અરુણ બાજુવાલા ખૂનકેસ !
(સત્ય ઘટના પર આધારિત)
મુંબઈના એક ઉપનગર ઉલ્લાસનગર સ્થિત મણીરા નામની વસ્તીમાં આવેલ અરવિંદ કૉલોની નજીક પાણીના એક મોટા ખાબોચિયામાં કોઈક માણસનો મૃતદેહ પડ્યો છે એ સમાચાર મળતાં જ ત્યાંના સિનિયર ઇન્સ્પેકટરે વિઠ્ઠલનગર પોલીસસ્ટેશને પોતાના ઉચ્ચ-અફસરોને ફોનથી જણાવી દીધા. ઉલ્લાસનગર વિઠ્ઠલનગર પોલીસ અંતર્ગત છે. સમાચાર આવ્યા બાદ ઇન્સ્પેક્ટર રામચંદ્ર પોતાના સહકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. ત્યાં એકઠી થયેલી લોકોની ભીડ પોલીસને જોતાં જ વિખેરાવા લાગી. રામચંદ્રે જોયું તો ખાબોચિયામાં પેટભેર એક માનવીનો મૃતદેહ પડ્યો હતો. પહેલી જ નજરે મરનાર મજબૂત બાંધાનો જણાતો હતો. મૃતદેહ સીધો કરવામાં આવ્યો. મરનારનું મોં ખુલ્લું ફટાક હતું અને તેમાંથી જીભ બહાર નીકળીને લટકતી હતી. ગળું દબાવીને મરનારનું ખૂન કરવામાં આવ્યું છે એ વાત તદ્દન સ્પષ્ટ હતી. મૃતદેહ પર શર્ટ અને લુંગી હતાં. શર્ટના બટન ઉઘાડા હતાં.
રામચંદ્ર અને તેના સહકારીઓએ ચારે તરફ દૂર દૂર સુધી તપાસ કરી, પણ ખૂની સુધી પહોંચી શકાય એવા કોઈ સગડ મળ્યા નહીં. મરનારે લુંગી પહેરી હોવાથી એ આસપાસ જ ક્યાંક રહેતો હશે એમ માનીને બનાવના સ્થળે એકઠા થયેલા લોકોને તેમણે પૂછપરછ કરી જોઈ, પરંતુ કોઈ જ મરનારને ઓળખતું નહોતું કે કોઈએ અગાઉ ક્યારેય એને જોયો નહોતો. રામચંદ્રે અનુમાન કર્યું કે તો પછી મરનાર માનવી કોઈક બીજા જ વિસ્તારમાં રહેતો હશે ને ખૂનીએ ખૂન કર્યા બાદ લાશને અહીં લાવીને ફેંકી દીધી હશે.
છેવટે પંચનામું થયું. પોલીસ-ફોટોગ્રાફરને બોલાવીને ઘટનાસ્થળ અને લાશના જુદા-જુદા એંગલથી ફોટા ખેંચાવ્યા.
ઘટનાસ્થળની કાર્યવાહી પૂરી થયા પછી પોલીસ બીજા કામે લાગી ગઈ. વિઠ્ઠલનગર પોલીસસ્ટેશનમાં અજાણ્યા ગુનેગારો વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની કલમ ૩૦૨ મુજબ ફરિયાદ દાખલ થઈ. ત્યાર બાદ ફોટા તૈયાર થતાં જ પોલીસની તપાસના ચક્રો ગતિમાન થઈ ગયાં. સૌથી પહેલાં તો મરનારની ઓળખ થવી ખૂબ જ જરૂરી હતી. એ કમનસીબ કોણ હતો એની ઓળખ ન મળે ત્યાં સુધી તપાસ આગળ વધી શકે તેમ નહોતી.
