Chalo Farie 2 in Gujarati Travel stories by Kintu Gadhavi books and stories PDF | ચાલો ફરીઅે - કાશ્મિર

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ચાલો ફરીઅે - કાશ્મિર

ચાલો ફરીએ

કાશ્મીર - ભારતનો સ્વર્ગ

ભાગ - ૨

-ઃ લેખક :-

કિન્ટુ ગઢવી

E-mail :- kintugadhvi@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

કાશ્મીર

ઉનાળામાં દરેક ગુજરાતી પ્રવાસીને આકર્ષતું પર્વતીય સ્વર્ગ

જમ્મુ-કાશ્મીરની યાત્રાઓ વિશે આપણે કાકા કાલેલકરના પુસ્તકોમાં ઘણું વાંચ્યું. ગુજરાતી સાહિત્યના અદકેરા કવિ કલાપિએ પણ કાશ્મીરને ગુજરાતી ભાષામાં ઘણું બિરદાવ્યું છે. એક સમય હતો કે જ્યારે ગુજરાતી સંકુલો સાથે મળીને એક એક મહિનાનો પ્રવાસ કરતાં જેમાં આખા ઉત્તર ભારતનો પ્રવાસ થતો. ઉત્તર ભારતમાં આખરે તો ગુજરાતીઓ કાશ્મીર તરફ જ પ્રયાણ કરતા અને કાશ્મીર જોઈને ઈશ્વરીય અનુભૂતિ કરીને આવતા. આજની પેઢી કરતાં પણ વધુ તો જૂની પેઢીએ કાશ્મીરને વધુ સારી રીતે માણ્યું છે. એ જમાનામાં પ્લેનની સેવાઓ ન હતી. ટ્રેઈનો પણ મર્યાદામાં સેવાઓ આપતી પણ રસોઈયા સાથે બસમાં પ્રવાસ કરીને અનેક ગુજરાતીઓએ કાશ્મીર ખીણને માણી છે. હમણાં જ શાહરુખ ખાને કાશ્મીરનું કેમ્પેઈનિંગ કરવાનું બિડુ હાથમાં લીધું હતું. આવા સમયે કાશ્મીરના વખાણ કરતાં શાહરુખે કહ્યું હતું કે કાશ્મીરની સુંદરતા તો અમારા કેમ્પેઈન કરતા અનેકગણી વધારે છે. જબ તક હૈ જાનના શૂટિંગમાં શાહરુખે એક મહિનો કાશ્મીરમાં જ ગાળ્યો હતો. કાશ્મીર ટુરિઝમ દ્વારા સતત એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે હવે કાશ્મીરમાં શાંતિ છે અને કાશ્મીરમાં અન્ય રાજ્યોના સભ્યો સરળતાથી આવીને અહીંની પ્રકૃતિને માણી શકે છે.

થોડા વર્ષ પહેલાં એક તબક્કે કાશ્મીરમાં ચાલતી અરાજક્તાને લઈને અનેક ટ્રાવેલ એજન્ટોએ કાશ્મીર પ્રવાસનનો પ્રચાર પ્રસાર કરવાનું જ બંધ કરી દીધું હતું. દુષ્કાળમાં અધિક માસની જેમ વળી કાશ્મીરમાં પૂરનો પ્રકોપ આવ્યો. જેના કારણે અનેક ફ્લાઈટો, અનેક પ્રવાસીઓના શિડ્યુલ કેન્સલ થયા અને હવે ફરીથી કાશ્મીરીઓ પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ’હૈદર’ અને ’જબ તક હૈ જાનમાં ’ કાશ્મીરના સૌંદર્યને સાંકળીને કથાનકની રચના કરવામાં આવી છે. આજે ફરીવાર આપણે સૌ કાશ્મીર પ્રવાસનું આયોજન સુરક્ષિત અને સરળતાથી કરી શકીએ તેવા સંજોગો ઊભા થયા છે. નવી સરકાર સાથે મોટી જવાબદારી તો અહીંના પ્રવાસનને જ ઊભુ કરવાની છે. કાશ્મીરમાં શું જોઈ શકાય અને કાશ્મીરને કેવી રીતે માણી શકાય ?

