Bharatiya Sanskruti in Gujarati Human Science by MB (Official) books and stories PDF | ભારતીય સંસ્કૃતિ

Featured Books
Categories
Share

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ

પ્રકાશક

ગુજરાતી પ્રાઈડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧. નદીમાં સિક્કા નાખવા

૨. બે હાથ જોડીને નમસ્કાર કરવા

૩. ભારતીય સ્ત્રીઓ પગમાં ‘વીંછીઓ’ કેમ પહેરે છે ?

૪. કપાળ પર તિલક લગાડવું

૫. મંદિરોમાં ઘંટ કેમ હોય છે ?

૬. નવરાત્રીનું મહત્ત્વ

૭. તુલસીનાં છોડની પૂજા કેમ થાય છે ?

૮. પીપળના વૃક્ષની પૂજા કેમ થાય છે ?

૯. ખાનપાનમાં તીખાશ અને મીઠાશનું મિશ્રણ

૧૦. પુરુષોનું માથામાં શિખા ધારણ કરવી

૧૧. હથેળી પર મહેંદી લગાડવી

૧૨. દિવાળીનાં સમયે ઘરની સાફસફાઈ કરવી

૧૩. જમીન પર બેસીને જમવું

૧૪. સુતી વખતે ઉત્તર દિશા તરફ માથું રાખીને કેમ ન સુવાય ?

૧૫. સૂર્યને અર્ધ્ય આપવો

૧૬. બાળકોનાં કાન વીંધવા

૧૭. સ્ત્રીઓનું માથામાં સિંદુર લગાડવું

૧૮. વડીલોના ચરણસ્પર્શ કરવા

૧૯. ઉપવાસ કરવા

૨૦. મુર્તીપુજા કરવા પાછળનાં કારણો

ભારતીય સંસ્કૃતિ

ભારતીય રીવાજો વિરૂદ્ધ વૈજ્ઞાનિક કારણો

હિંદુ ધર્મના રીવાજોને ઘણીવાર અંધશ્રદ્ધા ગણી લેવામાં આવે છે, પરંતુ વિજ્ઞાનના આગમનથી એ સાબીત થઈ ચુક્યું છે કે આ તમામ રીવાજો પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે અને પેઢી દર પેઢી આ કારણો દ્વારા જ આ રીવાજો જીવતાં રહ્યાં છે. જો કે સામાન્ય પ્રજામાં આ વૈજ્ઞાનિક કારણો વિષે અજ્ઞાન છે પરંતુ આ જ સામાન્ય પ્રજા સદીઓથી આ રીવાજોને વફાદારીપૂર્વક નિભાવતી આવી છે. આ લેખ એક પ્રયાસ છે ભારતીય રીવાજો પાછળનાં વિજ્ઞાનને આગળ લાવવાનો અને તેને સરળ ભાષામાં સમજાવવાનો.

૧. નદીમાં સિક્કા નાખવા

સામાન્ય રીતે આ રીવાજ પાછળ એવું કારણ આપવામાં આવે છે કે આવું કરવાથી નસીબ ચમકે છે. પરંતુ આ રીવાજ પાછળનું વૈજ્ઞાનિક કારણ જોઈએ તો પુરાતનકાળમાં સિક્કાઓ તાંબાના બનતાં હતાં નહી કે આજની જેમ સ્ટીલના. તાંબુ મનુષ્યના શરીર માટે એક અતિ આવશ્યક ધાતુ છે અને આ બાબત ધ્યાનમાં રાખીને જ આ રીવાજ પાડવામાં આવ્યો હતો, આથ જો મનુષ્ય નસીબ ચમકાવવાના બહાને પણ આ તાંબાના સિક્કા નદીમાં ફેંકે તો નદીનું પાણી પણ તાંબાયુક્ત થાય અને છેવટે એ પીવાના પાણી વાટે મનુષ્યના શરીરમાં જ પાછું આવે એ હેતુથી આ રીવાજ પાડવામાં આવ્યો હતો.

