Nagar - 15 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 15

Featured Books
Categories
Share

નગર - 15

નગર-૧૫

( આગળના પ્રકરણનું અનુસંધાનઃ- ટાઉનહોલમાં ધોળે દિવસે ઇશાનને એક ભયાનક અનુભવ થાય છે. હજુ તે એ આઘાતમાંથી બહાર આવે, એ પહેલા બીજુ એક આશ્વર્ય તેની નજરો સમક્ષ આવીને ઉભુ રહે છે. અચાનક આંચલ ત્યાં આવી પહોંચે છે. તેને જોઇને ઇશાન ધબકારો ચુકી જાય છે. હવે આગળ વાંચો.....)

યુવતીએ તેના ચહેરા ઉપર પથરાયેલા રેશમી વાળને નાજુક આંગળીઓ વડે કાન પાછળ ધકેલ્યા એ સાથેજ ઇશાન સ્તબ્ધ બની ગયો. “આંચલ” તેના મોંમાંથી અનાયાસે શબ્દો સર્યા. થોડી ક્ષણો પહેલા તેને એક ભયાનક અનુભવ થયો હતો. તે એ આઘાતમાંથી બહાર નીકળે એ પહેલા બીજુ આશ્વર્ય આંચલના રૂપમાં તેની સામે આવીને ઉભુ હતું. શું કરવું, કેવું રીએકશન આપવું, એ તરત તેને સમજાયું નહી. તે ત્યાંજ સ્થિર ઉભો રહી ગયો અને અપલક નજરે આંચલને જોઇ રહયો.

આંચલે નીચે ઉતરી કારનો દરવાજો લોક કર્યો. તે તેનાં રેડીયો સ્ટેશનેથી આવતી હતી. તે સીધી ઘરે જવા માંગતી હતી પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલ્યો હતો અને કોમ્યુનીટી હોલ તરફ કાર વાળી હતી. કારમાંથી નીચે ઉતર્યા બાદ અચાનક તેણે અનુભવ્યુ કે કોઇક છે, જે સતત તેને નિરખી રહયું છે. તેની પીઠ પાછળ કોઇ વ્યક્તિ ઉભી હતી જે કદાચ તેને જોઇ રહી હતી. સ્ત્રીઓમાં આ સેન્સ ગજબની હોય છે. આંચલે તેની ગરદન ઘુમાવી પાછળ જોયું....! વેલ ડ્રેસ્ડ એક યુવક તેનાથી વીસેક કદમ દુર...ડ્રાઇ-વેની બાજુનાં પરીસરમાં ઉભો હતો અને એ યુવક અપલક દ્રષ્ટિએ તેને જ તાકી રહયો હતો. આંચલને પહેલા તો એ નજરોથી અકળામણ થઇ આવી અને પછી એ અકળામણ ગુસ્સામાં તબદીલ થઇ. “કોઇ આટલું નફ્ફટ કેવી રીતે હોઇ શકે......!!” તેનાં મનમાં વિચાર ઉદ્દભવ્યો અને એ યુવકને બે શબ્દો સંભળાવવાનાં ઉદ્દેશથી તે પાછળ ફરી તેની તરફ આગળ વધી. તે યુવક હજુ પણ સ્થિર નજરે તેને તાકી રહયો હતો.

