દાએશ (આઈ.એસ.) નો ભારતનાં યુવાનો પર પ્રભાવ
આ સદી નાં પ્રથમ દશક દરમિયાન જયારે એવી ટીપ્પણીઓ થઇ કે ભારત નો એક પણ મુસ્લિમ યુવાન અલ કાયદા સાથે જોડાયેલ નથી, ત્યારે ભારતીય મુસ્લિમો એ વૈશ્વિક સમુદાય સમક્ષ પોતાનું મસ્તક ગર્વ થી ઊંચું રાખ્યું. ભારતની સમધર્મી સંસ્કૃતિ તેને માટે જવાબદાર હતી. મારા પોતાના સંશોધન પ્રમાણે, હું એવા તારણ પર આવ્યો કે ભારતીય મુસ્લિમ સમુદાયે આઝાદી પર્યંત વર્ષોનાં અનિવાર્ય એવા સ્વ શંકા અને અટકળો બાદ ભારતીય સમાજમાં તેનું સ્થાન લઈ લીધું હતું. પરંતુ વર્તમાન સમયમાં, ઇસ્લામિક સ્ટેટ તરફ થી સંપૂર્ણ વિશ્વનાં મુસ્લિમ યુવાનોને અત્યંત ઉગ્ર વિચારધારા તરફ વાળવા અને પ્રભાવિત કરવા માટેનાં પ્રયાસો ખુબ વધી ગયા છે. ભારતીય મુસ્લિમ યુવાનો પર પણ તેની કેટલીક અસરો હવે સ્પષ્ટ દેખાય છે.
આપણે એવી અટકળ લગાવીએ કે આઝાદીથી લઇ ને આજદિન સુધી વીતેલા સમય દરમિયાન એક દેશ તરીકે, ભારતની આંતરિક સંકલનની પ્રક્રિયા સંપૂર્ણતા પામી અને દૃઢ થઇ ગયી હશે. પરંતુ દર બીજા દિવસે સમાચારોમાં ચમક્યા કરે છે કે ભારતનાં કેટલાક યુવાનો સીરીયા અને ઈરાક માં ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાની કોશિશ કરે છે, કેટલાક લોકો છુપી રીતે ઇસ્લામિક સ્ટેટ તરફ લોકોને આકર્ષવાનું અને ભરતી કરવાનું કામ કરી રહ્યા છે. અહી એ નોંધવું રહ્યું કે આપણે એ જાણી શક્યા નથી કે આપણા કેટલા યુવાનો અગાઉથી આ ઉગ્રવાદી વિચારધારા તરફ ઢાળી ચુક્યા છે, તેના તરફ લાગણી ધરાવે છે, કે પછી આ અંતિમવાદી વિચારધારાને ટેકો આપે છે.
સંખ્યાબળની દૃષ્ટિ એ આ આંકડા બિન મહત્વનાં કહી શકાય કેમકે દીખીતી રીતે, મધ્ય પૂર્વ માં ચાલી રહેલી ઉથલ-પાથલ અને ચળવળમાં ખરેખર જેમણે જંપલાવ્યું છે તેવા ભારતીય યુવાનો હજી આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ છે; અંતિમવાદી વિચારધારાનું આરોપણ એક અત્યંત ખતરનાક બાબત છે કેમકે આ પ્રકારનું વલણ કોઈ પણ પ્રકારની ચેતવણી વગર વિશાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. વર્તમાન સમયમાં જાહેર જનતાને હાથવગા એવા સંશાધનો છે જે તેમને આ ઉદ્દામવાદી વિચારધારા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહો ઉપરથી એવી આગાહી કરી શકાય નહિ કે સમાજનાં ક્યાં તબક્કાને ઇસ્લામિક સ્ટેટની વિચારધારા અસર કરશે. કારણકે સુખી અને શિક્ષિત મુસ્લિમ યુવાનો અને બિન મુસ્લિમો પણ આ વિચારધારાની અસરમાં આવેલા જણાય છે.
