના નાના ગામમાં આ ચારણો નો વરસો જૂનો વસવાટ. આંગણા મા ગાયો છે. મૂળ તો માલધારી ચારણો. કુદરત નાં ખોળે અહર્નિશ ખેલતી જગદંબા ઉપાસક જાતી.
‘બાપુ હું માંગુ એ તમે આપો ખરા? ‘બેટા, આ બધું તમારું જ છેને! મારે ક્યાં ભેગું બાંધી જવું, વળી આ સંસાર મા કોઈ એવો માનવી નથી કે એની પાસેનું મરતી વખતે સાથે લઇ ગયો હોય. તને પેલો દુહો યાદ હસે ને? એમ કહીને દુહા ની કડીઓ રાણા ભાઈ એ હંસબાઈ ને સંભળાવી.
“ધરતી કહે મેં જગજુની, કેનીયે ન પુરી આશ;
કેતાય રાણા રમી ગયા, કેતાય ગયા નિરાશ!
‘સાવ સાચી વાત કરી. એટલે જ મારે આપની પાસે માંગવું છે. મારી આશા તો ફળે ને!
‘તો વાત કરને બાપ પાસે વળી અચકાવા નું હોય? રાણા ભાઈ એ જિજ્ઞાસા દર્શાવી.
’બાપુ મારે તમારાથી અળગું થવું નથી.’ તેમ હંસબાઈ બોલવા જતી હતી ત્યારે વચે રાણા ભાઈએ તેને અટકાવતા કહ્યું; દિકરી સમય આવ્યે બધાને અળગું થવું પડે છે. રામ જેવા રામે પણ સંસાર મા પગલાં પાડ્યા હતા. માનવીએ માનવી નો ધરમ બજાવવા નો હોય છે.
‘ના બાપુ મારે એ સંસાર ની માયા મા પડવું નથી. મારે તો આપણી જોગમાયા ની ઉપાસના મા લાગી જવું છે. તમારી સેવા કરીશ અને ઇશ્વર તેમજ જોગમાયા ની ભક્તિ માં લાગી જઈશ. સંસાર ના તાંતણે બંધાવું નથી. મારી આટલી જ માંગણી છે. મને આ એક ગાય આપજો. ગાય સાથે મારૂં જીવતર શાંતિ થી જશે. એક ખેતર કાઢી આપજો એટલે બસ.’ હંસબાઈ એ મનના ઝરણાંને વાચા આપી.
‘દિકરી, આજે મારો દેહ છે, કાલે ન પણ હોય, બાઈ માણસ થી એકલું જીવન કાઢવું મુશ્કેલ બને છે.
‘એ બધું મેં આપણાં ગામમાં જ જોયું છે. કોઈ આજે જાય છે કોઈ કાલે જાય છે તેથી મારે તો આઈ ખોડિયાર નાં માર્ગે જવું છે! મને જ્યારથી સમજ પડવા લાગી તે દી’થી મારૂં ધ્યાન જોગમાયા અને ઇશ્વર મા છે. આ ગાય અબોલ પ્રાણીમાં મને એનાં દર્શન થાય છે.
‘અહિં નજીકમાં જ આવેલ વરાણા ગામની આઇ ખોડિયાર ને આ આખોય પંથક પૂજે છે. આઈ આવળ ની કીર્તિ-ગાથા એ સીમાડા વટાવ્યા છે. ગાય ઉપર મને અપાર હેત છે.
‘એ ગાય આજથી જ તારી. તને જે ગમે તે એક ખેતર પણ તારા ભાગમાં; રાણાભાઈએ કીધું.
ઉપલિયાળા ગામમાં હંસબાઈ અને બાપ વચ્ચે ની વાત ફરી વળી. હંસબાઈ જોગમાયા નાં સાનિધ્ય માં સમય વિતાવી રહ્યાં. ગામલોકો પણ એમની એ ભક્તિ મા જોડાવા લાગ્યા. એમનો ઓરડો ભજન, ચરજો અને છંદો નાં પડછંદા પાડી રહ્યો. લોકો હંસબાઈ ને નમવા લાગ્યા.
હવે આ ગાય રાજપૂત નાં હાથે મરાણી હતી. પતિ પત્ની બંનેમાંથી આ વાત હંસબાઈ ને કહેવાની હિમ્મત નથી હાલતી.
બંને વિચારી રહ્યા હવે શું કરીશું અબોલ ગાયની હત્યા થઈ ગઈ. પરમાર કંપી ઉઠ્યો. હવે એવું કરો, ચમાર વાસ મા ઝડપી જાઓ, છાનામાના, ગાયને અહી ખાડો કરીને ભંડારી દઈએ.