“ હું આર યુ....? એન્ડ વોટ આર યુ ડુંઇગ હિયર....?” એ યુવકની એકદમ નજીક પહોંચતાં આંચલ તાડૂકી. આંચલના ગુસ્સાથી ઇશાન સહેજ પણ વિચલિત ન થયો. હાં....તેના ચહેરા ઉપર મૃદુ હાસ્ય જરૂર છવાયું. આંચલે એક નજરમાં એ યુવકને આવરી લીધો. અને......સૌથી પહેલા તેનાં હોઠ પહોળા થયાં, આંખોમાં વિસ્મય ઉભર્યુ, હ્રદયની ધડકનોમાં ધડબડાટી વ્યાપી અને ક્ષણભર પહેલાનો ગુસ્સો આનંદના અતીરેકમાં પલટાયો. “ઇશાન....”આંચલ એકાએક બોલી ઉઠી. “ ઓહ.....ઇશાન. તું છે....!! ઓહ....મતલબ, તું કયારે આવ્યો.....?” તેને સાચેજ વિશ્વાસ થતો નહોતો કે ઇશાન તેની નજરો સમક્ષ ઉભો છે. તેના દિલમાં ઇશાનને આમ અચાનક અહી જોઇને એક અનેરું સંવેદન ઉઠયું હતુ. તેની આંખો, તેનો ચહેરો, તેનો ખુબસુરત દેહ એકાએક ખીલી ઉઠયો. ઇશાને તેને ભારે સરપ્રાઇઝ આપ્યું હતું. “ માય ગોડ ઇશાન.....હું હમણા મરી ગઇ હોત....!!” તે બોલી. બોલી અને દોડી....ધસમસતી આવીને તે ઇશાનને વળગી પડી. ઇશાનની મજબુત કસાયેલી છાતી ઉપર તેણે માથુ ઢાળ્યું. તેના જીગરમાં એક અનન્ય આનંદની હેલી ઉઠી. ઇશાને છાંટેલા બોડી-સ્પ્રેની સુંગધથી તે તરબતર થઇ. ન સમજાય, શબ્દોમાં વર્ણવી ન શકાય એવી એક લાગણીએ તેને ઘેરી લીધી. હસવું, રડવું, કે આનંદ વ્યક્ત કરવો.....એ તે સમજી શકતી નહોતી. રેગીસ્તાનમાં ભટકતા મુસાફરને અચાનક મીઠા પાણીની વીરડી મળી જાય એવીજ તેની હાલત થઇ હતી.

ઇશાને પોતાનાં બંને હાથ આંચલની કમરે વિંટાળ્યાં. આંચલ તેનાં કરતાં નીચી હતી. તેનું માથું ઇશાનની દાઢીને અડકતું હતું. તેણે આજે સવારે જ વાળને શેમ્પુ કર્યા હતાં. ઇશાનનાં નાકમાં એ શેમ્પુની સુગંધ રેળાઇ. આંચલનાં વાળ એકદમ સુંવાળા હતાં, લીસ્સા, ચમકદાર અને સિલ્કી....! ઇશાને તેનાં માથા ઉપર પોતાની દાઢી ટેકવી અને પોતાના હાથની ભીંસ વધારી. તે બંનેના શરીરમાં એક ઉષ્માનો સંચાર થયો. ક્ષણો એ જ સ્થિતીમાં વહેતી ગઇ. સમય જાણે ત્યાંજ થંભી ગયો. અત્યારે તે બંને એક સંક્રમણ અવસ્થામાંથી પસાર થઇ રહયા હતાં. તેમાં અચાનક થયેલા આ મિલને તેમના હ્રદય ઉપર અદ્દભૂત શાંતીનો લેપ લીંપયો હતો....! બે માંથી એકપણને છૂટા પડવાની ઇચ્છા થતી નહોતી. બપોરનો તડકો હજુપણ હુંફાળો લાગતો હતો. ઝાડનાં પાંદડાઓમાંથી ચળાઇને આવતો કુમળો તડકો તેમનાં શરીર ઉપર ચાંદરડારૂપે પથરાતો હતો. વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓનો મધુર કલબલાટ તેમના કાને અફળાઇ રહયો હતો. થોડે દુર બંધાતાં મંડપમાં કામ કરતા કારીગરોની ઠકા-ઠકીનો અવાજ વાતાવરણમાં ભળતો હતો. ઇશાન હજુ સુધી ખામોશ રહયો હતો. એકપણ શબ્દ તે બોલ્યો નહોતો. તેને એવી જરૂર જણાતી નહોતી. ઘણી વખત મૌન રહીને પણ વ્યક્તિ ઘણુંબધુ કહી દેતી હોય છે. ઇશાન અને આંચલ ખામોશ બનીને એકબીજાની ધડકનો સાંભળી રહયા હતા. સમય એક લયમાં વહયે વહેતો રહયો.

