Detol in Gujarati Poems by Dr Haresh Parmar books and stories PDF | ડેટોલ

Featured Books
Categories
Share

ડેટોલ

ડેટોલ

(ગુજરાતી દલિત કવિતા સંગ્રહ)

હરેશ પરમાર

મો. ૦-૯૭૧૬૧૦૪૯૩૭, ૯૪૦૮૧૧૦૦૩૦

ઈ-મેઈલ –


અનુક્રમણિકા

  • મહાભિનિષ્ક્રમણ
  • પ્રીતની રીત
  • આંસુનું રણ
  • એક કવિતા : જાતિવાદ
  • એકલવ્ય
  • અસ્તિત્વ
  • દલિતનામા
  • ભૂતકાળ
  • એક બાળક
  • ક્ષિતિજ સુધી
  • આઝાદ
  • સંઘર્ષ

  • મહાભિનિષ્ક્રમણ

    એક

    બાળકની સ્વપ્નિલ આંખોમાં

    ઊડતા પક્ષીઓનાં કલરવ

    આજે લુપ્ત થઇ ગયા છે,

    અંધકારમાં

    સિતારાઓને ગણતી આંખો

    આજે સુન્ન થઈ

    પડી છે શૂન્યતામાં.

    જે

    દિશાઓની ક્ષિતિજો મને

    પોતાની વિશાળ બાહોમાં સમાવી લેવા

    તલપાપડ હતી.

    આજે એ જ ભ્રામક ક્ષિતિજોમાં અથડાઈ

    બની ગઈ છે દિશાશૂન્ય લાશો ...

    એક

    બાળક, ઊગતા સૂરજને જોતાં-જોતાં

    યુવાનીમાં પગ મૂકતા-મૂકતા

    આજે ફરી

    ‘એ’

    માતાના ગર્ભના અંધકારમાં

    ગરક થવા મથે છે...

    પણ,

    અરાજકતાના વાતાવરણમાં

    ‘એ’ કપાયેલા એકલવ્યના અંગૂઠાની કસમ લઈ,

    કર્ણના ત્યાગેલા કવચ-કુંડળ જોઈ

    ગગનચૂંબી હણહણાટી સાથે

    નીકળી પડે છે

    મહાભિનિષ્ક્રમણ માટે... ... ...

    (‘હયાતી’, તંત્રી – હરીશ મંગલમ્, સપ્ટેમ્બર, ૨૦૧૦)

    પ્રીતની રીત

    છલકાતાં આંસુથી ભીંજેલી પાંપણમાં,

    ડોકાતું પ્રણયભગ્ન હૃદય,

    થરથરતા હોઠ પર આવીને જતી

    વેદનાની ભોંકાતી શૂળ.

    કોઈ કરે અવાજ અને

    જાગે કર્ણને પ્યાસ,

    મીઠા શબ્દોની હેલીએ હેલીએ ચડી

    થઈ ગઈ એ બરબાદ.

    ગુનો બસ,

    એટલો હતો કે

    પ્રેમમાં પણ હતી ઊંચ – ને – નીચ,

    મારી કોઈ વેદનાને શબ્દો આપો

    ઓ દરયાઊં !

    ક્યાં હતી એમાં કોઈ પ્રીતની રીત ?

    (‘હયાતી’, તંત્રી – હરીશ મંગલમ્, સપ્ટે.-ડિસે. – ૨૦૦૯)

    આંસુનું રણ

    માનવતાની ક્ષિતિજ અમારે માટે ભ્રામક

    કુદરતના ખોળે ખેલીએ છીએ જરૂર અમે

    પણ ક્યાં ?

    ગામને સીમાડે, જ્યાં ગટરની ગંદી નદી વહે છે,

    મરેલા ઢોરની ગંધ પ્રસરે છે.

    ઉકરડાઓ વચ્ચે અહીં તો માનવતા ખીલે છે.

    એ લોકોની આંખોમાં, જ્યારે સાપોલિયાં સળવળે

    ત્યારે રચાય છે

    દલિત સ્ત્રીઓ વચ્ચે આંસુનું મૌન રણ

    અબુધ બાળક અનુભવે અ-માનવતા આ

    ત્યારે

    બે પૂઠાં વચ્ચે બાળક બુદ્ધિમાં ખીલે છે પ્રબુદ્ધતા.

