એકબંધ રહસ્ય
ભાગ - 4
Ganesh Sindhav (Badal)
લગ્ન થયાને ચાર વરસનાં વહાણાં વાયાં છે. જયા પરણીને પેહલીવાર પોતાના સાસરે રામપુરા આવી હતી. તે પછીથી એકપણ વખત એ ત્યાં ગઈ નથી. સુરેશે પોતાનાં મા-બાપને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, “તમે કદીએ જયાને તેડવા જવાનો વિચાર કરશો નહીં.” આ નકાર ભણ્યા પછીથી એ ગામ છોડીને શહેરમાં રહેવા ચાલ્યો ગયો. એણે ત્યાં મિલની નોકરી સ્વીકારી હતી. આ કારણે સુરેશની મા રેવા અને એના મામા ચતુરભાઈ વચ્ચે બોલવાના સંબંધો રહ્યા ન હતા. સુરેશનાં મા-બાપ દુઃખી હતા. એમને મન પોતાનો દીકરો કપાતર પાક્યો છે. ગામમાં એમની નિંદા થતી હતી. સુરેશના પિતા વિઠ્ઠલભાઈ ખેતરના કેટલાક કામો જાતે કરતા હતા. પોતાનાં મા-બાપને આર્થિક મદદ માટે સુરેશે મનીઓર્ડર મોકલ્યો. વિઠ્ઠલભાઈએ એ પરત મોકલ્યો ને એક પોસ્ટકાર્ડ લખ્યું.
સુરેશ, અમારે તારા પૈસાની જરૂર નથી. હવેથી ક્યારેય મનીઓર્ડર મોકલતો નહીં. જે દીકરાઓ મા-બાપના કહ્યામાં ન રહે એવા દીકરા હોય તોએ શું ? ન હોય તોએ શું ? સુરેશ નાં મા-બાપની ઈચ્છા હતી કે એ શહેરમાંથી પાછો આવે. જયાને તેડીને ગામમાં જ રહે. આ વાત સુરેશને મંજુર ન હતી. આ કારણે એ ગામ છોડીને શહેરમાં ગયો હતો.
એક દિવસ એના મામા ચતુરભાઈ અને એના પિતા વિઠ્ઠલભાઈ શહેરમાં સુરેશને ઘરે પહોંચ્યા. એ બંનેએ એને ખુબ સમજાવ્યો. ચતુરભાઈએ એણે કહ્યું, “સુરેશ તારો દીકરો ચાર વરસનો છે. એ શાળાએ જાય છે. જયા પી.ટી.સી. કોલેજ કરીને દેવપરાની શાળામાં નોકરી કરે છે. શિક્ષણપ્રધાન સાથે આપણા વિરમના સારા સંબંધ છે. એની બદલી અહીં શહેરમાં કરાવી દેશે. તમે બંને અહીં સુખેથી રહો. તમારા દીકરાને અંગ્રેજી શાળામાં દાખલ કરીને ભણાવો. મારી આ વાત તારા મગજમાં ઊતરતી હોય તો હું જયાને અહીં મૂકી જાઉ.”
સુરેશ કહે, “મામા તમે ન જાણતા હો તો જાણી લ્યો. લગ્ન કરીને જયા અમારા ઘરે આવી હતી. ત્યારે એણે મને જે કહ્યું હતું એ શબ્દો હું તમને કહું છું.”
‘મારા ઉદરમાં અઢી માસનું બાળક છે. હું એના બાપ તરીકે તમારું નામ લખાવવાની છું. તમારે મારો અને એ બાળકનો સ્વીકાર કરવો પડશે. જે પુરુષના સંસર્ગથી મારા પેટમાં બાળક છે, એનું નામ હું કદી કોઈને કહેવાની નથી. આ બાબત તમારે મને કદી કંઈ પૂછવાનું નહીં.’
મામા, “તમે જેને મારો દીકરો કહો છો એ હરગીજ મારું સંતાન નથી. મારાથી એનો સ્વીકાર થશે નહીં.”
