Nagatmakta in Gujarati Magazine by Madhu Rye books and stories PDF | નાગાત્મક તા

Featured Books
Categories
Share

નાગાત્મક તા

નાગાત્મક તા

સુનીલ મેવાડા

કોલેજ પૂરી થઈ. બધા મિત્રોના મોઢે એક જ વાત હતી,

“પ્રકાશ, આપણી હેમાક્ષી સાથે? ના. ના. એના ચક્કરમાં ન પડાય.” વાતને બીજે છેડે પ્રકાશ હતો.

પણ એ માને શાનો? ઉપરથી વિરોધ કરતો,

“આપણી હેમાક્ષી નહીં, મારી હેમાક્ષી!”

વરસો પહેલાં ઉત્તમે જ્યારે હેમાક્ષી વિશે સાંભળીને પહેલી વાર મૂળ વાતનો રંગ શોધી બતાવ્યો હતો ત્યારે તો અમે બધા સ્કૂલમાં હતા ને એ વાત કોઈ માનવા તૈયાર પણ ન હતું, પરંતુ મેં એકલાએ ઉત્તમનો સાથ આપેલો ને રૂઆબભેર હેમાક્ષી વિશે પહેલવહેલી શંકા જાહેર કરેલી. પછી તો દસમા ધોરણના વારંવાર લાંબા વેકેશનમાં અતુલ, રાકેશ અને બંટી સાથેના હેમાક્ષીના રસપ્રદ કિસ્સા વોચમેન કેબિન પાછળના મૌખિક દસ્તાવેજો બન્યા અને ધીરે ધીરે હેમાક્ષી તરફની શંકાની ઈમારત બુલંદ થતી ગઈ. એના પર જાતભાતના રંગોય ચઢ્યા.

આખરે માણસની ચામડી માણસના વલણને ક્યાં સુધી છુપાવી શકે?

લોકજીભે નામ પછી અટક ચડે એમ હેમાક્ષી સાથે એક વિશિષ્ટ શરીરલક્ષણ અમારા બધાનાં મનમાં ઘર કરી ગયું અને એ લક્ષણને અમે સુંદરમજાનું નામ આપ્યું, “નાગાત્મક્તા.”

અમારા વિસ્તારમાં હેમાક્ષીનું એ નાગાત્મક વલણ સ્કૂલના દિવસો દરમિયાન જ જાહેર થઈ ગયું હતું ને એ કોલેજમાં ભણવા લાગી ત્યારે તો છોકરાઓમાં(અમારાઓમાં) એનું શરીર સહિયારી મિલકત મનાતું.

હેમાક્ષી પંચાલ નામ અને આકર્ષક ઘાટીલું શરીર અને મોહક ચહેરો અને સસ્તું ચરિત્ર અને છોકરાઓને ફોસલાવી મોજ રળવાનું એનું વલણ અને એની અદ્ભુત વાતો અને સ્પર્શી સ્પર્શીને વાત કરવાની એની આદત અને લાળગ્રસ્ત અમે બધા છોકરાઓ. એ બધું એકરૂપ થઈ ગયું.

હવે હું આ વાત માંડું છું એટલે એવું નહોતું કે મને હેમાક્ષીએ ક્યાંક ફસાવેલો કે એણે કોઈ રીતે મારો લાભ લીધેલો કે મને એકલાને લટકાવેલો એટલે હું એની ટીકા કરું છું, પણ હું એની ટીકા કરું છું કારણકે એ હતી જ સાવ એવી. નાગાત્મક.