૨. બે હાથ જોડીને નમસ્કાર કરવા

ભારતીય સંસ્કૃતિ મુજબ જ્યારે બે લોકો એકબીજાને મળે છે ત્યારે પોતાનાં બન્ને હાથ જોડીને ‘નમસ્કાર’ કરે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયાને લોકો એકબીજાને માન આપવાની એક રીત તરીકે ઓળખે છે, પરંતુ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એમ કહે છે કે આમ કરવાથી હથેળીમાં રહેલાં આંખ, કાન અને મગજના બિંદુઓ દબાય છે અને આમ કરવાથી આ તમામ અંગો સક્રિય રહે છે અને એનાં કારણે જે વ્યક્તિને આપણે મળતાં હોઈએ છીએ એને આપણે લાંબો સમય સુધી યાદ રાખી શકીએ છીએ ઉપરાંત એકબીજાને સ્પર્શ ન થવાથી જંતુઓની આપલે પણ થતી નથી.

૩. ભારતીય સ્ત્રીઓ પગમાં ‘વીંછીઓ’ કેમ પહેરે છે ?

પગમાં પહેરવાનું ઘરેણું વીંછીઓ એ માત્ર સ્ત્રીનું પરણિત હોવાનું પ્રમાણ નથી પરંતુ એની પાછળ વિજ્ઞાન પણ છે. સામાન્ય રીતે વીંછીયો પગનાં અંગુઠાની બાજુની આંગળીમાં પહેરાય છે જે એક એવી ચેતાને સ્પર્શ કરે છ જે સ્ત્રીનાં ગર્ભાશયને હ્ય્દય સાથે જોડે છે. વીંછીઓ પહેરવાથી સ્ત્રીનું રૂધિરાભિસરણ યોગ્યરીતે થાય છે જે એને એનાં માસિકસ્ત્રાવના સમયને પણ નિયમિત કરે છે. ઉપરાંત વીંછીઓ સામાન્ય રીતે ચાંદીનો હોવાથી એ ધ્રુવીય ઉર્જાને પણ સ્ત્રીના શરીરમાં પ્રસારીત કરે છે.

૪. કપાળ પર તિલક લગાડવું

કપાળ પર આવેલી બે ભ્રમરો વચ્ચેની જગ્યાએ પ્રાચીન વિજ્ઞાન પ્રમાણે ચેતાતંત્રનો એક અતિ મહત્ત્વનો હિસ્સો ગણવામાં આવ્યો છે. અહીં કુમકુમ થી બનેલું તિલક લગાડવાથી એમ કહેવાય છે કે મનુષ્યમાં ઉર્જા ફરીથી પ્રસ્થાપિત થાય છે અને મનુષ્ય સારી રીતે એકાગ્રતા કેળવી શકે છે. આ જ જગ્યાએ અદ્દન્ય ચક્ર પણ આવેલું છે આથી અહીં કુમકુમ તિલક લગાવવાથી ચહેરાનાં સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.

૫. મંદિરોમાં ઘંટ કેમ હોય છે ?

મંદિરે જતાં લોકો કાયમ ગર્ભગૃહમાં જતાં પહેલાં મંદિરમાં બાંધેલા ઘંટને વગાડતાં હોય છે. આગમ શાસ્ત્ર મુજબ ઘંટ વગાડવાથી દુષ્ટ શક્તિનો નાશ થાય છે અને ઘંટનો અવાજ તો ઈશ્વરને પણ ગમે છે. જો કે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એમ છે કે ઘંટ વગાડવાથી મનુષ્યનું મગજ ચોખ્ખું અને તીવ્ર થાય છે. જો ઘંટને યોગ્ય રીતે વગાડવામાં આવે તો તે મગજના ડાબા અને જમણા ભાગને એકસૂત્રમાં બાંધે છે. ઘંટ વગાડવાની યોગ્ય રીત એવી છે કે તેને સાત સેકંડ એવી રીતે વગાડો કે એમાંથી મહત્તમ રીતે પડઘો અથવાતો પ્રતિધ્વની નીકળે જેનાથી શરીરના સાતેય બિંદુઓ સક્રિય થાય અને મગજમાંથી તમામ નકારાત્મક વિચારો દુર થઈ જાય.

