વાર્તા
સવારે વાત
સાંજે પાંચ વાગ્યે તો એ એવી થાકી ગઈ કે સોફામાં બેઠી એ પણ જાણે કે ફસડાઈને ઢગલો થઈ ગઈ! કચરો કાઢવાનો પડ્યો હતો પણ મન નહોતું થતું. એને એમ લાગ્યું કે આખું ઘર કચરો કચરો થઈ ગયું છે અને એ કચરો એના મગજમાં પણ ભરાઈ ગયો હોય તેમ માથામાં સખત દુખાવો થતો હતો. જીવ એવોચૂંથાતો હતો કે જાણે નીકળવા માગે છે પણ નીકળી નથી શકતો !
રોજ સાંજે પડોશમાં ક્યાંક ને ક્યાંક બેસવા જતી એય એણે બંધ કરી દીધું હતું. એને બીક લાગતી હતી કે એ બેસવા જશે અને લોકો જો બધું પૂછશે તો એ શું જવાબ આપશે ? ક્યારેક બે-ચાર મિનીટ માટે એ ગેટ પર ખાલી ખાલી ઊભી રહેતી ત્યારે કોઈ પડોશીને જો એ બહાર જુએ તો પણ એને એમ લાગતું કે એ એના જ બહાર નીકળવાની રાહ જુએ છે ! કયારેક તો કોઈ જ બહાર ન હોય તોય એવું લાગતું કે એને બહાર જોઈને હમણાં જ કોઈક બહાર આવશે અને બધું પૂછશે તો એણે જવાબ આપવા પડશે ! અને તરત જ એ ગેટ બંધ કરીને અંદર આવી જતી.
અને આજે તો......
પડોશી નહીં પણ જે માણસોને એણે ક્યારેય જોયા નહોતા એ માણસો છેક ઘર સુધી આવી ગયા હતા, અને એ પણ એના પતિની ગેરહાજરીમાં. જાણે કે તપાસ અને ઊલટતપાસ માટે ! સંજય - એનો દીકરો, પણ ઘરે નહીં. જવાબ આપી આપીને એ થાકી ગઈ. ક્યારેક તો ચિડાઈ જતી પણ પછી તરત જ મન પર કાબૂ મેળવી લેતી. પોતાના પતિનો જ બધો વાંક હોય પછી બીજા પર ગુસ્સો કરીને કરવું શું ? એના પતિ રમણલાલની છાપ માર્કેટમાં આમ તો સટોડીયાની જ હતી અને તે એ જાણતી પણ હતી. પહેલાં પણ એક વખત મોટું દેવું થઈ ગયેલું અને ગામડાનું ખેતર વેચ્યું ત્યારે માંડ બધું સમૂસુતરું પાર પડ્યું હતું. હવે આ વખતે કોણ જાણે શું થશે ! બે દિવસથી ક્યાં ગયા છે એ પણ ખબર નથી. અને આજે તો સવારથી મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. છેક અત્યારે હવે રીંગ કરી અને એના કેટલા બધા પ્રશ્નોના જવાબમાં એમણે ફક્ત ‘હા ભઈ હા, હું આવું જ છું. !’ એટલું જ કહ્યું.