રામચંદ્રે ફોટાઓની નકલો સાથે પોતાના ચબરાક સહકારી કાટકર અને પાવલને સાઇકલ પર ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં તપાસ માટે મોકલ્યા. બંનેએ આસપાસની વસ્તીમાં ઘણાં માણસોને ફોટા બતાવ્યા પણ સૌએ તેને ઓળખવાનો ઇન્કાર કર્યો. આથી તપાસની ગતિ ધીમી પડી ગઈ. આજુબાજુનાં ગામોની પોલીસ-ચોકીઓમાં પણ ફોટા મોકલવામાં આવ્યા હતા, પરંતુ ફોટાવાળો શખ્સ ગુમ થયો છે એવી કોઈ જ ફરિયાદ એકેય પોલીસચોકી પર નહોતી આવી.
કોઈ જ પત્તો ન લાગવાથી છેવટે સરકારી ખર્ચે મરનારની અંતિમવિધિ કરવામાં આવી. પરંતુ મૃતદેહ પરથી મળેલા વસ્ત્રો ઓળખ માટે સલામત રાખવામાં આવ્યા હતા.
થોડા દિવસો પછી અચાનક જ ઇન્સ્પેક્ટર રામચંદ્રે મરનારનાં વસ્ત્રો તપાસ્યાં. શર્ટ પર ‘અશોક ટેઈલર’નું લેબલ જોઈને એની આંખોમાં આશાનું કિરણ ઝબકયું. એણે તપાસ શરૂ કરી દીધી. અશોક દગડુ સુરીદકર નામનો એક માણસ વિનસ ટોકિઝની પાછળ રહેતો હતો અને દરજીકામની એની પોતાની દુકાન હતી.
અશોકને બોલાવીને રામચંદ્રે પૂછપરછ શરૂ કરી:
‘તમારું નામ...?’
‘જ...જી...’ અશોકનો અવાજ કંપતો હતો. એ ગભરુ માણસ પોલીસના નામમાત્રથી થરથરતો હતો. પોતાને આમ અચાનક શા માટે બોલાવવામાં આવ્યો છે એની વિમાસણમાં તે અટવાયો હતો, ‘જી...મારું નામ અશોક સુરીદકર છે.’
એની ધ્રુજારી જોઈને અનુભવી રામચંદ્ર સમજી ગયો કે આ જાતની ધ્રુજારી ગુનેગારોની નહીં, પણ ગભરુ માનવીની હોય છે. એટલે તરત જ એના અવાજમાં કોમળતા આવી:
‘ડરવાની જરૂર નથી, અશોકભાઈ...! તમને માત્ર થોડી પૂછપરછ કરવા માટે જ બોલાવ્યા છે.’
‘પ... પૂછો સાહેબ...!’
‘તમારે ત્યાં જે કપડાં તમે સીવો એને ઓળખી શકો ખરા ?’
‘ચોક્કસ, સાહેબ...! મારે ત્યાં સિવાતા દરેક કપડામાં મારી દુકાનના નામનું લેબલ હોય છે.’ અશોકે ધબકતા હ્યદયે જવાબ આપ્યો, ‘પણ છે શું, સાહેબ...? મારાથી કોઈ ભૂલચૂક...’
‘અરે ના ભાઈ... એવું કંઈ જ નથી. વારુ, તમારાં સીવેલાં વસ્ત્રો જોઈને એ કોણે સિવડાવ્યા છે એ તમે કહી શકો ખરા ?’
‘હા, સાહેબ...! હું ગ્રાહકોને જે રસીદ આપું છું એની ડુપ્લિકેટ રસીદ પર નામ લખીને કાપડનો એક નાનો ટુકડો પણ પીન સાથે ભરાવી દઉં છું જેથી જે તે ગ્રાહકના વસ્ત્રો એકબીજા સાથે બદલાઈ ન જાય.’
‘વેરી ગુડ....તમારી કાળજી દાદ માગી લે એવી છે.’ ઇન્સ્પેક્ટર રામચંદ્રે એને પ્રોત્સાહિત કરતાં કહ્યું. ત્યાર બાદ અજાણ્યા મરનારનો શર્ટ અશોકને બતાવીને પૂછ્યું, ‘આ શર્ટ તમારી પાસે કોણે સિવડાવ્યો છે ?’
