વાર્તા – કલ્પાંત
એણે હળવેકથી સાડીનો છેડો લઈ પાછળથી દેખાતી પીઠને ઢાંકી ગળા સુધી લંબાવી છેડાને આગળથી પકડ્યો. સહેજ ઉતાવળા પગલે જમીનને માપતી અને સફરને ટૂકી કરવા મથતી રેવતી ઘર તરફ જઈ રહી હતી.
“કેટલીવાર કીધું હશે કે આ ઘરની બીજી ચાવી છે ,જે તમે તમારા પાકીટમાં લેતા જતાં હોવ ...પણ ના આપણે કહીએ એ વળી માને ખરાં? હવે ,મને હેરાન કરવાની ? માંડ ઘરની પરોજણમાથી બહાર નીકળીને ત્યાતો ...” મનોમન મંથન કરતી રેવતીના ચહેરા પર ની રેખાઓ આમથીતેમ સંતાકૂકડી રમતી હતી.
“રોજ તો સાંજે સાત વાગ્યા પહેલા આવતા નથી ...ને આજે ! આજે વળી શું કામ હશે?..અરે..ભગવાન ફોન ઉપર ફોન કરે છે ...મે કીધું કે: આવું છુ નજીકમાં જ છુ તોય ધરપત નથી .....” ચિંતાના વાદળો ગૂંથતી ગૂંથતી બોલી;
“જો..જેને ...જતાં વહેત બૂમબરાડા ચાલુ થઈ જવાના. ક્યાં ગઈ હતી? ભાન નથી પડતું? ખરા બપોરે શું દાટ્યું હતું તારા બાપાએ તે આમ ચાંદનીમાં મ્હાલવા નીકળી પડી હતી? આમ ના જાણે કેટલાય પ્રશ્નોની વણજાર મારી સામે ખડકાશે....”
રેવતીના પગમાં જાણે ચક્કર ભરાયું .પણ આ રસ્તો જ્યારે ઉતાવળ હોય ત્યારે સામી છાતીએ પાછો ઠેલાય. ઉનમણામાં પાણી ઊકળે તેમ રેવતીની છાતીમાં શ્વાસ ઉછળતા હતા .હાશ, હવે તો પહોચી જ સમજો.ને ઘરના દર્શન દૂરથી થવા લાગ્યા.
“હા...બાઇક તો પડ્યું છે...” એણે નજરને દૂર સુધી લંબાવી ...”લ્યો સાહેબ તો હીંચકે હીંચતા હીંચતા અમારી રાહ જુએ છે.”
આટલા ઉકળાટમાં જરા મોઢા પર હાસ્યની લહેરખી દોડી ગઈ....ને મનોમન હસી પડતાં બોલી ;આય...હાય.....રોજ અમે રાહ જોઈએ છીએ ને આજ તો લ્યો ,તમારો વારો .” ઘરનો ઝાપો ખોલતા ખોલતા હાસ્યનું ઝરણું વહાવતા રેવતી બોલી; અરે...વાહ..આજે વહેલા? શું વાત છે? કોઈ સરપ્રાઇજ તો નથી ને? “રેવતીએ વાતવારણને હળવું કરવા પ્રયત્ન કર્યો......
“ હવે ચાલ ને છાનીમાની સરપ્રાઇજ વાળી ....” એક કલાકથી અહી હીંચકા ઉપર ઝૂલ્યા કરું છુ.મારે અગત્યના પેપર્સ લેવાના હતા ....સવારે જતી વખતે લેવાના ભૂલી ગયો હતો....હવે જલદી ઘર ખોલ એટેલે હું ભાગું....”
કડક અવાજમાં રૂઆબથી મયંકે રેવતીને લગભગ હડધૂત જ કરી નાખી ...” હા...હા... ખોલું હવે....” ઉતાવળે પગલે કમરમાં ખોસેલા ઝુડામાંથી મેઇન જે લાંબીલચક ચાવી હતી તે કાઢી એક..બે..ત્રણ ...એમ ચાવી ફેરવતા ફટ કરતો દરવાજો ખૂલ્યો.