સવારે રમણલાલનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને એને બહું જ ઉચાટ થતો હતો. છેવટે એણે લાલજીકાકાને ફોન કરી ઘેર બોલાવ્યા હતા. લાલજીકાકા એમના બન્નેના સગપણમાં હતા અને એને તો દીકરીની જેમ રાખતા હતા. એમણે તરત જ આવવાનું કહ્યું પણ વાર લાગી એટલે એણે બીજી વખત ફોન કર્યો હતો. અને લાલજીકાકા એ પછી પણ લગભગ દોઢ-બે કલાકે આવ્યા હતા. એનો તો જીવ ઊંચોનીચો થઈ ગયેલો પણ કરે શું ? એ આવ્યા ત્યારે એમને બેસતાંની સાથે જ એણે ‘એ ક્યાં છે ?’ એમ પૂછી જ લીધું હતું પણ એમનેય કાંઈ ખબર નહોતી. નિરાશ તો એ થઈ જ તેમ છતાં લાલજીકાકા પાસેથી કાંઈક રસ્તો નીકળશે એવી એને આશા હતી. એણે લાલજીકાકા માટે મસાલાવાળી ચા મૂકી હતી અને પછી વાતોએ વળગી હતી. સમાજ અને કુટુંબની કેટલી બધી વાતો એણે કરી અને એ વાતો કરતાં કરતાં લાલજીકાકાને કયારે એણે ચા પીવડાવી એ પણ એને ખબર પડી ન હતી. પણ એને ખબર પડી હતી કે કે લાલજીકાકા વાતોમાં ‘હેં-હા’ જેવા હોંકારાથી આગળ વધ્યા નહોતા. છેવટે એણે કાંઈક મદદ માટે પેટછૂટી વાત કરી જ દીધી હતી પણ લાલજીકાકાએ તરત જ હાથ ઊંચા કરી દીધા હતા. થોડીવાર તો એ ભોંઠી પડી ગઈ હતી પણ પછી આડીઅવળી વાતો કરી હસતા મોઢે લાલજીકાકાને વિદાય કર્યા હતા.
એના માટે આ નિરાશાનો ભારે ઝટકો હતો અને એને લાગ્યું હતું કે વાત કાંઈક વધારે ગંભીર છે. નહીં તો લાલજીકાકા જેવા માણસ સાવ આમ ન કરે. એને મનમાં વસી ગયું કે ખાલી સટ્ટામાં આટલું બધું ન થાય પણ આ જમીન અને પ્લોટોના રવાડે ચડ્યા એનું જ પરિણામ હોય ! હમણાંની મંદીમાં શહેરમાં કેટલાય માણસો પાયમાલ થઈ ગયાના દાખલા એની નજર સામે આવી ગયા અને પગથી માથા સુધી એ ધ્રુજી ગઈ.
જો કે આ તો એને બીક લગતી હતી. બાકી માર્કેટમાં તો બધા એમ જ કહેતા કે, ‘રમણલાલને મન તો આ રમતવાત છે !’ રમણલાલ આમ હિંમતવાળા અને ભારાડી માણસ. ફિકરની ફાકી કરીને ખાઈ જાનારો માણસ ! ગમે તેવી મુશ્કેલીમાં પણ કાંઈક ને કોઈક રસ્તો તો શોધી જ કાઢે ! રમણલાલ તો કાયમ એમ જ કહેતા કે, ‘આ તો ધંધો છે અને ધંધામાં તો આવું બધું થયા કરે ! હિંમત તો રાખવી જ પડે અને સાહસ પણ કરવું પડે ! મરજીવાને જ માલ હાથમાં આવે !’
પણ એ હવે થાકી ગઈ હતી, માનસિક અને શારીરિક બન્ને રીતે.
બીજી બાજુ એને લાગતું હતું કે દીકરો મોટો કર્યો પણ એમાંય કાંઈ સારાવાટ ન આવી. ભાઈ ભણ્યા તો નહીં જ અને હવે ધંધામાં પણ કાંઈ ધ્યાન આપતા નથી, બસ ભટક્યા જ કરે છે ! એનું કહેવું તો એ કાંઈ માને જ નહીં અને બાપ કાંઈ કહે નહીં એટલે ભાઈને એટલું ફાવતું જડે છે કે વાત જ ન પૂછો ! અને અધૂરામાં પૂરું હોય તેમ સગપણનું પણ કાંઈ ઠેકાણું પડતું નથી. ચારે બાજુથી એ ઘેરાઈ ગઈ હોય એવું એને લાગ્યું.