હા, સ્કૂલના દિવસોમાં એ મારી પાસે ઘણી વાર આવતી. હું હોશિયાર વિદ્યાર્થી તરીકે પ્રતિષ્ઠિત હતો એટલે અન્ય મિત્રો સાથે એને પણ મારી પાસે ઘણું શીખવાનું રહેતું, માનવતાના ધોરણે હું એને પણ શીખવતો. ઘણી વાર એ વાત કરતી વખતે એની આદત પ્રમાણે મને સ્પર્શીને જ વાત કરતી, પણ હું સ્થિર રહેતો, વિચલિત ન થતો. મેં એને કદી. ના. આથી જ અમારા છોકરાઓના સામાજિક વાતાવરણમાં હેમાક્ષીને લગતી કોઈ પણ નવી ફાઇલ આવે તો એના પર મારા સહીસિક્કા અનિવાર્ય ગણાતા. મારો અભિપ્રાય તટસ્થ ગણાતો. આ પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે હું થઈ શકે એટલો સંયમનો વાસ્તવિક અભિનય કરી લેતો. સફળ પણ રહ્યો, ટૂંકમાં, આ રીતે હેમાક્ષી વિશે ટીકાટિપ્પણ કરવાનો કંઈ કહેવાનો વિશેષાધિકાર મને પહેલાથી પ્રાપ્ત છે એમ કહી શકું.

સ્કૂલકોલેજનાં વરસો પૂરાં થતાં ગયાં ને એ સાથે સાથે ધીરે ધીરે વિસ્તારમાં સહુને(અમારા સહિત) ખબર પડી ગઈ કે હેમાક્ષી કોણ છે ને કેવી છે ને એની સાથે કેવી રીતે રહેવાય ને રહેવાય કે ન રહેવાય ને વગેરે વગેરે.

પ્રકાશને એટલે જ ના પાડેલી અમે સહુએ કે ન પરણતો એને.

પણ રૂપનો હડકવા પ્રકાશને ભરખી ગયેલો. એ આટલાં વરસોનું લોકસાહિત્ય બની ગયેલા હેમાક્ષીના કિસ્સા સાંભળ્યા પછી પણ હેમાક્ષીને ગુનેગાર નહોતો માનતો.

બચાવ પક્ષના વકીલની જેમ નીડર થઈ એ કહેતોૹ

“સહુ એના રૂપની ઈર્ષા ખાય છે એટલે આવી વાહિયાત વાતો ફેલાવી છે અને રાકેશ-બંટી જેવાના કિસ્સા તો ઊલટું હેમાક્ષી પર થયેલા અન્યાયના કિસ્સા છે પણ. છોડો, બધું કાલ્પનિક છે. કોઈ માનતું નથી. બધું ભૂતકાળ સમજી પડતું મૂકો. હવે અમને અમારું નાનું, સુંદર, સુખી, વાસ્તવિક જીવન જીવવા દો.”

પછી, “હરામખોરો“ જેવું એકાદ મૈત્રિક વિશેષણ વાપરી વાત પૂરી કરતો.

પ્રકાશનો અવાજ પ્રકાશની જેમ અમારા પર ફેલાતો. અમે એ ઝીલતા, તપતા, એને કોસતા. બોલતા, બોલીને થાકતા ને પછી ન બોલતા.

અને આખરે એ પરણ્યો.

હેમાક્ષી સાથે જ.

એ જ બિલ્ડિંગ્સ, એ જ વિસ્તાર જ્યાં અમે બધાં સાથે રહ્યાં-સાથે મોટાં થયાં-સાથે ભણ્યાં એકસરખી કાંચળી ઉતારી બહાર આવ્યાં-એકબીજાને નસનસથી ઓળખ્યાં, ત્યાં જ પરણીને પ્રકાશે ને હેમાક્ષીએ ઘરસંસાર માંડ્યો, એમનો.

સ્ત્રી તરીકેના સૌથી નાગાત્મક વલણનો પરચો બતાવી ચૂકેલી હેમાક્ષી અમારી સામે પતિપ્રેમી પત્ની હોવાનું પાત્ર ભજવતી થઈ ત્યાં સુધી અમે બહુ ચકિત નહોતા થયા, પણ થોડા મહિને ગર્ભાયેલું એનું શરીર નવી જ તેજસ્વિતાથી ચમકવા લાગ્યું ને અમારા બધાની દૃષ્ટિ બદલાવવા લાગી.

