mari vansinchayeli maa in Gujarati Short Stories by Minaxi Chandarana books and stories PDF | મારી વણસિંચાયેલી મા

Featured Books
Categories
Share

મારી વણસિંચાયેલી મા

મારી વણસિંચાયેલી મા-મીનાક્ષી ચંદારાણા

“વાતે-વાતે ટકોર… એક-એક વાતે ટકોર… મા, કોક દી’ તો મારી સામે જો, સ્કૂલમાં બધા છોકરા-છોકરી કેટલા પૈસા ઊડાવે છે! એટલા તો હું માંગતોય નથીને ક્યારેય…! કોક દી’ તારા ધાર્યા બહારનું થઈ ગયું એમાં આટલી માથાકૂટ શું કર્યા કરે છે?”

અનિલે ખીજાઈને લોખંડના પલંગ પર પડતું મૂક્યું. મા કશું ન બોલી. બસ સામે જોતી ઊભી રહી ગઈ. અનિલને માની આ નજરથી સખત ત્રાસ થતો હતો. એણે આંખો બંધ કરી દીધી. અત્યારે આંખો ખોલવી જ નથી, આંખો ખોલું તો એ આમ શકરા બાજની જેમ સામે તાકી રહેને…!

ઘડીભર પછી તેને થયું કે હવે મા કામે વળગી હશે, સુદિપને ઘેર જઈને ફ્રેશ થઈ આવવા દે!

આ વાતાવરણમાં મૂડ સુધરવાનો નથી.

તેણે આંખો ખોલી. મા હજુ સામે જ ઊભી હતી, પણ એની નજર અનિલ તરફ નહીં, અનિલના પપ્પાની તસવીર પર ખોડાયેલી હતી.

ક્ષણભર ક્ષોભ થઈ આવ્યો અનિલને, અને વળતાં વિચાર આવ્યો… ‘ઈમોશનલ બ્લેકમેલિંગ ચાલતું જ રહેવાનું, કાં તો એ નહીં મરે ત્યાં સુધી, ને કાં તો… કાં તો હું નહીં મરું… અથવા ભણીગણીને કમાતો થઈને હું જુદો નહીં થઉં ત્યાં સુધી…’

પોતાના આ કુવિચાર પર શરમ આવતાં અનિલ બેસી પડ્યો. આ જરાય બરાબર નહોતું. માએ કેટકેટલી મહેનત કરી હતી અને કેટલાં લોકોની આંખે થઈ હતી!

આઠ વરસ પહેલાં અનિલનો બાપ મરી ગયો ત્યારે અનિલ પાંચ વરસનો હતો. સૌરાષ્ટ્રનું દુકાળિયું ગામ, અને એમાં નાનકડું ખેતર ધરાવતો મનજી એની બૈરી રૂડી અને દીકરા અનિલ સાથે સંતોષથી જીવન વિતાવતો‘તો. ખેતીની આવકમાં માંડ ખાવા જોગ મળતું, તે મનજી અને રૂડી પારકી મજૂરીએય જતાં અને જેમ-તેમ ગાડું ગબડાવતાં હતાં. બેયને ભારે હોંશ હતી દીકરા અનિલને ભણાવવાની. એટલે અનિલ સાડા ત્રણ વરસનો થયો ત્યાં તો બાજુના ગામમાં ચાલતા બાળમંદિરમાં અનિલને મૂકી દીધો હતો અને મનજી રોજ સાયકલ પર અનિલને લેવા-મૂકવા પાંચ કિલોમીટર દૂર પણ જતો ખરો!

અનિલને એ લાડ-પ્યારનાં દિવસો ઝાંખા-ઝાંખ પણ યાદ હતા. ઉલ્લાસથી ભરી-ભરી મા લાલ-લીલા ફૂલ-પાંદડાની ડિઝાઈનવાળા સાળું પહેરતી. હાથમાં ઘણી બધી બંગડી પહેરતી, સેંથો પૂરતી… મા પાસે સોના-ચાંદીની જણસ નહીં હોય… પણ એના જેવો ઉમંગ જરૂર હતો.

મનજીને સાપ કરડ્યો અને સારવાર મળે એ પહેલાં તો સે સિધાવ્યો… ત્યારે મા છાતીફાટ રડી હતી. સાસરીમાં ખાસ કોઈ સગું ન હતું એટલે મામાએ પિયર બોલાવી હતી, પણ અઠવાડિયામાં મન હલકું કરીને એ ગામ આવી ગઈ હતી.

