વ્હેન યૂ વૉન્ટ ટુ સે નો, સે નો
અમુક વર્ષ પહેલાં એક પુસ્તક વિશે સાંભળ્યુ઼ હતું, ‘ડોન્ટ સે યસ, વ્હેન યૂ વૉન્ટ ટુ સે નો સે નો’. મતલબ, જ્યારે કોઈ કામ કરવા માટે કે કોઈ વાતમાં ‘હા એ હા’ કરવા માટે તમારું મન ન માનતું હોય, ત્યારે 56’’ની છાતીએ, મૂંઝાયા વિના, બેબાક બનીને ‘ના’ પાડી દો, કોઈ તમારું કંઈ ઉખાડી નહીં લે. સલાહોનાં સાપોલિયાંથી ઊભરાતાં પુસ્તકો વાંચવામાં આળસુ એવા મારા મગજે આવો અર્થ તારવીને મને ક્યારેય એ પુસ્તક વાંચવાની ‘હા’ ન પાડી. બસ, એ શબ્દો હંમેશ માટે મારા મગજમાં ફેવિક્વિક લગાવીને ચીપકી ગયું.
******
ગત મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘પિંક’નાં ‘દેખો ત્યાં ઠાર’ની જેમ ‘સાંભળતાં જ તમારા કાનથી માંડીને હૃદય સોંસરવા ઊતરી જાય એવાં વન લાઇનર્સ, તમાર કલાકારોનો પાવર પેક્ડ અભિનય અને અદ્દભુત ડિરેક્શનના આ ‘પિંક(પરિ)પાક’ના ભરપેટ વખાણ થયા છે. ઍન્ડ ઑફકોર્સ, બચ્ચનદાદાના ખરજઘૂંટ્યા સ્વરમાં છેલ્લે સાંભળવા મળતી કવિતા, ‘તું ખુદ કી ખોજ મેં નિકલ...’ અદ્દભુત, અદ્દભુત, અદ્દભુત. ખેર, ફિલ્મ વિશે ખૂબ લખાઈ ગયું છે, એટલે ફિલ્મના કસીદા પઢવાનો કોઈ ઇરાદો કે મતલબ પણ નથી. પણ, ફિલ્મ જોતી વખતે જ દેખીતી રીતે ટાંગામેળ વિનાની લાગતી કેટલીક ઘટનાઓ, ફિલ્મો, વિષયો સતત મગજમાં ઘુમરાયાં કરતા હતા. એટલે આવા ત્રણ કિસ્સા મૂક્યા છે.
******
કિસ્સો-1: શોર્ટ સ્ટોરી રાઇટર જેનિફર.
પોતાની પહેલી નવલકથા લખવા જેનિફર શહેરની નજીક એક કૉટેજ ભાડે રાખીને ત્યાં રહેવા જાય છે અને અકસ્માતે પાંચ નરાધમો સાથે અથડાઈ જાય છે. પોતાના મનોરોગી મિત્ર મેથ્યૂની વર્જિનિટી બ્રેક કરાવવા માટે જેનિફરને ઉત્તેજિત કરવા, અન્ય ત્રણ શખ્સો બિયરની બોટલ કે રિવોલ્વર વડે તેને ફેલૅટિઓ માટે મજબૂર કરે છે. (ફેલૅટિઓ એટલે મુખમૈથુન) ફાટેલાં કપડે તે નાસે છે અને શેરિફને બોલાવી લાવે છે, જે પણ એ ચારેય નરપિશાચોનો જ સાથી છે. બધા સાથે મળીને શક્ય તમામ પ્રકારે જેનિફરને પીંખે છે. બંધાયેલી, પાણીના ખાબોચિયામાં ડૂબાડેલા મોઢાથી શ્વાસ લેવા ઝાંવા નાખતી, પીડાતી નિર્વસ્ત્ર જેનિફરને શેરિફ પોતાની રાઇફલ વડે શૂટ કરે એ પહેલાં તે નદીમાં કૂદી પડે છે.