આખરે એક રાતે વોચમેન કેબિન ફરતેની ગોળમેજી પરિષદમાં સમાધાન કાઢવામાં આવ્યું કે હેમાક્ષી જે હોય તે, પણ પ્રકાશ તો આપણો નાનપણનો મિત્ર છે, એટલે બધાએ બધું ભૂલી જવું.

પ્રકાશના જ શબ્દોને અમે જીવવા લાગ્યાૹ

નાગો ભૂતકાળ ભૂલી જાઓ, શણગારેલું ભવિષ્ય જુઓ.

સારું ત્યારે ઠીક છે.

સિઝેરિયન કરાવવું પડ્યું. છોકરો આવ્યો. ડિલિવરી પછી અમે સહુ પ્રકાશના ઘરે એકસાથે ગયા. થોડીક ભેટસોગાદ લઈ ગયેલા. હેમાક્ષીને પણ ઉમળકાથી મળ્યા. જૂની યાદો (અમુક જ) વાગોળી ને જાતજાતની (બીજી બધી) વાતો કરી. સહુના મનોવાતાવરણમાં જે ભારેપણું, અજૂગતાપણુ હતું એનો છેદ ઊડવા લાગ્યો. હેમાક્ષીને અમે હવે ફક્ત મિત્રપ્રકાશની મિત્રપત્ની તરીકે જ જોતા. કોઈ નાગાત્મક વલણની વાત કે યાદ વચ્ચે ન આવતી, અમે ન લાવતા.

અલબત્ત, પીઠ પાછળ રૂંવાટીની જેમ વળગેલો ભૂતકાળ અમે યાદ ન કરતા એનો અર્થ એવો નહોતો કે એ સાવ ભૂંસાઈ ગયો. નવી હેમાક્ષીને અમે માનભેર બોલાવતા, પણ એની ભૂતકાળની ભવ્ય રંગીન ઇમારત અમારા બધાની નજરો સામેથી સાવ અદૃશ્ય થઈ શકે એમ તો નહોતી. એ ઇમારતની ઈંટેઈંટ અમારી આંખ સામે ચણાઈ હતી ને એના પર બધા રંગો પણ અમારી નજર સામે જ રંગાયા-બદલાયા હતા!

સહુએ મળીને સખત માનસિક મજૂરી કરી અને થોડાં વરસો વીતાવી કાઢ્યાં.

ધીરે ધીરે બિલ્ડિંગના જૂના પરિવારોનાં નામોની તખ્તીઓ બદલાવવા લાગી. જાણીતાં ફ્લેટ્સનાં લાઇટબિલ જુદાં નામે આવવા લાગ્યાં. પરિવારના મોભીઓ બદલાવવા લાગ્યા. ઘણાં મરણ થયાં. ઘણા પરણી ગયા. અમે બધા જ મિત્રો બે પાંદડે-બે ડાળખીએ થઈ ગયાં. સૌના માળા બંધાઈ ગયા. ધંધેનોકરીએ જામી ગયા. એકાદ જણ પરદેશ પણ ઊડી ગયું.

હું ઘરે ટ્યૂશન્સ કરવા લાગ્યો.

પ્રકાશે એના છોકરાનું નામ અગમ રાખ્યું. પહેલા ધોરણમાં દાખલ થયો ત્યારથી અગમને હું જ ભણાવતો. આમ તો વિસ્તારનાં ઘણાં બધાં સ્કૂલી બાળકોને હું મારા ઘરે ટ્યૂશન કરાવતો ને એમાં ઘણા વિદ્યાર્થીઓ મારી સાથે ભણેલા સગા મિત્રોનાં સંતાનો હતાં.

આ વરસો દરમિયાન ભૂતકાળને ભૂલી જવાની ટેકને ધ્રુજાવતા ઘણાં વર્તમાનો આવી આવીને વીતી ગયા હતા, પણ બધું ચાલ્યાં કર્યું.