ગામની નિશાળમાં શિક્ષીકા નિલાબહેન અમદાવાદથી આવેલાં હતાં, અને તેમનાં માતા સાથે રૂમ રાખીને રહેતાં હતાં, ત્યારે રૂડી તેમનાં નાનાં-મોટાં કામ કરી આવતી હતી. દરમ્યાન નિલાબહેનાં લગ્ન વડોદરામાં એક મોટી કંપનીની શાળાના પ્રિન્સીપાલ સાથે થયાં, અને રૂડીનું ભાગ્ય ચમક્યું.

નિલાબહેનના સરવન્ટ ક્વાર્ટરમાં રૂડી અનિલને લઈને રહેવા આવી ગઈ હતી. નિલાબહેનના પતિ શરદભાઈએ અનિલનું એડમીશન કંપનીની શાળામાં કરાવી આપ્યું હતું.

બધું યાદ કરતાં-કરતાં અનિલનું મ્હોં કડવાશથી ભરાઈ ગયું હતું. અહીંના ચોકીદારના છોકરાઓને બાદ કરતાં બીજાં બધાં છોકરા-છોકરીઓ પૈસાદાર વર્ગનાં હતાં. સ્કુલના ટાઇમિંગ સિવાય એ બધા સરસ-સરસ કપડાં પહેરતાં. નાસ્તામાં પીઝા, બર્ગર, બ્રેડ-બટર લાવતાં, અથવા કેન્ટીનમાંથી મોંઘો નાસ્તો, કોલ્ડ્રીંક્સ, આઇસક્રીમ લેતાં… મોંઘા કલર ટી.વી. પર જોએલી સિરીયલોની વાતો કરતાં… દોઢસો રૂપિયાની ટિકિટવાળા સીનેમાઘરોમાં સિનેમા જોવા જતાં… ગાડીમાં જતાં-આવતાં… અને અનિલને આવા લોકોની ગાડી ધોવી પડતી.

અનિલ ભણવામાં ઘણો હોંશિયાર હતો એટલે ઉચ્ચ અધિકારીઓનાં સંતાનો તેની ઈર્ષામાં તેને ‘યુ પૂઅર બોય…!’ કહી ઉતારી પાડતાં હતાં. જોકે રૂડીએ અનિલને સતત કરકસર કરી બે પૈસા બચાવવાની અને મહેનત કરીને આગળ આવવાની ટકોર કરી એથી જ અહીં સુધી પહોંચ્યો હતો કે જ્યાં એ બધા શિક્ષકોનો લાડકવાયો બની ગયો હતો. વળી બાસ્કેટબોલમાં પણ એ ખૂબ સરસ દેખાવ કરી રહ્યો હતો.

પણ હવે અનિલ બારમાં ધોરણમાં હતો, મોટો થયો હતો, પોતાને સમજુ ગણતો હતો. માનતો હતો કે દોસ્તો સાથે રહેવું હોય તો થોડા પૈસા ખરચવા પણ પડે…!

મા કહેતી, કે દોસ્તો સાથે રહેવું શું કાં પડે? તને હું સારા ટ્યુશનમાં મોકલું છું… ભણાવું છું… આખી જિંદગી આ રીતે જ જીવ્યા કરવાનું? બે પૈસા વધારે વાપરી નાખ્યા, કે થોડી મોજ-મજા જલસા કરી લીધા તો શું થયું!

અને હવે આ ઈમોશનલ બ્લેક મેઇલીંગ… પપ્પાના ફોટા સામે તાકી રહેવું…

અનિલે મનમાં કંઈક નક્કી કરી લીધું. એ મક્કમ પગલે ઊભો થયો અને મા પાસે ગયો. “મા, હું આ રીતે જીવીને કંટાળી ગયો છું. ગામડે જઈને ખોરડું-જમીન બધું વેંચી આવીએ. થોડા પૈસા બેંકમાં હશે, તો મારોયે હાથ છ્ટ્ટો રહેશે અને તારોયે જીવ પછી ઊંચો નહીં રહ્યા કરે…”

એ અનુસાર આજે દેશમાં જવાનું હતું. મા-દીકરા વચ્ચે ક્યારનુંયે ઘટ્ટ મૌન ઘેરાયેલું હતું. રૂડીને ઘણા ઓરતા હતા, અનિલની ગાડી પાટે ચડી જાય તો ઘડપણ ગામમાં શાંતિથી વિતાવવાના… પણ એ કશું ન બોલી નહોતી.