આખરે ઇશાને આંચલને અળગી કહી. આંચલે પહેરેલા લોંગ સ્કર્ટ-ટોપમાં તે સુંદર લાગતી હતી.

“ હવે આમ ટગર-ટગર જોયાં જ કરવું છે કે કંઇક બોલીશ....? સૌથી પહેલા તો એ કહે કે તું આવ્યો કયારે....?” આંચલે પુછયું. ઇશાન અહીથી ગયો એ પછી ભાગ્યે જ તેની અને ઇશાન વચ્ચે કયારેક ફોન ઉપર વાત-ચીત થઇ હતી. ઇશાન પાંચ વર્ષ પહેલા “વિભૂતીનગર” છોડીને ઓસ્ટ્રલીયા અભ્યાસ માટે જતો રહયો હતો. એ સમયે તેઓ બંને એક-બીજા પ્રત્યે આકર્ષાયા હતા અને એ આકર્ષણ ગહેરા પ્રણયમાં પરીવર્તીત થાય એ પહેલા ઇશાન ઓસ્ટ્રેલીયા જતો રહયો હતો. તેમછતાં આંચલના હ્રદયમાંથી ઇશાન કયારેય વિસરાયો નહોતો. ઇશાનને અત્યારે આમ અચાનક તેની સામે આવીને ઉભેલો જોઇ ઘડીભર માટે તે પોતાનો સંયમ ખોઇ બેઠી હતી.

“ ગઇકાલે આવ્યો....!!” ઇશાને ટૂંકો જવાબ આપ્યો. “ તું કેમ છે....?”

“ જોઇ લે.....તારી સામે જ તો ઉભી છું.....”

“પહેલા કરતાં વધુ સુંદર અને સમજદાર લાગે છે.....” ઇશાને કહયું.

“ અને તું વધુ મેચ્યોર બન્યો છે.....!!”

“ હંમ્મ્મ્....” ઇશાને હું-કાર ભણ્યો. તે અપલક દ્રષ્ટીથી આંચલને જોઇ રહયો. અઢાર-ઓગણીસ વર્ષની ઉંમરે તે આંચલ તરફ ખેંચાયો હતો. એ તેની જુવાનીની શરૂઆતના દિવસો હતા. એ ઉંમરે કોઇક વિજાતિય પાત્ર તરફ આકર્ષણ પેદા થવું સ્વાભાવિક હતું. ઇશાનને પણ થયું હતું... ત્યારની ચુલબુલી, નટખટ આંચલ હજુ અત્યારે પણ એવીજ લાગતી હતી. હાં....તેનું શરીર થોડુ ભરાયું હતું. તેના શરીરનાં અંગો થોડા વધુ પ્રુષ્ઠ થયા હતાં. એક માસુમ કળીએ સંપૂર્ણ ખીલેલા ફુલ બનવા તરફ ગતી કરી હતી. સામા પક્ષે આંચલ પણ ઇશાનને નીરખી રહી. પાંચ વર્ષ પહેલા તે ઇશાનનાં પ્રેમમાં પડી હતી. ઇશાન ત્યારે પણ આટલોજ હેન્ડસમ હતો. એ ઉંમરે તેના મનમાં ગજબના વંટોળો ઉઠતાં હતા. વિજાતીય પાત્રને જોવાની, પામવાની એક ખેવના ઉદ્દભવી હતી જેના કારણે તે તેનાં બાળપણનાં દોસ્ત ઇશાન તરફ ખેંચાઇ હતી. ઇશાન પરત્વે એક આકર્ષણ જનમ્યું હતું જેને તે પ્રેમ સમજવા લાગી હતી. તેણે ઇશાનની આંખોમાં પણ એવો જ ભાવ જોયો હતો જેવો ભાવ તેનાં દિલમાં ઉઠતો હતો. તે બંનેએ ઘણો સારો સમય સાથે વિતાવ્યો...પરંતુ તેઓ એકબીજાને “પ્રેમ” કરે છે એવો એકરાર આપસમાં કયારેય કરી શકયા નહોતાં. પછી તો ઇશાન ઓસ્ટ્રેલીયા ચાલ્યો ગયો એટલે એ વાતનું પૂર્ણવિરામ ત્યાંજ આવી ગયું હતું.