    જૂઓ અહીંયા અભાવોના રણ વચ્ચે,

    પેલા એકલા ઉગેલા કંટાળા થોરનું પણ એક સ્વપ્ન છે.

    કે, એક દિવસ પોતે પણ બનશે

    હાર્યા-ભર્યા રણનું ગુલાબ, સૂરજમુખી કે પછી

    જ્વાળામુખી ... ... ...

    એક કવિતા : જાતિવાદ

    પાદરની ખારાવડની વડલીની છાયા છોડી

    ગામની ધૂળ ભરી કેડીઓ છોડી,

    રખડું જીવનના સંગાથને છોડી

    હું દિલ્લી આવ્યો...

    એક આઝાદીનો શ્વાસ મેં ખૂબ ઊંડે સુધી લીધો

    ગામડાને ધુત્કારી ને કહ્યું

    તારી જાતિવાદી માનસિકતાને ત્યાગી છે મેં

    હવે દે ગાળી મને ...

    'હાક ... થું ...'

    વર્ણવ્યવસ્થાના ગઢ ગામડાં પર થૂકી હું આગળ ચાલ્યો.

    દુઃખ પણ હતું કે,

    મા-બાપ હજી ગાળો ખાય છે મનુવાદીઓની,

    દોસ્તો બધા હજું કરે છે વેઠ અશિક્ષાના કારણે,

    હજું બાળકો ઉકરડાં ફેંદે છે,

    શાળા હજું બંધ છે અસ્પૃશ્યો માટે....

    ખબર નઈ ...

    દિલ્લીની હવા જ કૈક એવી છે કે,

    છોડોને ભાઈ બધું

    દુનિયા છે ચાલ્યે રાખે

    ઇંડિયા ગેટની ફરતે સલામી ભરી

    'જય ભારત, જય જવાન' ...

    નખ વધે અને એને કાપીને ફેંકી દઈએ

    શહેરની વચ્ચે, શહેરના લોકોની વચ્ચે

    આપણે પણ કપાઈ જતાં હોઈએ છીએ

    એની ક્યાં ગતા-ગમ હતી મને ...

    સમય પરિચય કરાવે છે

    મને શહેરનો

    જે શહેરમાં આવી હું પોતાને આઝાદ સમજતો હતો

    એ જ શહેરના સિમાડામાં રહું છું હું,

    ગામમાં પાદરમાં અને શહેરના સિમાડામાં...!

    હું અવાજ બુલંદ કરું ન કરું

    મારી જાતિ બુલંદ અવાજે મને નગ્ન કરી રહી હોય છે.

    આસ-પાસ વાતાવરણ હવે તંગ છે,

    મારી સાથે બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય બેસી

    જમે-રમે-પીએ છે, હાથ મિલાવી મને ભેટી પડે છે.

    સંવેદના સભર મને આવકારો આપે છે.

    મને લાગે છે ક્યાં છે ભારતમાં કે વિશ્વમાં વર્ણભેદ કે વર્ણવ્યવસ્થા

    જે કહે છે તે કરે છે - 'કોરો બકવાસ'

    પણ

    અંદર એક ભય રહે છે

    જ્યારે તે સંવેદના બતાવે છે ત્યારે કહે છે

    'તમે તો અસ્પૃશ્ય પણ અમે કંઈ માનતા નથી હો',

    'તું ગભરાઈ નહીં, તું ગમે તે હો મને કોઇ ફરક નથી પડતો',

    'તમે લોકો હજી જાતિનું પૂછડું પકડે રાખો છો ... ?',

    'ભાઈ સાહેબ ! ૨૧મી સદી ચાલી રહી છે ને હજું તમે સુધર્યા નહીં !'

    મને આ મીઠાં શબ્દો હૃદયમાં ઘા કરે છે

    મારા ચહેરા પર, આંખો પર, કાનમાં

    હજ્જારો ઘા પડી ચૂક્યા છે

    પણ દેખતાને બતાવવાં કેમ ?

    હું અંદર સમ-સમીને રહી જાઉં છું ...

    શહેરના મીઠાં-મનુવાદી લોકો -

    'એ દોસ્ત ! જરા પાણી તો ભરી દે !',

    'એ દોસ્ત ! જરા ચાય તો મંગાવી દે !'

