બદલો
'સાકેત,હું સપના બોલું છુ. મારી વાત ધ્યાન થી સાંભળ. આજે સાંજે 7 વાગે હેવમોર પંચવટી આવી જજે.પલાશ તને મળવા માંગે છે.'સપના એ ફટાફટ વાત કરી ફોન મૂક્યો.
હજી ગઈકાલે તો સપના અને પલાશ ના લગ્ન થયાં.લગ્ન ની પહેલી રાતે જ સપના એ ધડાકો કર્યો,'પલાશ,મેં પરાણે તારી જોડે લગ્ન કર્યા છે.ખરેખર તો હું મારી સાથે કોલેજ માં ભણતા સાકેત ને પ્રેમ કરું છુ.મારા મમ્મી -પપ્પા ને મારો અને સાકેત નો સંબંધ મંજૂર ન હતો,કારણ કે તે અમારા કરતાં ઊતરતી જ્ઞાતિ નો છે અને એટલા માટે જ પપ્પા એ દાદી બીમાર છે એવું બહાનું કાઢી ને પંદર જ દિવસ માં આપણા લગ્ન લઈ લીધા.પલાશ મને માફ કરી દે .હું તારી સાથે ખુશ નહીં રહી શકું કે તને પણ ખુશ નહીં રાખી શકું.હું થોડા દિવસ માં જ મારો કોઈ રસ્તો વિચારી લઈશ,પણ ત્યાં સુધી માં મને તારા ઘર માં આશરો જોઈએ છે.તું મને આશરો આપીશ ને?'
બે મિનિટ માટે તો પલાશ ને લાગ્યું કે સપના મજાક કરે છે,પણ આ શું?મજાક તો પોતાની જ થઈ રહી હતી.
'સપના, આ તું શું બોલે છે? તે તો તારી સાથે મારી પણ જિંદગી બરબાદ કરી નાખી.તે લગ્ન પહેલાં મને કેમ કાંઈ ના કીધું? કે પછી તું સાકેત સાથે ભાગી કેમ ના ગઈ? 'લમણે હાથ દેતાં પલાશ થી ફસડાઈ પડાયું.
'પલાશ,પ્લીસ હું તારી માફી ને લાયક તો નથી,પણ તોય મને માફ કરી દે .ભાગી જવાની મારામાં હિમ્મત ન હતી. વળી,પપ્પા એ મને ધમકી આપી હતી કે કોઈ પણ કારણસર જો મારા લગ્ન અટકી જશે તો એ હતા ન હતા થઈ જશે,એથી હું ગભરાઈ ગઈ હતી.'સપના એ રડતા રડતા કીધું.
લગ્ન ની પહેલી રાતે તો વર-વધુ નાં કેટકેટલા શમણાંઓ હોઈ છે,પણ અહીં તો વાતાવરણ અલગ જ હતું.પલાશ અને સપના એ અલગ અલગ પથારી માં જેમતેમ કરી ને આખી રાત પસાર કરી.
'જો સપના,મારે આખીયે વાત મારાં પેરેન્ટ્સ ને કહેવી જ પડશે.હું આ વાત એમનાથી છૂપાવી નાં શકું.પછી જે નિર્ણય આવે તે તારે સ્વીકારવો પડશે.'આખી રાત પડખા ઘસી ને પલાશે બીજે દિવસે સવારે ઊઠતા જ સપના ને કહી દીધું.
બંધ બારણે પલાશ અને એના પેરેન્ટ્સની એક કલાક મિટિંગ ચાલી પછી નિર્ણય લેવાયો કે સપના ને એની ખુશી મેળવી જોઈએ.
'સપના,મારે ચકાસવું પડશે કે સાકેત તારા માટે યોગ્ય છે કે નહિ? તું એક કામ કર ,એને સાંજે હેવમોર બોલાવી લે,હું એને બરાબર પારખી લઉં અને જો એ પાસ થઈ જઈ તો તારા અને સાકેત નાં લગ્ન કરાવવાની જવાબદારી મારી.'પલાશે સપના ને હૈયાધારણ આપી.
સાંજે પલાશ એકલો જ સાકેત ને મળવા ગયો.પાછો આવી બોલ્યો,'સપના,તારી પસંદગી લાજવાબ છે.એ ખરેખર તને ખૂબ જ પ્રેમ કરે છે.તારા માટે એ કઈ પણ કરવા તૈયાર છે.સપના એ પાસ થઈ ગયો.બસ,હવે વકીલ પાસે આપણા છૂટાછેડા નાં કાગળ કરાવી લઉં પછી તું છુટ્ટી. આ બધી પ્રોસિજર કરતા અઠવાડિયું -દસ દિવસ નીકળી જશે,ત્યાં સુધી તું તારે અહીં જલસા થી રહે,પણ એક પ્રોમિસ આપ કે ત્યાં સુધી તું સાકેત સાથે વાત સુધ્ધાં પણ નહીં કરે.આખરે જુદાઈ પછીના મિલન ની ખુશી જ કઈ ઔર હોઈ છે,બરાબરને?