પરંતુ આજે આટલા લાંબા સમયગાળા બાદ ઇશાનને જોતાં આંચલનું દિલ ધડકવા લાગ્યું હતું. તેને તેનાં જુના દિવસો યાદ આવ્યા. તે કદાચ હજુપણ હ્રદયનાં કોઇક ખૂણેથી ઇશાનને ચાહતી હતી. એ ચાહત, કે જેનો ઇઝહાર તે કયારેય કરી શકી નહોતી.

“ બીપ...બીપ...બીપ....” અચાનક ઇશાનનો મોબાઇલ રણકયો. મોબાઇલના રીંગટોને તે બંનેને વાસ્તવિકતામાં લાવી દીધા.

“ ઉપ્સ....ફોને બચાવી લીધા....” આંચલ બોલી ઉઠી. તે ઇશાનમય બનતી જતી હતી. જો થોડીવાર આમજ તેણે ઇશાનની આંખોમાં ઝાંક્યે રાખ્યું હોત તો જરૂર તે તેને “કિસ” કરી બેઠી હોત. પરંતુ અચાનક વાગેલી રીંગે તેને સજાગ કરી દીધી હતી.

“ હલ્લો...” ઇશાને ફોન ઉઠાવ્યો. “કોણ...?”

“ હાં ફઇ.....બોલો....!!” ફોનના સામા છેડે તેના નિર્મળા ફઇ હતાં

“ કોઇ આવ્યું છે....? મહેમાન....! મારા માટે....! ઇશાને ફોનમાં આશ્વર્ય ઠાલવ્યું. “ કોણ છે....? તમે એનું નામ તો પુછો જરા....” તે અટકયો. “ અચ્છા, નામ કહેવાની ના પાડે છે....! ઓ.કે....ચાલો હું હમણા પહોંચું....!” ઇશાને ફોન મુકયો.

“ કમાલ છે....” તે બબડયો.

“ કોણ હતું....?” આંચલે પુછયું.

“ અરે જોને....આ નિર્મળા ફઇ. મને પુછતું ઘરે કોઇ આવ્યું છે. ફઇ તેનું નામ સરનામું જાણવાના બદલે મને ધમકાવે કે તું જલ્દી ઘરે આવી જા. આ તો કોઇ વાત થઇ....! અને હજુ તો હું અહી આવ્યો જ છું તેમાં મને ઓળખવાવાળુ મહેમાન વળી કોણ ટપકી પડયું...?”

“ અચ્છા....તો તું હવે જઇશ.....?” આંચલે આછો શ્વાસ છોડતાં પુછયું. તે ઇશાન સાથે સમય ગાળવા માંગતી હતી. ઘણી વાતો ઇશાનને કહેવી હતી, સાંભળવી હતી.

“ નહી જાઉં તો નિર્મળા ફઇ પાછો ફોન કરશે. હવે આ ઉંમરે તેમને પરેશાન કરવા ઠીક નથી. અને જોઉં તો ખરો કે અહીં કોણ મને મળવા આવ્યું છે....?

“ ઓ.કે....ધેન ગો..!” આંચલે ફરી નિશ્વાસ નાંખ્યો. “ હમણા તો તું રોકાવાનો છે ને...?”

“ હાં....એક કામ કરીએ...! આપણે સાંજે મળીએ.”

“ કયાં મળીશું....?”