    'એ દોસ્ત ! જરા નાસ્તોતો લઈ આવ સાથે નાસ્તો કરીએ !'

    'એ દોસ્ત ! જરા થાળી તો ધોઈ આવ પછી સાથે જમીએ !'

    'એ દોસ્ત !'... 'એ દોસ્ત !' ... 'એ દોસ્ત !' ...

    આજે હું ફરી ઈંડિયા ગેટ પર ઊભો છું

    લોકો આવે છે, જાય છે અને

    હું ફરી પેલી ખારાવડની વડલીને યાદ કરું છું,

    'શહેર અને ગામ કઈ રીતે જુદા છે ?'

    ત્યા શિક્ષા, સ્વતંત્ર કામ કરવાનો સ્પષ્ટ નિષેધ હતો,

    અહીં તમને અંદરથી મારીને નક્કામા બનાવી દેવાની તાકાત છે.

    જાતીભેદ ક્યાં નથી ?

    મનુ હજી શ્વસે છે માણસના મનમાં ...

    સાંજનો સૂરજ ઢળી રહ્યો છે,

    ઈંડિયા ગેટ રોશનીથી ઝળહળવા લાગ્યો છે.

    હું મારા બેગ-બિસ્ત્રા ઉઠાવું છું ...

    મારા પગ મક્કમ છે,

    હું ફરી શહેરના સિમાડા તરફ જાઉં છું

    જેથી હું શહેરના કેન્દ્રમાં આવી શકું ...

    (‘ઓપિનિયન’, ડિસેમ્બર, ૨૦૧૨, )


    એકલવ્ય

    એક વાર

    દ્રોણ પોતાના પ્યારા શિષ્યોને લઈને જંગલ જાય છે.

    ગાઢ જંગલમાં

    એક અદ્દભૂત ઘટના બની

    જેમાં દ્રોણને ભસતું કૂતરું અચાનક ભસતું બંદ થઇ ગયું.

    દ્રોણની ચકોર આંખોમાં આશ્વર્ય ઉભરી આવ્યું,

    તેણે વિચાર્યું આવા ગાઢ અને બિહામણા જંગલમાં નક્કી કોઇ હોવું જોઈએ.

    ગુરુ-શિષ્ય થર-થર ધ્રુજતા આગળ વધે છે.

    આગળ વધતાં દ્રોણને વધું આશ્વર્ય થયું

    કારણ કે, દ્રોણની પથ્થરની મૂર્તિ જંગલમાં સ્થાપિત થયેલી જોઈ.

    ત્યા એક યોદ્ધો

    પોતાના બાણોથી જંગલમાં સંગીત પેદા કરી રહ્યો હતો.

    દ્રોણે ભયત્રસ્ત સ્વરે પૂછ્યું –

    ‘હે યુવાન ! કોણ છે તું ?’

    યુવાને ધનુષ-બાણ નીચ્ચે મૂકી વિનયથી કહ્યું –

    ‘એકલવ્ય ....

    ઓહ ગુરૂ તમે ! હું એકલવ્ય.’

    દ્રોણને પણ કોઇ આવા અવાવરું જંગલમાં કોઇ ઓળખે છે

    એ માટે મનમાં જ ખુશ થાય છે

    પણ આવેગમાં આવતા જ અંદરથી સંયમીત થઇ

    દ્રોણનો અહમ-બ્રહ્મમ જાગી ઊઠે છે.

    ‘મારી આ મૂર્તિ અહીં શા માટે વસ્ત ?’

    એકલવ્ય વિનમ્રતાથી કહે છે ...

    ‘ગુરૂદેવ, આપે જ તો કહ્યું હતું કે નિષાદો-આદિવાસીઓને શાળામાં કોઇ સ્થાન નથી,

    તો મેં આપને અહીં સ્થાપિત કરીને વિદ્યા ગ્રહણ કરી.’

    દ્રોણે પ્રત્યક્ષ રહીને પણ આવી કોઇ વિદ્યા પોતે કે પોતાના શિષ્યોને

    ન શીખવાડી શક્યા.

    તો અપ્રત્યક્ષ રહી પોતે કેવાં વિદ્વાન બની બેઠા.

    એક વનવાસી પોતાનાં ઉત્તમ શિષ્યોને પણ પાછા પાડે ! ?

