મારી અવિસ્મરણીય સફર
કેન્ટ નર્બર્ન / રાગ વિશ્વ વસુંધરા
જીવનનિર્વાહ માટે વીસ વર્ષ પહેલાં હું કેબ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. મારી શિફ્ટની આ છેલ્લી વરદી હતી. મધ્ય રાત્રીએ મળેલા એડ્રેસ પ્રમાણે પેસેન્જર લેવા હું, તે રાત્રે એક અંધારિયા મકાન પાસે પહોંચ્યો. માત્ર નીચેના એક જ એપાર્ટમેન્ટની બારીમાંથી લાઇટનો ઝાંખો પ્રકાશ આવતો હતો.
મારા આગમનની જાણ કરવા મેં હોર્ન વગાડ્યો.
થોડી મિનિટો રાહ જોયા પછી મેં ફરીથી હોર્ન વગાડ્યો. મારી શિફ્ટની આ છેલ્લી જ વરદી હતી એટલે ધીરજ ખૂટતી હતી. ઘરે જવાની ઉતાવળ હતી. મેં ફરી જરા લાંબો હોર્ન વગાડ્યો. કશો પ્રત્યુત્તર ના મળ્યો. સામાન્ય સંજોગોમાં મોટા ભાગના કેબ ડ્રાઇવરો એક કે બે વાર હોર્ન વગાડી કે એકબે મિનિટ રાહ જોયા પછી ચાલતા થતા. પણ મેં અનેક ગરીબ અસહાય લોકો જોયા હતા કે જેઓને બહાર જવા આવવા માટે ટેક્સી સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. જ્યાં સુધી કોઈ ભયની શંકા ન હોય ત્યાં સુધી હું હંમેશાં બારણા સુધી જઈને બારણે ટકોરા મારતો. શક્ય છે કે કોઈ પેસેન્જરને સહાયની જરૂર હોય.
ક્ષણભર તો વિચાર્યું ચાલ્યો જાઉં. પણ તેમ કરવાને બદલે સ્વભાવગત, કાર પાર્કમાં મૂકીને, એના બારણે ટકોરા માર્યા. જરા થોભ્યો.
અંદરથી વૃદ્ધનો ક્ષીણ અવાજ આવ્યો, બે મિનિટ થોભો હું આવું છું.
મને રૂમની અંદર કંઈક ઘસડાતું હોય એવું સંભળાયું. બે મિનિટ નહીં પણ લાંબી રાહ જોયા પછી હળવેથી બારણું ખૂલ્યું. મારી સામે લગભગ નેવું વટાવી ગયેલી, કરચલીવાળી નાજુક વૃદ્ધા બારણાનો ટેકો લઈને ઊભી રહી. એણે જૂના જમાનાની ફેશનનો પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. ૧૯૪૦ના સમયની સિનેમામાં મહિલાઓ પહેરતી તેવી પીનબોક્સ હેટ પહેરી હતી. હેટ પર ટાંકણીથી નાની બુરખા જાળી પણ લગાવી હતી. તેની પાસે ઘસડીને લાવેલી એક નાની નાયલોનની સૂટકેસ હતી. બારણામાંથી જોતા લાગતું હતું કે એના એપાર્ટમેન્ટમાં લાંબા સમયથી બીજું કોઈ રહેતું ન હતું. બધાં ફર્નિચર સફેદ ચાદરથી ઢંકાયેલાં હતાં.
દીવાલ પર કોઈ ઘડિયાળ નહીં. કાઉન્ટર પર રસોઈ માટેનાં વાસણો નહીં. ઓરડાના ખૂણા પર પડેલા એક બોક્સમાંથી થોડાં જૂના ફોટા ડોકિયાં કરતા હતાં. જાણે ભેંકાર ઓરડો રડીને થાક્યો હોય એવો શાંત લાગતો હતો.