રેવતી અંદર પ્રવેશે તે પહેલા તો મયંકે રેવતીને ખભેથી આઘી કરી વાવાઝોડાની માફક ઘરમાં પ્રવેશ્યો. ઝડપથી અંદરના રૂમના કબાટમાંથી ફટફટ રંગબેરંગી ફાઈલોની ફાઈલો પલંગ ઉપર ખડકવા લાગ્યો.
“અરે..અરે...પણ ધીરે ધીરે આમ ફેકાફેક કેમ કરો છો?..... થોડીવાર માટે મૌન રહી રેવતી મયંકની હરકતોને જોતી રહી પછી એ રસોડામાં જઈને ઠંડા પાણીનો ગ્લાસ લઈ મયંકની નજીક જઈને બોલી; લ્યો,પહેલા આ પાણી પી લ્યો...” મયંકે ફાઈલોના કાગળો ઊથલાવતા ઊથલાવતા જ કહ્યું; “મૂક હમણાં પછી લઉં છુ…” રેવતી ગભરાઈને થોડી પાછી હટી ગઈ... વળી પાછી ધીમે રહી ડરતા ડરતા બોલી; સાંભળો છો ? હું તમારા માટે થોડી કોફી બનાવી લાવું? કઈ લેશો તમે? જીવ નીચે મૂકી શોધો હમણાં મળી જશે...”
ફાઈલોમાં જ નજર ફેરવો ફેરવતો જ મયંક બોલ્યો; “ ના ...હવે અહી શ્વાસ લેવાનો તો ટાઈમ નથી ..મારે કશું જોઈતું નથી.અને મયંક જે કાગળ શોધતો હતો એ મળતા જ એણે ફાઇલ ઉપર જોરથી હથેળી ઠપકારતા બોલ્યો: યશ...હાશ...મળી ગયું સર્ટિ ....આણે તો મને ગાંડો કરી નાખ્યો...”
ફાઇલમાથી કાગળ કાઢી એ ફાઈલને બીજી ફાઇલનાં ઢગલામાં લગભગ ફેકતા મયંક બોલ્યો; “ આ બધુ વ્યવસ્થિત ગોઠવી દેજે ચાલ હું જાઉં છુ. મોડુ થાય છે કહી ફટાફટ બેગમાં કાગળ મૂકી મયંક એક ક્ષણિક પલકારામાં ઘરની બહાર નીકળી ગયો....
ઉતાવળે પગલે રેવતી એના પાછળ પાછળ લગભગ દોડતી દોડતી ગઈ અને બોલી; સાચવીને જજો ઉતાવળમાં તમારું ધ્યાન રાખજો.....એના બોલ્યાની દરકાર કર્યા વગર જ મયંક ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરી રમરમાટ ચાલ્યો ગયો...
રેવતીની નજર થોડીવાર તો ત્યાં જ ખોડંગાઈ ગઈ...પછી ઊંડા ઊંડા શ્વાસ ભરતી સાડીના પલ્લુંને ખેચી છાતી સરસો ચાપતી..... માથું હલાવી બોલી;” ખરા છે ?કાયમની માફક એય...પોતે પોતાની મસ્તીમાં મસ્ત.... આજુબાજુ આગળ પાછળ કઈ જોવાનું જ નહીં . જાણે આપણે તો રસ્તાના પથ્થર .આમેય કદી ઘર તરફ ક્યાં લમણો વાળ્યો જ છે?ખબર નથી હું ગમતી નહોતી કે કોઈ રસ નહોતો તો લગ્ન શું કામ કર્યા હશે?” પાછી જાતે ને જાતે જવાબ આપતા બોલી; માં બાપનું મન રાખવા,સમાજમાં નીચું ના દેખાય માટે ...પણ એમાં કેટલી જિંદગી હોમાઈ ગઈ...?”
