* પરિચય *
નામ : પારુલ અરવિંદ બારોટ
લાયકાત : એમ.એ.બી.એડ –મુખ્ય વિષય ગુજરાતી સાથે
કામ : કવિયત્રી,લેખિકા,અનુવાદક,કોલમિસ્ટ,
સરનામું : એ-5 કિશ્ના બગ્લોઝ ,વિભાગ-2 ,ગણેશ એપાર્ટમેંટ સામે મોટેરા,અમદાવાદ-05
ઈમેલ: parulbarot6@gamil.com
ફોન : 9426863311
વિશેષ પરિચય :
>રેડિયો પર એક આખું વીક “મોર્નિંગ મુશાયરા “ માં ગઝલ .
>ટેલીવિઝન ઉપર અનેકવાર “ઇન્ટરવ્યુ “અને “કાવ્ય પઠન “ કરેલ છે.
>ગુજરાતનાનામાંકિતસામાયિક,મેગેઝીનજેવાકેશબ્દસૃષ્ટિ,કવિતા,ગઝલવિશ્વ,જનકલ્યાણ,વિવિધ્યાનગર,અખંડ આનંદ,દિવ્યભાસ્કરના કાવ્યસેતુમાં મારી સ્વરચિત રચનાઓ પ્રકાષ્ટ થયેલ છે.
>વાર્તા,નવલિકા,બાળ વારતા,લેખ, અને ગીત,ગઝલ, અછાંદસ કવીતા સુપ્રસિધ્ધ સામાયિક તેમજ મેગેઝીન અને ન્યૂઝ પેપરમાં અવાર નવાર પ્રકાશિત થાય છે.
>બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂકેલા છે.[1] વાર્તા સંગ્રહ-‘ મહેકતી મોસમ [2] બાળવાર્તા સંગ્રહ –‘કુપળનો કલરવ’.બીજા ચાર બાળવાર્તા સંગ્રહ આવી રહ્યા છે॰સહિયારા કાવ્યસંગ્રહ [1]’સ્વને શોધું શબ્દમાં [2] આઝાદ કલમ. [3] ગુ.સા.અકાદમી કાવ્યસત્ર અંક પ્રકાશિત થઈ ચૂકેલ છે.
>ગુજરાત સાહિત્ય અકાદમી કાવ્યસત્ર-1 અને નેશનલ બૂક ફેર 2016ના મુશયારમાં કાવ્યપઠન તથા એ ઉપરાંત અનેકવાર મુશાયરામાં ભાગ લઈ પુરસ્કૃત થયેલ છુ..
>વિવિધ શાળામાં વિધ્યાર્થીઓ ને શિક્ષણ , કેળવણી , સાહિત્ય તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો નું આયોજન કરી વક્તવ્ય અને ઈતર પ્રવૃતિ કરી જ્ઞાન સાથે ગમ્મત આપી ઉત્તમ કાર્યવાહી કરે છે .જેમાં: કાવ્યપઠન , વાર્તાપઠન, લેખન ,વકૃત્વ સ્પર્ધા ,ક્વિઝ ,એકપાત્રીય અભિનય,નાટક ,ગરબા.....વેશભૂષા નો સમાવેશ થાય છે. *****પારૂલ બારોટ........
1- ગઝલ.
બુંદના પાલવને પકડી લાવજે તું જળભરી
રાતના ઝાકળ ને વળગી લાવજે તું જળ ભરી.
ઝાંઝવાનાં જળ મને મુંઝવી રહ્યા આખો ઘડી,
કોઈ ભીના રણને જકડી લાવજે તું જળ ભરી.
આ ધરાના સ્તન હવે સુકાઈ ગ્યા છે રામજી,
દૂધ લીલેરા હા, ધરબી લાવજે તું જળ ભરી.
એક લીલા પાનમાં છે કેટલા સૂરજ ઢલ્યા!
મૂળ એના જાય ખખડી લાવજે તું જળ ભરી.
મેઘનો મલ્હાર ગાવો છે જરા અઘરો અહીં,
રાગ કેદારામાં પલળી લાવજે તું જળ ભરી.
જળ નથી જીવન નથી એ વાતને તું જાણતો,
જીવ માટે જા તુ વરસી લાવજે તું જળ ભરી...
પારૂલ બારોટ .
2 - ગઝલ
ચૂંટી લઉ છું બારીમાંથી તડકો મીઠો.
ભીંતો વચ્ચે શોધું છું હું પડઘો મીઠો.
શૈશવને જ્યાં યાદ કરું તો જીવન મ્હેંકે,
મા બોલે તો લાગે પ્યારો છણકો મીઠો.
રમતોમાં રાજા થઈ ફરતાં ગલીએ ગલીએ,
અંચ્યા કરતાં મિત્રો દેતાં ઠપકો મીઠો.