૬. નવરાત્રીનું મહત્ત્વ

સદિઓથી ચાલી આવતી આપણી જીવનચર્યા પુરી રીતે બદલાઈ ચુકી છે. આપણી આજની દિનચર્યાને આપણે એક હજાર વર્ષ પહેલાંનાં લોકોની દિનચર્યા સાથે સરખાવી ન શકાય, પરંતુ નવાઈની વાત એ છે કે આપણી પરંપરાઓ તો વર્ષોથી એમ ને એમ જ ચાલી રહી છે. શું તમે કોઈવાર એવું વિચાર્યું છે કે આપણે નવરાત્રી વર્ષમાં બે વખત કેમ ઉજવીએ છીએ ? જ્યારે હોળી અને દિવાળી વર્ષમાં એક જ વાર ઉજવીએ છીએ, આમ કેમ ? એનું એક માત્ર કારણ એ છે કે ચૈત્રી અને આસો નવરાત્રી એવાં સમયે આવે છે જ્યારે ઋતુ બદલાઈ રહી હોય છે અને આને કારણે આપણા શરીરને પણ આપણા ખાનપાનની આદતમાં બદલાવ આપવો જરૂરી છે. આ બન્ને નવરાત્રીના નવ દિવસો દરમ્યાન આપણે વધુ પડતી ખાંડ અને વધુ પડતું મીઠું ન ખાઈને ધર્મ-ધ્યાન કરીને આપણામાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. આને કારણએ આપણામાં આત્મનિર્માણની શક્તિ પણ વધે છે અને આમ થવાથી ઋતુના બદલાવવા છતાં આપણું શરીર સ્વસ્થ રહે છે.

૭. તુલસીનાં છોડની પૂજા કેમ થાય છે ?

તુલસીના છોડને હિંદુ ધર્મમાં માતાનો દરજ્જો મળ્યો છે. તુલસીનાં પાંદડાંને પવિત્ર પાન ગણવામાં આવ્યું છે અને દરેક શ્રદ્ધાપૂર્વક થતાં કાર્યમાં તુલસીપત્રની હાજરી અનિવાર્ય ગણાય છે. વેદકાળથી જ તુલસીના ગુણો વિષે સમજાવવામાં આવ્યું છે અને એટલું જ નહી તુલસીને ‘સંજીવની’ પણ કહેવાય છે કે રોજની ચા માં જો તુલસીપત્રનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને મનુષ્યની તંદુરસ્તીમાં વધારો થાય છે અને તેનાથી એને લાંબુ જીવન પણ મળે છે. એવું કહેવાય છે કે સર્પો પણ તુલસીનાં છોડની નજીક જતાં નથી અને કદાચ એટલે જ પુરાતનકાળમાં લોકો મોટી સંખ્યામાં તુલસીના છોડ પોતાનાં ઘરની આસપાસ ઉગાડતાં હતાં.

૮. પીપળના વૃક્ષની પૂજા કેમ થાય છે ?

આમ જુઓ તો પીપળનું વૃક્ષ કોઈપણ કામમાં આવતું નથી. એ ન તો આપણને કોઈ ફળ આપે છે કે ન તો એનું લાકડું એટલું મજબુત હોય છે કે કોઈ કામમાં આવે, હા એ કદાચ છાંયો આપવા માટે જ કામમાં આવે છે, પણ તેમ છતાં તેની પૂજા કરાય છે કેમ ? એની પાછળ વૈજ્ઞાનિક કારણ એવું છે કે પીપળાનું વૃક્ષ કદાચ દુનિયાનું એકમાત્ર એવું વૃક્ષ છે જે રાત્રે પણ પ્રાણવાયુ એટલેકે ઓક્સીજન બહાર કાઢે છે અને એટલે જ આપણા વડીલોએ આ વૃક્ષનું કાયમ જતન થતું રહે એનાં માટે એને ભગવાનની ઉપમા આપી છે જેથી એની પૂજા કરવાનાં અને પવિત્ર હોવાનાં બહાને કોઈ એને કાપે નહીં.

૯. ખાનપાનમાં તીખાશ અને મીઠાશનું મિશ્રણ

ગુજરાત સીવાય ભારતનાં અન્ય ભાગોમાં રાંધેલો ખોરાક મોટેભાગે તીખાશ પડતો હોય છે અને અહીં એવો પણ રીવાજ હોય છે કે જમ્યા પછી જ મીઠાી પીરસવામાં આવે છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે તીખાશ પડતાં ખાવાથી શરીરમાં રેહાલં એસીડીક તત્ત્વો ઉત્તેજીત થાય છે જે પાચનમાં મદદ કરે છે અને ત્યાર પછી ગળ્યું ખાવાથી આ એસીડીક તત્ત્વો આપોઆપ શાંત થઈ જાય છે.

