Filmi Geetoma kavy in Gujarati Film Reviews by Swarsetu books and stories PDF | ફિલ્મી ગીતોમાં કાવ્ય

Featured Books
Categories
Share

ફિલ્મી ગીતોમાં કાવ્ય

ફિલ્મી ગીતોમાં કાવ્યતત્તવ

હર્ષ બ્રહ્મભટ્ટ

અસદુલ્લાખાન એટલે કે ગીતકાર અસદ ભોપાલીનો જન્મ ૧૦-૭-૧૯૨૧ના રોજ માળવા, ભોપાલ ખાતે થયો હતો. પિતા મુનશી એહમદ ખાન અરબી અને પર્શિયન ભાષાના શિક્ષક હતા.

૧૯૪૭માં ભારત પાકિસ્તાનના વિભાજન પછી ગીતકાર આરઝૂ લખનવી (ગોરે ગોરે ચાંદસે મુખ પર કાલી કાલી આંખે હૈ... ના ગીતકાર) પાકિસ્તાન ચાલ્યા ગયા. તે સમયે નિર્માતા ફાઝલી બ્રધર્સની એક ફિલ્મ ‘દુનિયા’ નિર્માણાધીન હતી. આરઝૂ લખનવીએ આ ફિલ્મનાં માત્ર બે ગીત લખ્યાં હતાં. ફાઝલી બ્રધર્સ કોઈ નવા ગીતકારની શોધમાં હતા.

ભોપાલમાં સુગમ કાપડિયા નામના એક વેપારીની માલિકીનાં કેટલાંક સિનેમા હોલ હતા. આ સુગમ કાપડિયા ફાઝલી બ્રધર્સના મિત્ર હતા. તેમણે ફાઝલી ભાઈઓને કહ્યું કે ભોપાલમાં ઘણા સારા ઊર્દૂ શાયરો અને કવિઓ છે, જેઓ અવારનવાર ભોપાલમાં યોજાતા મુશાયરાઓમાં ભાગ લેતા હોય છે.

ફાઝલી બ્રધર્સની વિનંતીથી સુગમ કાપડિયાએ ભોપાલ ખાતેના તેમના એક સિનેમા હોલમાં ૫-૫-૧૯૪૯ના રોજ એક મુશાયરાનું આયોજન કર્યું. આ મુશાયરામાં અસદ ભોપાલી પણ શાયર તરીકે હતા.

અસદ ભોપાલીએ તે મુશાયરામાં વાંચેલી ગઝલો અને નઝમોથી પ્રભાવિત થઈ ફાઝલી બંધુઓએ તેમને મુંબઈ આવવાનું નિમંત્રણ આપ્યું. આ ૨૮ વર્ષની ઉંમરના અસદ ભોપાલી ૧૮-૫-૧૯૪૯ના રોજ ફિલ્મી ગીતકાર બનવા માટે મુંબઈ પહોંચ્યા. (અત્રે એ નોંધવું જોઈએ કે હિન્દી ફિલ્મોના ગીતકાર તરીકે ભોપાલથી મુંબઈ જનારા અસદ ભોપાલી સૌ પ્રથમ ગીતકાર હતા. તે પછી તો જાં-નિસાર-અખ્તર, કૈફ ભોપાલી જેવા ઘણા ગીતકારો ભોપાલથી મુંબઈ ગયા.)

ફાઝલી બ્રધર્સની ફિલ્મ ‘દુનિયા’ (૧૯૪૯)માં અસદ ભોપાલીએ બે ગીતો લખ્યાં-‘રોના હૈ તો ચુપકે ચુપકે...’ (મહમ્મદ રફી) અને ‘અરમાન લૂટે, દિલ ટૂટ ગયા...’ (સુરૈયા). પછીના વર્ષે એટલે કે ૧૯૫૦માં તેમણે બે ફિલ્મો માટે ગીતો લખ્યાં જે લતા મંગેશકર અને શમશાદ બેગમે ગાયાં હતાં, પણ તેમને ખાસ સફળતા ન મળી.

અસદ ભોપાલીને ગીતકાર તરીકે મોટો બ્રેક મળ્યો ૧૯૫૧માં જયારે બી.આર. ચોપરાએ તેમની ફિલ્મ ‘અફસાના’માં અસદ ભોપાલીને ગીતકાર તરીકે લીધા. ‘અફસાના’માં તેમણે પાંચ ગીતો લખ્યાં જે પૈકી મુકેશે ગાયેલું ‘કિસ્મત બિગડી, દુનિયા બદલી, ફિર કૌન કિસકા હોતા હૈ...’ અત્યંત લોકપ્રિય થયું.