સુરેશની વાત સંભાળીને વિઠ્ઠલભાઈ અવાક્ બન્યા. ચતુર પટેલ નીચી નજર રાખીને બેઠો હતો. છેવટે એ બોલ્યો,
“સુરેશ, જીવનમાં ક્યારેક ઘૂંટ પીવા પડે છે. તું તારા બાપની આબરૂનો વિચાર કર. તારી માની આંખોમાંથી આંસુ સુકાતા નથી. આપણા ગોળના નાતીલા તારા કુટુંબ પર ખફા થશે. તારે નાત વચાળે ઊભા થઈને જવાબ આપવો પડશે. જયા તારી પર કેસ કરશે. તારી કોલેજની નોકરી જશે.”
ચતુર પટેલની વાત સંભાળીને વિઠ્ઠલભાઈને ઝટકો લાગ્યો. એમણે સુરેશની વાતને સમર્થન આપ્યું. એ કહે, “ચતુર! તું સુરેશને કોઈ જાતનો ડર બતાવીશ નહીં. હું એનો બાપ બેઠો છું. તું તારા સાળાનો પક્ષ લઈને સુરેશને ડર બતાવે છે. એ મારાથી સહન થતું નથી. સુરેશે જે વાત કરી એનો તને રંજ થતો નથી. એ શા માટે કડવા ઘૂંટ પીવે ? ચોર કોટવાલને દંડે એવો ન્યાય અમને માન્ય નથી.”
સુરેશ કહે, “જયાએ જે કરવું હોય તે કરે. નાતીલા અમને નાત બહાર મુકે તો મુકવા દો. જે સ્ત્રી પરણ્યાની પ્રથમ રાતે પોતાના પતિની આંખે પાટા બાંધવાની વાત કરી શકે એની સાથે જિન્દગીની સફરમાં આગળ ચાલવું એ મુર્ખામી છે. હું એવો મૂરખ નહિ બનું. જયા એની ભૂલનો સ્વીકાર કરે તો હું એણે માફ કરું. એ અંગે એણે પૂછીને અહીં મારી પાસે આવજો.”
ચતુર વીલા મોઢે પોતાને ગામ પાછો ફર્યો.
લગ્નના પ્રથમ આણે આવેલી જયા સગર્ભા છે. એ વાત સુરેશે કોઈને કહી નહોતી. આજે એણે એના મામા અને બાપને એ વાત કરી. બીજા દિવસે વિઠ્ઠલભાઈ પોતાના ગામ રામપુરા પાછા આવ્યા. એમણે રેવાને સુરેશની વહુ જયા અંગેની વાત કહી. એ સંભાળીને રેવા ચોધાર આંસુએ રડી એને સુરેશની મનોવ્યથાનો ખ્યાલ આવ્યો. એના મોઢેથી સહજ ઉદગાર નીકળ્યો, “મુંઈએ મારા દીકરાનું જીવન ધૂળધાણી કરી નાખ્યું.” એણે ઊંડો નિસાસો લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
ચતુર પટેલનો મોટો દીકરો વિરમ એસ.એસ.સી.ની પરીક્ષામાં ત્રણ વાર નાપાસ થયો. એના કોઠે વિદ્યા ચડતી ન હતી. છેવટે એને ભણવાનું છોડાવીને ખેતીના કામમાં જોડ્યો. ખેતીમાં એનું ચિત્ત ચોટતું નહીં એને છેલબટાઉ થઈને ફરવું ગમતું. ચતુરે એના લગ્ન કરાવી દીધા. એની પત્ની મંજુલા પણ પાંચ ચોપડી ભણી હતી. એ બિચારી સાસરે આવીને છાણવાસીંદા કાર્ય કરતી. ઘરના નાનાં-મોટા તમામ કામનો ઢસરડો એ કર્યા કરતી. એને પાંચ વરસનો દીકરો અને અઢી વરસની દીકરી હતી.
ચતુર પટેલ સુરેશના ઘરેથી પોતાના ગામ રવાના થયા. એને ચિંતા થતી હતી. પોતાના સાળાની દીકરી જયા ઘણીવાર પોતાના ઘરે આવીને રહેતી હતી. વિરમ સાથે એને વિશેષ ફાવતું હતું. ઘણીવાર એ બોરવાળા ખેતરે વિરમ સાથે જતી. જો કે એની સાથે ભેંસોની ચાર વાઢવ મંજુલા જતી. એ બીચારીનું વિરમ આગળ કઈપણ ચાલતું નથી. વિરમ અને જયા વચ્ચે કઈંક અજુગતું બન્યું હોય તો એ વિચાર એના મનમાં ધોળાવા લાગ્યો.