‘સાહેબ, એ માટે તો મારે દુકાને જઈને ડુપ્લિકેટ રસીદ બુક તપાસવી પડશે. આપ રજા આપો તો દુકાનેથી એ બધી બુકો લઈ આવું.’
‘સરસ... લઈ આવો.’ રામચંદ્રે એને જવાની રજા આપી દીધી.
અશોક સલામ કરીને બહાર નીકળી ગયો ને વીસ-પચીસ મિનિટમાં જ ડુપ્લિકેટ રસીદબુકો સાથે પાછો ફર્યો. રામચંદ્રની હાજરીમાં જ એ જલદી જલદી ડુપ્લિકેટ રસીદબુકના પાનાં ઉથલાવતો ગયો. લગભગ દરેક રસીદની કોપી પર કપડાનો એક નાનો ટુકડો જોડેલો હતો. પરંતુ થોડી રસીદો એવી પણ હતી કે જેના પર પીનિંગના ચિહ્નો તો હતાં, પણ કાપડનો ટુકડો કે પીન નહોતા. રસીદ પર પીનિંગ કર્યાના બારીક છિદ્રો સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.
‘સાહેબ...!’ અશોક હતાશ અવાજે બોલ્યો, ‘ઘણી વખત વારંવાર પાનાંઓ ફેરવતાં પીન ઢીલી થઈને નીકળી જાય છે તો એની સાથે કાપડનો નમુનો પણ આડોઅવળો થઈ જાય છે. ગ્રાહકોને ડિલિવરી આપી દીધા પછી એની ખાસ કોઈ જરૂર ન હોવાથી હું પણ બહુ ધ્યાન નથી આપતો. બધી બુકો મેં આપની સામે જ જોઈ લીધી છે, પણ...’એ ચૂપ થઈ ગયો.
રામચંદ્ર પણ એની મનોદશા સમજી ગયો. એણે અશોકને જવાની રજા આપી દીધી. આગળ વધવાનો આ માર્ગ પણ બંધ થઈ ગયો. રામચંદ્રની નિરાશાનો પાર ન રહ્યો. મરનારની ઓળખ ન મળે ત્યાં સુધી કેવી રીતે આગળ વધવું એની વિચારધારામાં તે અટવાઈ ગયો.
જોગાનુજોગ એ જ દિવસોમાં ઇન્સ્પેક્ટર રામચંદ્રની બદલી બીજા સ્થળે થઈ ગઈ.
*
તારીખ ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ ગદ્રે વિઠ્ઠલનગર પોલીસસ્ટેશનના ઈન્ચાર્જ તરીકે આવ્યા.
શ્રી ગદ્રે તીવ્ર બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતા એક માયાળુ ઓફિસર હતા. તેઓ અગાઉ પણ ઉલ્લાસનગરની ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂક્યા હોવાને કારણે એ વિસ્તારથી સારી રીતે પરિચિત હતા. મળતાવડા સ્વભાવના આ ઓફિસર હાથ નીચેના કર્મચારીઓ સાથે પણ મિત્ર તરીકે જ વર્તતા હતા. તેઓ ક્રાઈમ બ્રાંચમાં હતા ત્યારે તેમણે અનેક જટિલ કેસો ઉકેલીને જે તે કેસના ગુનેગારોને ઘટતા ફેજે પહોંચાડી દીધા હતા. પોલીસસ્ટેશનનો ચાર્જ સંભાળતા જ તેમણે પેન્ડિંગ કેસોની તપાસ શરૂ કરી દીધી. એમાં અરવિંદ કૉલોનીમાંથી મળેલ લાવારીસ લાશવાળા કેસની ફાઈલ હાથમાં આવી. ફાઈલના દરેક કાગળ-પત્રો, થઈ ચૂકેલી તપાસનો રિપોર્ટ વગેરે એમણે ખૂબ કાળજીથી વાંચ્યા. ત્યાર બાદ કાટકર અને પાવલને પણ પૂછપરછ કરી. પછી ઘટનાસ્થળનું ચક્કર પણ લગાવી આવ્યા. પાછા આવીને તેમણે ફરીથી ‘અશોક ટેઈલર્સ’ની તપાસનો તથા અગાઉના ઇન્સ્પેક્ટર રામચંદ્રનો રિપોર્ટ વાંચ્યો. લાશ મળ્યાને અઢી-ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હતો. અત્યાર સુધી કોઈ જ ક્લ્યૂ મળી નહોતી, તેમ છતાંય ગદ્રેએ આ જટિલ અને અટપટા કેસને ઉકેલવાનો દ્રઢ નિશ્ચય કર્યો. અશોક ટેઈલર અંગેનો રિપોર્ટ એમણે ફરી-ફરીને આઠ-દસ વખત વાંચ્યો.
