Aadat in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | અાદત

Featured Books
Categories
Share

અાદત

આદત

મયંક રડતો રડતો રસેડામાં આવ્યો. ચિત્રાએ હસતાં હસતાં પૂછ્યું કે તે કેમ રડે છે. પણ મયંકે જવાબ ન આપ્યો. તે જોરજોરથી રડવા લાગ્યો. ચિત્રાનો ગુસ્સો પ્રેશર કુક્કરની જેમ ધડામ કરતો ફાટ્યો. અને મયંક શાંત થઈ ગયો. હીબકાં ભરવા લાગ્યો મમ્મીને જોતાં જોતાં. ચિત્રાને પોતાની ભૂલ સમજાણી. તરસ આવી પોતાની જાત પર અને મયંકનો ગભરાટ જોઈને. ગેસ-ચૂલો ધીમો કરી હોલમાં આવી અને મયંકને ખોળામાં બેસાડ્યો. વહાલનાંહૂંફાળા પાલવથી મયંકનાં આંસુ લૂછ્યાં . મયંક પોતે સ્તબ્ધ થઈ ગયો મમ્મીનો મીઠો મધુરો પ્રશ્ન સાંભળીને, " બકુ.. કેમ રડે છે? તું રડે તો મને કેમ ખબર પડે? "

" મમ્મી છે ને.."

" હં પછી આગળ શું?"

" મમ્મી છે ને.." અને મયંક ઊંડા વિચારમાં ડૂબી ગયો. એની ચારેબાજુ આકાશ રચાઈ ગયું. કોરા આકાશમાં ચકરાવ મારતાં કાગડાંઓનું ટોળું. એ ટોળાની આસપાસ કા.કા.કા.. નું કુંડાળું તળાવનાં પાણીમાંના તરંગોની જેમ ફેલાતું જોઈ રહ્યો.

" બોલને બેટા..આગળ.."

" મમ્મી છે ને..."

મયંક ગભરાઈ ગયો. ધ્રૂજી ઊઠ્યો. એની આંખ ફોડી નાખતો કાણિયો કાળો કાળો કાગડો દેખાવા લાગ્યો. જાણે કહી રહ્યો હોય કે ખબરદાર. મોં ખોલ્યું છે તો.. ચિત્રા નો ગુસ્સો પાણીમાં તેલ તરે તેમ તરવા લાગ્યો." મયંક હું તને પૂછું છું તું કેમ રડે છે?"

મયંક ચિત્રાની આંખો જોઈ રહ્યો ડરામણી. એ ડરામણી આંખોમાં પેલાં કાગડાની આંખો દેખાણી. એક નહીં, બે નહીં ચારચાર આંખો પટપટ થયા કરતી.. મયંક બરાબરનો મૂંઝાણો. પસીનો પસીનો થઈ ગયો.ધ્રૂજવા લાગ્યો. મમ્મીના ખોળામાંથી ઊભો થયો. ચિત્રાનો તરી રહેલો ગુસ્સો ઊકળી ઊઠ્યો." સંભળાતું નથી? શું થયું કેમ રડે છે ક્યારનો?

" મમ્મી પહેલાં બારી બંધ કર."

" કેમ"

" મમ્મી મને ડર લાગે છે." કહેતાં મયંક ચિત્રાને વળગી પડ્યો. મયંકનો હાથ પકડી ચિત્રાએ બારી બંધ કરી.મયંકનાં માથે હાથ ફેરવતાં પૂછ્યું, " બેટા, કોનો ડર લાગે છે? "

"મમ્મી, કાગડાનો."

" કેમ?" હસતાં હસતાં પૂછ્યું.

" છે..ને." મયંક બારી બહાર જોવા લાગ્યો.

" પાછું છે ને આવ્યું કે? "

" મમ્મી, બારી બંધ છેને? મને ડર લાગે છે."

" બેટા, મમ્મી તારી પાસે છે. ડરવાનું નહીં. તું તો બહાદુર મારો બેટો છે . "

" મમ્મી ગલેરીમાં બેસીને પૂરી ખાતો હતો તો છે ને પેલો કાગડો આવીને મારી પૂરી ઝૂંટવી ગયો બોલ.. કાલે પણ આવું કર્યુ મારી સાથે."

" હોલમાં બેસીને ના ખવાય કે?"

" ના. ત્યાં બેસીને મજા આવે છે ખાવાની. ચકલાં છે,કબૂતરો છે તેઓ નથી લેતાં પણ કાગડો જ કેમ?" પૂછી ચિત્રાનો ચહેરો જોઈ રહ્યો. ચિત્રા પણ મયંકને જોઈ રહી.