સવારમાં ઉઠતાં ની સાથેજ હંસબાઈ ગાયને ચાંલ્લો કરે. ગાયનું મોં જુએ એને નીરણ નાંખે.’ઉભિ રે મારી બેન, તને નીરણ નાખું, પાણી પીવા તળાવ લઇ જાઉં’; આમ ઉતાવળી થા માં”, એમ બોલતાં હંસબાઈ એનાં માથેથી તે પૂછળા સુધી હાથ ફેરવે. ગાય એની જીભ કાઢીને હંસબાઈ ને વ્હાલ કરે. હંસબાઈ સિવાય કોઈને દૌહવા ન દે. ગાયોનો ગોવાળ એને ચારવા લઇ જાય. કોઈ ન હોય તો પોતે જ ગૌચર સુધી મુકી આવે.
પરમારે જાણીતા અને કાયમી કામ કરતા બેત્રણ ચમાર ને ઘર તરફ દોર્યા.
‘શું કામ છે તે વાત કર્યા વિના ઘર બાજુ કેમ લીધાં છે? તમે મારી સાથે તો આવો.
ચમાર ભાઇઓ ત્યાં આવીને જુએ છે તો ગાય મરેલ હતી. પેલાં કીધું હોત તો દોરડા અને ગાડું વગેરે લઇ આવત ને! ચામાંરોએ કીધું.
પરમાર બોલ્યો,’ ગાયને બહાર નથી લઇ જવાની અહિં જ દાટી દેવાની છે.
એક ભાઈ ઓળખી ગ્યો, આતો હંસબાઈ બા ની ગાય છે, એમને ખબર આપી છે?
પણ, પરમારે બધું લલચાવી ને જાણ ન કરવાનું સમજાવ્યું. પૈસા બમણા આપવાનું કીધું. ચમાર લલચાયા પણ હંસબાઈ ની બીકે પગ પાછા પડ્યા.
અમારાં થી આવું છાનું કામ નહીં થાય. એક આધેડ ઉંમરનો માનવી બોલ્યો. ગાય કઈ રીતે મરી તે વાત કરો.
આવી કેટલીયે સમજાવટ પછી તૈયાર થયા. ચકલુંય ન ફરકે એમ શાંતિથી કામ શરૂ કર્યું. મોડી રાત સુધી આ કામ ચાલ્યું. પરમાર ઝોકે ચડ્યો. પેલા ચમાર ભાઇઓ એ મરેલી ગાય ને ખાડામાં નાખી પણ તે પેલાં ગાયનો મોરાપો(મોં નો ભાગ) અલગ કાઢી લીધો. જેની ઘર ધણી ને ખબર પડવા દીધી નહીં.
ભેંકાર રાત્રી સૂતી હતી. હંસબાઈ ને જીવથિય વ્હાલી ગાય પણ ક્યારની યે ધરતીમાં પોઢી ગઇ હતી.
ગામ, તળાવ, ગોન્દ્દરુ તેમજ આસપાસ નાં વાડાઓ મા રખડી ને હંસબાઈ ઘેર પાછાં ફર્યા. ગોવાળ અને ખેડુતો ને પુછ્યું.
‘નાં, આઈ, અમે તો ગઇ કાલથી એને જોઇ પણ નથી!ચારે બાજુથી એકજ જવાબ. ગામની ધરતી સૂનકાર ભાસ્વા લાગી. વાયરો ભેંકાર ગાણા સમ્ભળાવ્તો હોય તેમ લાગ્યું.
હંસબાઈ એ તે રાત્રી થી અન્ન ત્યાગ કર્યો. નીંદર હરામ થઈ ગઈ હતી. જામતી રાત્રી નાં કોઈ માલધારી ચારણે વહેતા મુકેલ દુહાઓ માંથી ગોફણ ની જેમ વછુટેલ દુહો એમનાં મગજ માં ઘૂમરાતો હતો.
“નીંદર ના’વે ત્રણ જણ; કહો સખી કિયાં,
પ્રીત વછોયા, બહુઋણા, ખટકે વેર હિયાં.”
સાચી વાત છે, માનવી ને માનવીની પ્રીતિ હોય કે પશુ સાથે ની બધું એક જ છે. મારી પ્રીતિ-પાત્ર જીવતર ની સાથી ગાય હતી એ ગઈ પછી મને નીંદર ક્યાંથી આવે? મારા ઉપર કોઈ ઋણ તો નથી કે પછી નથી કોઇ સાથે વેર પણ મારી ગાય વીના મારૂં આંગણું અણશોરું લાગે છે.
