Anchako in Gujarati Short Stories by RITA SUNIL MANKAD books and stories PDF | આંચકો

Featured Books
Categories
Share

આંચકો

આંચકો...

  • રીટા માંકડ
  • નમતી બપોરના ડેલીબંધ મકાનની ઓસરીમાં હિંચકે બેઠેલા સુરજબાના પગના ઠેકે દેવતા હીંચકાના અવાજ સિવાય ચારેબાજુ શાંતિ પથરાયેલી હતી. સુરજના કિરણો બારી વાટે ઓરડામાં સામે જ ટીંગાતી યુવરાજસિંહના સુખડના હારથી સુશોભિત ફોટાને પ્રકાશિત કરી રહ્યા હતાં. સુરજબા યુવરાજસિંહના ફોટાને તાકી રહ્યાં... એવું જ નિર્દોષ હાસ્ય એમના ચહેરા પર હતું... જેવું બાવીસમાં વરસે એ એમની સાથે જોડાયા ત્યારે હતું. કેટલી બધી ચલ પહલ રહેતી હતી આ ઘરમાં...૧૯ વર્ષની ઉમરે પરણીને આ ઘરમાં આવ્યા ત્યારે સાસુ-સસરા, દિયર, નણંદથી ભર્યું ભર્યું ઘર હતું. બપોરે ખેતરેથી જમવા આવતા સાથીઓના અવાજથી અને સાંજ વાછરડાંઓના ભાંભરવાના અવાજથી ભરી રહેતી. બપોરે આવતા સાથીઓ માટે અલગથી બાજરાના રોટલા ટીપવા પડતા. પોતે સૌરાષ્ટ્રના બદલ્ગઢ ગામના ઠાકોરના પુત્રી અને પિતા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા... તેથી જ તેમને હાઇસ્કુલ સુધીનું શિક્ષણ પૂરું કરવા મળ્યું, અને ભાઈ ને તો વધુ અભ્યાસ માટે શહેરમાં હોસ્ટેલમાં મોકલવામાં આવ્યો હતો. જો કે સાસરાના કુટુંબમાં પણ શિક્ષણનું મહત્વ હતું અને એટલે હ યુવરાજસિંહે પણ શહેરમાં રહી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

    ભણેલા અને સમજુ પતિ પામીને પોતે ધન્ય થઇ ગયાં હતા. કેટલું સાચવતા હતા એ... એમની જિંદગીનો પર્યાય બની ગયા હતા.. એટલા જ પ્રેમાળ સાસુ-સસરા હતા. પોતે ખુબ જ નસીબદાર હતાં કે આવું પ્રેમાળ સાસરું મળ્યું હતું. ક્યારેય પિયરની યાદ ન આવે એવું સાસરામાં સુખ હતું.. છતાં.. આટલા સુખ વચ્ચે પણ પિયરના ગામની એ સુવાસ એમના હૃદયને ઝંકૃત કરી દેતી હતી.. એક ચહેરો.. માનસપટ પર છવાઈ જતો...

    મંથન... એમના મુનીમનો દીકરો.. ભાઈનો અને પોતાનો બાળગોઠીયો.. જેને ભાઈ સાથે પિતાએ પોતાના ખર્ચે શહેરમાં ભણવા મોકલ્યો હતો. બાળપણની નિર્દોષ રમતો યાદ આવતી.. દિવસો પાણીના રેલાની જેમ પરાર થઇ ગયા અને પોતે સોળમાં વર્ષમાં ક્યારે પ્રવેશ્યાં તે ખબર જ ન પડી.

    અચાનક બધું ગમવા માંડ્યું હતું.. દુનિયા નવી લગતી હતી. અરીસા સામેથી ખસવાનું મન જ નહોતું થતું. કોઈકના ગમવાનો અહેસાસ હ્રદયને પુલકિત કરી જતો હતો. જયારે મંથન ભાઈ સાથે ઘરે આવતો ત્યારે તેની સામે જતાં સંકોચ થતો.. પોતાને શું થઇ રહ્યું છે એ સમજણ જ નહોતી પડતી. એક વખત તો ભારે થઇ.. પોતે જયાપાર્વતીના વ્રતની પૂજા કરી મંદિરથી વળતાં હતાં ત્યારે... અચાનક સાંકડી શેરીમાં મંથન સાથે ભેટો થઇ ગયો. પોતે શરમથી સ્થિર થઇ ગયાં.. ત્યારે મંથને કાનમાં કહ્યું હતું.. ‘સુરજ, તું સુંદર લાગે છે..’ અને સુરજના કાનમાં ચારે દિશાએથી સંગીતના સૂરો રેલાય હતા.. પગ તો જમીન પર સ્થિર જ નહોતા રહેતા.. મન પતંગિયું બનીને ઊડી રહ્યું હતું. પરંતુ એ જાણતાં હતાં કે.. ગમવું અને પામવું એ તેમના માટે બે અલગ રસ્તાઓ છે.. જ્ઞાતિ અને પિતાનો મોભો વિચારોની પાંખો કાપી નાંખતા હતા. અને એ સોળ વરસની ચંચળતાને હ્રદયમાં ધરબી ઓગણીસમા વર્ષે યુવરાજસિંહની પત્ની બની એમના અસ્તિત્વમાં એકરૂપ થઇ જવું પડ્યું હતું..

