શું મૂર્તિપ્રથાની જરૂર છે?
મુર્તિપ્રથા કેવી રીતે જન્મી
જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને કોઈપણ માણસ એની મદદ ન કરે ત્યારે એ એનાથી કોઈક મોટી શક્તિ છે જે એને એની મુશ્કેલી માંથી ઊગારશે એવી આશા રાખી એ ભગવાનને યાદ કરશે, પણ ભગવાનનું સ્પસ્ટ કોઈ ચિત્ર વિચારી શકતો નથી એટલે એણે મનુષ્યના જેવા જ બે હાથ, બે પગ ને એક માથું હોય એવી મુર્તિ બનાવી, જેને જોઈ વ્યક્તિ એના મનને એકાગ્રીત કરી જે વેદનાઓ કે તકલીફો કહેવી હોય એ કહી મનને શાંત કરી શકે. જ્યારે એજ વેદનાઓ કે તકલીફો મુર્તિ વગર કહેવી હોય તો ન કહી શકે. અને ક્યાં કહે એ..? હવામાં..? એને વિશ્વાસ જ ન બેસે કે મારી વાત ભગવાને સાંભળી કે નહીં..! અને એ વિશ્વાસ ઠરાવવા વ્યક્તિએ ભગવાનની મૂર્તિ (object) બનાવી જેની સામે હ્રદયમાં રહેલી વેદનાઓ કે માંગણીઓ કહી સંભળાવે. જેથી એને શાંતિ થાય મનનો બોજ હલકો થાય. ( જેમ આપણને વર્ષોથી દબાઇ રાખેલી વાત પીડા આપતી હોય અને એ વાત કોઇ ખાસ અંગત મિત્રને કહી દઈએ ત્યારે કેટલો બોજ ઉતારી ગયો હોય એવું લાગે છે, એવી જ રીતે..,)
શું મૂર્તિપ્રથા જરૂરી છે?
જવાબ છે: હા અને ના બન્ને. જેની સ્પસ્ટ રીતે સ્પસ્ટતા આગળ કરીશ.
જવાબ હા માટે:
જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે એની માતા એના સંસ્કારોનું સિંચન કરે, ભગવાન વિશેની સમજ આપે. મુર્તિ સામે ઊભો રાખી એની મમ્મી કહે ‘જો બેટા, આ ભગવાન કહેવાય’ આમ ધીરે ધીરે બાળકના મનમાં સ્પસ્ટતા થતી જાય કે ભગવાન આ મુર્તિને કહેવાય. પછી ભગવાનના નામ બોલાવડાવે, બન્ને હાથ જોડાવી પ્રાર્થના કરતાં શીખવાડે બીજી જરૂરી વાતો કહે.
ભગવાન તો નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ છે, મતલબ એમને કોઈ રૂપ કે દેખાવ નથી, બરોબર? બાળક નાનું હોય ત્યારે એને ભગવાન એ શું છે? એ વાસ્તવિકતા બતાવવા એના માતા-પિતા એને રૂપ કે દેખાવ વગરના ભગવાનને કેવી રીતે બતાવે? શું બતાવે? બાળકના મનમાં ભગવાન હોય છે એવી છબી ઊભી કરવા એમણે મુર્તિનો સહારો લઈ એની સામે બેસાડી એને સમજાવું પડે, પછી એના માનસમાં ભગવાન હોય એવી માનસિક છબી રચાય ને પછી ધીરે-ધીરે વિશ્વાસ અને શ્રધ્ધા બેસે,
માતા-પિતા બાળકને સમજાવે કે કોઈ તકલીફ આવે ત્યારે ભગવાનની જોડે બેસી એમને બધી વાતો કરો તો એ આપણી સમસ્યા માંથી કોઈ રસ્તો સુજાડે. પછી ધીરે-ધીરે બાળકના મનમાં ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને વિશ્વાસ મજબૂત બનતો જાય. અહી સુધી માતા-પિતાએ સરસ ફરજ બજાવી એવું કહેવાય. જ્યારે બાળક સમજણું થાય ત્યારે એને જે નાનપણમાં એક ભ્રમમાં રાખી ભગવાન પર વિશ્વાસ બેસે એ માટે મુર્તિનો સહારો લઈ મુર્તિને જ ‘ભગવાન’ કહી દીધા. એ ભ્રમણા (illusion) માંથી કાઢી સત્ય સમજાવું જોઈએ. એ ફરજ તેઓ ભૂલી જાય છે. અને અહીં જ એમની ભૂલ થાય છે.