વિચારોને થોડા દૂર કરવાનો પ્રયત્ન કરીને એ ઊભી થઈ. ચા પીવાથી કદાચ કાંઈક ફેર પડે એમ વિચારી એ રસોડામાં ગઈ અને ચાની તપેલી સ્ટવ પર મૂકી પાણી અને ચા-ખાંડ નાખવા લાગી.
પરણીને એ સાસરે અને પછી ગામડેથી અહીં શહેરમાં આવી ત્યારે ખુશીઓ જાણે કે એની જ રાહ જોઈ રહી હતી ! આનંદનો સાગર હિલોળા લેતો હતો અને એ હિલોળા પર સવાર થઈને એ સ્વપ્નાંના આકાશમાં વિહરતી રહેતી. સવારથી સાંજ ક્યારે થતી એ પણ એને ખબર ન પડતી. દિવસો શું વર્ષો વીતી ગયાં. ચાલીસ ઉપરની એ ક્યારની થઈ ગઈ ! બધું જાણે કે ગઈકાલની જ વાત છે. વરસો કલાકોની જેમ વીતી ગયાં અને હમણાંથી તો કલાકો પણ વરસ જેટલા લાગે છે !
રસોડામાં ઊભાં ઊભાં જ એણે ચા પી લીધી અને વાસણો ચોકડીમાં મૂક્યાં. મોડી સાંજે રમણલાલ આવ્યા. આવીને શેટ્ટી પર બેઠા અને એ પાણીનો ગ્લાસ લઈ આવી. રમણલાલ સામે જોતાં એને તો એમ જ લાગ્યું કે અહીં એના પર આટલી બધી વીતી ગઈ અને આ માણસને તો કાંઈ પડી જ નથી ! રમણલાલે બેગમાંથી મેંલાં કપડાં કાઢ્યાં. કપડાં લેતાં ‘હું તો હવે કામવાળી જ રહી ગઈ છું ને !’ એમ તો એણે બોલી જ નાખ્યું. રમણલાલ કાંઈ બોલ્યા નહીં. કપડાં ભેગાં કરી એણે બાથરૂમમાં મૂક્યાં. છેવટે એ એમની પાસે આવીને બેઠી અને થોડા ગુસ્સામાં અને આવેશમાં એના મનનો ઊભરો તો નીકળી જ ગયો, ‘આજે તો કેટલા તમારા સગલા આવી ગયા એ તો પૂછો !’
‘તું શું કામ ચિંતા કરે છે, એ બધું હું ફોડી લઈશ !’ રમણલાલે બહું જ ટાઢકથી ટૂંકો જવાબ આપ્યો.
‘તમે શું શકોરું ફોડી લેશો ? અહીં મારો તો જીવ જાય છે ! તમને બાપ-દીકરાને એકેયને મારી પડી જ નથી....!’ ઊંચેથી શરૂ થયેલો એનો અવાજ ઢીલો થતો ગયો અને છેવટે રોવાનું જ બાકી રહ્યું. અને એ પણ આવી રહેલાં આંસુ સંતાડવા હોય કે કાઢી નાખવા એ ઊભી થઈને રસોડામાં જતી રહી અને રસોઈના કામે લાગી ગઈ.
થોડીવાર પછી ‘શું બનાવે છે ?’ કહેતા રમણલાલ રસોડામાં આવ્યા અને એના ખભા પર હાથ મૂક્યો. ઝટકા સાથે એ હાથ દૂર કરીને ‘બનાવવા જેવું ઘરમાં છે શું ? કેટલા દિવસથી રાશનનું લીસ્ટ બનાવી રાખ્યું છે, એ યાદ છે તમને ?’ એના અવાજમાં રસોડાના ઉકળાટ જેવો મનમાં ઘૂમરાતો તિરસ્કાર આવી ગયો.
રમણલાલ રસોડામાંથી બહાર આવી ગયા. આજુબાજુ જોઈ ટી.વી.ની બાજુમાં રાખેલું રાશનનું લીસ્ટ લઈ ખિસ્સામાં મૂક્યું અને કબાટમાંથી થેલો લઈને રાશન લેવા નીકળી ગયા.
