ક્રોધનું શમન : એક વિફળ આયામ- સુનીલ માંકડ
એક મિત્રએ સરસ વાત કરી.. કે આપણા જીવનમાં ચાર પ્રકારનો પૈસો મળે છે. પહેલો પ્રકાર એટલે નક્કર નાણું.. જેનાથી જીવનના આર્થીક વ્યવહાર નભે છે, બીજો પ્રકાર એટલે સમય.. ટાઈમ ઇસ માની એવું આપણે કહીએ છીએ કારણ કે સમય પણ નાણા જેટલો જ કીમતી છે. જ્ઞાનનું ભાથું એવો શબ્દ પ્રયોજાય છે ત્યારે એ ભાથામાંથી જયારે જયારે જરૂર પડે ત્યારે નાણાંની જેમ જ જ્ઞાનનો ખર્ચ થઇ શકે છે. એટલે ત્રીજો પ્રકાર એટલે જ્ઞાન અને ચોથા પ્રકારનો પૈસો એટલે આરોગ્ય.. હેલ્થ ઇસ વેલ્થ એમ પણ આપણને કહેવાય છે. આ ચાર પ્રકારના નાણાં પૈકી નાણું, સમય અને જ્ઞાન કેમ ખર્ચવું, કેમ એકત્ર કરવું, કેટલું મેળવવું એ આપણા હાથની વાત છે. માત્ર આરોગ્ય, સ્વસ્થ શરીર એ ઈશ્વરની દેન છે.. જો સ્વસ્થ શરીર હોય તો બાકીના ત્રણેય પ્રકારના પૈસાને મેળવવાની માનવી પાસે તક હોય છે એવું કહી શકાય.
આ સનાતન સત્ય હોવા છતાં એ સરળ વ્યક્તિઓને જ લાગુ પડે છે. આરોગ્યનું વરદાન ઈશ્વર પાસેથી મળ્યું હોય તો પણ કેટલાક લોકો તેને સખળ ડખળ કરી નાંખે છે. ચાર પ્રકારના પધન પૈકી એક પ્રકાર તો ઈશ્વર જ આપી દે તો પણ આપણે તેને સાચવી તો ઠીક આપણી પાસે રાખી પણ નથી શકતા. આની પાછળના અનેક કારણો પૈકીનું એક કારણ છે ક્રોધ. ક્રોધ એટલે કે સ્વભાવમાં વણાઈ ગયેલા ગુણદોષ પૈકી સૌથી સહજ રીતે કાબુમાં લાવી શકાય તેવો ગુસ્સો આરોગ્યના વરદાનને અભિશાપમાં ફેરવી શકે છે. સ્વસ્થ શરીર આપણા હાથે જ અસ્વસ્થ થઇ જાય છે. ક્રોધ ખરાબ છે તેવું દરેક લોકો જાણતા અને સાંભળતા આવ્યા છે. તેમાં નવું કંઈ જ નથી. પરંતુ સોક્રેટીસ કહે છે તેમ ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી થાય છે અને અંત પશ્ચાતાપથી આવે છે. ગુસ્સાની શરૂઆત ગેરસમજ, ઉતાવળ કે ધીરજના ગુમાવવાથી થાય છે એટલે કે આપણે મુર્ખામી આપણને ગુસ્સો કરવા પ્રેરે છે. આપણે ગુસ્સો કરીએ છીએ પછી અનેક વિપરીત પરિણામો આવે છે. સમય જતાં જયારે ગુસ્સો ધીમે ધીમે શાંત થાય છે ત્યારે મેં ગુસ્સો શા માટે કર્યો એવો પસ્તાવો થવા લાગે છે ત્યારે મોડું થઇ ગયું હોય છે.
મનાવ માત્ર પોતાને થતા ફાયદા અને ગેરફાયદાની ગણતરીમાં જ જીવન પૂરું કરતો હોય છે. દરેક વસ્તુમાં મને શો ફાયદો ? એવો સહજ વિચાર એ કાર્ય વગર રહેતો નથી. તેમ જે વસ્તુના ગેરફાયદા હોય તે વસ્તુ ને તે હાથ પણ લગાડતો નથી. ટૂંકમાં આપણે માત્ર ફાયદા જ ફાયદા અથવા ઓછી માત્રામાં ગેરફાયદો થતો હોય તેવી વસ્તુનો વિચાર કરવાની ટેવ હોય છે એટલે જ જેના ફાયદા ઓછા અને ગેરફાયદા ઘણા હોય એવી સ્વાભાવિક પ્રક્રિયા આપણે ટાળવા માટે સભાન હોઈએ છીએ. ત્યારે ગુસ્સાના ઓછા નહીં, કોઈ જ ફાયદા નથી છતાં આપણે તેને ટાળી શકતા નથી એ હકીકત છે.
