ડૉ. નિયતિ અંતાણી
આસિસ્ટન્ટ પ્રોફેસર
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજની)
અમદાવાદ
‘પરિત્રાણ’નાં મહાપાત્રો
મહર્ષિ વેદવ્યાસ રચિત ‘મહાભારત’ ભારતીય જીવનનો પ્રેરણાસ્રોત છે. આ આકર ગ્રંથ ભારત વર્ષના કવિઓ માટે વસ્તુ, વિચાર અને ભાવનાના આકારરૂપ રહ્યો છે. ખરે જ કહેવાયું છે કે “આમાં જે નથી તે બીજે નથી જ.” અસંગતિવાદ, અસ્તિત્વવાદ, વાસ્તવવાદ, પરાવાસ્તવવાદ, પ્રતીક્વાદ, દાદાવાદ,આધુનિકવાદ જેવા બધાં જ વાદોનો સંગમ અહીં છે. આ બધાં વાદોથી ઘેરાયેલા અત્યાધુનિક માનવીની આંતરિક કટોકટીનું કારણ બહાર નહી, પણ અંદર જ છે, આપણે પોતે જ છીએ. આપણો નાશ આપણી અંદર રહેલો દુર્યોધન જ કરશે. સંસ્કૃત કવિઓથી લઈને આધુનિકોત્તર સર્જકોને મહાભારત આકર્ષે છે.
આમ તો ‘પુરા’ એટલે જે થઇ ગયું છે તે અને એ થઇ ગયેલી ઘટનામાં કે પાત્રમાં સર્જક પોતાનું કલ્પન ઉમેરે તે એટલે ‘પુરાકલ્પન’. પરંતુ સર્જક દ્વારા જે પુરાકલ્પન ઉમેરાય તે વાસ્તવને અનુષંગે હોય એ જરૂરી છે. દર્શક પોતાના આ નાટકમાં પુરાકલ્પનનો ઉપયોગ કરીને, પાત્રો દ્વારા પોતાની ધર્મમીમાંસા અને તત્વદર્શનને સાંપ્રત સમયમાં પણ અનુસંધાનિત કરવામાં ઉત્તીર્ણ નીવડ્યા છે.
‘પરિત્રાણ’ના પહેલા બે અંકો ઉદ્યોગપર્વને આધારે છે. અંક ત્રીજાનો પહેલો પ્રવેશ જેમાં યુદ્ધના ચૌદમા દિવસની રાત્રિનું નિરૂપણ છે. એમાં દ્રોણ પર્વના ઘટોત્કચ પર્વનું આલંબન છે. એનો બીજો પ્રવેશ આશ્રમવાસિક પર્વમાંથી વસ્તુ લે છે.
‘પરિત્રાણ’માં દર્શકની જીવનદ્રષ્ટિ દેખાય છે. તેમજ નાટ્યોચિત રસલક્ષિતા પણ છે. આ બંને તત્વોએ એમની પાસે મૂળ કથામાં પરિવર્તનો પણ કરાવ્યાં છે. પણ હા, મૂળ કથાને વળગી રહેવાનો સભાન પ્રયત્ન પણ બરાબર કર્યો છે.
‘પરિત્રાણ’ ત્રિઅંકી નાટક છે. અહીં એક છેડે કૃષ્ણ છે જે ધર્મ છે અને એક છેડે શકુનિ છે જે બળ છે. આ નાટકના આ બે મુખ્ય પ્રતિસ્પર્ધી તત્વો છે – બળ અને ધર્મની સ્પર્ધા. આ સ્પર્ધા દ્વારા દર્શકની ધર્મમીમાંસા પ્રગટ થાય છે. એમાં આધુનિક દ્રષ્ટિ છે.
પહેલા અંકના બીજા પ્રવેશમાં શકુનિનું પાત્ર પ્રગટ થાય છે. શકુનિ ધૂર્ત છે પણ કુશળ રાજનીતિજ્ઞ છે. પોતાના કાર્યની સફળતા માટે કયા પ્યાદાની સામે પાસાં નાખવા તે બરાબર જાણે છે. કર્ણ જેવા મહારથીને પણ સમજાવવામાં સફળ રહે છે કે પાંડવોને અર્ધું રાજ્ય અપાય નહિ. પ્રતિસ્પર્ધીને ક્યારેય અંગે લગાડાય નહિ. પ્રકૃતિનો ધર્મ જ જે સ્પર્ધારૂપે હોય તેનો નિરોધ કરવાનો છે. આ ભરતકુલકલહનું પ્રેરકબળ શકુનિ છે. શકુનિ પોતાનું સ્વરૂપ વ્યક્ત કરે છે. ‘આ યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નથી.... આ તો છે કૃષ્ણ અને શકુનિ વચ્ચેનું.... મહર્ષિ કણિકનો શિષ્ય હું એમ કહું છું કે બળવાન કહે તે ધર્મ.’ પાંડવોને રાજ્ય શા માટે ના આપવું જોઈએ તેના તર્ક- વિતર્ક કરીને તે દુર્યોધન અને કર્ણને મનાવવામાં સંપૂર્ણ સફળ રહે છે. જેમકે, -
દ્યુત રમ્યા, હાર્યા, શરત મુજબ વનમાં ગયા. આપણે હાર્યા હોત તો આપણે જાત.
