Engeenearing collageni pasandgi in Gujarati Magazine by Lata Hirani books and stories PDF | એન્જીનીયરીંગ કોલેજની પસંદગી

Featured Books
Categories
Share

એન્જીનીયરીંગ કોલેજની પસંદગી

એન્જિનીયરીંગ કૉલેજની પસંદગી

લતા હિરાણી

ગુજરાતમાં લગભગ 60 કરતાં વધારે ડિગ્રી એંજિનીયરીંગ કૉલેજ છે અને લગભગ 20000થી વધુ વિદ્યાર્થીઓ આ કોલેજોમાં એડમિશન લઇ શકે છે. એંજિનીયરીંગમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને સૌથી મુંઝવતો પ્રશ્ન એ છે કે આટલી બધી કૉલેજોમાંથી પોતાના સંતાન માટે કોલેજની પસંદગી કેમ કરાવી ?આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે તપાસ કરે છે. વાસ્તવમાં આ બાબત સાથે સંકળાયેલા તમામ પાસા સમજવા જરૂરી છે. કેટલીક મહત્વની બાબતો આ રહી.1.કૉલેજનો વહીવટ સંભાળતી સંસ્થાનું નેતૃત્વજે સંસ્થા કોલેજનો વહીવટ કરે છે તે સંસ્થાની નીતિ, દીર્ઘદૃષ્ટિ અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેની નિષ્ઠા મહત્વની બાબત છે. સબળ નેતૃત્વ વગર એકધારો વહીવટ શક્ય નથી. સબળ નેતૃત્વ જાણવા માટે જે તે સંસ્ત્થા દ્વારા કેટલા શૈક્ષણિક એકમો ચલાવવામાં આવે છે અને સંસ્થાનો કેટલો વિકાસ થયો છે તેનો અભ્યાસ કરવાથી નેતૃત્વની મહત્તા સમજી શકાય છે. સબળ નેતૃત્વ શિક્ષણમાં ગુણવત્તાનું માળખું ઊભું કરી શકે છે. નેશનલ એક્રીડિટેશન બોર્ડની માન્યતા એ સંસ્થાની વહીવટી સિદ્ધિનો માપદંડ ગણાય છે. તેમ છતાંય આવી માન્યતાવાળી કોલેજોમાંયે નેતૃત્વનો તફાવત હોઇ શકે.કોલેજ કેમ્પસની વિશાળતા, વૃક્ષો, બાગબગીચા, રમત ગમતના મેદાનો, જીમ્નેશ્યમ, વિદ્યાર્થીઓની હોસ્ટેલ તેમ જ ભવિષ્યના વિકાસને અનુલક્ષીને છોડવામાં આવેલી જગ્યા આ બધું સંસ્થાના વહીવટનું આગવું પ્રતિબિંબ છે.

2. કોલેજમાં ચાલતા અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમોની માહિતીસામાન્ય રીતે બધી જ કોલેજોમાં સર્વસ્વીકૃત અભ્યાસક્રમો આવરી લેવાય છે પરંતુ કેટલીક કોલેજોમાં વહીવટકર્તાઓની દીર્ઘદૃષ્ટિને કારણે વિશ્વમાં થતા વિકાસને અનુલક્ષીને વિશિષ્ટ શાખાઓ ચાલતી હોય છે.3. જે તે શાખાની વિશિષ્ટતા

તમારે જે શાખા પસંદ કરવાની છે તે શાખામાં જે તે કોલેજનું કેટલું જમા પાસું છે તે જાણી લેવું જરૂરી છે. અર્થાત એ કોલેજમાં એ શાખામાં ઉત્તમ પ્રાધ્યાપકો, લેબોરેટરી અને આવા પ્રાધ્યાપકોનું કોલેજ સાથેનું લાંબુ જોડાણ છે કે નહીં તે જાણવું જોઇએ. કોલેજનો ઉદ્યોગો સાથેનો તાલમેલ જાણવો જોઇએ જેથી અભ્યાસ બાદ વ્યવસાય બાબતે પણ કોલેજનો રોલ સ્પષ્ટ થાય. લેબોરેટરીની મુલાકાત લેવી જરૂરી છે કેમ કે સાધનસજ્જ લેબોરેટરી એંજિનીયરીંગ કોલેજ માટે અગત્યની બાબત છે.4. જે તે શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની મુલાકાતકોલેજની જે શાખામાં તમે અભ્યાસ કરવા માંગો છો તે શાખામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મળવું જરૂરી છે. આમ કરવાથી વિદ્યાર્થીના શૈક્ષણિક પર્ફોર્મંસને સુધારવા માટે કોલેજ વર્ષો વર્ષ કેવા પ્રયત્નો કરે છે તે જાણવા મળે છે. શિક્ષણ માટે વપરાતા સાધનો તથા પ્રાધ્યાપકોની નિપૂણતા અંગેની માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી શકે છે.5. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ અને પ્રોત્સાહનસામાન્ય રીતે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં આવે ત્યારે તેને વિષય સમજવામાંતકલીફ પડે છે. આ બાબત ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને કેવી રીતે માર્ગદર્શન અપાય છે તેની માહિતી મેળવવી જોઇએ. મૂલ્યાંકન કરવા માટે અઠવાડિક / પાક્ષિક / માસિક પરીક્ષાઓ લેવાય છે અને તેના પરિણામને આધારે વિદ્યાર્થીને તેની મર્યાદાઓ સમજી આગળ વધવા સહકાર, માર્ગદર્શન અને પ્રોત્સાહન અપાય છે કે નહીં તેની માહિતી મેળવવી.6. વિદ્યાર્થીઓને અપાતું માર્ગદર્શન અને સહકારઅભ્યાસક્રમને લગતું સાહિત્ય, ક્લાસનોટ, પ્રેઝંટેશન અને ઇંટરનેટ પરથી જરૂરી અને સચોટ માહિતી મેળવવાનું માર્ગદર્શન વિષયની સમજ કેળવવા માટે જરૂરી છે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે ટ્યુટોરિયલ્સ અને રેમિડિયલ લેક્ચરની વ્યવસ્થા છે કે નહીં ?

7. રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રકક્ષાએ બીજી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહકારબીજી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિચારોની આપલે કરવા મળે તો વિદ્યાર્થીને પોતાની વ્યાવસાયિક કારકિર્દી વિકસાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. એંજિનીયરીંગ કોલેજો ઉપરાંત મેનેજમેંટ, વિજ્ઞાન, વાણિજ્ય, આર્ટ્સ, ફાર્મસી, બાયોટેકનોલોજી જેવી અનેક કોલેજોમા સહકારમાં વિદ્યાર્થીના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરતી જાય છે કૂવામાંના દેડકાની મનોદશામાંથી બહાર નીકળે છે.8. આંતરરાષ્ટ્રિય કક્ષાએ શૈક્ષણિક સંસ્થાઓ સાથેનો સહકારઘણી કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રિય કક્ષાએ વિદેશની શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહકારના કરાર થાય છે. આવા કરારની અસરકારકતા કેટલી છે તેની માહિતી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી મેળવવનો આગ્રહ રાખવો. જો આંતરરાષ્ટ્રિય લેવલે શિક્ષણ પદ્ધતિને વિકસાવવાના અને વિદ્યાર્થીઓને મોટું ફલક આપવના પ્રયત્નો હોય તો આર્થિક રીતે સધ્ધર વિદ્યાર્થીએ આવી તક ઝડપી લેવી જોઇએ. એટલું જરૂર યાદ રાખજો કે ભારતની કોલેજમાં અભ્યાસ કરી વિદેશ જતા ઇજનેરો ત્યાં ભણેલા ઇજનેરો કરતાં પણ વધુ સારું કામ કરતા હોય છે.

9. ઉદ્યોગો સાથે પાર્ટનરશીપકોલેજના ઉદ્યોગો સાથેના સંબંધો માત્ર નોકરી મેળવવા પૂરતા મર્યાદિત ન હોય તે પણ સમજવા જેવું. કોલેજ અને ઉદ્યોગોની પાર્ટનરશીપથી પ્રાધ્યાપકો, વિદ્યાર્થી તેમ જ ઉદ્યોગોને એકબીજા પાસેથી ઘણુ શીખવા મળે છે. જે કોલેજમાં આ પ્રવૃતિને પ્રોત્સાહન મળતું હોય તે કોલેજમાં શિક્ષણનું ધોરણ ઝડપથી સુધરતું હોય છે. વિકસતા દેશની કોલેજોમાં આ બાબત મહત્વની ગણવામાં આવે છે. આ પાસાની અગત્યતા વિદ્યાર્થીને જલ્દી સમજાય નહીં તે સ્વાભાવિક છે. જો વિદ્યાર્થી ઉદ્યોગોમાં કામ કરતા ઇજનેરોનો સંપર્ક કરે તો આ વાત સારી રીતે સમજી શકે,

10. વિદ્યાર્થી પાસે શિસ્તનો આગ્રહશાળામાં H.S.S.C સુધી ખૂબ મહેનત કરી મા-બાપ અને ઘણા ટ્યુશનોના એકધારા પ્રોત્સાહનો, દબાણ સહન કરી જ્યારે વિદ્યાર્થી કોલેજમાં જોડાય છે ત્યારે એક જુદી જ મનોદશાનો શિકાર બને છે. ક્યારેક ‘સારે બંધન તોડ ડાલો’ની સ્થિતિમાં આવી જાય છે. તેની કાચી ઉંમર આમાં મોટો ભાગ ભજવે છે. આ સંજોગોમાં જે કોલેજોમાં હાજરી અને નિયમિતતાનો આગ્રહ રખાતો હોય તેની પસંદગી કરવી હિતાવહ છે કેમ કે આ શિસ્ત ક્યારેક આકરી લાગે પણ વિદ્યાર્થીની લાંબા ગાળાની કેરીયર માટે લાભદાયી હોય છે.