ત્યાર બાદ આંખો બંધ કરીને તેઓ વિચારમાં ડૂબી ગયા. ચપરાસી ટેબલ પર કૉફીનો કપ મૂકી ગયો હતો એ પણ એકદમ ઠંડો પડી ગયો હતો.
અચાનક આંખો ઉઘાડીને એમણે એક સિપાહી મારફત અશોક સુરીદકરને પોલીસ ઓફિસમાં બોલાવ્યો. અશોક એમની સામે સલામ ભરીને ઊભો રહી ગયો. ગદ્રેએ એક વાર ખૂબ ધ્યાનથી એનો ચહેરો જોયો. પછી માનભેર આગ્રહ કરીને પોતાની સામે ખુરશી પર બેસાડ્યો. એને માટે ચા મંગાવી અને - ખૂબ જ મામૂલી પૂછપરછ માટે તેને બોલાવ્યો છે એટલે સહેજેય ગભરાવાની જરૂર નથી – એવું ભરપુર આશ્વાસન પણ આપ્યું. એમના વિવેકી વર્તનથી અશોક સુરીદકરનો ગભરાટ શમી ગયો. હવે તે એકદમ સ્વસ્થ હતો અને ઉત્સુકતાથી પૂછપરછ શરૂ થવાની રાહ જોતો હતો. અશોકે જ મરનારનો શર્ટ સીવ્યો હતો એટલે મરનારની ઓળખ માત્ર એની પાસેથી જ મળી શકે તેમ હતી.
‘શું હુકમ છે, સાહેબ...?’ છેવટે અશોકે પૂછ્યું.
‘હુકમ નથી, દોસ્ત...!’ ગદ્રેનો અવાજ આત્મીયતાથી ભરપુર હતો, ‘માત્ર તારો થોડો સહકાર જોઈએ છે.’ ત્યાર બાદ એમણે તેના બોલાવવાનું કારણ જણાવી દીધા પછી ઉમેર્યું, ‘તું તો સમજદાર છે... નિર્દોષ છે... એક સમજદાર નાગરિક તરીકે પોલીસને તારો સહકાર જરૂર મળશે એવી મને આશા છે.’
ગદ્રેની નમ્રતાથી અશોક પ્રભાવિત થઈ ગયો.
‘આપ ફરમાવો, સાહેબ...! હું મારાથી બનતો તમામ સહકાર આપવા તૈયાર છું. જોકે આપની પહેલાં પણ રામચંદ્ર નામના એક સાહેબ મને પૂછપરછ કરી ચૂક્યા છે. મેં મારી યાદદાસ્ત કસી જોઈ છે, પરંતુ એ શર્ટ જે માણસે સિવડાવ્યો હતો તે મને યાદ નથી આવતો. કમનસીબે ડુપ્લિકેટ રસીદ દ્વારા પણ કંઈ જાણવા નથી મળ્યું. આમાં હું કેવી રીતે આપને ઉપયોગી થઈશ એ નથી સમજાતું.’