વ્રીહિક્ષેત્રમાં દર્ભ અને વ્રીહિને સ્પર્ધા છે. કાં તો દર્ભ વ્રીહિધાન્યને દાટી દે ને કાં તો વ્રીહિધાન્ય દર્ભને ઢાંકી, મૂંઝવી, ગૂંગળાવીને તેનું ખાતર કરી સમૃદ્ધ થાય.
આ ધર્મનું અંત લગી પાલન કરવું જોઈએ. સ્પર્ધાના ધર્મનું – બળવાનના ધર્મનું.
રાજાએ સમયાનુવર્તી થવું જોઈએ. સિંહ ને શિયાળ બંને થતાં આવડે તે રાજા.
બિલાડીએ પગમાં ગાડી રાખી છે, તે પગમાં ઝાંઝર પહેરી શિકાર કરવા નથી જતી.
‘માતુલ તમે તો ઋષિ છો.’ દુર્યોધનના આ મત સાથે સાવ સહેમત ના થવાય એવું અહીં નથી લાગતું. તેની પ્રતીતિ ત્રીજા અંકના પહેલા પ્રવેશમાં થયા વગર નથી રહેતી. ઘટોત્કચ દ્વારા થયેલા સંહારની મહાકાલ રાત્રિ અને અંતે અર્જુન માટે રાખેલી સાંગ કર્ણ ઘટોત્કચ માટે વાપરે છે અને તેનો વિનાશ કરે છે અને ભીષણ બનેલો ભીમ દુ:શાસનને હણીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે એ ઘટના પછી અર્જુન અને કૃષ્ણ રણભૂમિમાં નીકળે છે. ભયથી ત્રસ્ત એવી રાત્રિએ ભીમના મહાકાળનાં ગણ જેવા સ્વરૂપથી નખશિખ થીજી ગયેલો શકુનિ આવે છે. કૃષ્ણ અને અર્જુનને પોતાના રથ પાસે લઇ જઈ દ્રાક્ષાસવ પાય છે. આ આસવ પણ પોતાની આંતરિક ધ્રુજારી ઉડાડી નથી શકતો એની કબૂલાત શકુનિ કરે છે. પોતાની ગણતરી કવી ખોટી પડી, અને યુદ્ધ પૂરું થતાં તો પોતે જ પૂરો થઇ જશે એવી કંઈક ભવિષ્ય શંકા પણ થઇ ગઈ. શકુનિ અહીં સંવાદ દ્વારા તો નહિ પણ વર્તન દ્વારા તો ચોક્કસ તેનામાં થયેલા પરિવર્તનને સમજાવે છે કે બળ નહિ પરંતુ ધર્મ જ પ્રકૃતિનો મૂલાધાર છે. એટલે જ તો કૃષ્ણ સમક્ષ સ્વીકારે છે કે મેં પણ ક્યાં મારા બળ ધર્મનું પાલન કર્યું છે ! તમને મારવાને બદલે આસવ પાઉ છું. ખરી રીતે એમાં કાલકૂટ ભેળવી દેવું જોઈએ.
આ જ તો કૃષ્ણની અસર છે. સ્તબ્ધ થઈને ઉભેલો, બળને ધર્મ માનતો શકુનિ અપરિમેય, સદાજાગૃત, સત્યસંરક્ષક ઈશ્વર અને ધર્મના ‘પરિત્રાણ’ સમા કૃષ્ણને સ્વીકારે નહિ તો ક્યાં જાય ????