એ વૃદ્ધાએ ખૂબ હળવેથી વિનંતી કરતી હોય એમ પૂછ્યું “ મારી આ સૂટકેસ કારમાં લઈ જશો?”
હું સૂટકેસ કારમાં મૂકી પાછો આવ્યો. માજીનો કરચલીવાળો ધ્રૂજતો હાથ પકડ્યો અને કાર સુધી લઈ જઈ કારમાં બેસાડ્યાં.
ઘરના બારણાથી કાર સુધીમાં તો તે અનેક વાર ‘આભાર આભાર’ કહેતી રહી.
“આભાર શાનો? મેં કશું નવું કે વધારાનું નથી કર્યું. મેં તો એટલું જ કર્યું કે જે બીજા મારી માને માટે પણ કરે. આ તો મારી ફરજ છે.”
“ઓહ! ખરેખર તું ખૂબ સારો દીકરો છે. ગોડ બ્લેસ યુ”
અમે કારમાં બેઠાં. એણે મને જવાની જગ્યાનું સરનામું આપ્યું. એણે કંઈક સંકોચથી કહ્યું, “મને શહેરની ગલીઓ અને બજારમાંથી લઈ જશો?”
“એતો ખૂબ લાંબો રસ્તો છે. જવાની જગ્યાએ પહોંચતા મોડું થશે.”
“કશો વાંધો નહીં. મને ઉતાવળ નથી.”
મેં મીટર ચાલુ કર્યું.
મેં મારા રેર વ્યુ મિરરમાં જોયું. એની ઊંડી આંખો સજળ હતી.
“ડોક્ટરે કહ્યું છે હવે મારી પાસે ખાસ સમય રહ્યો નથી, હું એકલી જ છું. મારા કુટુંબમાં પણ કોઈ મારે માટે રડવાવાળું બચ્યું નથી. હું ‘હોસ્પાઈસ’ માં જઈ રહી છું. તારી ટેક્સીમાં આ મારી છેલ્લી સફર છે.”
હોસ્પાઈસ…જીવનના આખરી દિવસોનું વિરામસ્થાન. આ કદાચ મારી ટેક્સીમાં એના જીવનની છેલ્લી સફર હશે. ઊતરશે પછી એ કદીયે કોઈ ટેક્સીમાં નહીં બેસે.
મેં મીટર બંધ કર્યું.
“આપ કયા માર્ગે જવા માંગો છો? તમે કહેશો તે રસ્તે જઈશું મને પણ ઉતાવળ નથી.” ઘેર પહોંચવાની ઉતાવળ હોવા છતાં સાહજિક રીતે મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા.
પછી તો અમે બે કલાક સુધી એના કહ્યા પ્રમાણે શહેરમાં ફર્યાં.
એણે મને એક ઊંચું મકાન બતાવ્યું; જેમાં એણે એલિવેટર ઓપરેટર તરીકે નોકરી કરી હતી. અમે એ વિસ્તારમાં ફર્યાં, જ્યાં એ લગ્ન પછી એના પતિ સાથે રહી હતી. શેરીમાંનું ઘર બતાવ્યું, જેમાં એણે પતિ સાથે યુવાનીનું સુખ માણ્યું હતું.
એ મને એક ફર્નિચર વેરહાઉસ પાસે ખેંચી ગઈ. એ વેરહાઉસ પહેલાં સરસ બોલરૂમ હતો, જ્યાં એ નાની હતી ત્યારે ડાન્સ કરવા જતી હતી.
પછી તો એ મને ઘણાં ઘણાં બિલ્ડિંગ પાસે થોભવાનું કહેતી. એ જોતી. કશુંયે બોલ્યા વગર જોતી. એની આંખોના ઊંડાણમાં સ્મરણચિત્ર ઊપજતું અને વિલાતું હોય એમ લાગતું. અમે ફરતાં રહ્યાં. એ અતીતને ઠેકઠેકાણેથી રાતના અંધકારમાં વણતી રહી.