‘એ હું તને સમજાવું છું, મારા દોસ્ત...!’ ગદ્રેના ચહેરા પર હળવું, મોહક સ્મિત ફરક્યું, ‘કાપડના નમુના વગર પણ શર્ટ સિવડાવનાર માણસ કોણ હતો એ જાણી શકાય તેમ છે. સવાલ ફક્ત તારા સહકારનો છે... તને થોડી મહેનત થશે....પણ એ અમારે માટે ઊગી નીકળશે. તને પણ શાબાશી મળશે. હવે મને એ કહે કે તું ગ્રાહકોનાં વસ્ત્રોનાં સાઈઝ, માપ, લંબાઈ-પહોળાઈ વગેરે બધી વિગતો ગ્રાહકોને આપવાની રસીદ પર લખે છે કે કેમ ?’
‘હા, સાહેબ...!’
‘ગુડ....’ ગદ્રેએ એના હાથમાં મરનારનો શર્ટ મુકતાં કહ્યું, ‘તું ચોક્કસ પોલીસને મદદરૂપ થઈ પડીશ એવી આશા હવે મને બંધાઈ છે.’
‘મારે શું કરવાનું છે એ મને સમજાવો, સાહેબ....!’
‘સાંભળ દોસ્ત... સૌથી પહેલાં શર્ટનું માપ લઈને એક કાગળ પર લખી નાખ. તું રસીદ પર જે રીતે, જે ક્રમથી, જેમ કે લંબાઈ, બાંય, કોલર, પહોળાઈ વગેરે લખે છે એ જ ક્રમ પ્રમાણે જાણે રસીદ જ બનાવતો હોય એ રીતે લખજે.’
અશોકે તરત જ ગજવામાંથી ટેપ કાઢીને ગદ્રેએ આપેલા કાગળ પર એમની સૂચના પ્રમાણે જ મરનારના શર્ટના માપ-સાઈઝ રસીદની જેમ જ ક્રમવાર લખી લીધાં અને પછી ગદ્રે સામે જોયું.
‘બરાબર છે...’ ગદ્રેએ કાગળ વાંચીને એના હાથમાં પાછો મુકતાં કહ્યું, ‘આ કાગળ તારી પાસે જ રાખ. હવે તારી ડુપ્લિકેટ રસીદ જોઈને આ જ માપ-સાઈઝના શર્ટ કયા કયા ને કેટલા ગ્રાહકોએ સિવડાવ્યા છે એનું એક તારીખવાર લિસ્ટ બનાવી આપ...અને હા, મરનારની લાશ ગઈ તારીખ ૧૧મી જાન્યુઆરીના રોજ મળી હતી એટલે દોસ્ત, તું જાન્યુઆરીથી પણ સાત-આઠ મહિના પહેલાંની રસીદો તપાસવાનું શરૂ કરજે. અંદાજે તને કહું તો મે, ૧૯૯૯ની રસીદબુકથી શરૂ કરજે. આ કામમાં તને ખૂબ તકલીફ પડશે એ હું સમજુ છું. પણ તારી મહેનત નિષ્ફળ નહીં જાય. મારી વાત બરાબર સમજી ગયો ને...? બીજું, આ કામ તું તારી દુકાને જ પૂરું કરજે. ચાલુ ધંધો બંધ કરી બધી રસીદબુકો અહીં લાવવી પડે ને તારી રોજીરોટી ખોરવાય એ મને નહીં ગમે.’
શ્રી ગદ્રેના માયાળુ વર્તનથી અશોક ગદગદ્ થઈ ગયો.
