કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૬
ભાર્ગવ પટેલ
નોવેલ વિષે....
સંકેત અસમંજસમાં હતો કે એની સાથે આ બધું શું ઘટી રહ્યું હતું! જે વિષયમાં અવ્વલ આવવાની આશા હોય એજ વિષયનું સૌથી ખરાબ પરિણામ આવે એ પરિસ્થિતિને એ જીવી રહ્યો હતો. ઉપરથી રી-ચેકિંગમાં પણ કોઈ સુધારો આવવાની આશા ન હોઈ એણે એ વિચાર માંડી વાળ્યો. પણ મુકેશભાઈનું મન આ બધું માનવા કોણ જાણે કેમ તૈયાર જ નહતું, હવે આગળ.......
આજે સવારે મુકેશભાઈ રોજની જેમ વહેલા ઉઠ્યા. એમણે સંકેતને પથારીમાં ના જોયો. એમણે આસપાસ નજર કરી તો ખબર પડી કે એ અગાસીની પેરાપીટ વોલના ટેકે માથું દઈને ઊંઘતો હતો. રાત્રે કદાચ વિચારતા વિચારતા ત્યાં જ ઊંઘી ગયો હતો. એમણે એ જાગી ના જાય એનું ધ્યાન રાખીને એનું માથું ઓશિકા ઉપર મુક્યું. સવારની તાજગીમાં પણ એનો મૂરઝાયેલો ચહેરો જોઇને મુકેશભાઈને દુખ થયું.પણ તેઓ વિચલિત નહતા જણાતા. કારણ કે આજે તેઓ કંઈક એવું કરવા જઈ રહ્યા હતા કે જે કદાચ આ પરિસ્થિતિને જડમુળથી ઉખેડીને ફેંકી દેશે, જો એમ ના થયું તો એનો સામનો તો કરવો જ રહ્યો. પ્રયત્ન કરી જોવામાં કશું જવાનું નહતું.
“કેમ આટલા વહેલા તૈયાર થઇ ગયા આજે, અને આમ થેલી લઈને કઈ બાજુ? લાવો તો શું છે જોઉં!”, કહીને અસ્મિતાબેને થેલી ખોલી. એમાં સંકેતની કોલેજનું આઇડેન્ટીટી કાર્ડ અને પાછલા બે સેમેસ્ટરના રીઝલ્ટની ઝેરોક્ષ હતી.
“કેમ આ બધું લઈને ક્યાં જાઓ છો તમે?”
“હું સંકેતની કોલેજે જાઉં છું”
“કેમ અચાનક એની કોલેજમાં? આટલા ચાર વર્ષથી એકેય વાર નઈ ને હમણાં કેમ? એને કોલેજમાં મુકવાનો હતો એ વખતે પણ નહતા ગયા ને આજે?”, અસ્મિતાબેન અસમંજસમાં હતા.
“કારણ કે આજે જવું પડે એમ છે, ભલે જે થવાનું હોય એ થાય પણ એક પ્રયત્ન કરવામાં શું જાય છે?”
“પણ તમે ત્યાં એકલા જઈને શું કરશો? તમને ક્યાં આ બધા એની કોલેજના કાગળિયાંમાં ગતાગમ પડવાની છે તે?”, આટલા વર્ષથી ખેતર અને ગામને પોતાની દુનિયા બાનાવીને બેઠેલા પતિની પત્નીએ પૂછ્યું.
“એમ તો જીવવાનું ક્યાં કોઈએ શીખવ્યું જ’તું? તોય આપણે બંને જીવીએ જ છીએ ને!”, મુકેશભાઈએ કહ્યું.
“એ તો છે”
“મારો ભોળો છે ત્યાં લગી મારે કોઈ ચિંતા કરવાની થતી નથી, એણે જ બધું કરવાનું અને એણે જ બધું નિભાવવાનું, હું તો નિમિતમાત્ર બનવા માંગુ. અને એનાથી વિશેષ આપણે કરી યે શું શકવાના હતા?”, મુકેશભાઈના અવાજમાં આજે કંઈક અનોખી જ વાત હતી.