સપના તો પલાશ ની વાત સાંભળતા જ શરમાઈ ગઈ.મનોમન જ તેને પલાશને ભગવાન નો દરરજો આપી દીધો.
છેવટે સપના અને પલાશ નાં છૂટાછેડા થઈ ગયા અને સાકેત અને સપનાએ કોર્ટમેરેજ પણ કરી લીધા.
'ઓહ ! સાકેત,આજે હું એટલી ખુશ છું કે નાં પૂછો વાત અને આ બધું ફક્ત અને ફક્ત પલાશનાં કારણે જ શક્ય બન્યું છે.આજે એને આપણને મદદ નાં કરી હોત તો કદાચ આપણે એકબીજા સાથે નાં હોત.'સપના આમ કહેતા ખુશીથી ઝૂમી ઊઠી.
'બહુ હરખાઈશ નહી. તને પલાશ નાં સકંજામાંથી છોડાવવાના તેર લાખ રૂપિયા આપ્યા છે.એ તો પંદર લાખ માંગતો હતો.માંડ માંડ તેર લાખ માં વાત પૂરી કરી. એ દિવસે એ હવમોર પર પૈસાની વાત કરવા જ આવ્યો હતો અને ધમકી આપી ને ગયો હતો કે જો સપના ને કીધું છેને તો...ખબર છે ને કે અત્યારે મારાં ઘર માં જ રહે છે પછી એટલામાં સમજી જજે.'
'સપના,દેવું કરી ને હું આ પૈસા લાવ્યો છુ. હવે,આ દેવું કેવી રીતે ચૂકવીશું એ મારું માં જાણે છે. એના માટે આપણે બંનેએ તનતોડ મહેનત કરવી પડશે. એ ચૂકવતા ચૂકવતા કદાચ આપણી આખી જિંદગીયે નીકળી જાય.'
'હે!,શું વાત કરે છે? એને આવું કાવતરું કર્યું? હું તો એને ભગવાન માનતી હતી,પણ એ તો શૈતાન નીકળ્યો. હાય! હાય! એના કરતાં તો મેં તારી જોડે ભાગીને લગ્ન કરીને કરવાની હિમ્મત કરી હોત તો તારા તેર લાખ તો બચી જાત.'ચક્કર ખાતાં ખાતાં સપના બબડી.
ત્યાગ
"આન્ટી હું આવીશ, હું આવીશ." ધ્રુવે રડતાં-રડતાં કીધું. રીતુને આ ઘરમાં પરણીને આવે હજી એકાદમહિનો માંડ થયો હશે. ધ્રુવ તેમના પાડોશી નો દીકરો હતો એ રીતુ સાથે ખૂબ હળીમળી ગયો હતો.
ચાર વર્ષ નો ધ્રુવ આમ તો જાણે સૂવા જ પોતાના ઘેર જતો,બાકી આખો દિવસ રીતુ ના જ ઘર માં હોય.દિવસ આખો એની ધમાલ- મસ્તી ચાલતી જ રહે. રીતુ ના ઘરમાં પણ બધાંને ખૂબ વહાલો. બંને પાડોશીઓનો સંબંધ ઉષ્માભર્યો તો પહેલેથી જ હતો .ધ્રુવ ની મમ્મી આખો દિવસ મોટા દીકરાને ભણાવવામાં વ્યસ્ત હોવાથી ધ્રુવ પાછળ તો સમય જ નહોતી આપી શકતી.
"રીતુ, જલ્દી કર, આપણે પાર્ટી માં જવાનું મોડું થાય છે." એનો પતિ બૂમાબૂમ કરતો હતો.ધ્રુવે રડી રડી ને જીદ કરી કે હું તો આન્ટી સાથે જઈશ જ.રીતુ આ મીઠડાં છોકરાને ના ન પાડી શકી.
"અરે! તું રડીશ નહીં ધ્રુવ, બસ તને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છુ,પછી તારે જીદ નહીં કરવાની હોનેં ?"રીતુએ રડતાં ધ્રુવને શાંત પાડતાં કહ્યું.
રાજ અને રીતુ બાઈક પર એને આઈસ્ક્રીમ ખવડાવવા લઇ ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં એકદમથી દોડી આવતી ગાયને બચાવવા જતાં રાજનું બાઈક સ્લીપ થઇ ગયું અને ત્રણે જણા બાઈક સાથે ધડામ કરતા પડયાં.