આ નાટકનાં બીજાં બે મજબૂત પાત્રો છે – ગાંધારી અને દ્રૌપદી. સમગ્ર ભારત વર્ષમાં સતી તરીકે પૂજાતી આ બંને સ્ત્રીઓ સ્વમાની, ન્યાયપ્રિય, આત્મસન્માનની રક્ષક છે. ગાંધારી સારું છે કે ધ્રુતરાષ્ટ્રની માફક સ્નેહાંધ નથી. ધ્રુતરાષ્ટ્ર તો મન:ચક્ષુથી પણ અંધ છે પરંતુ ગાંધારીનાં પ્રજ્ઞાચક્ષુ ન્યાયપ્રિય અને સત્યનું દર્શન કરનારાં છે. એટલે જ યુધિષ્ઠિરની માતા તરીકે કુંતીને પાટા છોડીને જોવાનું મન તેને થાય છે. એટલે તો કુંતી ગાંધારીના સંદર્ભમાં કહે છે, ‘ મહારાજ ધ્રુતરાષ્ટ્રની અંધ કીકીઓને પણ વીંધી જે જીતી ગયાં તેની તોલે તો કોણ આવે ?’ પાંડવો પાછા આવી શકશે ? એવી કુંતીની આશંકા સામે ગાંધારી સહજ ન્યાયથી કહે છે, જે જેનો અધિકાર તેણે તે ભોગવતાં કોણ રોકી શકે તેમ છે ? રાજમાતાના ધર્મને તે સારી રીતે સમજે છે કે પોતાના રાજ્યને માતૃછાયા આપી, નિત્ય ફૂટતું, ફોરતું , લહેરાતું રાખી શકે તે રાજમાતા. પોતે આ નથી કરી શક્તિ એનો અફસોસ જ તેની નિખાલસતા અને આંતરિક પ્રામાણિકતા દર્શાવે છે. તેણે આક્રોશ છે એ તમામ મંત્રીઓ તરફ જેમણે પ્રારબ્ધની આડમાં મહારાજની અંદરની આંખો પણ ઓલવી નાખી. દ્યુતસભામાં પોતે અને પુત્ર વિકર્ણ વિરોધ નોંધાવી રહ્યાં હતાં બાકી તો બધાં પ્રારબ્ધની ઢાલ આડે કાપુરુષોની જેમ ભરાઈ ગયા. ગાંધારીને મૂઢ અકર્મણ્યતાને આશરે જીવવા કરતા તો દાવાગ્નિમાં પ્રાણાર્પણ કરવું ઉચિત લાગે છે. કુલલક્ષ્મીનું વસ્ત્રાહરણ, તેના આત્માનું અપમાન ગાંધારી ભૂલી નથી. દુર્યોધનને સમજાવવામાં અને શકુનિને આંખ દેખાડવામાં તેણે કોઈ કચાશ નથી રાખી. તે પોતાના પુત્રની મૂઢતા અને ભાઈની ધુર્તતાથી અજાણ નથી. એટલે જ નિષ્ઠુર કાળથી બાથ ભીડવા ઉભી થઇ છે. આ જ કદાચ સાચી રાજમાતા અને ક્ષાત્ર સ્ત્રી છે !
त्यजेत एकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत | ग्रामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीं त्यजेत || (કદાચ ગાંધારીને આ શબ્દો બંધબેસે છે !)
શ્રીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો પંચ પતિ છતાં સતી એવી દ્રૌપદી, પાંચાલી, કૃષ્ણની સખી એવી કૃષ્ણા. ભવિષ્યમાં કુરુક્ષેત્રને ધર્મક્ષેત્રમાં ફેરવવામાં નિમિત બનનાર એવી દ્રૌપદી ત્રસ્ત છે કે કૃષ્ણ વિષ્ટિ કરવા જાય છે એ સભામાં જ્યાં એના સતીત્વનું, એના સ્ત્રીત્વનું હલાહલ અપમાન થયું છે. તેના આત્માની અવહેલના થઇ હતી. પોતાના પતિઓના મુખે તો તે સંધિની વાત સંભાળીને કદાચ ચુપ રહી શકી પણ કૃષ્ણ ??? તેણે સખા, બાંધવ અને સુહ્રદ એવા કૃષ્ણ ??? આ તેના માટે અસહ્ય છે. આવો ધર્મ તેણે સ્વીકાર્ય નથી. સમય આવ્યે તે પોતે એટલી સક્ષમ છે કે અભિમન્યુ અને પોતાના પાંચ પુત્રોને લઈને સમગ્ર કૌરવોનો – અધર્મનો સંહાર કરી શકે. આ આત્મવિશ્વાસ જ તો તેણે ખરા અર્થમાં યાજ્ઞસેની બનાવે છે. આ સંધિથી થયેલ કે મળેલ રાજ્ય તેણે મંજુર નથી. કૃષ્ણના હૃદયમાં ઉચ્ચ સ્થાને બિરાજતી કૃષ્ણા ઉજ્જવલ સતીત્વ ધરાવે છે. પાંડવોની કીર્તિ સારુ જ તો તે અપમાનનું ઝેર પીએ છે. એટલે જ તો વિશાળહૃદયી દ્રૌપદી કૃષ્ણને સંધિ માટે શુભેચ્છાઓ આપે છે. યુધિષ્ઠિર અને ભીમને પણ તે કટાક્ષ કરે છે કે વિપત્તિ વખતે મારું ઋણ હવે યાદ રાખજો. ત્યારે યુધિષ્ઠિર કહી ઊઠે છે, “ કેવાં છે આ પાંચાલી, મેઘઘટા જેવાં ! માતા, ભગિની, ભાર્યા, મંત્રી, દાસી, સખી શું શું નથી તે ? તેના વિના અમે બધાં કેવાં તેજોહીન હોત ? અરે હોત જ ખરા ?’ આવું મજબૂત પત્ર દ્રૌપદીનું શ્રી દર્શક બનાવી શક્યા છે.