એ સલામ ભરીને ચાલ્યો ગયો. એ મનોમન યાદ પણ કરતો હતો. અગાઉના ઇન્સ્પેક્ટર રામચંદ્રે એને લાશનો ફોટો બતાવ્યો હતો. પણ, એને કેમેય કરીને એ ગ્રાહક યાદ નહોતો રહ્યો. દુકાને પહોંચીને એ ગદ્રેની સલાહ-સૂચના પ્રમાણે કામે વળગી ગયો. લગાતાર ત્રણ દિવસની મહેનત પછી લિસ્ટ સાથે તે પોલીસસ્ટેશને જઈને ગદ્રેને મળ્યો અને એમની સામે લિસ્ટ મૂકી દીધું. પછી કહ્યું, ‘સાહેબ, મેં મે, ૧૯૯૮થી અત્યાર સુધીના સમયમાં આ માપ-સાઈઝના કુલ દસ શર્ટ સીવ્યા છે અને એ સિવડાવનાર ગ્રાહકોનાં નામ-સરનામાં પણ લખી લીધા છે.’
‘ઘણું સરસ...’ ગદ્રેએ એના વખાણ કરતાં કહ્યું, ‘અશોક, સમજી લે કે તેં પોલીસનું પચાસ ટકા જેટલું કામ પૂરું કર્યું છે. હવે આ લિસ્ટને ધ્યાનથી વાંચીને યાદ કર કે આમાંથી કેટલા માણસોને તેં છેલ્લા બે મહિનામાં હરતાફરતા જોયા છે ?’
‘પાંચ-છ ગ્રાહકોને તો અવારનવાર જોયા છે.’ અશોકે યાદ કરીને સાત નામ પર ટીક કરી દીધી. પછી બોલ્યો, ‘બાકીના ત્રણ નામ મને યાદ નથી આવતાં સાહેબ !’
‘કંઈ વાંધો નહીં...! હવે આ બાકીના ત્રણ જણની ડુપ્લિકેટ રસીદ બતાવ તો...’
અશોકે સાથે લાવેલી રસીદબુકો ઉથલાવીને તેમાંથી ત્રણ રસીદો ગદ્રેના ટેબલ પર મૂકી દીધી. ગદ્રેએ ત્રણેય રસીદ જોઈ. એમની આંખો ચમકવા લાગી. ભાગ્ય જોર કરી ગયું. ત્રણ માંથી બે રસીદ પર કપડાના ટુકડાના નમુના જોડેલા હતા. પણ એ બંને ટુકડાના રંગ અને કાપડની ક્વોલિટી મરનારના શર્ટથી સાવ જુદા જ હતા.
‘અશોક, સાચે જ તે કાબિલેતારીફ કામ કર્યું છે. જે રસીદ પર કાપડના નમૂનાનો ટુકડો નથી એ શર્ટ ચોક્કસ મરનાર માણસનો જ છે ને આ રસીદ એની જ છે. રસીદ પર “અરુણ બાજુવાલા”નું નામ લખેલું છે, પરંતુ પૂરું સરનામું નથી લખ્યું. આ નામના કોઈ માણસને ઓળખે છે તું ?’
‘ઓળખું છું, સાહેબ...! અગાઉ એ મારી બાજુમાં જ અલંકાર એપાર્ટમેન્ટમાં રહેતો હતો, પરંતુ પાછળથી એ બીજે ક્યાંક રહેવા ચાલ્યો ગયો. ઘણાં લાંબા સમયથી મેં એને નથી જોયો.’
શ્રી ગદ્રેએ તરત જ સબ-ઇન્સ્પેક્ટર પાટિલને બોલાવીને બધી હકીકત જણાવ્યા બાદ કહ્યું, ‘અરવિંદ કૉલોની પાસેના ખાબોચિયામાંથી મળેલી લાશ અરુણ બાજુવાલાની જ છે એની મને પૂરી ખાતરી છે. તમે તાબડતોબ જઈને મેં જણાવેલા સ્થળે કાળજીથી તપાસ શરૂ કરી ડો.’
