વિચાર : અનંત કે અમાપ..
કેટલીક વખત કોઈ વસ્તુ મળતી ના હોય ત્યારે ઘર, ઓફીસ, અરે અનેક સ્થળે ફેંદી નાંખ્યા છતાં ન મળે અને પ્રયત્ન મૂકી દઈએ ત્યારે અચાનક આંખ સામે આવી મળે... આવું દરેક સાથે હમેંશા બનતું હોય છે. આપણને થાય કે હજુ તો હમણાં જ અહીં શોધ્યું હતું ત્યારે ન મળ્યું અને આમ અચાનક જ્યાં કલ્પના પણ ન કરી હોય અથવા એ જગ્યાએ અનેકવાર નજર ફેરવી લીધી ત્યારે એ ન મળ્યું અને હવે આમ અચાનક એ જ જગ્યાએથી કેવી રીતે મળ્યું.. ? આવું કેમ બને ? પણ આવું બનતું હોય છે. તેની પાછળનું કારણ એ છે કે આપણું અજ્ઞાત મન વારંવાર એવું વિચાર્યા કરે છે કે અહીં આ વસ્તુ હોવી જ જોઈતી હતી... છતાં કેમ નથી ? આવા વારંવારના વિચારો એ વસ્તુ ત્યાં હોવાની બાબતને આકર્ષે છે, અને એ આંખની સામે જ મળી જાય છે. હકીકતમાં એ આપણા વિચારોની શક્તિનું પરિણામ હોય છે. આપણા વિચારોને કઈ રીતે મુલવી શકાય ? વિચારો અનંત છે કે અમાપ ?
કેટલીક વખત અનાયાસે અને વિવિધ માધ્યમો દ્વારા વિચારોને મૂલવવાનો અવકાશ મળી રહે છે. જો કે આપણે તે તરફ બેધ્યાન રહીએ છીએ એ પણ હકીકત છે. ૨૦૦૬માં રોન્ડા બર્ન દ્વારા નિર્મિત એક ફિલ્મ આવી હતી.. 'ધ સિક્રેટ'. આ ફિલ્મમાં અભિનેત્રી લીસા નિકોલ દ્વારા એવું કહેવાય છે કે, તમારા વિચારો નો પ્રવાહ જેમ વહેતો રહે છે તેમ આકર્ષણનો નિયમ કામ કરતો રહે છે. તમે જયારે વર્તમાન કે ભવિષ્યનો વિચાર કરતા હો છો ત્યારે પણ આકર્ષણનો નિયમ કામ કરે છે. એ સતત ચાલતી પ્રક્રિયા છે. તમે જયારે તમને જોઈતી વસ્તુ વિષે વિચારો છો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તે ક્ષણે તમે બ્રહ્માંડની ઉચ્ચત્તમ શક્તિને આહવાન આપો છો, અને એ આકર્ષણના નિયમ પ્રમાણે તે તમારી સામે હાજર થઇ જાય છે. વિચારોની શક્તિ કેટલી છે તે તાપની કલ્પના બહાર છે તેથી તે અર્થમાં તે અમાપ છે અને વિચારો જો બ્રહ્માંડ સુધી પહોંચી શકતા હોય તો તે અંનત છે એ પણ માનવું રહ્યું.
વિચારોનું મૂલ્ય આપણા માટે નગણ્ય છે અથવા આપણે સજાગપણે તેને ગણતરી માં લેતા નથી અથવા બીજા શબ્દોમાં આપણા દ્વારા તેને સતત નજરઅંદાજ કરવામાં આવે છે. પણ દરેક વ્યક્તિ દરેક ક્ષણે કોઈ ને કોઈ વિચાર કરતો જ હોય છે. એનો અર્થ એ કે આપણે વિચારોને આવતા રોકી તો શકતા જ નથી. વિચારો આવવા એ સતત પ્રક્રિયા છે. સતત આવતા કે ઉત્પન્ન થતા વિચારો આકર્ષણના નિયમ પ્રમાણે પરિણામ આપે છે. વિચારો અને આકર્ષણ ના નિયમ વછે જે પ્રાકૃતિક સાંઠગાંઠ છે તે આપણે જનતા નથી હોતા ત્યારે વળી આપણે જ આશ્ચર્યમાં ગરકાવ થઇ જઈએ છીએ કે આવું કેમ બને ?
હા, જીવનમાં સકારાત્મક વિચારોનું મૂલ્ય પણ મહત્વનું છે. 'ધ સિક્રેટ' માં કહેવાયું છે તે પ્રમાણે વિચારોની સકારાત્મકતા કે નકારાત્મકતાનું વર્ગીકરણ આકર્ષણના નિયમને બંધનકર્તા નથી. એ તો આપણે જેવું વિચારીએ છીએ તેવું આકર્ષાઈને સામું આવે છે. જો આટલી સમજણ કેળવાય તો એવું તો કહી જ શકાય કે વિચારોની નિરંતરતા આપણા હાથની વાત નથી. તો એ વિચારોમાં નકારાત્મકતાને તો ન જ પ્રવેશવા દઈએ. જેથી આકર્ષણનો નિયમ વિચારોને લાગુ પડે ત્યારે દુઃખી થવું ન પડે. મગજ એક ફળદ્રુપ જમીન છે તેમાં બંને પ્રકારના પાક પુષ્કળ પ્રમાણમાં પાકશે પણ એ વાત તમારા હાથમાં છે તમે હકારાત્મક વિચારોના બીજ વાવો છો કે નકારાત્મક વિચારોના ? સતત સફળતા મેળવવા માટે હકારાત્મક વિચારો સાથે આખું જીવન પસાર કરવું પડે છે. સંવેદનશીલ લોકો મોટાભાગે દુઃખી દેખાય છે, કારણ કે તેમણે નકારાત્મક વિચારો કરવાનું કોઠે પડી ગયું હોય છે. તેથી જ હેરીસ પોલે કહ્યું છે કે વિચારકો માટે દુનિયા સુખાંત છે, જયારે સંવેદનશીલ લોકો માટે દુખાંત છે.
