Oh ! Nayantara - 15 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - પ્રકરણ 15

Featured Books
Categories
Share

ઓહ ! નયનતારા - પ્રકરણ 15

ઓહ નયનતારા


પ્રકરણ - 15


ઝડપથી દોસ્તી, ઝડપથી ભંગ



સહારા અરપોર્ટથી પ્લેન લંડનની દિશા પકડે છે. પ્લેનની અંદરનો માહોલ અને તેમાં પણ બિઝનેસ કલાસની ટિકિટ હોય તો મજા કંઈ ઔર છે. કેપ્ટન સોહબ આંખો પર કાળી પટ્ટી લગાવી અને ભરનિંદ્રામાં પોઢી ગયા છે. એરહોસ્ટસને બોલાવી વ્હીસ્કી વિથ આઈસની માંગણી કરું છું. કારણ કે મને પહેલેથી ઓર્ડર કરવાની આદત નથી. ઑફિસમાં પણ સ્વહસ્તે પાણીનો ગ્લાસ ભરું છું એટલું જ નહીં જમ્યા પછી મારી થાળી પણ મારા હાથે ઉપાડીને વાસણ સાફ કરવાની જગ્યા પર મૂકી આવું છું જે નિયમ આજ સુધી બરકરાર રાખ્યો છે, પણ આજે શરાબને કારણે તોડવો પડે છે. સાકીને હાથે શરાબ પીવાની મજા પણ ઔર હોય છે.

શરાબ પણ એવી ચીજ છે જે ગમે તેવા પ્રકારમાં લિજ્જતદાર હોય છે. સોડા સાથે,આઇસ સાથે,કોકાકોલા સાથે અથવા સાવ નીટ,જયારે પણ હોઠો લગાડો ત્યારે પોતાની લિજ્જત છોડતો નથી અને હું તો વ્હીસ્કીના વતનમાં જઈ રહ્યો છું તેની મને કયાં ખબર હતી ?

ચાર પેગ ખતમ થયા પછી થોડી આંખો ઘેરાય છે. આંખો ખુલે છે ત્યારે લંડન આવવાનો એક કલાકનો સમય બાકી હતી. કદાચ યુરોપ ખંડની આકાશી સરહદ પરથી પ્લેન ઉડતું હશે ?

'હવે થોડી વાર પછી આપણું પ્લેન હીથ્રો એરપોર્ટ પર લેન્ડીંગ કરશે.' આવું જ કાંઈક સાંભળવામાં આવ્યું.

લંડનના હીથ્રો એરપોર્ટની બહાર અમારી ટીમ પહોંચી ગઈ છે. બહારનો માહોલ જોતા હું તો આભો બની ગયો. મને એવું ના લાગ્યું કે હું એક જુદા ખંડમાં, એક જુદા દેશમાં, એક જુદી સંસ્કૃતિમાં પહોંચી ગયો છું. દિલ ભરાય છે હીથ્રોની બહાર મારા વતનના કાળામાથાના માનવીઓના ટોળા જોઈને. નાનકડું કાઠિયાવાડ કમ ગુજરાત એકઠું થયું હોય તેમ અમારું સ્વાગત કરવા સો-દોઢસો માણસો જમા થયા છે, જેમાં અમુક પરિચિત ચહેરાઓ નજરે પડે છે.

ગોકળબાપાના પુત્રો પ્રવીણ અને ભરત, અરવિંદ અંકલ, ગોવિંદબાપાના પુત્ર રમેશ અને તેની પત્ની, મારા મિત્રો અશ્વિન, રાકેશ, મયૂર, મધુફઇબા અને તેની દીકરી મનિષા અને છેલ્લે જે મને દર વર્ષે રાખડી મોકલે છે તે મારી માનેલી બહેન આશા શૈલેષ પાનસરા આ બધાને જોઈને દિલમાં રોમાંચ પેદા થઇ જાય છે.

'પોગી ગયો મારો દીકરો.' મધુફઈબાનો કાઠિયાવાડી અવાજ પંદર વર્ષ લંડનમાં રહ્યા પછી એવો ને એવો લાગે છે.

ત્રણે મિત્રો તો મને ભેટીને ઊંચકી લે છે.

પ્રવીણ અને ભરતને ભેટી પડું છું. મારી પીઠને પ્રવીણના મજબૂત હાથોનો અહેસાસ થાય છે.

રમેશ પણ જોતાવેંત સખ્તાઈથી ભેટી પડે છે. ભાભીને પહેલીવાર મળ્યો હોવાથી મારી સાથે હાથ મિલાવે છે.