કિસ્સો-2: રાની, લજ્જો અને બિજલી.
ત્રણેય પાક્કમપાક્કી બહેનપણી. રાજસ્થાનના કોઈ સૂકાભઠ ગામડામાં રહે. બિજલી, ગુમરાહ યુવાનો અને પૈસા લૂંટાવવા તૈયાર દારૂડિયાઓનું લોકલ મેળામાં પોલ ડાન્સ અને નખરા કરીને મનોરંજન કરાવે અને ગ્રાહકો પણ ખરા. વર્ષો પહેલાં કોઈ બજારુ ઓરત માટે રાનીનો પતિ તેના ખોળામાં છોકરું રમતું મૂકીને ચાલ્યો ગયો હતો. લજ્જોના પતિને બાળક જોઈએ છે, પણ રોજ દારૂ પીને પત્નીને માર મારી કાઢી મૂકે છે. ચોથી સ્ત્રી એટલે રાનીની વહુ જાનકી. જેને ભણવું છે, પ્રેમ કરવો છે, પણ માતા-પિતાના કહેવાથી રાનીના દીકરા ગુલાબ સાથે પરણી જાય છે.
ઉપર ખુલ્લા આકાશમાં ઊડવા માટે તરસતા, ફડફડતા પંખીની જેમ ચારેય જિંદગીઓ સતત પીંખાયા કરે છે. ક્યારેક પતિના હાથે તો ક્યારેક ગ્રાહકોના હાથે. ચારેય જીવ તલસે છે, ઝૂરે છે. શુષ્ક જિંદગીને પ્રેમથી તૃપ્ત કરવા, ઇચ્છાઓના આકાશમાં ઊંચે ઊડવા, પ્રિયનો સહવાસ પામવા, કૂખમાં ઉછરતાં બાળકની આંતરિક ચેષ્ટાઓ અનુભવવા, ક્યારેય નહીં મેળવેલું સ્વમાન અને પ્રતિષ્ઠા મેળવવા માટે, પોતાના વજૂદ માટે. જ્યાં તેઓ પોતાની બેરંગ જિંદગીમાં રંગો પૂરવા જાય કે તરત સમાજ, પતિ, પરિવાર, પુત્ર તેમના ગાલે જોરદાર તમાચો ઝીંકી દે છે.
કિસ્સો-3: બળાત્કાર એટલે શું?
ચારેક વર્ષ પહેલાં રાજકોટનો એક કિસ્સો ધ્યાને આવ્યો હતો. એન્જિનિયરિંગ ભણતી એક યુવતીએ તેના યુવાન અને અનમેરિડ પ્રોફેસરે પ્રેમ જાળમાં ફસાવીને દોઢ કે બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી. યુવાપ્રાધ્યાપક ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. એ છોકરી પોતાના રડતાં પિતાને એવી સાંત્વના આપતી હતી કે, ‘પપ્પા, તમે રડો નહીં, હું છું ને?’
******
સ્ત્રી અને સેક્સ એ સૌથી વધુ વંચાતા, વેચાતા અને જોવાતા વિષયો છે. પણ, મૂળ મુદ્દો છે, એસ્કેપિઝમનો. આપણો સમાજ જેટલી ઝડપથી સ્ત્રીઓને લગતી બાબતો વિશે અભિપ્રાયો અને ચર્ચાઓમાં જોડાઈ જાય છે, એટલી જ ઝડપથી એ આ વિષયને ભૂલી પણ જાય છે.
બે દાયકા પહેલાં લબરમૂછિયાઓ રસ્તે જતી સ્વરૂપવાન સ્ત્રીનો ચહેરો જોઈને મલકાતા અને ઠઠ્ઠો કરતા, અમુક વર્ષ પછી તેમની નજર સ્ત્રીનાં સ્તન કે ક્લિવેજ સુધી પહોંચી, અને આજે એમની નજર સ્ત્રીના કટિપ્રદેશ કે નિતંબો પર સ્થિર થઈ છે. મતલબ, સમાજ ભલે આધુનિક થયો હોય, પરંતુ લોકોની દૃષ્ટિ વધુ નિમ્ન બની છે.