૧૯૫૨થી ૧૯૬૨ દરમિયાન અસદ ભોપાલીએ મોતીમહલ, રાજધાની, ઇન્સાફ, ટ્રોલી ડ્રાઈવર, જરા બચકે, તૂ નહીં ઔર સહી, રઝિયા સુલતાન, પ્યાર કા સાગર અને ગર્લ્સ હોસ્ટેલ જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં, જે પૈકી એકલદોકલ ગીતો લોકપ્રિય થયાં:

(‘તુ નહીં ઔર સહી’નું રફી-આશાએ ગાયેલું યુગલ ગીત ‘યે રંગભરે બાદલ, યે ઉડતા હુઆ આંચલ...’ અને ‘પ્યારકા સાગર’નું આશા ભોંસલેએ ગાયેલું ‘રાત રાત ભર, જાગ જાગ કર, ઇન્તેઝાર કરતે હૈ, હમ તુમસે પ્યાર કરતે હૈ...’)

અસદ ભોપાલીને સાચા અર્થમાં ખૂબ મોટી સફળતા મળી વર્ષ ૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણી’થી. લક્ષ્મીકાંત-પ્યારેલાલની સ્વતંત્ર સંગીતકાર તરીકે આ પહેલી ફિલ્મ હતી. માત્ર ગીત-સંગીતને કારણે હીટ જનાર આ ફિલ્મનાં બધાં જ ગીતોએ ધૂમ મચાવેલી:

૧. હંસતા હુઆ નૂરાની ચેહરા... (અસદ ભોપાલી)

૨. મેરે દિલ મેં હલકી સી વો ખલિશ હૈ... (અસદ ભોપાલી)

૩. ઉઈ મા, ઉઈ મા યે કયા હો ગયા... (અસદ ભોપાલી)

૪. રોશન તુમ્હીં સે દુનિયા, રૌનક તુમ્હીં જહાંકી... (ઇન્દીવર)

૫. વો જબ યાદ આયે, બહુત યાદ આયે... (અસદ ભોપાલી)

૬. ચોરી ચોરી જો તુમસે મિલી તો લોગ કયા કહેંગે.. (ફારૂક કૈસર)

ફિલ્મ ‘પારસમણિ’માં અસદ ભોપાલીએ લખેલાં ચારેય ગીતો સુપરહીટ થયેલાં અને આજે પણ ખૂબ લોકપ્રિય છે. આ ફિલ્મથી અસદ ભોપાલી એક સફળ ગીતકાર તરીકે સ્થાપિત થયા.

૧૯૬૩માં ‘પારસમણિ’ ઉપરાંત એક બીજી ફિલ્મ આવી હતી ‘ઉસ્તાદો કે ઉસ્તાદ’ જેમાં અસદ ભોપાલીનું લખેલું ગીત ‘સૌ બાર જનમ લેંગે, સૌ બાર ફના હોંગે...’ મહમ્મદ રફીના સર્વકાલીન હીટ ગીતોમાં સ્થાન મેળવી શક્યું છે.

૧૯૪૯થી ૧૯૯૩ જેટલી દીર્ધ ફિલ્મી કારકિર્દી દરમિયાન અસદ ભોપાલીએ ૧૦૦થી વધુ ફિલ્મોમાં ૪૦૦ જેટલાં ગીતો લખ્યાં. તેમણે મુખ્યત્વે ઉષા ખન્ના, રવિ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે કામ કર્યું. આટલી લાંબી કેરિયર અને એક અચ્છા શાયર હોવા છતાં અસદ ભોપાલીને ગીતકારોની પ્રથમ હારોળમાં (સાહિર લુધિયાનવી, મઝરૂહ સુલતાનપુરી, કૈફી આઝમી, રાજેન્દ્ર ક્રિશ્ન, શૈલેન્દ્ર, શકીલ બદાયુની, હસરત જયપુરી વગેરે સાથે) સ્થાન ન મળ્યું જે એમની કમનસીબી જ ગણાય. કોઈ અપવાદો બાદ કરતાં તેમને ‘બી’ અને ‘સી’ ગ્રેડની ફિલ્મો જ મળી. તેમ છતાં તેમણે કેટલાંયે અદભુત અને લોકપ્રિય ગીતો આપ્યાં. એ પૈકીનાં થોડાંક ગીતો જોઈએ-