ચિત્રાએ મયંકની શૈલીમાં કહ્યું, " છે ને કાગડાને આદત પડી ગઈ છે ..છે ને .."

" આદત? પણ આદત એટલે શું?"

"ટેવ." ચિત્રાનો લહેકો કાન ફાડી નાખે એવો હતો.મયંક ધ્રૂજી ઊઠ્યો. ચિત્રા છોભીલી પડી ગઈ.ભૂલ સુધારતાં કહ્યું કે આદત એટલે ટેવ. જેમ મયંકને ગલેરીમાં બેસીને પૂરી ખાવાની ટેવ છે. મયંક આ સાંભળી હસી પડ્યો. પણ ચિત્રા ઊંડા વિચારમાં વીંટળાતી ગઈ.

" અરે ચિત્રા વહુ, આટલાં વહેલાં જાગી ગયાં અને આ શું? રસોડામાં બધું તૈયાર!" હજુ તો પાનેતરની મહેંદી સુકાઈ નથી અને પરણેતરને રસોડામાં જોતા સાસુમા આનંદથી બોલી ઊઠ્યાં. " સાસુમા, મને વહેલા ઊઠવાની આદત છે." હસતાં હસતાં તે બોલી.

મધ્યમ વર્ગમાં ઉછરેલી ચિત્રા, માબાપ, બે ભાઈઓ વચ્ચે ઘરનું અજવાળું હતી.ચકલીની જેમ ચીં ચીં કરતી ઘરને ગૂંજતું રાખતી હતી. જ્યારથી સમજણી થઈ ત્યારથી ઘરનું કામરાજ ઉપાડી લીધું હતું. માની નરમગરમ તબિયત, બાપની ટૂંકી આવક,માઝા મૂકતી મોંધવારી એ ચિત્રાને સમજદાર બનાવી દીધી હતી. માની ના ના છતાં તે સવારે વહેલી એટલે કે મા સાથે ઊઠી જતી હતી. મ્યુનીસીપલ નળનું પાણી જે સવારે માંડ અડધો કલાક આવતું તે ધમાલ કરીને ભરી લેતી હતી.આ બાજુ એની મા નાહી ધોઈને ફટાફટ ચા બનાવતી. કારણ ચિત્રાને ઊઠીને ચા પીવાની ટેવ હતી. બસો ફૂટની ચાલી સ્ટિટમમાં રહેતી ચિત્રા ક્યારેકભાઈઓની ખીજ સહન કરી લેતી.કારણ સવારની ધમાલ થી ભાઈઓની નીંદરમાં ખલેલ પડતી હતી.પરિણામે મા ચિત્રાને ઠપકો આપતી પણ પિતા ચિત્રાને પક્ષે ઊભા રહીને છોકરાં પર ચીડાઈ જતાં હતાં અને ચિત્રાની માને કહેતા, " એક તો સવારે ઊઠીને બચારી છોડી વૈતરું કરે છે અને તું એને ધમકાવે છે?"

ત્યારે ચિત્રાની મા હસતાં હસતાં કહેતી " મેં તમારી દીકરીને કાંઈ કીધું નથી કે..."

" હવે જવા દો,સવાર સવારે આ શું કચકચ કરો છો.. " ચિત્રા વાતને આગળ વધતી અટકાવા વચ્ચે બોલી નાખતી હતી.ત્યાં સૂતા ભાઈઓ વચ્ચે ટપકી પડતાં, " તારા લીધે.." પછી થાય ભાઈબહેનની જીભાજોડી અને ચિત્રાની આંખોમાંથી બેમોસમી વરસાદ વરસી પડતો હતો.અને પછી શરુ થાય ભાઈબહેન વચ્ચે રીસામણાં મનાવવાની કવાયત.. પછી માબાપ કરે પતાવત..આ હસીમજાક ભરી જિંદગીએ ભાઈઓનાં કાળજાં હચમચાવી નાખ્યાં જ્યારે ચિત્રા પાનેતર પહેરી માંડવેથી નીકળી પા..પા..પગલીએ..

સાસરે ચિત્રા આ આદતથી ક્યારે ક સાસુનો, તો ક્યારેક પતિનો તો ક્યારેક નણંદનો મીઠો ઠપકો ખાતી હતી પણ ચિત્રાને એ ઠપકો મીઠો લાગતો હતો.સાસુ ધણીવાર કહેતાં, " ચિત્રા, તમારા લીધે તારી બે નણંદો કામે વળગી છે નહીં તો કોણ જાણે ક્યારે રસોડું શીખત."