બાળક સમજણું થાય, કલ્પના કરવાની શક્તિ કેળવાય પછી, એને ભગવાનની મુર્તિ અને ભગવાન વિષેની સ્પસ્ટ ભેદ-રેખા સમજાવી જોઈએ, અને એ આંખો બંધ કરી ભગવાનને મનમાં કલ્પના કરીને પણ બધી વાત કે સમસ્યા કહી શકાય, મુર્તિ સામે ઊભા રહ્યા વગર. આ જો માતા-પિતા બાળકને શીખવાડીને સમજાવી દે કે મનને એકાગ્રીત કરવા મુર્તિ એ એક માત્ર મધ્યમ (object) છે. મુર્તિની સામે રહી જેમ કલ્પના કરી શકતો હતો, એ હવે મૂર્તિ વગર ફક્ત કલ્પના કરી કોઈ પણ જગ્યાએ ભગવાન ( જે કોઈ શક્તિને માનતા હોય એના ) સાથે જોડાણ સાધી શકે ત્યારે મૂર્તિની જરૂર નથી રહેતી. અને આ એક મોટી સિદ્ધિ છે માતા-પિતા અને બાળક માટે.
જવાબ : ના માટે,
જ્યારે બાળક મનમાં ભગવાનનું સ્પસ્ટ માનસિક ચિત્ર જોઈ ઐક્ય સાધી શકતો હોય ત્યાર પછી એને મૂર્તિની જરૂર નથી રહેતી, પણ એનો મતલબ એમ નથી કે હવે મુર્તિને પધરાવી દેવાની કે એનો બહિષ્કાર કરવાનો. મુર્તિતો આપણી અંદર વિશ્વાસ બેસાડવા માટેનો માત્ર પ્રાથમિક મધ્યમ છે,
એક ઉદારહણ આપી વધુ સ્પસ્ટ કરીશ, કોઈ બાળકને ભણવા બેસાડો ત્યારે એને પહેલા કઈ ચોપડીઓ આપશો? દેખીતી વાત છે, દેશીહિસાબ. જેમાં એકળી હોય, બારાખડી, કક્કો હોય, ફળોના, ફૂલોના ચિત્રો હોય જે એને બેજીક સમજ આપે. કક્કાથી વાંચતાં શીખે, એકડી અને ઘડિયાથી ગણિત ગણી શકે. શું થાય જો કેજીના બાળકને 25×25/5 = ? આ દાખલો ગણવા આપીએ તો? દેખીતી વાત છે, એને કશું ખબર જ ન પડે. કારણકે એ હજુ એ લેવલ સુધી પહોચ્યો જ નથી. જ્યારે 12 ધોરણમાં ભણતા વિધ્યાર્થીને એજ દાખલો પૂછો તો એ ગણતરી એ મનમાં જ કરી કહી દેશે કે ‘ભાઈ 125 થાય.’. જ્યારે એજ ગણતરી પહેલા ધોરણવાળું બાળક કેમ નથી કરી શકતું? કેમ એને મગજ નથી? મગજ તો છે જ ભાઈ...! પણ હજુ એટલી લાંબી ગણતરી મનમાં કરવા માટે એની કલ્પનાશક્તિ હજુ એટલી ઘડાઈ નથી. જેમ જેમ એ આગળ ભણતો જાય એમ એમ એની કલ્પનાશક્તિ ઘડાતી જાય ને પછી એક સમયે એ જટિલ દાખલાઓમાં આવતી નાની ગણતરીઓ એ મનમાં જ કરી દેશે, એના માટે એને પહેલા કરતો એ ગણતરીઓ માંથી પસાર નહીં થવું પડશે. because he knows the entire process.