વળી પાછી ઘર બંધ કરી અંદરના રૂમમાં ગઈ બધી ફાઈલો ગોઠવતા ગોઠવતા એનો બાબડાટ ચાલુ જ હતો;” લો બોલો ...એમના માટે આપણું બધુ કામ છોડી હરણ ફાળે હાફતા હાફતા ઘર સુધી આવ્યાને એમને તો મારી સામે જોવાનોય સમય નથી....કમસેકમ મારા હાથે એક ગ્લાસ ઠંડુ પાણી પીધું હોત તોય મારી તરસ છીપાત....”
રેવતી ફાઈલો ગોઠવ્યા પછી એ.સી.ચાલુ કરી ચતીપાટ પલંગમાં પડી અને નજરોના નહોર ભરાવી ભીતે બાજેલા ભૂતકાળના પોપડા ઉખાડવા લાગી .....
“ ક્યાં ગયા એ દિવસો??? જ્યારે મયંક મારાથી જરાય છેટો જતો નહતો ...અહર્નિશ મારા નયનથી નયન મિલાવી તારા - મૈત્રક સાધતો હતો . સીલિંગ પર ચોટેલી નજર હવે ફરતી ફરતી બેડરૂમની સામેની દીવાલે ભરાયેલા મયંક અને રેવતીના લગ્નના ફોટા પર જઈ અટકી....અને રેવતીના રૂવાડા ખડા થઈ ગયા.”એ ખુશનુમા સવાર,એ મલપતિ બપોર ને એ રોમાંચિત સાંજ,રાતની ખૂશનુમાં ચાદરની સલવતો તો રોજ એક નવું જ નજરાણું આપી જતી’...ભીતરનો ઉકળાટ લગભગ પાપણે બાજયોને આંખનો એક ખૂણો ભીનો થઈ ગયોને સાડીનો પલ્લું તરબતર ગયો....
ત્યાથી નજર જમણી તરફ ઢળી ...ને રગળતી રગળતી દીવાલની છાતી સોસરાવી ઉતરી ગઈ...જીવ મુંજાયો, હાફ ચઢી, ને રેવતીને ડૂસકાઓએ ઘેરી લીધી ....” મારી હેલી.. મારા રાંકનું રતન ....મારી એકલતાનું એક તો રમકડું હતું ને એય ઈશ્વરે છીનવી લીધું .હવે તો માતૃત્વની જમીને ય સાવ ઉજ્જડ થઈ ગઈ છે કે જ્યાં કોઈ નવું અંકુર ફૂટે તેમ નથી..એની આંખમાં કંકુ ભરાયું...હાફ વધવા લાગી ...”હાય રે ...કિસ્મત પરણી તોય કૂવારી ને માં બની તોય વાઝણી....”.ઓશિકાને મોઢાથી દબાવી ચીસો પાડી રેવતી એ આખા ઓરડાને કલ્પાંતથી ભરી દીધો .......
ઘરની દીવાલો ચીસ પાડતી ના હોય અને જાણે આખુય ઘર હીબકે ચઢ્યું હોય એમ ફૂલ એ.સી.રૂમમાં રેવતી પરસેવે રેબઝેબ હતી.ભીતરનો ઉકળાટ લાવારસ બની બહાર ઠલવાતો હતો ..”હે ઈશ્વર,મે કોના ધાવતા બાળ વછોડયા?કોનું માતૃત્વ ખંડિત કર્યું ?મારા હાથે એવું તે શું પાપ થયું હશે કે આજે મારે આ દિવસો જોવાના આવ્યા?ને મારી આ દશા થઈ?”પાછો મનમાં કોઈ નવો ભયંકર વિચાર સળવળ્યો ને એના શરીર પર સાપ આળોટવા લાગ્યા...ડોળા ચકળ વકળ થવા લાગ્યા.બે હાથની મુઠ્ઠી વાળી છાતી પર જોર જોરથી મારતી રેવતી કલ્પાંત કરતી બોલી;આજે હેલીને ગયે બે વરસ થઈ ગયા ..હજી તો માંડ ત્રણ વરસની હતી અને કાળભરખી ગયો.એના જવાનું દુખ પણ ક્યાં હતું એને? બસ ચૂપચાપ અદબવાળી એક તરફ ઊભો હતો. અરે..દુશ્મન હોય તો તેનુય હ્રદય હચમચી જાય.પણ,આતો....
