‘દર્દી’
અનંત પાઠક / અતીતરાગ
કોટને હેન્ગર પર લટકાવી ડો. ચીમનલાલ ખુરશી પર બેઠા; બૂટની દોરી છોડતાં વિચારે ચડ્યા, તેમને તેમની મૃત પત્ની યાદ આવી ને તેઓ ગણગણી રહ્યાૹ બંસરી!
તે જેટલી આકર્ષક હતી તેટલી જ કોમળ હતી. પોતે તેને જાળવી ન શક્યા તેનું દુઃખ આજે પણ તેમના હૈયાને કોરી રહ્યું હતું.
તેમના મનમાં એક જ વિચાર આવતો કે પોતે ડોક્ટર ન બન્યા હોત તો કેવું સારું હતું. તો પોતે જરૂર બંસરીને જાળવી શકત. પણ. યુવાનીને ઉંબરે પગ મૂકતાં તેમના મનમાં ડોક્ટર બનવાની લાલચ જન્મી. ડોક્ટર બન્યા, દિવસ ને રાત દર્દીઓની માવજતમાં જ રચ્યાપચ્યા રહેવા લાગ્યા. લગ્નની પહેલી જ રાતે તેમને સમાચાર મળ્યા કે એક ‘સિરિયસ કેસ’ આવ્યો છે. રજા પર હોવા છતાં હોસ્પિટલે પહોંચી ગયા. તેમના મનમાં નવું નવું જાણવાની ને તે કરતાં પણ સફળતાનાં એક પછી એક શિખર સિદ્ધ કરવાની ભૂખ બહુ મોટી હતી.
પોતે બંસરીને, બંસરીના નાજુક ઊર્મિતંત્રને સમજે; પેલી ધૂનમાંથી છૂટે ન છૂટે ત્યાં બંસરી તેમને છોડીને ચાલી ગઈ; ને પોતાની જાતને સમજાવવા માટે પોતાની ડાયરી મૂકતી ગઈ.
ડોક્ટર ચીમનલાલ વર્ષોથી તેનાં પાનાં ફેરવી રહ્યા છે. આજે પણ રાબેતા મુજબ તેમણે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું.
તેમાં લખ્યું હતુંૹ
‘મનને હળવું કરવા માટે હૈયાની વાત બીજાને કહેવી; ને સાંભળનાર ન હોય તો લખવી — એમ ડાહ્યા લોકોનું માનવું છે. થાય છે કે હું પણ મારા હૈયામાં ઘૂંટાતી વેદના લખું, કોઈએ કહ્યું છે ને કે —
‘કોણ સુણે કોને કહું, સુણે તો સમજે ના,
કહેવું સુણવું, સમજવું હવે મનમાં ને મનમાં.
‘કેવી હતી એ કલ્પનાની મહેલાતો! કોલેજથી પાછા ફરતાં હું જ્યારે જ્યારે કોઈ યુગલને જોતી ત્યારે મને થતું કે હું પણ આમ જ ફરવા નીકળીશ; મારા મન પર એવી તો જાદુઈ અસર થતી કે મન તૃપ્તિ અનુભવતું.
‘પણ આજે લગ્નના બે દિવસ પૂરા થયા — આ ચાર દીવાલોમાંથી બહાર જવાનું પણ નથી બન્યું. સવારમાં પૂછ્યું, આજે આપણે બહાર જશું? — એ ના ન પાડી શક્યા. સાંજે ફરવા જવાનું વચન આપીને ગયા. હું મારાં પ્રિય એવાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ બની તેમની રાહ જોતી લોબીમાં બેસી રહી. રતુંબડી સંધ્યાના પ્રકાશમાં મસ્ત બની ટહેલી રહી. એકાએક ટેલિફોનની ઘંટડી રણકી. રિસીવર હાથમાં લીધું —
‘ “હલ્લો. કોણ? બંસરી?”
‘ “હા.”
‘ “હં. બંસરી, મેં તને વચન આપેલું કે આપણે ફરવા જશું ખરું ને? પણ. લાચાર છું. આજે.”
‘ને મારા હાથમાંથી રિસીવર પડી ગયું; મેં તેને એમ ને એમ પડી રહેવા દીધું. મારે કારણ જાણવાની જરૂર ન હતી.