૧૦. પુરુષોનું માથામાં શિખા ધારણ કરવી

આયુર્વેદનાં પ્રથમ હરોળના શૈલ્ય ચિકિત્સક ઋષિ સુશ્રુત અનુસાર માથાનો એ ભાગ જ્યાં શિખા ધારણ કરાય છે એ અધિપતિ મર્મ છે અને અહીં જ બધીજ મહત્ત્વની ચેતાઓ ભેગી થાય છે અને શિખા ધારણ કરવાથી આ સ્થાનનું રક્ષણ થાય છે. આ જગ્યાએ મગજ આવેલું છે અને અહીંથીજ સુષુમ્ણ નામની ચેતા શરીરનાં છેક નીચેનાં ભાગ સુધી જાય છે અને અહીં જ બ્રહ્મરંધ્ર નામે એક ચક્ર પણ આવ્યું છે જે યોગની દ્રષ્ટીએ સાતમું અને મહત્ત્વનું ચક્ર છે અને અહીંથી જ મનુષ્યની બુદ્ધિનું નિયંત્રણ પણ થાય છે. બાંધેલી શિખા આ મધ્યમાં આ મધ્યમાં આવેલી ઉર્જાને વધારે છે જેને ‘ઓજસ’નાં નામે ઓળખવામાં આવે છે.

૧૧. હથેળી પર મહેંદી લગાડવી

હથેળીને રંગ આપવા ઉપરાંત મહેંદી એક ઔષધી પણ છે. પોતાનાં લગ્ન કરવા જતી કન્યા માટે એક કે બીજાં કારણોસર આ કાયમ તણાવભર્યો સમય હોય છે અને આ દિવસોમાં તેને માથામાં દુઃખાવો અને તાવની સમસ્યા પણ રહેતી હોય છે. જેમ જેમ લગ્નો દિવસ નજીક આવતો જાય છે તેમ એનાં માટે લાગણીઓનું મિશ્રણ પણ એની સહનશીલતાની કસોટી કરતું હોય છે. હથેળી પર મહેંદી લગાડવાથી કન્યાનો તણાવ ઓછો થાય છે અને હથેળીમાં રહેલી ચેતાઓ પણ શાંત થતાં એ લગ્ન પ્રસંગને શાંતિથી માણી શકે છે અને આ માટે જ લગ્ન કરતી કન્યાના હાથ અને પગ પર મહેંદી લગાડવામાં આવે છે.

૧૨. દિવાળીનાં સમયે ઘરની સાફસફાઈ કરવી

દિવાળી સામાન્યરીતે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આવે છે અને આ સમય શિયાળાની ઋતુની શરૂઆત હોય છે અને ચોમાસાની ઋતુનો અંત. વર્ષાઋતુમાં જ્યારે ખુબ વરસાદ પડે છે ત્યારે ઘરમાં ભેજ પણ વધે છે જેનાં કારણે ઘરની સફાઈ સારી રીતે થઈ શકતી નથી અને આથી જ દિવાળીના સમય પહેલાં લોકો ઘરને સ્વચ્છ કરીને એને સુંદર બનાવતાં હોય છે અને સાથેસાથે આ બહાને માળીયામાં રહેલાં પોતાનાં શિયાળુ વસ્ત્રોને પણ નીચે ઉતારી લે છે.

૧૩. જમીન પર બેસીને જમવું

મોટાભાગનાં ભારતીયો દિવસનાં બન્ને ભોજનો જમીન પર બેસીને જ ગ્રહણ કરે છે. બેસવાની આ સ્થિતિને યોગની ભાષામાં ‘સુખાસન’ કહેવાયું છે. યોગ્ય શાસ્ત્ર અનુસાર સુખાસનમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી રૂધિરાભિસરણ યોગ્ય રીતે થાય છે અને જેને કારણે ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. પગ લટકાવીને બેસવાથી કે ઉભાં ઉભાં ખાવાથી આમ બની શકતું નથી.

૧૪. સુતી વખતે ઉત્તર દિશા તરફ માથું રાખીને કેમ ન સુવાય ?

