Jivan Ghatmad -3 in Gujarati Short Stories by Mruga books and stories PDF | જીવન ઘટમાળ ભાગ -૩

The Author
Featured Books
Categories
Share

જીવન ઘટમાળ ભાગ -૩

શબ્દાવકાશ પ્રસ્તુત

સમર્થીણી ગ્રુપ લિખિત.

જીવન ઘટમાળ

પ્રસ્તાવના: શબ્દાવકાશ ગ્રુપ, એક પછી એક સહિયારા સર્જન આપવામાં માહિર છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ૩૫ કે ૪૦ કે પછી ૪૦+ ઉમરની સ્ત્રીઓ થોડી શીથિલ થઇ જતી હોય છે. જીવનમાં ઉંમરના એવા પડાવે ઉભી હોય છે કે જ્યાં ક્યારેક એ એવું અનુભવતી હોય કે હું કશા કામની નથી .... પરંતુ જમાનો બદલાયો છે સ્ત્રી પોતાની ઓળખ ઉભી કરતી થઇ છે. અને એમાં પણ ઘરની જવાબદારીઓમાંથી પોતાના માટે સમય કાઢતા શીખી ગઈ છે.

અહી એવી પંદર ‘સમર્થીણી’ઓ એ સાથે મળીને એક સહિયારું સર્જન વાર્તાનું કર્યું છે,”જીવન ઘટમાળ”. જેમાં તમારી મારી આસપાસ બનતી ઘટના વણાયેલી છે. આશા છે આપ સૌને ગમશે .

આપ સૌએ અત્યાર સુધી જાહ્નવી અંતાણી, સ્પંદન પારેખ, સ્મિતા શાહ, સરલા સુતરિયા અને અનસુયા દેસાઈ,ના હફ્તાઓ વાંચ્યા. આ ગૃહિણીઓ જ છે, આ શિક્ષિત ગૃહિણીઓએ આવા સર્જનાત્મક કામ વાર્તા દ્વારા સમયનો સદુપયોગ કર્યો છે.

હવેના પાંચ હફ્તા શિલ્પા સોની, નીવારોઝીન રાજકુમાર, પૌરવી ત્રિવેદી, વાસંતી પરમાર અને રીના માણેકએ લખેલા છે. આપેલ સમય મર્યાદામાં આ દસે દસ ગૃહિણીઓ એ એક સરસ મજાની વાર્તા લખી નાખી.. આ છેલ્લા પાંચ હફ્તા હવે પછીની સમર્થીણીઓ


જીવન ઘટમાળ

હફતો-૧૧

રીટા ઠક્કર

ધુંધવાયેલી મૈત્રીએ નક્કી કરી લીધુ હતું , કે એકવાર રાજ સાથે ઝગડો ભલે થાય પણ તે પોતાના માતાપિતા વિરુધ્દ્ધ એકપણ નબળી વાત સાંભળશે નહી. મમ્મી-પપ્પા પર તે શા માટે આટલો અકળાય છે તેની ચર્ચા કરી જ લેવી કારણકે આવા અસંતોષભર્યા શબ્દો ઉચ્ચારી તેણે બળવો પોકાર્યો જ છે તો તેનો ફેંસલો પણ થવો જ જોઇએ.

ઘણું વિચાર્યા પછી વાત કરી લેવાના મક્કમ ઈરાદા સાથે મૈત્રી બેડરુમની બહાર આવી.પણ પડોશમા જ્યોતિબહેનનાં ઘરનાં દરવાજા અને બારીઓ ખુલ્લી જોતાં સહેજ નરમ પડી, વિચાર્યું બહારરુમમાં ચર્ચા થશે તો પતિ-પત્નીની વાતો બહારના લોકો પણ સાંભળી જશે અને વાતનુ વતેસર થઈ જશે એના કરતાં રાજ બેડરુમમાં આવે ત્યારે જ વાત કરું એમ વિચારી રસોડામાં કામે લાગી.

આ તરફ રાજ ત્રાંસી આંખે મૈત્રીના હાવભાવ પર કતરાતો હતો. ઝીણી આંખે જડબાં પીસીને તાકી રહેલા રાજને મૈત્રી વધુ સહન ના કરી શકી. મૈત્રીને તેનું દિલ જવાબ આપી રહ્યુ હતું કે તારો આ સમય ખરાબ છે, ચુપ રહીને આવી અઘરી ક્ષણોને પસાર થવા દે, પણ દિમાગે આ વાતે દિલનો સાથ ના આપ્યો અને મૈત્રીએ પોતાની વાત કહેવાની ચાલુ કરી.

‘રાજ, આપણે આ બધામાંથી બહાર નીકળી જવુ જોઈએ…’

મૈત્રીનું અડધું વાક્ય પણ પુરું ના થયુ ને રાજ એક્દમ ભડક્યો અને ગુસ્સામાં પ્રહાર કરી દીધો.

‘હું તો નીકળેલો જ છુ , જરુર છે માત્ર તારે નીકળવાની. જ્યાંસુધી તારા મા-બાપ આપણા સહજીવનથી દુર રહ્યા ત્યાં સુધી આપણી વચ્ચે બધું સરસ ચાલ્યુ, એમણે આવતાં જ શું કર્યુ તે તું જાણે ને તારો ભગવાન જાણે, પણ એમના કરેલાં આ કામની સજા મારી દીકરીને ભોગવવી પડશે એનુંય તને ભાન નથી.આ હકીકત સમજવાની જરુર માત્ર અને

માત્ર તારે છે.’

આમ ધુંધવાયેલા રાજે વગર વિચાર્યે સુતેલા સાપનો કરંડીયો ખોલી કાઢ્યો.

‘શું આ સમજવાની જરૂર ફક્ત મારે છે?’

‘મારે એકલીએ??’

મૈત્રીનો અવાજ સહેજ ધ્રુજ્યો પણ તેણે હિંમત એકઠી કરીને કહી દીધુ.

મૈત્રી નજર ઉઠાવીને બોલી પણ તેનું વાક્ય પુરુ થાય એ પહેલા રાજની આંખો ફરી ગઈ અને એમાં નફરત ઉભરાઈ આવી.તેની છાતી તરફ વધી રહેલા મૈત્રીના હાથને ગુસ્સામાં જોરથી દબાવીને પરત ધક્કો મારી દીધો.

મૈત્રીના ગળામાંથી ચીસ ના નીકળી શકી પણ બંધ આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી.

મૈત્રીને પાગલપણાંની હદે પ્રેમ કરનાર રાજમાં આજે ક્યાંકથી ખુબ હિંમત આવી ગઈ હતી જેના લીધે મૈત્રીના આંસુની ધાર જોઈ મોટેથી હસ્યો અને બોલ્યો.

