Dhak Dhak Girl - Part - 23 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ -ભાગ ૨૩

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ -ભાગ ૨૩

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૨૩]

લેખક: અશ્વિન મજીઠિયા

લગ્નની વાત કરવા માટે, રીવાજ પ્રમાણે તો...અમારે ધડકનનાં ઘરે જવું જોઈએ, કારણ બધાં પાસેથી એવું જ સાંભળ્યું છે કે કોઈ પણ છોકરી સામેથી પોતા જાત બતાડવા..સૉરી લેન્ગવેજ બરોબર નથી લાગતી..પોતાનાં દર્શન કરાવવા આપણા ઘરે ન આવે..છોકરીને જોવા તો છોકરાવાળાઓએ જ તેનાં ઘરે જવાનું હોય..

પણ ખેર, ધડકન તો મારા ઘરે..ભલે અનઓફિશિયલી..પણ પુષ્કળ વાર આવી જ ગઈ હતી, તો તેને આ બાબતમાં સંકોચ તો નહીં જ હોય તેની મને ખાતરી હતી.

સંકોચ અથવા તો ભીતિ..તો મને બીજી જ વાતની હતી કે મમ્મીએ સાવ બ્લન્ટલી..એકદમ ચોખ્ખેચોખું...મને કહી દીધું હતું કે તે ધડકનનાં ઘરે તો બિલકુલ જ નહીં જાય. બહાનું તો તેણે એવું આપ્યું કે તે પેલાં ચીકન-મટન ખાનારાનાં ઘરનું પાણી પણ નહીં પીવે.

બહાર હોટલમાં મળવાનું રાખવાનો એક વિચાર પળવાર માટે તો મારા મગજમાં ઝબકયો જ હતો, પણ તરત જ ઠરી પણ ગયો કારણ..મમ્મીની નામરજી તેનાં મગજમાંથી નીકળીને તેની જીભ પર જો આવી જાય અને ધડકનને કે તેનાં મમ્મી-પપ્પાને તે જેમતેમ બોલી નાખે, તો પબ્લિકમાં કારણ વગરનો ભવાડો થવાનાં ચાન્સીસ હતા. એટલે પછી સેફ-સાઈડ તરીકે તેઓને અમારા ઘરે જ બોલાવવાનું મેં સૂચવ્યું.

સૂચનનો સ્વીકાર તો થયો, પણ તે પછી મને બીજી જ એક ભીતિ લાગવા લાગી. બહાર પબ્લિકમાં તો મમ્મી કદાચ શરમે-ધરમે બહુ બોલે નહીં, પણ અહીં અમારા ઘરે તો ફૂલ પ્રાઈવસી હોય. તો અહીં તો તેને કોઈ જ સંકોચ નહીં નડે.. ને માટે કંઈ પણ એલફેલ બોલવા માટે તે સ્વતંત્ર હતી. હું ને પપ્પા તેને રોકીએ તો ખરાં જ..પણ ત્યાં સુધીમાં કદાચ મોડું પણ થઇ ગયું હોય..અમુક વેણ કદાચ એવા બહાર પડી પણ ચુક્યા હોય કે જે આ લોકોનાં હૈયા-સોંસરવા ઉતરી જાય ને આમ વાત બગડી પણ શકે તેમ હતી.

તેઓને મારે ઘરે મારી મમ્મીની ઈચ્છા વિરુદ્ધ બોલાવીને હું કોઈ ભૂલ તો નથી કરી રહ્યો ને? -તેવી અનિશ્ચિતતાઓએ મને ઘેરી વળી હતી.

પપ્પાએ જો કે મને ધરપત તો આપી જ હતી કે તેઓ મમ્મીને રાતે બેડરૂમનાં એકાંતમાં સમજાવી પટાવી લેશે..પણ તોય સામે હતું કોણ..?
મારી મમ્મી...!

હંમેશા મારી ધક ધક ગર્લની હાજરીમાં પુરજોશથી ધડકતું મારું દિલ આજે તેની ગેરહાજરીમાં ય પુરજોશથી ધડકવા લાગ્યું હતું..પણ આ વખતે તેનું કારણ કોઈ પણ રીતે રોમેન્ટિક તો નહોતું જ..!

************

ખેર..આખરે રવિવારનો તે દિવસ પણ આવી ગયો અને તેઓ ત્રણેય મારા ઘરે પણ આવી જ ગયા.
ધડકન રાણી કલરની સાડી પહેરીને આવી હતી. ડિઝાઈનર સ્ટાઈલની સાડી હશે કદાચ..કારણ તેની પહેરવાની સ્ટાઈલ એકદમ લાજવાબ હતી અને ચપોચપ પહેરેલી આ સાડીમાં તેનાં ફિગરનાં વળાંકો ઉડીને આંખે વળગે તેવા ચોક્ખા દેખાતા હતા.