જે ભગવાનની સ્પસ્ટ કલ્પના ન કરી શકતા હોય એવા નવજાત મગજ વાળા વ્યક્તિ કે બાળકો માટે મુર્તિ જરૂરી છે, અને જે લોકો વગર મુર્તિ કલ્પના કરી શકે છે એમને બિલકુલ જરૂર નથી. તમે ગણિતના ખોં (master) થઈ ગયા એટલે તમારા છોકરાને એકડી, બારાખડી શીખવાડયા વગર સીધા કોલેજના મોટા થોથા માંથી જટિલ દાખલા શીખવાડો તો ક્યાંથી મેળ પડે...? બાળકને રામાનુજમ કે આઇસ્ટાઇન બનાવો હોય તો પહેલા એને બેજીક થી અડ્વાન્સ તરફ શીખવાડવું પડે, અને અડ્વાન્સ શીખવા બેજીકએ પાયાની જરૂરિયાત છે, અને બેજીક વગર સીધું અડ્વાન્સ શીખવાડો તો બાળકને બધુ ઉપરથી બમ્પર જ જાય, અને મોટા મોટા બગસા ખાય એ અલગથી પાછા.
મૂર્તિપ્રથાની આડઅસરો,
સમય વિતતા જ્યારે આપણે મુર્તિને ભગવાન સાથે ઐક્ય સાધવાની વસ્તુ (object) તરીકે માનવાને બદલે ધીરે-ધીરે એ મુર્તિ સ્વરૂપને જ ભગવાન માની બેસ્યા, પછી તો એની પર દૂધના અભિષેકથી નવડાવી, એમને સરસ કપડાં પહેરાવી, શણગાર કરી, ફૂલ-માળા ચડાવી, અને અમુક મંદિરોમાં તો સોનાની મૂર્તિઓ બનાવી એના મુગટમાં હીરા મોતી જડી ઠાઠમાઠથી શણગારી જગારા મારે એવી તૈયાર કરે છે. આ બધુ કરો એનો વાંધો નથી, પણ એ મુર્તિને જ ભગવાન સમજી બેસો છો ત્યારે ખરી સમસ્યા ઊભી થાય છે.
ધાર્મિકતામાં વ્યક્તિ એટલો વહી ગયો છે કે એનો સાચો અર્થ સમજવાને બદલે બાહ્ય આડંબરોમાં વધુ ઓતપ્રોત થઈ ગયો છે. બાહ્ય આડંબરો એટલે દેખાડામાં. મંદિરોમાં સરસ ભગવાનની મુર્તિ હોવી જરૂરી છે, પણ એના પાછળ કરોડોનો ખર્ચો કરવાનો? શિવરાત્રિના દિવસે શિવલિંગની ઉપર અઢળક દૂધનો ધોધમાર અભિષેક કરવાનો? અને પાછા કેટલાક તો કહે છે, શંકર ભગવાન ભાંગ પીતા હતા એટલે આપણે પણ પીવાય ! એવું બહાનું આપી નશામાં ધૂત થઈ ઉધમાત કાઢે, એમના નામે ચાલે આવું...? એતો ભગવાન શિવ હતા એટલે ભાંગ તો શું..! ઝેર પણ પીવે ને પીધું પણ હતું. અને જો શિવને ફોલો કરવાની એટલી તાલાવેલી લાગી હોય તો પીવો ઝેર…! એમને પણ પીધું જ હતું ને...! એમ તો કોઈ નઇ પીવે. આપણને જે ગુણો ઉતારવા જેવા લગતા હોય એ નહીં ઊતારીએ પણ જેમાં ફાવટ મળતી હોય એવું પહેલા શોધી કાઢીએ છીએ.
ભગવાનની મુર્તિ ઉપર દૂધનો અભિષેક કરવામાં હજારો લિટર દૂધ વાપરી દેશે, અને પછી એ દૂધ ગટરમાં જશે, ને એનાથી મુર્તિતો ચોખ્ખી ના જ થઈ એટલે છેવટે મૂર્તિતો પાણીથી જ સાફ કરાશે. ( તો જખમારવા એટલું દૂધ વેડ્ફ્યુ !) આના કરતાં એમાંનું જો અડધું પણ દૂધ ગરીબ બાળકોના પેટમાં ગયું હોત તો એ કેટલા ખુશ થાય. અને એ જોઈ ભગવાન કેટલા ખુશ થાય..! just imagine.., જો જેતે તહેવારે આ વિચારનો અમલ થાય તો ખરા અર્થમાં એ તહેવાર કે દિવસ સાર્થક થયો કહેવાય. ભગવાનને ખુશ કરવા આ બધા ઓવર ધતિંગની રતીભારે જરૂર નથી. આતો આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરવા બધી ફોર્માલિટીઓ કરીયે છીએ એમને ખુશ કરવા. ખરેખર તો ભગવાન આપણાં બધાની અંદર જ છે, જ્યારે આપણે કોઈ ગરીબ બાળક કે વ્યક્તિને ભૂખ્યું નિરાધાર જોઈએ છીએ ત્યારે એને જમવાનું આપી અથવા પહેરવા કપડું આપી નાની મોટી પણ મદદ કરીયે ત્યારે એ વ્યક્તિની અંદરનો ઈશ્વર યથાર્થપણે ખુશ થશે, અને એ જ ઈશ્વરને આપણે એમને બનાવેલી વસ્તુઓ (ફૂલ, ફળો, નારિયેળ વગેરે...) એમને જ ચડાવી ખુશ કરવાના અભરખા રાખીએ છીએ.., આ શું યોગ્ય છે?