આમ તો અમારાં ઘર સામસામેની બિલ્ડિંગમાં જ હતાં, છતાં હેમાક્ષી અગમને લેવા-મૂકવા આવતી. ઘણી વાર મારી પત્ની સાથે બેસી વાતોય કરતી. એકાદ વાર અમે બંને પરિવારોએ સાથે જમવાનું પણ કરેલું. નવરાત્રીના દિવસોમાં તો બધા જૂના મિત્રો પરિવાર સાથે મોડી રાતે હોટેલમાં જમવાયે જતા. એકાદ પિકનિક પણ કરેલી.

ટૂંકમાં, બધું બહું વ્યવસ્થિત ચાલવા લાગ્યું હતું.

એક દિવસે તો પ્રકાશે મને કટાક્ષ પણ ફટકારેલો કે “તેં તો હેમાક્ષીને બહુ વગોવી છે યાર. પણ તું જો તો ખરો હકીકતમાં એ કેવી આદર્શ ગૃહિણી છે, આજે અમે બે કેટલાં ખુશ છીએ!”

મને પણ પછી એવું જ લાગી આવતું કે હા, પ્રકાશ સાચ્ચો હશે. કદાચ હેમાક્ષી લગ્ન પછી (અથવા પ્રકાશના પ્રેમને લીધે) એકદમ સુધરી ગઈ હશે એમ પણ હોય અથવા હું સાવ જ ખોટો હોઉં કે બીજું કોઈ કારણ હોય!

જોકે અમને બધાને, ખારી થઈ ગયેલી દાળમાં સાકર નાખી ફરી ચઢવા મૂકો તોય થોડી ખારાશ રહી જ જાય એમ, ભૂતકાળનું ચપટીક આશ્ચર્ય તો રહેતું જ કે પ્રકાશ સાથે હેમાક્ષીને ખરેખર પેલો ઊંડો ઊંડો, સાચ્ચો સાચ્ચો, જનમોજનમનો કહેવાય છે એવો પ્રેમ થઈ ગયો હશે એટલે એ સાવ બદલાઈ ગઈ કે બીજું કંઈ કારણ હશે? એવો ઊંડો ને સાચ્ચો ને જનમજનમવાળો પ્રેમ એણે કરવો જ હતો કે એને થવાનો જ હતો તો તો હેમાક્ષી જેવી રૂપની પડીકી માટે આ પ્રકાશિયા કરતાં બીજા કેટલાય સારા નમૂના ઉપર-નીચે-આગળપાછળ જ્યાં જુઓ ત્યાં પડ્યા હતા, પણ આ પ્રકાશ જ કેમ? એવો પ્રશ્ન મૂંઝવતો ખરો, પણ પજવતો નહીં એટલે બધું ચાલ્યા કરતું.

પણ જો કોઈ, પ્રકાશની જેમ એવો દાવો કરે કે હેમાક્ષી નિર્દોષ હતી, તો એ શક્ય નહોતું.

હેમાક્ષીની ચાલચલગત વિશે તો અમે સમજદારીના પ્રદેશમાં જન્મ્યા એ પહેલાંથી માહિતગાર થઈ ગયા હતા ને છૂપાછૂપી રમતી વખતે મિટરબોક્સ પાછળ અંધારામાં હેમાક્ષી સાથે છુપાવવા થતી પડાપડી, ધુળેટીને દિવસે એને રંગવાની થતી તડામારી, ત્રીજા માળના ખાલી પેસેજમાં એની સાથે “ટ્રૂથ એન્ડ ડેર” રમી ચેનચાળાના ડેર આપવાની હોડ, નવરાત્રીની રાતોમાં મોડે સુધી જાગી એની સાથે લેટનાઇટ આંટો મારવાનો તરવરાટ ને ટેરેસ પરની પેલી“વસ્ત્ર ઉતારો સ્પર્ધા”વાળી સાંજ. એ બધું તો હિંદના સ્વાતંત્ર્યની તારીખ જેટલો સ્પષ્ટ ઇતિહાસ હતો અમારી નજરમાં. ઉપરાંત સ્કૂલકોલેજના દિવસોમાં તો બિલ્ડિંગનાં છોકરેછોકરાં વાકેફ હતા કે એમના શારીરિક ઉમળકાનું સરનામું ક્યા મળી રહેવાનું છે.