લાગણીઓને વાચા ફૂટી જાતી કાયમ,
અડકો દડકો હાથ વચાળે ભળતો મીઠો.
પાદર, ઉંબર, મોભ,, ભીંતોને તોરણ જોઈ,
ભીતર કળીને બ્હાર નીકળતો ફણગો મીઠો.
ભૂલી બેઠાં ગામ, ગીરહને સીમ, સીમાડાં,
ખેતરનાં શેઢાંનો પેલો ટહુકો મીઠો.
ભાંગી નાખ્યાં ગામ બધાં મોઘા મુલકનાં,
ઊંડે ઊંડે રહરહ રુવે સણકો મીઠો.... પારૂલ બારોટ.
3-ગઝલ.
આંખનું ભીનું જગત બસ એક ખૂણે વલવલી શોષાય ત્યાં તો એક સમણું ઝળહળે
ને કદી પથ્થરની છાતી લાગણીથી પીગળી હરખાય ત્યાં તો એક સમણું ઝળહળે
એકબીજા ના હ્રદયના તાર જોડી હરખથી બસ મન સુધી પહોંચી ગયા તો ઠીક છે
મન વળી ત્યાં ઓગળી ને પ્રેમથી હા તન સુધી પોંખાય ત્યાં તો એક સમણું ઝળહળે
દીકરીની પાલખી શણગારી મે ને આ હ્રદયની સૌ ગલીઓ સાવ સૂની થઈ ગઈ,
જ્યાં વળી પગફેરાની મીઠી રસમને માણી મન મહેકાય ત્યાં તો એક સમણું ઝળહળે
મા મને મૂકીને જ્યારે સરગમાં સીધાઈ ત્યારે બહુ રડીતી વેદનાના સડ ગણી
પણ, ઉઝરડાથી ભરેલા મન ઉપર કો પ્રીતડી છલકાય ત્યાં તો એક સમણું ઝળહળે
સાવ સૂકા આ તળાવોમાં બધી શેવાળ રમતી કૈક રમતો ચરણની ચોપાટમાં
ત્યાં જ ટહુકાનું નગરઘેઘુર થઈ ને આભથી ડોકાય ત્યાં તો એક સમણું ઝળહળે
પારુલ બારોટ
4- એક ગઝલ
આવ્યા પછીથી એમ કંઈ છટકી શકો નહિ.
મારું હ્રદય છે સ્હેજ પણ બટકી શકો નહિ.
જીરવી શકો ના તાપ તો દાઝી જશો જરૂર,
લંબાવી દીધો હાથ તો અટકી શકો નહી.
પડકાર તે ઝીલ્યો હવે તો સાચવી ય લે,
છે ઝાંઝવાના જળ તમે અડકી શકો નહિ.
મંઝિલ મળી જો રાખમાં તો આગ ઉઠશે,
કપરી સફર હાથે ધરી પટકી શકો .
વરસાદ થઈ ઝીલાઈ ગ્યા નજરોની બારીએ,
ખૂણે ઊભા રહી કદી થડકી શકો નહિ.
પારુલ બારોટ.
5 - એક ગઝલ
સમયને રોકવાની વાત મે મોસમને કીધી'તી.
ઈશારો નોધવાની વાત મે મોસમને કીધી'તી.
હકીકતમાં પગેરું શોધવું પડશે આ અવઢવનું,
નજાકત ઓઢવાની વાત મે મોસમને કીધી'તી.
સમંદર સાત છે તો સાત પાતાળો હશે શાયદ,
જડોને શોધવાની વાત મે મોસમને કીધી'તી.
પસીનો આભને આવી ગયો, આ વાત જાણીને,
ધરાને છોડવાની વાત મે મોસમને કીધી'તી.
લીલા વૃક્ષોની આંખો સ્હેજ ત્રાંસી થઈ ગઈ જુઓ,
હવાને ફોડવાની વાત મે મોસમને કીધી'તી.
પારુલ બારોટ.
6-ગઝલ
એની નજીક જો જાઉ તો ફફડી જવાય છે
એ હાથ ઝાલે મારો ત્યાં પીગળી જવાય છે.
આંખોની નગરીમાં અમે ભટક્યાં ઘણાં દિવસ
શ્વાસોના પૂરને માપતાં સળગી જવાય છે.
જૂના સ્મરણ તાજા કરી ઘોલ્યા કરું અમલ
એ પી ગયાં પછી તો બસ લથડી જવાય છે.
ઉઠે કસક ભીતરથી તો શું થાશે એ કહો?
મુંજારો બ્હાર લાવતાં અટકી જવાય છે.
