Ekaek in Gujarati Short Stories by Anil Bhatt books and stories PDF | એકાએક

Featured Books
Categories
Share

એકાએક

એકાએક

અમી ,તને અહી શું તકલીફ છે? તને શા માટે , શા કારણે અહી નથી ગમતું ?

કેતને એક સાથે અનેક સવાલ પૂછી નાખ્યા.

‘કેતન,અમુક બાબત બનાવ કે વાતના ગામ-અણગમા ના કોઈ કારણ નથી હોતા.અમી એ જવાબ આપ્યો .ઓમાન પર રાત્રીનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું.ત્યારે રુઈ શહેર ના એક બહુમાળી બિલ્ડીંગ ના સેકન્ડ ફ્લોરના બ્લોક નં.૧૨ ના બેડરૂમ માં

દંપતી અમી-કેતન ની વાતચીત ચાલી રહી હતી.

“અમી , ફ્રેશ થઇ જા , આજે સીબ તરફ ફરવા જવું છે.” કેતન એ કહ્યું.થોડા સમય બાદ કેતન ની ઓડી કાર સીબ તરફ જઈ રહી હતી.કારની અંદર છવાયેલ ખામોશીનો ફક્ત એસી મશીનનો અવાજ ભંગ કરતો હતો.

“અમી આપણે સીબ તરફ જઈ રહ્યા છીએ ત્યાં એક નવુ ગાર્ડન બન્યું છે.”અમી એ કહ્યું ,કેતન “મને તો સીબ તરફ જવું એટલા માટે ગમે છે કે ત્યાં સીબ એરપોર્ટ છે “ તે ઓમાનનું એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.અને જે વતન પહોંચાડી શકે છે.”(અમી એ નિરાશા સાથે કહ્યું)

“અમી,તને આ શું થઈ ગયું છે?” “કેતન , મને કશું જ થયું નથી.પરંતુ જો હું વધુ લાંબો સમય આવા માનસિક પરિતાપમાં રહીશ તો જરૂર કઈંક થઈ જશે,”

કેતન-અમી ના દિવસો અજંપા ભર્યા પસાર થઈ રહ્યા હતા.કેતન અમી ને સમજાવવામાં નિષ્ફળ ગયો હતો.અંતે જે નહોતું થવું જોઈતુ તે થયું.આઠમાં દિવસે કેતન અમી ને સીબ એરપોર્ટ પર મુકવા પહોંચી ગયો.અમી ની ઇન્ડિયાની ફ્લાઈટ એક કલાક મોડી હતી.તે એક કલાક એક ન સમજાય તેવા શૂન્યાવકાશ માં પસાર થયો.આઠ દિવસમાં અમીની કંપનીએ તેણીને સ્પેશિયલ કેશ ગણી તમામ હક્ક હિસ્સા સાથે ઇન્ડિયા ની ટીકીટ આપી દીધી હતી.

અમી ઈમિગ્રેશન કાઉન્ટર તરફ જઈ રહી હતી.ત્યારે કેતન એ તેણીને કહ્યું ,”અમી , હું બે-ત્રણ મહિનામાં એક મહિનાની છુટ્ટી લઇ આવી જઈશ,ઓ.કે. સી.યુ.વિશ યુ ઓલ ધ બેસ્ટ “

સીબ એરપોર્ટથી ફ્લાઈટ ટેક ઓફ થતા જ અમીનું ધ્યાન અનાયાસ બારીની બહાર ગયું.તેણી પાષાણ જેવા પથ્થરીલા પહાડને જોઈ વિચારવા લાગી “કેતન નું દિલ શા માટે પાષાણ જેવું થઇ ગયું છે? સાત દિવસ પહેલા કેતન સાથે બનેલો બનાવ તેણીની નજર સમક્ષ તરવરી ઉઠ્યો.

“અમી,આપણા પાંચ વરસના દાંપત્યજીવન બાદ પણ તને જો જિંદગીમાં અસંતોષ કે દુઃખ લાગતું હોય તો તું ઈચ્છે તે કરી શકે છે.”કેતન એ કહ્યું .