‘વેરી ગુડ’

રાજના અવાજમા ભારોભાર નરફત વણાઈ રહી હતી.

‘ચાણ્કયએ કહ્યુ છે કે મુરખાંઓ ખુબ સાહસિક હોય છે, તેઓ પરિણામ ની ચિંતા જ નથી કરતાં.

એ આજે જોઈ પણ લીધુ.આપણા સંબધોની અને આપણા પરિણામની જો તે સહેજ પણ ચિંતા કરી હોત તો એ પૈસાના પુજારીને આપણા જીવનમાં તે સ્થાન ના આપ્યુ હોત્.’

મૈત્રી ધ્રુજવા લાગી,

રાજને આવા વિકૃત ગુસ્સામાં તેણે પહેલા ક્યારેય જોયો ના હતો.તેના હોઠ થરથર કાંપતા હતાં.

‘મને વધુ બોલવા મજબુર ના કર રાજ..’

મૈત્રીએ બોલવાની કોશિશ કરી પણ તેના શબ્દોમાથી પ્રાણ હણાઈ ગયો હતો.તે જમીન પર ફસડાઈ પડી.રાજના શબ્દો તેના કાનમાં વાગી રહ્યા હતાં , બેઉ ઉગ્ર વાતોમા પરી રડી રહી છે તે પણ સાંભળી શક્તા ન હતાં.

દૂર બારીમાંથી જોઈ રહેલા જ્યોતિબહેન પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં. તેમણે આંખ મીંચી ભગવાનને પ્રાર્થના કરી કે રાજ મૈત્રી સાથે સમજદારીથી વર્તે તો સારું.

થોડીક ક્ષણ પતિ-પત્ની વચ્ચે મૌન ઘુમરાતું રહ્યુ.રાજ એકીટસે મૈત્રીની સામે જોઈ રહ્યો. તેને પોતાની અંદર કશુંક પીગળતું લાગ્યું. કદાચ એ મૈત્રીને ખોઈ બેઠો એ વિચારે એને ધ્રુજાવી નાખ્યો.

પણ..

આજે તે પોતાની સમજની બહાર હ્તો, પોતાની ભુલનો સ્વીકાર કરવો તેને કોઈએ ક્યારેય શીખ્વ્યુ જ નહોતું, આજે આટલી ગંભીર ભુલ થઈ ગઈ પણ તેનો સ્વીકાર કરવામાં હજુ તેને સંકોચ થતો હતો, કદાચ તે હવે બેકાબુ બની ગયો હતો.

ક્યારનીય ચુપ રહેલી મૈત્રીએ મૌન તોડતાં કહ્યું.

.

‘રાજ, આને આપણે ઈશ્વરની નોટીસ સમજવી જોઈએ…’

રાજ વાક્યનાં મધ્યમાં જ ઘુરક્યો..તેનામાં હતી એટલી તાકાતથી બરાડ્યો.

‘શટ અપ એન્ડ ગેટ લોસ્ટ્’

મૈત્રી ધ્રુજી ગઈ અને એક ભયાનક ડરથી ગભરાઈ ગઈ, કયાંક વિનાશ નજીક તો નથી આ ઘરનો??

રાતદિવસ આ ભયાનક ઘટનાના રીપ્લેમાં જીવતી મૈત્રી પરીના જાગી જવાનાં અવાજથી ફ્લેશબેકમાંથી બહાર આવી.જીવનની આ ઘાટમાળમાં ગોથાં ખાતી મૈત્રી પરીને ફરી

સુવાડવાની કોશિશ કરતાં પાછી વિચારોના વમળમાં ફસાઈ…!!

સાલુ આ સુખ કેમ એકલું નહી આવતુ હોય? સુખની સાથે દુઃખ તેની જોડવા બહેનની જેમ વગર બોલાવ્યે જ ઘરમા ઘુસી જતુ હોય છે.દુઃખ તો વફાદાર સાથી છે, મને ખબર છે એ મને ક્યારેય છોડીને નહી જાય….રાજની જેમ…

સુખ તો સાલુ બેવફા છે રાજની જેમ..રાજ ચાલી ગયો એમ્ …

રાજ નથી આ બેડરુમમા…

આ ઘરમા…!

આજે દસ દિવસ અને દસ રાત થઈ ગયા એ વાત વીતી ગયાને,

આ વાસ્ત્વિક્તા છે કે કોઈ ખરાબ સપનુ? રાજ મને ત્યજીને, આ ઘર છોડીને જતો રહે એવુ બને ખરુ?

અને એ જતો રહ્યો છે…ખરેખર ગયો.

ક્યાંથી અને કેવી રીતે આવી ગઈ આ પળ અમારી જિન્દગીમાં?

ક્યાંથી અને કેવી રીતે આવી ગઈ આટલી નફરત રાજના દિલમાં?

પતિપત્ની વચ્ચે ગમે તેટલા મતભેદ હોય તો પણ સહજીવનની મર્યાદા ઓળ્ંગી જવાનો કોઈને હક્ક નથી. સમજદારીના એ વર્તુળમાંથીમે બહાર કેમ આવી ગયા?

માન્યામાં નથી આવતુ રાજ જેવો સમજદાર માણસ…જિન્દગીના આ મુકામે આવુ પગલું ભરે?

માન્યામાં નથી આવતુ કે રાજ ઘરમાં નથી…!

માન્યામાં નથી આવતું પણ એક વાત શીખી છું, કશું જ સનાતન નથી….માણસો-સંબધ-સત્ય….સમય સાથે જમીનનાં નક્શા પણ બદલાઈ જાય તો રાજની શી વિસાત્?

— રીટા ઠક્કર

જીવન ઘટમાળ

હફતો-૧૨

કેતકી મુનશી

——સત્ય!! કયું સત્ય!! સંબંધોનું આટલું વરવું સત્ય!!! જ્યોતિબ્હેનનું હ્નદય ચિત્કાર કરી ઉઠ્યું.આ એજ બન્ને કે જેમને સંસારનો હુંફાળો માળો બનાવતા જોયા હતાં.જ્યોતિબ્હેનની આંખ જ નહીં,આખુંય અસ્તિત્વ રડતું હતું.એમણે રાજને ઘરની બહાર નીકળતો જોયો.રાજને સમજાવવા એમના પગ બારણા તરફ ફર્યા. ત્યાં જ પ્રકાશભાઈ બોલ્યા,”જ્યોતિ! ના અત્યારે ન જવાય”.તેમણે હાથમાં હાથ લઈ જ્યોતિબ્હેનને રડવા દીધા.