વહેમનું ઝાડ.ભૂતકાળના ભૂતે એને ભરડો ભર્યો હતો. હું અને કપિલ ખાલી સારા મિત્ર હતાં ને અમારા લગ્ન વિષે ખાલી માં બાપે વિચાર કર્યો હતો. પણ, અમે ક્યાં રાજી હતાં? અરે ખૂબ નજીક એકમેકની સઘળી વાત જાણતાં પણ, લગ્ન વિષે વિચાર ક્યારેય નહતો કર્યો. લોકોનું તો કેવું ચ્હે કે છોકરો છોકરી સાથે ફરે,વાત કરે એટલે નક્કી કઈ રંધાય છે.કેવી મેંટાલિટી??? મને યાદ છે હેલી આવી ત્યારે પણ એને મને પુછ્યું હતું આપણે ડીએનએ કરાવીએ? ને મારી ખુશી પર વહેમનું કરવત ફરી વળ્યું હતું....કેટલો વહેમ કોઈ પણ વ્યકતી સાથે મને જોડી દેવાની.પછી એ કાકા,મામા,પાડોશી,નાનો છોકરો હોય કે વૃધ્ધ કોઈ પણ એને પૂછ્યા વગર બહાર ના જવાય,વાત ના કરાય નહિતો ઘરમાં ઘમસાણ મચી જાય. ...ઘણીવાર મને પ્રશ્ન થતો એ મને સમજે છે શું? પણ,પિયરમાં ઘરડા માબાપ ને એક ભાઈ પરિસ્થિતી ખૂબ જ ખરાબ એટલે બધુ સહન કરે જતી.ને એનો સામનો કરવાની હિમ્મત મારામાં ક્યારેય ના થઈ.સતત એક ખરેલા પાનની માફક ફફડતી રહી....
વળી એક નવો ચિત્કાર ...અને નખશિખ કંપારી વછૂટી ગઈ ..”હાય હાય..પેલો કાગળ શેનો શોધતો હશે ?ક્યાક છૂટા છેડા????ને રેવતી ઊંડા કૂવામાં જઈ ધરબાઈ .શ્વાસના ધણને એકઠું કરી ફરી ઓશીકાની જાતને તરબતર કરી મૂકી.”શું હવે મયંક મને છોડી દેશે?” જાણે સામેથી એનું જ પ્રતિબીબ જવાબ આપતું હોય એમ; “હાસ્તો વળી ,આ ઉજ્જડ અને વેરાન ધરતીમાં કોણ ઘર બાંધે? જ્યાં કોઈ પંખીય ના ફરકે..જ્યાં લીલોતરી જ નાહોય ત્યાં કોણ આવે?રેવતી લગભગ પાગલ બની ગઈ હતી જાત સાથે વાતમાં એ દ્વંદ્વ યુધ્ધે ચઢી હતી .જગતમાં એવા કેટલાય દાખલા છે જેને સંતાન નથી હોતુને તોય ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હોય છે.”
અચાનક રેવતી પલંગમાથી ઊભી થઈ .એના નાકનું ટેરવું અને આંખો લાલ ઘૂમ થઈગયા હતા. કબાટ ખોલી સામે સાચવીને મૂકેલા આલ્બમને હાથમાં લીધો પહેલા ચુંબન કર્યું પછી છાતી એ વળગાડી હીબકાં ભરતી પલંગમાં ઊંધી પડી એક એક સળ ઉકેલતી નજરની દુનિયામાં ટહુકાઓનું વન શોધવા લાગી...જન્મથી લઈ અને હેલીની અંતિમ વિદાયના ફોટા રેવતી પોતાની દાઝતી હથેળી અને કંપતા ટેરવે ઉથલાવતી રહી...