    દ્રોણે પોતાનાં અહમ ને માથે ચડાવી કહ્યું

    ‘વસ્ત ! શિષ્ય શિક્ષા પ્રાપ્ત કરે તો તેને ગુરુદક્ષિણા પણ આપવી પડતી હોય છે,

    તું શું મને આપી શકે ?’

    ‘ગુરૂદેવ તમે જે માંગશો તે મળશે.’

    દ્રોણે વિચારીને કહ્યું :

    ‘વસ્ત ! આ માત્ર ગુરૂદક્ષિણા જ નથી પણ તારી કઠોર પરીક્ષા છે,

    હજું વિચારી લે ફરી તને અપાર પસ્તાવો થાય અને મારું ઘોર અપમાન થાય ....’

    એકલવ્ય નતમસ્તક

    ‘આદેશ કારો ગુરૂદેવ.’

    દ્રોણે મૂછોમાં હસતાં કહ્યું :

    ‘એકલવ્ય ! નિર્ધન પાસેથી મારે શું માંગવું,

    બસ માત્ર એક તારો આ અંગૂઠો આપી દે ...’

    એકલવ્યના હૃદયમાં હજ્જારો તીર વાગ્યા પણ વચન આગળ બેબસ ઊભો છે.

    ઘડીભર તેના હાથ ધ્રુજે છે ...

    અને લોહીલુહાણ અંગૂઠો દ્રોણ સામે ધરે છે.

    દ્રોણ એક કપડામાં અંગૂઠો લઈ પોતાનાં પ્યારા શિષ્ય અર્જુનને આપે છે.

    દ્રોણ એકલવ્યને કહેતા ચાલે છે

    ‘યશસ્વી ભવઃ !’

    +++ +++ +++

    એકલવ્ય

    પોતાનાં હાથને જુએ છે

    ત્યારે તેને અફસોસ થયાં વગર રહેતો નથી.

    પણ જંગલનું પાણી

    એકલવ્ય હાથ પર હાથ ધરી બેસી રહે તો એકલવ્ય નહીં.

    થોડા જ સમયમાં એકલવ્ય ચાર આંગળીઓથી

    ધનુર્વિદ્યામાં પારંગત થવા લાગ્યો

    અને તે તેમાં સફળ પણ થયો.

    +++ +++ +++

    એક દિવસની વાત છે.

    દ્રોણ જંગલમાં શિકાર કરવા નીકળે છે.

    તે અચાનક રસ્તો ભૂલે છે અને

    ગાઢ જંગલમાં આવી ફસાય છે.

    ત્યા તેણે એક હરણ નજરે ચડે છે.

    તે તીર વીંધી અને સનનન ...

    ત્યાંજ તેના તીરના વચ્ચેથી ચાર ટુકડાઓ થઇ નીચે પડે છે.

    દ્રોણ થર-થર ધ્રુજવા લાગે છે ...

    અજુ બાજુ જૂએ છે ત્યારે એક તીર સનનન ... આવી ને

    દ્રોણના પીતાંબર ઉડાવી લઈ જાય છે.

    દ્રોણ હવે ખરેખર ભયભીત થઇ બાણ આગળ-પાછળ ઘુમાવે છે.

    ‘કોણ છે ... કોણ છે’ની બુમો પાડે છે.

    એક દીશા પરથી અવાજ આવે છે

    ‘એકલવ્ય’

    ‘એકલવ્ય ...!!!’

    દ્રોણ ક્રોધે ભરાઈ તીર કમાન એકલવ્ય તરફ તાણે છે.

    એકલવ્ય ફરી એક તીર છોડે છે

    જેનાથી ‘અહમ-બ્રહ્મમ’નું પ્રતીક જનોઈ જમીનમાં રગદોળાય છે.

    બીજું તીર આવતા જ દ્રોણ નિઃશસ્ત્ર થઇ જાય છે.

    થર-થર ધ્રુજતો દ્રોણ એકલવ્યને કહે છે

    ‘હજું મેં તારો અંગૂઠો જ માંગ્યો હતો ધારેત તો પ્રાણ પણ માંગી શકેત દુષ્ટ ...’