‘ઘર’ ખાલી થયા પછી જ્યોતિબ્હેન જમવાનું લઈ મૈત્રી પાસે ગયા.મૈત્રી અવાક્ બની પરી પાસે બેઠી હતી.પરી હાથપગ ઉછાળતી હસતી હતી, જાણે વિધાતાના કૃપાકટાક્ષને ઓળખી ના ગઈ હોય!

——આજે એ વાતને દસ દિવસ વિત્યા,ના તો રાજ આવ્યો કે ના તેની ખબર! બધે ખબર કઢાવી પણ કોઈ જવાબ નહીં.પુરુષને કઈ વાત ગમતી નથી, એ વ્યક્ત નથી કરી શકતા.પૌરુષત્વનું અહંમાં માલિકત્વની ભાવના દેખા દેવા લાગે એટલે લગ્જીવનના પાયા ડગમગવા લાગે. સહજીવન એટલે એકબીજાને સંપુર્ણતાથી સ્વીકારવાની સમજણનું વિસ્તરણ.જ્યોતિબ્હેન હિંચકે બેસી વિચારતા હતાં.

પ્રકાશભાઈ સાંજે ઓફિસથી ઘેર આવ્યા. દૂરથી જ એમણે જોયું કે; જ્યોતિબેન હિંચકા પર શૂન્યમનસ્ક બેઠા હતાં. હિંચકાના આર્વતન પરથી તેમની મનઃસ્થિતિનો પ્રકાશભાઈને ખ્યાલ આવી ગયો. પ્રકાશભાઈએ ખોંખારો ખાધો. જ્યોતિબ્હેન સફાળા વર્તમાનમાં આવ્યા. જ્યોતિબ્હેન ચા બનાવીને બહાર આવ્યા. જ્યોતિબ્હેનના વદન પર દુઃખમિશ્રિત સ્મિત જોયું.

પ્રકાશભાઈને વિચાર આવ્યો, સ્ત્રીઓ આટલી લાગણીશીલ શા માટે હોય છે? એ પારકાની સાથે પોતાની જાતને આટલી સરળતાથી કેવી રીતે જોડી શકતી હશે? ભગવાને જરૂર કોઈ મોટી કરામત સ્ત્રીના હ્વદય સાથે કરી છે. બીજી બાજુ સુશીલાબ્હેન જેવી સ્ત્રીઓ સાસુના સગપણ નિભાવતા એટલી જ ક્રુર કેવી રીતે થઈ શકતી હશે? પૌત્રીના અવતરણને કેવી રીતે નકારી શકતી હશે? હે, ઈશ્વર તારી પાસે એવી કઈ કરામત છે કે;એક જ હ્વદયમાં બે ભિન્ન આયામોની લાગણી મૂકી છે?

સ્ત્રીઓનું હ્વદય ત્રણ આયામમાં કામ કરે છે. એમા ક્યારેક નિસ્વાર્થતા અને સાક્ષીભાવના સમ્નવયથી ઉત્તપન્ન થતો કરૂણાભાવ

જેવો ચોથો આયામ પણ કૃષ્ણ, બુધ્ધ,ઈસુની જેમ ઝળકી આવે છે.

મૈત્રી ઉપરથી શાંત હતી પણ પોતે છેતરાઈ ગઈ એવું સતત લાગ્યા કરતું. આમ પણ સ્ત્રીઓ પોતાના વિચારોની અભિવ્યક્તિને છુપાવવાનું સારુ સામર્થ્ય ધરાવે છે. શ્રીફળની જેમ અંદર આંસુના દરિયાને છુપાવી ઉન્નત મસ્તક રાખી ચાલવાની શક્તિ ધરાવે છે.

…સવારે ચ્હા પીતા પ્રકાશભાઈએ જ્યોતિબ્હેન સાથે મૈત્રી-રાજની વાત કાઢી કહ્યું, “એક હિતચિંતક તથા પડોશી તરીકે મૈત્રી-રાજના સુખમય ભવિષ્યનો આપણે વિચાર કરવો જોઈએ. એમની વચ્ચે અપરિપક્વતાને કારણે ઉભી થયેલી ગેરસમજ દુર કરવાની જરૂર છે. તું મીનાબ્હેનને વાત કરી જોજે. આવા સંજોગોમાં આપણી ફરજ પ્રમાણે તારે મૈત્રીના મમ્મી સુધી આ વાત પહોંચાડવી જોઈએ.”

જ્યોતિબ્હેનને વાત યોગ્ય લાગી. પ્રકાશભાઈ તથા બાળકોનાં ગયા પછી,મીનાબ્હેનને ફોન કરી એમનો સમય માગ્યો. બપોરે મીનાબ્હેનને ઘરે જઈ મૈત્રી-રાજ વચ્ચે થયેલ ગેરસમજની વાત કરી.

મીનાબ્હેન ઠરેલ હતા. મીનાબ્હેન બોલ્યા,”રાજ ગુસ્સે થયો ત્યાં સુધી ઠીક છે,પણ ઘર છોડવા જેવું અંતિમ પગલું યોગ્ય નથી. એકબીજા સાથે વાત કરવાનું બંધ કરતાની સાથે સુલેહના બધા દરવાજા બંધ થાય છે. કોઈપણ સમસ્યાનો પરસ્પર વાત કરી શાંતિથી નિવારણ કરી શકાય. મને તો રાજ સમજુ લાગ્યો હતો. ” ….

જ્યોતિબ્હેને સંમતિ દર્શાવી બોલ્યા, “રાજ સમજુ જ છે.” મીનાબ્હેન આગળ બોલ્યાં,”પ્રેમમાં પડવું સરળ છે,પરંતુ આર્થિક સામાજીક, વૈચારિક સમાનતા ના હોય ત્યાં સહજીવન ટકાવી રાખવા એક પાત્ર પાસે પરિપક્વતા હોવી જરૂરી છે.મૈત્રી લાડમાં ઉછરેલી છે, સુશીલાબ્હેન તરફથી તિરસ્કાર અને અપમાનનો અનુભવ એને માટે આઘાત સમાન હતો. મારી રીતે મેં સમજાવી હતી. હવે અમે બંન્ને સમજાવીશું .તમારો ખૂબ આભાર.” આમ બોલી એ રડી પડ્યાં.

મીનાબ્હેને ઉજ્જવલભાઈને મૈત્રી-રાજના તુટતા સંબંધની વાત કરી.ઉજ્જવલભાઈ ચિંતિત થઈ ગયા.તેમણે મીનાબ્હેનને કહ્યું,”તું જા એ એકલી મૂંઝાતી હશે. દીકરી માઁની પાસે હ્રદય ખોલીને વાત કરી શકે.”