પણ હેમાક્ષી હવે એ નથી રહી એ પણ એટલી જ સ્પષ્ટ હકીકત હતી.

ઘણી વાર થઈ આવતું કે હેમાક્ષીને હવે એક વાર પૂછી લેવું જોઈએ કે તું એવું કેમ કરતી હતી? (અથવા હવે કેમ નથી કરતી?) પણ બહુ ખરાબ, અનૌપચારિક, અવિવેકભર્યું લાગે. ખૈર.

વરસો પછી હવે ફરી ક્યારેક ક્યારેક મિત્રો સાથે (પ્રકાશ સિવાયના) હેમાક્ષીની ચર્ચા નીકળતી ને અમે (ખૂબ રસપૂર્વક) એની વાતોય કરતા ને (ચોક્કસ પ્રકારની) યાદોય વાગોળતા. ઘણી વાર આ “આ પ્રકાશ જ કેમ”વાળી મૂંઝવણનો વળ ઉકેલવા મથતાય ખરા. બધા પોતપોતાની હેમાનુભૂતિ પ્રમાણે તારણો આપતાં, પણ સંતોષ થાય એવું સમાધાન હજી નહોતું મળ્યું. વોચમેન કેબિન પાછળના મૌખિક દસ્તાવેજો તો બાળી નાખવામાં આવ્યા હતા, પણ ઘણી વાર એની રાખ ક્યાંકથી ઊડી આવીને અમારા ચહેરા પર ચોટી જતી.

ચોથા ધોરણ સુધી અગમને ભણાવતા ભણાવતા હું ક્યારેક હેમાક્ષીના વિચારે ચડી પણ જતો. ટ્યૂશન છૂટવાના સમયે-રાતે હેમાક્ષી અગમને લેવા આવતી ત્યારે કંઈક ને કંઈક વાત કરીને અથવા મગજ ખૂબ ઝંકોર્યા પછીય વાત ન મળે તો છેવટે ફક્ત મારી સામે જોઈ, હસી, હાથ ઉલાળી, અગમને લઈ જતી રહેતી, હા, જોકે હવે (વરસો પહેલાંની જેમ) સ્પર્શીને કદી વાત ન કરતી. હું એવી કોઈ આશાયે ક્યાં રાખતો?

મને સાંજે ઘરે આવતા ભૂલેચૂકે ક્યારેક મોડું થતું ત્યારે ઘરે વિદ્યાર્થીઓ (મનમાં રાજી રહીને) મારી રાહ જોતા બેઠા હોય ને અગમને મૂકવા આવેલી હેમાક્ષી મારી પત્ની સાથે પડદાની ડિઝાઇન વિશે કે પગલૂછણિયાના કલર વિશે તાત્ત્વિક ચર્ચા કરતી હોય ને એ પછી મારું આગમન થાય.

હું આવું પછી મારી પત્ની સાથેની ચર્ચા બંધ કરી, હેમાક્ષી મારી સામે જુએ, હસે ને પછી બે કે અઢી જેટલી ઔપચારિક વાતો કરીને ચાલી જાય. હું વિદ્યાર્થીઓને ભણાવવા લાગું, પછી અગમને એકાદ વાર તો ટપારું જ.

આવું ઘણી વાર થતું.

