Aadambarni duniya in Gujarati Short Stories by Neeta Kotecha books and stories PDF | આડંબરની દુનિયા

Featured Books
Categories
Share

આડંબરની દુનિયા

આડંબરની દુનિયા

“ ભાભી , તમારા કવિ મિત્ર જનક , કેટલી સરસ ગઝલ લખે છે ને , ક્યાંથી આવતી હશે આવી વેદના ને આવા વિચારો ?”

સુનંદા છેલ્લા કેટલા વખતથી જોતી હતી . જ્યારે સાહિત્યની બેઠક ઘરમાં યોજાતી અને જો જનક ઘરે આવે તો ચોક્કસ એની નણંદ મોનાલી એ બેઠક માં હાજરી આપતી . અને જનક જાય ત્યાં સુધી એ ત્યા જ રહેતી. અને ક્યારેક બેઠક વચ્ચે જો તેની નજર મોનાલી પર પડતી તો તેનું ધ્યાન જનક તરફ જ હોતું . જનક હતો પણ એવો જ ને. એકદમ ગઝલકાર લાગે . અને લખતો એટલે એના શબ્દ થી જાણે હૃદય વિંધાય જતું. એમની બેઠકમાં બધા જનકની મસ્તી પણ કરતા કે દોસ્ત , અમે તો ક્યારેય પ્રેમમાં દગો નથી ખાધો પણ તમારી ગઝલ સાંભળીને લાગે કે જાણે અમે જ દગો ખાધો હોય. તમારી ગઝલના શબ્દો એટલી પીડા અપાવે છે . અને બધા ઘાયલ હૃદય ખડખડાટ હસતા , જનક પણ હસતો પણ એના હાસ્ય પાછળની પીડા ફક્ત સુનંદા જ જાણતી . જનકે પોતાનું હૃદય સુનંદા પાસે ખોલ્યું હતું . આમ જ એક કવિ સંમેલન માં બધા ઇલહાબાદ ગયા હતા. અને ત્યાની હોટેલ માં રાતનાં ત્રણ વાગ્યા સુધી મહેફિલ જામી હતી. બીજે દિવસે બધા મોડા ઉઠ્યા . એટલે એ રાતનાં પાછી સુનંદાને નીંદર નહોતી આવતી એ લોન માં બેસીને કઈક લખી રહી હતી . ત્યાં તેણે જનાક આવતા જોયો .

“ કેમ નિંદ્રારાણી તારાથી પણ નારાજ છે કે શું ?તારા મિત્રો તો સુઈ ગયા .”

“ હા , એ બધાએ કાલે ગઝલ સંભળાવી અને આજે બાટલી નો સહારો લીધો અને મને એ સહારો ફાવે નહિ . એટલે જ્યાં સુધી નિંદ્રારાણી પડખામાં ન લે આપણે તો વિચારતા રહેવું અને લખતા રહેવું “

“ હા, અને કોઈકની બેવફાઈ માં હેરાન થતા રહેવું . બરોબરને ?”

જનકને આ વાતની આશા નહોતી . એને થોડું આશ્ચર્ય થયું કે સુનંદાબહેન ને આ વાતની કેવી રીતે ખબર ?

એણે પ્રશ્નાર્થ ભેરેલી નજરો થી સુનંદા સામે જોયું . સુનંદા એટલે બેઠકની સૌથી વગ ધરાવતી વ્યક્તિ . પૈસે ટકે પણ અને દેખાવમાં પણ . એનો રૂબાબ જ એવો હતો કે જલ્દી કોઈ એની સાથે સામે થી વાત કરવાની હિમંત ન કરે. જનકે પણ નહોતી કરી . પણ આજે એમની પાસે થી લાગણીથી ભરેલી વાત સાંભળીને જનકને બહુ જ આશ્ચર્ય થયું કે આ વ્યક્તિ માં પણ આવી લાગણીઓ સમજવાની શક્તિ છે . લોકો એ એને હૃદય વગરની પણ કહી હતી . પણ આખી બેઠક માં આ એક જ વ્યક્તિએ જનક ને અંગત વાત પૂછી હતી . જનક વિચારતો હતો કે કોઈના દેખાવ પરથી એના વિષે ધારણા ન બંધાય .