ભગવત ગીતામાં લખ્યું છે કે, ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અને અહંકારથી વધે છે. એટલે એક વાત નિશ્ચિત થઇ ગઈ કે અહંકાર, અભિમાનની નીપજ એટલે ગુસ્સો અને અજ્ઞાનતા કે મૂર્ખતા જ ક્રોધનું ઉદગમ હોય છે તે તો આપણે જાણીએ છીએ. ગુસ્સો ટાળવા માટે સચેત રહીએ તો અહંકારને ખાળવા માટેનો રસ્તો પણ આસન બને. પરંતુ મુર્ખ માણસ પોતે શું કરે છે તે જાણતો ન હોવાથી જ તે ક્રોધની શરૂઆત કરી બેસે છે. ક્રોધથી વ્યક્તિનો ચહેરો કદરૂપો બને છે. તેથી ઊલટું હસતો ચહેરો સુંદર લાગે છે. પણ ગુસ્સામાં હોય એવી વ્યક્તિ આપણી પ્રિય હોય, સ્વજન હોય તો આપણે જરૂર ઈચ્છીએ કે ગુસ્સાને દૂર રાખી શકાય તો સારું. અત્યંત ક્રોધી સ્વભાવવાળો આંખો હોવા છતાં આંધળો છે એમ કહેવાય છે. ક્રોધ કરતા માણસનું મોઢું ઉઘાડું રહે છે અને આંખ બંધ રહે છે. આવો ચહેરો સુંદર દેખાય ખરો ? મોઢું ઉઘાડું અને આંખ બંધ એટલે શું બોલવું તેના ઉપર કાબુ ન હોય અને સારું નરસું જોઈ શકવાની અસમર્થતા. ગુસ્સો આવ્યો હોય એવી વ્યક્તિને બોલવું શું એનું સારાસારનું ભાન ન હોવાથી એ એવું બોલે છે કે સામેવાળી વ્યક્તિને એ વધુ ઉશ્કેરે છે અને એ ક્રોધાગ્નીમાં ઘી હોમવા જેવું કામ થાય છે. તેવી જ રીતે આંખો બંધ એટલે આપણે સામે કોણ છે, આવું બોલવાથી તેના પર શી અસર થશે એ કંઈ જ જોઈ શક્તિ નથી એટલે ક્રોધનો અગ્નિ વધુ ભળકે બળે છે.
એલેકઝાંડર પોપ કહે છે કે ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોની સ્વયંને સજા કરવી. હા, આ વાત સરળ છે પણ સમજાતી નથી. બીજી વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે આપણને ગુસ્સો આવી જાય છે. જેને ભૂલ કરી છે તેને સજા થવી જોઈએ પણ એવું થતું નથી, સજા ગુસ્સો કરનાર વ્યક્તિને મળે છે. ગુસ્સો કરનાર વ્યક્તિ પોતાના આરોગ્યને જોખમમાં નાખે છે. કોઈની ભૂલો માટે ગુસ્સો કરનાર વ્યક્તિ હિતેચ્છુ હોય ત્યારે જાણે અજાણ્યે તેને આઘાત પહોંચાડવામાં પણ ક્રોધ નિમિત્ત બને છે.
ગુસ્સો માનવીને અમાનવીય પ્રસ્થાપિત કરે છે. વાણી વિવેકનું ખૂન થઇ જાય છે. ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે. ક્રોધ નિર્બળ મનની નિશાની છે એવું કહેવાય છે. એ યથાર્થ છે પરંતુ મન સાથે હૃદયને પણ નિર્બળ બનાવવા માટે ગુસ્સો હ કારણભૂત હોય છે. હૃદયરોગનો હુમલો આવવા માટેનું એક કારણ પણ ગુસ્સો છે. ગુસ્સો તબીબોના મતે પણ શરીરમાં રક્તચાપ (બીપી)ને વધારવા માટે જવાબદાર હોય છે. પરિણામે લોહીનું ઊંચું દબાણ હૃદયરોગમાં પરિણમે છે. આવા જીવલેણ આઘાત આપણે આપણા ગુસ્સા થકી જ મેળવવીએ છીએ. ફરી પાછું જે વાત માટે ગુસ્સો કર્યો અથવા જે વ્યક્તિએ ભૂલ કરી તેના માટે આપણે ગુસ્સો કર્યો ત્યારે આપણે આપણી જાતને જ જીવલેણ રોગને હવાલે કરવા તરફ લઇ જઈએ છીએ. એ વાત સમજાતી નથી એ આપણી મોટી કમનસીબી છે
મહાત્મા ગાંધીએ ગુસ્સાનો રામબાણ ઈલાજ આપ્યો હતો. તેમના માટે ક્રોધને જીતવામાં મૌન જેવું કોઈ સહાયક નથી. જયારે ગુસ્સો મન ઉપર કાબુ જમાવવાની શરૂઆત કરે ત્યારે મૌન ખુબ ઉપયોગી સાબિત થાય છે. શું આપણે મૌનને આપણો મિત્ર ન બનાવી શકીએ ? મિત્ર ન બનાવીએ તો કંઈ નહીં, મૌન રહી જાતને કેળવવાનો પ્રયાસ તો કરવો જ જોઈએ. બોલવામાં જે ઊર્જા, જે શક્તિ વપરાય છે એ મૌન રહેવાથી સંચિત થાય છે. બોલવા કરતાં મૌન રહેવામાં શાણપણ છે એ તો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. પણ જયારે મૌન રહેવાનું કહેવામાં આવે ત્યારે આપણું એ સાંભળેલું બધું જ બાષ્પીભવન થઇ જાય છે એ હકીકત છે.
માનવ માત્ર જ્યાં ફાયદો ન હોય ત્યાં નીરસ બની જતો હોય છે. પરંતુ જ્યાં ગેરફાયદા જ માત્ર સ્પષ્ટ દેખાય છે તેવા ગુસ્સાને ગાળવાનો આયામ કેમ નહીં કરતો હોય ? ત્યારે ફાયદાની મુલવણી કરવા સ્વાર્થી કેમ નથી બનાતું ? જ્યાં સ્વાર્થી વૃત્તિ જરૂરી છે ત્યાં જ ચુકી જવાય ત્યારે સમજવું કે સ્વાસ્થ્યનો દેનાર ઈશ્વર, ગુસ્સારુપી રાક્ષસ સામે લાચાર છે...
બ્રહ્માસ્ત્ર : જયારે મુર્ખ કંઈ નિશ્ચય કરે છે ત્યારે બજાર અનુકુળ હોતું નથી.
- સ્પેનીશ કહેવત
--------------------