ટ્રેન આગળ વધતી ગઈ. ધીમે-ધીમે ગુજરાતનો લીલો પ્રદેશ છૂટતો જતો હતો. અડાબીડ ઝાડવાં ધીમે-ધીમે ઘટતાં ગયાં. ખેતરોની લીલાશ પણ ઘટતી ગઈ, પણ આ તો સૌરાષ્ટ્રનો પ્રદેશ… ખરા બપોરે ટ્રેન દોડતી હતી અને આ બારીમાંથી જુઓ કે પેલી બારીમાંથી, દૂર-દૂર સુધી વરસાદના અભાવે સૂકાઈ ગયેલાં પીળાં-પીળાં ખેતરો દેખાતાં હતાં. હા, ક્યાંક પીળાશનું મેણું ભાંગવા આવ્યા હોય તેમ બાવળ પણ આવતા’તા, પણ એનેય એટલી લીલાશને નજર લાગવાની બીક લાગતી હશે, તે પીળાં ફૂલ પહેરીને ઊભા હતા. અનિલને નિલાબહેનના સી.ડી. પ્લેયર પર વાગતું ગીત યાદ આવી ગયું…

હદ્દે નજર તક યે વિરાની સાથ ચલેગી,

દીલવાલોં ક્યા દેખ રહે હો…

અચાનક એને થયું કે આજે જ, કેવળ આજે જ આ ગીતનો મતલબ સમજાયો છે. નજર પહોંચે ત્યાં સુધી માંડ્યા કરો અને નકરી પીળાશ આંખમાં વાગે એ કેવો અનુભવ હોય એ એ.સી. રૂમમાં સી.ડી. સાંભળનાર ને શું ખબર હોય?

એની અને રૂડીની નજર મળી, એનાથી રૂડી સામે હસાઈ ગયું. રૂડીને પણ એની હળવાશ ગમી… ભલે વેચવું હોય તો ખેતર વેચી નાખે… મોઢું સારું રાહે તોયે ઘણું…

સ્ટેશને ઊતરી, પોતાના ખોરડે પહોંચ્યા ત્યારે ખોરડું અકબંધ હતું. ખેતર અકબંધ હતું… એની પીળાશ સમેત…

ખેતર-ખોરડું વેચવાના વિચારથી રૂડીને કમકમાં છૂટવા માંડ્યાં… તાળું ખોલીને એ બેસી પડી… અને પીળાં ખેતર ભણી તાકતી નિસાસો નાખતી બોલી પડી… મારી વણસિંચાયેલી મા…!

અનિલે નિસાસો સાંભળ્યો… મારી વણસિંચાયેલી મા…!

ઘડીભર ખેતરને તાકીને એ ઊભો થયો અને રૂડી પાસે આવ્યો, પગમાં પડ્યો. રૂડીના વાઢિયા પડેલા રૂક્ષ પગ પર હાથ ફેરવ્યો… અને ઊભો થયો. કામ કરી-કરીને કઠોર થઈ ગયેલી રૂડીની હથેળીને પસવારી… રૂડીની આંખમાં આંખ પરોવી, બેનૂર ચહેરા પર એક દૃષ્ટિપાત કરતો ભાંગી પડ્યો…

મારી વણસિંચાયેલી મા…!

માના ચહેરા પર નૂર ફરી વળ્યું. કડક હથેળી ઢીલી થઈ, વાઢીયાનો દુઃખાવો ઓછો થવા માંડ્યો.

એણે દીકરાને પૂછ્યું નહીં કે તું ખરેખર માને સિંચવાનો કે… આ ઘડીભરનું…!

મા તો સિંચાતી રહી, સિંચાવા લાગી દીકરાના એક ઘડીભરના સાક્ષાત્કારથી… અને સિંચાતી રહેશે જીવનભર… જોજો…

કોઈ અનિલનું ક્યારેય નક્કી નથી હોતું કે એનું મન હંમેશા રૂડીને સિંચવા કરશે કે કેમ! પણ રૂડીઓ તો સિંચાતી જ રહે છે… એક વાછટના સહારે…

---------------------------