સૌથી છેલ્લે મારી ઈંગ્લિશ બહેન આશાનો વારો આવે છે. આશાનાં લગ્ન થયાને ત્રણ વર્ષ થઇ ગયાં છે. મારા પાડોશમાં રહેતી હોવાથી તેને મને ભાઈ બનાવ્યો હતો. ત્રણ વર્ષ પહેલાંની આશા અને આજની આશામાં જમીન આસમાનનો તફાવત આ ઈંગ્લેંન્ડના કારણે પડી ગયો હતો.

જૂન મહિનો હોવા છતાં ઠંડીની લહેરખીઓ મારા કાળા બ્લેઝરની આરપાર ઉતરતી હતી. ઈંગ્લેંન્ડની ઠંડી હવાઓ પણ ગોરી મેડમો જેવી મુલાયમ લાગતી હતી. કદાચ આ જુદી સંસ્કૃતિની ભાષા છે. દસ મિનિટમાં હું હિન્દુ સંસ્કૃતિ ભૂલીને પશ્વિમી સંસ્કૃતિનો માણસ બની ગયો હોય તેવું લાગ્યું.

'મને તો વિશ્વાસ નથી આવતો કે તું લંડનમાં છે ! તું કોના ઘરે ઉતરવાનો છે ? કયા એરિયામાં તમારો ઉતારો છે ?' આશા એકીસાથે બોલી ગઇ.

'મને કાંઇ પણ ખબર નથી - અમારે કયાં રહેવાનું છે ? બધી વ્યવસ્થા કેપ્ટનસાહેબે કરી છે.' આશાના સવાલોના જવાબ આપતા મેં કહ્યું.

છેવટે અમારી ટીમ અમારા કેપ્ટનના મિત્ર નિરંજન પટેલના આલિશાન મકાન જે કિંગ્સબરીમાં ખાલી પડેલું છે ત્યાં પહોંચે છે. હીથ્રોથી કિંગ્સબરી વચ્ચે આવતા સાફસુથરા રસ્તાઓ, એક જ બાંધણીનાં લાઈનબંધ મકાનો, ઉડતાં યૌવનો,તાજાં ફૂલો જેવા માસૂમ ચહેરાઓ, મૃદુકુસુમ જેવી ગોરી ગોરી બાળાઓ, કસરતી શરીરવાળા ગોરા યુવાનો, ગલગોટા જેવા નાના ગોરાચીટા બચ્ચાંઓ જોઈને લંડન શહેરને છાતીમાં ભરવાની ઈચ્છાઓ થઈ ગઈ હતી.

નિરંજન પટેલના આલિશાન મકાનમાં પ્રવેશતા આંખો ચકાચૌંધ બની જાય છે. બારરૂમ, આગળ સુઅંદર ગાર્ડનવાળું મકાન જોઈને રોમાંચિત બની ગયો.સ્વચ્છ અને સુઘડ વસ્તુઓ કોને કહેવાય તેની સાચી જાણકારી આજે મને જાણવા મળી હતી.

મકાનના કિચનમાં તમામ સરસામાન મોજુદ હતો. બપારેનું જમવાનું પહેલેથી તૈયાર હતું. કાઠિયાવાડની આતિથ્યભાવના લંડનમાં પણ ધબકે છે. બપારેનું જમણવાર પણ કાઠિયાવાડી હતું. રોટલા, રોટલી, રીંગણા-બટેટાનું શાક, ગુવાર જેવી સીંગનું શાક, કચુંબર, છાશ અને છેલ્લે પાપડ,જમીને બધા ખેલાડીઓ આડે પડખે થાય છે.

થોડીવાર પછી તો એક પછી એક ખેલાડીના સગાંવહાલાંઓ, મિત્રો વગેરેની આવનજાવન શરૂ થાય છે. અશ્વિન, મયૂર અને રાકેશ પણ પહોંચી ગયા. ત્રણેય મિત્રો મારા લંગોટીયા છે અને ત્રણેય પિતરાઈ ભાઈઓ છે. આઠ વર્ષ પહેલાં તેમનો બ્રિટિશ પાસપોર્ટ બની જતા ઘરના બધા સભ્યો લંડન આવી વસી ગયા હતા.

'પાન ખાવું છે ને મોટા ?' '
શું ? અહીંયા થોડું પાન મળશે, યાર ?' '
ચાલને અહીંયા આગળ જતા જ પાનની દુકાન છે.'
મારા આશ્વર્યનો પાર ના રહ્યો અને બોલ્યો : 'તો હાલોને ભાઈ.' કાઠિયાવાડી ભાષા ઈંગ્લેંન્ડમાં પણ બોલાય છે ખરી !