  • અજનબી તુમ જાને પહેચાને સે લગતે હો... (હમ સબ ઉસ્તાદ હૈ)
  • દો દિલ ધડક રહે હૈ ઔર આવાઝ એક હૈ... (ઇન્સાફ)
  • વો જબ યાદ આયે, બહુત યાદ આયે... (પારસમણિ)
  • મેરે દિલમેં હલકી સી વો ખલિશ હૈ, જો નહીં થી... (પારસમણિ)
  • મૈ ખુશનસીબ હું મુઝકો કિસીકા પ્યાર મિલા... (ટાવર હાઉસ)
  • એ મેરે દિલે-નાદાં, તુ ગમસે ન ઘબરાના... (ટાવર હાઉસ)
  • પ્યાર બાંટતે ચલો, કયા હિંદુ કયા મુસલમાં... (હમ સબ ઉસ્તાદ હૈ)
  • હમ તુમસે જુદા હોકે, મર જાયેંગે રો રો કે... (એક સપેરા એક લૂટેરા)
  • દોસ્ત બનકે આયે હો, દોસ્ત બનકે હી રહેના... (બિન ફેરે હમ તેરે)
  • ચાંદ કયા હૈ, રૂપકા દર્પન... (ધમકી)
  • તેરે પ્યારને મુઝે ગમ દીયા, તેરે ગમકી ઉમ્ર દરાજ હો... (છૈલાબાબુ)
  • દિલકા સૂના સાઝ તરાના ઢુંઢેગા... (એક નારી દો રૂપ)
  • હમ કશમકશે-ગમસે ગુઝર કયું નહીં જાતે... (ફ્રી લવ)
  • રાત સે કહો રૂકે જરા... (લૂટેરા)
  • દિલકી બાતેં દિલ હી જાને, આંખે છેડે સૌ અફસાને... (રૂપ તેરા મસ્તાના)
  • હમ તેરે બિન જી ના સહેંગે સનમ... (ઠાકુર જરનૈલસિંઘ)
  • સૌ બાર જનમ લેંગે, સૌ બાર ફના હોંગે... (ઉસ્તાદો કે ઉસ્તાદ)
  • કિસ્મત બિગડી દુનિયા બદલી ફિર કૌન કિસીકા હોતા હૈ... (અફસાના)
  • રાત રાત ભર જાગ કર ઇન્તેઝાર કરતે હૈ, હમ તુમસે પ્યાર કરતે હૈ... (પ્યાર કા સાગર)
  • અભી કમસીન હો, નાદાં હો, જાને જાના... (આયા તૂફાન)
  • હમ પ્યાર કિયે જાયેંગે કોઈ રોક સકે તો રોક લે... (આયા તૂફાન)
  • રાઝે-દિલ ઉનસે છુપાયા ન ગયા... (અપના બનાકે દેખો)
  • કબુતર જા, જા, જા... (મૈને પ્યાર કિયા)
  • દિલ દિવાના, બિન સજનાકે માને ના... (મૈને પ્યાર કિયા)
  • અગાઉના એક લેખમાં મેં નિર્દેશ કર્યો હતો કે કેટલાંયે સુંદર અને અવિસ્મરણીય ગીતો આપવા છતાં કમર જલાલાબાદી, પ્રેમધવન, વર્મા મલિક, નક્શ લયલપુરી, ફારૂક કૈસર, અન્જાન, શેવન રીઝવી, અસદ ભોપાલી, યોગેશ, સંતોષ આનંદ, રાજા મહેંદી અલીખાન જેવા ગીતકારો પ્રથમ હરોળના ગીતકાર ન થઈ શક્યા. (જેનાં ઘણાં કારણો છે, પણ એની ચર્ચા ફરી કયારેક કરીશું.)