એક અંધશ્રદ્ધા મુજબ ઉત્તર તરફ માથું રાખીને સુવાથી મૃત્યુ થાય છે અથવા તો ભૂતપ્રેતને આમંત્રણ મળે છે પરંતુ વૈજ્ઞાનિક કારણો અનુસાર માનવીનાં શરીરમાં પણ એક ચુંબકીય અસર હોય છે જેને કારણે જ શરીરમાં લોહીનો પ્રવાહ સરખી રીતે વહે છે. ઉત્તર તરફ માથું રાખીને સુવાથી શરીરનું ચુંબકીય તત્ત્વ પૃથ્વીનાં ચુંબકીય તત્ત્વથી સમાનતા ગુમાવી બેસે છે અને જેને કારણે હ્ય્દયને લોહીનું પરિભ્રમણ કરાવવામાં વધુ મહેનત પડે છે એને એનાં કારણે બ્લડપ્રેશરમાં પણ અસમાનતા આવી જાય છે. આ ઉપરાંત આ રીતે સુવાથી આપણા લોહીમાં રહેલા લોહતત્ત્વો પણ મગજમાં એક જ જગ્યાએ ભેગાં થવા માંડે છે જેથી માથાનો દુઃખાવો અને લાંબે ગાળે અલ્ઝાઈમર, બુદ્ધિનો નાશ થવો અને પાર્કિન્સન્સ જેવા રોગો પણ થઈ શકે છે.

૧૫. સૂર્યને અર્ધ્ય આપવો

હિંદુ ધર્મમાં ઉગતા સૂર્યને પાણીથી અર્ધ્ય આપવાની રીત પાછળનું વૈજ્ઞાનિક કારણ એક જ છે કે આમ કરવાથી ઉગતાં સૂર્યના કોમળ કિરણો આપણા શરીરમાં જાય છે જે તેની તંદુરસ્તી માટે જરૂરી છે ઉપરાંત વહેલાં ઉઠીને વહેલાં પરવારી જવાથી કામે વહેલું ચડાય છે.

૧૬. બાળકોનાં કાન વીંધવા

ભારતવર્ષમાં બાળકો ખાસકરીને બાળકીઓના કાન વીંધવાની રીત પૂરી રીતે વણાઈ ચુકી છે. ભારતીય વૈજ્ઞાનિકો અનુસાર આમ કરવાથી બાળકોમાં બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે અને એમની વિચારશક્તિમાં વધારો થતાં તેમનામાં નિર્ણયશક્તિ પણ વિકસે છે. આ ઉપરાંત બાળકના કાન વિંધવાથી બોલવાની શક્તિ પર પણ કાબુ આવે છે જે આગળ જતાં બાળકનાં વ્યાવસાયિક જીવનમાં પણ લાભ કરે છે. પશ્ચિમી રાષ્ટ્રોમાં પણ આ વિધિને અપનાવવામાં આવી છે. પરંતુ એને મોટેભાગે ફેશન તરીકે જ જોવાય છે.

૧૭. સ્ત્રીઓનું માથામાં સિંદુર લગાડવું

એવું કહેવાય છે કે પરિણિત સ્ત્રીઓ માથામાં સિંદુર પોતાનાં પતિના લાંબા આયુષ્ય માટે લગાડે છે પરંતુ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એમ છે કે સિંદુરમાં હળદર, લીંબુ અને પારાનું મિશ્રણ પણ હોય છે, જેને કારણે સ્ત્રીઓનાં બ્લડપ્રેશર પર કાબુ આવે છે અને આ ઉપરાંત તેનામાં જાતીય આવેશો પણ ઉદ્દભવે છે (કદાચ આ જ કારણોસર વિધવા સ્ત્રીઓ માટે સિંદુર લગાડવા પર પ્રતિબંધ છે.) વળી પારાનાં ઉપયોગથી માનસિક તાણ પણ દુર થાય છે. સિંદુરના શ્રેષ્ઠ પરિણામો લાવવા માટે તેને કપાળથી પીટ્યુટરી ગ્રંથી સુધી લગાડવું જરૂરી છે.

૧૮. વડીલોના ચરણસ્પર્શ કરવા

એક સામાન્ય માન્યતા મુજબ વડીલોનું માન રાખવા માટે અને એમનાં આશીર્વાદ પામવા માટે એમનાં ચરણસ્પર્શ કરવા જરૂરી છે. પરંતુ વિજ્ઞાન અનુસાર વાંકા વળીને ચરણસ્પર્શ કરવાથી શરીરમાં બ્રહ્માંડીય ઉર્જા પેદા થાય છે અને આ ઉર્જા વડીલોના ચરણસ્પર્શ દ્વારા એમનાં અંગુઠા વાટે એમના શરીરમાં પ્રસારિત થાય છે જેનાથી બન્ને વ્યક્તિઓનાં મન અને હ્ય્દય જોડાય છે. આજ પ્રક્રિયા હાથ મેળવવાથી અને ભેટવાથી પણ થાય છે. આથી એક શરીર આ ઉર્જાને આપનાર અને બીજું શરીર આ ઉર્જાને સ્વિકારનાર બને છે.

૧૯. ઉપવાસ કરવા

ઉપવાસનું મહત્ત્વ આયુર્વેદના મોટાભાગનાં ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. પ્રાચીન આયુર્વેદ એ બાબત પર ભાર મુકે છે કે મોટાભાગનાં રોગોનું મૂળ કારણ પાચનક્રિયામાં થતાં અભાવમાં રહેલું છે. શરીરમાં ખોરાકની જમા થતાં કેટલાંક ઝેરી તત્ત્વોની સફાઈ માટે ઉપવાસ કરવા અત્યંત જરૂરી છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રનાં અંગોને આરામ મળે છે અને શરીરનું મોટાભાગનું તંત્ર ચોખ્ખું થાય છે અને સામાન્ય બને છે.

સંપૂર્ણ ઉપવાસ શરીર માટે ખુબ ફાયદાકારક છે જો કે કોઈક વાર ઉપવાસ દરમ્યાન હુંફાળા પાણીમાં લીંબુનો રસ લેવાથી વાત થતો નથી. આયુર્વેદ અનુસાર મનુષ્યનું શરીર ૮૦% પાણી અને ૨૦% ઘન પદાર્થોથી બનેલું છે અને ઘણીવાર શરીરમાં ઘણીવાર આ બાબતે અસંતુલન પેદા થાય છે અને જેને લીધે શરીરનાં એસીડીક તત્ત્વોમાં વધારો થાય છે અને ઉપવાસ દ્વારા આ તત્ત્વો કાબુમાં આવે છે. અમુક શોધ એવું પણ સાબિત કરે છે કે ઉપવાસ કરવાથી વધારાની કેલરી ઘટે છે અને કેન્સર, હ્ય્દયરોગ, ડાયાબીટીસની શક્યતાઓ ઘટે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

૨૦. મુર્તીપુજા કરવા પાછળનાં કારણો

હિંદુ ધર્મમાં દુનિયાનાં કોઈપણ ધર્મ કરતાં મૂર્તિપુજાનું મહત્ત્વ સહુથી વધુ છે. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ અમુક શોધ પછી એવું દર્શાવે છે કે, મુર્તીપુજા કરતી વખતે વ્યક્તિનું ધ્યાન એક જ જગ્યાએ સ્થિર રહે છે. એવું કહેવાય છે કે વ્યક્તિના વિચારો એ જે જોવે છે એ પ્રમાણે જ બંધાય છે આથી મુર્તીપુજા કરતી વખતે મનુષ્યમાં પવિત્ર વિચારો આવે છે અને જેનાં કારણે તે એક સારો વ્યક્તિ બને છે. આ ઉપરાંત મુર્તીપુજા દ્વારા આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે અને કોઈપણ માર્ગાંતર વીના વ્યક્તિ ધ્યાન ધરી શકે છે.

૨૧. ભારતીય સ્ત્રીઓ શા માટે બંગડીઓ પહેરે છે ?

સામાન્યત કોઈપણ મનુષ્યનું કાંડુ એનાં શરીરનું સહુથી વધુ કામ કરતુ અંગ છે. વ્યક્તિની નાડી પણ આજ જગ્યાએ સ્થિત હોય છે અને એ જ વ્યક્તિની વ્યાધિઓની ખબર પણ આપે છે અને આથીજ ડોક્ટરો તેમજ વૈદ્યો સહુ પ્રથમ વ્યક્તિની નાડ જોતાં હોય છે. સ્ત્રીઓ બંગડીઓ પોતાનાં કાંડા પર પહેરે છે અને તેનું વારંવાર આ નાડીને સ્પર્શ કરવાથી સ્ત્રીના શરીરમાં લોહીનું ભીસરણ વધે છે. સ્ત્રીની ચામડીના ઉપરના ભાગમાં સ્થિત ઉર્જા પણ બંગડીઓને કારણે બહાર ન જતાં તેનાજ શરીરમાં પાછી વળે છે જે એને કાયમ સ્ફુર્ત રાખે છે.