હું, રાકેશ અને અશ્વિન સાથે કિંગ્સબરીથી થોડે દૂર કેન્ટોનમાં આવેલી એક પાનની દુકાને પાન ખાવા પહોંચી ગયા. કિંગ્સબરીથી કેન્ટોન વચ્ચેના રસ્તાઓમાં ભારતીય ચહેરાઓ જ નજરે ચડતા હતા. કદાચ ગુજરાતીઓ જ હતા. કદાચ ભારતની બહાર વસતું નાનકડું ગુજરાત લંડનમાં વસ્યું હતું.

'મન્ડેથી થર્સડે તું ફ્રી છે અને વિકએન્ડમાં મેચ રમવાની છે. રોજ ઈંવનીંગના અમે તને મળવા આવીશું.' રાકેશ બોલ્યો.
' જામનગરમાં મજા આવે છે...છોકરીઓ કેવી છે...જલ્સા છે ને ?' અશ્વિન તેના જૂના અંદાજમાં બોલ્યો.

'મારી તો સગાઇ થઈ ગઈ છે નાગરની છોકરી સાથે અને છોકરી ડૉકટરનું ભણે છે.' બન્ને મિત્રોને હું જણાવું છું.

'રિયલી...સાચું બોલ યાર મસ્તી નહીં કરવાની.' અશ્વિન જરા ઊંચા અવાજે બોલે છે.

'સાચેસાચું યાર ! આમાં થોડી મશ્કરી હોય ?'

'કેવી છે અમારી ભાભી ?'

'ચાકા જેવી એટલે આ ધોળી છોકરીઓ જેવી.'હું જરા ગુમાનથી બોલ્યો.

'ફોટો છે તારી પાસે ? હોય તો બતાવ અમને બન્ને.'

એટલે નયનતારાનો ફોટો મારા પર્સમાંથી કાઢીને બન્નેને બતાવ્યો.

'ઓહ ! રાકેશ, જો તો ખરી તારી ભાભીનો ફોટો ! સાલ્લી ડૉકટરો આવી બ્યુટીફૂલ હોય તો હું જામનગર પાછો આવી જાઉ.' મારી સામે આંખ મિચકારીને બોલ્યો.

'તો તારે રોજ દવા લેવા જવું પડશે !' રાકેશ બોલ્યો.
' ના યાર. રોજ દવા આપવા જવું પડશે એવું બોલ, રાકેશ !' અશ્વિન મજાક કરતા બોલ્યો.

'ચાલો યાર, મધુફઇબા પહોંચી ગયા હશે અને રાહ જોતાં હશે.' અમો કિંગ્સબરી નિરંજન પટેલના મકાન પર પાછા ફરીએ છીએ. અશ્વિન અને રાકેશ રવાના થયા, આવતી કાલે સાંજે મને મળવા આવશે એવું કહી ગયા. મધુફઈબા રાહ જોઈને બેઠાં છે. અંદર પ્રવેશતા જ મધુફઈબા બોલ્યો, 'આંઈ આવીને પાનના ડુચા ચાવવાનાં ચાલુ કરી દીધા ?' '
આ તો મારો મિત્ર ધરાર લઈ ગયો હતો.'

'જો જે જયાં ને ત્યાં પાનની પિચકારી મારતો નહીં.'

'ના, મને ખબર છે.' '
આ ધોળીયાવનો મલક છે. બહુ ચોખલીના છે એટલે ધ્યાન રાખજે.'મધુફઈબાની કાઠિયાવાડી જબાન લગાતાર સલાહનો મારો ચલાવે છે. '
ઓલો તારો ભાઈબંધ કયાં ગયો ? એને કઈ દે કે મારા ફઈના ઘરે રોકાવવાનો છું.' '
ના ફઈબા ! મારે ફરજિયાત મારી ટીમ સાથે રહેવું પડે છે. કદાચ પછી રજા આપશે તો તમારે ત્યાં રહેવા આવીશ.' ફઈબાને સમજાવું છુઃ.
'તને જેમ ઠીક લાગે તેમ કરજે, સાંજે કાન્તિ આવે એટલે તેને તેડવા મોકલું છું.' ફઈબા હુકમ આપી રવાના થયાં.
અમારા કેપ્ટન મહેન્દ્ર જાડેજા બધા ખેલાડીઓને એકઠા કરીને મેચની તારીખોની યાદ આપે છે અને રોજ સવારના કિંગ્સબરી સ્ટેશનની સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેકટીસ કરવાનું જણાવે છે. તમામ ખેલાડીઓને જાણ કરે છે કે શનિવાર અને રવિવારના રોજ મેચ રમવાના હોવાથી બાકીના પાંચ દિવસ જેને જયાં રહેવું હોય ત્યાં રહી શકે છે પણ સવારની પ્રેકટીસમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે અને અહીંયા તમામ કામ પોતાને કરવાનું છે. કપડાં ધોવાથી માંડી જમવાનું બનાવવાનાં કામ પોતે કરવાનાં રહેશે. પણ બધાને જમવાનું બનાવતા ન આવડે માટે નરેશ જોષી અને સંજય પિલ્લાય બધાનું જમવાનું બનાવશે. બાજુની માકેઁટમાં સામાન લઈ આવવાની જવાબદારી બાકીના લોકોએ સમજદારીથી સંભાળવાની રહેશે. અહીંયા આપણે ત્રણ મહિના રોકાવવાનું હોવાથી એક અઠવાડિયામાં પાંચ દિવસ જેને નોકરી કરવી હોય તેને છૂટ છે.