હવે તો વિરમની શાખ જીલ્લાના પ્રતિષ્ઠિત આગેવાન તરીકે થતી હતી. પંચાયતની chutanichutaniચુંટણીમાં એવ વિજયી બન્યો. હાલમાં એ ખેતપેદાશ ખરીદ-વેચાણ સમિતિનો ચેરમેન છે. એના એ મોભાના કારણે ગામ ઊજળું બન્યું છે. ઘરમાં સંપતી વધી છે. રાજકારણમાં એની ફાવટથી એ આગળ ને આગળ ચાલ્યો જાય છે . જયાવાળી વાતે એને આંચકો લાગે તો ...!
એટલામાં બસના કંડકટરે દોરી ખેંચીને ઘંટડી વગાડી. ચતુર બસમાંથી ઊતરીને ઘરે પહોંચ્યો. આંગણે વિરમની જીપ નહોતી. એ ઘરે હોય કે ન હોય એની આગળ સુરેશ કે જયાની ચર્ચા કરવી એ જોખમી છે. રાતના ચાર વાગ્યા તોયે એને ઊંઘ આવતી ન હતી. થોડી વારે એની આંખે મીંચાણી. એ ઊંઘવા લાગ્યો.
એણે સપનું આવ્યું. એના હાથમાં કુહાડી હતી. એ લઈને ફળિયાના ઘટાદાર લીમડાને એ કાપવા લાગ્યો. પરસાળના પાટ પર સૂતેલો ચતુર હાંફતો હતો. એ ઝબકીને જાગી ગયો. સવારના સાત વાગ્યા હતા. એણે જોયું તો વિરમની વહુ મંજુલા ભેંસોને ખાણ આપીને દોહતી હતી. ઓરડામાં એની દીકરી મમ્મી મમ્મી કહીને રડતી હતી.
જયા દેવપરામાં એકલી રહીને શિક્ષિકાની સર્વીસ કરતી હતી. એનો દીકરો સુમન એના નાના રમેશભાઈને ઘેર રહીને પહેલા ધોરણમાં ભણતો હતો. ચતુરને ચેન પડતું ન હતું. એ રમેશભાઈ ના ગામ રતનપર પહોંચ્યો. સસરાના ગામે ઘણા સમયે જવાથી એને આવકાર મળ્યો. જયાના દીકરા સુમનને એ જોયા કરે. એણે મનોમન થયું કે, “આ સુમન અદ્દલ વિરમ જેવો જ લાગે છે. એના હાવભાવની લઢણ વિરમની છે.” એણે સુમનને પોતાની પાસે બોલાવ્યો. એના દફતરમાંથી નોટ કાઢી. એની પર લખ્યું હતું સુમન સુરેશભાઈ પટેલ.
જયાની મા મધુ, ચતુર આગળ કકળાટ કરવા લાગી. “તમારા ભાણેજે મારી દીકરીનો ભાવ બગાડ્યો. જયાએ તો આ એના સુમનના સહારે જીવતર પૂરું કરવાનું નક્કી કર્યું છે. હું તો એની મા છું. જયાનું દુઃખ મારાથી જોવાતું નથી. એ એના સાસરે હોય એવા દિવસની રાહ જોયા કરું છું. તમે ધાર્યું હોત તો તમારા ભાણેજને સીધો દોર કરી શક્યા હોત. કોણ જાણે એના મનમાં શું ભુંસું ભરાયું છે. એ જે હોય તે એણે તમને કેહવું જોઈએ ને ?” મધુ બોલતી હતી એ બધું ચતુરે મૌન બનીને સાંભળી લીધું.
સુમન કહે, “બા તમે આ દાદાને શા માટે વઢો છો ? એ તો સારા લાગે છે.”
મધુ કહે, “તું હજી નાનો છે. જયારે તું મોટો થઈશ ત્યારે તને સારા નરસાનો ખ્યાલ આવશે. એમનો ભાણેજ એ તારો બાપ છે. એને તારી મમ્મી કે તારી કોઈ દરકાર નથી. એની ફરજનું ભાન એણે આ દાદા કરાવી શક્યા હોત.” નાનકા સુમને ઠાવકું મોં કરીને બાની વાત સાંભળી લીધી.