એરાત્રે મીનાબ્હેન મૈત્રી પાસે રહેવાનું કરીને ગયાં. મૈત્રી એમને જોઈ રડી પડી.મીનાબ્હેન પરીને રમાડવા લાગ્યાં.થોડા સમય પછી રાજના સમાચાર પુછ્યાં. મૈત્રીએ ધીરેધીરે રાજના બદલાયેલા વર્તનની વાત કરી. મૈત્રીએ કહ્યું,”બધુ જ સહન કર્યુ પણ તમારા માટે બોલે એ યોગ્ય ન લાગ્યું ,અને હું ગુસ્સે થઈ.”

મૈત્રી અત્યારે પણ ગુસ્સામાં બોલતી હતી.મીનાબ્હેને શાંત પાડતા કહ્યું,”જો એને પિતા નથી, માઁ તથા બ્હેનની જવાબદારી એની છે, માટે ગુસ્સામાં બોલી ગયો હશે. તારે શાંતિ રાખી એને અનુકૂળ થઈ રહેવું જોઈએ.” ઊંડો શ્વાસ લઈ બોલ્યા,”એકને ગુસ્સો આવે ત્યારેબીજાએ શાંત રહેવું. મૈત્રીએ જવાબ આપ્યો ,”એને હું તમારી સાથે સંબંધ રાખું તે પસંદ નથી,એમ તો ના હોય ને!? રાજ કહે છે,હું પૈસાને કારણે તમારી સાથે સંબંધ રાખું છું.મેં ઘણું સમજાવવાના પ્રયત્નો કર્યા, એને કોઈએ પોતાની ભૂલ સ્વીકારતા શીખવાડ્યું જ નથી.મમ્મા એના ગુસ્સો હરિકેન વાવાઝોડાની જેમ ત્રાટક્યો, બધું બાળીને ભસ્મ કરી દીધું . મમ્મા, હું એની આર્થિક તથા સામાજીક દરિદ્રતાથી પરિચિત હતી,પણ હ્રદયની દરિદ્રતાનો સાક્ષાત્કાર કર્યો.”

“મૈત્રી,સહજીવનની શરુઆતનાં વર્ષોં આવા જ હોય.”

મીનાબ્હેને સમજાવતા કહ્યું”. “ના મમ્મા, તમારા વચ્ચે વૈચારિકભેદ જરૂર હશે, પણ પપ્પા આવું તો ન જ કરે.” મૈત્રી બોલી.

મીનાબ્હેન ચર્ચા ટાળવાનો પ્રયત્ન કરતા મૈત્રીને સમજાવતા બોલ્યાં; “જીવન રંગમંચ છે, જ્યાં જુદાજુદા કિરદાર નિભાવતા રહેવાનું છે. દરેક રોલને દિલ દઈને પ્રેમથી સ્વીકારીને નિભાવવો એ જ સ્ત્રીની સર્મથતા બતાવે છે. ભૂતકાળ ભુલવા હોય છે. પણ આજે એ ફેંકી દીધેલાં પાનાં તારી ભલાઈ માટે ખોલું છું.મારા સાસુ ખુબ જૂનવાણી હતાં. તારા જન્મ પછી મને ઘરમાંથી કાઢી મુકી હતી.મારા દાદીનાં ડાહપણને કારણે એમની સલાહો પ્રમાણે જીવવાથી હું અહીં તને સલાહ આપવા યોગ્ય બની છું”.

મારા દાદી કવિતાથી બધું સમજાવતાં,

“વડીલવૃધ્ધની ચાકરી કરી,

“પ્રભુતણી પ્રિતિ પામજે ખરી.”

મીનાબ્હેનના ગયા પછી મૈત્રી ગહન વિચારે ચઢી ગઈ.

“કાચનાં અસ્તિત્વ પર પ્રશ્ચ્નાર્થ લાગી જાય છે,

“હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે.”

— કેતકી મુનશી

જીવન ઘટમાળ

હફતો ૧૩

અર્ચના પટેલ

બધું જ આજે વિચારવા બેસેલી મૈત્રીને એક મજાક સમું લાગતું હતું જે એ સમયે કેટલું કારમું લાગેલું અને આજે જાણે કે, એક ખરાબ સ્વપ્ન આવ્યું હતું અને બસ ઊઠ્યાં અને બધું જ સરસ….

ફરી એક ફોનની રીંગ વાગી અને ઉપાડે તે પહેલાંતો પૂરી થઈ ગઈ અને એ ફોનની રીંગે ફરી એને એકવાર ભૂતકાળમાં મોકલી દીધી…

ફ્લેશબેક : મૈત્રી વિચારો કરતી બેઠી હતી અને ત્યાંજ ફોનની રીંગ વાગી, તે પોતાની તંદ્રામાંથી જાગી, ક્યાંક રાજનો ફોન હશે ? એવી ખુશી તો વળી ક્યાંક એને કંઈ થઈ તો નહીં ગયું હોયની ખોટી અટકળ એમ વિચારોની અવઢવમાં એણે ફોન ઉપાડ્યો..

મૈત્રી : હ…. હલ્લો… અને સામેછેડે એના સાસુ સુશીલાબેનનો અવાજ સાંભળી નવાઈ અને રાજ વિશે શું કહીશની મૂંઝવણ સાથે તે બસ એટલું જ કહી શકે છે કે સારુ થયું તમારો ફોન આવ્યો.. હું બસ તમને જ ફોન કરવાનું વિચારતી હતી….

સુશીલાબહેન : હા હા બોલ.. મૂંઝાયા વગર બોલ.. આજે રાજનો કોઈ સહકર્મચારી મને મળ્યો હતો અને કહેતો હતો કે ઓફિસ પણ એ છેલ્લાં દસેક દિવસથી આવ્યો નથી વાત શું છે ? તબિયત તો સારી છેને મારા દિકરાની ?

મૈત્રી : મૌન…..

સુશીલાબહેન : હવે મારા દિકરાને તેં તારો કરી જ લીધો છે પણ હું એની મા છું એટલું ગણીને પણ જરા કહે તો ખરી કે થયું છે શું ?

મૈત્રી : હું ય એ જ જાણવામાંગુ છું મા… અનાયાસે જ એના મોઢામાંથી પોતાની સાસુ માટે શબ્દ સર્યો … મા… અને બસ પછી એ ફોનમાંજ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી.

સુશીલાબહેન : અરે પણ થયું છે શુંએમ કંઈ ફોડ પણ પાડીશ કે પછી મને પણ રડાવીશ હેં ?