અમુક અંધશ્રધ્ધાઓ તો એવી છે કે એ શું કામ કરવામાં આવે છે એની ખબર જ નથી. બસ ઊંધું ઘાલી કરે રાખ્યે છીએ કારણકે આપણાં બાપ-દાદા કરતાં હતા. આપણે કેટલાક તહેવારોના અને વિધિઓ પાછળના અર્થને સમજવાનું છોડી, એને બસ ફોર્માલિટી ખાતર કરે રાખ્યે છીએ. અમુક વિધિઓ ‘આઉટ-ડેટેડ’ થઈ ગઈ હોય છે છતાં પણ કરે જઈએ છીએ. આના પર એક સરસ નાની વાર્તા છે.
એક ગામમાં લગ્ન માટે વરઘોડો ઘરથી મંડપ સુધી જતો હતો, વરઘોડામાં આગળ નાના ટાબરિયાઓ અને મોટેરાઓ પણ હાથ-પગ હવામાં ઉલાળી ઠેકળા મારતા-મારતા નાચતા હતા, બાજુમાં છેટે ચાલતા ડોહોભાને પણ ટાબરિયાઓને નાચતા જોઈ એમને પણ ધોતિયાનો છેડો હાથમાં લઈ એક-બે ઠેકળા મારવાના ઉમળકાતો થતાં હતા પણ એમની ઉમર જવાબ આપી દેતી, એટલે બાજુમાં ઊભા રહી જોઈને મજા લેતા, આ ઘટના દરમ્યાન વરઘોડાની આગળથી એક કાળી ભદાળી બિલ્લીએ રસ્તો કાપી દીધો, આ ઘટના ડોહોભા જોઈ ગયા, એવા તરત જ વરઘોડાની આગળ જઈ બન્ને હાથ ઊંચા કરી બધુ ઊભું રાખવા ઈશારો કર્યો. થોડીવારમાં બધુ શાંત થઈ ગયું ત્યારે કોઇકે પૂછ્યું " ઓ નથોભા..! હું થ્યું? "
ડોહોભા થોડા ઇરિટેટ થઈ એમના ઘરડા અવાજે કહ્યું " બંદ થા, ચૌદશિયા ! અન હોભળ, પેલી કાળી બલ્યાળીએ આ રસ્તો કાપત મી જોયી સ, અન સાલું આતો અપશુકન કેવાય, થોળી ગળી હાહ ખો, પહી નેકળીયે " બધા દસેક મિનિટ બેઠા, પછી વરધોડો લઈ પાછા ઢેકળા મારતા-મારતા લગ્નની ચોહરીએ પહોચ્યા.
ઉનાળો હતો ને લગ્નની સીજન હતી એટલે, થોડાક દિવસ પછી બીજો મુરત્યો ઘોડે ચડ્યો, ને પેલા ડોહોભા તો રંગીલા હતા જ. એતો ગળી કરાયેલા નવા ધોતિયા અને જભ્ભામાં બગલાની પોખ જેવા દેખાતા. પછી વરધોડો ઉપડ્યો ને ડોહોભા એ વખતે બાજુમાં ચાલતા-ચાલતા બાજ નજરે રસ્તા પર જોઈ રહ્યા હતા કે કોઈ બિલ્લી રસ્તો ના કાપી લે, એવામાં એજ બિલ્લી રસ્તો કાપવા જેવી આવી એ પહેલાતો ડોહોભાએ છલાંગ મારી બિલ્લીને પકડી પાડી અને તરતજ બાજુમાં પડેલા છાબડામાં પૂરી દીધી. થોડીવાર માટે તો બધા ડોહોભાને નવાઈથી જોતા જ રહી ગયા ને પાંચેક ટાબરિયાઓએ ડોહોભાની આ હરકતને ધ્યાનથી જોઈ નિરીક્ષણ કરી રહ્યા હતા. બિલ્લી પકડવામાં સફળતા મળતા વરધોડાને ખાલી ખોટું ઊભું રહેવું તો ના પડ્યું પણ, એ સમયે ધૂળ-ધૂળ થયેલા ડોહોભા એમને પહેરેલા જભ્ભા ને ધોતિયામાં એવા લગતા જાણે કોઈ ટેણિયો ધૂળમાં આળોટી ઘેર આવ્યો ના હોય !.