અત્યંત ભદ્દી અને ઉબકા લાવનારી પહેલી વાત છે, આશરે 38 વર્ષ પહેલાં આવેલી અમેરિકન ફિલ્મ ‘આઈ સ્પિટ ઓન યોર ગ્રેવ’ની. ફિલ્મ એ વખતે પણ ખાસ્સી વિવાદમાં રહી. ફિલ્મમાં દર્શાવાયેલી નગ્નતા, ઑબ્સીન લૅંગ્વેજ, ખાસ્સો અડધો કલાક લાંબો રૅપ સીન જેવાં અનેક કારણોસર ફિલ્મને વિવેચકોએ ખૂબ વખોડી અને વગોવી. હવે આગળની વાત...
અલબત્ત, મૂળ કહાણી તો જેનિફર સાથેની ક્રૂરતા પછી જ શરૂ થાય છે. ફિનિક્સ પંખીની જેમ જેનિફર પાછી આવે છે અને પાંચેય નરાધમોએ જેટલી ક્રૂરતાથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, તેના કરતાં ‘અનેક ગણી બર્બરતા’થી પોતાનો બદલો લે છે. એક નરાધમની આંખોમાં સર્જિકલ નિડલ ભરાવીને, જીવતેજીવ કાગડાઓ દ્વારા તેનો ખુદનો ચૂંથાતો દેહ જોવા માટે મજબૂર કરે છે, તો બીજાને ઝેરી પ્રવાહીમાં ગૂંગળાવીને અને સૃષ્ટિ વિરુદ્ધ બળાત્કાર કરનારા શેરિફની રાઇફલ તેની જ પૂંઠે ફોડીને - દરેકને તેણે આચરેલી ક્રૂરતાની હદ વળોટીને તેના ગુનાઓની સજા આપે છે.
******
ફેમિનિસ્ટોમાં એક હોડ જામી છે, સ્ત્રીને પુરુષ સમોવડી ‘બનાવવા’ની. આ ‘પુરુષ સમોવડી’ શબ્દ મને ક્યારેય સમજાયો નથી. ક્યારેય એવું સાંભળ્યું કે ‘સ્ત્રી સમોવડીયો’?! રંગસૂત્રની એક જોડના કારણે જનનાંગો બદલાઈ જાય એટલે શું એક આખા સ્વતંત્ર અસ્તિત્વને ભૂંસી નાખવાનું? અથવા તેને કોઈ પર આધારિત બનાવી દેવાનું?
સમાજ સામે બાથ ભીડવા મથતી બીજલી, રાની અને લજ્જો પણ આખરે એક દિવસે નીકળી પડે છે, ચશ્મેવાલી બીજલીના છકડામાં. અફાટ રણના સમુદ્રમાં. જ્યાં તેમના પર હક જતાવનાર કોઈ નથી, વાળ લાંબા રાખવા કે ટૂંકા, કોઈ પૂછનાર નથી. સમાજ અને પરંપરાની બેડીઓ તોડીને, પોતાના મનની માલિક બનવા, જિંદગીની શુષ્કતા દૂર કરવા અને આજ દિન સુધી જે સમાજે, જે પુરુષપ્રધાન સમાજે તેમના પર જોહુકમી ચલાવી તેનું ચામડું ઊતરડી લે તેવો સજ્જડ તમાચો જડી દે છે.
આ વાત છે, ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ થયેલી ફિલ્મ, ‘પાર્ચ્ડ’ની. રાધિકા આપ્ટે, તનિષ્ઠા ચેટર્જી, સુરવીન ચાવલા અભિનીત ફિલ્મનાં દિગ્દર્શક છે, લીના યાદવ. ‘પાર્ચ્ડ’ એટલે શુષ્ક. ત્રણેય નાયિકાઓની જિંદગી રણ જેવી જ શુષ્ક છે અને મુક્તિ માટે તરસે છે. આ માટે રણની પૃષ્ઠભૂમિ ખરેખર લાજવાબ રૂપક બની રહે છે.