મોટા ભાગના મધ્યમ વર્ગીય પરિવારો એવું માને છે કે કાશ્મીર જવું એ આપણાં ગજા બહારનું છે. આ જ કારણે કાશ્મીરની પરિસ્થિતિમાં સૌથી મોટો ફટકો એ પડ્યો કે કાશ્મીરમાં જતો મધ્યમ વર્ગ ઘણો ઘટી ગયો. કાશ્મીરની મોટી હોટલોમાં તો તેજી જળવાઈ રહી પણ નાના પાયે ઊભો થયેલો પ્રવાસન ઉદ્યોગ પૂરો થઈ ગયો. પરંતુ કાશ્મીરમાં પણ મધ્યમ કક્ષાની થ્રી સ્ટાર હોટલો છે જ્યાં સુંદર રીતે પ્રવાસનું આયોજન કરીને કાશ્મીરની સુંદરતા માણી શકાય છે. પ્રકૃતિને માણવા માટે કોઈ ખર્ચ નથી કાશ્મીરમાં જે કાંઈ ખર્ચ છે તે ટ્રાવેલિંગ અને રોકાણનો ખર્ચ છે.

કાશ્મીર જવા માટે અમદાવાદથી સીધા જ જમ્મુ જઈને આયોજન કરી શકાય છે. જમ્મુ સુધી ટ્રેઈનમાં કે પ્લેનમાં પ્રવાસ કરીને તમારા બજેટ અનુસાર ખર્ચ કરી શકો છે. ત્યારબાદ કાશ્મીર ખીણ અને શ્રી નગર જવા માટે જમ્મુથી જ અનેક નાના મોટા વાહનોનું આયોજન કરી શકાય છે. એક ચોક્કસ રેટ સાથે જમ્મુથી કાશ્મીર સુધીનું ૩૦૦ કિ.મીનું અંતર રૂ.૩૦૦થી લઈને રૂ.૧૦૦૦ની રેન્જમાં કરી શકાય છે. જમ્મુ-કાશ્મીર સરકારની બસથી લઈને પ્રાઈવેટ બસોમાં લગભગ દસ કલાકનો આ પ્રવાસ આહલાદક છે. આખો માર્ગ પહાડો અને ઘાટીઓથી ભરેલો છે. એક તરફ ખીણો અને બીજી તરફ પહાડો. ચાલુ બસમાં પણ પ્રકૃતિની મોજ માણી શકાય. કાશ્મીરમાં ખેતી અને બાગાયત બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સૌથી હોટ છે. અહીંના દરેક પરિવારોમાં હોસ્પિટાલિટીના સંસ્કાર પડ્યા છે. એક જમાનામાં કાશ્મીર મુગલોનું સૌથી ગમતું સ્થળ હતું અને એટલે જ અહીં મુગલ શાસકોએ શ્રીનગરમાં ગુલાબોથી ભરેલો એવો મુગલ ગાર્ડન બનાવ્યો. જમ્મુ કાશ્મીર સરકારે અહીંની પ્રજાને પણ ટુરિઝમ સાથે જોડીને કલ્ચરલ ટુરિઝમનો સુંદર કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે. જેના કારણે શ્રીનગરમાં શિકારાની મજા લેતા લેતા પ્રવાસી પરિવાર કાશ્મીરીયતની મજા પણ માણી શકે છે. ભગવાન બુદ્ધના સમયમાં કાશ્મીર ઉત્તર ભારતનું એક અગત્યનું આધ્યાત્મિક કેન્દ્ર હતું. અહીંની સુંદરતાનું સૌથી મોટુ આકર્ષણ હિમાલયની ગીરી કંદરાઓ અને ચિનાર વૃક્ષોથી આચ્છાદિત વાદીઓ છે. કાશ્મીરના લોકો પણ એક આગવી સંસ્કૃતિ ધરાવે છે. આખા દેશમાંથી વધુ તો બંગાળીઓ અને ગુજરાતીઓ કાશ્મીરના પ્રવાસે આવે છે. ૧૯૯૦માં ઘણાં દેશોમાં માર્ગદર્શીકાઓ પ્રસાર કરી હતી જેમાં લખ્યું હતું કે કાશ્મીરનો પ્રવાસ ખૂબ જ અસુરક્ષિત છે. અહીં ત્રાસવાદના કારણે કોઈ પ્રવાસીએ પોતાના જીવના જોખમે જવું પડશે. પરંતુ ત્યારબાદ કાશ્મીરમાં લગતાર કાશ્મીરી પંડિતોની હત્યા થઈ, ધર્મના નામે અનેક લોકોની ખુવારી થઈ. પરંતુ આમ કરવાથી આખરે તો કાશ્મીરનું જ અર્થતંત્ર ગબડ્યું. કાશ્મીરની સ્થાનિક પ્રજાએ પણ આ વાતનો અનુભવ કર્યો જેના કારણે ધીમે ધીમે કાશ્મીરની સ્થાનિક પ્રજા હવે શાંતિ રાખીને પ્રવાસીઓની રાહ જુએ છે.

