પિન કોડ - 101
પ્રકરણ-16
આશુ પટેલ
‘આપણે કયાંક બેસીને વાત કરીએ. મને પૂરી વાત માંડીને કહે. મને એ માણસ માટે ખબર નહીં પણ કેમ શંકા જ જાગે છે.’ થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈને સાહિલે કહ્યું.
‘યુ નો સાહિલ? તને બધી વસ્તુઓ અને સ્થિતિ મેગ્નિફાઇન્ગ ગ્લાસથી જોવાની આદત છે! હુ તારી સામે સહીસલામત ઊભી છું એ જોઇને પણ તને ધરપત નથી થતી? તુ કેમ ભૂલી જાય છે કે તું હજી કાલે જ મને મુંબઇમાં મળ્યો છે. તું મને મળ્યો એ પહેલા હું મારી કાળજી લેતી જ હતી ને! તું તો એવી રીતે મારી સંભાળ લેવા માંડ્યો છે કે હું જાણે જુનિયર કે.જી.માં હોઉં!’ નતાશાએ કહ્યું.
‘અત્યારે મારે કોઇ દલીલ સાંભળવી પણ નથી અને કરવી પણ નથી. નતાશા, હું એનિમલ ઇન્સ્ટિન્ક્ટ્થી જીવું છું. ઘણી વાર કોઇ દેખીતા કારણ વિના પણ મને કંઇક અજુગતું થવાની ગંધ આવી જાય છે. અને અત્યારે તો નક્કર કારણ છે...’
‘ઓકે બાબા ઓકે.’ નતાશાએ સાહિલની વાતને વચ્ચેથી જ કાપતા કહ્યું અને પછી ઉમેર્યું : ‘આપણે શાંતિથી વાત કરીએ પણ કોઇ રેસ્ટોરાંમાં બેસીને નહીં. પહેલા કોઇ હોટલમાં રૂમ રાખી લઇએ અને પછી ત્યાં નિરાંતે બેસીને વાત કરીએ. નહીં તો વળી તને રેસ્ટોરાંમાં આજુબાજુ બેઠેલા કોઇ માણસ પર શંકા જશે કે તે મારા પર નજર રાખી રહ્યો છે!’
નતાશાના કટાક્ષને અવગણીને સાહિલે કહ્યું, ‘બોરીવલી સ્ટેશન પાસે એક ગેસ્ટ હાઉસમાં રૂમની વ્યવસ્થા થઇ ગઇ છે. મારા ફ્રેન્ડ રાહુલે કરી આપી છે. પણ અત્યારે સાંજના સમય દરમિયાન લોકલમાં ચડવા પણ નહીં મળે એટલે આપણે અહીં જ ક્યાંક બેસીને વાત કરીએ અને પછી લોકલમાં ગીર્દી ઓછી થાય એટલે બોરીવલી જઇએ. એક કામ કરીએ. અત્યારે આપણે ચાલીને જૂહુ બીચ જતા રહીએ. ત્યાં સુધીમાં તુ મને બધી વાત કરી દે.’
‘બસ બધું કહી દીધું કે પછી હજી કંઇ કહેવાનું બાકી છે? તારી વાત પૂરી થઇ ગઇ હોય તો હવે હું કંઇ બોલું?’ નતાશાએ આ વખતે સાહિલને બોલી લેવા દીધો પછી શાંત અવાજે કહ્યું.
‘બોલ. આમ પણ તને સાંભળવાનું ઓછું અને બોલવાનું વધુ ફાવે છે.’ સાહિલે અકળાઇને કહ્યું.
તેના એ શબ્દોથી નતાશાના ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું. તેણે કહ્યું: ‘આપણે બોરીવલી જવાની જરૂર નથી. આપણે બંને આજ રાતે અંધેરી કે પાર્લાની કોઇ હોટલમાં રોકાઇ જઇશું. મારે આમ પણ સવારે અગિયાર વાગ્યે એગ્રીમેન્ટ સાઇન કરવા માટે ઓમરની ઓફિસમાં જવાનું છે.’
‘અરે! પાગલ થઇ ગઇ છે તું? આ બાજુની હોટલના ભાડાં કેટલાં છે એની તને ખબર છે ને?’ તેને વાસ્તવિકતાનો અહેસાસ કરાવતો હોય એ રીતે સાહિલે કહ્યું. પછી એ જ શ્ર્વાસમાં તે હાશકારાના શબ્દો પણ બોલી ગયો: ‘થેન્ક ગોડ. તેં હજી તેની સાથે કંઇ નક્કી કર્યું નથી.’