પગનું કપાસિયું ઉખાડીને ફેંકતો હોઉં એ રીતે એક વાર મેં પત્ની સાથે આખા ભૂતકાળની પેટછૂટી, હાથછૂટી, પગછૂટી, મનછૂટી વાત કરી લીધી. અમુક સંવેદનશીલ ને વધુ પડતી નાગાત્મકતા ધરાવતા કિસ્સાઓને સેન્સર કરીને અમારી ભૂતકાળ-ફિલમની આખી રીલ પત્ની સામે રજૂ કરી દીધી ને નમ્રતાની ચાસણીમાં અવાજ ડુબોડી ડુબોડી એને નાટ્યાત્મક રીતે પૂછ્યું,

હે પ્રાણપ્રિય પત્ની, મારી બાળસહિયરણી હેમાક્ષીના જીવનનું આ એક અગમ-રહસ્યનું કોકડું ઉકેલવામાં તું મને મદદ કરશે?

એ પણ ચબરાક હતી. એણે પૂછ્યું,

કયું રહસ્ય? હેમાક્ષીએ પ્રકાશને કેમ પસંદ કર્યો એ કે હેમાક્ષી હવે બીજાઓને કેમ પસંદ નથી કરતી એ?

હું મેં જ કરેલી ચાસણીમાં લપસીને ઊંડી ખીણમાં પડ્યો હોઉં એમ ભયભીત થઈ ગયો, છતાં મારો વાવટો અજેય રાખવા મેં કહ્યું,

તને શું લાગે છે વહાલી? આ તો મારું મન જે રહસ્ય જાણવા મૂંઝાય છે એ રહસ્યને ઉકેલવાની જ વાત કરી અને તેમ છતાં તને લાગતું હોય કે મેં હેમાક્ષીને ક્યારેય ખોટી રીતે સ્પર્શી હોય કે હજી ખરાબ ભાવે એને સ્પર્શવાનું વિચારતો હોઉ તો અગમનું ટ્યૂશન બંધ કરી દઉં બસ. બોલ?

પટકાતા બચવા માટે મેં પેરાશૂટ ખોલી.

પત્ની, સિરિયલોમાં હીરોઇનની પાછળ ઊભી રહેતી ભારે મેકઅપવાળી સાઇડ એક્ટ્રેસની જેમ અવાજ વગરનું હસી, મલકાઈ, પછી મેઇન હીરોઇન જેવો ભાવ ચહેરા પર લાવી મને હાથેથી પંપાળવા લાગી. હું હવે ચાસણીમાંથી બહાર નીકળીને થીજેલા ભાત જેવો ચોપટ થઈ ગયો. એ મને વધુ વહાલ કરતાં કરતાં પેલી રહસ્યમય વાતની ગાંસડી પરની ગાંઠો ઉકેલતી હોય એમ બોલી,

પ્રિય પ્રાણનાથ, તમે હમણાં કરી, એના કરતાંય ઘણી વધારે વાતો મેં ને હેમાક્ષીએ કરી છે. તમે તો હેમાક્ષીના ભૂતકાળ વિશે આજે મને કહ્યું, પણ એણે તો મને ક્યારનુંય બધું કહી રાખ્યું છે ને એક વાતનો તો મને ખૂબ આનંદ છે.

“શું?” મારા તરફથી જાણે બીજું જ કોઈ આવીને મારામાંથી બોલી ગયું.

“એ જ કે.” સગડી પરથી ગરમ પાણીનું મોટું તપેલું ટૂંકા કપડાંથી ઉતારતી હોય એવી સાવચેતીથી એણે કહ્યુંૹ

“બધા છોકરાઓને હેમાક્ષીએ ચાન્સ આપ્યા. તમને પણ બહુને? છતાં તમે ખૂબ પ્રામાણિક રહ્યા.”