આઈ અનાજનો ત્યાગ કરો નઈ. તમારી ગાય ની કોઈ ચોરી કરે નહીં. તમારું નામ જાહેર છે.તમે તો જગદંબા નો ભેળીયો ઓઢ્યો છે. વગર ઓળખે કોઈ માનવી એને હાંકી ગયો હશે તો ઘર આંગણે પાછી મુકી જાશે. અમે તપાસ કરાવીએ છીએ,’માલધારીઓ ભેગા મળીને હંસબાઈ ને વિનંવ્યા.
‘ નાં રે ભાઈ ઓ, મારી ગાય નજરે ન ભાળું ત્યાં લગણ મારા મોઢે કોળિયો કઇ રીતે ઊતરે?
એમને એમ એક દિવસ વીતી ગયો. ઉપલિયાળા ગામનાં ઘરોમાં તેમજ આસપાસ નાં વિસ્તારો મા ચારણ ની દિકરી એ અન્ન નો ત્યાગ કરીને માનવીના ભીતર હલબલાવી નાખ્યા.
‘આઈ એકને બદલે બે ગાયો તમારાં ખીલે બાંધી દઈએ, પણ તમે ઉપવાસ છોડો; ગામલોકો અને કુટુંબીઓ એ આઇને સમજાવવા પાઘડીઓ ઉતારી. વાતો તો વાયરે ઉપડવા લાગી. સીમાડા નાં ગામ ફેંદી વળ્યાં પણ ગાયનો પતો મળ્યો નહીં. બીજો દીવસ પણ એમજ વીતી ગયો. ચારે દિશાના વાવડ સુના મળ્યા. ત્રીજો દીવસ પણ ઉગી ને આકૂલ વ્યાકુળ કરી રહ્યો.
‘તે રાત્રે હંસબાઈ ને સપનું આવે છે.” તારી ગાય શોધી રહી છો ને? જોગમાયા નું એ સ્વરુપ કહી રહ્યું હતું જાણે….!!’હા માળી, ત્રણ ત્રણ દી થી મે અન્ન નો દાણો મોઢામાં મુક્યો નથી. તારું અખંડ રટણ કરું છું, મારી ગંગા સ્વરુપ ગાય નો પત્તો મળતો નથી. એ ગાય મારી ભવોભવ ની સાથીદાર છે, એનાં વીના હું જીવી શકીશ નહીં. મારી ગાયની ભાળ આપો માઁ; હંસબાઈ એ આજીજી કરી.
‘તું સવાર મા ઊઠીને ચમાર વાસ મા જાજે,તારી ગાયનો પત્તો મળી જશે! આટલા બોલ સાંભળ્યા પછી હંસબાઈ ની આંખ ઉઘડી ગઇ. જોગમાયા નો ગેબી સંકેત મળ્યો હતો. ત્યાં બીજું કોઈ હતું નહીં.
સવારે હંસબાઈ ચમારવાસ મા જાય છે. આઈ ને તેમનાં આંગણે આવેલા જોઈને ચમારો મૂંઝાયા. બધાને ભેગા કરી આઈ વાત કરે છે,” તમે કાંઇ જાણતા હોય તો સાચેસાચું ઝટપટ બોલી નાખજો નહિતર…..” હંસબાઈ આગળના વેણ બોલે ત્યાં તો આધેડ ઉંમરે પહોંચેલ તે દિવસે આ કામ માટે ગયેલ ચમાર હંસબાઈ નાં મુખ ઉપર બદલાતી રેખાઓ નો તાપ જીરવી શક્યો નહીં. તેણે હંસબાઈ સામે પાઘડી ઉતારી.’માડી અમારો કંઇ વાંક ગુનો નથી, વાંક રાજપૂત નો છે, એને ત્યાં ગાય મરી ગઈ હતી. એણે અમને ઝેર ચડ્યા નું કીધું પણ ગાયને જોતાં અમને માથામાં મારેલ લાગ્યું. અમે ગાયને ઓળખી ગયા હતા, પણ બીક નાં માર્યા બોલી શકતા ન હતા.
એણે રાખી મુકેલ ગાયનો મોરાપો લેવા જાય છે, આઈ ખાટલે બેશે છે.
‘આઈ આ જુઓ તમારી જ ગાય હતી ને?
ગાયનું મોં જોતાં હંસબાઈ ની આંખો માં આંશુ છલકાઈ રહ્યાં. આંખો ત્રાંમ્બાવરણી થઈ ગઈ. પેલા ચમાર ને કહી મોરાપો તેમનાં ઘેર લીધો. પરમાર ને બોલાવવા માણસ મોકલ્યો.
રાજપૂત હંસબાઈ નું રૂપ જોઈને કંપી રહ્યો.
‘સાચે સાચું કહેજે, આ કાળો કામો કોણે કર્યો?
હંસબાઈ ની આંખો થી અંગારા ઝરવા લાગ્યા. આત્મબળ નાં તેજ સત્ય શોધી રહ્યાં હતાં.