એ અકસ્માતમાં રાજ અને રીતુને તો બહુ વાગ્યું ન હતું પણ નાનકડો ધ્રુવ રોડ-ડિવાઈડર સાથે અથડાતાં જ બેભાન થઇ ગયો. રસ્તા પર લોકોનું ટોળું જમા થઇ ગયું.એમ્બ્યુલન્સ આવી ને ત્રણેય જણા ને હોસ્પિટલ લઇ જવાયા. રાજ અને રીતુ તો બહુ ઘવાયાં ન હતાં,પણ ધ્રુવની હાલત ગંભીર હતી.તે કોમામાં જતો રહ્યો હતો.
અકસ્માતની જાણ થતાં ધ્રુવનાં માતા-પિતા અને રાજ-રીતુ નાં પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા. દીકરાની આ હાલત જોઈને ધ્રુવની મમ્મી તો બેભાન જ થઇ ગઈ. થોડીવાર પછી ભાનમાં આવતાં રીતુએ તેમની માફી માંગી. ડોક્ટરના કહેવા મુજબ ધ્રુવ ક્યારે સાજો થશે એ હવે ઉપરવાળાના હાથમાં જ હતું. "હે ભગવાન ! ધ્રુવની આ હાલત માટે હું જ જવાબદાર છુ."એવું કલ્પાંત કરતા રીતુ હોસ્પિટલ માં ખૂબ રડી.
ઘરનાં બધાએ અને પછી તો ખુદ ધ્રુવનાં માતા-પિતા એ પણ રીતુને સમજાવી કે,"આમાં તમારો શું વાંક? કુદરત આગળ સૌ લાચાર છે,નસીબમાં લખ્યું હોય છે એ કોઈપણ કાળે થઈને જ રહે છે."આટલી-આટલી સાંત્વના છતાં રીતુ અપરાધ ભાવથી પીડાતી રહી.
"આજથી ધ્રુવની તમામ જવાબદારી મારા શિરે." રીતુએ ધ્રુવની મમ્મીને કહી દીધું. એ સવારથી જ હોસ્પિટલ પહોંચી જતી. ધ્રુવને નવડાવવા,જમાડવા,સમયસર દવા આપવાની તમામ જવાબદારી એને સ્વીકારી લીધી. ધ્રુવને ઘેર લાવ્યા પછી પણ પોતાના સાગા દીકરાની જેમ એ ધ્રુવની સેવા-ચાકરી કરતી રહી.
તે હંમેશા ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે "હે ભગવાન! ધ્રુવ જલ્દીથી સાજો થઇ જાય." "કુદરત આગળ સૌ લાચાર છે,પણ રાજ , એ દિવસે આપણે ધ્રુવ ને આઈસ્ક્રીમ ખવડાવવા ન લઇ ગયા હોત તો કદાચ આજે આ દિવસ ન આવત અને આપણે આના નિમિત્ત પણ ના બનત." પતિના ખોળામાં માથું મૂકીને રીતુએ કીધું. રાજની સહમતીથી એ નિર્ણય લે છે કે ,"જ્યાં સુધી ધ્રુવ સાજો ના થાય ત્યાં સુધી એ પોતાનું બાળક નહિ લાવે."
આવો નિર્ણય તેણે જયારે પોતાના પરિવારજનો ને સંભળાવ્યો ત્યારે ઘરમાં ખૂબ કકળાટ થયો પણ રાજ અને રીતુ પોતાના નિર્ણય પર અડગ હતા. ધ્રુવના નવજીવન માટે તેઓએ પોતાની ખુશીઓનો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું.
આમ ને આમ ઘણો સમય વીતી ગયો, પણ ધ્રુવને સાજો કરવામાં રીતુએ સહેજપણ કચાશ રાખી ના હતી. આ બધામાં રાજ પણ તેને સંપૂર્ણ સાથ આપતો હતો.રીતુને હજી એક આશા હતી કે એક દિવસ તો ધ્રુવ જરૂર ભાન માં આવશે.
અને આખરે એક દિવસ ભગવાને તેની પ્રાર્થના સાંભળી. એને ચમત્કાર ગણો કે રીતુની શ્રધ્ધા ,પણ ધ્રુવ આખરે કોમા માંથી બહાર આવ્યો. એ દિવસે રીતુની ખુશીનો પાર ન રહ્યો. તેની આંખો ખુશીના આંસૂથી છલકાતી ગઈ. તેને મનોમન ભગવાન નો આભાર માન્યો, તેનો ત્યાગ આજે રંગ લાવ્યો હતો.
રીતુ અને ધ્રુવનું એકમેક સાથેનું મિલન જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયા. રીતુ તો પોતાના બાળક વિષેનો ખ્યાલ જ ભૂલી ગઈ હતી. આટલાં વર્ષોથી તે પોતાના દીકરાની જેમ ધ્રુવની સાર-સંભાળ લેતી હતી. જાણે ગયા જન્મનું કોઈ લેણું ન હોય!
મૈયા યશોદાને જાણે એનો કાનુડો મળી ગયો ને કાનુડા ને યશોદા!
------------------------------------------------------------------------------