“સારું! મારા દિયરને પણ ભેગા લેતા જજો! તમે ક્યાં રસ્તો જોયેલો હશે?”
“ના! એને હેરાન નથી કરવો! હમણાં કહીશ તો ખાલી ખોટી નોકરીએ રજા મૂકી દેશે! વળી ભાભી પણ જમવાના ઉધામા કરશે. એમને તકલીફ શું કામ આપવી? એની કોલેજનું નામ ખબર છે બસ એટલું ઘણું છે!”
“તમે જઈ આવશો ને એકલા?”, અસ્મિતાબેને ચિંતા વ્યક્ત કરી.
“થઇ જશે”, મુકેશભાઈએ કહ્યું, “અને હા! એક વાતનું ધ્યાન રાખજે! સંકેતને હું એની કોલેજમાં ગયો છું એ વાત ખબર ના પડવી જોઈએ”
“કેમ?”
“એને ખબર પડશે અને જો આ રી-ચેકિંગથી એના વિષયના પરિણામમાં કોઈ ફેર ના પડે તો એને વધારે દુઃખ થશે! એના કરતા ના કહીએ એ જ સારું”
“ઠીક છે”
“એ પૂછે તો કહી દેજે એમના કામથી બહાર ગયા છે એમ”
“એ સારું! વાંધો નઈ”
“ચલ ત્યારે જય ઓમ નમઃ શિવાય”, કહીને મુકેશભાઈ ઘરના દરવાજા તરફ ગયા.
“ઓમ નમઃ શિવાય!”, કહીને અસ્મિતાબેને એમને વિદાય કર્યા.
મુકેશભાઈ વડોદરાથી બસ બદલીને ભરૂચના સ્ટેશન પર ઉતર્યા. હાથમાં પ્લાસ્ટિકની બેગ, મનમાં સંકેતના સપના તૂટવાનો ભય અને અંતરમાં અલૌકિક શક્તિ પર અપાર શ્રદ્ધા લઈને ચાલતા મુકેશભાઈ કોઈ રીક્ષાવાળો શોધી રહ્યા હતા. રીક્ષાવાળાને જઈને એમણે પૂછ્યું,
“આ સરનામું જરા જુઓ ને ભાઈ!”, એમણે સંકેતનું આઈ કાર્ડ બતાવીને પૂછ્યું.
રિક્ષાવાળાએ એની જૂની અને જાણીતી પ્રકૃતિ મુજબ થોડું વિચારીને જવાબ આપ્યો. જો કે એના મગજમાં રસ્તો, કેટલું સાચું ભાડું અને કેટલું આ શહેરમાં નવા જણાતા માણસ પાસે લેવું એ બધું બે જ સેકન્ડમાં ક્લીયર થઇ ગયું હશે.
“સો રૂપિયા થાય સાહેબ સ્પેશીયલના”
“અને શટલ ભાડું?”
“શટલમાં જાઓ એના કરતા સ્પેશીયલમાં ચાલો, રસ્તામાં બે રીક્ષાઓ બદલશો ત્યારે આ સરનામે પહોચી રહેશો”
“એવું છે?”, રસ્તાથી અબુધ એવા મુકેશભાઈ એની વાતોથી બે રીક્ષા બદલવાની પળોજણ વિષે વિચારતા થઇ ગયા. કેટલી સ્વાભાવિક વાત છે? આપણે જે રસ્તા પર ચાલ્યા નથી એ રસ્તા વિશેનો કોઈ અભિપ્રાય આપે એને આપણે અંતિમ માની લેતા હોઈએ છીએ અને પછી આપણા મગજનો અને આપણી મંઝીલ સુધીના રસ્તાનો ખલાસી એ જે તે વ્યક્તિ બની જાય છે.
મુકેશભાઈ રીક્ષામાં બેઠા. લગભગ દસેક જ મિનીટ થઇ અને રીક્ષા ઉભી રહી.