કાશ્મીરનું પાટનગર એટલે શ્રીનગર. મૂળ તો આ પ્રદેશ એક હિંદુ રાજા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો જેના કારણે આજે પણ કાશ્મીરમાં અમરનાથ, શંકરાચાર્યનું મંદિર જેવા સુંદર મંદિરો છે. આ સ્થળોએ મુસ્લિમો પણ ખૂબ શ્રદ્ધાપૂર્વક સેવાઓ પૂરી પાડે છે. કાશ્મીર સરકાર દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે તો કાશ્મીર ૩૬૫ દિવસ માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ છે. આ જાહેરાત પછી પણ લોકો કાશ્મીરનો પ્રવાસ કરતા ડરતા હતા. લોકોએ કાશ્મીરના બદલે હિમાલયને માણવા માટે સિક્કીમ અને અરુણાચલ પ્રદેશનો વિકલ્પ શોધી લીધો હતો. પરંતુ કાશ્મીર તો કાશ્મીર જ છે. અહીંનું વાતાવરણ અને અહીંના સુંદર દ્રશ્યો તો સૌ કોઈને આકર્ષતા હતા. આખરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કાશ્મીરમાં શાંતિ ફેલાઈ. કેટલાંક સરહદીય ક્ષેત્રોમાં ક્યારેક ગોળીબારીના સમાચાર મળે છે પરંતુ આ ગોળીબારી સાથે પ્રવાસીઓએ કોઈ જ અસુરક્ષા અનુભવવાની જરૂર નથી.

શ્રીનગરની વાત કરીએ તો દલ લેક અહીંનું ધબકતું શહેર જેવું જ એક સરોવર છે. અહીં હાઉસ બોટમાં રહીને એક સુંદર વાદીઓ વચ્ચે પ્રવાસી પોતાની હળવાશનો અનુભવ કરી શકે છે. અહીં બધાં જ પ્રવાસી જમીનથી હજારો ફૂટ ઉપર છે. જેના કારણે આકાશને આંબતા પહાડો અને ધરત પર જેલમ નદીનું ખળખળતું જળ કોઈપણ પ્રવાસીના મનને આનંદથી ભરી છે. દલ સરોવરમાં અવર જવર કરતાં કાશ્મીરી પરિવારો પોતાની ગૃહઉપયોગી વસ્તુઓ લેવા માટે પણ નાનકડી હોડીનો ઉપયોગ કરે છે. ઘણી હોડીઓમાં નાના બાળકો એકલા કમળના ફૂલો લઈને જતા જોવા મળે છે. અહીંની પ્રજાના ચહેરા પર અનોખું તેજ જોવા મળે છે. ગોરા અને ગુલાબી કાશ્મીરી ચહેરાઓ અને દલ લેકમાં અવરજવર કરતાં આ ફરિશ્તાઈ લોકો. દલ લેક સામે આવેલી હોટલોમાં પણ અનેક વૈવિધ્ય છે. અહીં રૂ.૧૫૦૦થી માંડીને ફાઈવ સ્ટારના હાઈફાઈ રેટ સુધીના સ્યુટ હાયર કરી શકાય છે. કાશ્મીર જતાં દરેક વ્યક્તિને બરફની મોજ માણવાનો ભારે શોખ હોય એ સ્વાભાવિક છે. આવા સમયે ગુલમર્ગની મજા માણવા માટે ઘોડા પર બેસીને જવાની અદ્દભૂત મજા છે. અહીં રોપવેમાં બેસીને કોઈપણ વ્યક્તિ કાશ્મીરની વાદીઓનો અદ્દભૂત અનુભવ કરી શકે છે. ઘણીવાર સિઝનમાં અહીં બહુ જ ભીડ હોવાના કારણે કેટલાંક શાંતિપ્રેમી પ્રવાસીઓ આ જગ્યાએ જવાનું પણ ટાળે છે.