અશ્રુઓએ માંઝા મૂકી .શ્વાસોનું સામ્રાજ્ય વધુ તેજ બન્યું.ઉકળાટ્નો અવિરત પડાવ અને એમાં રજળપાટ કરતી રેવતી...ભૂતકાળનું આખું ચિત્ર એની સામે તાંડવ કરવા લાગ્યું.
‘હેલ્લો..હેલ્લો..મમ્મી જોને આ હેલીને ઉધરસ મતતિ જ નથી અને ઉધરસ સાથે હાંફ પુષ્કળ ચઢે છે.સમયસર ખાતીપીતી નથી ખોરાક લેતી જ નથી ..એના મોઢાપરથી જાણે નૂર જ જતું રહ્યું.મમ્મી મમ્મી એ સાવ ચીમળાઈ ગઈ છે ...એની ધમાલ,હસવું,રમવું બધુ જ બંધ થઈ થયું છે.બસ ચૂચાપ પડી રહે છે. લૂખ્ખી ખાસી એના આતરડા ઊચા કરી નાખે છે...મમ્મી..મયંકને કેટલા ફોન કર્યા પણ ક્યાં છે શું કરે છે કોઈ જવાબ નથી આજે તો આમનેઆમ ચાર દિવસ થયા ..મે ઘરગથ્થુ ઈલાજ પણ ઘણા કર્યા પણ કોઈ ફરક નથી..તબિયત વધારે ને વધારે બગડતી જાય છે...અહી મારુ કોઈ ઓળખીતું પણ નથી..એણે કોઈ સાથે સંબંધ રાખવા દીધો હોય તોને?” હેલ્લો...હેલ્લો...ફોનનું રિસીવર કાનથી હટાવી હાથથી ઠપકારતી ફરી કાને ધરતી લગભગ ચીસો પાડતી રેવતી બોલી: “હેલ્લો ...હેલ્લો..મમ્મી તને મારી વાત સંભળાય છે??”…..અને ફોન કટ...”
રેવતીની નજર હેલી પર ગઈ હવે હાફ વધારે વધતી હતી ...બધા જ નિયમો અને બંધનો તોડી ઝડપથી ઊભી થઈ પોટલું ઉચકે એમ હેલીને ઊચકી લગભગ દોડતી ઘરની બહાર નીકળી દવાખાને પહોચી..
“ક્યારથી છે બહેન આ તકલીફ?” ડોકટરે ટેથોસ્કોપ હેલીની છીતિ પર ફેરવતા પુછ્યું...
‘ચાર દિવસથી સાહેબ ...”.રેવતિની મગજની નશો આટલું બોલતા ખેચાવા લાગી....ચિંતાતુર નજરે રેવતી ડોકટર સામે અને હેલી સામે જોવા લાગી....
‘હાલત બહુ ખરાબ છે ..તાત્કાલિક દાખલ કરવું પડશે બહુવાર જોવા જેવી નથી. ન્યુમોનિયાનો લાસ્ટ સ્ટેજ છે.’હેલીના માથા પર હાથ ફેરવતા ડોકટર લગભગ ગુસ્સામાં બોલ્યા;છોકરીની હાલત આટલી ખરાબ છે તો જલદી દવાખાને ના લઈ અવાય?
‘પણ,સાહેબ એના પપ્પા ચાર દિવસથી બહાર ગામ છે...અને મને એમ કે ખસી છે ઘરગથ્થુ ઇલાજથી માટી જશે.’રેવતી હાથ જોડી ધૃજતા અવાજે બોલી.
‘તમારી બે દરકારી બાળકને જોખમમાં મૂકી દે તેમ છે...હું મારો બનતો પ્રયત્ન કરું છુ બાકી ઈશ્વરના હાથમાં છે...,
,સાહેબ..સાહેબ..મારી હેલીને બચાવીલો..એના સિવાય તો હું મારી જઈશ...