એકાદ વરસ પછી ડોહોભા તો બિચારા ઉપર જતાં રહ્યા, પણ એમને ઘણા વરઘોડામાં બિલ્લીને છાબડામાં પૂરી ઘણા અપશુકનોને ટાળી મુહરતોનો સમય બચાવ્યો. જે પેલા ટાબરિયાઓએ બધુ ધ્યાનથી જોયે ગયા હતા. સમય વિતતા પેલા ટાબરિયા મોટા થયા. પછી જ્યારે પણ બીજાના વરઘોડા નીકળતા ત્યારે એ મોટા થયેલા પાંચેક ટાબરિયાઓ (છોકરાઓ) વરઘોડાને ઊભો રાખી ડોહોભા દરેક વરઘોડામાં કરતાં એ વિધિ પૂરી કરવા ભદાળી કાળી બિલ્લીને ગમે ત્યાંથી પકડી લાવતા ને છાબડામાં પૂરીને પછી જ વરઘોડો નીકાળવા હાથથી ઈશારો કરી સાઈડ આપતા.
આ છોકરાઓ મોટા થયા તો પણ કઇપણ વિચાર્યા કે દલીલ કર્યા વગર આ એક વિધિ તરીકે લઈ લીધી કે વરધોડો નિકડે એ પહેલા ભદા જેવી કાળી બિલ્લી છાબડામાં પુરવી પછી જ વરઘોડો જવા દેવો.
અંધશ્રદ્ધાઓ બસ આ રીતે જ જન્મતી હોય છે ને વર્ષો સુધી ચાલે જ જતી હોય છે. Without any argument.
પેલા સ્વર્ગવાસીય ડોહોભા પેલી બિલ્લી રસ્તો કાપીને મુહરત માટે સમય ના બગડે એ માટે એને પકડી છાબડામાં મૂકતા, પણ એ કેમ કરતાં હતા? એનું કારણ જાણ્યા કે પૂછ્યા વગર બસ એ કરતાં હતા એટલે આપણે કરવું પડે એમ સમજી કરે ગયા અને આવા ગાડરિયાં પ્રવાહની માનસિકતાને લીધે આપણે ગણી એવી અર્થહીન પ્રથાઓ અને વિધિઓ વર્ષોથી કરે જઈએ છીએ વગર એનો સાચો મતલબ જાણ્યે. જે બદલવાની ખાસ જરૂર છે.
આ લેખમાં મેં મુર્તિપ્રથા ક્યારે હોવી જોઈએ અને ક્યારે ના હોવી જોઈએ એની સ્પસ્ટતાઓ મારાથી શક્ય એટલું સ્પસ્ટ ઉદારહણ સહિત સમજાવાનો પ્રમાણિક પ્રયાસ કર્યો છે. આ એક માત્ર મારો વિચાર છે જે વર્ષોથી મનમાં ગોળાયે જતો હતો. જેને અહીં તમારી સમક્ષ શાબ્દિક રીતે રજૂ કર્યો છે. હવે મુર્તિપ્રથા હોવી જોઈએ કે નહીં એ નિર્ણય હું તમારા પર છોડું છું.
( બિલ્લીવાળી વાર્તા એ આજની અંધશ્રધ્ધાની હકીકત અને માન્યતા કેવી રીતે બની એને સમજાવવા એક મનઘડ્ન્ત ઉદારહણ છે. અને હા, ‘બિલ્લી રસ્તો કાપે’ એ પણ એક અંધશ્રધ્ધા જ છે. )
***