ત્યારે મારો હાથ મારા ખિસ્સામાં પચાસ પાઉન્ડની વીસ નોટ પડેલી છે તેને અડકે છે જે મારા ફઈબા મને વાપરવા માટે આપી ગયા હતા. છતાં પણ મને એમ થયું કે પાંચ દિવસ નોકરી કરવાથી પૈસા મળતા હોય તો તેમાં ખોટું શું ? અને મારો ગુજરાતી વેપારીનો જીવ હિસાબકિતાબ કરવામાં લાગી ગયો.

સાંજે આઠ વાગ્યાની આસપાસ પ્રવીણ અને ભરત અલગ અલગ ફળોથી ભરેલી ત્રણ બેગને હાથમાં લઈને પ્રવેશ કરે છે. ફળોથી ભરેલી આઠથી દસ બેગ જમા થઈ જાય છે. ગુજરાતી જીવ બીજા ગુજરાતીને જોઈને જીવંત બની જાય છે. આજે ખબર પડી કે દુનિયાભરના દેશોમાં ગુજરાતીઓની પહેચાન શા માટે અલગ હોય છે ! ગુજરાતી હૃદયની ધડકન આખી દુનિયા સાંભળે છે.

આજે ગુજરાતી હોવાનું લાગણીસભર ગર્વ થાય છે અને એ પણ લંડનમાં પહોંચ્યા પછી ! ગુજરાતી જાતિની જીવંતતા અન્ય પ્રજા કરતાં જરા અલગ પડે છે.

જેટલેગના કારણે તમામ ખેલાડીઓ વહેલા વહેલા સૂઈ જાય છે. હું પણ ઉપરના રૂમમાં મારી પથારીમાં પડયો પડયો આંખોને ઘેરાવાની રાહ જોઉ છું પણ અહીંયા નિંદર આવવાનું નામ નથી લેતી, કદાચ હિન્દુસ્તાનમાં નયનતારાની શું હાલત હશે ? તેના વિચારથી દિલ કાંપી જાય છે. અહીંના દસ વાગ્યાનો સમય છે એટલે હિંદુસ્તાનમાં લગભગ રાત્રીના ત્રણ વાગ્યા હશે. કદાચ નયનતારા પણ મારી જેમ પડખા ઘસતી હશે ?

વિચારોમાં ને વિચારોમાં કયારે નિંદર આવી તે ખબર પડી નહીં સવાલની સમય છે. લંડનની જૂન મહિનાની ઠંડી ઠંડી હવા શ્ર્વાસોમાં ભરાય છે અને ફેફસાંઓ ફૂલી જાય છે. બર્મુડા અને ટી-શર્ટ પહેરીને અને ખભે ક્રિકેટ કીટ ટાંગીને થોડા ફલાઁગ દૂર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ પગ ચાલવા મજબૂર કરે છે.

શિસ્તબધ્ધ ટ્રાફિક, ટ્રાફિક સિગ્નલનો ચુસ્ત અમલ,ઝેબ્રા ક્રોસ સિવાય રસ્તો ન ઓળંગવો અને રસ્તાની સાઈડમાં ફૂટપાથ ઉપર તાલબધ્ધ ચાલવું આ બધું થોડું નવાઈભર્યુ લાગતું હતું.

અમો બધા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચીએ છીએ. વોર્મઅપ માટે ગ્રાઉન્ડના ચક્કર મારવાના શરૂ કર્યા. એક પછી એક ચક્કર લાગતા જાય છે. સવારના દોડવા તથા ચાલવા માટે આવેલા આપણા હિન્દુસ્તાની સ્ત્રી-પુરુષો, ગોરા સ્ત્રી પુરુષોને જોતા હું અને રાહુલ વાતો પણ ચાલુ રાખીએ છીએ. ગોરી છોકરીઓના ચુસ્ત શરીર અને ચુસ્ત જોગીંગ ડ્રેસ અનાયાસે અમારી નજરોના આકર્ષણ બનતા હતાં.