" સાચી વાત છે ભાભી. તમારા લીધે હું હોશિયાર બની છું"

તો ક્યારે ક પતિ ગુસ્સે થતાં કહેતો, " તું મને પરણી છે કે ઘરને? આખો દિવસ કામ કામ" ક્યારેક સસરા સલાહ આપતાં," બેટા, જરા કામને છોડતાં શીખીએ..આ તો કામ તને ના છોડે તું કામને"

" ચિત્રા વહુએ તો મને હરામ હાડકાની બનાવી નાખી છે" પાડોશી પાસે સાસુને પોતાનાં વખાણ કરતાં સાંભળી ને ચિત્રાનો થાક ક્યાંય ઓગળી જતો હતો. સમયની વહેતી રફતારમાં ચિત્રાએ બાળકનો જન્મ આપ્યો અને સુંના ઘરમાં પારેવા શો ખિલખિલાટ છવાઈ ગયો.

તે મયંકને જોઈ રહી.ખોળામાં બેસીને કેટલો નિશ્ચિંત હતો. એનાં માથે હાથ ફેરવતી રહી.વિચારવા લાગી. આદત એટલે શું? સવારે વહેલાં ઊઠવું, પરિવાર માટે કામ કર્યાં કરવું દિવસરાત. સૌને ખુશ રાખવાં પોતાની જાતને ભૂલી. આ કામની લાયમાં પોતાનાં દીકરાને ક્યારે પણ ખોળામાં બેસાડી જમાડ્યો છે? મયંકના માથે તેલ નાખ્યું છે? વાર્તા કહી છે? કામમાં અંધ બની ક્યારે ક મયંક પર ગુસ્સો ઠાલવતી," જરા દાદા સાથે રમ. મારે મોડું થાય છે, જરા આધો ધસ.." જેવા ઉદ્ ગાર સરી પડતાં. રાત્રે શયન ખંડમાં જાય ત્યારે તે ઘસઘસાટ સૂતો હોય.

તે મયંકને જોઈ રહી. મયંક હળવે હળવે માનાં ખોળામાં પડ્યો પડ્યો પૂરી ખાઈ રહ્યો હતો. ધણાં વર્ષો પછી મયંકને માનો હૂંફાળો ખોળો મળ્યો હતો.જે છોડવો ગમતો ન હતો. " બકુ હજી કેટલી વાર છે?"

" મમ્મા,હજી તો શરુઆત કરી છે.."

" ક્યારનો પૂરી ચગળ્યા કરે છે .. આટલી બધી કાંઈ વાર લાગે કે? મારે હજી કામ પાછળ પડ્યું છે ચલ ઊઠ હવે?.." જેવા શબ્દો હોઠે આવી બટકી ને ભૂક્કો થઈ ગયા.

અને મયંકને વહાલ કરવા લાગી. મયંક પણ માને વળગીને તોફાન મસ્તી કરવા લાગ્યો અને હઠ પકડી કે એક વાર્તા સંભળાવે. મયંક પાસે લાચાર થઈ ગઈ અને મયંકને માતૃત્વનાં ઝૂલામાં ઝૂલાવા લાગી. કાલીધેલીમીઠી મધુર વાણીમાં..

અચાનક ઝબકી. ગેસ ચૂલા પર દાળ ઉકળવા મૂકી હતી. હાય રે! દાળ બળી ગઈ હશે એમ વિચારી મયંકને ઊભો કરી હળવેથી ઊભી થઈ.સાડલો ઠીક કર્યો. ઝડપથી રસોડા તરફ ગઈ. ના કોઈ રધવાટ કે ચિંતા દરવખતની જેમ હતાં.અંગેઅંગમાં તાજગી હતી. રસોડામાં પગ મૂકતાં જ તે ચોંકી ઊઠી. એક ચીસ જેવો માંડ માંડ શબ્દ મુખમાંથી સરી પડ્યો પતિદેવને જોતાં," તમે! રસોડામાં!"

પતિદેવ દાળ હલાવી રહ્યાં હતાં. હસતાં હસતાં કહ્યું," કેમ? તને નવાઈ લાગે છે ચિત્રા? ધણાં વર્ષે મયંકને રમાડતી જોઈ તને અને મને મારી જૂની આદત રસોઈ બનાવાની યાદ આવી ગઈ અને ઉકળતી દાળ બળી જાય એ પહેલાં મેં મારું કામ શરું કરી દીધું.." કહી ચિત્રાને પ્રેમથી ભેટી પડતાં કહ્યું ," આજથી મયંકને સાંજે ખોળામાં બેસાડી ને વાતો કરવાની આદત કેળવી લે.કામ તો થયા કરશે..ચિત્રા.."

" તમે પણ ખરા છો.." માંડ માંડ ચિત્રા બોલી શકી અને મનોમન મલકાઈ રહી હતી..

પ્રફુલ્લ આર શાહ