Zanza Ane Jivan - 14 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઝંઝા અને જીવન - 14

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ચૌદ

સુનિતા કહે, ‘‘દાદા, તમે નગરપાલિકાના કામમાંથી રજા લ્યો, તમારી સાથે અમારે ભારતદર્શન માટે દેશમાં ફરવું છે.’’

કૃપાશંકરે સૌ પ્રથમ દ્વારકા, પોરબંદર, સોમનાથ અને જૂનાગઢના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તેઓ દ્વારકા પહોંચ્યા. દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા. ત્યાં ભીડ હતી. તેથી તેઓ સમુદ્રતટના એકાંતે જઈને બેઠાં. સુનિતા સામે જોઈને કૃપાશંકરે કહ્યું,

‘‘બેટી, હું તીર્થયાત્રા કરતો નથી. મારી આ રીતરસમ તારી ઉષાબાને બિલકુલ પસંદ નથી. તે મને અસુર કહે છે. નાસ્તિક ગણે છે. તે હંમેશા મારી પર નફરત રાખીને જીવે છે. હું એના પ્રત્યે નફરત રાખતો નથી. ઘણાં વરસ થયાં ત્યારે અમે બન્ને અહીં દર્શનાર્થે આવ્યાં હતાં. તે પછીથી હું અહીં આવતો નહોતો. ઉષાબા અન્ય યાત્રિકો સાથે હમેશાં અહીં આવે છે. મને એનો કોઈ વાંધો નથી.

જનમથી હું માણસ છું. એ વાસ્તવિકતા સાથે માણસના ગુણધર્મની ખૂટતી શૃંખલાને જોડવા મથું છું. આપણા દેશમાં ધર્મનો અતિરેક થયો છે. એમાં ધર્મની બુનિયાદ ઢંકાઈ ગઈ છે. દેશમાં આશ્રમો, મંદિરો, દેરીઓ, તીર્થસ્થાનોનો પાર નથી. એ બધી જગ્યાએ ધનનો પ્રતાપ છે. બીજી તરફ કંગાલિયતનો પથારો છે. ગરીબ લોકો ભૂખની પીડાથી ટળવળે છે. આવી આપણી ધાર્મિકતાના ગાડરિયા ટોળાંથી હું થોડેક દૂર ચાલું છું. એમાં મારી પોતીકી શ્રદ્ધા છે. આપણી સામે આ સાગર છે. એના મોજાંની પ્રચંડતા શાશ્વત છે. એ કુદરત છે. કુદરત એ જ ઈશ્વર છે. અહીંથી સાંજે ભાણવડ પાછા આવ્યાં, રસોઈ તૈયાર હતી. જમીને સૌ સૂઈ ગયાં.

બે દિવસ પછીથી પોરબંદર, સોમનાથ અને જૂનાગઢનો પ્રવાસ ગોઠવાયો. ભાણવડથી પોરબંદર નજીક છે. બરડાના ડુંગરાળ માર્ગે કુદરતનું દર્શન કરતાં પોરબંદર પહોંચ્યાં. ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરના દર્શન કરીને બાંકડે બેઠા. કૃપાશંકરે થોમસ સામે જોઈને કહ્યું,

‘‘આ જગ્યાએ જન્મેલા ગાંધીજીથી આગળ ભારતમાં અનેક મહાપુરુષો જન્મેલાં છે. એ બધાંથી ગાંધીજીનું પ્રદાન અધિક અને વિશિષ્ઠ છે. એમણે લોકમાનસની જૂની ઘરેડ તોડી છે. ધાર્મિકતાનું હાર્દ ચીંધ્યું છે. હિંસા અને યુદ્ધનું રૂપાંતર અહિંસામાં ફેરવનાર તેઓ મહાન વૈજ્ઞાનિક સાબિત થયા છે. એમણે ધર્મની વ્યાખ્યા ત્રણ શબ્દોમાં આપી છે. ‘‘નીતિ એ જ ધર્મ.’’

અહીંથી એમની કાર સોમનાથ પહોંચી. ભગવાન આશુતોષના દર્શન કરીને તેઓ સાગરની સામે બેઠાં.