“કેતન , મને આપણી જિંદગીથી કોઈજાતનો અસંતોષ નથી.પરંતુ મારાથી હવે આ ઓમાની જિંદગી જીવાય તેમ નથી.”અમી એ કહ્યું.

“અમી ,મેં હંમેશા તારા સુખને ખાતર બનતા પ્રયાસો કર્યા છે, તારી ફક્ત આ એક વાત ‘ઓમાન છોડવાની ‘ હું સ્વીકારી શકતો નથી.”કેતન મહામુસીબતે બોલી રહ્યો હોય તેમ બોલ્યે જતો હતો.અમી નિષ્પલકસાંભળી રહી હતી.

“અમી તને વધુ સુખ તથા સંતોષ મળે તેમ હોય તો હું તારી જિંદગી માંથી રાજીખુશીથી દ્દર થઈ જઈશ.હું....હું...”તને તુરંત છુટાછેડા મળે તેવા પ્રયાસ કરીશ.કેતન એક શ્વાસે બોલી ગયો.

અમી જાણે કોઈ સ્વપ્નમાંથી જાગી હોય તેમ એકાએક બોલી “પણ કેતન શું છુટાછેડા એ જ આખરી રસ્તો છે? તું મને કે હું તને ભુલાવી શકીશું?અને આપણે તો લવ-મેરજ કરેલા તે પણ તું કદાચ ભૂલી ગયો લાગે છે?”

ના અમી... ના “હું કશું જ ભૂલ્યો નથી અને ભૂલી નથી શકવાનો.આપણે તો આપણી જિંદગી એક હિસ્સો એક સાથે જીવી ચુક્યા છીએ હું તને કઈ રીતે ભૂલું?”

“કેતન” તો પછી તું કેમ છુટા-છેડાની વાત કરે છે.?” “અમી ,તું ઓમાન છોડી ઇન્ડિયા સેટ થવાની જીદ કરે તો મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.”

તું તારી પત્નીને છોડી શકશે પરંતુ આ પથ્થરીલા દેશ ને નહિ! કેતન, આ તારા વિચારો છે?”અમી નું દિલ રડી રહ્યું હતું.

“અમી, પેસો ,રૂપિયા દોલત આજે સર્વસ્વ છે. પેસાથી લોકો પુજાય છે.તે વાત તું શું નથી જાણતી ?”

“કેતન, હું ખુબ સારી રીતે પેસાનું મહત્વ સમજુ છુ.પેસો –રૂપિયા સર્વસ્વ નથી પરંતુ અનિવાર્ય અનિષ્ટ છે.”

“અમી , તું ઇન્ડિયા ફરી આવ હું બે-ત્રણ મહિનામાં એક મહિનાની રાજા લઇ આવી જઈશ.ત્યાં સુધી માં તું બરાબર વિચારી પણ લેજે.” અમી તુરંત બોલી ઉઠી “મારે કશું વિચારવાનું રહેતું જ નથી.હું કઈ પણ સંજોગોમાં ઇન્ડિયા સેટ થવા માંગું છું.”

“ અમી તારો જો આજ નિર્યણ આખરી હોય તો પછી ઠીક છે.હું ઇન્ડિયા આવી તને છુટા-છેડા આપી દઈશ.”

એર હોસ્ટેસ ના મધુર સ્વરમાં અમીને કોલ્ડ્રીંકસ ની ઓફર કરતા તેણી વિચારોના વમળમાંથી વર્તમાનમાં પાછી ફરી.

બોમ્બે અમીના મમ્મી-પપ્પા તેણીને એકાએક એકલી આવેલી જોઈ નવાઈ પામ્યા.અમી ખુબ જ સમજદાર હતી,તેણીએ કોઈ પાસે કેતન સાથે બનેલા બનાવનો એક હરફ શુદ્દા ઉચાર્યો નહિ.

