ઝંઝા અને જીવન
(લઘુનવલકથા)
ગણેશ સિન્ધવ
‘બાદલ’
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
ઓગણીસ
રોહન ડૉક્ટર છે. એની સાથે અભ્યાસ કરતી રિયા સાથે એણે લગ્ન કર્યાં છે. રિયા પણ ડૉક્ટર છે. તે બન્ને લૉસએન્જલિસમાં રહે છે. ત્યાંના દવાખાનામાં સેવા આપે છે. રોહન દર શુક્રવારે અનાથાલયનાં બાળકોની સારવાર માટે આવે છે. રિયા દર સોમવારે આવે છે. તે બન્ને પીટર અને મારિયાને મળીને તેમની સંભાળ રાખે છે.
સુનિતા પીટર અને મારિયા સાથે જ રહે છે. હરમાનની ઉંમર થઈ હોવા છતાં એ ખેતી સંભાળે છે. એનો દીકરો જોન એને મદદ કરે છે. દીકરી એમીલીયાના લગ્ન થઈ ગયાં છે. મરિયમની તંદુરસ્તી સારી હોવાથી પીટરના ઘરનું તમામ કામ સંભાળે છે. સુનિતા ખેતીકામનું સુપરવિઝન કરે છે.
અનાથાલયમાં દોઢસો બાળકોની સંખ્યા છે. સ્કૂલમાં પણ એટલી જ સંખ્યા છે. એથી આયાઓ અને શિક્ષકોનો સ્ટાફ વધાર્યો છે. સુનિતાના સહકાર્યકર તરીકે એન્જોલી અને કેરોલીન છે. એ કારણે એના કામનું ભારણ ઘટ્યું છે.
એન્જોલીએ જે યુવક સાથે લગ્ન કર્યા હતા તે યુવક સાદો સીધો હતો. લગ્ન પછીના થોડા જ દિવસોમાં એની નોકરી છૂટી ગઈ. છાપાંની જાહેરાતો જોઈને એ રોજ નોકરી શોધવા જતો હતો. કોઈ જગ્યાએ એ સ્થિર થઈને નોકરી કરતો નહોતો. દારૂ ઢીંચને સાંજે ઘરે આવતો, એન્જોલી દવાખાનામાં નર્સ હતી. એના એકલીના પગારથી ઘર ચલાવવું મુશ્કેલ હતું. પરિણામે પતિપત્ની વચ્ચે ઝઘડા થતાં. એ દરમિયાન એન્જોલિના પેટેથી મેરી નામની બાળકીનો જન્મ થયો. એન્જોલી અને મેરીને છોડીને પેલો યુવક પલાયન થઈ ગયો. ઘણા સમય સુધી એ પાછો આવ્યો જ નહીં. મેરીને સાચવવા માટે એન્જોલીએ ઘરે રહેવું પડતું હતું, તેથી એની નોકરી છૂટી ગઈ. એને જીવવું મુશ્કેલ બન્યું.
એ મેરીને મૂકવા માટે થોમ ચેરિટેબલ ટ્રસ્ટમાં આવી. મેરીનો પ્રવેશ વિધિ પતાવીને એણે મેરીને ઘોડિયાઘરની આયાને સોંપી. મેરી રડતી હતી. એને રડતી મૂકીને એન્જોલી પાછી જઈ શકતી નહોતી. એની આંખોમાંથી આંસુડાં ટપકતાં હતાં. આખરે એણે મેરીને તેડી લીધી. એને લઈને એ ક્યાં જશે, એની એને ખબર નહોતી. મેરીનો પ્રવેશ રદ કરાવવા માટે એ ઑફિસે ગઈ. સુનિતાએ એની કથની જાણી.
એન્જોલી એની પુત્રીને છોડીને પાછી જઈ શકતી નથી. મેરી માટેની મમતા અને વહાલનો છેડો એનાથી છૂટતો નહોતો. એનું વહાલ અને મમત્વ જોઈને સુનિતાએ એન્જોલીને પૂછ્યું,
‘‘તમારે અહીં અમારી સાથે રહીને કામ કરવું છે ?’’