ઝીલ્લે ઈલાહી કહી અને બોલાવતી કદી
પેગંબરીના તોરમાં છલકી જવાય છે. ...
પારુલ બારોટ.
7-ગઝલ
અમારી 'હા' હશે તો આવવાનું ફાવશે તમને?
ભીનો કાગળ છે હોડી બાંધવાનું ફાવશે તમને?
અમે ધરબી દીધી છે જાત આખી આગની સામે,
હિમાલય જોતરીને ઠારવાનું ફાવશે તમને?
કદી ગુણ્યાં, કદી ભાગ્યા, કદી તો બાદબાકી થઈ,
હવે સરવાળા સાથે આંક વાનું ફાવશે તમને?
તમારી રાહમાં ને રાહમાં ઊભા કિનારા પર,
ભીતરથી ખળભળીને તારવાનું ફાવશે તમને?
જવા દે બસ નહીં બેસી શકે મારી અડોઅડ તું,
ઉઠીને ચાલવાનું, દોડવાનું ફાવશે તમને? ?
પારુલ બારોટ
8– ગઝલ.
ઉખડતાં પોપડાં જોઈ દિવાલો ચીસ પાડે છે.
જુઓ ત્યાં તરફડે કોઇ દિવાલો ચીસ પાડે છે.
કરે છે એ વિતેલા કૈક સ્મરણોની ફરિયાદો,
એ ટૂંપો ખાય છે રોઈ દિવાલો ચીસ પાડે છે.
હવે સાથે મળી રહેતાં નથી કોઈ ભાઈ ભાડુંઓ
ને રોતી જાય છે ફોઈદિવાલો ચીસ પાડે છે.
પિતાની એક બૂમે સાબદું થઈ જાતું ઘર આખું,
એ સમજણ કેમ તે ખોઈ?દિવાલો ચીસ પાડે છે.
તૂટેલા કૈક સગપણ સાંધતી મૂંગા રહી મોઢે,
એ માની આંખડી લોઈ દિવાલો ચીસ પાડે છે.
હુંફાળી લાગણીના તારથી બંધાઈ રહેતાંતા,
અમે એ વારતા ખોઈદિવાલો ચીસ પાડે છે.
પારુલ બારોટ..
9-ગઝલ
નથી હોકો નથી છીંકણી જૂનું ઘર યાદ આવે છે.
નથી ફરતી હવે કીટલી જૂનું ઘર યાદ આવે છે.
ઊભા રહી એક પગ પર મે બધા ખાનામાં મૂકીતી,
લીસીને ગોળ જે ઠીકરી જૂનું ઘર યાદ આવે છે.
નથી લીંપણ નથી એ ઓકળીમાં છાપ હાથોની,
બધી યાદો છે ગઈ વીસરી જૂનું ઘર યાદ આવે છે.
એ ચૂલાને ભૂંગળની દોસતીથી આખું ઘર મહેંકે,
મળી ભેગા પીધી ખીચડી જૂનું ઘર યાદ આવે છે.
એ માનો સાડલો જૂનો ચંદરવા ચાર પડતાતાં,
જેને સંભાળે છે દીકરી જૂનું ઘર યાદ આવે છે.
હતાં નળિયાના નેવામાં સંબંધોના મીઠા ઝાકળ,
બધી એ લાગણી નીતરી જૂનું ઘર યાદ આવે છે.
હતી મૂંછોની મર્યાદા ઝીણી ઝાંઝરની રણઝણમાં,
ચૂંભે એ આજ સોસરવી જૂનું ઘર યાદ આવે છે.
નતી ઘડિયાળની ટકટક નતી મોબાઇલની રણઝણ,
સમયની કાંચળી ઊતરી જૂનું ઘર યાદ આવે છે. ..
પારુલ બારોટ
10-ગઝલ.
દૂર જે દેખાય મૃગજળ પાસ આવી જાય છે.
એમ તરસ્યા ને સૂકુ રણ રાસ આવી જાય છે.
જોતરી નાખ્યા જીવનના સાત પગલાં સામટા,
એક પગલું જ્યાં ચૂકુ કંકાસ આવી જાય છે.
હું ભીતર અજવાસને ઝંખી રહી છું રાત દિ'
મૌનના ખોળે સરી આભાસ આવી જાય છે.
રાતનો દિવો કહે; 'ખખડાવ ના તું બારણું'.
સાંકળો શરમાય જ્યાં અજવાસ આવી જાય છે.
લાગણીના ખેતરોમાં પ્રેમ મબલખ ફાલતો,
વેદના રુપે વળી કો' ઘાસ આવી જાય છે.
ક્યાંક ડાબે હાથ મૂકાઈ ગયું છે ટાંકણું,
જાત કંડારી પછી હળવાશ આવી જાય છે.
પારૂલ બારોટ.