ક્ષિતિજ પરની લાલાશે સૂર્યોદયની છડી પોકારી.
એણે એકાએક કહ્યું “ચાલો બહુ થયું. હવે થાક લાગ્યો છે. જ્યાં જવાનું છે ત્યાં જ મને લઈ જાવ.”
પછી એ શાંત થઈને બોલ્યા વગર બેસી રહી. એની શાંતિ મારે માટે અસહ્ય હતી. એ શાંત હતી. હું માનસિક રીતે અશાંત હતો. બોલ્યા વગર નિશ્ચિત સરનામે મકાન પાસે પહોંચ્યાં.
એ મકાન જીવન અને મૃત્યુ વચ્ચેની છેલ્લી સારવારનું સ્થાન હતું. જીવનના આખરી દિવસો કે ક્ષણો મારી વૃદ્ધ પેસેન્જર ત્યાં વિતાવવાની હતી.
મારી કાર અટકી. અમે જેવા ત્યાં પહોંચ્યાં કે તરત જ બે મદદનીશ જાણે એની રાહ જ જોતાં હોય એમ આવી ગયા.
મેં એની સૂટકેસ ઉતારી અને બારણા પાસે મૂકી. એને હળવેથી વ્હીલચેરમાં બેસાડાઈ. એના બે સોલિસિટર પણ જરૂરી કાગળો સાથે હાજર હતા. એની દરેક હિલચાલ ધ્યાનપૂર્વક નિહાળતા હતા.
એણે એનું પર્સ ખોલતાં મને પૂછ્યું, “મારે શું ભાડું આપવાનું છે?”
મેં કહ્યું “કશું નહીં”
“અરે! તારે તો જીવન જીવવાનું છે. પૈસા તો જોઈએ જ ને?”
“એને માટે બીજા પેસેન્જર છે.” મેં લગભગ વગર વિચારે જ નમ્રતાપૂર્વક જવાબ વાળ્યો.
હું આગળ વધ્યો. સહેજ નીચા વળીને વૃદ્ધાને આલિંગન આપ્યું. એ મને હેતથી સખત વળગી રહી.
“તેં એક વૃદ્ધાને જીવનના આનંદની છેલ્લી થોડી ક્ષણો આપી. તારો ઘણો આભાર. થેન્ક્યુ.”
મેં એનો હાથ દબાવ્યો. થાબડ્યો.
મેં પ્રભાતનાં આછાં કિરણોમાં મારી પૂંઠ ફેરવી.
મારી પાછળ બારણું બંધ થવાનો અવાજ સંભળાયો.
એ જાણે એક જીવનનું દ્વાર બંધ થવાનો અવાજ હતો.
ત્યાર પછી મેં એ શિફ્ટમાં કોઈ પણ પેસેન્જર લીધા નહીં. કોઈ પણ હેતુ વગર વિચારોમાં ખોવાઈને હું ડ્રાઈવ કરતો રહ્યો. આખો દિવસ બોલ્યા વગર વિચારતો રહ્યો. મારે બદલે કોઈ બીજો ક્રોધી કે અધીરો ટેક્સી ડ્રાઇવર હોત તો? અરે! જો મેં એને ફેરવવાની ના કહી હોત તો? એના એપાર્ટમેન્ટ પાસે એક બે હોર્ન મારી એને લીધા વગર જ ચાલ્યો ગયો હોત તો?
મને નથી લાગતું કે મેં આના કરતાં વધુ અગત્યનું કોઈ કામ કર્યું હોય. આપણે એવું વિચારવા ટેવાયેલા છીએ કે આપણું જીવન કોઈ મહાન ક્ષણની આસપાસ ફરતું રહે છે; પણ ધ્યાન બહાર અજાણી રીતે જ જીવનની આવી મહાન ક્ષણો સુંદર નાના પડીકામાં આવી મળે છે. કદાચ કોઈને માટે એ મૂલ્ય હીન કે તુચ્છ પણ હોય.