બીજા અંકના ત્રીજા પ્રવેશમાં ભીષ્મ અને શિખંડીનાં પાત્રને દર્શકે નવીન રીતે ઉપસાવ્યાં છે. કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યા પછી મનથી મોક્ષ પામેલા ભીષ્મ દુર્યોધનને કહે છે તારા પ્રતાપે અમે તો તરી ગયા, તું છો ડૂબતો. ત્યારે શિખંડી પ્રાશ કરે છે, તમે યુદ્ધે ચડવાના ખરા ને ? અને ભીષ્મ કહે છે , એ તો પૂરુંય થઇ ગયું. પૂર્વ જન્મની અંબાને આશાભંગ કરવાનો અફસોસ ભીષ્મને આજે પણ કોરે છે. ‘પ્રતિજ્ઞા ન હોત તો મને સ્વીકારત ખરા ?’ એવા શિખંડીનાં સવાલ સામે ભીષ્મ આપે છે હાસ્ય. (આ હાસ્યને વેદનાયુક્ત કહી શકાય... કેમકે પ્રતિજ્ઞાનો ભાર દેવવ્રત માટે ખરા અર્થમાં ‘ભીષ્મ’ બની રહ્યો એવું દર્શક દર્શાવી શક્યા છે. ) પણ શિખંડીનાં જવાબ માટેના આગ્રહ સામે એટલું જ બોલી શકનાર કે અંબાને સ્વીકારી હું કૃતકૃત્ય થયો હોત એવા ભીષ્મ તો શ્રીકૃષ્ણનાં વિરાટ દર્શન દ્વારા મોક્ષ મેળવવાના અધિકારી જ હતા. સાત વર્ષ સુધી અંબાએ પોતાના અને શાલ્વની વચ્ચે ધક્કા ખાધા એ વેદના કદાચ સૌથી વધુ ભીષ્મને જ છે. પણ તેમના માટે પ્રતિજ્ઞા જ ધર્મ છે. કદાચ આ જ ‘ધર્મ’ છે જેના સારથિ કૃષ્ણ છે.