“ શું વિચારો છો જનક ? એ જ ને કે આ પથ્થર દીલ આવી વાતો કેવી રીતે કરી શકે ?”

જનક સુનંદાની સામેની ખુરશી પર બેસી ગયો અને બોલ્યો “ હવે તમે મને એક પછી એક જટકા આપવાનું બંધ કરો . એક તોમને મારી અંગત વાત પૂછી ક જે હજી સુધી કોઈ પકડી નથી શક્યું . ઉપરથી મારા મનમાં શું ચાલે છે એ પણ તમને ખબર પડી ગઈ . આ જરા વધારે ન થયું “ સુનંદા , જનકની વાત સાંભળીને હસવા લાગી અને બોલી “ હવે એ કહો કે એવું શું થયું જિંદગીમાં કે આટલો કરુણ રસ તમારી ગઝલ માં ભર્યો છે . “

“ એ મારી પત્ની હતી જેની સાથે મેં લગ્ન પહેલા બે વર્ષ, પ્રેમ કર્યો . મારી બધી બેઠકો માં હું એને સાથે લઇ જતો . અને મારી રચના પાછળ લોકોને દિવાના થતા જોઇને એને ગર્વ થતો કે હું કવિ જનકની પત્ની બનવાની છું . પણ લગ્ન કર્યા પણ એક જ મહિનામાં એને ખબર પડી ગઈ કે આ સાહિત્યની બેઠક જે બહારગામ માં થાય છે એ બધી પોતાને ખર્ચે થાય છે . અહિયાં કાઈ મળતું નથી હોતું . “ એને થોડા જ દિવસોમાં મારા જ ગ્રુપના એક મોટા ગજાના શાયર સાથે પ્રેમ થઇ ગયો અને એમની સાથે લગ્ન કરી લીધા . એ આજે બહુ જ ખુશ છે , પણ મેં તો એને પ્રેમ કર્યો હતો ને “

સુનંદાની અને જનકની ત્યારથી જ મિત્રતા બંધાણી . જ્યારે જ્યારે શહેરની બહાર જવાનું થતું . સુનંદા જ પોતા સાથે જ જનકની ટીકીટ કઢાવી લેતી . પણ તેમની મિત્રતાની એમણે કદી કોઈને ખબર પડવા નહોતી દીધી .

સુનંદાના પતિ મલયને પણ આ કવિતા અને ગઝલમાં કોઈ રસ ન હતો . પણ એને તો વધારે પડતા કામથી યુરોપ ફરવાનું રહેતું એટલે એ રાજી હતો કે સુનંદા પોતાનાં ગમતા કામ માં વ્યસ્ત રહેતી હતી. .

જ્યારે સુનંદાનું ધ્યાન પોતાની નણંદ મોનાલી પર ગયું કે એ જનક માં રસ લેતી થઇ હતી. સુનંદાએ એક સ્વપ્ન જોવાનું શુરુ કર્યું હતું.. એને પોતાનાં ઘરની બેઠક વધારી દીધી અને બધાને તો બહુ જ ગમતું કારણ એમના ઘરે તો પાંચ સિતારા જેવી સગવડ મળતી . પણ સુનંદાની આશા અલગ જ હતી . ધીરે ધીરે મોનાલી ને વધારે ને વધારે જનક પ્રત્યે ખેંચાવ થતો ગયો . આખરે એક દિવસ સુનંદાએ એને જનકની બધી જ વાત ની જાન મોનાલીને કરી. તો પણ મોનાલી ને જનક સાથે જ લગ્ન કરવા હતા . આખરે સુનંદાએ જનક ને બધી વાત કરી . જનકે થોડી આનાકાની કરી પણ પછી માની ગયો કારણ એના મનમાં પણ મોનાલી માટે કુણી લાગણીએ જન્મ લઇ લીધો હતો . આખરે સુનંદા અને મોનાલી એ મલયને વાત કરવાનું નક્કી કર્યું .