રમણલાલ રાશન લઈ આવ્યા ત્યારે એ ટી.વી. જોતી બેઠી હતી. રમણલાલે થેલો રસોડામાં એક ખૂણામાં મુક્યો અને શર્ટનાં બટન ખોલતાં ખુરસી લઈને એની બાજુમાં આવીને બેઠા.
આમ તો રાશન આવે એટલે કાઢીને ડબાઓમાં સરખું મૂકી દેતી પણ આજે આખા દિવસના થાકને કારણે ‘સવારે વાત !’ એમ વિચારીને માંડી વાળ્યું.
‘જમી લેવું છે ?’ રમણલાલને એણે પૂછ્યું અને જવાબની રાહ જોયા વગર ઊભા થઈને જમવાનું તૈયાર કરવા માંડ્યું. ચૂપચાપ બન્નેએ જમી લીધું. સંજય માટે જમવાનું અલગ કાઢી વાસણો ચોકડીમાં મૂક્યાં. મૂંગાં મૂંગાં એ બધું કામ કરતી રહી. એને હતું કે જમતી વખતે પતિ કાંઈક વાત કરશે પણ એવું કાંઈ થયું નહીં. અને એ બહું જ નિરાશ થઈ ગઈ. અત્યારે એને જેટલી એકલતા સાલી એટલી ક્યારેય નહોતી સાલી. કોઈની આગળ હૈયું ઠાલવવાની ઈચ્છા તો બહું થઈ આવી પણ અહીં એનું કોણ ? એનાં કહેવાય એવાં તો બધાં ગામડે રહી ગયાં.
અને અચાનક એને ગામડું સાંભરી આવ્યું. પિયર હોય કે સાસરું પણ ગામડું એટલે ગામડું ! ત્યાં કોઈને ક્યારેય આવી એકલતા ન લાગે. કોઈ લાગવા જ ન દે. કોઈનું મોઢું થોડું પણ પડેલું દેખાય તો બધાં વગર કહ્યે સમજી જાય. અને પછી તો એનું કોઈપણ દુ:ખ જાણે બધાંનું સહિયારું બની જાય ! પણ હવે એ ગામડું અહીં લાવવું કયાંથી ? જો એને પાંખો હોત તો ઊડીને ગામડે પહોંચી ગઈ હોત !
વળી એને મનમાં થયું કે ગામડે પણ હવે કોની પાસે જાય ? મા-બાપ તો મરી પરવાર્યાં. ભાઈઓ ખરા પણ ભોજાઈઓ તો ઠીક મારા ભાઈ ! એને એની માની તીવ્ર યાદ આવી ગઈ. લગન પછી શહેરમાં રહેવાનું હોવાથી મા કેટકેટલી શિખામણ આપતી ! ભાખરી બનાવવાથી માંડીને શહેરની બધી રીતભાતો શીખવા એને કહેતી. પણ એ બધું... એનાથી એક મોટો નિસાસો નખાઈ ગયો.
કામ પૂરું કરી સોફામાં થોડી આડી પડી ત્યાં મોબાઈલની રીંગના કર્કશ અવાજે એનું ધ્યાન ખેંચ્યું. રમણલાલે ન છુટકે ઊભા થઈને ટી.વી.ની બાજુમાં પડેલો મોબાઈલ લીધો અને સ્ક્રીન પર જોયા કર્યું પણ મોબાઈલ ઓન ન કર્યો. રીંગ બંધ થઈ ગઈ. મોબાઈલ પાછો મૂકવા જતા હતા પણ તરત જ ફરીથી રીંગ વાગી. મોબાઈલ લઈને રમણલાલ એની પાસે આવ્યા અને ‘ઘેર નથી’ એમ કહી દેવા કહ્યું. એને એમ કરવાની ઈચ્છા નહોતી છતાં મોઢું બગાડીને એણે વાત કરી લીધી. એણે રમણલાલ સામે એવી રીતે જોયું કે રમણલાલ નીચું જોઈ ગયા. જે કહેવાનું હતું તે એણે વગર કહ્યે કહી દીધું. અને મોબાઈલ રમણલાલને પકડાવી દીધો.