“કેમ ભાઈ? કશું ખોટકાયું છે કે શું રીક્ષામાં?”, મુકેશભાઈએ સો રૂપિયાના સંદર્ભમાં ઓછું અંતર કપાયેલું જોઇને સ્વભાવગત પૂછ્યું.
“અરે ના ના સાહેબ! આવી ગઈ તમારા છોકરાની કોલેજ!”
“આટલા માટે બે રીક્ષા ક્યાંથી બદલવી પડત એ જરા કહે તો!”
“સાહેબ બધી માથાકૂટ રહેવા દો, મને મારું ભાડું આપો તો હું નીકળું, મારે પેસેન્જર લેવાના છે”, રીક્ષાવાળો એમનો સવાલ અવગણીને બોલ્યો.
“જો ભાઈ! હું તો આપી દઈશ તને સો રૂપિયા આપણે નક્કી થયું હતું તેમ! પણ કોઈના અંતરમાંથી બદદુઆ મળે એવું કામ કરવાથી રોજી આપતું સાધન ભલે નિર્જીવ હોય, છતાં રાજી નથી રહેતું. પ્રમાણિકતા સાવ મારી પરવારી ગઈ હોય એવું કરતા તમે છોભીલા પડતા જ હશો મને ખબર છે, અને હવે કદાચ તમારા લીધે ભરૂચના બીજા કોઈ રિક્ષાવાળા પર હવે પછી મને વિશ્વાસ નહી થાય”
આટલી વાત એના પર અસર કરી ગઈ હોય એમ લાગ્યું. એણે રીક્ષા સાઈડમાં લઈને બંધ કરી,
“માફ કરજો સાહેબ ભૂલ થઇ ગઈ! આજ પછી કોઈ નવા કે રસ્તો ના જાણતા પાસે થતું હશે એટલું જ ભાડું લઈશ! તમે કહ્યું એટલે વિચાર આવ્યો કે મારી રીક્ષા કેમ દર મહીને હજારના ખાડામાં નાખે છે!”
“અનીતિનું આજે નહી તો કાલે અવર્થે જવાનું જ છે, કારણ કે એની એ જ નિયતિ છે”
“સાચી વાત છે તમારી, ચાલો હું નીકળું!”
“સારું”
જ્ઞાન કોઈ પણ વ્યક્તિ પાસે હોઈ શકે. એ કોઈ બેકગ્રાઉન્ડ કે વર્ગનું મોહતાજ નથી હોતું. જીવનના સંઘર્ષમય અનુભવો જ જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રતીતિ કરાવી દેતો હોય છે.
આ તરફ સંકેત ઘરે અગાસી પરથી નીચે આવ્યો. કદાચ આજે ઊંઘ એના પર વધારે જ હાવી હતી, અથવા તો સપનાના તૂટેલા હિસ્સાઓ સમેટતાં સમેટતાં સવારના દસ થવા આવ્યા એનું એને ભાન ના રહ્યું. મોબાઈલની સ્ક્રીન પર નવ ને ઓગણપચાસના આંકડા અંકાતા હતા. એ ઉઠ્યો. પથારી સંકેલી અને ઓશીકું બીજા હાથમાં લીધું. ઓશીકું ભીનું હતું, આવું ક્યારેય બને નહી! પણ આજે બન્યું એનું કારણ એ જાણતો હતો. એ નીચે આવ્યો. અસ્મિતાબેન રસોડામાં હતા,
“ઉઠી ગયો બેટા?”
“હા મમ્મી!”
“ચા તૈયાર જ છે, બ્રશ કરી લે ત્યાં સુધી પાપડી શેકી કાઢું”
“હા”, સંકેતે કહ્યું, “મમ્મી! પપ્પા ક્યાં છે?” એનું ધ્યાન અચાનક આ સમયે મુકેશભાઈ રોજ જે સ્થાને બેઠા હોય એવા તુલસીના ક્યારા પાસેના ખાટલામાં ગયું.