એ જ દિવસે રાતનાં જમતા વખતે સુનંદાએ , મલયને જનક વિષે અને મોનાલી વિષે વાત કરી . આ વાત સાંભળીને મલયના ગુસ્સા નો પાર ન રહ્યો એણે કહ્યું “ હું તમારા માટે દેશ વિદેશ કમાવા જાવ છું અને અહિયાં તમે બંને આ બધું કરો છો . મોનાલી માટે લોકોની લાઈન લાગી છે . એક વાર લગ્ન થઇ ગયેલા સાથે હું મારી બહેન ને નહિ પરણાવું “

“ અરે પણ મોનાલીની પસંદ નું તો વિચાર કરો , અને એ વ્યક્તિને હું બહુ સારી રીતે ઓળખું છું એ માણસ બહુ જ સારો છે “

“ ના એટલે ના, આ બાબતે પાછુ કોઈ નહિ પૂછે મને “ એ જમ્યા વગર ઉભો થઇ ગયો .

સુનંદા અને મોનાલીનું ખાવું પણ જેર થઇ ગયું .

બીજે દિવસે બપોરે અચાનક મલયનો ફોન આવ્યો “ તું અને મોનાલી તૈયાર રહેજો, આજે આપણે તાજમાં જવાનું છે. ત્યાં એક પાર્ટી એમના દીકરા સાથે મોનાલીને મળવા આવાની છે . મુંબઈનાં બહુ મોટા ઉદ્યોગપતિ છે . એટલે એમની સામે કોઈ નાટક ન કરતા. “

મલયની સામે કોઈ દલીલ કરવાની જ નહોતી. મોનાલી તો સાડા ડ્રેસમાં પણ ખુબ સુંદર લાગે એવી હતી . સાંજ નો સમય નક્કી થયો . બધા એક બીજાની સામે બેઠા .મોનાલી અને આવવાવાળો છોકરો સમીર એ બંનેને અલગ બેસાડવામાં આવ્યા. મોનાલીને એની ભાભી એ કહ્યું હતું “આજે તું શાંતિથી મળી લે . આપણે પછી તારા ભાઈને મનાવી લેશું . એટલે શાંતિથી વાત કરી ને મોનાલી અને સમીર બધા સાથે આવીને બેઠા. સમીરે એના પપ્પાને ઇશારાથી હા કહી . અને વાત નક્કી થઇ ગઈ. મલયે પણ હોકારો ભણી દીધો . મોનાલીને પૂછવાનું પણ જરૂરી ન લાગ્યું . ઘરે આવીને મોનાલી અને સુનંદા એ બહુ ઝગડા કર્યા પણ મલય એક નો બે ન થયો . મલયે કહી દીધું “ તમારા બંને માં અક્કલ નથી ચીથરેહાલ ગાયકને પરણવા નીકળ્યા છો “

એક ઉદ્યોગપતિની બહેનના લગ્ન એક ઉદ્યોગપતિના દીકરા સાથે થઇ ગયા . લગ્નની ધામધૂમ ચારે બાજુ વખાણવામાં આવી . લગ્ન થઇ ગયા . જનક આ બીજી વાર સહન ન કરી શક્યો. એનું નિંદરમાં જ મૃત્ય થયું . સુનંદા , જનકના મૃત્યુનું કારણ પોતાને સમજવા લાગી હતી .

મોનાલીના લગ્ન પછીની પહેલી દિવાળી આવી . મલયે ફોન કરીને સમીરને સહકુટુંબ આમંત્રણ આપ્યું . સમીરે કહ્યું બધા તો નહિ આવી શકીએ પણ હું અને મોનાલી આવીયે છીએ “

મોનાલીના આવવાની ખુશી સુનંદા ને બહુ જ હતી . તેણે મોનાલી માટે હીરાનો સેટ અને સમીર માટે હીરાનું પેન્ડલ અને સોનાનો ચેઈન બનાવ્યો હતો .