“ બીચ પર...અથવા તો અહી બીજી કોઇ સારી જગ્યા હોય તો ત્યાં....!!”

“ હાં છે ને....ગામનાં મોલમાં હમણાંજ એક રેસ્ટોરન્ટ ખુલ્યું છે. ત્યાં સાંજે ડીનર માટે મળીએ....?” આંચલે પુછયું

“ શ્યોર....તારો નંબર આપ...” ઇશાને આંચલનો સેલ નંબર લીધો અને પોતાનો નંબર તેને લખાવ્યો. “બાય” કહીને તે પોતાની કારમાં ગઠવાયો અને કારને તપસ્વી મેન્શન ભણી હંકારી. આંચલ તેને જતાં જોઇ રહી. “ઘણો બદલાઇ ગયો છે...” તે બોલી ઉઠી....અને પછી તે કોમ્યુનીટી હોલ તરફ આગળ વધી. અહીં તેને ખાસ કંઇ કામ નહોતું. તે બસ, એમ જ અહીં આવી ચડી હતી. ઇશાનની મુલાકાતે તેને અજીબ કશ્મકશમાં મુકી દીધી હતી. તેનો મુડ અચાનક “ઓફ” થઇ ગયો હતો. ચાલતાં-ચાલતાં જ તે અટકી અને ફરી પાછી પાર્કિંગ પ્લોટમાં તેની કાર પાસે આવી. કારમાં ગોઠવાઇને તેણે કારને પોતાના રેડીયો સ્ટેશન તરફ ભગાવી. એવું તેણે કેમ કર્યુ એ તો તે ખુદ પણ સમજી શકી નહોતી. અચાનક તેને રેડીયો સ્ટેશને જઇને બેસવાનું મન થયું હતું.

*********************************

ઇશાનના મનમાં દુવિધાઓ ઉઠતી હતી. તે ઓસ્ટ્રેલીયાથી અહીં પોતાના મનને શાંત કરવા આવ્યો હતો. તેણે વિચાર્યું હતું કે થોડો સમય વિભૂતીનગરમાં પોતાના ઘરે, દાદા સાથે ગાળશે તો તે એલીઝાબેથની યાદોથી છુટી શકશે...! પરંતુ અહીં પહોંચ્યા બાદ તેની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી હતી. હમણાંજ એક ભયાનક અનુભવ તેને થયો હતો. કયારેય વિચાર્યું પણ ન હોય એટલું ભયાવહ દ્રશ્ય તેની આંખોએ જોયું હતું. ધોળે-દિવસે, ભર-બપોરે માણસોની ચહલ-પહલ વચ્ચે તેણે એક પ્રેતાત્માને ખુલ્લી આંખોએ નિહાળ્યો હતો. પહેલા તો તેને ભ્રમ થયો હશે એવું તેણે વિચાર્યું પણ તે સારી રીતે સમજતો હતો કે એ ભ્રમ નહોતો.....હકીકત હતી. એક એવી હકીકત, કે જે તે કોઇને કહે તો પણ લોકો માને નહી....અને, હજુ તે એ પ્રેતાત્માનાં આઘાતમાંથી બહાર નીકળે એ પહેલાં અચાનક આંચલ આવીને તેની સામે ખડી થઇ ગઇ હતી. તે જાણતો હતો કે વિભૂતીનગરમાં કયારેક તો આંચલની મુલાકાત થશેજ....પરંતુ એ મુલાકાત આમ અચાનક અને આવી પરિસ્થિતીમાં થશે એ કયારેય તેણે કલ્પ્યું નહોતું. અણધારી મુલાકાતનાં કારણે તે તેની સાથે સરખી રીતે વાત પણ કરી શકયો નહોતો. તે થોડો સ્વસ્થ બની હજુ કંઇ કહેવા જાય એ પહેલાં ઘરેથી નિર્મળા ફઇનો ફોન આવ્યો હતો કે કોઇ તેને શોધતું તપસ્વી મેન્શન આવ્યું છે. એક પછી એક ઉપરા-છાપરી ઘટતી ઘટનાઓનાં કારણે જીવનમાં પહેલીવાર તે મુંઝાયો હતો અને આંચલને ત્યાંજ છોડીને તે તપસ્વી મેન્શન જવા નીકળી પડયો હતો.