‘રોષભેર કપડાં બદલી પથારીમાં પડી, ખૂબ રડી, છતાંય હજુ મારા મનનો ભાર હળવો નથી થયો. લાગે છે કે આથી મોટું અપમાન હોઈ શકે નહીં.
‘ના. ના. મારી કાંઈ ભૂલ થાય છે; એ મારું અપમાન શા માટે કરે? હું કાંઈ તેમની પ્રતિસ્પર્ધી નથી, પત્ની છું. કોઈ પણ પતિ પોતાની પત્નીને ઇરાદાપૂર્વક તો નાખુશ ન જ કરે. ખરેખર એ કોઈ અગત્યના કેસમાં રોકાયેલા પણ હોય!’
ને ડોક્ટરે ડાયરી બંધ કરી દીધી. તેમની આંખે અંધારાં આવી ગયાં. તેમનું હૈયું ભારે બની ગયું. આંખના બંને ખૂણા સજળ બન્યા. થોડી વારે ફરી ડાયરી ખોલી. આજે તેઓ ડાયરીમાં છુપાયેલી બંસરીને અળગી ન કરી શક્યા.
‘આજે તો તેમના ખોળામાં માથું મૂકી ખૂબ રડી. પેટ ભરીને રડી ને કહ્યુંૹ “શું તમને મારા પ્રત્યે કંઈ લાગણી નથી?”
‘ “ના. ના. બંસરી, એમ નથી. હું તને ચાહું છું, ખૂબ ચાહું છું.” કહેતાં તેમણે મારું મોં ઊંચું કર્યું, આંસુ લૂછ્યાં ને આંસુથી ભીંજાયેલા ગાલને પ્રેમથી ચૂમી લીધા —
‘ “તમે મને ખરેખર ચાહો છો?” કંઈક ઉશ્કેરાટથી મેં પૂછ્યું.
‘ “હા. ખૂબ ચાહું છું. હૃદયથી ચાહું છું. પણ દર્દીઓ પ્રત્યેની મારી સહાનુભૂતિને અવગણી નથી શકતો. ઘણી વાર મને તારી પાસે દોડી આવવાનું મન થાય છે; પણ દર્દીઓની એ વેદના મારા પગ જકડી રાખે છે, હું લાચાર છું.”
‘મેં સહેજ હસતાં હસતાં કહ્યુંઃ “હું દર્દી બનું તો?”
‘ “તો તારા પ્રત્યે મારી સહાનુભૂતિ એટલી જ રહે. અરે — બલકે.”
‘ “તો સાંભળો, હું દર્દી બની ચૂકી છું.” ને હું નીચે જોઈ ગઈ.
‘હું તો ઇચ્છું છું કે જો દીકરો આવશે તો તેને ડોક્ટર તો નહીં જ બનાવું ને કદાચ દીકરી હોય તો. તો તેનો પતિ એવો શોધીશ કે જે ડોક્ટર ન હોય.’
ડોક્ટરે ડાયરીનું પાનું ફેરવ્યું. —
‘સવારથી મારી તબિયત સહેજ નરમ છે તે વાત તેમના ખ્યાલમાં પણ આવી ગઈ લાગે છે. અત્યાર સુધીમાં બે વાર તો તેમણે મને તપાસી — મેં કહ્યુંૹ “અરે! મને કંઈ નથી. એ તો સહેજ અમસ્તી બેચેની જણાય છે.”
‘ “છતાં તબિયતની કાળજી લેવી સારી, ને જો, આ ટીકડીઓ લઈ લે,” કહી રંગબેરંગી ટીકડીઓ આપી. મેં લીધી. માત્ર તેમના સંતોષ ખાતર જ.
‘કેટલા સમયે હું તેમનો સ્નેહ મેળવી શકી? — પ્રેમ કરતાં સહાનુભૂતિ વિશેષ હતી. હવે તેમને નાની નાની ફરિયાદો ન જ કરવી. તેઓ અકારણ કેવા ચિંતાતુર બની જાય છે.’