    એકલવ્યની આંખોમાંથી આગ જરે છે

    ‘દ્રોણ ! એ દિવસે તને ખબર હોત તો તું જરૂર પ્રણ લઈ શકેત

    પણ એક પૂરી કોમ એકલવ્ય બની જાય તે કરતા

    એકલવ્યનો અંગૂઠો જ એકલવ્યનો નાશ કરે તેમાંજ બ્રાહ્મણ ને રાજની સુરક્ષા છે.’

    દ્રોણ જનોઈ વગર પોતાને અધુરો માને છે ને જનોઈ આંખોથી શોધે છે

    ‘તે પાપ કર્યું છે, નર્ક... નર્ક... નર્ક... પામ તું.’

    એકલવ્ય દ્રોણ પર થૂંકીને કહે છે

    ‘મેં સ્વ-શિક્ષા લીધી છે

    તારા ઇકળમ-તિકળમને હું પહેલાથી જ ઓળખી ગયો હોત

    તો અંગૂઠા વગરના એકલવ્યની કથા ન બનવું પડત

    પણ ખેર

    આ ઉદાહરણ ભવિષ્યમાં મનુષ્યને બ્રાહ્મણથી ચેતવાનું કહેશે ...’

    અસ્તિત્વ

    સરકારી અનુદાનથી બનેલી સડક

    જેવી છે મારી જિંદગી

    ઉબડ-ખાબડ,

    આવળ-બાવળ-જાવળ ... ... ...

    છતાંયે વીતે છે જિંદગી

    ઘડિયાળના કાંટાની માફક

    ટક-ટક ... કટ-કટ-ફટ...

    વિચારોની હેલીએ

    જ્યારે

    ચડે છે મન

    ત્યારે

    ડોલે છે હિંચકા માફક મનુ-મહારાજ(!)

    હિંચા-હીંચ,

    હીંચ-હાંચ-હોંચી ... ... ...

    મારું અસ્તિત્વ ખળભળે છેઅને ડામાડોળ થાય છે સિંહાસન

    મનુ-મહારાજનું

    વર્ષોથી બાજેલું-સડેલું સિંહાસન

    મનુ-મહારાજનું

    કડડડ-કડડડ ...

    કળળળ-ખળળળ...ભૂસ ... ... ...

    એક ઈશારો થાય છે અંધકારમાં,

    કોઇ અટ્ટહાસ્ય કરે છે.

    અહીં મશાલ જલે છે,

    ખડ્ગ ખનકે છે

    ખડિંગ-ખડિંગ

    અટ્ટહાસ્ય તરફ ... ...

    ખનનન-ખનનન-ખચ ... ... ...

    દલિતનામા

    મારા ભાઈઓ !

    આવો આવો હંગાથે પીઈએ બે ઘૂંટ,

    દારુ હો કે ભાંગ

    પી ને ભજીએ જે રામોપીર.

    ધરમની દોરીએ

    બેઠો ગરીબડો દલિત ભગત

    દલિતો વના કોણ હંભાળે ધરમ

    ને જૂઓ મંડપે લાડું ખાય પંડિત

    કે બોલો ને ભઈ જે રામોપીર.

    એલા,

    સોનિયા, કચરા, વાલિયા ...

    પાટી પછાડી કાં આવ્યાં’તા માસ્તરના માથામાં,

    કે લે હવે સીમમાં,

    ને તોડ હવે ટાંટીયા,

    કે બોલો ભઈ જે રામોપીર.

    એલા, જરૂર અવળો પડછાયો પડ્યો છે

    માલી ડોહીનો તારા પર,

    ખંખેરી મેલ મેલાં લૂગડાં,

    ને બેહ આવી હમારી ભગતુની પંગતમાં,

    ઊંચી ઊઠે છે જો અલખની ધૂણી,

    હવે તો તું સનાતની ધર્મી,

    એલા, હવે તો બોલ જે રામોપીર !

    અરે ભૈ ...

    મારા બૈરી-છોકરા ભૂખે મરે

    ને હું કેમ બોલું જે રામોપીર ?

    લે આ તારી દેશી દારૂની કોથળી,

    ને મેલ તારા પાઠમાં દિવાળી

    હું તો આ હાલ્યો,

    કાલે હવારે છોકરાને ભણવા મૂકવો છે

    કે બોલો હવે

    જે ભીમ ... ... ...