‘હવે બાજુમાં રહો બેન એને દાખલ કરવાની છે ?...મને સારવાર કરવાદેશો? કે પછી એમાંય એના પપ્પાની રાહ જોવાની છે????’
‘ના..ના...સાહેબ દાખલ કરી દો’ ...પરવાનગીની બધી હદો વટાવી રેવતીએ નિર્ણય લઈ લીધો.
થેચર ઉપર સૂતેલી હેલીને લઈ નર્સ બોલી;’ ચાલો બહેન...’
રેવતી નર્સની પાછળ હાફળી ફાફળી દોડતી હતી...આઈ સી યુના એક મોટા કોમન રૂમમાં એક પલંગ પર હેલીને સૂવાડી..રેવતી બધુ જોઈ હેબતાઈ ગઈ હતી...
નર્સે.. બે હાથે બે પગે બાટલા ચઢાવ્યા. ઈંજેક્ષનો અને દવાઓને બીપ..બીપના મશીનોએ સાથે મળી હેલી પર જાણે હુમલો કર્યો...આ બધુ અવાચક નજરે રેવતી જોતી હતી. એ નો જીવ પડિકે બંધાયો હતો...મારી હેલી ...મારી હેલી....બસ જીભને લવો પડી ગયો હતો....હેલીના માથે હાથ ફેરવતી હાથને ચુબન કરતી એની પાંપણોથી આંસુના તોરણ સુકાતા ન હતા.‘હે ઈશ્વર,તું તો જાણે છે કેટલી તકલીફ પછી હેલીનો જન્મ થયો છે ? એના સિવાય મારૂ કોઈ નથી મારી ફૂલ જેવી દીકરી પર દયા ખા...બચાવી લે પ્રભુ.... ‘રેવતી સાડીનો છેડો મોમાં દબાવી હીબકે હીબકે રડવાલાગી..
રેવતી હેલીના ઓશીકે બેઠી હતી વ્હાલથી એના માથે હાથ ફેરવતી હતી..ને ત્યાજ અચાનક હેલી લગભગ ઉછળવા લાગી....
ડોક્ટર..ડોક્ટર...નર્સ..નર્સ...જલ્દી આવો ..જલદી આવો..રેવતી ચીસાચીસ કરવા લાગી .આખું દવાખાનું ગાજી ઉઠ્યું.ફટાફટ ડોકટર અને નર્સ દોડી આવ્યા.હેલીના મોઢામાથી ફીણ નીકળી રહ્યું હતું એનું આખું શરીર પથારીમાં ઉછળી રહ્યું હતું.ડોકટર નર્સ કઈ પણ ઈલાજ કરે તે પહેલા શ્વાસોનું સામ્રાજ્ય પડી ભાગ્યું હતું....
બધાંજ મશીનો શાંત થઈ ગયા...આજુબાજુ કોલાહલ હોવા છતાં રેવતી સાવ શૂન્યમનસ્ક થઈ ગઈ .એનું સર્વસ્વ લુટાઈ ચૂક્યું હતું.
અચાનક રેવતીના પાકિટમાં રહેલો મોબાઈલ રણક્યો.રેવતીની આંખો ,કાન બધુ જ કામ કરતું બંધ થઈ ગયું હતું.એના પર્સ માથી મોબાઈલ કાઢી નર્સે લગભગ રેવતીને ઢંઢોળતા કહ્યું; બહેન તમારો ફોન છે હિમ્મત રાખી વાત કરો ..’અવાક બનેલી રેવતી દિગ્મૂઢ નજરે પહેલા નર્સ સામે પછી થોડી સભાનતા કેળવી ફોન તરફ જોયું.સ્ક્રીન ઉપર મયંકનું નામ ટળવળતું હતું...