પોતાની પાંપણોને તેવા જ, પરંતુ થોડા આછા કલરનું શેડિંગ આપીને તેને તેણે હજુયે વધુ આકર્ષક બનાવી લીધી હતી. આંખોમાં જેટ-બ્લેક લાઈનર્સ લગાવવાને કારણે તેની મોટી મોટી આંખો હવે ધારદાર બની ગઈ હતી.
આજ કાલ ટ્રેન્ડ પાતળી આઈ-બ્રોનો છે, પણ ધડકન કદાચ નવો જ ટ્રેન્ડ સ્થાપવા માંગતી હશે...કારણ તેની આઈબ્રોને, તેમ જ તેની આસપાસનાં એરિયાને પણ થોડો વધુ ઘેરો-શેડ આપીને તેણે પોતાની આઈ-બ્રોને વધુ ઘાટી અને જાડી બનાવી હતી.
આઈ-શપ્પથ.. ખુબ જ સુટ કરતી હતી તેને આ સ્ટાઈલ.. તેનો લૂક એક્ચ્યુલી એકદમ બદલાઈ ગયેલો લાગતો હતો..બદલાઈ ગયેલો મતલબ..હજુ યે વધુ એટ્રેકટીવ..!
[યાર..સમજો ને મારી વાત અને મારા દિલની તે વખતની હાલત..હાલતની તો વાત જ શું કરું.. તેને જોઇને મારું દિલ તો ફરીથી તેનાં રૂટીન કામ પર લાગી ગયું હતું. રૂટીન કામ એટલે..જોર જોરથી ધડકવાનું..! આફ્ટરઓલ..અમસ્તું જ નથી પાડ્યું મેં તેનું નામ..ધક ધક ગર્લ..!]

આજે પહેલીવાર મારા ઘરે મારી મહેબુબાને ઓફિશિયલી આવેલી જોઇને મારા તે ધકધકતા દિલને બીજું યાદ પણ શું આવવાનું..સિવાય કે..

બહારો ફૂલ બરસાઓ..મેરા મહેબુબ આયા હૈ..મેરા મહેબુબ આયા હૈ..
સિતારો માંગ ભર જાઓ..મેરા મહેબુબ આયા હૈ..મેરા મહેબુબ આયા હૈ..

.

એની વે..શરૂઆતમાં થોડી ઘણી બધાની ઓળખ-પાળખ થઇ ગયા પછી..પબ્લિક થોડી રીલેક્સ થઇ, અને થેન્કફૂલી ઘરનું એટમોસ્ફીયર થોડી જ વારમાં નોર્મલ થઇ ગયું.
ધડકનનાં પપ્પા ટીપીકલ પંજાબી જેવા...સિક્સ પ્લસ સમથીંગની હાઈટવાળા...ને ટોટલી ફીટ એન્ડ ફાઈન હતા. આટલું બધું ચીઝ-બટર ખાઈ ખાઈને પણ તેમનું શરીર જાણે કે બધું જ પચાવી શકવા માટે સક્ષમ હોય તેમ ચરબીનું નામોનિશાન દેખાડતું નહોતું. દેખાડતું હતું તો બસ કસાવદાર મસલ્સ.. !
તેમને તે દિવસે હું પહેલીવાર જ મળતો હતો. મોટેભાગે ફિલ્મોમાં બતાવે છે તેમ ઠહાકા મારીને હસવાની તેમને આદત નહોતી. ખુબ જ સ્વીટ અને સમજભર્યું તેઓ હસતાં..અને બસ જરૂર હોય ત્યારે જ.
તેઓ મોના પંજાબી હતા. મતલબ કે શીખ ધર્મનાં ખરા..પણ કેશ-પાઘડી વગરનાં. [આપણા પેલા ક્રિકેટર યુવરાજસીંઘની જેમ જ..!] એટલે ક્લીન-શેવ્ડ ચહેરો..ગોરા-ચિટ્ટા..મસ્ત હાઈટ બોડી..!
ઇન ઓલ..અ પ્લીઝીંગ પર્સનાલીટી..!

તેઓ પણ મને તે દિવસે પહેલી જ વાર જોતા હતા, પણ મળતાવેંત જ તેઓ મારી સાથે એકદમ કેઝ્યુઅલ થઇ ગયા. તેમની દીકરીની પસંદ પર ખુબ જ પ્રેમથી તેમણે મહોર મારી દીધી હોય તેવું તેમનાં વર્તન પરથી સાફ દેખાઈ આવતું હતું. અને આમેય તે..તમારા આ દોસ્તની પર્સનાલીટી જ કંઇક એવી છે કે કોઈ પણ ઈમ્પ્રેસ થઇ જ જાય..!
લોલ્ઝ..!