છેલ્લા બે ત્રણ વર્ષથી શિયાળામાં પણ કાશ્મીરના ટુરિઝમને વેગ મળ્યો છે. ખાસ કાશ્મીરની બરફની વર્ષા અને કાશ્મીરના અદ્દભૂત નજારાને માણવા માટે પ્રવાસીઓ હવે શિયાળામાં પણ આ પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. કાશ્મીરની કાંગડી સૌ કોઈને આકર્ષે છે. લાકડામાંથી બનાવેલી સ્પેશ્યલ સગડી કાશ્મીરીઓ પોતાના ખોળામાં રાખે છે તો વળી ઘણાં મોટા કોટમાં લટકાવીને ફરે છે. અહીં ચાના બદલે કાવો પીવે છે. આ કાવાની એક અનોખી મજા છે. જેમાં દૂધ નથી હોતું. માત્ર પાણીમાં ચા ઉકાળીને બનાવવામાં આવે છે. શિયાળામાં અનેક કાશ્મીરીઓ પોતાના ઘરમાં નવરાશની પળોમાં કાવાની ચુસકી મારતા જોવા મળે છે.

કાશ્મીરમાં હાઉસ બોટમાં રહેવાની પણ એક અનોખી મજા છે. લગભગ બે હજારથી લઈને દસ હજાર સુધીની રેન્જની હાઉસબોટમાં પ્રવાસી પોતાની શક્તિ પ્રમાણે દલ લેકની મજા માણી શકે છે. હાઉસ બોટમાં કાશ્મીરી પ્રવાસીઓ સાથે તેમની સંસ્કૃતિ પણ જાણી શકાય છે. અહીં હાઉસબોટમાં પણ કાશ્મીરી હેન્ડલૂમની દુકાનો છે જ્યાંથી અહીંની વિવિધ કલાકારીગરી સાથેની કલાત્મક વસ્તુઓની પણ ખરીદી કરી શકાય છે. કાશ્મીરી ઘેટાને પશ્મીનો શીપ તરીકે ઓળખાય છે. આ ઘેટાના ઊનમાંથી બનતી શાલ જગ વિખ્યાત છે. આ શાલને પણ પશ્મીનો શાલ તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરી વણકરો દ્વારા આ શાલમાં સુંદર ડિઝાઈન વર્ક કરીને બનાવવામાં આવે છે. વળી આ શાલ અન્ય શાલ કરતાં અનેક ગણી ગરમ અને આકર્ષક હોવાથી તેની કિંમત પણ ઘણી ઊંચી છે. છેલ્લા સાત આઠ વર્ષમાં કાશ્મીરનું વાતાવરણ ઘણું બદલાયું છે. અહીં વિવિધ પ્રકારે સરકારે પ્રયત્નો કરીને અહીંના પ્રવાસન ઉદ્યોગને ધમધમતો રાખ્યો છે. દિલ્હીથી તૈયાર પેકેજ સાથે અથવા જમ્મુ સુધી ટ્રેઈનમાં જઈને ત્યાંથી પણ પેકેજ ટૂરમાં જઈને સુરક્ષિત રીતે કાશ્મીરની મુસાફરી કરી શકાય છે. ભારતનું સ્વર્ગ ગણાતું કાશ્મીર આજે પણ એટલું જ રણીયામણું અને સોહામણું છે. અહીંના સૂકા મેવા, સફરજન અને ચેરી દરેક પ્રવાસીના હૈયે વસી જાય છે. તો વળી અહીંના વાતાવરણમાં રહેલી ખુશનુમા આબોહવા દરેક પ્રવાસીના ફેફસામાં શુદ્ધ રૂપે શ્વસે છે.