મૈત્રી : મા… મારા માતાપિતા માટે રાજ બસ એમ જ બોલી ગયેલો.. હું પણ સહન નહોતી કરી શકી અને એની સામુ થઈ ગઈ.. મને ખૂબ પ્રેમ કરતો રાજ એ દિવસે સાવ અલગ જ હતો અને બસ તે ઘડી ને આજનો દિવસ… હજુ સુધી એ ઘરે પાછો ફર્યો નથી ન કોઈ સમાચાર…હવે તમો જ કહો હું શું કહું ?

સુશીલાબહેન : દિકરા નો ક્યાંય અતોપતો નથી એ બાબતની હૃદયપર ખૂબ ઊંડી ચોટ હોવા છતાં પણ સ્વસ્થતા કેળવીને બસ એટલું જ બોલ્યા કે વહુ ફોન મૂકો… હું કાલે સવારે વહેલી જ બસ પકડી ઘરે પહોંચી સમજ…

ફોન પૂરો થતાંજ બહાર બેઠેલી તેની મા અને બાજુવાળા જ્યોતિબહેન એકસાથે જ અંદર આવી પહોંચેલા અને જ્યોતિબહેને ખૂબ ભાવપૂર્ણ પૂછેલું… મૈત્રી શું થયું બેટા ? ફોનની રીંગો વાગી અને તારી વાત પણ જરા લાંબી ચાલી એટલે બહારથી મને લાગ્યુ કે રાજનો ફોન હતો શું ?

અને મૈત્રીએ બીજા દિવસે એનાં સાસુ સુશીલાબહેન આવવાના છે તે વાત કરેલ…એ શું પૂછશે અને મૈત્રી શું જવાબ આપશે એની અવઢવમાં એણે પોતાના મમ્મી ને રોકાઈ જવા જણાવેલું… આખા દિવસની રાજ વગરની બેચેની અને બીજાદિવસની દ્વિધામાં એને રાત્રે ક્યાં ઊંઘ આવી ગઈ તે પણ ખ્યાલ ન રહ્યો અને જ્યોતિબહેને આવી પરીને પણ સૂવડાવી તેમજ મૈત્રીની માતાને પણ સૂઈ જવા કહી પછી છેક રાત્રે મોડા પોતાનાં ઘરે ગયા… અને બીજા દિવસે સવારે હજુ તો સાડાનવ થયા ત્યાંતો સુશીલાબહેન આવી પહોંચેલા….પરીના આવ્યા પછીની દરેક દૂરતા સાવ મટી ગઈ હોય અને મૈત્રી જાણે એમની જ દિકરી હોય એમ પૂછેલું…… મૈત્રી બેટા શું થયું ? તું સ્હેજ પણ ચિંતા ન કરીશ હું હવે હું આવી ગઈ છું ને સઘળું સારુવાનું થઈને રહેશે એમ કહી હૈયાધારણ આપવા પ્રયાસ કરેલો.. એ વખતે બંને વેવાણ પણ પહેલી વાર જ સામસામે મળ્યા અને જાણે ઘણી જૂની બહેનપણીઓ હોય તેમ એકબીજાને જય શ્રીકૃષ્ણ કર્યા, મૈત્રી બસ એમને જોતી જ રહી ગયેલી આ એજ સુશીલાબહેન છે જે હજુ થોડા વખત પહેલાંજ દિકરીનાં જન્મથી નારાજ થઈને પગથિયું ઉતરી ગયા હતા ? કે પછી પોતાનાં દિકરાની ચિંતામાં બદલાયેલું ક્ષણિકવર્તન માત્ર હશે એમનું આ ? પણ સાસુ છે, માતુલ્ય જ ગણાય એ મનમાં રાખી એમને પગે લાગી હતી અને એજ ક્ષણે સુશીલાબહેને કલ્પાંત કરતા કહેલ કે મેં દિકરી અને દિકરામાં ભેદ કર્યો તને સમજી ન શકી પણ આજે રાજના સમાચારે મને સાવ જાણેકે પીગળાવી દીધી છે એક માની વેદના હું સમજી શકું છું વહુ બેટા, મને માફ નહીં કરે અને બસ આટલું બોલતાં બોલતાં એને ઊભી કરી હૃદયસરસી ચાંપી દે છે. અને એને હિંમત આપતા કહેલ કે હવે કોઈએ ચિંતા કરવાની નથી… એ રિસાઈ ને ગયો છે તો હું ય એની મા છું બધા ભેગામળીને આપણે એને શોધીશું.

જ્યોતિબહેન અને મીનાબહેન પણ ત્યાં સર્વ વાતનાં મૂક સાક્ષી બનીને ઊભા રહ્યાં હતાં અને પ્રેમથી સાસુવહુનાં મિલનને જોઈ રહેલાં , અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરેલ કે બસ આવી જ રીતે આખા પરિવારને ફરી એક બનાવી દે…

— અર્ચના ભટ્ટ, પટેલ

જીવન ઘટમાળ

હફતો ૧૪

લતા કાનુગા

સુશીલાબેનના આવવાથી મૈત્રી થોડી હળવી થઈ.

આમ તો મૈત્રી શાંત અને મળતાવડા સ્વભાવની હતી.

પણ એક તો પ્રેગનન્ટ હતી તોએ એના પતિ રાજ સિવાય ઘરનું કહી શકાય એવું કોઇ ધ્યાન રાખનાર ન હતુ. એ તો પાડોશી રૂપે જયોતીબેન મળ્યા હતાં તો સારું હતું. તેઓ મૈત્રીનું ખુબ ધ્યાન રાખતાં.

મૈત્રી અંદરથી હિજરાતી પણ કોઇ ને કઈ કહી શકતી નહી.

એમાં પરીના આવ્યા પછી સુવાવડમાં તે કુટુંબથી એકલી પડી ગઈ છે એવુ ફીલ કરતી. તેણે એના પપ્પાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યાં હતાં એટલે પિયર પણ ન જઈ શકી.

ને એમાં ને એમાં એ ચીડચીડી થઈ ગઈ. હોર્મોન્સ ચેન્જની અસરને લીધે સ્વભાવ સ્વિંગ થતાં વાર ન લાગતી. એમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઇ જતો .

જો કે રાજ સમજદાર હતો એટલે વાત વણસી જાય એ પહેલાં પરીના બહાને બંને એક થઈ જતાં. તો પણ કોઈક વાર એવું બનતું કે રાજને પુરુષ સહજ અહમ આડો આવે ને બંને વચ્ચે ટસર થઈ જાય.

ઘરમાં વડીલ કોઈ હતું નહીં કે વચ્ચે પડી રોકે. એ તો જ્યોતિબેન મોકો મળે મૈત્રીને સમજાવતા રહેતા.