અહી એ વાત નો નિર્દેશ મહત્વપૂર્ણ છે કે ઇસ્લામિક સ્ટેટ ની પ્રોપગેન્ડા મશીનરી પોતાનું કામ અત્યંત વ્યાવસાયિક કુશળતા પૂર્વક કરી રહી છે, તેના આંતરરાષ્ટ્રીય દ્રશ્ય પર પર ઉદભવ પછી જ તેની સ્થાપના થઇ તેવું નથી. તકનિકી ક્ષેત્રે નિપુણતા ધરાવતા કર્મચારીઓ કે જેઓ આ અંતિમવાદી વિચારધારાથી પ્રભાવિત છે, તેમની ભરતી છેલ્લા ઘણા સમયથી સુનિયોજિત રીતે ચાલુ જ છે. વિશ્વનાં અલગ અલગ ભાગોમાં ફેલાયેલા આઈ.એસ.નાં સમર્થકો બેરોજગારી, સાંપ્રદાયિક હિંસા, અને ધાર્મિક કટ્ટરતા એવી સંવેદનશીલ બાબતોથી આજનાં યુવાનોને લાગણીનાં એ અંતિમ સુધી પ્રભાવિત કરે છે. આ તબક્કે યુવાનો અંતિમવાદી વ્યક્તિગત નિર્ણય લઇ બેસે છે. અમેરિકાએ જાહેર કર્યું છે, કે ઈન્ટરનેટ પર બધીજ પ્રોપગેંડા વેબસાઈટો પર પ્રતિબંધ શક્યજ નથી, અને આધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં યોજનાબદ્ધ વપરાશનાં લીધે માહિતી/વિચારધારા નો ફેલાવોજે ઝડપથી થઇ રહ્યો છે, તેની સામે પ્રતિકાર માટેનાં યુદ્ધની સાથે કદમ મિલાવવા માટે વિશ્વની મહાસત્તા અમેરિકાએ અસામર્થ્ય વ્યક્ત કર્યું છે. એકલા ભારતમાંજ રોજ બરોજ થતા ફેસબુક અને વોટ્સએપનાં વપરાશ, મેસેજો ની આપ –લે, વિડીઓ ડાઉનલોડ-અપલોડ આવી દૈનિક પ્રવૃત્તિઓનાં કારણે ઉત્પન્ન થતો ડેટાબેસ અકલ્પનીય રીતે વિશાળ અને અનંત છે. હવે આ સંજોગોમાં સુરક્ષા એજેન્સીઓ દ્વારા કરાતા ઉંડાણ પૂર્વકનાં ડેટા માઈનીંગની પોતાની મર્યાદા છે.
પશ્ચિમનાં દેશોમાં વસવાટ કરતા અમુક ખાસ વર્ગનાં લોકો કે જેઓની ઇસ્લામિક સ્ટેટ તરફ ઝૂકાવની સંભાવનાઓ વધુ છે તેમને આઈ. એસ. તરફ આકર્ષિત કરતા પરિબળો વિષે ઘણું લખાયું છે, જેમકે બીજી અને ત્રીજી પેઢીનાં ઈમ્મીગ્રાન્ટ વસાહતીઓ કે જેઓ આજે પણ પશ્ચિમી સંસ્કૃતિમાં ન તો ભળી શક્યા છે, ન તો પોતાને તેની સાથે સુસંગત માને છે. આ સમયે પશ્ચિમી સભ્યતામાં બિન મુસ્લિમ શિક્ષિત યુવાનો પણ ઉદ્દામવાદી વિચારધારા તરફ સફળતા પૂર્વક આકર્ષાયા છે.