'ગોરી છોકરીઓને જોઈને તારી દાનત બગડી નથી ને ?' દોડતા દોડતા રાહુલ બોલે છે.

' ના રે ના,તારી ભાણેજ મને મારી નાખે. કદાચ તેને ખબર પડી જાય તો ?'રાહુલને જવાબ આપતા કહ્યું.

'રાહુલ ! તું કુંવારો છે એટલે તને બધી છૂટ છે, એકાદ ગોરીને પટાવી લે.'

'અરે યાર ! એક દિવસમાં થોડી છોકરી પટી જાય ?'

રાહુલ હસતા હસતા બોલ્યો : 'ઓ.કે. ટ્રાઈ ચાલુ રાખજે,નસીબમાં હશે તો તારો પણ મેળ પડી જશે ?' હસતા હસતા રાહુલ મારાથી છૂટો પડે છે અને બાકી રહેલા બે રાઉન્ડ પૂરા કરું છું. લંડનની ઠંડીમાં શરીર પરસેવાને જલદીથી સૂકવી નાખે છે.

અમારા કેપ્ટન મારી તરફ નવા બોલને ફોંકી અને બોલીંગ કરવાનો ઈશારો કરે છે. પગમાં જોમ આવે છે. સોળ પગલાંનું રન અપ લઈને લગભગ એકાદ કલાક સતત બોલીંગ કરીને થોડી થકાવટ મહેસૂસ થાય છે અને બેટીંગ કરવા માટે પેડ બાંધવાની તૈયારી કરું છું. પેડ બાંધીને માથું ઊચકું છું ત્યારે નજર સામેથી બે હિન્દુસ્તાની છોકરી મારી સામે જોતી જોતી પસાર થાય છે.

પ્રેકટીસ સેશન પૂરું થયા પછી બધા ઘર તરફ રવાના થાય છે. સ્નાન અને સવારનો નાસ્તો પતાવીને પ્રવીણભાઇની રાહ જોઈને ગેટ પાસે ઊભો છું. પ્રવીણભાઇની મર્સીડીસ ગાડી આવી પહોંચે છે. પ્રવીણભાઈ સાથે તેને ઑફિસે જવાનું નક્કી થયું છે પ્રવીણભાઈ મારાથી દસ વર્ષ ઉંમરમાં મોટા છે. તેનો બંગલો અમારા બંગલાની બાજુમાં છે. તેમના પિતા ગોકળબાપા છ મહિના હિન્દુસ્તાનમાં રહે અને છ મહિના ઇંગ્લેંન્ડમાં રહે છે. ઇંગ્લેંન્ડ અને હિન્દુસ્તાનમાં મોટો બિઝનેસ ધરાવતું કુટુંબ છે. પ્રવીણભાઈ અને ભરતભાઇ વચ્ચે ફકત બે વર્ષની ઉંમરનો તફાવત છે, થોડા થોડા સમયે બન્ને ભાઈઓ વારાફરતી જામનગર આવતા હોય એટલે તેની સાથે મારે મિત્ર જેવો વ્યવહાર છે અને બન્ને ભાઈઓ સાથે તુંકારાનો વ્યવહાર છે.

અમારી કાર બેકરસ્ટ્રીટ પર આવેલી પ્રવીણભાઈની ઑફિસે પહોંચે છે. પ્રવીણભાઈની ઑફિસનો માહોલ જોઇને એમ ના લાગે કે સામાન્ય કાઠિયાવાડી ભાષા બોલતા એક મહેનતકશ પટેલની ઑફિસ છે. મોટી ફોરેનની કંપનીની ઑફિસ જેવી લાગતી હતી. લાઈનબંધ ટેબલોમાં ગોરા છોકરાઓ અને છોકરીઓ, થોડા હિન્દુસ્તાની છોકરાઓ, થોડી કાળી છોકરીઓ પર નજર ફરતા એક આંજી નાખે તેવું સૌંદર્ય ધરાવતી લાંબા ઘુંઘરાળા વાળ ધરાવતી એક છોકરી પર પડે છે. અચાનક તે છોકરીની નજર અને મારી નજર સામસામે ટકરાય છે, જે પ્રવીણભાઈની નજરમાં આવી ગયું હતું.

'ચાલ હવે .પછી ધરાઈ ધરાઈને જોયા કરજે. અહીંયા લંડનમાં આના જેવી હજારો છોકરીઓ જોવા મળે છે. એક-બે દિવસ તને નવું નવું લાગશે પછી ટેવાઈ જશે.' પ્રવીણભાઈ હસતા હસતા મને કહે છે.