    યુવરાજસિંહને કેટલો રસ હતો પોતાની નાની નાની વાતોમાં... વાર-તહેવારે અલગ સાડીઓની ખરીદી કરાવતા અને કહેતા.. ’ જો સુરજ.. તારા પર આ ગુલાબી કલર કેટલો સરસ લાગે છે..’ હ્યારે આ સાડી પહેરે ત્યારે ગજરો અચૂક નંખાવતા. એમની નજરમાં એ સમયે છલકાતો પ્રેમ જોઈ પોતે અભિભૂત થઇ જતાં.. યુવરાજસિંહની આટલી આસક્તિ જોઈ ક્યારેક પોતે મૂંઝાઈ પણ જતાં.. એમના સંસાર બાગમાં બે પુષ્પો ખીલ્યાં હતાં.. અને એટલે જ જિંદગીના સર્વે સુખો મેળવી તેઓ ધન્ય થઇ ગયાં હતાં.

    સમયની સરી જતી રેતીને કોઈ રોકી શક્યું છે ભલા..? એ તો ચુપચાપ સર્ય કરે છે. સમય જતાં સાસુ-સસરાએ વિદાય લીધી, નણંદ પરણીને પોતાની જીંદગીમાં ઠરીઠામ થઇ ગયાં હતાં અને દિયરને તો પહેલેથી જ ખેતીવાડીમાં ક્યાં રસ હતો ? એટલે શહેરમાં જ પોતાનો ધંધો શરુ કરી દીધો હતો. પુત્રો પણ મોટા થઇ પરણી ગયા હતા. મોટાએ તો કાકા સાથે શહેરમાં જ ધધો શરુ કર્યો હતો. યુવરાજસિંહની તબિયત પણ નરમગરમ રહેતી હતી. હવે નાનો પુત્ર પણ ખેતીમાં રસ લેતો નહોતો. તેને પણ શહેરમાં સ્થિર થવું હતું, પરંતુ માતા-પિતા જો સાથે આવે તો..

    સુરજબાને ઘણી વખત લાગતું કે યુવરાજસિંહ તેમને કૈંક કહેવા માંગે છે.. પરંતુ શબ્દોની શોધમાં હોય તેવું લાગ્યા કરતુ. સુરજબા તેમના માથા પર હાથ કેરવી પૂછતાં ઈ ખરાં.. ‘તમને કંઇ કહેવું છે ?’..પણ સુરજબાનો હાથ પકડી ચુપચાપ પડી રહેતા પતિ માત્ર તાકી રહેતા. એમને લાગતું.. હવે બન્નેને વિખુટા પડવાની ઘડી નજીક આવી રહી છે. એક ટીસ હૃદયમાં ઊઠતી.. પરંતુ બે ખોળીયામાં એક જીવ જેવા પણ બન્ને સાથે જઈ શકતા નથી.. હા, એકનો જીવ જાય ત્યારે બીજા ખોળીયાએ જીવ વગર જીવન જીવવું પડે છે. ..જેમ સુરજબા છેલા બે વરસથી જીવતા આવ્યા છે.. પરંતુ હવે ખાલીપો અસહ્ય થઇ પડ્યો છે. ક્યારે તેડું આવશેની રાહ જોવામાં પંથ લાં...બો લાગે છે.

    હવે તો નાના દીકરાને પણ અહી રહેવામાં બિલકુલ રસ નહોતો. તેણે કહી દીધું હતું.. ‘બા, આ મકાન ભલે અહીં રહે.. પ્રસંગે આપણે ભેગા થાશું પણ ખેતરનો સોદો કરી નાંખવા માટે મોટાભાઈ સાથે મેં વાત કરી લીધી છે. તમે અમારી સાથે જ હવે શહેરમાં રહો.’ જો કે આ ઘરને મૂકીને જવાની પોતાની ઈચ્છા ન હોવા છતાં પૌત્રોને શહેરમાં ભણવાની ઈચ્છા અને પુત્રોને શહેરમાં રહેવાની ઈચ્છા હતી. નાનો પુત્ર બહાર જતાં કહી ગયો હતો કે પપ્પાના કબાટમાંથી ખેતરના કાગળિયા કાઢી રાખજો, હું વકીલને મળીને આવું છું.. એ વાત યાદ આવતાં સુરજબા ઊઠ્યાં.. ધીમે ધીમે ઉપરના માળે જવા દાદર તરફ વળ્યાં. ઉપરના ઓરડામાં વર્ષો જુનો કલાત્મક કોતરણીવાળો વજનદાર કબાટ રહેતો, જેમાં જરૂરી દસ્તાવેજો એમના સસરા રાખતા અને પછી યુવરાજસિંહ પોતે તેમાં બધું સંભાળીને રાખતા. સુરજબાને ક્યારેય એ કબાટ ખોલવાની જરૂર પડી નહોતી. આજ નાના પુત્રના કહેવાથી તેઓ કબાટની ચાવી લઇ ઉપરના માળે આવ્યાં. કબાટ ઉઘાડી જોયું તો બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. એમણે એક પછી એક ફાઈલો બહાર કાઢી.. પોતાના પતિની ચોકસાઈ પર મરકી જવાયું... ત્યાં ચશ્માં પાછળ છુપાયેલી આંખો ચમકી ઊઠી...