    આ ગીતકારોએ લખેલાં અસંખ્ય ગીતો આજે પણ બધા ગણગણે છે, સ્ટેજ પ્રોગ્રામમાં ગવાય છે, રેડિયો કે ટી.વી. પર સંભળાય છે, પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી કે એ ગીતો આ પૈકીના કોઈ ગીતકારે લખ્યાં છે. તેથી આ કોલમમાં એક પ્રયાસ એ પણ છે કે આ બધા ઓછા જાણીતા ગીતકારો વિશે વાત કરવી અને તેમનાં લખેલાં સુંદર ગીતોથી બધાને વાકેફ કરવા. આ પ્રયાસના ભાગરૂપે જ આજે ગીતકાર અસદ ભોપાલી વિશે થોડી મહત્વની વિગતો રજૂ કરી રહ્યો છું.

    આમ તો અસદ ભોપાલીનાં ખૂબ લોકપ્રિય ગીતો પૈકી કોઈ એક ગીતની વાત કરી શકાય, પણ આ કોલમનો હેતુ ફિલ્મના ગીતમાં રહેલું કાવ્યતત્વ જોવાનો છે તેથી આજે આપણે અસદ ભોપાલીની લખેલી આ નખશિખ સુંદર ગઝલ જોઈએ. (ફિલ્મ: ફ્રી લવ, ગીતકાર: અસદ ભોપાલી, સંગીત: લક્ષ્મીકાંત-પ્યારેલાલ, ગાયિકા: લતા મંગેશકર).

    હમ કશમકશ-એ-ગમ સે ગુઝર કયું નહીં જાતે?

    મરના તો બહર-હાલ હૈ મર કયું નહીં જાતે?

    દરેક વ્યક્તિના જીવનમાં પ્રશ્નો, સંઘર્ષ, દુઃખ હોય જ. પણ કેટલીક કમનસીબ વ્યક્તિઓ એવી હોય છે કે જેમણે સતત આજીવન દુઃખ, સંઘર્ષ, મુશ્કેલીઓ અને પારાવાર યાતનાનો સામનો કર્યા કરવો પડે. તેમને આ દુઃખ અને મુશ્કેલીઓના ચક્કરમાંથી ક્યારેય મુક્તિ જ ન મળતી હોય. જાણે કે મોતનું માથે દેવું હોય એમ એણે એનો દરેક શ્વાસ એ દેવા સામે ચૂકવવો પડતો હોય. અહીં મને મારું જ એક મુક્તક યાદ આવે છે:

    કોઈ ના સમજી શકયું કેવું હતું,

    હર કદમ પર જીવવું એવું હતું.

    જિંદગીભર શ્વાસ ચૂકવતા રહ્યા,

    મોતનું માથે ગજબ દેવું હતું.

    અહીં પણ સતત દુઃખ અને યાતનાઓ વચ્ચે સંઘર્ષપૂર્ણ જીવન જીવી રહેલી નાયિકા પૂછે છે કે આ બધા દુઃખો, સંઘર્ષોમાંથી એકસામટું પસાર કેમ નથી થઈ જવાતું? દરેક વ્યક્તિએ એક દિવસ તો મરવાનું જ છે તો પછી આજે જ મૃત્યુ કેમ નથી આવતું? આમ રોજ રોજ કટકે કટકે મરવાનું શા માટે?

    યે વક્તકે હાથોં મેં ચમકતે હુએ ખંજર,

    એક સાથ કલેજેમેં ઉતર ક્યું નહીં જાતે?

    સમયથી ક્રૂરતાથી કોણ વાકેફ નથી? સમયના ગર્ભમાં શું રહેલું છે અથવા કયારે કેવો સમય આવશે એનાથી અજાણ એવા આપણે સર્વશક્તિમાન સમયના હાથમાંના અદૃશ્ય ચળકતા ખંજરોના ભયના ઓથાર હેઠળ શ્વાસ લઈએ છીએ. અને સમય? એ તો એકસાથે, એક જ વાર પોતાની બધી ક્રૂરતા પ્રગટ નથી કરતો, એ તો સમયાંતરે એની શક્તિનો પરચો આપ્યા કરે છે. એટલે જ સાહિર લુધિયાનવીએ ‘વક્ત’ ફિલ્મના ટાઈટલ સોંગમાં કહ્યું છે કે –

    વક્તસે દિન ઔર રાત,

    વક્તસે કલ ઔર આજ,

    વકતકી હર શય ગુલામ,

    વક્તકા હર શય પે રાજ.

    આદમી કો ચાહિયે,

    વક્તસે ડર કર રહે.