તો..બંને લેડીઝ કિચનમાં ગઈ એટલે પપ્પા-લોકોએ ટીવી પર કબજો જમાવ્યો. વરસાદને કારણે તે દિવસે મેચ કેન્સલ થઇ હતી એટલે ચેનલવાળા જૂની મેચ ટેલીકાસ્ટ કરતા હતા. હરભજનસિંગને ઓસ્ટ્રેલીયાવાળા કૂતરાની જેમ ધોતા હતા એટલે પાપાજી અસલી રંગમાં આવી ને અસ્સલ પંજાબી સ્ટાઈલમાં ગાળો ભાંડવા લાગ્યા.

"તમને નથી ગમતો કે આ હરભજનસિંગ..?” -પપ્પાએ પૂછ્યું.

"અરે એવું નથી..! હી વૉઝ ગુડ એટ ટાઈમ્સ.પણ હવે કંઈ અર્થ નથી રહ્યો તેનામાં.."

"આઈ થીંક..તેની ફિંગરમાં ઇન્જરી થઇ તે પછી તેની સ્પીનીંગમાં ખાસ કૌવત નથી રહ્યું."

"ધેર યુ આર..” -પાપાજી જરૂર કરતા જોરથી બોલ્યા- "તમે અને હું સમજીએ છીએ પણ આટલી સિમ્પલ વાત...રબ જાને..તે બધાં લોકો કેમ ન સમજ્યા ને સર્જરીની બદલે ફીઝીયોથેરપીની ટ્રીટમેન્ટ લઈને પોતાની કરિયરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો આ યુવાને તો."

"યસ.. બાકી તો પરફેક્ટ જ ક્રિકેટર હતો." -પપ્પા તેની ફેવરમાં બોલ્યા.

"સૉરી..બટ પરફેક્ટ તો ન જ કહી શકાય..શ્રીસંતને થપ્પડ માર્યાનો કિસ્સો તો યાદ છે ને..? અ પ્લેઅર શુડ ઓલ્વેઝ બી કૂલ-હૅડેડ. આ આપણા ધોનીને જ જોઈ લો ને." -પાપાજી આર્ગ્યુંમેન્ટનાં મૂડમાં હતા કદાચ.

"વેલ યસ..! પણ મને એમ કે તમે પણ પંજાબી છો તો આ તમારો ફેવરેટ હશે કે પછી એટલીસ્ટ તેને સપોર્ટ તો કરતા જ હશો." -પપ્પાએ હસતા હસતા ટોણો માર્યો.

"એવું નથી ભાઈસાબ..ઇટ્સ ઍન ઇન્ડીયન ટીમ ઍન્ડ આઈ સપોર્ટ ફૂલ ઇન્ડિયા..નૉટ એની રીજનલ પ્લેઅર.."

.

પપ્પા અને પાપાજી તેમની વાતોમાં એટલા ગુમ હતા કે મારી હાજરીને પણ તેઓ વિસરી ગયા હતા. મેં અંદર કિચનમાંથી આવતા અવાજો પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું તો થોડી ધરપત એ પણ થઇ કે ત્યાં પણ બધું નોર્મલ જ લાગતું હતું. બહુતે'ક તો ધડકનની મમ્મી જ બોલતી હતી. મારી મમ્મીએ બસ કોઈ એક વિષય કાઢવાની વાર હતી અને તરત જ તે વિષય પર તે મહિલા શરુ થઇ જતી.

બાકીના લોકો મોઢેથી કામ ચલાવતા હતા, તો મેં અને ધડકને વોટ્સઍપનો સહારો લઇ લીધો.
"આઈ વિશ આઈ કૂડ મૅરી યુ..રાઈટ નાઉ..!” -મેં મેસેજ મોકલ્યો.

“” –ધડકને હાર્ટનું ઇમોજી મોકલ્યું.

"યુ આર લુકિંગ સો હૉટ..ડીઅર..! મારા ગાળામાં તો શોષ પડવા લાગ્યો છે તને જોઇને."

"પાણી પી લે ને તો પછી..! તારી બાજુમાં તો પડ્યું છે."

"તું દે ને અહિયાં આવીને..પ્લીઝ..!"

"તન્મય..! પ્લીઝ..ચુપ બેસ હો..!"

"આવ ને..! સાચે જ..રહેવાતું નથી હવે તો..આટલી લાંબે જઈને શું બેઠી છો? કમ સે કમ, નજીક આવીને તો બેસ."

"એય...! આપણા મૅરેજ હજી નક્કી નથી થયા..ને સાવ ચુપ શું બેઠો છો તું? પાપા સાથે વાત કર ને..!"

"છોડ ને.. તેઓનું કંઇક અલગ જ ચાલે છે. યાર, એટલીસ્ટ એક કિસ..કે પછી બસ એક હગ તો આપ.. ટોલરેટ નથી થતું હવે તો."

"અહિયાં...?..યુ ગોન ક્રેઝી?"

"હું બેડરૂમમાં જાઉં છું. થોડી વાર રહીને તું ય ત્યાં આવીશ અંદર? પ્લીઝ..જસ્ટ એ હગ..!"