અસ્મિતાબેને સાંભળ્યું પણ જાણે ના સાંભળ્યું હોય એમ વર્તન કર્યું. આખરે તેઓ બને ત્યાં સુધી ખોટું બોલવા માગતા નહતા.
“મમ્મી! પપ્પા ક્યાં છે? ઘરમાં દેખાતા નથી! ખેતરમાં ગયા છે કે શું?”
“ના! એ તો એમના કામથી કંઈક ગયા છે સવારના”, આખરે પતિને આપેલા વચન મુજબ એમણે ખોટું બોલવું પડ્યું.
સંકેત કંઈ બોલ્યો નહી. એ નોર્મલ થવાનો પ્રયત્ન કરતો હતો, પણ ફરી ફરી પાછુ બધું યાદ આવી જતું અને એ ફરીથી દુખી થઇ જતો. હજી એને આ વાતથી ટેવાતા વાર લાગવાની હતી. સમય જતા બધું સરખું થઇ જાય એ વાત આપણને માત્ર ભ્રમમાં જ રાખે છે, હકીકતમાં સમય ગયે એ લાગણી સાથે જીવવાની આપણને આદત થઇ જતી હોય છે.
*******
મુકેશભાઈ કોલેજના મેઈન ગેટમાં પ્રવેશ્યા. એમણે ત્યાં રહેલા ચોકીદારને બધું પૂછ્યું. એણે સવિનય બધી માહિતી આપી.
રીચેકિંગનું ફોર્મ ભરાવવાની બારીએ પહોચીને એમણે ત્યાંના અધિકારીને પૂછ્યું,
“સાહેબ મારે ફોર્મ ભરવાનું છે”
“તમે કોણ?”, આધેડ ઉંમરનો પુરુષ અવાજ સાંભળી એ અધિકારી જરા મૂંઝાયો.
“હું મુકેશ”
“કોના માટે ફોર્મ ભરવા આવ્યા છો તમે?”
“મારા દીકરા સંકેત માટે”
“એ ક્યાં છે?”
“એ ઘરે છે! એને આ ફોર્મ નથી ભરવું, પણ મારે ભરાવડાવવું છે”
“પણ એ નઈ હોય ત્યાં સુધી ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરાશે?”
“એટલે?”
“એટલે એની સહી વગર ફોર્મ નહી ભરાય એમ”, એણે ચોખવટ કરી.
“પણ હું એની સહી કરી દઉં તો શું વાંધો? આમેય એની સહી માત્ર પુરાવા ખાતર જ તો કરવાની છે સાચું ને?”
“હા પણ તમે એક કામ કરો, પ્રિન્સિપાલ સાહેબને મળીને વાત કરી લો એના માટે એમની પરમિશન જોઇશે”
“ઠીક છે, એમની ઓફીસ કઈ બાજુ છે?”
“અહીથી રાઈટમાં પહેલી ગલી”
“છે સાહેબ ઓફીસમાં?”
“હશે કદાચ!”, એણે કહ્યું, “ના ના! અહી વેઈટીંગ રૂમમાં બેસો, હમણાં એમનો લંચ ટાઈમ છે”, એણે ઘડિયાળ જોઇને કહ્યું.
“ઠીક છે”
લંચ ટાઈમની એક એક મિનીટ વિતાવવી મુકેશભાઈ માટે મુશ્કેલ હતી. આમેય રાહ જોતી વખતે સમયની ગતિ ધીમી જ પ્રતીત થાય છે. માંડ અડધો કલાક થયો ત્યાં સુધીમાં મુકેશભાઈસામેની દીવાલ પર લગાવેલી ઘડિયાળ સામે આશરે દસ વાર જોઈ ચુક્યા હતા. એટલામાં સામેથી ફોર્મલ કપડામાં સુસજ્જ, ફોન પર વાત કરતા કરતા પ્રિન્સિપાલની કેબીન તરફ જઈ રહેલો માણસ દેખાયો. મુકેશભાઈને લાગ્યું કે આજ પ્રિન્સિપાલ હોવા જોઈએ! એટલે એમણે આખા કોરીડોરમાં ગુંજાઈ જાય એટલા મોટા અવાજે કહ્યું,
“પ્રિન્સિપાલ સાહેબ”
પેલા માણસે ફોન કાનથી અળગો કર્યો અને મુકેશભાઈ સામું જોયું. ઇન ફેક્ટ કોરીડોરમાંના દરેક વ્યક્તિએ એકાળ બે ક્ષણ માટે એમની સામું જોયું. પછી કંઈ અજુગતું ન લાગતા બધા એમની વ્યસ્તતામાં પરોવાયા. લોકોને જોતા અને સાંભળતા અથવા તો નોંધ લેતા કરવા માટે અવાજ મોટો હોવો જોઈએ એ વાત અહી સાબિત થઇ.