સાહિલે ‘થેન્ક ગોડ’ શબ્દો વાપર્યા એટલે નતાશા મજાક કરવા જતી હતી પણ વાત આડે પાટે ના ચડી જાય એટલે તેણે મજાક કરવાનું માંડી વાળ્યું અને પર્સમાંથી પાંચસો રૂપિયાની નોટોનું બંડલ કાઢીને સાહિલને બતાવતા કહ્યું: ‘પૈસાનું ટેન્શન ના કર યાર! હું તને બધી જ વાત કરું છું. પહેલાં તું થોડો શાંત થા.’
પણ નતાશાના હાથમાં એટલા પૈસા જોઇને તો સાહિલનું મગજ વધુ ઉત્તેજીત થઇ ગયું. તેણે આશંકાભરી અવાજે પૂછ્યું: ‘પેલા બદમાશે તને આપ્યા? અને તેં લઇ પણ લીધા?’
‘આજુબાજુમાંથી પસાર થતા બધાને લાગે છે કે આપણે ટિપીકલ પ્રેમીઓ છીએ અને ઝઘડી રહ્યા છીએ એટલે તને એવું નથી લાગતું કે આપણે શાંતિથી ક્યાંક બેસીને વાત કરવી જોઇએ?’ નતાશા હવે થોડી અકળાઇ ગઇ હતી.
તેને અકળાયેલી જોઇને સાહિલ શાંત પડી ગયો. તેણે આજુબાજુમાં જોયું. તેમનાથી થોડા ફૂટના અંતરે ઊભેલા એક-બે ખૂમચાવાળા, એક પાનના ગલ્લાવાળો, ગલ્લા પાસે ઊભેલા બે-ત્રણ જણ તેમને તાકી રહ્યા હતા. સાહિલે કહ્યું: ‘ઓકે. તુ કહે એમ કરીએ.’
નતાશાએ રોડ પરથી પસાર થઇ રહેલી એક રિક્ષાને જોઇને બૂમ પાડી: ‘ઓટો.’
રિક્ષા ઊભી રહી એટલે નતાશા એમાં બેસી ગઇ. સાહિલ પણ કંઇ બોલ્યા વિના તેની બાજુમાં બેસી ગયો. રિક્ષામાં બેસતા પહેલા તેનું ધ્યાન એક માણસ પર પડ્યું. પાનના ગલ્લે ઊભેલા એ માણસે તેની મોટરસાઇકલ સ્ટાર્ટ કરી. સાહિલને લાગ્યું કે તે માણસ કદાચ તેમની રિક્ષા પાછળ આવી રહ્યો છે. રિક્ષા થોડી આગળ વધી એટલે તેણે રિક્ષાની પાછળના એક ફૂટ જેટલા પારદર્શક પ્લાસ્ટિકમાંથી પાછળ જોઇ લીધું.
સાહિલને પેલો મોટરસાઇકલ સવાર તો દેખાયો નહીં, પણ તેણે નતાશાનો ટોણો સાંભળવો પડ્યો: ‘કોઇ પીછો કરી રહ્યું છે?’
સાહિલ ચૂપ રહ્યો.
નતાશાએ કહ્યું: ‘કમ ઓન, સાહિલ! એટલા ડરી ડરીને જીવવાથી તો શ્ર્વાસ લેતા અગાઉ પણ વિચારવું પડે. માણસે સતર્ક રહેવું જોઇએ અને તકેદારી લેવી જોઇએ પણ ડગલે ને પગલે ડર અનુભવતા ના જીવવું જોઇએ. તું ઇશ્ર્વરમાં માનતો હોત તો તને આટલા બધા અવળા વિચારો ના આવતા હોત. હું એમ માનીને જ જીવું છું કે ઉપરવાળાએ મારા માટે જે નક્કી કર્યું હશે એ થઇને રહેશે. અને હું કોઇનું ખરાબ નથી કરતી કે કોઇનું ખરાબ થાય એમ વિચારતી પણ નથી તો એ બધું ઉપરવાળો જોતો જ હશે એટલે મારા પર મુશ્કેલી આવશે તો પણ એ મને બચાવી લેશે. આ બે દિવસની જ વાત કરીએ. ગઇકાલે હું ભયંકર એકલતા અનુભવતી હતી તો ઉપરવાળાએ તને અણધારી રીતે મારી પાસે મોકલી આપ્યો. અને આજે મારી પાસે પૈસા ખૂટવા આવ્યા હતા તો ઓમર જેવા અજાણ્યા માણસને મારી આર્થિક મદદ કરવા મોકલી આપ્યો!’