એન્જોલીએ હા કહી. એ દિવસથી એન્જોલી સુનિતાની સહકાર્યકર છે. એ માત્ર મેરીની મા નથી. દોઢસો બાળકોની પણ મા બની ગઈ છે.
કેરોલીનની પણ આગવી કથની છે. એ પોતે ત્રણ વરસની હતી, ત્યારે એના મા-બાપે છૂટાછેડા લઈને એને અનાથાલયમાં મૂકી હતી. એ દસ વરસની થઈ ત્યાં સુધી કોઈવાર એની મા મળવા આવતી. તે પછીથી એની મા આવી જ નહીં. માની શોધ કરવાની તમામ કોશિશ નિષ્ફળ રહી હતી.
કેરોલીન અનાથાલયમાં રહીને ભણતી હતી, એ દરમિયાન એ ડેટિંગની વ્યસની બની. સોળ વરસે એ મા બની. સ્કૂલનો અભ્યાસ છૂટી ગયો. એની બાળકીને મૂકવા માટે એ અહીં આવી હતી. એની બાળકીને છોડીને જવું એના માટે દર્દનાક હતું. એની વિટંબણા સુનિતાએ જાણી. એને આયા તરીકે રાખી લીધી. કેરોલીનની સૂઝ, સમજ અને કાર્યદક્ષતાને કારણે આજે એ સહકાર્યકરની ફરજ નિભાવે છે. એન્જોલી અને કેરોલીનને સુનિતાનું જીવન પ્રેરણારૂપ બન્યું છે. એ કારણે એ બન્ને સેવાનું કામ નિષ્ઠા અને ખંતથી કરે છે. અન્ય કાર્યકર બહેનો થોમ ચેરિટેબલ ટ્રસ્ટને વફાદાર રહીને સંસ્થાની સુવાસ વધારવા માટેની ભાગીદાર બની રહે છે.
‘‘કૂવામાં હોય તો હવાડામાં આવે’’ આ કહેવતનો અર્થ છે. માણસના દિલ દિમાગનો કૂવો ખાલી હોય તો એ સફળ થતો નથી. સુનિતાનો કૂવો સજલ ભર્યો છે. એના દિલમાં કરુણા છે. દુઃખિયાનું દુઃખ જોઈને એનું અંતર મીણની જેમ પીગળે છે. પરની પીડાથી એને સંવેદનાનું શૂળ પજવે છે. મોગરાના ફૂલ જેવાં માસુમ બાળકો એના હૈયે વળગ્યાં છે. પ્રેમ, કરુણા અને સદ્ભાવના એને ઈશ્વરે આપેલું વરદાન છે. એવા જ કોઈ ગૂઢ રહસ્યને કારણે એ નિરાશ થયા વિના દોઢસો બાળકોની મા બનીને બાળકલ્યાણ ક્ષેત્રે રત છે. એના કામની સુવાસ અમેરિકન જનસમુદાય સુધી પ્રસરી છે. અખબાર અને ટીવી મીડિયાએ એના કામની પ્રસંશા કરી છે. કેલીફોર્નિયાના ગવર્નરના હસ્તે એને સિટિઝન એવોર્ડ એનાયત થયો છે. એથી એને પ્રેરણા મળી છે. એના કામની કદર થઈ છે. તેથી થોમ ચેરિટેબલ ટ્રસ્ટની ખ્યાતિ વિસ્તાર પામી છે. પીટર અને મારિયા ગૌરવશાળી બન્યાં છે. વરસો પછી પણ સુનિતા થોમસને ભૂલી શકી નથી. એના ભીતરમાં થોમસ બેઠો છે. મનોમન એને એ કહે છે :
આખે આખું આયખું, હ્યદયમાં રાખું તને,
દરદ દીધું સામટું, ઠપકો આપું થોમને.
થોમ, તને ઠપકો આપવાનો કોઈ હેતુ નથી. એનો મને ખ્યાલ છે. માણસની જિંદગીનું નામ ‘‘ઝંઝા અને જીવન’’ છે.
આમ વિચારતી સુનિતા થોમના વિચારોમાં ક્યાંય સુધી ડૂબેલી રહી.