‘પરિત્રાણ’ નાટકમાં હોય, ‘મહાભારત’માં હોય કે આ વાસ્તવિક જગતમાં જે સૌથી વિશાળ પાત્ર છે તે સર્વથા કૃષ્ણ છે. કૃષ્ણ સિવાય શું છે આ બધામાં ? વિષ્ટિ કરવા આવેલા કૃષ્ણને કેદ કરવાની મુર્ખામી કરી રહેલા દુર્યોધન અને તેના જેવા મુઢોની આંખો અંજાવીને પોતાનું વિરાટ, તેજોમય સ્વરૂપ ધારણ કરતાં કૃષ્ણ પહાડના શિખર સમા છે, નિર્ભીક ગજરાજ માફક સભા છોડીને જાય છે ત્યારે ગાંધારી જે ઉચ્ચારે છે તે સદા સર્વદા સત્ય છે કે કૃષ્ણ જ નહિ પણ સતયુગ પણ અહીંથી ગયો. કલિયુગના પગરણ મંડાયાં ( એટલે જ કદાચ આજે આવા અવતારની રાહ જોઈ રહ્યાં છીએ.) કૃષ્ણ ખરા અર્થમાં સ્થિતપ્રજ્ઞ છે એ તેમના કુંતી સાથેના સંવાદથી સમજાય છે. ભૂતકાળને યાદ કરીને દુ:ખી થતાં કુંતીને કૃષ્ણ કહે છે કે વનમાં પણ તેઓ આનંદમાં હતાં. કુંતી પ્રશ્ન કરે છે કે મારા પુત્રો તો ધર્મનિષ્ઠ છે તો તેમને આ દુઃખ શા માટે ? મોટા મુનીઓ પણ જે સવાલનો જવાબ આપવામાં મૂંઝાઈ જાય તેણે કૃષ્ણ સરળતાથી સમજાવે છે કે મહેલમાં રહીને ગાંધારી કે ધૃતરાષ્ટ્ર પણ ક્યાં સુખી છે ? દ્રૌપદીને પાંડવો વગર અહીં મહેલમાં રાખી હોત તો તે સુખી રહેત ખરી ? સુખ અને સગવડને આપણે એક સમજી બેઠાં છીએ. (આજે પણ આ જ્ઞાન એટલું જ અનુરૂપ છે. ) કુંતીની જેમ આપણી પણ આકળવિકળ શમી જાય જો કૃષ્ણનું આવું સાનિધ્ય પ્રાપ્ત થાય તો ! કૃષ્ણ જાણે છે કે પાંડવો તો મૃત્યુના ઓવારણા લે તેવાં છે પરંતુ નિર્દોષોના સંહારને રોકવા તે કુંતીને કર્ણ પાસે જવાનું કહે છે. લોઢું ગળશે નહિ પણ સૌમ્ય તો જરૂર થશે.
શકુનિ રાજનીતિજ્ઞ છે તો કૃષ્ણ તો પૂર્ણપુરુષોત્તમ છે. પૃથ્વી ક્ષત્રિયવંશવિહોણી નાં થઇ જાય તેના માટે તેઓ સંધિ કરવા નીકળ્યા છે. એટલે તો કાઈ નહિ તો પાંચ ગામ પણ પાંડવોને મળવા જ જોઈએ તેનો આગ્રહ રાખે છે.
કૃષ્ણ વાસુદેવ છે. જે કર્ણ અને કુંતીના મિલનની નિર્વિષયી પ્રીતિને જોઈને મૃત્યુલોકમાં જન્મવાનું મન કરે છે.
કશાયે આવરણ, અભિધાન વિનાના માત્ર ધર્મનું જે આચરણ કરે છે તે ખરો ક્ષત્રિય છે. પરાક્રમ અને ક્ષાત્રત્વ એક જ નથી. – કર્ણને આ સમજાવનાર કૃષ્ણ છે.
ઘટોત્કચની મૃત્યુ વેળાએ અર્જુન યુદ્ધધર્મને દુ:સહ કહે છે. ત્યારે ‘બધા ધર્મો દુ:સહ જ છે. નહિતર તો બધાં તેનું પાલન કરેવા પડાપડી કરત. કુટુંબ માટે ત્યાગ કરવો એ જેટલું સાચું છે એટલું જ કુટુંબનો ત્યાગ કરવો તે સાચું છે. સ્વામીના અન્નના બદલામાં દેહ આપવો એ સાચું છે એટલું જ સ્વામીના હિતાર્થે સ્વામીને ત્યજવો તે સાચું છે.” – આ જ્ઞાન આપનાર કૃષ્ણ છે.
બળને જ ધર્મ માનનાર શકુનિ પોતાની ધારણાઓને ખોટી પડતી જોઇને જ્યારે સંશય કરે છે ત્યારે ‘તમે ગમે તેટલું કરો પણ મનુષ્યના આત્માને કાયમ માટે મૂઢ- તંદ્રિત – અવશ રાખી શકશો નહિ.’ એમ તેણે ખરા પાસાં બતાવનાર પણ કૃષ્ણ જ છે.
કુંતી હોય કે એનાં પુત્રો, ભીષ્મ કે દ્રોણને પણ જે પોતાનાં ખરાં કર્મો અને કર્તવ્યોનું ભાન કરાવે છે તે કૃષ્ણ છે.
કૃષ્ણ માત્ર અર્જુનના સારથિ નથી પરંતુ એ ધર્મના સારથિ છે. ‘સંભવામિ યુગે યુગે’ એવા શ્રી કૃષ્ણ પુરાકલ્પનના પ્રેરણાસ્રોત છે, મહાનાયક છે. કૃષ્ણ કદાચ કલ્પના હોઈ શકે પણ કૃષ્ણવિચારધારા માત્ર ને માત્ર વાસ્તવિકતા છે.