હું અને પ્રવીણભાઈ તેની પારદર્શક કાચવાળી કેબિનમાં અંદર જતા રહ્યા. પ્રવીણભાઈ તેના રોજિંદા કામકાજમાં પરોવાય ગયા છે. બપોરનો સમય છે અને પ્રવીણભાઈ પૂછે છે કે, 'તને ભૂખ લાગી છે તો ચાલ બહાર જઈને થોડું જમી આવીએ.'

મારા જવાબની રાહ જોયાં વિના પ્રવીણભાઈ મને બહાર જવાનો ઈશારો કરી પોતે પણ ઑફિસની બહાર નીકળે છે. ઑફિસના દરવાજાની બહાર ઊભા રહીને મને નજીક બોલાવીને કહે છે કે, 'પેલી કાળી છોકરીઓથી દૂર રહેજે, આ ગોરી છોકરીઓમાંથી તને જે ગમે તેની સાથે દોસ્તી કરી શકે છે અને તું જેની સામે જુએ છે તે આરબાઓની છોકરી છે. તેનું નામ 'વાફા બદર ખલિલ'છે, તેનો બાપ તેની માને છોડીને અરબસ્તાન ભાગી ગયો છે. તેની મા આ વાફાને છોડીને ભાગી ગઈ છે. નજીક ફિંચલી રોડ પર રહે છે અને વધુ જાણવું હોય તો તેને અહીંયા બોલાવી આપું.'

તે છોકરીની સામે જોઈને હું પ્રવીણભાઈને જવાબ આપું છું કે, 'મારે એને બોલાવવી હશે તો એ કામ મારી મેળે પતાવી લઈશ અને તમને તેની ખબર પણ નહીં પડે.'

હું અને પ્રવીણભાઈ હસી પડયા અને પ્રવીણભાઈ મારા ખભે હાથ રાખે છે અને પછી અમો ઑફિસના દરવાજા તરફ ડગ માંડીએ છીએ. દરવાજા સુધી પહોંચ્યા ત્યાં સુધી મારી અને વાફાની નજર એકબીજા સામેથી હટી નહીં અને વાફા મનમાં મુસ્કુરાતી હતી. ખૂબસૂરતીની ભાષાની નજાકત મને ખૂબ ગમી અને વાફા નામના અરબ સંસ્કૃતિના ફૂલની ખુશ્બોને કદાચ મારા નાકનો નજીક આવવાનો ઈંથેજાર હતો !

અચાનક વાફાને જોઈને મારામાં શા માટે આટલો ફેરફાર થયો ? નયનતારાને દિલ ફાડીને પ્રેમ કરનારો માણસ શા માટે બીજી છોકરીને જોઈને વિચલિત થઈ ગયચ ? કદાચ આ બ્રિટિશ સંસ્કૃતિની અસર મારા પડી હશે ? અને કદાચ પહેલી વખત સદાય બુરખાની અંદર રહેતી અરબી ખૂબસૂરતી જોઈને તેના પ્રભાવમાં આવી ગયો તેવું મને લાગતું હતું. મને પ્રવીણભાઈની એક વાત યાદ આવી ગઈ. 'અહીં બ્રિટનમાં છોકરાઓ અને છોકરીઓ ચૌદ-પંદર વર્ષની ઉંમરમાં સેકસ માણતાં હોય છે અને ધણીખરી અસર બહારના સમુદાયના છોકરાઓ અને છોકરીઓ પર પડી છે. અહીંના પરિણીત સ્ત્રી-પુરુષને પણ લગ્ન બહારનાં સંબંધ રાખવામાં કોઈ પ્રકારની હરકત નથી હોતી અને આપણા ઘણાખરા હિન્દુસ્તાનીઓએ પણ આ સંસ્કૃતિને અપનાવી લીધી છે. આપણા ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ પણ કાળીયાઓ, ધોળીયાઓ અને ચીનાઓ સાથે ફ્રેન્ડેશીપ કરે છે. બધા પોતપોતાની મસ્તીમાં જીવેછે. આપણા ગુજરાતીઓ એટલે તો મોટાભાગે દેશમાં પરણે છે અને દેશમાંથી પરણીને આવતી છોકરીઓ પણ ચાર-પાંચ વર્ષમાં બદલી જાય છે. અહીંયા જાહેરમાં પણ તમારી ગર્લફ્રેન્ડ કે વાઈફને પ્રેમ કરી શકો છો. અહીંયા કોઈ જાતનું બંધન નથી. બધાં પોતપોતાની રીતે મુકત જીવન જીવે છે. કદાચ આ વિચારો વીસ વર્ષની ઉંમરે સારા લાગે અને ચાલીસ વર્ષ પછી આ વિચારો પણ બદલી શકે છે.'