વિચારોની શક્તિ અમાપ છે, અમૂલ્ય છે. હા, વિચારોમાં વિશ્વાસ નથી બેસતો એ આપણી કમનસીબી છે. મહાત્મા ગાંધી કહેતા કે લખેલા કે બોલેલા શબ્દોની શક્તિ કરતાં મને વિચારોની શક્તિમાં વધુ શ્રદ્ધા છે. શુદ્ધ વિચારોથી શુદ્ધ વગે સાચા કાર્યો ઉત્પન્ન થાય છે, સાચા કર્યોથો શુદ્ધ જીવન પ્રાપ્ત થાય છે અને શુદ્ધ જીવનથી બધા પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. આપણે શુદ્ધ જીવન માટેની દોટ તો લગાવી રહ્યા છીએ તો તેના માટે પાયા રૂપી શુદ્ધ વિચારો કેળવવા અનિવાર્ય છે. મહાત્મા ગાંધી તો એમ પણ કહેતા કે વિચાર ગમે તેટલો જાગૃત અને ઉંચો હોય તો પણ જ્યાં સુધી તે કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ કિમત નથી. આપણા વિચારો કાર્યાન્વિત થાય એ પણ એટલું જ જરૂરી છે. તત્વચિંતક નું પણ એક સરસ વાક્ય છે કે તમારા વિચારોની સારી રીતે રક્ષા કરો, કારણ કે તે વિચારો સ્વર્ગમાં પણ સંભળાય છે. સુવીચારોની સૌરભ કડી નષ્ટ થતી નથી. વિચાર સનાતન છે.
'ધ સિક્રેટ' ફિલ્મ પ્રમાણે વિચારોને અનુસરતા રહીએ તો આપોઆપ સઘળા કામો સરળતાથી પાર પડે છે. એટલે કે કોઈપણ વિચાર એ આકર્ષણ ના નિયમોને આધીન જ પરિણામ આપે છે એ સનાતન વાત પ્રત્યે સજાગ રહી વિચારની અમુલ્યતાને પારખી યોગ્ય સમયે યોગ્ય વિચાર કરવાનો આયામ ખુબ જ ઉપયોગી થઇ પડે છે. દા. ત. કામ કરતાં પહેલાં વિચારવું બુદ્ધિમતા છે કામ કરતી વખતે વિચારવું સતર્કતા છે. કામ કરી લીધા પછી વિચારવું મૂર્ખતા છે. તેથી બુદ્ધિમાન બોલતાં પહેલાં વિચારે છે, જયારે મુર્ખ બોલી લીધા પછી વિચારે છે. આપણે કેવા વિચારક થવું છે તે આપણે નક્કી કરવાનું છે. વિચારોની શક્તિ અમાપ છે તેનો અર્થ એ કે આપણે આપણા મગજમાં ચાલતા સતત વિચારોને બંધનમાં રાખવાની કે તેને ચોક્કસ ગતિ કે દિશાના દાયરામાં ગોઠવવાની કોશિશ કરીશું તો પણ એ શક્ય નથી. વિચારનો જન્મ થાય ત્યારથી જ તેને ટૂંકો કે લાંબો કરવાની કે ખંખેરી નાખવાની કોશિશ પણ નાકામ જ રહે છે તેથી વિચારો અનંત છે તેના પુરાવા પણ ક્યાય શોધવા જવા નથી પડતા, એ આપણા માનસિક તરંગો દ્વારા જ નિદર્શિત થાય છે.
આપણી પાસે સહજ રીતે અને સતત, કોઈ પણ પ્રયાસ વિના ઉપલબ્ધ છે તે વિચારોની શક્તિને આપણે ઓળખતા ની. પહેલાં કહ્યું તેમ વિચાર એ નિરંતર પ્રક્રિયા છે તો તેને આપણે કોઈપણ ભોગે ટાળી તો શકવાના નથી. વિચારો ન કરવા તે પણ આપણા હાથમાં નથી. આપણે માત્ર એટલું જ કરી શકીએ છીએ કે વિચારો ને યોગ્ય દિશા આપી અને તેને કેળવવાની કળા હસ્તગત કરી માત્ર ને માત્ર હકારાત્મક વિચારોને જ પ્રવેશ આપીએ. તો શા માટે વિચારોને કેળવવાનો આયામ આજથી જ શરુ ન કરવો ? વિચારો બંધનમુક્ત જરૂર છે પણ નિરંકુશ નથી. તેથી આકર્ષણ નિયમ પ્રમાણે ગમતું કે અણગમતું કશુંક બને એના માટે આપણા વિચારો જવાબદાર છે. તેથી અન્યને દોષ દીધા સિવાય શુદ્ધ વિચારો વાવવાથી શુદ્ધ જીવનના વટવૃક્ષની ઈચ્છા હ[ વ્ફ૫૬[ સેવી છે તેના પર અધિકાર પણ આપણો જ છે...
બ્રહ્માસ્ત્ર : નથી હારમાં ભાગ્યનો દોષ હોતો, રહી હોય છે યત્નમાં કૈંક ખામી...
- અંબાલાલ પટેલ
--------------------