‘માડી અમારા બે માણસ ના કજીયા ની દાઝ આ અબોલ પશુ ઉપર ઉતરી ગઇ. ગાય ક્યારે આવી અને મને પણ આવી કમત કેમ સુઝી તેની ખબર જ ન રહી. મારે બરડા મા ધોકો મારવો તો પણ એણે તયારે જ મોં ફેરવ્યું અને માથામાં લાગી ગ્યું. તમે જે દંડ કરો તે હું ભરી દઉં, કેતા હોય તો એકને બદલે બે ગાયો તમારાં ખીલે બાંધી દઉં’ પરમારે હવે સાચું કીધું…
‘તેં મને કહ્યુ કેમ નહીં?’
‘ક્યા મોઢે તમારી પાસે વાત કરું? તમારા ને મારા બાપુનો વરસો જૂનો નાતો છે. હવે તમે કહો તે જ મારો ન્યાય.”
‘તો સાંભળી લ્યો, મારાથી હવે શાપ દેવાય નહીં મારી જીભ જોગમાયા એ બાંધી દીધી છે. આજે દીવસ આથમ્યા પહેલાં અહીંથી ભાગી જજો નહીંતર આ ગામ આઇ નો પડ્યો બોલ ઝીલે છે તે ભૂલતા નહીં.”
એક માલધારી એ પોતાની લાકડી ધરતી ઉપર પછાડી ને આગમ ની એંધાણી કરી. હજી તો આખું ગામ ભેગું પણ ન્હોતું થયું નહિતર જૂદિ જ ઘટના ઘટત.
‘હવે તો સહુ ને મારા રામરામ છે. જોગમાયા તમારી વ્હારે રહેશે, તમે સૌ સત્યા નાં પડખે રહ્યાં હતા. ચમારોનો કોઈ ગુનો નથી. પરમાર અને તેનાં કુટુંબીઓ એ ઉચાળા ભર્યા. વેદનાની કણસતિ સાંજ ઢળી રહી હતી. આઈ હંસબાઈ એ ગામનાં માણસોને અને કુટુંબીઓ ને જાણે છેલ્લા જુહાર કર્યા.
‘આઈ હવે તો આપ અન્ન જળ લઇ ને પારણાં કરો’ ગામનાં આગેવાને હાથ જોડી ને કહ્યું.
‘તમે સૌ જાણો છો કે મારા બાપુ એ દીધેલ એ ગાય તો પેલા ભવ ની મારી સાથીદાર હતી. મારે ને એને ત્રણ દી’નું છેટું પડી ગ્યું છે; મારો ઋણાનુબંધ અહિં પૂરો થયો, એ છેલ્લા શબ્દો સાથે એમણે જોગમાયા નું રટણ શરૂ કરી દીધું. લોકો હજુ આ બધું સાંભળતા હતા ત્યાં તો થોડાક જ કલાકો મા હંસબાઈ નાં આત્મા એ દેહને છોડી દીધો. લોકો આ વિરલ ઘટના જોતાં દંગ થઈ ગયા. ગાયનો મોરાપો અને આઈ હંસબાઈ એક જ ચિતા મા ભસ્મીભૂત થયાં!
‘પતી માટે દેહત્યાગ ની કે સતી થયાની અનેક ઘટના ઓ છે. કોઈકના મૃત્યુ નાં સમાચારે લાગણીશીલ માનવી આઘાત પામેલાં નાં દાખલા છે, પરંતું પોતાના પશુ માટે અન્ન જળ ત્યાગીને દેહના બલિદાનની ઘટના ભાગ્યે જ બની હશે!
ગામલોકો માંહે માંહે વાતો કરતા હતા. હંસબાઈ ની ચિતા નાં અંગારા કરતા તેમનો ગૌપ્રેંમ અને સત્ય પ્રબળ હતાં. એ ચિતા ની રાખ સૌ કપાળે લગાવીને ક્યાંય સુધી થંભી રહ્યાં.
એ પડઘો સંભળાઈ રહ્યો.
‘કોઈ કટારી કર મરે, કોઈ મરે બિખ જાઇ;
પ્રીતિ ઐસી કિજીયે, હાય કરે જીવ જાય!
કહેવાય છે કે આજે પણ એ જોબનવન્તી જોગમાયા જાણે પોતાની ગાયને બોલાવી રહી હોય તેવા ભણકારા ભાંગતી રાતના સંભળાય છે.
ઉપલિયાળા ગામનો કોઈ પણ યુવાન પરણીને ગામમાં પગ મૂકતા આઈ હંસબાઈ નાં સ્થાનકે નમીને જ પોતાના આંગણે જાય છે.
(ઇ. સ. 1750 આસપાસ ની ઘટના)