બે મિનિટ તો મારા ચહેરા પરથી આંખો સિવાય બધું જ ગાયબ થઈ ગયું ને આંખો જ વિસ્તરીને આખ્ખો ચહેરો બની હોય એવી પહોળી થઈ ગઈ. ગોળાકાર નજરનો વ્યાસ સો ઘણો વધી ગયો ને કેન્દ્રબિન્દુ(પત્નીનો ચહેરો) એકદમ ઘાટીલું બની ગયું. મલક્યા કરતી મારી પત્નીને હું જોઈ રહ્યો. મલક્યા કરતી હેમાક્ષી મારી નજર સામે તરવરવા લાગી. એ મને લપેટાઈને સૂઈ ગઈ. હું એનામાં સમેટાઈને ઊંઘી ગયો.

એ પછીના જ દિવસે અગમને મૂકવા હેમાક્ષી નહોતી આવી એટલે મને થોડું અજુગતું લાગ્યું. ફાળ પડી, પણ મોડી રાતે વિદ્યાર્થીઓના છૂટવાના સમયે એ આવી. અમે એકબીજાં સામે જોયું. ઔપચારિકતા માટે પહેરેલાં સ્મિતો સામસામે અથડાઈને વચ્ચે પડ્યાં. મેં પત્નીને મસ્તીભર્યા અવાજે કહ્યુંૹ

આજે હેમાક્ષીને કંઈક ખવડાવીને જ મોકલવાની છે હોં. અગમભાઈનું હોમવર્ક પૂરું નથી થયું.

આ સાંભળી ક્ષણેક પહેલાં વચ્ચે પડેલા સહિયારા સ્મિતને ઉપાડી અમે હાસ્યમાં રૂપાંતરિત કરી ફરી પોતપોતાના ચહેરા પર પહેરી લીધું.

રસોડામાંથી ગ્રાઈન્ડરનો ઘરરર અવાજ શરૂ થયો ને બંધ પડ્યો એ પછી પત્નીએ મારી વાતની હકાર મોકલાવી. હેમાક્ષી બેઠી. બીજા છોકરાઓ એક પછી એક ચાલ્યા. અગમ એના ચોપડામાં ડૂબેલો રહ્યો. પત્ની બાઉલમાં આઈસક્રિમનો પૂળો લઈ બહાર આવી. હેમાક્ષીને આપ્યો. એણે આનાકાનીનો ફુગ્ગો સામે મૂક્યો, પત્નીએ ફટ કરતો એ ફોડી દીધો ને હારેલા પક્ષ પર લદાતી શરતોની જેમ અંતે હેમાક્ષીએ આઈસક્રીમનો બાઉલ સ્વીકાર્યું. ખાવા માંડી.

પાડોશમાં રહેતા ઘરડાં દવેમાસીએ હુંકારો ભરી મારી પત્નીને કંઈક કામ માટે બોલાવી. એક પળનો પણ વિલંબ કર્યા વગર એ (અમારા) આ ઘરની બહાર, (દવેમાસીના) એ ઘરની અંદર સરકી ગઈ. હોમવર્ક પતી ગયાનો ડોળ કરતો અગમ ઊભો થયો, ચોપડા ભરીને એનું દફતર નીચે મૂકી બાથરૂમ તરફ દોડ્યો.

વીસ જ સેકેન્ડના ગાળામાં હું ને હેમાક્ષી એક ઓરડામાં, બાળપણમાં છૂપાછૂપી રમતાં હતાં ત્યારે મીટરબોક્સની પાછળ છૂપાતાં હતાં એવાં, એકલાં થઈ ગયાં. એ પણ કદાચ વીસેક સેકેન્ડ માટે જ હશે એમ વિચારી મેં કંઈક બબડવા પ્રયાસ કર્યો.

“હેમાક્ષી, તું.”

મથી મથીને જીભ પર શબ્દો આણ્યા. આવી દુર્લભ તકનો રહસ્યઉકેલણી માટે પૂરેપૂરો લાભ લેવા હું બેબાકળો બની ગયો.