    (‘દલિતચેતના’, તંત્રી – મનોજ પરમાર, મે, ૨૦૦૯)


    ભૂતકાળ

    ભીંતોના પોપડાં ઊખડી ગયેલી

    જગ્યામાં,

    એક વીતી ગયેલો ભૂતકાળ બેઠો,

    આંખોમાં ભૂતકાળ લઈ એ

    આકાશને જૂએ

    ત્યારે

    આકાશ કહે :

    ‘આજ વાદળ નથી

    પણ

    આજે છે મારી પાસે તડકો !’

    એક બાળક

    એક બાળક જન્મે

    અને

    ભૂખથી મરે

    તેની દુનિયાને ખબર પણ ન પડે !

    જો ત્યારે આપ શ્રીઓ

    ત્યાંથી પસાર થાવ

    એ બાળક ભૂખી-પ્યાસી નજર લઈ સામે મળે

    અને તમે મૂંડી ઊંચી કરી ચાલ્યા જાવ

    ત્યારે

    માનવતા રઝળી પડે !

    ક્ષિતિજ સુધી

    રાહોના પત્થરોને

    જેમના તેમ રહેવા દઈને,

    હું રસ્તો ચાતરીને ચાલ્યો,

    મારે પહોંચવું હતું ક્ષિતિજ સુધી

    અને હું કંઈપણ કહ્યા વગર ચાલ્યો.

    દોસ્તોની મહેફીલો,

    જેમની તેમ રહેવા દઈને,

    હું સમયને પિછાણીને ચાલ્યો,

    મારે પહોંચવું હતું આકાશ સુધી

    અને હું ગરદન ઝુકાવી ચાલ્યો.

    પ્રિયતમનો પ્રેમ

    જેમનો તેમ રહેવા દઈ

    હું વિરહની વેદના સહેતો ચાલ્યો,

    મારે પહોંચવું હતું પ્રેમના શિખર સુધી

    હું એના વિશ્વાસનો હાથ પકડી ચાલ્યો.

    દોસ્તો ! સંબંધોના ગણિતને

    જેમનું તેમ રહેવા દઈ

    હું ગેબિલા માર્ગોમાં એકલો ચાલ્યો.

    મારે પહોંચવું હતું સફળતાની મંજિલમાં

    અને હું મારું સ્વમાન વેંચીને ચાલ્યો ...

    આઝાદ

    આજે

    લાગે છે કે હું આઝાદ છું.

    આ પૃથ્વી પર

    બધા લોકો જીવે છે

    એવી રીતે હું જીવી શકું છું - અધિકાર થી.

    આ ખુલ્લાં આકાશ નીચે.

    આ જમીન પર ,

    બધા વચ્ચે હું સમાન છું.

    હું આઝાદ છું

    હું જાઉં છું બધે

    મન ફાવે ત્યાં ફરું છું

    બધા જ દરવાજા ખુલ્લાં છે મારા માટે,

    હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું

    પણ

    જ્યારે, હું એક કદમ આગળ વધવા જાઉં છું

    ત્યારે

    સમરસતા વાદી ઓ,રૂઢી જડ,મનુ વાદી

    એ લોકો

    ક્રૂર બની

    અ માનવીય રીતે

    રહેંચી નાખે છે મારા કદમ.......

    સંઘર્ષ

    એ દિવસો

    હવે વીતી ગયા છે,

    જ્યાં તારા આલિંગનમાં

    દુનિયા ભૂલી સૂઈ જવું,

    એ હવામાં લહેરાતા કેશની છાંવમાં,

    તારા આંચલમાં સંતાઈ

    બધુ જ ભૂલી જવું,

    એ ઓજત, એ ન્યારીના

    કિનારાની ઠંડક

    ને તારા સુ-મધુર ગીતો ના

    લયમાં તરંગિત બની

    બધું ભૂલી જવું.......

    પણ,

    આ દુનિયા છે કે ,

    છે તારી શૌતન્?

    જે આજે હર એક પળે

    તારા અગાઢ આલીન્ગનમાં હોવા છતાં

    મને ભાવી ની ભયાનકતાનો અહેસાસ કરાવે છે.

    ચાલો,કઈ નહીં, જવા દો,

    મેં મારી જિંદગી ને દાવ પર મૂકી છે

    દ્રૌપદી ને નહીં......!