એમાં રાજના મમ્મી મૈત્રીને દીકરી આવી એના કારણે મહેણા મારી ગયા. ને એમને ત્યાં બાળકને લઈને આવવાનું આમંત્રણ આપી ગયા. ત્યાંથી પણ મહેણા સાંભળીને આવી. એની અસર એના મન પર વધારે થઇ. મૈત્રી સુનમુન રહેવા લાગી.

એવામાં મૈત્રીના મમ્મીને દીકરીને ત્યાં દીકરી આવ્યાના સમાચાર મળ્યાં એટલે બધું ભૂલી ઢીંગલીને રમાડવા આવ્યા. સાથે સારો એવો વહેવાર કરી ગયા. એટલે મૈત્રી બંને માની મનમાં ને મનમાં સરખામણી કરી બેઠી. ને રાજ સાથે ઝઘડો કરી બેઠી.

રાજને આમેય એના સાસુ આટલો બધો વહેવાર કરી ગયાં એ ઓછું ગમ્યું હતું. એના અહમને ઠેસ પહોંચી. એમાં વાત વણસી.

પણ એ તો સારું થયું સુશીલાબેન આવી ગયા. ને મૈત્રી અને પરીને દિલથી સ્વિકારી.

એમનો સ્નેહ મૈત્રીએ અનુભવ્યો. એણે પણ એમને દિલથી મા તરીકે સ્વીકારી લીધા.

સુશીલાબેન પરીને પોતાના પડખામાં લઈ ખુબ વહાલ કરવા લાગ્યા. એમણે મૈત્રી અને જ્યોતિબેન પાસેથી ચર્ચા કરી બધી હકીકત જાણી લીધી.

સુશીલાબેન ભલે ગામડાના હતાં પણ ત્યાં પાંચમાં પુછાતાં હતાં. ગામની સ્ત્રીઓ પોતાની મુશ્કેલીઓનું નિરાકરણ કરવા એમની પાસે આવતી. આ તો દીકરાને ત્યાં પહેલો કુળદિપક જન્મે એ મનની ઈચ્છાના પરિણામ સ્વરૂપ રાજ અને મૈત્રીને પહેલા ખોળે દીકરી આવી એમાં અકળામણ કાઢી. જુવાનીમાં વિધવા થયેલાં ને એકલે હાથે ત્રણ બાળકોને ઉછેરી મોટાં કરેલા. એ તો સારું હતું કે નાનું એવું ખેતર ને ઘર હતું. તેથી થોડી રાહત હતી. ને પોતે સિવણકામ જાણતા, એટલે ગામમાંથી જે કામ મળે તે કરતા. આમ થોડીઘણી ખેતીની આવક અને થોડી પોતાની મહેનતની આવકથી છોકરા મોટાં કર્યાં.

થોડાં આકરાં સ્વભાવના ખરા પણ ગામમાં મહેનતુ મહિલાની એમની છાપ. મૈત્રી રાજ એમને ત્યાંથી દુ:ખી થઈને ગયા પછી એમને પણ અંદરોઅંદર પસ્તાવો તો થતો જ હતો.. ત્યાં રાજ ઓફિસ નથી જતો એમ ખબર પડી. એટલે એમનાથી રહેવાયું નહિ. આખરે તો માનો જીવ ને!

સુશીલાબેન, જ્યોતિબેન અને મૈત્રી, રાજને કયાં શોધવો એની ચર્ચાંએ વળ્યાં.

જ્યોતિબેન કહે,”આપણે પોલિસમાં નોંધાવીએ તો કેવુ?”

સુશીલાબેન કહે,”ના, પોલિસ કામ કંઈ કરશે નહીં ને ઉપરથી ઉંધાચત્તા સવાલો કરી વધારે હેરાન કરશે.”

મૈત્રી કહે,”મા તમારી વાત સાચી છે. એટલે જ પોતાની રીતે અત્યાર સુધી તપાસ કરાવી પણ કંઈ સગડ નથી મળતા.”

સુશીલાબેન કહે,”એમ કરીએ તો વહુબેટા! તારું ને મારું ભેગું નામ નાખી પેપરમાં જાહેરાત આપીએ. આપણું ભેગું નામ જોઈ એને પણ થાય કે, આપણે એક છીએ. તો ઉચાટમાં રહેતું એનું મન પીગળે ને જયાં હોય ત્યાંથી ઘરે પાછો આવે.”

“એમને છાપાવાળા સાથે સારી ઓળખાણ છે. એ જમવા આવે ત્યારે વાત કરીએ.”કહી ઉભા થતાં જ્યોતિબેન બોલ્યાં “હવે જમવાનો ટાઇમ થયો જમી લઇએ. શરીરને ટકાવી રાખવા જમવું તો પડશે ને.

પ્રકાશભાઈ આવ્યા એટલે જ્યોતિબેને એમને સુશીલાબેનના આવવાની ને એમણે મૈત્રી અને પરીને પ્રેમથી સ્વીકારી લીધા એ પણ વાત કરી.

“ચાલો ઘીના ઠામમાં ઘી ઠલવાઈ ગયું. હવે બધા સારા વાના થશે.” પ્રકાશભાઈ બોલ્યા.

“સુશીલાબેન વિચારે છે કે પોતાની રીતે પેપરમાં આપીએ. તમને કંઈ ઓળખાણ છે એવો મને ખ્યાલ છે એટલે તમે આવો પછી પાક્કું કરવાનું મેં કહયુ.” કહીઁ જ્યોતિબેન કહે, ‘ચાલો, આપણે એમને ઘરે જઇયે.

પ્રકાશભાઈ અને જ્યોતિબેન મૈત્રીને ત્યાં ગયા.

સુશીલાબેને આવકાર આપ્યો.

“તમારા જેવા સારા પાડોશી છે તો મારી મૈત્રી ને પરી પ્રેમથી સચવાયા.”

“એમાં શું! હું મૈત્રીને દીકરી જ ગણું છું. મારે આમે બે દીકરા જ છે તો મૈત્રી દીકરીની ખોટ પૂરી કરે છે.” અને હા! સુશીલાબેન પેપરમાં જ આપવું છે ને. તો લખીને મુદ્દા તૈયાર કરીએ.”એમ કહી જ્યોતિબેન કાગળ પેન લેવા ઉભાં થયાં. એમને તો મૈત્રીના ઘરમાં કયાં શું છે એ ખબર જ હોય ને!

ત્યાં દરવાજે કેશુભાઈ ને જોયા.

“અરે, ભાઈ તમે અચાનક ક્યાંથી?”

કેશુભાઈ જ્યોતિબેનના મોટાભાઈ….

“કેમ તને કહીને જ તારે ઘેર મારાંથી અવાય?” કહીને હસી પડ્યાં.