સ્વિચ દબાવી ફોન કાને ધર્યો ..સામેથી અવાજ આવ્યો ; ‘હેલ્લો...’ અને તળાવ ફાટે તેમ રેવતીનો અવાજ ફાટી ગયો ...’મયંક..મયંક .મારી હેલી..આપણી હેલી....મારી આંખોનું રતન ..મારો લાખ ખજાનો ...મયંક .મયંક તમે ક્યાં હતા?હું ક્યારની ને કેટલા દિવસથી તમને ફોન કરતી હતી...’હૈયાફાટ રુદન અને કરુણાનો કોઈ પાર નહીં...
નર્સે રેવતીના હાથમાથી ફોન લઈ મયંક સાથે વાત કરી;’ હેલ્લો ભાઈ તમે જલદી હોસ્પિટલ આવો આપની બાળકીનું ન્યુમોનિયાથી અવસાન થયું છે પેપર્સ,બિલ વિગેરે પૂરા ચૂકવી ડેથબોડી લઈ જય શકો છો...’
આલબમને છાતીએ વળગાડી ભૂતકાળના ભમરમાં રેવતી ઊંડીને ઊંડી ખૂપતિ જતી હતી.ત્યાંજ અચાનક ડો રબેલ વાગ્યો .રેવતીના કાન સભાન થયા.આંખો સુઝીને દડાથી ગઈ હતી કંકુ વરણી આંખોને બંને હાથો વળે લૂછતી..માથાના વાળ સરખા કરતી..સાડીનો પાલવ સંકોરતી ઉતાવળા પગલે દરવાજે પહોચી.દરવાજો ખોલતાની સાથે જ સામે મયંક ઊભો હતો . રેવતી મોઢું સંતાળતી પાછી વળી ત્યાજ પાછળથી મયંકે પેનો હાથ પકડી લીધો.રેવતી ગભરાઈ ગઈ ‘બાપરે હવે આઈ બન્યું...’શું છે હે.?.શું દુ:ખ પડી જાય છે તને ?રોજની રોકકળ માંડી છે? ખરેખર હું તારાથી કંટાળી ગયો છુ...આવું બધુ હમણાં મયંક બોલશે. એવા ડરથી રેવતી દયામણા ચહેરે મયંકની સામે જોયું.
પણ ,આ શું ?મયંકે હાથ ખેચી રેવતીને બાથમાં ભરી લીધી અને ગળગળા આવાજે કહ્યું:’ રેવતી મને માફ કરી દે મે તને બહુ હેરાન કરી છે .મારા વહેમિલા સ્વભાવથી તને ઘણી તકલીફ પડી’ મારા આવા સ્વભાવના લીધે જ મે મારુ વહાલસોયું બાળક ખોયું....
રેવતી કુતૂહલવશ મયંકની સામે જોવા લાગી .’હા.. રેવતી જે કાગળ હું શોધતો હતો એ હેલીના મેડિકલ પેપર્સ હતા. મે મારા વહેમીપણાની બધી હદ વટાવી દીધી છે. મે મારું અને હેલીનું ડી એન એ કરાવ્યુ....રેવતી,,, હેલી મારી દીકરી હતી...રેવતી મારાથી આ શું થઈ ગયુ?. મે એને જિવતે જીવ બાપનો પ્રેમ પણ ના આપ્યો. હું બહુ કમનસીબ છુ .પણ, આ બધાનો જવાબદાર હું જ છુ . હું તારો ગુનેગાર છુ મને માફ કરીદે....’
શું કરવું? રેવતીને કઈ સમજાતું નહતું.....બસ એતો મયંકનું માથું પોતાના વક્ષસ્થળે રાખી પંપાળતી રહી...ને ભૂતકાળના ભરડામાંથી બન્ને છૂટતા ગયા.....ધીરે ધીરે રાત ઢળવાં લાગી હતી ને ચાંદ આકાશની સોળે કળાઓને પોતાની બાથમાં ભરી હળું હળું ચાંદનીમાં ઓગળતો જતો હતો......
પારૂલ બારોટ .....