જો કે એ સમયે ઇશાન નહોતો જાણતો કે એક નવું આશ્વર્ય તપસ્વી મેન્શનમાં તેની રાહ જોઇ રહયું છે.

********************************

ઇશાનની મુલાકાતે આંચલને અંદરથી ખળભળીવી મુકી. ઘરે જવાને બદલે તેણે કારને ફરી પાછી રેડીયો સ્ટેશન તરફ વાળીં. રેડીયો સ્ટેશને પહોંચી સીધી તે પોતાની ઓફિસમાં ઘુસી ગઇ. તેનું માથું ભમતું હતું. હ્રદયમાં અચાનક એક ખાલીપો સર્જાયો હતો. આટલા વર્ષોના સમયગાળા બાદ આજે ઇશાન અચાનક તેની સામે આવીને ઉભો રહી ગયો હતો. આશ્વર્યજનક બાબત તો એ હતી કે ઇશાને એ મુલાકાતનો સહેજપણ ઉમળકો બતાવ્યો નહોતો. સાવ શુષ્ક રીતે તે વરત્યો હતો અને એવીજ શુષ્ક રીતે તે ત્યાંથી ચાલ્યો ગયો હતો....! આવું બધુ વિચારતા તેનું મગજ થાકી ગયુ હતું. તેણે પોતાની ખુરશીમાં રીતસરનું પડતું મુકયું. તેનું રેડીયો સ્ટેશન તે એકલીજ ચલાવતી હતી એટલે અત્યારે તેનાં સીવાય બીજુ કોઇ અહીં હાજર નહોતું.

તેણે કોમ્પ્યુટર ચાલુ કર્યુ. તેના આશ્વર્ય વચ્ચે કોમ્પ્યુટર ચાલુ થયું. તેણે છેલ્લી વખત પેલા અરીસામાં છપાયેલા હોલોગ્રામ વીશે જાણવા ગુગલમાં હોલોગ્રામવાળું પેજ સર્ચ કર્યુ હતું. એ હોલોગ્રામની સંજ્ઞા અલપ-ઝલપ તેને દેખાઇ પણ હતી...અને પછી અચાનક સ્ક્રીનમાં ડિસ્ટરર્બન્સ ઉદ્દભવ્યું હતું અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઇ ગયં હતુ. ત્યારનું તે બંધ જ હતું.....પરંતુ અત્યારે તેણે સ્વીચ પાડી ત્યારે કોમ્પ્યુટર બરાબર રીતે ચાલું થયું હતું. ખુરશીને કોમ્પ્યુટર ટેબલ નજીક સેરવી તે વ્યવસ્થિત બેઠી. સ્ક્રીન શરૂ થતાંજ સ્કીન ઉપર જમણી બાજુએ એક નાનકડા પોપ-અપનું સાઇન ચમકયું. તે વિડીયો-ચેટનું સાઇન હતું. વલસાડ હવામાન ખાતાનાં ચીફ મી.પંચમ દવે તેને વિડિયો-ચેટ માટે આમંત્રણ પાઠવી રહયાં હતા. આંચલના ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉભરી અને તેણે પોપ-અપ બટન ઉપર કર્સર કિલક કર્યુ. તેની સ્ક્રિન ઉપર મી.પંચમ દવેનો ચહેરો ઉભર્યો.