“તમને કેવી રીતે ખબર પડી કે અમે અહી હોઇશું?”

કેશુભાઈ કહે, “કેમ તે ભૂતનું ઘર આંબલી! તારું ઘર બંધ જોયું તો થયું તું અહીં જ હોઇશ.”

“લે વાતોમાં બેસવાનું કહેવાનું જ ભુલી ગઈ.” કહી સુશીલાબેને આગંતુક ને આવકાર આપ્યો.

મૈત્રીએ “મામા કેમ છો?” પુછી એના સાસુને ઓળખાણ આપી કે જ્યોતિબેનના મોટા ભાઈ છે.

થોડી વાર તો આડીઅવળી વાતો થઈ. પછી કેશુભાઈએ પુછ્યું,”રાજ તો ઓફિસે હશે!”

બધા થોડીક ક્ષણો માટે ચૂપ થઈ ગયા. કહેવું ન કહેવુંની અવઢવમાં હતા.

મૈત્રીથી ન રહેવાયું. થોડી રડમશ થઇ ગઈ.

“મામા રાજ દશ દિવસથી મળતા નથી.”

“ઓતારીની!” કેશુભાઈ બોલ્યા.

“હમ્ થોડાં દિવસ પહેલા રાજનો ફોન હતો”

કેશુભાઈ આગળ બોલે એ પહેલા મૈત્રીને સુશીલાબેન સાથે જ “હે!” બોલ્યા …

“હા, રાજ વિપશ્યનાની શિબિર વિષે પુછતો હતો.. મારી પાસેથી ફોન નંબર પણ લીધો હતો. બરોડામાં શિબિર ચાલતી જ હોય છે. એનો અર્થ એ કે રાજ ત્યાં જ ગયો હશે.”

સાંભળી ને બધા અવાક બની ગયા.

“ચાલો, હવે તો એમ જ લાગે છે કે રાજ ત્યાં જ ગયા હશે. ભાઈ તમને ભગવાને જ ખરાં સમયે મોકલ્યાં. અમે તો પેપરમાં આપવાનું વિચારતાં હતાં.” જ્યોતિબેન બોલ્યા.

“ત્યાંનો ફોન નંબર આપો, આપણે ત્યાં ફોન કરી માહિતી મેળવીએ.

રાજને તો ફોન કરવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ બંધ જ આવે છે.”

કેશુભાઈ કહે,”ત્યા શિબિર વખતે મોબાઈલ બંધ કરવો પડે. જો કે પંદર દિવસની શિબિર હતી એટલે રાજ જો શિબિરમાં ગયો હશે તો ત્યાં જ હશે.”

મૈત્રીને કયાંક વાંચેલું યાદ આવી ગયુ.

દિલ છે તારું

એ જ છે ખતા મારી

મળે સજા જો

તું કયાં સમજે

દિલને મારા સાથી

તડપુ છું હું.

.. લતા..

મૈત્રી “આપણે પહેલાં ફોન કરી તપાસ તો કરી લઈએ. શિબિરના સંચાલક પાસે શિબિરમાં જોડાયા હોય એના નામનું લિસ્ટ હોય જ.”

“હું જ ફોન કરીને પૂછી જોઉ.” કહીને કેશુભાઈએ ફોન જોડ્યો,”હેલો, હું અમદાવાદથી કેશુ પટેલ બોલું છું. મારે જાણવું છે કે રાજ પુરોહિત નામની કોઈ વ્યક્તિ ત્યાં શિબિરમાં છે? તેઓ અમારા સબંધી છે.”

“અહીં ઘણાં છે એટલે એમ ખ્યાલ નહિ આવે. હું રજીસ્ટર જોઈને કહું.”

“વાંધો નહિ હું ફોન ચાલુ રાખુ છુ.”

“હ, હા છે અહી શિબિરમાં, પણ અગત્યનો મેસેજ હોય તો હું આપી દઈશ. એમને ફોન પર ન બોલાવાય. નિયમ છે.”

કેશુભાઈ કહે,”ઓકે, મારે તો બસ જાણવું જ હતું. એમને હેરાન ન કરતા. ને મારો ફોન હતો તે પણ ન કહેતા. હા શિબિર કયારે પૂર્ણ થશે?”

“4 દિવસ પછી.”

“આભાર” કહી કેશુભાઈએ ફોન મુક્યો .

ફોનની એક પક્ષીય વાતોથી પણ બધાને એ તો ખ્યાલ આવી જ ગયો કે રાજ ત્યાં જ છે..

હવે આગળ કેમ વધવું? હમણાં જ જઇએ ત્યાં કે શિબિર પુરી થાય ત્યારે! બધા પહેલાં તો એક જ મતે આવ્યાં કે હમણાં જ જઇએ. એમાં પણ સુશીલાબેન અને કેશુભાઇ તો આમ નાના બાળકનો પણ વિચાર કર્યાં વગર પોતાના મનની શાંતિ ગોતવા નિકળી પડયો એટલે અકળામણમાં અત્યારે જ જવા તૈયાર થયા.

પણ જે મૈત્રી એને માટે સતત ઝૂરતી હતી તે જ મક્કમ થઈને બોલી.

” હવે મને દિલથી શાંતિ થઈ ગઇ છે. મારો રાજ મળી ગયો. મને તો મા પણ મળી ગયા. આપણે થોડી ધીરજ રાખવી જોઈએ. અત્યારે અધૂરી શિબિરમાંથી એને લાવશું તો એનો ફરી અહમ ઘવાશે. તમે બધા મને ખુબ સાચવો છો. ચાર દિવસ તો આમ નિકળી જશે. આજે અગીયાર થઈ. ચૌદસના આપણે ત્યાં એની શિબિર પુરી થાય એ પહેલાં પહોંચી જશુ. હું રાજ ને ફરી ખોવા નથી માગતી.”

જ્યોતિબેન મૈત્રીની વાત સાંભળી ખુબ ખુશ થયા. એમને થયુ…મૈત્રી એના અસલ સ્વભાવમાં આવી રહી છે.

બઘા એ સહમતીથી 14 મીએ બરોડા જવાનું નક્કી કર્યું.

14 મીની વહેલી સવારથી જ

મૈત્રી ને સુશીલાબેન જાણે અલગ જ વિચારો … ઉત્સાહમાં હતાં. બપોરે વહેલા જમીને નીકળી જવાનો નિર્ણય કર્યો હતો.

12 વાગ્યામાં જમીને ઘરના બધા કામમાંથી પરવારીને મૈત્રી પરીને લઈને, સુશીલાબેન, જ્યોતિબેન અને પ્રકાશભાઈ બરોડા જવા નીકળ્યા.