આતુરતાથી રાહ જોતા બંને બેઠા હતા ત્યાં ઘરની બેલ વાગી. મલય અને સુનંદા પોતે દરવાજા પાસે દોડ્યા . ચહેકતી મહેકતી બગીચાનાં એક એક ફૂલ સાથે વાતો કરતી અને પતંગિયાની જેમ ઉડતી મોનાલી કરમાયેલા ફૂલ જેવી થઇ ગઈ હતી . એને જોઇને જ મલય અને સુનંદા હૃદયનો થડકાર જાણે ચુકી ગયા હતા . લગ્ન પછી બંને ને બાળક નહોતું થયું . એમની માટે તો મોનાલી જ દીકરી જેવી હતી . .સમીરે ઘરમાં પગ મુક્યો ને જાણે ઘર આલ્કોહોલની વાસથી ગંધાઈ ગયું . લગ્ન પછીની પહેલી દિવાળી , અને સાસરામાં શરાબ પીને આવનાર જમાઈને જોઇને બંને નાં હોશ ઉડી ગયા હતા . મોનાલીને હાથ પકડીને સુનંદા પોતાની રૂમ તરફ લઇ જવા લાગી ત્યાં સમીર તાડૂક્યો “ ક્યાય નથી જવાનું અહિયાં જ બેસ મારી સામે “

અને મોનાલી ઘભરાઈને ત્યાજ સોફામાં બેસી ગઈ . મલયથી આ બધું સહન નહોતું થતું . એણે પણ એટલા જ ગુસ્સાથી કહ્યું “ સમીર આ કઈ રીત છે મોનાલી સાથે વાત કરવાની, જો અમારી સામે તું આવી રીતે મોનાલી સાથે વાત કરે છે તો એકલામાં શું કરતો હોઈશ ? “

મોનાલીએ ભાઈને શાંત પાડતા કહ્યું “ ભાઈ ગુસ્સો ન કરો , શાંત રહો “

“ નાં મોનાલી તારી હાલત તો જો.. આ કેવા ઉદ્યોગપતિ કે આવવાવાળી દીકરીને ન સંભાળી શકે . “

“ તમે જ રાખો તમારી દીકરીને , આમે મને તો રોજ નવી મળી રહેશે “

સમીરના ગાલ પર જોરથી તમાચો પડ્યો . અને આ તમાચો સુનંદાએ માર્યો હતો . “ નીકળી જાવ અહિયાથી અમારે તમારા જેવા વ્યક્તિની સાથે મોનાલીને નથી મોકલવી “

મોનાલી વચમાં પડી અને કહ્યું “ ભાભી એમને આ વખતે તમે ૨૫ લાખ આપી દ્યો એમણે કહ્યું છે કે એ બદલાઈ જશે “

“ ના મોનાલી તારે હવે અહિયાં જ રહેવાનું છે . તને અમે હવે એ નર્ક માં નહિ મોક્લાવીયે . ” સમીરને એમણે ઘરની બહાર મોકલી દીધો

સમીરના ગયા પછી મોનાલી મન મુકીને ભાભી પાસે રડી . અને કહ્યું કે એને સમીરના હાથનો રોજ માર ખાવો પડતો હતો. એના સસરા એ એને મિલકતમાંથી બાકાત કરી દીધો હતો કારણ એના લક્ષણ સારા ન હતા . બસ સમજી લ્યો કે એ મોટા ઘરનો બગડેલો દીકરો હતો . જેણે મારી જિંદગી બગાડી હતી .

“ પણ મોનાલી તે આટલો વખત કઈ કહ્યું કેમ નહિ “ મલય બોલ્યો

“ ભાઈ મને એમ થયું કે તમને થશે કે મને હજી જનક સાથે પ્રેમ છે એટલે હું બહાના બતાવું છું. “

મલય માથું પકડીને બેસી ગયો અને વિચારવા લાગ્યો કે સંસ્કાર અને ખુશી પૈસાથી નથી મળતા . દુનિયામાં જે દેખાય છે એ હોતું નથી . મેં મારી ભૂલના કારણે મારી બહેનની જિંદગી બગાડી અને જનકના મૃત્યુનું કારણ પણ હું બન્યો . પણ હવે કાઈ બચાવાવા જેવું બચ્યું ન હતું . મલય નજર ઉપર કરીને સુનંદા અને મોનાલી સાથે નજર નહોતો મલાવી શકતો .

પણ સુનંદાનાં મનમાં ચાલતું હતું કે આ દુનિયાનાં લોકો અભિમાન અને આડંબરની સામે સરળતા અને જગતની નરી વાસ્વીક્તાને ક્યારે સ્વીકારશે ?