અમી ના ગયા બાદ કેતન ને અમી ની યાદ સતાવતી હતી.અમી ની ગેરહાજરીથી કેતન ની જાણે દુનિયા જ બદલાઈ ગઈ.

તે વિચારો માં ખોવાતો પોતાની જાતને પૂછી રહ્યો હતો, “અમી ને તેણે આપેલો જાકારો શું યોગ્ય હતો?”શું અમી કરતા ઓમાન કે પેસો હકીકતમાં વધુ પ્રિય છે?જિંદગી એટલે શું પેસો જ છે?

એક દિવસ રાત્રે વિડીયો પર કેતન પોતાના અમી સાથેના લગ્નની કેસેટ જોતા જોતા વિહીસ્કીના બીજા પેગની તેયારી કરી રહ્યો હતો.ત્યારે તેને રણકેલી ડોરબેલ નો અવાજ કર્કશ લાગ્યો.કેતન એ પેગ છોડી દરવાજો ખોલ્યો,દરવાજા પર તે પોતાના મિત્ર દંપતી હસમુખ તથા ચેતનાને જોઈ આવકારવાનું ભૂલી ગયો.પોતાની ભૂલ નો અહેસાસ થતા તે બોલી ઉઠ્યો “આવો હસમુખ-ચેતના ક્યારે સવાર ની ફ્લાઇટમાં આવ્યા?”

ત્યાં ચેતના બોલી “કેતનભાઈ ભાભી કેમ દેખાતા નથી?ભાભી માટે હું ખાસ રાજકોટ થી જામનગર ની બાંધની લાવી છું.

તમે બંને ડ્રોઈંગરૂમમાં ચાલો નિરાંતે વાત કરું છું.હસમુખ, કેતનની કંપનીમાં તેમની નીચે આસી.મેનેજર તરીકે કામ કરતો હતો.

“કેતન તારો ચહેરો કેમ આવો થઇ ગયો છે ?તું કઈ બીમાર છે?હસમુખ એક શ્વાસે બોલી ગયો.કેતન એ હસમુખ ની વાતને જાણે ન સાંભળી હોય તેમ કહ્યું “તારા માટે પેગ બનવું?” ના,તને તો ખબર છે કે હું ફક્ત બિયર પીવું છું.“હસમુખ ને બિઅરનું કેન આપ્યું અને કેતન એ હસમુખ-ચેતના પાસે અમી સાથે બનેલા બનાવની આંરભથી અંત સુધી ની વાત કરી.

વાત સાંભળતા-સાંભળતા હસમુખ-ચેતના ના ચહેરાના હાવભાવ જાણે વસંત માંથી પાનખરમાં પલટાઈ ગયા. હસમુખ-ચેતના ને ખુબ જ આઘાત લાગ્યો.અંતે ચેતના બોલી,”કેતનભાઈ તમે બહુ જ ખોટું પગલું ભર્યું છે.” હા ,કેતન, ચેતનાની વાત તદન ખરી છે.”હસમુખ એ ચેતના ની વાત ને સમર્થન આપ્યું.

કેતન ના ચહેરા પર વિહીસ્કીના ચોથા પેગ ની અસર દેખાતી હતી. હસુ મેં તો મારી જિંદગી ના ચમન ને પથ્થરીલા દેશની જેમ ઉજ્જડ બનાવી દીધું.કેતન એ હસમુખ ને જૂની આદત મુજબ આત્મીય સંબોધન કરતા કહ્યું.

“કેતન, અમે પણ નક્કી કરીને આવ્યા છીએ!હવે બસ એક વર્ષ ઓમાન માં પસાર કરવું છે.પછી ઇન્ડિયા જઈ વતન રાજકોટ માં સેટ થઇ જવું છે.”હસમુખ એ પોતાના દિલ ની વાત કહી.