11. સરકારી કોલેજ અને સેલ્ફ ફાઇનાંસ કોલેજનો તફાવતશિક્ષણની ગુણવતામાં આમ તો કોઇ ફેર ન પડવો જોઇએ કેમ કે યુનિવર્સિટી એક જ હોય, અભ્યાસક્રમ પણ સરખો જ હોય અને પ્રાધ્યાપકો પણ સરકારે નક્કી કરેલ લાયકાત પ્રમાણે જ લેવામાં આવતા હોય છે. વળી સરકારી કોલેજ એટલે શિક્ષણની ગુણવત્તામાં ખામી હોય શકે અને સેલ્ફ ફાઇનાંસ કોલેજની ગુણવત્તા સારી હોય એવું માનવાને કોઇ કારણ નથી. વાસ્તવમાં જે ફરક છે તે નેતૃત્વનો છે. ઉત્તમ નેતૃત્વ જ ઉત્તમ પરિણામ લાવી શકે. તેમ છતાં પણ એવી કોલેજ હશે જેમાં ઊંચા ગુણ મેળવતા વિદ્યાર્થી વધુ સંખ્યામાં ન હોય તેમ તે કોલેજ વ્યક્તિગત ધ્યાન આપી H.S.S.C પરીક્ષાની સરખામણીએ એંજિનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થી સારી રીતે ઝળકી ઊઠે તેવા પ્રયત્નો કરતી હોય છે.

જો વિદ્યાર્થી પોતાની જાતે શીખી શકવાની ક્ષમતા ધરાવતો હોય તો તેને માટે બધી કોલેજ સરખી છે પણ જે વિદ્યાર્થીને થોડો વધુ સહકાર અને માર્ગદર્શનની જરૂર પડે તેમ લાગતું હોય તો તેવી કોલેજ પસંદ કરવી. સેલ્ફફાઇનાંસનું ફીનું માળખું અને તેના લગતાં પાસાઓ પહેલેથી સમજી લેવા જોઇએ.

12. ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિજે કોલેજ લાંબા સમયથી ચાલતી હોય તેના વિદ્યાર્થીઓ વ્યવસાયમાં ઉચ્ચ હોદ્દાઓ પરાઅ હોય એ સ્વાભાવિક છે. કોલેજની દીર્ઘ દૃષ્ટિ, માર્ગદર્શન અને સહકારથી કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારમાં કે ખાનગી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર હોય જેમનો ધ્યેય એ પ્રકારનો તેણે આ બાબત ધ્યાનમાં લેવી જોઇને કોલેજની પસંદગી કરવી જોઇએ. જે કોલેજનો ભુતકાળ ભવ્ય હોય તેનું ભવિષ્ય પણ ભવ્ય હોય તેવું ન પણ બને. આ બાબત ચકાસવા માટે જે તે કોલેજમાં પ્રાધ્યાપકોની સ્થિરતા અને ટોપ મેનેજમેંટની નીતિ કેવી છે તે જાણવું.13. કોલેજને અપાતી રેન્ક

વેબસાઇટ ઉપર કે કેટલાક સામયિકોમાં કોલેજોને રાજ્યકક્ષાએ કે રાષ્ટ્રકક્ષાએ રેંક આપવામાં આવે છે. આવા સર્વે ઘણી સંસ્થાઓ દ્વારા થાય છે. આવી સંસ્થાઓના ધ્યેય સમજવા જરૂરી હોય છે. સામાન્યત: આવા સર્વેમાં કયા માપદંડને આધારે રેંક નક્કી થાય છે એ જાણવું અઘરું હોય છે અને સાચું ચિત્ર મળવાને બદલે ગેરરસ્તે દોરાવાનો ભય પણ રહે છે.

14. કોલેજની પસંદગીનો નિર્ણય કોણ કરી શકે ?સાધારણ રીતે એવું મનાય છે કે આવા નિર્ણયો લેવા માટે વિદ્યાર્થી પરિપક્વ નથી હોતો અને તેથી માતા પિતા આ નિર્ણય લેતા હોય છે.. જો વાલીના નિર્ણયથી સંતાન ખુશ હોય અને એને એમનામાં શ્રદ્ધા હોય તો બરાબર છે પણ દરેકને પોતાની જિંદગી પોતાની રીતે ઘડવાની ઇચ્છા હોય છે. માટે આ નિર્ણય લેવાનો ખરો હક વિદ્યાર્થીનો જ છે. તેને યોગ્ય માહિતી એકઠી કરવામાં વાલીએ મદદ કરવી જોઇએ. પોતાના નિર્ણયો સંતાનોને માથે ઠોકી બેસાડવાને બદલે યોગ્ય માર્ગદર્શન આપી નિર્ણય લેવામાં મદદ કરવી જોઇએ.