સંજય પણ આજે બધા દિવસનું સાટું વાળતો હોય તેમ મોડો આવ્યો. એને જમાડી બધું જેમતેમ મૂકીને એ બેડરૂમમાં ઘૂસી ગઈ.
આખા દિવસની થાકેલી હતી પણ ઊંઘ આવતી નહોતી. વિચારોની આવનજાવન ચાલુ જ હતી અને વિચારો જાણે કે એને આમથી તેમ હડસેલતા હોય તેમ એ પડખાં ઘસતી રહી. રાત પણ આજે એની વેરણ થઈ છે એવું એને લાગ્યું. એને હવે એમ પણ લાગતું હતું કે પરણીને આવ્યા પછી એની જિંદગી ધૂળધાણી થઈ ગઈ હતી, એનાં સપનાં વેરણછેરણ થઈ ગયાં હતાં ! એનાં સપનાં કાંઈ બહું મોટાં નહોતાં, પણ થોડાંય પૂરાં ન થયાં. અને હવે તો રોજના કંટાળાને કારણે સપનાં પૂરાં થવાનું તો દૂર રહ્યું પણ જીવવુંય અકારું લાગવા માંડ્યું હતું. એને લાગ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ જ નથી.
અને અચાનક એણે જીવનનો અંત લાવવાનું નક્કી કરી લીધું ! બીજી જ પળે એણે આંખો મીંચી લીધી અને થોડીવાર એમ જ પડી રહી. અજબ રીતે એને લાગ્યું કે આવું નક્કી કર્યા પછી મન જાણે કે એકદમ શાંત થઈ ગયું છે. કોઈ ઉપાધિ કે ઉચાટ જાણે કે રહ્યો જ નથી ! એને થયું કે રાશનના લીસ્ટમાં એસિડનો બાટલો લખી નાખ્યો હોત તો અત્યારે જ ગટગટાવીને કામ પૂરું કરી લેત. પણ વાંધો નહીં, ‘હવે સવારે વાત !’ એમ વિચારીને એ પડી રહી. જાણે કે હવે બીજું કાંઈ જ કરવાનું રહ્યું નથી !
અને એણે જોયું કે રમણલાલ જાગી ગયા હતા. આમ તો રમણલાલ રાત્રે લગભગ જાગે નહીં. અને ક્યારેક પાણી પીવા જાગે તો પોતે ઊભા ન થાય, એને જ જગાડે. પણ આજે તો એ મુસાફરી કરીને પૂરા થાકેલા હતા તેમ છતાં જાગ્યા અને પોતે જ ઊઠ્યા, એને જગાડી પણ નહીં ! એણે આંખ ઝીણી કરીને જોયું તો રમણલાલ રસોડામાં ગયા. એમની પાછળ જવાનો એને વિચાર આવ્યો પણ એને થયું કે હવે જીવવાનું જ નથી તો ઉપાધિ કરીને શું કામ છે ? પણ તેમ છતાં કૂતુહલવશ એ ઊઠી અને રમણલાલની પાછળ પાછળ રસોડામાં ગઈ. રમણલાલ એમણે લાવેલ રાશનનો થેલો ફંફોળી રહ્યા હતા. એમણે થેલામાંથી કાંઈક કાઢ્યું.
અને એણે જોયું તો આ તો એસિડનો બાટલો !
અને રમણલાલ બાટલો ખોલવા જતા હતા ત્યાં તો એણે ઝડપ મારી અને બાટલો ઝૂંટવી લઈ એમની સામે ઊભી રહી ગઈ !
+ + +
હરગોવન પ્રજાપતિ
મકાન નં. ૮૧૪, વોર્ડ : ડીસી–ફાઈવ, આદિપુર-કચ્છ. પિનકોડ : 370 205.