હું અને પ્રવીણભાઈ બેકસ્ટ્રીટમાં આવેલી 'ફીસ અને ચિપ્સ' નામની રેસ્ટોરાંમાં પ્રવેશ કરીએ છીએ. મને નોનવેજ ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી તે પ્રવીણભાઈને ખબર હતી એટલે અલગ-અલગ સ્વાદવાળી બે પ્લેટ કાઉન્ટર પરથી લઈને ટેબલ પર મૂકે છે અને હું ઊભો થઈને બે કોકના ગ્લાસ લઈ આવું છું.

પ્રવીણભાઇનો મુખ્ય બિઝનેસ હિન્દુસ્તાનમાંથી વસ્તુઓ ઇમ્પોર્ટ કરી અહીં બ્રિટનની માર્કેટમાં મોટાપાયે સેલ કરવાનો છે. એટલે પ્રવીણભાઈ મને પૂછે છે કે, 'ડિહાઈડ્રેડ ફૂડમાં ઈન્ટરેસ્ટ છે ?'

એટલે મેં કહ્યું : ' અમે ડિહાઈડ્રેડ પ્લાન્ટની મશીનરીઓ બનાવીએ છીએ પણ ફીનીશ ગુડ્ઝનો અનુભવ અમોને નથી.'

પ્રવીણભાઇ કહે છે કે 'એટલે તો મેં તને પૂછયું., અહીંયા યુરોપમાં ડિહાઈડ્રેટેડ ઑનિયન, ગાર્લિકની મોટી માર્કેટ છે.' (ડિહાઈડ્રેટેડ એટલે જેમાંથી પાણી શોષાય જવું. )

'તમે હિનદુસ્તાન આવો પછી પપ્પા સાથે એક મીટિંગ રાખીને આપણે નક્કી કરીશું અને મશીનરી તો વર્ષોથી અમો બનાવીએ છીએ એટલે કોઈ મોટી વાત નથી.'

પ્રવીણભાઈની વાત પરથી ખબર પડી કે આપણા ગુજરાતી ભાઈઓ શા માટે વિદેશમાં સફળ ધંધાદારી તરીકે પોતાની અલગ પહેચાન બનાવી છે ! એકબીજાના સાથ-સહકારથી જ ગુજરાતીઓ વિદેશમાં જવા લાગયા છે. એક ભાઈ વિદેશમાં સ્થાયી થયા બાદ થોડા સમયમાં પોતાના ભાઈઓને વિદેશમાં સ્થાયી થવામાં પૂરેપૂરી મહેનત કરે છે. આ આપણા ગુજરાતી સમાજની તાસિર છે પણ મને એવું લાગ્યું કે વિદેશમાં વસતા ગુજરાતીઓનો વર્ગ આ કાર્યને પોતાની અંગત ફરજ ગણે છે. કદાચ ગુજરાતીઓ હિન્દુ સંસ્કૃતિની શ્રેષ્ઠતમ પ્રજા હશે એવું મને અહીંય આવ્યા પછી લાગે છે અને વિશેષ આનંદ એ વાતનો છે કે કાઠિયાવાડથી બ્રિટનમાં આવીને વસેલા હજુ સુધી પોતાનો આગવો કાઠિયાવાડી ટચ ભૂલ્યા નથી. પ્રવીણભાઈની જબાન આ વાતનો પુરાવો છે. બપોરનું લંચ ખતમ કરીને હું અને પ્રવીણભાઈ તેમની બેકર સ્ટ્રીટની ઑફિસે પાછા ફરીએ છીએ. ઑફિસમાં પ્રવેશતાની સાથે છેલ્લા ટેબલ પાસેથી વાફા આવતી દેખાય છે. એટલે પ્રવીણભાઈ મને ધીરેથી કોણી મારે અને મારી સામે ધીરે ધીરે હસે છે. મારી આંખોની ચમક જોઈને પ્રવીણભાઈ બધું સમજી ગયા હતા.

વાફા પોતાના ટેબલ સુધી પહોંચતા બે-ત્રણ વાર પાછું ફરીને મારી સામે જોયું અને તે જ પ્રમાણે હું પણ તેને જોતો હતો. વાફાની ખામોશી મને બેચેન કરતી હતી. કદાચ નયનતારાથી દૂર રહેવાને કારણે તેના કર્લી હેરમાં નયનતારાને શોધતો હતો.

પ્રવીણભાઈ અને હું તેની કેબિનમાં પ્રવેશ્યા પછી પ્રવીણભાઈ બોલ્યા, 'વાફા સાથે ઓળખાણ કરવી છે ? મારા ધારવા પ્રમાણે થોડી લાગણીવાળી છોકરી છે !'