ભાડાંની ઇનોવા નક્કી કરી હતી. જેથી વળતા રાજ પણ હોય તો પણ વાંધો ન આવે.

મૈત્રીને રસ્તો જાણે લાંબો લાગતો હતો. આખે રસ્તે બસ પરી સાથે વાતો કરતી રહી.

“મારી પરીરાણી, હવે જો જે તને તારા પપ્પા મળશે ને ખુબ વહાલ કરશે. પણ મને ભુલી ન જતી. પાછી….તું તો એવી મીઠડી છે ને કે, તને જોઈને તારા પપ્પા જોજેને બધું ભૂલી જશે.”

આમ ગાંડીઘેલી વાતો કરતી રહી આખે રસ્તે.

એમ નક્કી થયું હતું કે ત્યાં કોઇ એને વઢે નહિ કે અકળાય નહિ.

3 વાગતામાં તો બરોડા પહોંચી ગયાં. ફોનથી જાણી લીધું હતું કે શિબિર 5 વાગે પુરી થશે. જલદી પહોંચવાની ઉતાવળમાં અહી જલ્દી પહોંચી ગયા.

પણ શિબિરની જગ્યાએ પહોંચ્યા કે શિબિરના સંચાલક આકાશભાઈએ બધી હકીકત જાણી તરત એક રૂમમાં આરામ કરવા સગવડ કરી આપી.

હવેનો રાજની રાહ જોવાનો સમય પસાર કરવો બધા માટે અઘરો હતો. એમાંયે મૈત્રી તો અંદરથી ખુશ પણ હતી ને એને ડર પણ હતો કે અહીં અચાનક અમને જોઈને રાજ ગુસ્સે તો નહિ થાય ને!

સુશીલાબેન પણ દીકરાને મળવા તલપાપડ હતા.

વિચારોમાં સમય ક્યાં વહી ગયો ખબર જ ન રહી.

ને અચાનક રાજને રૂમના દરવાજે જોયો.

— લતા સોની કાનુગા

જીવન ઘટમાળ

હફતો ૧૫

નેહા પુરોહિત

વિપશ્યના…પંદર દિવસ આ શીબિરમાં પસાર કરતાં કરતાં રાજે અનેક વાર અંતરમનની સફર ખેડી હતી . આંધી પછીના ઉઘાડ જેવું નિર્મળ મન હવે બધા જ પૂર્વગ્રહોથી મુક્ત હતું.

ઘરે જઇને મૈત્રીના મનમાં આ સંબંધ માટે જાગેલી અસલામતી કઇ રીતે દૂર કરી શકાય એ માટે અનેક ઉપાયો વિચારતો રાજ કુટિરમા મૈત્રી સાથે સુશીલાબહેનને જોઈ આશ્ચર્યમાં પડી ગયો. માના ચરણસ્પર્શ કરી પરીને છાતી સોંસરવી વળગાડી દીધી .

નાનકડી પરી પણ ઘૂઘવાટા કરીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહી હતી. મૈત્રીના હૈયામાં ઉમટેલું લાગણીનું પૂર આંખોમાથી વહી રહ્યું હતું.

ભાવાવેશની ચરમસીમાની આ પવિત્ર ક્ષણોના સાક્ષી થયાનો આનંદ જ્યોતિબહેન અને પ્રકાશભાઇના ચહેરા પર સ્પષ્ટ ઊઘડી આવ્યો હતો. કશું જ કહેવાની કોઈ જરૂર રહી ન હતી.

થોડો સમય આમ જ પસાર થયા પછી જ્યોતિબહેને સુશીલાબહેન તરફ ફરીને કહ્યું: “રાજને બીજી કોઇ ફોર્માલીટીઝ પતાવવાની હોય તો આપણે સામેના આસોપાલવના છાંયે બેસીએ. પરીને પણ કંઈક ખવડાવીએ. એ રસ્તામાં ભૂખ્યા હેરાન થશે. ” સુશીલાબહેને મૈત્રીને કહ્યું કે બન્ને સાથે જઈને બાકીનું કામ પતાવી આવે ત્યાં સુધીમાં પોતે પરીને કંઈક જમાડી દેશે .સુશીલાબહેનના વર્તનમાં આવેલો આ ફેરફાર રાજે નોંધ્યો. મૈત્રી સાથે થોડે દૂર જઈને રાજે પોતાનું મૌન તોડ્યું. મેં તને ખૂબ તકલીફ આપી…. કહેતા રાજના ગળે ડૂમો ભરાયો. મૈત્રીએ રાજનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. નહિ નહિ રાજ, આમ કહીને મને વધુ તકલીફ આપો છો. જીવનમાં એક નવો વળાંક આપણને સાદ આપી રહ્યો છે. તોફાન આવીને પસાર થઈ ગયું, પણ આપણો માળો અકબંધ છે! એક વાત મારે પણ કરવી છે. પરીના ઉછેર પાછળ તમારી જરૂરિયાત માટે હું પણ જરા બેધ્યાન થઈ ગઈ હતી .

રાજના મજબૂત હાથનો સ્પર્શ મૈત્રીને હૂંફ આપી રહ્યો હતો. પંદર દિવસ દરમિયાન બન્નેને જીવનમાં એકમેકની અનિવાર્યતા સુપેરે સમજાઈ ગઈ હતી.

ફોર્માલીટીઝ પૂરી કરીને બન્ને પાછા આવ્યા ત્યારે પરી સુશીલાબહેનના ખોળામાં નિરાંતે ઊંઘ કરી રહી હતી . બેઉને આવતા જોઈ એમના મોંમાથી સહસા જ સરી પડ્યું , ” લક્ષ્મીનારાયણના સૌભાગ્ય !”

મૈત્રીને ઉદ્દેશીને બોલ્યા, “હવે તારા પાપાને ત્યાં થઈને જ ઘરે જઈએ . મારે પણ વેવાઇનું ઘર જોવાઇ જાય . ” ખુશીનું એક આંસુ મૈત્રીની આંખમાં મલકી રહ્યું .

જ્યોતિબહેન અને પ્રકાશભાઈ કાર તરફ આગળ વધ્યા. પરીને લઇને સુશીલાબહેન , અને એમની પાછળ મૈત્રી અને રાજ . બધા કારમાં ગોઠવાઈ ગયા ….. કાર રસ્તા પર પાણીના રેલાની જેમ સડસડાટ વહેતી થઈ.

(સંપૂર્ણ )


રીટા ઠક્કર, કેતકી મુનશી, અર્ચના પટેલ, લતા કાનુગા અને નેહા પુરોહિતજી એ લખેલ છે.

આ ઘટમાળ અહી પૂરી થશે. તમારા અભિપ્રાયની આશા રહેશે.