“હા બોલો!”, પ્રિન્સિપાલે કહ્યું.
“મારે તમારી સાથે વાત કરવી છે”, મુકેશભાઈ ઉતાવળા પગે ત્યાં આવીને બોલ્યા.
“શેના વિષે?”
“રીચેકિંગના ફોર્મ માટે”
“તમે આ કોલેજમાં ભણતા વિદ્યાર્થી તો નથી લાગતા! તો પછી તમે રીચેકિંગના ફોર્મની વાત કેમ કરો છો? સમજાયું નહી”
“એ સમજાવવા માટે જ તો તમારી સાથે વાત કરવાની છે”
“ઓકે, ચાલો ઓફીસમાં બેસો મારી સાથે”, પ્રિન્સિપાલે અસમંજસભર્યા સ્વરે કહ્યું, અને એ પાછા ફોનમાં લાગ્યા.
બહારના ગરમાવાથી એર કંડીશનરની ઠંડકમાં આવીને મુકેશભાઈને હાશકારો થયો. પ્રિન્સિપાલે એમની રોલિંગ ચેર પર સ્થાન લીધું અને સામેની ચાર ખુરશીમાંની એકમાં મુકેશભાઈ બેઠા. વાતચીત ચાલુ થઇ. મુકેશભાઈએ પોતે કેમ દીકરાનું ફોર્મ ભરવા આવ્યા છે, એની જોબ, એની હતાશા બધું વર્ણવ્યું. ઉપરાંત એના લાસ્ટ બે સેમેસ્ટરના રીઝલ્ટની કોપી પણ પ્રિન્સીપાલને બતાવી. એમણે વિચાર્યું અને કહ્યું,
“ઠીક છે! તમે આ ફોર્મ પર સહી કરી શકો છો! કોઈ પ્રોબ્લેમ નથી, પણ હા! આ પહેલી અને છેલ્લી વાર હશે”
“મારે બીજી વાર આવવાનું નહી થાય એવી ખાતરી છે”
“સારું ત્યારે, તમે ફોર્મ ભરીને જઈ શકો છો, મને કોઈ વાંધો નથી, કદાચ મારી એક પરવાનગીના લીધે કોઈનું જીવન સવરતું હોય તો એનું પુણ્ય મળશે”
“આભાર સાહેબ!”
મુકેશભાઈ ફોર્મ ભરીને કોલેજની બહાર નીકળ્યા. હવે તેમને રસ્તો ખબર હતો, રીક્ષા પણ અને ભાડું પણ. તેઓ સ્ટેશને પહોચીને વડોદરા અને વડોદરાથી ઘર તરફ જતી બસમાં બેઠા. ઘર આવ્યું. એમણે ઘરમાં પ્રવેશ કર્યો. સંકેત લગભગ અમી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. અસ્મિતાબેન ખેતરે ગયા હોય એમ લાગતું હતું. કોઈકના અંદર આવવાનો અવાજ સંભાળીને સંકેત બારણા પાસે આવ્યો અને જોયું તો મુકેશભાઈ હતા. એણે તરત જ કુતુહલવશ પૂછ્યું,
“ક્યાં હતા પપ્પા તમે? સવારે વહેલા ગયા હતા તે છેક હમણાં આવ્યા?”, સંકેતના અવાજમાં રોજના જેવી જ વાત હતી એ એમણે નોંધ્યું. કદાચ એ અમી પાસે મન હળવું કરીને મળેલી શાંતિનું પ્રતિબિંબ હતું.