“ હલ્લો દવે....શું ખબર છે...?” આંચલનો મુડ એકદમ તબદીલ થયો હતો અને તેનાં અવાજમાં અણગમાયુક્ત મીઠાશ ભળી હતી. “ શું કહે છે આજનું તમારું હવામાન....?” તેણે પુછયું. વલસાડનાં હવામાન ડિવિઝન અને તેનાં રેડીયો સ્ટેશન વચ્ચે ગજબનું ટયૂનીંગ ચાલતું હતું. હવામાન ખાતાનો ચીફ પંચમ દવે આંચલની ખૂબસુરતી ઉપર ફીદા હતો. આંચલે જ્યારે રેડીયો પ્રસારણ શરૂ કર્યુ ત્યારે લોકલ હવામાનનાં સમાચાર પોતાના સ્ટેશન ઉપરથી પ્રસારીત થાય એ માટે સામેથી તેણે મી.પંચમ દવેનો સંપ્રક સાધ્યો હતો. બસ, તે દિવસથી પંચમ દવે આંચલનો દીવાનો બની ગયો હતો. તેણે આંચલનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો હતો અને દરરોજનાં હવામાનનો વર્તારો તે ખુદ, જાતે આંચલને ફોન કરીને જણાવતો. એ બહાને તે આંચલની નજદીક આવવાનો પ્રયત્ન કરતો રહેતો. આજે એ ઇરાદે જ તેણે વિડીયો ચેટ શરૂ કર્યુ હતું.

“ હવામાન એકદમ સાફ છે ડીયર....દુર-દુર સુધી વાદળોનું નામો-નિશાન નથી. હવાની ગતી મંદ રહેશે અને સાંજ થતા સુધીમાં વાતાવરણમાં ગરમી વર્તાશે....” દવેએ આંખ મિચકારીને લંબાણપૂર્વક જણાવ્યું. આંચલે એ જોઇ મોંઢુ મચકોડયું.

“ તમે ફલર્ટ કરવાની એકપણ તક ચુકતાં નથી મી. દવે....!” આંચલ બોલી ઉઠી. મી.દવે તેનાંથી કદાચ આઠેક વર્ષ મોટા હતાં.

“ શું કરુ ડાર્લિંગ....! ભગવાને તબિયત જ એવી આપી છે...અને ઉપરથી તારા જેવી ખૂબસુરત યુવતી મને મળી ગઇ એટલે મારુ ફ્લર્ટીંગ આપોઆપ બહાર નીકળી જાય છે...” દવેએ નાક ઉપર સરકી આવતા તેના છશ્માને ફરી આંખો ઉપર ધકેલતા કહયું. “ એની વે....તું આજે સાંજે શું કરે છે ડિયર....?”

“ આ એકદમ ચીપ ડાયલોગ છે મી.દવે....!”

“ સૌથી પહેલા તો તું મને મી.દવે કહેવાનું બંધ કર. મારુ નામ પંચમ છે....અને એ તું સારી રીતે જાણે છે. ”

“ સોરી મી.પંચમ દવે....ઓહ, પંચમ....! ” આંચલે દવેને ચીઢવતાં કહયું.

“ તે મારા સવાલનો જવાબ ન આપ્યો....!!”

“ મી.પંચમ....આજે રાત્રે હું બહુ બીઝી છું. એ તમારી જાણ ખાતર.”

“ ઓહ....” પંચમ દવેએ નિઃસાસો નાંખ્યો. “ અરે....! એક મીનીટ...! આ શું છે....? ” અચાનક તેનાં ચહેરાના હાવ-ભાવ બદલાયા હતા. તે તેની બાજુનાં ટેબલ ઉપર મુકાયેલા મોનિટર ઉપર જોઇ રહયો હતો. સહસા તે ચોંકી ગયો.

“ શું છે મી.દવે....?” આંચલે સ્ક્રિન ઉપર જોઇને પુછયું.

“ આ વાદળો....હમણા તો નહોતાં. અચાનક કયાંથી ઉમટી પડયાં. ”

“ કયા વાદળો દવે....? ” આંચલને કંઇ સમજાયું નહી કે દવે શું બોલી રહયો છે.

( ક્રમશઃ-)

જોઇન મી ઓન ફેસબુકઃ- Praveen Pithadiya સર્ચ કરજો.