"શટ અપ..!"

"પ્લીઝ. "

"ઓકે..! બટ ડોન્ટ એક્ટ સ્માર્ટ, ઓકે? નહીં તો હું બુમો પાડવા લાગીશ..કહી દઉં છું, હા."

"હેહેહે..! ઓકે..ઇટ્સ એ જેન્ટલમેન્’સ પ્રોમિસ."

.

જેમતેમ કરીને હું ખુરસી પરથી ઉભો થવા ગયો કે તે જોઇને પાપાજી બોલી ઉઠ્યા-

"હાઉ ઈઝ યોર લેગ તન્મય..?"

"ઇટ્સ ગુડ અંકલ.. રીકવરી થાય છે હવે તો..." –તરફડીને ફરી પાછો ખુરસી પર બેસી પડતાં હું બોલ્યો.

ધડકને આ જોયું અને હસવું ન રોકી શકાતું હોય તેમ મોઢા પર હાથ દબાવીને તે કિચનમાં ચાલી ગઈ.

"તો? ઑફીસમાં છુટ્ટી..?"

"નહીં..ઘરે બેસીને જ કામ કરું છું. એવી બધી ફેસીલીટી તો છે અમારે ત્યાં."

"ઓ..ગ્રેટ ટેકનોલોજી..! બાકી અમારા જમાનામાં જો આવું બધું ચાલતું હોત..તો ધડકનને હજુયે બીજા બે ત્રણ ભાઈ બહેન ચોક્કસ હોત."
અને બંને પપ્પાઓ એકમેકને તાલી દેતા હસવા લાગ્યા.
આવા જોક પર મારે કઈ રીતે રીએક્ટ કરવું મને તો કંઈ જ ન સમજાયું એટલે ફોનમાં માથું ઘાલીને હું આમતેમ તેનાં બટન દબાવવા લાગ્યો.

ઇન શોર્ટ..ઘરનું એટમોસફીયર નોર્મલ જ હતું અને એવા જ વાતાવરણમાં જમવાનું પીરસાયું.
જમીને બધા ફરીથી ગપ્પા મારવા બેઠાં, એટલે ધડકને બધાને આઈસક્રીમ સર્વ કર્યો.

"તો..? ક્યારે કરો છો તમે ધડકનનાં મૅરેજ..?" -મમ્મીએ અચાનક જ પૂછ્યું અને મારા હાથમાંથી તો જાણે ચમચી પડતાં પડતાં બચી.
બધું બરોબર જ મસ્ત જઈ રહ્યું હતું ને તેવામાં અચાનક જ આવો અણધાર્યો વિચિત્ર પ્રશ્ન સાંભળીને અવસ્થપણે હું મમ્મી-પપ્પા તરફ જોવા લાગ્યો.

"નહીં મમ્મી પ્લીઝ..! એવું શું પૂછે છે?" -બસ હું આમ પૂછવા જ જતો હતો કે ત્યાં જ...
ધડકનના મમ્મી-પપ્પા એક સાથે જ બોલી ઉઠ્યા- "તમે કહો ત્યારે..!"

"ઓકે," -પપ્પાએ જવાબ આપ્યો- "તો એમ કરીએ...તન્મયનો પગ સરખો થઇ જાય એટલે કોઈક સારા મુહૂર્તમાં સગાઇ કરી લઈએ અને પછી ડીસેમ્બર-જાન્યુઆરીમાં મૅરેજ. વીલ ઈટ બી ફાઈન ફોર યુ..?"

"યસ..ઍઝ યુ સે..! વી આર ક્વાઇટ કમ્ફર્ટેબલ વિથ ઈટ..!" -પાપાજીએ મારી મમ્મી તરફ જોઇને કહ્યું.

.

યાર...વોટ્’સ હૅપનિંગ..!
હું અને ધડકન એકબીજાની સામે જ જોઈ રહ્યા..સાનન્દાશ્ચર્યથી સ્તો વળી..!

"તન્મય.. નક્કી જ છે ને તારું..? કે કંઈ વિચારવું છે..?" -મમ્મીએ મલકાતા મલકાતા મને પૂછ્યું.

"ના..ના..હા..હા, મમ્મી.ઑફ કોર્સ..! ના..ના..!" -શું જવાબ આપવો મને તો કંઈ જ સૂઝતું જ નહોતું.

"અરે? હા ને ના બંને..?” -પપ્પા ખડખડાટ હસી પડ્યા.

"પપ્પા..પ્લીઝ..! શું તમે ય તે..!" -હું અકળાઈને બોલ્યો.

મમ્મી તરત જ ઉઠીને અંદર કિચનમાં ગઈ.
હું તો તેને જોતો જ રહી ગયો..હવે ફરી પાછી અંદર શું ખીચડી પકાવવા જાય છે આ..આટલી કામની વાત અધુરી મુકીને..!

ધડકન મારી બેતાબી..મારી બેસબ્રી..મારી ગૂંચવાયેલી હાલત જોઇને હસી રહી હશે..આયે’મ શ્યોર..!
મારું તેની તરફ ધ્યાન બિલકુલ નહોતું કારણ મારી નજર તો અંદર કિચન તરફ જ હતી.
એકાદ મીનીટમાં મમ્મી આવી હાથમાં ડીશ લઈને કે જેમાં કાજુ-કતરીનાં થોડાં ચોસલાં હતા.
કાજુ કતરી તો મને બહુ જ ભાવે..દીઠી ન મુકું હું તો તેને. પણ આ શું..? ઘરમાં કાજુ કતરી આવીને પડી છે ને મને ખબર પણ નથી? આ ક્યારે આવી ઘરમાં?
મમ્મીએ ડીશ ધડકનની મમ્મી-પપ્પા સામે ધરી અને બોલી-"લ્યો..મોઢું મીઠું કરો..!"

મારી ફેવરેટ મીઠાઈ એવી આ કાજુ કતરી હજી તો મારા મોં સુધી પહોચી પણ નહોતી, ને તે પહેલા જ...મારું તો જાણે...મોઢું મીઠું થઇ જ ગયું હોય તેવું મને લાગ્યું.

"લે પુત્તર..મુંહ મીઠા કર, તુ ભી..!" -થવાવાળી સાસુમા એક ચોસલું લઈને મારી તરફ આવ્યા અને મારા મોમાં મુક્યું.

આઈ શપ્પથ..તેનાં જેવી મીઠી અને સ્વાદિષ્ટ કાજુ કતરી મેં મારી આખ્ખી લાઈફમાં નથી ખાધી..ટ્રસ્ટ મી..!
પછી કાજુકતરીનું એક ચોસલું મમ્મીએ ધડકનને ખવડાવ્યું અને એક કવર તેનાં હાથમાં આપીને બોલી- "લે આ શુકનનાં..!”
ધડકન પહેલાં મમ્મીને પગે લાગી અને પછી પપ્પાને પણ..!
મારે પણ મમ્મીજી-પાપાજીને પગે લાગવું જોઈએ કે નહીં તેની મને ખબર નહોતી..પણ જો મારા પગ ઠીક હોત તો ચોક્કસ જ બીજો કોઈ વિચાર કર્યા વગર હું તેમને પગે લાગ્યો જ હોત
અને ઑફ કોર્સ..પછી મારા પેરેન્ટ્સને પણ, આટલું જલ્દી આવું સરસ સરપ્રાઈઝ આપવા બદલ..!

"ચાલો..તો બીજી બધી વાતો તો થઇ જ ગઈ છે..તો હવે અમે નીકળીએ..!" -પાપાજી-મમ્મીજી બોલ્યા.

"ધડકન.. તું ખમી જા જરાક વાર.." -મમ્મીએ ધડકનને રોકી પાડતા કહ્યું- "આઈ નો...કે તમારા બંનેનાં મનમાં કેટલાય પ્રશ્નો ઉઠ્યા હશે. તો તું ખમી જ જા..પછી તન્મય તને મુકવા આવશે.."

મમ્મીજી-પાપાજીનાં ગયા પછી મમ્મી ડેઝર્ટનાં બોઉલ્સ અંદર મૂકી આવી અને અમારાં બધાની સામે આવીને બેસી ગઈ.
"તન્મય....પરમદિવસે શુક્રવારે તું પ્લાસ્ટર બદલવા ગયો ત્યારે પાછળથી તમારી ફ્રેન્ડ ઘરે આવી હતી."

"અમારી ફ્રેન્ડ? કોણ?" -ધડકન સામે જોતા હું બોલી ઉઠ્યો.

"તન્વી..!" -વારાફરતી મારા અને ધડકન સામે જોતાં મમ્મીએ જવાબ આપ્યો.

ક્ષણભર માટે અમે ત્રણેય એકમેકની સામે જોતાં રહ્યા જાણે કે તપાસતા હોય કે આ એક નામની અસર બાકી બીજા પર કેવી થઇ છે.

"લગભગ તો..તે તને જ મળવા આવી હતી. પણ પછી તેણે તમારા બંને વિષયે..આય મીન..તારા અને તેનાં વિષયે..અને પછી તારા અને આ..ધડકન વિષયે બધી વાત મને કરી. તન્મય..શી વૉઝ ડીપલી હર્ટ..! અને આય કેન અન્ડરસ્ટેન્ડ તન્મય..! ઇન ફેક્ટ..મને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે તું આવું પણ વર્તન કરી શકે છે. તું તેની સાથે આવી રીતે બિહેવ કરીશ તેવો મને બિલકુલ જ અંદાજો નહોતો."

હું ચુપ જ રહ્યો. શું બોલવું તેની કંઈ જ ખબર નહોતી પડતી અને કંઈ બોલવાની જરૂર પણ નહોતી કારણ મમ્મીનું બોલવાનું હજુ પૂરું નહોતું થયું-
"તને તન્મય ખબર છે ને..કે આપણા ઘરમાં ઇન્ટર-કાસ્ટ મૅરેજનો કેટલો વિરોધ છે ને તોય તું આવી ભૂલ કરી બેઠો? ને એકવાર નહીં દીકરા બે વાર..? તને ખબર નહીં હોય પણ તન્વી હજુયે તને પ્રેમ કરે છે. તન્મય..મને તેની આંખોમાં તે દેખાતો હતો. અને મને તે બધું ખુબ જ ખરાબ લાગ્યું તેનું. પણ હવે તો હું સાવ નાઈલાજ હતી. બસ, તે જ વખતે મને એક વિચાર આવ્યો રાજા..કે આ વખતે પણ જો આવું જ થયું તો? ધડકન તો પછી બીજી તન્વી જ બની જાય ને? ખોટું કહું છું હું? કાલે સવારે તેનાં ય જો બીજે ક્યાંક મૅરેજ થઇ જાય તો શું તે સુખી રહી શકશે? પર્સનલી..મને તો એવું લાગે છે કે છોકરાઓ માટે તો સહેલું હોય છે બધું ભૂલી જઈને આગળ વધી જવું. પણ છોકરીઓ માટે બહુ પીડાદાયક હોય છે આ બધું. આ..આ તારો એકસીડન્ટ થયો ને જયારે તું બેહોશ થઇ ગયો હતો, ત્યારે આ ધડકનને રડતી-તડપતી મેં જોઈ છે..દિવસ આખો કંઈ પણ ખાધા-પીધા વગર બહારે બેઠી બેઠી તારા હોશમાં આવવાની તે વાટ જોતી હતી. ને તે દિવસે હું ય પાછું તેને થોડું વધુ જ સંભળાવી ગઈ. પણ તોય..બધું સાંભળીને ય તે ત્યાં બેઠી જ રહી અને તે..તારા માટે થઈને."

મેં ધડકન સામે જોયું તો તે નીચે નજર કરીને જ બેઠી હતી. કદાચ તેને અંદાજો હતો કે મમ્મી આગળ શું કહેવાની છે. મમ્મીએ પણ ધડકન તરફ એક નજર નાખીને આગળ બોલવું ચાલુ રાખ્યું-
"વી આર યોર પેરેન્ટ્સ દીકરા..તમારું બુરું થાય તો અમને કેવું લાગે? આ તારા પપ્પા તો બહુ જલ્દી જ તૈયાર થઇ ગયા હતા પણ કોણ જાણે કેમ મારું જ મન નહોતું માનતું. મને બધી ખબર પડે છે દીકરા..તે દિવસે તારા પપ્પાએ આ ધડકનનાં જે કંઈ વખાણ કર્યા તેમાં હું ય સહમત તો છું જ..પણ તોય મારું મન પાછુ જ પડતું હતું. અને એટલે પછી..ગઈકાલે હું ધડકનને ખાસ મળવા ગઈ."

"વૉટ? મ્હણજે..તું..?” -હવે હું સાચે જ આંચકો ખાઈ ગયો..

"આય લવ તન્મય ફ્રોમ ધ બોટમ ઑફ માય હાર્ટ -મારો હાથ તેનાં હાથમાં લઈને આ ધડકને કાલે મને આવું જ કહ્યું હતું. અને પછી કહ્યું હતું કે- આય વિલ ટેક એવરી કેર નૉટ ટુ હર્ટ હીમ ઓર હીઝ પેરેન્ટ્સ..હું ભલે તમારી કાસ્ટની નથી..તમારા રીલીજનની નથી પણ તેનાથી મારી તમારા લોકો તરફની ભાવના...તન્મય માટેનો મારો પ્રેમ તો બદલાઈ ન જ જાય ને..? લવ નોઝ નો લેન્ગવેજ. જયારે અમે બેઉ એકમેકનાં પ્રેમમાં પડ્યા ત્યારે અમને ક્યાં ખબર હતી કે કોણ કોણ છે? ત્યારે તો બસ એક જ સંબંધ હતો અમારો..અમારા પ્રેમનો..અને તે જ સંબંધ જીવનભર રહેશે. આ ધડકન મારી આંખોમાં પોતાની આંખો મેળવીને વિશ્વાસપૂર્વક કહી રહી હતી તન્મય, કે- આંટી હું તમારું કલ્ચર તમારી પદ્ધતિની રસોઈ..તમારી રહેણીકરણી...બધું જ શીખીને અપનાવી લઈશ..તમારા વાર-તહેવાર પ્રસંગો બધું જ..ને તમને લોકોને બિલકુલ અનકમ્ફર્ટેબલ ફીલ નહીં થવા દઉં."

હું કંઈ જ ન બોલ્યો..સાંભળતો રહ્યો બસ..કારણ ધડકન માટેનો મારો વિશ્વાસ જાણે કે મમ્મીની વાતોમાં પડઘાતો હતો. મમ્મીએ મારી હડપચી ઉંચી કરીને મને તેની તરફ જોવા મજબુર કર્યો-
"તન્મય..આ તો હજુ ય ઘણું કહેવા માંગતી હતી પણ મેં તેની વાત ત્યાં જ કાપી નાખી, કારણ આગળ પછી તેણે કંઈ જ બોલવાની જરૂર નહોતી. તેની આંખમાંથી બહાર ડોકાતી તેની વાતોની પ્રમાણિકતાએ જ મારું મન જીતી લીધું ને હું હારી ગઈ તન્મય..હું સાચે જ તેની સામે હારી ગઈ. આ જાતિ..ધર્મ..ભાષા..નાત-જાત..આ બધાએ તમારા મૅરેજની આડે..તમારા પ્રેમની આડે શા માટે આવવું જોઈએ..? પેલી તન્વીનો જેટલો ગુનેગાર તું છે તેટલી જ ગુનેગાર હું પણ છું..કદાચ તારાથી પણ વધુ. પણ આવો જ ગુનો ફરી પાછો એકવાર મારે હાથે ન થઇ જાય તે જોવાનું તો મારા હાથમાં જ છે ને..! અને એટલે જ હું તમારા બંનેના લગ્ન માટે રાજી થઇ ગઈ છું. પણ તન્મય..ધડકન..પ્લીઝ મને માફ કરજો તમે બંને..!"

મેં ચોંકીને સામે જોયું તો મમ્મી અને ધડકન..બંનેની આંખો છલકાઈ પડી હતી. ખુબ જ ઈમોશનલ પળો હતી તે. મારી જાતને હવે હું વધુ રોકી ન શક્યો અને મમ્મીનો હાથ મારા બંને હાથમાં લઈને ખુબ જ જોશભર મેં દબાવી દ્દીધો..તેને વિશ્વાસ દેવડાવવા કે મને તેની તરફ કોઈ જ ફરિયાદ નથી.
મારી આંસુભીની આંખો તેને ધરપત આપી રહી હતી કે અમારા બંનેના મૅરેજ કરાવી આપવાનું જે પગલું તે ભરવા જઈ રહી છે તેમાં તે કોઈ જ ભૂલ નથી કરી રહી.

મારી સાવ જ બંધ પડી ગયેલી વાચા જોઇને પપ્પા ઉઠીને મારી પાસે આવ્યા અને એક જોરદાર ધબ્બો મારી પીઠ પર માર્યો- "અરે.. રડે છે શું છોકરીઓની જેમ..? તને જે મનગમતું હતું તે હવે મળી ગયુંને તને..?"

પણ તોય...મારી વાચા પાછી તો ન જ ફરી. હું કંઈ જ ન બોલી શક્યો.
બસ..ઉભો થયો અને પપ્પાને મારી બાથમાં ભીડી લીધા..કદાચ જીંદગીમાં પહેલીવાર..!

**********

જી હા..અમારા લગ્નને મારા મમ્મી-પપ્પાએ મંજુરીની મહોર મારી દીધી તે પછી મારા મોસાળમાં જયારે અમારા લગ્નની વાતો શરુ થઇ ત્યારે સવાલ આવ્યો કે આ લગ્ન કઈ પદ્ધતિથી કરવા જોઈએ..?

અમે ગુજરાતી..અને ધડકન પંજાબી..!

રીવાજ તો કહે છે કે લગ્ન હંમેશા કન્યા-કુટુંબનાં રીતિ-રીવાજો પ્રમાણે જ થાય.
પણ મારી ચુલબુલી કઝીન પેલી પલ્લવીએ મમરો મુક્યો કે..નહીં પંજાબી કે નહીં ગુજરાતી..લગ્ન આપણે મરાઠી પધ્ધતિથી કરીએ તો..?

આમેય મરાઠી જેવી શાસ્ત્રીય-પદ્ધતિ તો કદાચ બીજી કોઈ જ જાતિમાં નહીં હોય. તદુપરાંત પુના જેવા મરાઠી શહેરમાં મહારાષ્ટ્રીયન પદ્ધતિનાં લગ્નમાં એક અનેરું જ પોતીકાપણું દેખાશે.
વાત બધાને ગળે ઉતરી અને અમે બંને પક્ષોએ તેને વધાવી પણ લીધી.
બસ..તરત જ પલ્લવી અને ત્યાં હાજર બીજી બધી છોકરીઓ ધડકનને ઘેરી વળી અને તેની આજુબાજુ ગોળ ગોળ ફરતી નાચવા લાગી..ગાવા લાગી-

નવરાઈ માઝી લાડા ચી.. લાડાચી ગ..!
આવડ હીલા ચંદ્રા ચી.. ચંદ્રાચી ગ..!
નવરાઈ માઝી નવસા ચી.. નવસાચી ગ..!
અપ્સરા જસી ઈન્દ્રા ચી.. ઈન્દ્રાચી ગ..!

**********

.

તન્વી માટે આમ જુઓ તો મને કોઈ જ ફરિયાદ નથી. મેં હજી સુધી મારા અને ધડકનનાં એફેરની વાત મારા ઘરમાં નથી કરી એવું સમજમાં આવતાં જ તે મમ્મી પાસે આવી હશે, તો કદાચ..મારા અને ધડકનનાં ઇન્ટર-કાસ્ટ એફેરની ચાડી ખાવા જ..કે પછી મેં તેને દગો દીધો છે તેવી ફરિયાદ કરવા.
આવું કરીને તેને શું ફાયદો થવાનો હશે તે તો એ પોતે જ જાણે. પણ અમને બંનેને તો એક ફાયદો થઇ જ ગયો. તન્વીની વાતોથી મમ્મી હચમચી ઉઠી અને તે લાગણીશીલ ક્ષણોમાં જ તેને પોતાની ભૂલનો અહેસાસ થઇ આવ્યો, જે એકંદરે અમારા બંને માટે ફાયદાકારક જ પુરવાર થયું.
તો થેન્ક્સ ટુ તન્વી, કે તેનો હેતુ..જેવો પણ હશે તે..પણ મારા અને ધડકન માટે તો તે શુભ જ નીવડ્યો. સો..હિયર વી ગો..ફ્રેન્ડસ..!

તદેવ લગ્નમ્..સુદીનમ્ તદેવ
તારાબલમ્ ચંદ્રબલમ્ તદેવ..
વિદ્યાબલમ્ દૈવબલમ્ તદેવ
લક્ષ્મીપતે તેન્ધ્રીયુગમ્ સ્મરામિ
શુભ લગ્નમ્...સાવધાન

બસ..લગ્ન-વિધિનાં આ બધાં મેજિકલ મંત્રો હવે શરુ થવાની તૈયારીમાં જ છે. થેન્ક યુ ઑલ ફોર બીઈંગ વીથ મી.. ફોર બીઈંગ વીથ અસ થ્રુઆઉટ ધીસ જરની..!
પણ હવે મારે જવું પડશે. મારી પ્રિયા..મારી સ્વીટહાર્ટ..મારી હક્કની..મારા લગ્નની..મારા ધર્મની પત્ની..એવી અ.સૌ. ધડકન તન્મય ત્રિવેદી, મારી વાટ જુએ છે..!

.

અંતરપટની પેલી બાજુ ઉભેલી...પીળી ચટ્ટક સાડીમાં શોભતી મારી નમણી નાગરવેલ તરફ હળવે’કથી હું જોઉં છું..તેની આંખો ભીંજાયેલી છે.
ઑફકોર્સ..માબાપ અને પોતાનું ઘર છોડીને આવવાનું દુ:ખ તો તેને હશે જ..પણ મને પાક્કી ખાતરી છે કે આ કેવળ દુઃખનાં આંસુ નથી. અમારો પ્રેમ જીતી ગયો છે અને અમે જે શમણાઓ જોયા હતા તે પૂર્ણ થવાની અણીએ છે..તેનાં હર્ષાશ્રુ પણ સાથોસાથ તેની આંખોને ભીંજવી રહ્યા છે..આયે’મ શ્યોર..!

અને હવે જુઓ...
અંતરપટ બાજુએ ખસે છે..ને તેની સાથે જ ઢોલ-તુતારીવાદન તેમજ હાજર મહેમાનોની તાળીઓનાં ગડગડાટથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
મિત્રો..ત્યાં દુર પેલાં ખૂણામાં એક નજર કરો. ત્યાં ધડકનનાં પેલાં દેસાઈ-મેડમ ઉભા છે અને અમારી તરફ અક્ષત-વર્ષા [લીલાપીળા ચોખા] કરી રહ્યા છે. અમે બેઉએ ખાસ યાદ કરીને તેમને આ લગ્નમાં નિમંત્ર્યા છે કારણ તેઓએ જો પેલાં સાયકોલોજીનાં પ્રોજેક્ટનું આયોજન ન કર્યું હોત, તો અમારાં બંન્નનો ભેટો કદીયે થયો જ ન હોત કદાચ.

યસ..હવે અંતરપટ બાજુએ ખસી ગયું છે અને સામે જ તેનું મીલીયન ડોલર સ્માઈલ દેતી ઉભી છે મારી ધડકન..મારી ધક ધક ગર્લ..!

.

થેન્કસ વન્સ અગેઇન ફ્રેન્ડસ..ફોર યોર પ્રેસિયસ પ્રેઝન્સ ઇન માઈ વેડિંગ..!
ચાલો.. આવજો..!
ફરી મળીશું..ફરી ક્યારેક..!

.

_અશ્વિન મજીઠિયા..