ડોક્ટર ચીમનલાલની આંખ સામે બંસરી તરવરી રહી. કદી પણ ઉદાસ ન રહેનાર બંસરીની આંખોમાં સહેજ નરમાશ જોતાં પોતે કેટલા વિહ્વળ બની જતા હતા; પણ બંસરીને બચાવી ન શક્યાનો અફસોસ તેમને કોરી રહ્યો. કોઈ પણ જાતનાં વ્યાધિનાં બાહ્ય ચિહ્નો ન હોવા છતાં તે દિવસે દિવસે ગળતી ગઈ. ને રશ્મિના જન્મ પછી તો લગભગ પથારીવશ જ રહી. તેમની આંખ સામેથી બંસરી જેવી અનેક સ્ત્રીઓ — જેમને પોતાની સારવારથી નવું જીવન મળ્યું હતું. — પસાર થઈ ગઈ; ને તેઓ બોલી ઊઠ્યા; ‘ના. ના. મેં એમને બચાવી જ નથી. એ તો બધી ઈશ્વરની જ લીલા છે. તો બંસરી.’ને તેમણે આંખો લૂછી, ને ડાયરીના છેલ્લા પાનાનું લખાણ વાંચવું શરૂ કર્યુ. —
‘લોકોને દર્દમાંથી રાહત આનંદ આપે છે; મને દર્દનો વધારો. હું સમજી જ નથી શકતી કે આમ કેમ બની રહ્યું છે? — તેમનો પ્રેમાળ હાથ જ્યારે મારા શરીર પર ફરે છે ત્યારે થાય છે કે એ મારા છે — એ હાથ હંમેશને માટે મારા શરીર પર ફર્યા જ કરે તો કેવું સારું?
‘અરે! આજે તો એ રાતમાં પણ ત્રણચાર વખત આવી ગયા. મારા કપાળ પર હાથ મૂક્યોઃ સૂતી છે; ભલે સૂતી. આજે કંઈક રાહત લાગે છે — એવું કશું ગણગણી પાસે બેઠા. હું સૂઈ જ રહી; ને તેઓ ક્યાંય સુધી પોચા હાથે પંપાળતા રહ્યા.
‘પુરુષના હાથમાં એવું તો જાદુ છે કે જેનો સ્પર્શ — પ્રેમભર્યો સ્પર્શ — જીવનમાં અમૃત સીંચે છે. દેહ તો ઠીક પણ આત્મા પુષ્ટ બને છે. જેમ પુરુષનું જીવન પ્રકૃતિ વિના અધૂરું છે તેમ પ્રકૃતિ પણ પુરુષ વગર પાંગળી છે.
‘હાથ ધ્રૂજે છે; હવે કદાચ નહીં લખી શકું. એમની ગોદમાં જ કાયમને માટે આંખ મીંચાઈ જાય તો કેવું સારું!’
—ને ડોક્ટરના હાથમાંથી ડાયરી સરી પડી.
જે દિવસે બંસરીએ કાયમને માટે આંખ બંધ કરી તે દિવસ તેમની આંખ સામે તરવરી રહ્યો —
સવારથી જ બંસરીની નાડ તૂટતી હતી. પોતે વ્યગ્રતાથી તેની સામે જોઈ રહેતા. બંસરી લુખ્ખું હસતી ને પૂછતી, ‘શું જુઓ છો? મને કંઈ જ નથી. મારી પાસે બેસો. તમારા ખોળામાં માથું રાખવા દેશો?’ — ને તેની આંખો ચમકતી. આખો દિવસ આમ ને આમ પસાર થયો; રાત્રે ડોક્ટરના ખોળામાં માથું ઢાળી તે સૂતી હતી. ડોક્ટર ધીમે ધીમે તેના શરીરને પંપાળી રહ્યા હતા. થોડી થોડી વારે ‘પલ્સ’ ગણતા હતા.
એકાએક તેમણે બંસરીનો હાથ છોડી દીધો. બે હાથે બંસરીને ઢંઢોળવા લાગ્યાૹ ‘બંસરી, બંસરી. બંસરી!’
ચારેબાજુ શાંતિ છવાઈ રહી. આયા રૂમમાં દોડી આવી. બંસરી સૂતી હતી. તેના મોં ઉપર ચિર શાંતિ તરવરી રહી હતી.