પશ્ચિમનાં અનુભવો વિષે માહિતગાર હોવું એ ઘણી સારી વાત છે પરંતુ વિવિધ પ્રદેશો માટે તેમને પ્રભાવિત કરનારા પરિબળો અને કારણો અલગ અલગ છે. ભારત માટે આ મુદ્દો સદંતર આગવી વિચારશૈલી માગી લે તેવો છે. કેમકે ભારતીય મુસ્લિમ યુવાનોનું ધ્યાનાકર્ષણ કરતી બાબતો સદંતર અલગ છે; ભારતનાં બિન-મુસ્લિમો પર આઈ.એસ. નો પ્રભાવ નહીવત રહેવાની શક્યતા છે. હાલાંકી સરકાર સફળતા પૂર્વકના યોગ્ય પગલા લઇ રહી છે, પણ ભારતે ઇસ્લામિક સ્ટેટની પ્રોપગેંડા મશીનરીનાં પ્રયત્નોમાં અચાનક થતા વધારા સામે સાવચેત રહેવાની જરૂર છે. ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ લશ્કરી પગલા માટે યુનાઇટેડ નેશન્સ સેક્યુરીટી કાઉન્સિલએ એકસંમતી થી ઠરાવ પસાર કર્યા પછી મધ્ય પૂર્વમાં હવે અંતરરાષ્ટ્રીય લશ્કરી હુમલાઓમાં હવે તેજી આવી છે. ઇસ્લામિક સ્ટેટનાં આતંકીઓનાં સંખ્યા બળમાં વૃદ્ધિ માટે દક્ષીણ એશિયા તેના માટે એક મોટું શિકારનું મેદાન છે. મધ્ય પૂર્વનાં દેશોમાં ભારતીયોની હાજરીનાં કારણે આપણી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
ભારતે આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ જોવાની તાતી જરૂર છે, ત્યારબાદજ તેની પાછળ યોગ્ય મહત્વ અને ઉંચી કક્ષાએ ધ્યાન આપી શકાશે. બીજી તરફ આ મુદ્દાની જાહેર ચર્ચા રાજનીતિક સ્વરૂપ પકડશે. આ મુદ્દે ખુબ ઓછી સંખ્યામાં લોકો પ્રભાવિત છે તેમ માનીને આપણી વૈચારિક પ્રક્રિયાને પ્રભાવિત થવા ન દેવી અને તેના ભાવી નુકસાનની ચિંતા કરવી અત્યંત જરૂરી છે.
યક્ષ પ્રશ્ન એ છે કે, ભારતમાં ક્યાં પ્રકારની ઉદ્દામવાદી વિરોધી પદ્ધતિ કામ આપશે? મોટા ભાગના વિશ્લેષકો અને સમાજવિજ્ઞાનીઓ અંતિમવાદીઓનાં વિરોધની પદ્ધતિ અપનાવે છે. ભારત કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને સહિષ્ણુતા આપણા લોહીમાં છે એવી બયાન્ બાજી થી ઉપર ઉઠીને વિચારવા નો સમય પાકી ગયો છે. ઈન્ટરનેટનાં વધતા દુષ્પ્રભાવને કારણે સંપૂર્ણ ભારતમાં આ પ્રશ્ન અત્યંત જલદ્દ બની રહે તેવી સંભાવના છે.
દાએશ (આઈ.એસ.) ની વિચારધારાનાં વિરોધને બદલે, આપણે ભારતીય સમન્વય અને સમધર્મિ સંસ્કૃતિનો બાળકો અને યુવાનોમાં હકારાત્મક પ્રચાર કરીએ, અને સર્વધર્મ સમભાવ દર્શાવતી પ્રવૃતિઓને વેગ આપીએ તે આવશ્યક છે. ભારતમાં પ્રવર્તમાન આઝાદીનું મહત્વ આજનો યુવાન સમજે સાથે જ ધર્મગુરુઓ પણ કટ્ટરતાવાદી અભીગમોનો જાહેર તિરસ્કાર કરે તે પણ જરૂરી છે. આપણા દેશનું સાર્વભૌમત્વ પ્રત્યેક ધર્મ પંથ કે જાતીનાં લોકોને એક સરખો જીવન જીવવાનો અધિકાર આપે છે. પ્રત્યેક સીસ્ટમમાં આંતરિક માળખામાં થોડીઘણી ખામીઓ તો હોવાનીજ. આ આંતરિક ખામીઓને આપણે આ મારું પોતાનું રાષ્ટ્ર છે, તેમ ગણીને દુર કરવાનો પ્રયત્ન કરીએ તે ઇચ્છનીય છે નહિ કે તેના ટુકડા કરી અને વીનાશમાં સહભાગી થઈએ તે. પશ્ચિમની ખુલ્લી સંસ્કૃતિ કે મધ્યપૂર્વનું બંધિયાર જીવન, આ બધાં કરતાં આપણા દેશની જીવન શૈલી ખરેખર માણવા યોગ્ય છે, જીવી જવા જેવું છે. આવો સાથે મળીને રાષ્ટ્ર નિર્માણ કરીએ.
બીટિંગ ધ રીટ્રીટ : જહાં ડાલ ડાલ પર સોનેકી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. જહાં સત્ય, અહિંસા ઔર ધર્મ કા પગ પગ લગતા ડેરા, વો ભારત દેશ હૈ મેરા. જય માં ભારતી.
મનન ભટ્ટ (પૂર્વ નૌસૈનિક) (bicentinalman@gmail.com)