‘યસ સર...!’ કહીને પાટિલે રજા લીધી અને પોતાના સહકારીઓ સાથે અલંકાર એપાર્ટમેન્ટ પહોંચ્યા બાદ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે અરુણ ત્યાં અગાઉ રહેતો હતો એ વાત સાચી હતી, પણ પછી એ ક્યાં રહેવા ચાલ્યો ગયો એની કોઈને ખબર નહોતી. વધુ તપાસમાં જાણવા મળ્યું, કે એ પરિણીત હતો. એની પત્ની સુનિતા દૂબળી-પાતળી પણ ખૂબ જ મોહક, આકર્ષક અને સુંદર હતી. પરંતુ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ અને બોલાચાલી થતાં રહેતાં હતા. પાછળથી બંનેના સંબંધો પૂરા થઈ ગયા હતા ને સુનિતા હવે ખડેગામ વિસ્તારમાં શાંતિ મંદિર પાસે આવેલ ઉમેશ એપાર્ટમેન્ટમાં સ્ટીફન પવાર નામના એક માણસ સાથે રહે છે.
પાટિલે પોતાના સહકારીઓ સાથે ઉમેશ એપાર્ટમેન્ટમાં પહોંચીને સ્ટીફનના ઘેર તપાસ કરી તો સ્ટીફન તો ન મળ્યો, પણ અરુણની ભૂતપૂર્વ પત્ની સુનિતા સાથે એની મુલાકાત થઈ ગઈ.
પાટિલે લાશનો ફોટો બતાવતા જ એ એકદમ ચમકી ગયેલા અવાજે બોલી ઊઠી:
‘અરે...આ તો અરુણનો ફોટો છે. એને શું થયું છે સાહેબ ?’
‘તમે અરુણને છોડીને અહીં સ્ટીફન સાથે ક્યારથી રહો છો ?’ એના સવાલ પર ધ્યાન આપ્યા વગર પાટિલે પૂછ્યું.
‘પાંચ-છ મહિના થયા હશે, સાહેબ ! અરુણ જરાય સારો માણસ નહોતો. જંગલી હતો, જંગલી. એનું ચારિત્ર્ય એકદમ ખરાબ હતું. હું એને સીધે રસ્તે આવવાનું સમજાવતી તો ઊલટું એ મને જ ગાળો ભાંડતો હતો અને જુદા-જુદા બહાનાં કાઢીને મારઝૂડ કરતો હતો. બસ, એને મેં છોડી દીધો અને સ્ટીફન સાથે રહેવા ચાલી ગઈ. એ ઘણો સજ્જન છે.’
એનો પહેરવેશ, વાત કરવાની છટા અને રંગઢંગ જોઈને તે ચંચળ મનોવૃત્તિની છે એવું પાટિલને લાગ્યું. સ્ટીફનને તે અગાઉથી જ ઓળખતી હશે અને એને કારણે જ બંને પતિ-પત્ની વચ્ચે ટંટોફિસાદ થયા હશે.
અરુણ, સ્ટીફન સાથેના સંબંધમાં અંતરાયરૂપ થતાં કદાચ આ બંનેએ જ તેનું ખૂન કરી નાખ્યું હોય એ બનવાજોગ હતું.
‘સાંભળ સુનિતા...આડીઅવળી વાતો મૂકીને એ કહે કે અરુણનું ખૂન કોણે કર્યું ?’
‘મને શું ખબર, સાહેબ !’ સુનિતાએ સહેજ તોછડાઈથી જવાબ આપ્યો.
‘કાયદાના હાથ બહુ લાંબા છે. સ્ત્રીચરિત્ર છોડી દે...નહીં તો જેમ અમે લાશ શોધી કાઢી છે એમ ખૂનીને પણ શોધી કાઢીશું. અને પછી જો પુરવાર થશે કે આમાં તારો અથવા સ્ટીફનનો કે તમારા બંનેનો હાથ હતો તો જિંદગીભર જેલમાં સડવું પડશે.’
‘હું ખરેખર કંઈ નથી જાણતી, સાહેબ...’
‘સારું, મણીરામાં એ ક્યાં રહેતો હતો ?’
‘એ પણ હું નથી જાણતી. મને એટલી ખબર છે કે એના એક દોસ્ત ગણેશ કાંબલેએ તેને મણીરામાં પોતાના એક ઓળખીતાની મદદથી એને એક રૂમ ભાડે અપાવી દીધી હતી. એટલે જો તમે ગણેશને પૂછો તો સારું. તે વિઠ્ઠલનગર વિસ્તારમાં રીક્ષા ચલાવે છે.’