વાત આડે પાટે ચઢી રહી છે એ જોઇને સાહિલે તેના સ્વભાવ વિરૂદ્ધ વલણ અપનાવતા હળવાશનું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી: ‘હે નટેશ્ર્વરીદેવી! તમારી બધી સલાહો સર-આંખો પર, પણ હમણા તો તમારા આ ભક્તને એટલું જ્ઞાન આપવાની મહેરબાની કરો કે ઉપરવાળાએ તમને આજે મદદ કરવા દેવદૂત મોકલ્યો હતો એણે તમને કયા બહાને આર્થિક મદદ કરી છે?’
સાહિલના આ શબ્દો સાંભળીને નતાશા પોતાની અકળામણ ભૂલીને હસી પડી. તેણે કહ્યું: ‘વત્સ, તને આ વાહનચાલકની ઉપસ્થિતિ સામે વાંધો ના હોય તો હું એ દેવદૂત સાથેની મુલાકાત વિશે તને જ્ઞાન આપી શકું એમ છું!’
બંને ખડખડાટ હસી પડ્યા.
નતાશાએ અંગ્રેજીમાં સાહિલને કહ્યું: ‘મને ખબર છે કે તને અંગ્રેજી બોલવાનું બહુ ફાવતું નથી પણ તુ બીજા કોઇ વાત કરે એ સમજી શકે છે એટલે હું તને અંગ્રેજીમાં આખી વાત કહું છું.’
નતાશાના આશ્ર્ચર્ય વચ્ચે સાહિલે આત્મવિશ્ર્વાસપૂર્વક કડકડાટ અંગ્રેજીમાં બોલતા કહ્યું, ‘એ કોલેજ વખતની વાત હતી. અત્યારે અંગ્રેજી મારા માટે ગુજરાતી જેટલી જ સહજ ભાષા થઇ ગઇ છે.’
નતાશા હસી. એ પછી તેણે ઓમર વિશે માંડીને વાત કરી.
જો કે સાહિલે તેને સવાલ ર્ક્યો કે, ‘એવું હતું તો તે માણસે આપણે રામકૃષ્ણ રેસ્ટોરાંમાં બેઠા હતા એ જ વખતે મારી હાજરીમાં તને કેમ ઓફર ના કરી?’
નતાશાએ કહ્યું: ‘એ વખતે તુ જે રીતે તેની સામે જોતો હતો એની નોંધ તેણે પણ લીધી જ હશે ને? અને માની લે કે એ વખતે તે માણસ તારી હાજરીમાં મારી સાથે વાત કરવા આવ્યો હોત તો કદાચ તે તેને માર્યો જ હોત!’ પછી તેણે સાહિલને ધરપત આપતાં કહ્યું: ‘રિલેક્સ. મારે જસ્ટ મોડેલિંગ કરવાનું છે, જે હું કોઇ પણ માટે કરવા તૈયાર થાત. મોડેલિંગ કે અભિનય માટે અજાણ્યા માણસોએ કોઇ યુવાન કે યુવતીને અચાનક જ ઓફર કરી હોય અને પછી જેને ઓફર થઇ હોય એ વ્યક્તિઓને અકલ્પ્ય સફળતા મળી હોય એવા એક ડઝન કિસ્સાઓ તો મને ખબર છે.’
ઠીક છે. ‘પણ તું કાલે તેને મળવા જાય એ વખતે હું તારી સાથે આવીશ. એમા તો તને વાંધો નથી ને?’
નતાશા હસી પડી: ‘સાલા તું સ્માર્ટ થઇ ગયો છે. એક બાજુથી ભારપૂર્વક કહે છે કે હું તારી સાથે આવીશ અને બીજી બાજુ ઠાવકાઇ બતાવીને મારી પરવાનગી માગતો હોય એમ પૂછે પણ છે કે હું તારી સાથે આવું તો તને વાંધો નથી ને! એની વે તુ જરૂર આવજે, પણ તે માણસની સામે કંઇ આડાઅવળી વાત ના કરતો. માંડ એક જગ્યાએથી પૈસા મળ્યા છે અને થોડો સમય કડકી દૂર થઇ જાય એવો ચાન્સ પણ મળી રહ્યો છે. એટલે કોઇ ઊમ્બાડિયું ના કરતો, પ્લીઝ.’
‘મંજૂર છે, નટેશ્ર્વરીદેવી!’ સાહિલે માથું ઝુકાવતા કહ્યું અને બંને ફરી એક વાર મોકળા મને હસી પડ્યા.
એ જ વખતે સાહિલના સેલ ફોનની રિંગ વાગી. સાહિલે કોલ રીસિવ ર્ક્યો. સામે છેડેથી કહેવાયેલા શબ્દો સાંભળીને તે એકદમ એલર્ટ થઈ ગયો. નતાશા તેને પૂછવા જતી હતી કે કોનો કોલ છે, પણ સાહિલે પોતાના નાક પર આંગળી મૂકીને તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
(ક્રમશ:)