'તમે ફ્રી થઈ જાવ પછી તેને અંદર બોલવીને ઓળખાણ કરાવશો તો મને ગમશે.' થોડી ઇંતેજારીથી હું બોલ્યો.
'તારા માટે તો હંમેશા ફ્રી છું, હમણાં જ બોલવું છું.' પ્રવીણભાઈ મારી સામે જોઈને હસ્યા. વાફા અંદર આવે છે અને પ્રવીણભાઈ મારી ઓળખાણ વાફા સાથે કરાવે છે.

'વાફા, મિટ માય ફ્રેન્ડ કમ યંગર બ્રધર ફ્રોમ ઈન્ડિયા,એન્ડ હી ટેલ્સ વાફા ઈઝ મોસ્ટ ચાર્મિન્ગ ગર્લ.' (વાફા ! આ ઇન્ડિયાથી આવેલો મારો મિત્ર અને નાના ભાઈ જેવો છે અને તને જોઈને કહ્યું કે તું બહુ સુંદર છોકરી છે.)

વાફા પ્રવીણભાઈ સામે જોઈને બોલી, 'થેન્ક યુ સર !'

'થેન્ક યુ ઈન્ડિમેન !' મારી સામે રહસ્યમય હાસ્ય કરતાં બોલી.

'મિ. પ્રવીણ, આઈ થિંક સી ઈમ્પ્રેસ્ડ મી બાય હર બ્યુટી એન્ડ કર્લિ હેર.' વાફા અને પ્રવીણભાઈ બન્નેની સામે જોઈને બોલ્યો.

'હેય ! ઈન્ડિમેન, આર યુ ગોના ક્રેઝી ?' વાફા જરા ઉત્સાહથી બોલી.

એટલે પ્રવીણભાઈ અસલ કાઠિયાવાડી ભાષામાં બોલ્યા : 'મોટા ! આ અરબી છોકરીને પટાવી લે એટલે તારું કામ થયું એમ સમજી લેવાનું.'

'વુડ યુ ડુ લાઈક ટુ ફ્રેન્ડશીપ વિથ ધીસ યંગમેન ?' પ્રવીણભાઈ વાફાને પૂછે છે.

'વ્હાય નોટ સર ! આઈ લાઈક ઈન્ડિયન પીપલ.' વાફા હસતાં હસતાં બોલી.

'વ્હાય નોટ સર ! આઈ ઓલ્સો લાઈક અરેબિયન ગર્લ, બ્યૂટીફૂલ લાઈક વાફા બદર ખલિલ.' વાફા સામે હાસ્ય ફેંકતા બોલ્યો.

'હેય....ઈન્ડિમેન હાઉ કેન યુ નો માય ફૂલ નેમ ?' વાફા હવે ખુશ થઈને બોલતી હતી.

પ્રવીણભાઈ ફરી પાછા કાઠિયાવાડી ભાષાનો શબ્દપ્રયોગ કરતા બોલે છે, 'મારા વાલીડા, ઈંગ્લેંન્ડમાં આવતાવેંત સારી છોકરી જોઈ નથી ને લાઈન મારવાનું ચાલુ કરી દીધું.'

'બાય ધ વે, વોટ યુ થિંક ?' પ્રવીણભાઈ વાફાને પૂછે છે.

વાફા થોડો વિચાર કરતા કરતા મારી સામે જુએ છે અને પછી બોલે છે : 'આઈ થિંક...માય આન્સર ઇઝ...યસ !'
વાફાની ખૂબસૂરત અલ્લડતાએ મને સાચેસાચ ધાયલ કયૉ છે. હજુ પણ વાફાની સામે જોયા રાખું છું.
મારી સામે જોઈને વાફા બોલે છે : 'હેય....ઈન્ડિમેન, આર યુ ડ્રીમીંગ અબાઉટ મી ?'

'યસ....માય બ્યુટીફૂલ ડ્રીમગર્લ, એન્ડ આઈ એમ ઓલ્સો ક્રેઝી અબાઉટ યુ,મિસ વાફા....!' વાફા વારાફરતી પ્રવીણભાઈ અને મારી સામે હસે છે અને ઑફિસની બહાર જઈને પોતાની ચેર સંભાળે છે.

પ્રવીણભાઈ બોલ્યો : 'અહીંની છોકરીઓ સાથે દોસ્તી કરવી આસાન છે પણ વિકએન્ડમાં આ છોકરીઓ ખિસ્સા ખાલી કરાવી નાખે છે. પહેલેથી આઝાદીથી રહેવા ટેવાયેલી હોય છે. વિકઅઁન્ડમાં બધા પૈસા વાપરી નાખે છે. આ છોકરીઓને પબમાં અને રેસ્ટોરાંમાં લઈ જાવ એટલે રાજીના રેડ થઈ જાય. ઝડપથી દોસ્તી થાય અને ઝડપથી તૂટી પણ જાય.'