પાટિલ પાછો ફરીને વિઠ્ઠલનગરના રીક્ષાસ્ટેન્ડ પરથી ગણેશને શોધી અટકમાં લઈને પોલીસસ્ટેશને પહોંચી ગયો. ત્યાં કડકાઈથી પૂછપરછ થઈ તો ગણેશે ગભરાતા અવાજે કહ્યું, ‘સાહેબ, મણીરામાં બાલાજી નામનો એક માણસ મારો ઓળખીતો છે. બાલાજીની પત્ની એને છોડીને ક્યાંક ચાલી ગઈ છે. એ એકલો જ હોવાથી મારી ભલામણ થતાં એણે અરુણને એક રૂમ ભાડે આપ્યો હતો.’
‘અરુણના ખૂનના સમાચાર ચારે તરફ પુરજોશથી ફેલાઈ ગયા હતા, છતાં તું આ બાબતમાં ચૂપ કેમ રહ્યો ?’
‘સાહેબ, મને પોલીસનો ભય લાગ્યો કે નાહક જ અરુણના ખૂનમાં પોલીસ મને ફીટ કરી દેશે. બસ, આ સિવાય બીજું કોઈ કારણ નથી.’
*
ત્યાર બાદ પોલીસે ખાનગી રીતે તપાસ આદરી તો અરુણના ખૂનનો ભેદ છતો થઈ ગયો.
વાત એમ હતી કે બાલાજીના પડોશમાં જ કરસનદાસ નામનો એક માણસ પોતાની સુંદર પત્ની સાથે રહેતો હતો. સુનિતાના ચાલ્યા ગયા પછી અરુણ એકલો પડ્યો હતો એટલે તે કરસનદાસની રૂપાળી પત્નીના ફેરમાં પડી ગયો. આજુબાજુમાં રહેતાં હોવાને કારણે નિકટતા વધતાં બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા. પણ કરસનદાસને તેમના આ સંબંધોની ખબર પડી ગઈ.
પોલીસ કરસનદાસને પકડી લાવી. પહેલાં તો એણે અરુણના ખૂન વિશે “મને કંઈ ખબર નથી”ની રેકોર્ડ ચાલુ રાખી. પણ પછી પોલીસની લાલ આંખ સામે એને પોતાનો ગુનો કબૂલવો પડ્યો.
‘સાહેબ...! મારો ગુનો હું કબૂલ કરું છું.’ એણે કહ્યું, ‘પહેલાં તો મેં મારી પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમજી નહીં એટલે તમામ ઝઘડાનું મૂળ એવા અરુણ બાજુવાલાને જ મેં મારી નાખવાનું નક્કી કર્યું. મારી ઈજ્જત પર કોઈ હાથ ઉગામે એમાં મને મારું સ્વમાન ઘવાતું લાગ્યું. મારા કાને ઉડતી ઉડતી એવી વાત પણ આવી કે પીઠ પાછળ લોકો મને કાયર અને નામર્દ કહેતા હતા. એટલે ૧૦મી જાન્યુઆરી (૨૦૦૦)ની રાત્રે તક જોઈને મેં અરુણ બાજુવાલાને મારી નાખ્યો અને રાતના અંધારામાં ગુપચુપ એના મૃતદેહને અરવિંદ કૉલોની પાસેના ખાબોચિયામાં ફેંકી આવ્યો હતો. અરુણ જેવા નાલાયક અને નીચ માણસનું ખૂન કર્યાનો મને જરાય વસવસો નથી.’
*
આમ એક ચબરાક પોલીસ ઓફિસર(શ્રી ગદ્રે)ની કુશાગ્ર બુદ્ધિથી અરુણ બાજુવાલા ખૂન કેસ ઉકેલાઈ ગયો.
Feedback: facebook.com/Kanu Bhagdev