******
ખેર, અગેઇન ‘પિંક’ની વાત પર પાછા ફરીએ. કોર્ટ સીનમાં મિનલને પૂછવામાં આવે છે કે તેણે જ્યારે બોયફ્રેન્ડ સાથે વર્જિનિટી ગુમાવી, ત્યારે તેના પર કોઈ દબાણ હતું? જવાબ હતો, ‘નો’. અને જ્યારે રાજવીરે તેને સેક્સ્યુઅલી હૅરેસ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પ્રતિકારમાં તેણે શું કહ્યું હતું? જવાબ હતો, ‘નો’.
ત્રીજા કિસ્સામાં પિતાને સાંત્વના આપતી એ યુવતીને જોઈને એક સવાલ ત્યારે પણ થયો હતો અને આજે પણ છે જ કે, દોઢ વર્ષ સુધી જે વ્યક્તિ સાથે પ્રેમ કે આકર્ષણના નામે હર્યાં, ફર્યાં, ફોટા પડાવ્યા, મોજ-મજા કરી અને લગ્નના નામે કે કોઈ પણ કારણસર વાંકુ પડ્યું, તો એ જ વ્યક્તિ દુશ્મન થઈ ગઈ! આ કિસ્સામાં ક્યાંય પરીક્ષાના નામે કે માર્ક્સના નામે દબાણ નહોતું, જે થયું એ બંનેની મરજીથી જ થયું હતું. તો શું દોઢ વર્ષ પછી એ પુખ્ત યુવતીને ખબર પડી કે તેની સાથે જે બન્યું, એ બળાત્કાર કહેવાય?
******
સમાજમાં ફેમિનિસ્ટોનો ‘બડી બિંદી અને હાથમાં મીણબત્તીઓ વાળો’ એક એવો વર્ગ છે, જે સ્ત્રીને પુરુષ સમોવડી દર્શાવવા માટે ફાંફા મારે છે. કોઈ ફેસ્ટિવલમાં કે ક્રિટિકલી ઍક્લેમેશન માટે પિતૃપ્રધાન સમાજની વાસ્તવિકતાને વરવી ચિતરવી સરળ છે, પણ ‘એસ્કેપિઝ્મ’થી પેરેલાઇઝ્ડ આપણો સમાજ આ વાત ક્યાં સુધી યાદ રાખે છે? ચાર દિવસની ચર્ચા, આઠ દિવસની આભા અને બાર દિવસની બળતરાં. પછી? બધું જૈસે થે!
આનો એક માત્ર ઉપાય છે, સ્ત્રીઓએ ‘ના’ કહેતા શીખવું પડશે. ‘વ્હેન યૂ વૉન્ટ ટુ સે નો સે નો’ અને આ ‘ના’ એટલા જોરથી બોલવી પડશે, કે પિતૃપ્રધાન વ્યવસ્થાવાળા સમાજના બહેરા કાન સોંસરવો એ અવાજ સળગતા સીસાની જેમ રેડાય. આ અવાજ જ્યારે સંભળાશે, સમાજ સ્ત્રી અને પુરુષ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારતો થશે, ત્યારે જ ખરું સ્ત્રી ઉત્થાન. બાકી, ત્યાં સુધી ફેમિનિઝ્મના સિંગલ ટ્રેક પર ચાલતી, વનસાઇડેડ ફિલ્મોમાંથી પ્રેરણા મેળવતા રહો, નહીંતર ભૂલી જાઓ.
ધેટ્સ ઑલ.
પિંચિંગ થૉટ: કાલે કોઈ ઊઠીને સ્ત્રી તરીકે તમને એવું પૂછે કે, તમારે પુરુષ સમોવડી બનવું છે?
તો, એક સ્ત્રી તરીકે તમારો જવાબ શું હશે..?
******