    કૌન જાને કિસ ઘડી,

    વક્તકા બદલે મિજાજ?

    નાયિકા પૂછે છે કે સમયની બધી ક્રૂરતા એક સાથે કેમ પ્રગટ થઇ નથી જતી? રોજેરોજ સમયના કારમા ઘા સહન કરવા કરતાં તો સારું છે કે આ જ ક્ષણમાં જે કંઈ થવાનું હોય તે થઇ જાય અને આ કહેવાતા જીવનનો હમણાં જ અંત આવી જાય.

    બહકે હુએ કદમોંપે યે સાંસોકે જનાજે,

    આખિર કિસી મંઝીલ પે ઠહર કયું નહીં જાતે?

    ગઝલનો આ શ્રેષ્ઠ શે’ર છે. નાયિકા કહે છે કે હું આ શ્વાસોને, આ જીવનને એક નનામીની જેમ ઉંચકીને, લથડતા પગલે વર્ષોથી ચાલી રહી છું. આ બોજ હવે મારા માટે અસહ્ય છે. હવે મારામાં એ ક્ષમતા/તાકાત નથી કે આ બોજને ઉંચકીને એક ડગલું પણ ચાલી શકું. તો પછી આ શ્વાસ કોઈ પણ ક્ષણે, કોઈ પણ સ્થળે અટકી કેમ જતા નથી? મારા માટે જ્યારે જીવવાનો કોઈ હેતુ જ નથી ત્યારે આ શ્વાસ જે જગ્યાએ અટકી જશે એ જ જગ્યા મારા માટે તો જીવનની આખરી મંઝીલ હશે.

    સોચા હી નહીં થા કભી યે હાલ ભી હોગા,

    હમ અપની હી તસ્વીરસે ડર કયું નહીં જાતે?

    નાયિકા પોતાની ચિંથરેહાલ જિંદગીના સંદર્ભમાં કહે છે કે આવી સ્થિતિની, આવી બેહાલીની તો મેં કલ્પના પણ નહોતી કરી! આજે હું દર્પણમાં મારો જ ચહેરો જોઉં તો ખુદને જ ઓળખી ન શકું. સમયની ક્રૂરતાએ, સમયના નિર્દય પંજાએ મારા સમગ્ર જીવનને બેરહેમીથી પીંખી નાખ્યું છે. આવું છે તો પછી હું મારી જ તસ્વીર જોઇને ડરી કેમ નથી જતી?

    મારી ખાસ ભલામણ છે કે આ સાદ્યંત સુંદર ગઝલને માણવા તમે સૌ આ ગઝલ જરૂર સાંભળજો. લતાજીના સ્વરમાં આ ગઝલ સાંભળવી એ ખરેખર એક લ્હાવો છે.

    અસદ ભોપાલી એક ઉત્ક્રષ્ટ શાયર હતા. તેમની રચનાઓનો સંગ્રહ ‘રોશની, ધૂપ, ચાંદની’ ઊર્દૂ સાહિત્ય અકાદમી, ભોપાલ દ્વારા પ્રકાશિત થયો હતો.

    વર્ષ ૧૯૮૯ની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના બે અવિસ્મરણીય ગીતો ‘દિલ દિવાના બિન સજનાકે માને ના...’ અને ‘કબુતર જા, જા, જા...’ અસદ ભોપાલીએ લખેલાં. પણ તેના થોડા જ સમય પછી પક્ષઘાતનો હુમલો થતાં તેમનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયેલું. તેમના સગાસંબંધીઓ તેમને મુંબઈથી ભોપાલ લઇ ગયા હતા. ૧૯૯૦માં તેમને ‘મૈને પ્યાર કિયા’ના ગીત ‘દિલ દિવાના બિન સજનાકે માને ના...’ માટે ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં હાજર રહી શક્યા નહોતા. આવા સમર્થ ગીતકારનું ૯-૬-૧૯૯૦ના રોજ ભોપાલ ખાતે નિધન થયું.

    અસદ ભોપાલીએ હિન્દી ફિલ્મોના માધ્યમથી જે સુંદર ગીતો આપ્યાં છે તેના થકી તેઓ હંમેશાં આપણી સ્મૃતિમાં રહેશે.

    કશમકશ-અસમંજસ

    બહર-હાલ- કોઇપણ સંજોગોમાં

    શય-વસ્તુ, ચીજ