    બધી જ ફાઈલો કાઢ્યા પછી કબાટની પાછળની જગ્યામાં કશુંક ઠેસી જેવું, આંગળીથી ખોલી શકાય તેવું હતું. તેમણે ઉત્સુકતાથી એ ખોલ્યું તો અંદર એક ખાનું હતું, જેમાં રેશમના કપડાંથી વીંટળાયેલું કંઇક તેમના હાથમાં આવ્યું. આશ્ચર્યથી તેમણે એ ખોલ્યું તો એમાંથી એક ડાયરી નીકળી.. તેમને એટલો અણસાર ખરો કે નવરાશની પળોમાં યુવરાજસિંહ કંઈકનું કંઇક લખ્યા કરતા. પણ એ ડાયરી લખતા હશે એવો એમને પણ ખ્યાલ નહીં.. ડાયરી ખોલતાં જ એમના લગ્ન થયાં તે પહેલાંની તારીખો સાથેનું લખાણ હતું અને પાછળના ભાગે લગ્ન પછીની તારીખોના લખાણ પણ હતાં.. સુમન.. શબ્દ સાથેના લખાણ પર નજર કરી ત્યારે કલ્પના કરી કે એ યુવરાજસિંહનો કોઈ મિત્ર હશે, પણ એ નામ તેમને યાદ નહોતું આવતું. આગળ લખ્યું હતું.. તને ગરબે ઘૂમતી જોવી એ એક લ્હાવો છે.. સુમી.. હું ડર નવરાત્રએ એટલે જ તો અહીં આવું છું.. તું ભલે પળ બે પળ મને મળી ચાલી જાય, પણ તારી યાદને હૃદયમાં ભરી હું જીવું છું...

    સુરજબાની આંખો આઘાતથી પહોળી થઈ ગઈ હતી.. પછીના પાનાંઓ ઉથલાવતાં ગયાં તેમ હૃદયમાં ઊઠેલી ટીસ પહોળી થતી ગઈ... આજે મેં તને મારા ગમતા ગુલાબી કલરની સાડીમાં જોઈ અને સફેદ ચાંદનીમાં ફૂલોના ગજરામાં જોઈ થયું.. સુમી.. આ શિયાળાની ગુલાબી સવારને ઓઢી પતંગિયું બની તું ઊડી રહી છે.. સુરજબાને પોતાની ગુલાબી સાડી યાદ આવી ગઈ જે યુવરાજસિંહે તેમને આગ્રહ કરીને લેવડાવી હતી.. એ સાડી પહેરતી વખતે ગજરો નાંખવાનો આગ્રહ પણ અચૂક રાખતા તે પણ યાદ આવ્યું.. ડાયરીમાં તે પછીના પાનાંઓ ઉથલાવ્યાં તો સુમીના અસ્તિત્વ સાથે જીવતા પતિની વ્યથા દેખાઈ.. લખ્યું હતું...સુમી.. તેં મારી રાહ પણ ન જોઈ.. ભર્યા ભર્યા ગામને ખાલીપો ઓઢાડી ચાલી ગઈ.. મેં તને કહ્યું હતું.. હું ભણવાનું પુરું કરી મારા પિતાજી આગળ આપણા લગ્નની વાત કરીશ.. પરંતુ તું મારી મર્યાદા પણ ન સમજી શકી.. પછીના પાનાંઓમાં સુરજબાને પોતા સાથેના યુવરાજસિંહના લગ્ન પછીની તારીખો દેખાઈ... તેમણે ઝડપથી વાંચ્યું.. જો કે લખાણમાં સુમીને સંબોધીને જ લખાયું હતું.. સુમી.. તારો ખાલીપો મારા જીવનમાં સુરજે આવીને પૂર્યો છે. એના દરેક હાવભાવમાં મને તારું પ્રતિબિંબ હ દેખાય છે.. જીવન મેં સુરજને અર્પી તને સુરજમાં પામી લીધી છે.. હું સંતુષ્ટ છું. અફસોસ એ વાતનો છે કે હું સુરજને કહી નથી શકતો.. એ તો પુરેપુરી મને સમર્પિત છે...

    સુરજબાની આંખો પાસે લાલ-પીળા રંગો છવાઈ ગયા.. પતિનો જીવ્યા સુધી તેમના તરફનો પ્રેમ એ તેમના માટે નહોતો... એ તો સુમીના ભાગનો પ્રેમ પામી જાતને ભાગ્યશાળી માનતા હતાં.. એ આં...ચકાએ ૭૫ વર્ષીય સુરજબાને આઘાતથી ઢાળી દીધાં...

    -----------