કૃપાશંકરે થોમસ અને સુનિતાને કહ્યું, ‘‘ભારતમાં જે બાર શિવલિંગ છે. તેમાંનું આ એક સોમનાથ છે. ભારતના ગામેગામ શિવમંદિર હોય છે. શિવ માટે પ્રત્યેક હિન્દુને અપાર આસ્થા છે.’’

અહીંથી તેઓ જૂનાગઢ ગયાં. ત્યાંની હોટલમાં રાતવાસો કર્યો. સવારે સ્નાનાદિ પતાવીને ગિરનારની તળેટી ભવનાથ પહોંચ્યાં. ત્યાંના અખાડામાં ફર્યાં. સાધુના આશ્રમ જોયાં.

કૃપાશંકર કહે, ‘‘જૂનાગઢ ઐતિહાસિક નગર છે. અહીંના સંત નરસિંહ મહેતાને ઈશ્વરનો સાક્ષાતકાર થયો હતો. આ નગરના રાજાઓ રા’નવઘણ, રા’માંડલિક, રા’ખેંગાર અને રાણકદેવીની વાર્તાઓ લોકોમાં પ્રચલિત છે.’’ સાંજે તેમની કાર ભાણવડ પહોંચી ગઈ.

અઠવાડિયા પછી રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો. ભાણવડથી અમદાવાદ પહોંચ્યાં. ત્યાં રાત રોકાઈને ઉદેપુર પહોંચ્યાં. ત્યાંનો રાજમહેલ, તેમાંનું સંગ્રહાલય, રાણા પ્રતાપના ચેતક ઘોડાનું સ્ટેચ્યુ વગેરે જોયાં. રાત રોકાઈને જયપુર પહોંચ્યાં. ત્યાંના સ્થળોમાં હવામહેલ, જલમહેલ, સિટીગેટ, રાજમંદિર ટૉકીઝ વગેરે જોયાં. થોમસ સુનિતાએ હાથીની સવારી કરી અહીં રાત રોકાઈને બિકાનેર પહોંચ્યાં. ત્યાંના રાજાનો વિશાળ રાજમહેલ જોયો. જૂના સમયમાં યુદ્ધમાં વપરાતા હથિયારો જોયાં. રાજમહેલમાંથી ગુપ્ત રીતે આવજા થઈ શકે તેવું ભોંયરું જોયું. અહીં રાત રોકાઈને જોધપુર પહોંચ્યાં. ત્યાંના રાજમહેલ જોયાં. મહેલના કેટલાક ભાગમાં હોટલ ચાલે છે. તેમાં રાત્રીરોકાણ કર્યું.

ત્યાંથી માઉન્ટઆબુ પહોંચ્યાં. ત્યાંનાં દેલવાડાના દહેરાં જોયાં. નખી તળાવમાં બોટિંગ કર્યું. ગાંધીવાટિકા, સનસેટ પોઈન્ટ જોયો. અહીં બે દિવસ આરામ કર્યો. થોમસને અહીં મજા પડી હતી. વળતાં અમદાવાદ પહોંચ્યાં. નવરાત્રી ચાલતી હોવાથી શહેરમાં ગરબાની રમઝટ બોલાતી હતી. અહીં ત્રણ દિવસ રોકાઈને જુદી જુદી જગ્યાએ ચાલતા ગરબા જોયા. સુનિતાએ ગરબામાં રમવાની મજા માણી. થોમસ એને જોયા કરતો હતો. અહીંથી તેઓ ભાણવડ પહોંચી ગયાં.

અઠવાડિયાના આરામ પછીથી ઉત્તર ભારતનો પ્રવાસ યોજાયો. અમદાવાદથી વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યાં. ત્યાં બે દિવસ રોકાઈને ટેક્સી દ્વારા દિલ્હીના ઐતિહાસિક સ્થળો જોયાં. અહીંથી વિમાન દ્વારા શ્રીનગર પહોંચ્યાં. ત્યાં ત્રણ દિવસ રોકાઈને કુદરતી સૌંદર્ય જોયું. વળતાં દિલ્હી આવ્યાં. ટેક્સી દ્વારા આગ્રા જઈને ત્યાંનો તાજમહેલ અને આગ્રા ફોર્ટ જોયાં. અહીંથી અલાહાબાદ ગયાં. ત્યાં એક દિવસ રોકાઈને બનારસ પહોંચ્યા.