ત્યાં જ હેમાક્ષી ઊભી થઈ ગઈ ને મારી જીભ તક ન ચૂકવાની જીદ્દે ચડેલી હોય એમ શબ્દો છૂટા ફેંકવા લાગી,

અરે! હેમાક્ષી! તું. તું. પ્રકાશને જ કેમ પરણી?

સ્થિર વાતાવરણ પર જાણે કોઈએ ચાબુક ફટકાર્યોં હોય એમ હવામાં ધ્રુજારી ફેલાઈ ગઈ. કેટલા પળની ચુપકીદી રહી એનું મને ભાન ન રહ્યું. ધ્રુજારીનાં વલયોને તોડતું સ્મિત આપી હેમાક્ષી અટકી અટકીને બોલીૹ

“છેક હવે પૂછ્યું, ખૈર, કારણ કે, પ્રકાશ લગ્ન પહેલાં મને કદી ખોટી રીતે અડ્યો નહોતો.”

મારા ચહેરાએ નાટ્યાત્મક પ્રતિભાવ આપ્યો.

“એમ? પણ, બીજા બધા તને અડ્યા એમાં ભૂલ તારી હતી.” જીભે એની ભૂમિકા ભજવી, શ્વાસ છૂટ્યા પછી જીભ ભેદી અવાજમાં ફરી આગળ બોલી, “અને આમ તો હુંય તને કદી નથી અડ્યો.”

“હા, એ બધું સ્વીકાર્યું! પણ તું નથી અડ્યો એમ ન બોલ, નથી અડી શક્યો એમ બોલ.”

એ, દ્રોપદીની સાડી ખેંચતો દુ:શાસન વચ્ચે વચ્ચે અટક્યો હશે, એમ અટકી. મલકી. હસી.

“તારી કદી હિંમત ન ચાલી અડવાની. મારો આભાર માન કે લોકોને તારી એ પોકળતાને તારી પ્રામાણિકતા માનવા દીધી.” દુઃશાસને સાડી પૂરી ખેંચી દીધી.

“હિંમતની વાત નથી, પણ.” મારી જીભ હડબડી ગઈ.

આ ઐતિહાસિક, અદ્વિતીય, અભૂતપૂર્વ ચર્ચા અધૂરી મૂકીને જ હેમાક્ષી ઘરની બહાર નીકળવા લાગી અને છેલ્લે, હાથમાં રહી ગયેલો સાડીનો એકાદ લીરો પણ સાડી પર ફેંકતી હોય એમ બોલીૹ

એવું પણ નથીને કે તું સાવ નથી અડ્યો મને? હું કહેત તો તું મને પરણત ખરા? નહીં ને? અરે, તારી છોડ, બીજા કોઈને પણ મારી સાથે પરણવા ન દેત તું તો.

મહાકાય કઢાઈમાં મને ફેંકીને કોઈએ કઢાઈ પર હથોડા ફટકાર્યા હોય એવી તમ્મરગ્રસ્ત અવસ્થામાં હું જડાઈ રહ્યો.

હેમાક્ષી મોઢું ફેરવીને ફ્લેટની બહાર પેસેજમાં ઊભી રહી ગઈ. બાથરૂમમાંથી પરવારી અગમ એની પાછળ દોરવાયો. બંને દૃશ્યમાંથી બહાર નીકળી ગયાં ને મારી પત્ની ઘરમાં પાછી આવીને ક્યારે રસોડામાં ચાલી ગઈ કે મને કઢાઈમાંથી બહાર કોણે કાઢ્યો એની મને ખબર ન પડી.

વિદ્યાર્થીઓને એ વરસ માંડ માંડ પૂરું કરાવીને મેં બીજા વરસે ચોથા ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવવાનાં બંધ કરી દીધાં. હવે થોડી પૈસાની ખેંચ રહે છે, એટલે પત્નીને મનાવવા પ્રયાસ કરું છું કે જો સારો ભાવ આવે તો આ ફ્લેટ વેચી બીજે ક્યાંક રહેવા ચાલ્યાં જઈએ.