“કેતનભાઈ હજુ પણ કઈજ મોડું નથી થયું .અમી ની વાત માની લો.જિંદગીમાં દરેક વાત,બનાવ કે સંબંધની તુલના પેસા સાથે નથી કરાતી.”ચેતના એ વિના સંકોચ કહેતા આગળ ચલાવ્યું.કેતનભાઈ દામ્પત્યજીવનમાં પતિ-પત્ની વચ્ચે મહિનામાં એકાદ બે હળવા ઝઘડા તો ટોનિક નું કામ કરે છે.પરસ્પર ના પ્રેમ માં વૃદ્ધિ થાય છે.

ઇન્ડિયા આવેલી અમી ના દિવસો મુશ્કેલી થી પસાર થઇ રહ્યા હતા.એક મહિનો પસાર થતા જાણે એક વરસ લાગ્યું.અમી ના પપ્પા-મમ્મી તેણી ના વર્તન થી નવાઈ પામતા હતા,પરંતુ બંને સમજદાર હતા તેથી અમી ને કશું બોલ્યા નહિ.આઠ દિવસ

પપ્પા-મમ્મી સાથે પોરબંદર તેણી ના કાકાને ત્યાં ફરી આવ્યા.અમી ને પોરબંદરની ચોપાટી જોઈ,કેતન સાથે ગુજારેલ તે દિવસો જાણે સજીવન થયા.તેણીને કેતનની ગેરહાજરીનો તીવ્ અહેસાસ થતો હતો.અમી ને એક વાંચેલ કવિતા યાદ આવી ગઈ જાણે પોતાની જ વ્યથા ન કહેતી હોય?

પાનખર ના પર્ણની માફક

આપણી યાદો ખરી

પડે

તે પહેલા તું

વસંત બની આવીજા

તો

જિંદગી સુમન બંને ખરી!!

બોમ્બે આવી ગયા બાદ ચોથા દિવસે અમી ડ્રોઈંગરૂમમાં બેઠી હતી.બોમ્બે આળસમરડીને ઉભું થઇ ગયું હતું.તેણી ના પપ્પા-મમ્મી નિત્યક્રમ મુજબ મંદિરે દર્શન કરવા ગયા હતા.બે-ત્રણ વખત ડોરબેલ વાગી ત્યારે અમી નું ધ્યાન ગયું.તેણી તુરંત દરવાજો ખોલવા ગઈ.દરવાજો ખોલતા તેણી સ્તબ્ધ બની ગઈ.બંને “અમી-કેતન” કહેતા એકબીજા ને વળગી પડ્યા.. અમી-કેતનની આંખમાં ઝાંકળ છવાઈ ગઈ.જાણે હવે ઉગતા દિવસની સવાર થવાની હતી.

“અમી,રીયલી,આઈ એમ વેરી વેરી સોરી.”અમી હું તારા માટે ઓમાન છોડીને આવી ગયો છું.ઘર નો તમામ સામાન કન્ટેનર માં બુક કરી ને આવ્યો છું.”કેતન કહ્યું.

“ઓહ,કેતન” એમ કહેતા અમી કેતન ને ફરી વળગી પડી ત્યાં પાછળથી અમીના પપ્પા-મમ્મી નો અવાજ આવ્યો.”અમી,કેતન ને ઘર માં દાખલ તો થવા દે”

કેતન અમીના પપ્પા-મમ્મી સાથે ડ્રોઈંગરૂમમાં આવી બેઠા.અમી કેતન નો સમાન ઘર માં લાવી ટેક્સી છોડી કેતન માટે પાણી નો ગ્લાસ ભરી લાવી.

અમી ના પપ્પા-મમ્મી બોલ્યા,”કેતન તું પણ અમી ની જેમ “એકાએક” જ આવ્યો!!!

અમી-કેતન એક સાથે બોલી ઉઠ્યા ,” પપ્પા-મમ્મી જિંદગીમાં ઘણું ઘણું એકાએક જ બનતું હોય છે”.અને બધા એક સાથે હસવા લાગ્યા.

અનિલ ભટ્ટ.જામનગર

૯૪૨૮૦૭૪૫૦૮