“ક્યાય નહી! આ જરાક વડોદરે! પેલો ખેતીનો કંઈક સેમીનાર હતો”, દીકરાની આંખમાં આંખ નાખ્યા વગર એમણે કહ્યું. સવારે અસ્મિતાબેને પણ આમ જ કહ્યું હતું. કેટલી અજીબ વાત છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની આંખમાં આંખ નાખીને આપણે ખોટું બોલી જ શકતા નથી. કદાચ એમની આંખોમાં રહેલો આપણા પ્રત્યેનો વિશ્વાસ આપણને એમ કરતા રોકે છે.
“બરાબર, કેવો રહ્યો?”
“શું?”
“સેમીનાર!”
“હા! સારો”, એમણે છુપાવવાનો પ્રયાસ કર્યો. બસ આનાથી વધારે વાત ના થઇ.
સંકેતે અમી સાથે વાત ચાલુ કરી,
“પપ્પાની મારા પ્રત્યેની ચિંતા જોઇને મને તાકાત મળે છે.. અને એટલે જ કદાચ હું અત્યારે નોર્મલ થઇ રહ્યો છું!”
“હા! સાચી વાત! એમણે અને મમ્મીએ ઘણી સ્ટ્રગલ કરી છે! મને ખબર છે”
“હા! અને એમની એ જ સ્ટ્રગલ મને હિંમત આપી જાય છે”
“જો ને આજે તને પૂછ્યા વગર અને તારી ચિંતા દુર કરવાનો ભલે ધૂંધળો તો ધૂંધળો પણ એક પ્રયાસ જાતે જ જઈને કરી આવ્યા”
“હા! અને હમણાં મને ખોટું કહેતા પણ ગ્લાની અનુભવતા હતા એ મેં જોયું! પણ મને ખબર છે કે કંઈ થવાનું નથી, હું નકારાત્મક નથી પણ અત્યાર સુધીનું પરિણામ તો એમ જ કહે છે”
“પરિણામો બદલાવવા માટે જ જન્મ લેતા હોય છે, આવું તે જ કહ્યું હતું મને”
“જોઈએ હવે! મેં આશા રાખી નથી, કારણ કે નાહકની આશાઓ રાખીને છેલ્લે તો દુખી જ થવાય છે”
“પણ તું આવું કેમ બિહેવ કરે છે એમની સામે જાણે કે તને કંઈ ખબર જ ના હોય? તને તો ખબર જ છે ને? તો તું એમને કહી શકે છે”
“કારણ કે મારે એમના મને ના કહેવાના નિર્ણયનો સ્વીકાર કરવો જોઈએ. જો પરિણામ સુધર્યું તો પપ્પા મને સામેથી કહેવાના જ છે, અને ના સુધર્યું તો નથી કહેવાના! જો એમને ખબર પડી જાય કે મને આ વાતની જાણ છે તો પછી એ સતત પરિણામ ના સુધારવાની ચિંતા કર્યા કરશે અને ના જ સુધર્યું તો અંતે મારા કરતા બમણું દુઃખ એમને થશે! એના કરતા બેટર છે કે માત્ર હું જ દુખી થાઉં!”
આ વાત સાંભળી અમી અવાક હતી. એના મમ્મી પપ્પા પ્રત્યે સંકેતને કેટલો પ્રેમ છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ આજે એની સામે હતું.
પણ એક મિનીટ ! આ બંનેને ખબર હતી કે મુકેશભાઈ સંકેતની કોલેજમાં ગયા હતા અને એનું એ વિષયનું રીચેકિંગનું ફોર્મ ભર્યું હતું. પણ કેવી રીતે? મુકેશભાઈએ તો બરાબર ધ્યાન રાખ્યું હતું કે સંકેતને આની ખબર ન પડે તો પછી??
(ક્રમશઃ)