કૃપાશંકરે સુનિતાને કહ્યું, ‘‘અત્યાર સુધી આપણે જે સ્થળો જોયાં છે, એ બધી જગ્યાએ સુખી સંપન્ન લોકો સહેલગાહ માટે આવતાં હોય છે. એ સ્થળો આપણે જોયાં છે. અહીં કાશી આવ્યાની વાત તું ઉષાબાને કહેજે કે દાદા અમને કાશી લઈ ગયા હતા, એથી એ રાજી થશે. આ બનારસ હિન્દુઓનું પવિત્ર તીર્થધામ છે. અહીં આવીને ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ માન્યતાથી હિન્દુઓ અહીં આવે છે. બીજા દિવસે ચા-નાસ્તો પતાવીને બનારસ દર્શન માટે નીકળતાં પહેલા હોટલના મેનેજરે કહ્યું.’’

‘‘તમે બધાં જ્યાં જ્યાં ફરશો ત્યાં લુચ્ચા, લફંગા અને ઠગ લોકોથી સાવધ રહેજો. કેટલીક વખત ગાઈડના સ્વાંગમાં પણ તમને ઠગનો ભેટો થઈ જવા સંભવ છે.’’

ગંગાના ખ્યાતનામ ઘાટની મુલાકાત લીધી. કાદવના રગડા જેવાં ગંદા પાણીમાં લોકો ડૂબકાં મારીને સ્નાન કરતાં હતાં. કેટલાક લોકો દાંતે બ્રશ ઘસીને પાણીમાં કોગળા કરતા હતા. કોઈ સ્ત્રી પોતાના બાળકને ગંગામાં સાફ કરતી હતી. અહીંથી બીજા ઘાટ પર ગયાં. ત્યાં મૃતકની નનામી છોડીને એમાંના શબને ડાઘુઓ ગંગાના પ્રવાહમાં ધકેલતા હતા. બીજી નનામીઓની લાઈન હતી. તે પણ શબને ગંગામાં ધકેલતા હતા. ત્યાંથી આગળના ઘાટ પર જઈને જોયું તો નજીક નજીકમાં ચિતાઓ સળગતી હતી. મુડદાની બળેલી રાખને ડાઘુએ ગંગાના પ્રવાહમાં નાખતા હતા. આ ઘાટ પર મુડદાને બાળવાનો ટેક્સ રાજા ચૌધરી વસૂલ કરે છે.

એક જગ્યાએ ઢોલ વાગતો હતો. ત્યાં ઉત્સવ ચાલતો હતો. સ્ત્રીઓ લગ્નગીતો ગાતી હતી. લોકોને પૂછતાં જાણવા મળ્યું કે ત્યાં દેડકાં દેડકીના લગ્ન થઈ રહ્યાં છે. વરસાદ આવતો ન હોવાથી દેડકા દેડકીનાં લગ્ન કરાવવાથી મેઘરાજા પ્રસન્ન થઈને વરસે છે, એવી લોકવાયકા જાણવા મળી.

બપોરે હોટલે પાછાં આવ્યાં, મેનેજરે કહ્યું, ‘‘ગંગાના કિનારે સાઈઠ સિત્તેર લાખ લોકો રહે છે. એ બધાંની ગંદકી નદીમાં વહે છે. એક સરવે અનુસાર બસો પચાસ કારખાનાનું કેમિકલયુક્ત પાણી ગંગામાં ઠલવાય છે. એ પ્રદૂષણ આરોગ્ય માટે ભયંકર છે. કિનારાના શહેરોની ગટરો નદીમાં ઠલવાય છે. કિનારા પરનાં ગામોના લોકો અનેક બીમારીઓથી પીડાયા કરે છે. આમ છતાં એ લોકો ગંગા મૈયાના પાણીને પવિત્ર માને છે. એ પાણીનું આચમન કરે છે. શિક્ષિત લોકોની માન્યતા અભણ ગ્રામવાસઓ જેવી જ છે. આપણો હિન્દુ ધર્મ આ ગંગામૈયા જેટલો જ મલિન થઈ ગયો છે.’’

આ બધું સાંભળી સુનિતા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ.