Saraswati Chandra - 1 Chapter - 19 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 19

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 19

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૯

રાત્રિ સંસાર

જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન૧

‘ઉદયમાન ચંદ્રકલા ! શૃંગારતારા૨ સંદ્યા સમયની કીર્તિમૂર્તિઓ!

આકાશમાં માત્ર એક તસનું અંતર રાખી પાસે તમે બે જણીએ પણે આગળ

ઊભી રહેલી દેખાઓ છો તે તેમની તેમ રહીને - તમારા બેમાંથી એક જણ બોલો - મારી શંકાનું સમાધાન કરો - તમારા બેમાં પરિચારિકા કોણ અને રાણી કોણ ?’

- વર્ડ્‌ઝવર્થનાં સંધ્યાસમયનાં યદચ્છાકાવ્ય.૩

પતિનો દોષ પતિવ્રતાના મનમાં ન વસ્યો અને લીલાપુર જવા તે નીકળ્યો ત્યાં સુધી તે તેની જ સેવામાં રહી. અંતરનું દુઃખ ભૂલવા કરેલો

પ્રયત્ન સફળ થવા લાગ્યો. પ્રમાદધન ગયો એટલે તે નીચે ઊતરી અને નણંદની આસપાસ ભરાયેલી કચેરીમાં ભળી. વરઘેલી બની દિવસસમયે વરની પાસે આમ આટલી વાર બેસી રહી હતી તે વિશે સર્વેએ એની પુષ્કળ મશ્કરીઓ કરી અને સર્વના આનંદમાં વધારો થયો. કોઇને કાંઇ કામ

ન હોય તેમ સર્વ જણે આખો દિવસ અલકકિશોરીની આસપાસ કૂંડાળું વળી ભમ્યાં કર્યું. પાછલે પહોરે સૌભાગ્યદેવી કથા કહેવડાવતી હતી અને આજ સાવિત્રી - આખ્યાન ચાલતુૂં હતું. એ કથામાં પણ આજ નિત્યના કરતાં સવારે મંડળ હતું. એ કથામાં અલકકિશોરીને રસ પડતો નહીં. કથા ચાલવા

માંડી તોયે એની કચેરી વેરાઇ નહીં. કથામાં બેઠેલીઓનાં મન પણ આ કચેરીના ગરબરાટથી વિક્ષેપ પામ્યાં. સૌભાગ્યદેવીએ અલકકિશોરીને કહાવ્યું કે તમે સૌ બીજે ઠેકાણે જઇ બેસો. સર્વને કુમુદસુંદરીવાળી મેડીમાં જવાની ઇચ્છા થઇ પણ એટલામાં તો એ પોતે જ કથામાં જઇ બેઠી. એટલે સૌએ વિચાર ફેરવ્યો અને ટોળું લઇ અલકકિશોરી ઘર બહાર નીકળી અને સ્ત્રીવર્ગને ભરાવાના એક ઓટલા પર સૌને લઇ મધપૂડાની રાણી પેઠે બેઠી અને ગુંજારવ ચોપાસ પ્રસરવા લાગ્યો.

કથા ઊઠી એટલે કુમુદસુંદરી છાનીમાની પોતાની મેડી ભણી જવા

લાગી. સાવિત્રીની પવિત્ર કથાથી તે શાંત થઇ. કૃષ્ણકલિકાનું સ્વપ્ન તેના

મનમાંથી ખસતું ન હતું અને ઘણું દાબવાનો પ્રયત્ન કરવા છતાં આંસુ ખળતાં ન હતાં અને તે કથારસથી ઉત્પન્ન થયેલાં આંસુમાં ખપ્યાં સૌભાગ્યદેવી આજ વહુની મુખમુદ્રા જોઇ રહી હતી. કથાનો અંત આવતાં પોતાની પાસે ઘડી બેઠા વિના એકદમ ઉપર જતી વહુને જોઇ કથાનો અંત આવતાં પોતાની પાસે બોલાવી. આવી ન આવી કરી - આસુ પાસે દેવી વહેમાઇ

અને વહુને પોતાની પાસે બોલાવી. આવી ન આવી કરી - સાસુ પાસે અશ્રુપાત થઇ જશે એ ભીતિથી વહુ ઉપર ચાલી ગઇ અને વજ્ર જેવું હ્ય્દય

કરી મેડીમાં પેઠી. પેસી, દ્ધાર વાસી, સાંકળ પણ વાસી. ટેબલ પાસે બેઠી અને પુસ્તક લીધાં. પણ તેમાં મન ગયું નહીં - કંટાળો જ આવ્યો, પલંગ ભણી, બારી ભણી, નવીનચંદ્રની મેડીવાળા, દ્ધારની સાંકળ ભણી, પોતે

મેડી વચ્ચોવચ બેસી રોઇ હતી તે સ્થળ ભણી, અને ઊમરા ભણી જોતી જોતી આંખે અંતરમાં વળવા માંડ્યું, સ્મરણશક્તિનાં કમાડ ધક્કેલ્યાં, અંદરથી નીકળેલી કલ્પનાને ઉરાડી, ઇર્ષ્યાને સળગાવી અને વિમાનના - બુદ્ધિને ભંભેરી; ફટક લાગી હોય, હબકી હોય અને ડાગળી ચસકી હોય, એમ

ફાટી આંખે કુમુદસુંદરી ચારે પાસ જોવા લાગી. નિઃશ્વાસ ઉપર નિઃશ્વાસ નીકળવા લાગ્યા, ઓઠ સુકાયા, ગાલ બેસી ગયા જેવા થયા, આંખો ઊંડી ગયા જેવી થઇ, ઘડીક કંપતી છાતી પર હાથ મૂકી ઊભી રહી, અને અંતે કપાળે હાથ કૂટી ખુરશી પર બેઠી અને તેની પીઠ પર માથું નાંખી દીધું.

આ ક્રિયાશૂન્ય સ્થિતિમાં કલાક બે કલાક વીતી ગયા એટલે બારણું ખખડ્યું અને ઉઘાડ્યું કે અલકકિશોરી અને વનલીલા અંદર આવ્યાં. સાંજના પાંચ

વાગ્યા અને સર્વ મંડળ વેરાઇ ગયું કે અલકકિશોરીની માનસિક પ્રકૃતિમાં જ ફેર લાગ્યો હતો. કૃષ્ણકલિકા પર માર્ગ પર ઘરેણાં ફેંકાયાં એ ચર્ચાથી આ ફેરનો વહેમ વધ્યો હતો અને તેથી જ ચિંતાતુર વનલીલા સખી પાસે આવી હતી. બન્ને જણ અંદર દાખલ થયાં. કુમુદસુંદરીના દેખતાં કાંઇ પુછાયું નહીં. કુમુદસુંદરી સાવધાન થઇ અને વાર્તામાં ભળી, પણ શૂન્ય હ્ય્દયમાં આનંદનો લેશ ન હતો અને ફીકા હાસ્યને પુરવણી રજ પણ મળી ન શકી.

અંતે સૌ ત્રીજા માળની અગાસી પર ચડ્યાં અને ઉનાળાનો આથમતો દિવસ અગાસીમાંના શાંત પવનથી રમ્ય કરવા ધાર્યો.

વનલીલા બોલી : ‘ભાભી, આજ તો આખો દિવસ તમે ઉપરનાં ઉપર રહ્યાં છો. તમારે અમારા વિના ચાલ્યું પણ અમારે તમારા વિના ન

ચાલ્યું.’

કુમુદસુંદરીને કીકી સુધી આંસુ ઊભરાયાં હતાં તેને દાબી રાખવાનો

પ્રયત્ન કરતાં ઉત્તર દેવાનો સૂઝ્‌યો નહિ. અંતે શેતરંજની રમત કાઢી. તેમાં પણ જીવ ન પેઠો. નણંદભોજાઇ રમવા લાગ્યાં અને રોજ જીતતી તે ભાભી દાવ ઉપર દાવ ભૂલવા લાગી અને હારી એટલામાં વનલીલા નીચે મેડીમાં ઘઇ હતી તે કુમુદસુંદરીના મેજ પરથી નવું આવેલું બુદ્ધિપ્રકાશ લઇ આવી અને રમતમાં હારેલી કુમુદસુંદરીના હાથમાં મૂકી બોલી : ‘ભાભી, આમાં એક ચંદા નામની કવિતા આવી છે તે વાંચવા જેવી છે પણ બરાબર સમજાતી નથી તે સમજાવો.’ ચંદ્રને ચંદાનું નામ આપી રચેલી રસિક કવિતા કુમુદસુંદરીએ શાંત કોમળ સ્વરથી ગાવા માંડી અને ઘડીક આનંદને પાછો

મેળવતી હોય એમ દેખાવા માંડી. તેનું મુખ હજી અવસન્ન જ હતું પરંતુ

‘ચંદા’ના પ્રકાશથી શોકતિમિર પાછું હઠતું સ્પષ્ટ દેખાયું. વાંચતાં વાંચતાં કવિતાનો અંતભાગ આવ્યો પડવા પર બીજ હતી અને આકાશમાં ચંદ્રલેખા હતી તે જોતી જોતી કુમુદસુંદરી બોલી :

‘અલકબહેન, ચંદા છે તે હવે સાંજને પોતાની સખી ગણીને કહે છે તે સાંભળો : અત્યારે આ ચંદ્રમાં દેખાય છે તેનું જ વર્ણન છે.

‘સલૂણી સંધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા તે તણી

મુજ હોડલામાં બેસીને બની જાઉં કદી હું બનીઠની;-’

પવન મૃદુથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી,

વેર્યાં કુસુમ નવરંગ એમાં ઝીણઝીણા મેહથી.

શાંત એનું નીરખી મુખ મુજ સુખનદી ના થોભલી, નારંગી રંગે સાળું સુંદર પહેરી સખી શી શોભતી !

ચક્ચકિત સૌ પહેલ ચોડ્યો તારલો સખી ભાલમાં,

લાડંતી અડકું એહને કદી આવી જઇ બહુ વહાલમાં.

એવી એવી રમત વિધવિધ સખીસંગ રમંતી હું,

પણ ભેટવા આવે મુને એ ત્યાહરે ચમકી બીઉં,

કેમ કે સામેથી પેલી આવી કાળી રાક્ષસી,

મૂઇ રાત્રી, એણે દૂર સખીઓ કીધી ક્રૂર વચે ધસી.

ઊડી ગઇ મુજ સખી, ઝીણી પાંખ નિજ ઝળકાવીને,

ને મુજને તો રાક્ષસીને પકડી લીધી આવીને, રાખી કરમાં થોડી વેળા, પછી મુને તે ગળી ગઇ, -

જાણે નહીં - હું અમર છું ને બેઠી મુજ મંદિર જઇ !’

‘કાળી રાક્ષસી’ ઉપરથી કૃષ્ણકલિકા સાંભરી આવી અને હબકી હોય એમ કુમુદસુંદરી ઊઠી અને અગાસીની રવેશ આગળ નીચે રસ્તા પર જોવા લાગી - પાછી આવી. સર્વ દેખતાં વિકૃતિ ઢાંકવા પ્રયત્ન કર્યો. એમ

કરતાં કરતાં રાત્રિ પડી. અલકકિશોરી અને વનલીલા ગયાં. કુમુદસુંદરી એકલી પડી અને અંધકારથી છાઇ જતા આકાશ ભણી જોતી જોતી ઉપરની કવિતા વારંવાર ગાઇ રહી. એ ગાનની અસર તેના પોતાના જ મન ઉપર થઇ. કૃષ્ણકલિકા ! કૃષ્ણકલિકા ! મેં તારું શું બગાડ્યું હતું ?’ એમ કરતી કરતી છાતીએ હાથ મૂકી રવેશને અઠીંગી દુઃખમાં ને દુઃખમાં ચોપાનિયું ઉઘાડું ને ઉઘાડું છાતી પર રાખી નિદ્રાવશ થઇ દુઃખી અબળા દુઃખ સ્વપ્નો જોવા લાગી અને નિદ્રામાં ને નિદ્રામાં ડૂસકાં ભરતી હતી. બુદ્ધિધનને ખબર ન હતી કે મારા મહાભાગ્યના આવાસના (મહેલના) શિખર ઉપર આવે

મંગલ સમયે જ મારી કુમુદના ઓઠમાંથી શોકસ્વર જ્વાળામુખીના ધુમાડા પેઠે આકાશમાં સ્વર્ગમાં - ચડે છે અને ઇશ્વરની આંખમાં ભરાઇ તેને રાતીચોળ

કરે છે ! સ્ત્રીને પ્રસન્ન રાખજો ! સત્સ્ત્રી અપ્રસન્ન થઇ - દુભાઇ - ત્યાંથી

લક્ષ્મી પાછી ફરવા માંડે છે.’ એ મનુવાક્ય - એ આર્યશ્રદ્ધા - ખરી પડતી હોય તેમ કુમુદ ડૂસકાં ભરતી હતી તે સમયે રાણાના બાગમાં બાંક ઉપર સૂતેલા બુદ્ધિધનના મસ્તિકમાં ઉચ્ચાર થતો હતો કે ‘મારે તો આ કારભાર નથી જોઇતો !’

કલાકેક આમ સૂઇ રહી એટલામાં પલંગ પર પથારી કરી દાસી અગાસીમાં આવી અને કુમુદસુંદરીને ઉઠાડી નીચે લઇ ગઇ. બુદ્ધિધન જેમ

જાગી ઊઠતાં કારભાર મૂકી દેવાની વાત ભૂલી ગયો હતો તેમ કુમુદ પણ જાગી ઊઠતાં કૃષ્ણકલિકાને ભૂલી ગઇ. દાસી ગઇ એટલે બારણું વાસ્યું અને ઊંઘવાને બદલે પાછું બુદ્ધિપ્રકાશ હાથમાં લીધું અને ટેબલ પર કાચદીપાશ્રયમાં દીવો પ્રગટી વાંચવા બેઠી. ‘ચંદા’ ફરીથી વાંચવા લાગી. ચંદાને મેઘ રમાડે છે અને પજવે છે તે ભાગ વાંચવા લાગી.

‘મેઘ પેલો મસ્તીકોરો મુજને રંજાડવા,

કંઇ યુક્તિઓ વિધવિધ કરે ભંગાણ સુખમાં પાડવા !’

વળી ગાતાં ગાતાં આવ્યું :

‘ને એહ અસ્થિર મેહુલાશું કદી ભરાઉ નવ રીસે !’

એ પદ વારંવાર ગાવા લાગી, પોતે અસ્થિર પ્રમાદધન પર રિસાતી નથી એ સ્મરવા લાગી, અને મસ્તિકમાં પ્રમાદધન ભરાયો ! તે હવે પ્રિય

લાગવા માંડ્યો. તેના જ વિચાર અંતઃકરણમાં ઊભરાવા લાગ્યા, તેની જ છબી સામેના તકતામાં જોઇ રહી અને અતિ પ્રેમથી ગાવા લાગી :

‘પ્રમાદધન મુજ સ્વામી સાચા !

એ વણ જૂઠું સર્વ બીજું !

પ્રમાદધન મુજ સ્વામી - મારા !

એ વણ ન્યારું સર્વ બીજું !

પ્રમાદધન મુજ સ્વામી વહાલા !

એ વણ અપ્રિય સર્વ બીજું !’

એમ કંઇ કંઇ પદ ઊલટાવી રચવા - ગાવા લાગી, સારંગીમાં ઉતારવા લાગી, અંતર આનંદ અનુભવવા લાગી, અને ઘેલી બની હોય

એમ એની એ કડીઓ - અનુપ્રાસ વિનાની - અલંકાર વિનાની - જપવા

લાગી. ‘પ્રમાદ-ધ-ન, પ્રમાદ-ધન, પ્રમાદધન એ નામ જ પ્રત્યક્ષરે ભાર મૂકી બોલવા લાગી, પતિનું નામ કોઇના દેખતાં બોલતી હોય અને શરમાતી હોય તેમ ઘડીક મનમાં મે મનમાં શરમાઇ; કોઇ દિવસ એ નામ પોતે ન દીધું હોય - ન દેતી હોય, પતિનો સ્પર્શ અચિંત્યો અનુભવતી હોય, એ સ્પર્શની પેઠે જ પતિના નામનો સ્પર્શ જીભને - હ્ય્દયને થતો હયો, તેમ

પતિના નામનો એક્કેકો અક્ષર બોલતાં રોમાંચના શીતળ તરંગોમાં નાહી સીત્કાર બોલાવવા લાગી, ઉત્કંપની લહેરોથી ચમકવા લાગી, અને વિચારમાં પડી સફળ મદનતા અનુભવતી હોય તેમ પળેપળે પોપચાં અર્ધા મીંચવા

લાગી. વળી જાગી ‘પ્રમાદધન મુજ સ્વામી’ ઇત્યાદિ ગાતી ગાતી ઊઠી, પલંગ પર ચડી, એક પગ પલંગ પર અને બીજો બારીના કઠેરા પર મૂકી બારી પરથી પ્રમાદધનની છબી જીવની પેઠે જાળવી ઉતારી, પલંગ પર બેસી ઊતરી, અને ટેબલ આગળ ખુરસી પર બેસી, છબીને સ્નેહભરી આંખે ન્યાળી રહી, ચુંબનની પરંપરા જડ કાચ ઉપર વર્ષાવી, અને અંતે છબીને છાતી સરખી ઝાલી, ભાંગી ન જાય એમ દાબી ફરી રોમાંચ, ઉત્કંપ અને નેત્રોન્મીલન અનુભવવા લાગી. જીવતા પતિનો વિયોગ, કિલ્મિષ વિસરાવી, જડ છબીને પણ પતિવ્રતા પાસે ઘણાં વાનાં કરાવવા લાગ્યો. વિદ્યાવિનીત કુમુદસુંદરી પતિના દોષ ભૂલી તેના ગુણને જ સંભારી ગુણમય પ્રમાદધનરૂપ બની ! અંતે એક હાથ છબી છાતીસરખી રાખી બીજો હાથ લાંબે કરી વળી બોલી :

‘પ્રમાદધન મુજ સ્વામી વહાલા !

એ વણ અપ્રિય સર્વ બીજું !’

‘સર્વ બીજું’ કહેતાં કહેતાં લાંબા કરેલા હાથની હથેલી જગતને ધકેલી નાંખતી હોય તેમ તેના ભમી ફેરવી બતાવી અને બે ભમ્મરો વચ્ચે કરચલી પાડી.

ગમે તેવી વસ્તુ મને પોતાની કહી પોતાની - ઇશ્વરે જેની કરી તેની જ - ઋણાનુબંદ (રણારબંધ)નો યોગ જ્યાં ઘડાયો ત્યાં જ ઘડાયો ત્યાં જ ઘડાય છે : એ સુખસાધક બુદ્ધિ આર્યચિત્ત જ સમજે છે. આર્યવૃત્તના ઉચ્છેદક પાશ્ચાત્ય સંસ્કારોથી ભરાઇ જવા છતાં અંગ્રેજી પાઠશાળાના દૂધથી ઊછરેલા આર્યબાલક જૂના વિચાર અને જૂના આચારોથી ભરેલી માતાપિતાની વહાલી રૂઢિશય્યા ત્યજતાં કંપારી થાય છે, મોટી વયે પહોંચવા પછી અંતરમાંથી પણ ગુરુજનને છોડનાર લોકની વિદ્યા ભણીને પણ વિસ્તારી કુટુંબવૃક્ષ૧ માં ઉત્સાહથી રહે છે; ‘ભૂગોળ અને ખગોળ’૨ રમનાર પંડિત ‘ચૂલા’ના ભડકાના

પ્રકાશથી વિશેષ રતાશ પામતા - ખગોળને સળગાવનાર ગોળા જેવા -

ગૌર ગાલવાળી અભણ ઉપર મોહ પણ પામે છે અને સ્નેહ દ્રવે છે; એ ઋણાનુબંધનો મહિમા આર્યબુદ્ધિથી હીન જનને અગમ્ય છે. આર્યદેશને દુઃખસાગરમાં પડતો પડતો ટકાવનાર અનેક સાધનોમાં એક સાધનરૂપ આ આર્યબુદ્ધ આર્ય કુમુદસુંદરીના હ્ય્દયકમળ પર લક્ષ્મીપેઠે સ્ફુરવા લાગી એ અનાર્ય જનથી સમજાય નહીં એવું વિશુદ્ધ ઉત્કષ્ટ માનસિક ગાન કરવા

લાગી.૧

તરંગો પર હીંચકા ખાતું મન ગમે તો શીતળ થયું હોય તેથી કે ગમે તો શ્રમિત થયું હોય તેથી એ હિંચકા ઉપર ને ઉપર જ ઢળી ગયું.

નિદ્રાદેવી તેને પોતાના ખોળામાં લેવા લાગી અને પોતાની છાતી પરનો છેડો તેના મુખ પર ઢાંકવા લાગી.

નિદ્રાવશ થતી કુમુદસુંદરી કાંઇક સાવધાન બની અને સૂવાનો વિચાર કરી સુંદર હાથ ઊંચો કરી કમખો કાઢવા લાગી, કમખો નીકળતાં તેના પડમાં રહેલી સોનેરી અક્ષરવાળી ચોળાયેલી પત્રિકા સરી પડી અને સરતાં સરતાં કોમળ અને સચેતન સહવાસી અવયવ ઉપર ઘસાઇ તેને ચેતના -

સૂચના આપી. પડતાં પડતાં પણ પાટલીના પગ ગૂંચવાઇ, ભરાઇ અને અંતે તરછોડાઇ વછૂટી. આખરે પડી તે પણ પગના સુકુમાર અંગૂઠા પર પડી. અંગૂઠા આગળથી સંદેશો આવ્યો હોય એમ ચિત્ત એકદમ ચમક્યું અને સજ્જ થયું. પગના બંધુ હાથે પત્રિકા ઉપાડી લીધી અને આંખ આગળ

ધરી. આંખે વાંચ્યું :

‘શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી !

થઇ રખે જતી બંધ વિયોગથી;

દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી

કર પ્રભાકરના મનમાનીતા !’

આંખ ચમકી; નિદ્રા છટકી; બુદ્ધિ જાગી; શશી - ચંદ્ર - ક્ષિતિજમાં ઊગ્યો; હ્ય્દયનો નિઃશ્વાસ ઓઠ ઉપર આવ્યો; ‘સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર

!’ કરતી કરતી ઘેલી લૂગડાનાં કબાટ ભણી દોડી અને બીજી અસ્થામાં સંક્રાંત થઇ. તેનું મનોબળ થઇ ચૂક્યું ભાસ્યું.

મનુષ્યનું જીવન એ અનેક સૂત્રની એક રજ્જુ (દોરી) છે; અનેક આમળાની એક ગાંઠ છે. તે સૂત્રોની - તે આમળાઓની - પોતપોતાની નિરનિરાળી સ્થિતિ - જાતિ - છે અને તેઓમાં ઘણી વખત પરસ્પર વિરોદ

આવી જાય છે. આ સૂત્રો અને આમળાઓ, તેમની ઘટના, અને તેમના વિરોધ અધિકતર બુદ્ધિથી, અધિકતર વિદ્યાથી અને અધિકતર રસજ્ઞાનથી વધારે વધારે સૂક્ષ્મ અને વિચિત્ર બને છે અને તેની સંખ્યા પણ વધે છે.

પ્રમાદધનમય બનેલું જીવન સરસ્વતીચંદ્રહીન થઇ શક્યું નહીં. એક ભવની પતિવ્રતા બીજા ભવના પતિને ભૂલી શકી નહીં. સત્યને અર્થે દશરથે રામનો ત્યાગ કર્યો, પ્રજાને અર્થે રામે સીતાનો ત્યાગ કર્યો, અને તે છતાં દશરથનું જીવન રામમય રહ્યું અને રામ સીતામય રહ્યા : તેમ જ પતિવ્રતા કુમુદસુંદરી

મૂર્ખ અને દૂષિત પતિને મનનો પણ સ્વામી કરી દેવા મતી - પોતાના હ્ય્દયજાળમાં પતિને વણી દીધો અને પતિમૂર્તિમાં હ્ય્દયને યુક્ત (યોગી) કર્યું

- તે છતાં સરસ્વતીચંદ્રમય મટી નહીં ! સરસ્વતીચંદ્રને હ્ય્દયમાંથી પતિસ્થાન પરથી ધક્કેલી પાડ્યો અને ત્યાં પ્રમાદધનની સ્થાપના કરી; તોપણ મીંચાયેલી આંખમાં કિરણ રસળે છે, શબ્દ દૂર જતા છતાં કાનમાં ભણકારા વાગે છે, નિદ્રાયમાણ મસ્તિકમાં જાગ્રત સંસાર અસંબદ્ધ સ્વપ્નરૂપે ઘૂમે છે : તેમ

પ્રમાદધનમાં સમાધિસ્થ થયેલા ચિત્તમાં સરસ્વતીચંદ્ર સ્ફુરતો હતો. હ્ય્દયસારંગીને ગાન કરાવવામાં ઉભય તાર કારણભૂત થયા.

સરસ્વતીચંદ્રના સ્વહસ્તની પત્રિકાના પત્રિકાના દર્શનથી ઘેલી બનેલી સુંદરી કબાટ ભણી દોડી, કબાટ જોરથી ઉઘાડ્યું, અને પોતાના સોનેરી ભાતવાળા એક અમ્મરના પડમાંથી એક પત્રોની પોટલી કાઢી કબાટ એમનું એમ રહેવા દઇ ટેબલ પાસે બેઠી. ટેબલ ઉપર રેશમી રૂમાલે બાંધેલી પોટલી છોડી અને સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરથી લખાયેલા કન્યકાવસ્થામાં સ્વીકારેલા અનેક પત્રો રસમાં લીન થઇ પળે પળે નિઃશ્વાસ મૂકતી સુંદરી વાંચવા

લાગી અને પળવાર પૂર્વાવસ્થામાંથી લીન થઇ વર્તમાન સંસારને ભૂલી.

સરસ્વતીચંદ્રે પત્ર દ્ધારા ચલાવેલી રમણીય ચર્ચાઓ તેને સુવિદ્યાની નિસરણ પર ફરીથી ચડાવતી ભાસી અનેે અજ્ઞાનમય કુટુંબમાં ફરીથી વિદ્યાભ્યાસ કરતી હોય તેમ બાળાને મનમાં લાગ્યું. સર્વ પત્ર એક વાર વાંચી રહેતીં

છતાં ફરી વાંચવા લાગી. અંતે સરસ્વતીચંદ્રની છબી હાથમાં આવી - તે હાથમાં આવતાં સ્નિગ્ધાનાં નેત્ર ચમક્યાં અને તેમાં નવું તેજ આવ્યું હોય

તેમ તે છબીના અક્કેક અવયવ નિહાળવા લાગી અને સુંદરતાના ઘૂંટડા ભરવા લાગી. છબી પોતાનીા સામી ટેબલ પર મૂકી તેને એક ટશે જોવા

લાગી. તેનાં દર્શન કરતી હોય; હ્ય્દયમાં રહેલાનું કાચ જેવા કાગળ પર

પ્રતિબિંબ પડ્યું હોય અને તેને આશ્ચર્ય પામી તપાસતી હોય; તેની સાથે વાતો કરતી હોય; તેને ઠપકો દેતી હોય; તેના ઉપર ક્રોધ કરતી હોય; હજી પોતે તેની જ પત્ની હોય તેમ તેના પર પ્રભુતા દર્શાવતી હોય; તેમ

કુમુદસુંદરીની દૃષ્ટિ છબી જોતો જોતી અનેકધા વહી. ત્યાગ કર્યા પછી ગણે વર્ષે રામને જોતી સીતાનું હ્ય્દય થયું હતું તેવું જ અત્યારે થયેલું આનું હ્ય્દય, ઉપરાઉપરી નંખાતા નિઃશ્વાસમાં૧ પળે પળે સ્ફૂરતી અને ભાગતી ભ્રૂકુટિમાં છબીને તદ્રૂપ માની જીવમાં જીવ આવ્યો જણવતા ઉચ્છ્‌વાસમાં,૧ વચ્ચે વચ્ચે

મલકાઇ જતા મુખમાં સરસ્વતીચંદ્રની વર્તમાન અવસ્થા સાંભરી આવતાં ખિન્ન થઇ સંકોચ પામી ઝાકળ જેવા અશ્રુપટલથી ઢંકાઇ જતાં નેત્રકમલમાં અને ક્ષણે ક્ષણે ધડકતા સ્તનપુટ પર મુકાઇ ચંપાઇ જતી હસ્તસ્થલીમાં૨

મૂર્તિમાન થતું હતું. ‘કુમુદસુંદરી !’

છે આશ તજી બન્યું ઉદાસી, રોષભર્યું તજવા થકી, ટમટમી રહ્યું આ દીર્ઘકાલવિયોગમાં મળવા મથી,

સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિય - રુદિતની ઊંડી ઝાળથી, આ ક્ષણ ગળ્યું રસમય હ્ય્દય તુજ પ્રેમઉદય થયા થકિ.’૩

આ એકાંતમાં એકલીનો એકલો સાક્ષી નાનો પણ તેજસ્વી દીવો કુમુદસુંદરીને આમ કહી દેતો હોય - એમ તેનો ક્ષણભર સ્તબ્ધ અને ક્ષણભર કંપતો પ્રકાશ આખા સંસારના અંધકાર વચ્ચે કુમુદસુંદરીને મન મિત્રવચન જેવો થયો. દીવો કુમુદસુંદરીની તમસા બન્યો. દીવાની જ્યોતનું પ્રતિબિંબ સુંદર કીકીમાં પડી રહ્યું, અને અંજાયેલી આંખ મીંચાઇ રહી. કીકી અને પોપચા વચ્ચે સરસ્વતીચંદ્રને તાદૃશ પ્રત્યક્ષ જોવા લાગી. આ અવસ્થામાં પડેલી આંખો ઉપર નિદ્રાએ કોમળ કરપલ્લવ દાબ્યો અને જાગ્રતસ્વપ્નમાંતી સુસ્વપ્નમાં સંક્રાંતિ અદૃશ્ય રીતે થઇ ગઇ. નિદ્રામાં ખુરશી પરથી જરીક ખસી પડતાં અચિંતી જાગી ઊઠી, સર્વ વસ્તુ હતી ત્યાં ને ત્યાં રહેવા દઇ, કુમુદસુંદરી પલંગ ઉપર જઇ સૂતી.

આજ પલંગ પર પ્રમાદધન ન હતો. એકલી સૂતેલી સહવાસી સંસ્કારીને બળે પરિચિત દશાનાં જ સ્વપ્ન જોવા લાગી. માત્ર જાગ્રત અવસ્થા કાંઇક ઊલટપાલટ રૂપે સ્ફૂરી અને સ્વપ્નનો સહચર સરસ્વતીચંદ્ર થયો.

દિશા અને કાળના ભેદ વિપરીત થઇ ગયા, વસ્તુઓના સંબંધ અનનુભૂત અને વિચિત્ર બની ઝટોઝટ પલટાવા લાગ્યા. આ સર્વ સૃષ્ટિમાં નિદ્રાયમાણ

મસ્તિક સત્યનું ભાન ધરવા લાગ્યું, અને નવીન સુખદુઃખો ભોગવતું હ્ય્દય

પાપપુણ્યથી મુક્ત રહી સ્વતંત્ર વર્તન કરતું લાગવા માંડ્યું. દૃશ્ય અને દ્રષ્ટા એક છતાં ભેદ ભાસવા લાગ્યો. કુમુદસુંદરી સર્વત : સરસ્વતીચંદ્રમય બની.

સ્વપ્નની પાછળ સ્વપ્ન ઊભાં રહ્યાં - દોડાદોડ કરી રહ્યાં - પણ સર્વમાં સરસ્વતીચંદ્ર ખરો !

આ અવસ્થામાં કલાકેક વીતી ગયો. બુદ્ધિધન હજી ઘેર આવ્યો ન હતો અને તેના દ્ધાર આગળ ઓટલા પર બેસી સિપાઇઓ વાતો કરતા હતા અંતે થાકી એક જણ ગાવા લાગ્યો તે સાંભળતા હતા.

‘મોરા બીલમાં કબુ ઘર આવે - ?

આવે રે આવે -

ઓ મોરા બીલમા કબુ ઘર આવે - ?

કબુ ઘર આવે - ?’

અંત્ય સ્વર લંબાવી એક સિપાઇ આ ગાતો હતો અને બીજાઓ

‘વાહવાહ !’ ‘સાબાશ !’ વગેરે કહેતા હતા તેના ખળભળાટથી કુમુદસુંદરી જાગી ઊઠી, પથારીમાં જ બેઠી થઇ, સરસ્વતીચંદ્રને શોધવા લાગી, ચારે પાસ આંખો ફેરવી જોવા લાગી, ‘મોરા બીલમાં કબુ ઘર આવે’ એ શબ્દે વીંધેલા અંતઃકરણમાંથી શોકરુધિર નીકળવા લાગ્યું, અનેબીલમાં - ઓ બિલમા’

કરતી કરતી, અર્ધી જાગતી - અર્ધી ઊંઘતી, કુમુદસુંદરી હજી સ્વપ્નમય રહી વીલે મોંએ મેડી બહાર સંભળાય નહીં એમ રોવા લાગી, રોવું ખાળી શકાયું નહીં, ખાળવાનો પ્રયત્ન કરવાનું જ સાંભર્યું નહીં એમ કરતાં કરતાં ખરેખરી જાગી તોપણ ઉત્પન્ન થયેલી હ્ય્દયવૃત્તિને સંહારી શકી નહીં. પાછી ટેબલ

આગળ જઇ બેઠી અને શોકમય - ઊતરી ગયેલે - મોંએ, ગાતી ગાતી ઊછળતા - વર્ષતા - હ્ય્દયને કાગળ ઉપર ટપકાવવા લાગી. કાગળ એ ઘણા હ્ય્દયની ધરતી છે - વર્ષાદ જેવી ઘણી વાતો કાગળ પર ટપકાવી લેવાય છે.

ધરતીમાં તેમ કાગળમાં ઘણા હ્ય્દયમેઘ સમાઇ શાંત થાય છે.

‘શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી’ ઇત્યાદિ ગણગણતાં એક મોટો

‘ફૂલ્સકેપ’ કાગળ લીધો અને તે ઉપર આંસુ અને અક્ષર સાથે લાગાં પાડ્યાંઃ

‘શશી ગયો ઊગશે ગણીને, ભલે

ટકતી અંધ નિશા; મુજ ચિત્તમાં

પ્રલયકાળ રચી શશી આથમ્યો

નીરખીને ધિક જીવવું જીવનું !’

વળી થોડીવાર લખતી બંધ પડી, ચંદ્રલેખા જેવી ઝડપચી નીચે રૂપેરી વાદળી જેવી હાથેલી મૂકી, વિચારમાં પડી, અને સરસ્વતીચંદ્રનો જાપ જપતી, તેનું કૃત્ય વિમાસી, એ જાપ પણ પતિવ્રતા ધર્મથી વિરુદ્ધ છે એવું ભાન આવતાં નિ-શ્વાસ પર નિઃશ્વાસ મૂકતી, ફરી લખવા મંડી.

‘તજી નાર અનાથ જ એકલડી, પિયુ જાય વિદેશ, પૂઠે મૂકી આશા; જપવા પ્રિય-જાપ સ્વતંત્ર રહે વિધવા ધ્રુજતી જોઇ જોઇ નિરાશા; નહીં આશ મૂકી, પરતંત્ર કરી, પપળાવી નિરાશ મૂક્યું ઉર વહેતું.

જીવમાં જીવ સાહી મૂક્યો પડતો ! રમવું અતિક્રૂર પડ્યું ક્યમ

સહેતું ?’

આંખમાં ઝળઝળિયાં આણી બોલી : ‘અરેરે સરસ્વતીચંદ્ર ! મેં

તમારો શો અપરાધ કર્યો હતો ? દમયંતીની પણ નળે મારા કરતાં સારી અવસ્થા રાખી હતી. હાય, ઓ, મારી મા ! ઓ ઇશ્વર ! અંબા ! અંબા!

એમ કહેતી કહેતી કાગળ પલાળતી, કાગળ પર ઊંધં માથું મૂકી નિરર્ગળ

રોઇ. પતિવ્રતાધર્મ પ્રમાણે આ રોવું અયોગ્ય ગણતી ગણતી પણ રોવું ન ખાળી શકી અને ટેબલ પરથી માથું ઊંચું કરી લઇ લેતી ગણગણી :

‘ન કિલ ભવતાંમ દેવ્યા ગૃહેડમિમતં તતસ્‌

તૃણમિવ વને શૂન્યે ત્યત્કા ન વાપ્યુનુશોચિતા । ચિરાપરિચિતાસ્તે તે ભાવાઃ પરિદ્રવયન્તિ મામ્‌

ઇદમશરણૈરદ્યાપ્યેબં પ્રસીદત રુદ્યતે ।।૨

‘ઓ પવિત્ર ગંભીરતાના શિખર રામચંદ્રજી ! તમારેયે આવું હતું તો મારી અબળા - બાળકી - અજ્ઞાની જંતુની આ અવસ્થા ક્ષમા કરજો !

મારાથી નથી રહેવાતું - નથી સહેવાતું આ જીવવું ! ઓ ઇશ્વર !’

આમ કહે છે એટલામાં ઘરમાં પેસતા વાતો કરતા નવીનચંદ્ર અને બુદ્ધિધનના સ્વર સંભળાયા. આવી વૃત્તિને સમયે નવીનચંદ્રના સ્વરે મુગ્ધા પર કાંઇ નવીન અસર કરી નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર હોય કે ન હો પણ કુમુદના મનમાં તો ખાતરી થઇ હતી કે એ તો એ જ - બીજું કોઇ નહીં.

પુર્વસંસ્કાર તેના મનમાંથી ખસતા ન હતા. મદનનો એણે તિરસ્કાર કર્યો હતો પણ સ્નેહ દૂર થઇ શકતો ન હતો - અને મદનના ભણીની પણ એટલી જ બીક હતી. ‘સરસ્વતીચંદ્ર ! - નવીનચંદ્ર - સરસ્વતીચંદ્ર -

આપણો આવો સંબંધ તે ઇશ્વર શું કરવા ઘડ્યો હશે ? - અરેરે ! દુષ્ટ હ્ય્દય

હ્ય્દય ! બાહ્ય સંસારને અનૂકૂળ થઇ જતાં તે તને શા ઘા વાગે છે ? હે ભગવાન ! મારા ઉપર તે આ શો કોપ ?’ તેનું મુખ ગરીબડું બની ગયું.

તેનું અંતઃકરણ ડસડસી રહ્યું. અંતરથી બહાર નીકળતા રોવાનું બળ અને બહારથી તેને ખાળી રાખવાનું બળ : જાણે કે એ બે બળની વચ્ચે આવી ગયો હોય તેમ નીચલો ઓઠ બહાર વળી ફરફડવા, રોવા લાગ્યો અને અવશ હાથ લખવા લાગ્યો :

‘પૂર્વ જન્મનો સંબંધી તે ખડો હ્ય્દયમાં થાય

જીવતી પણ જડસમી પ્રિયમૂર્તિ જોઇ નયન અકળાય !

પરિચિત પ્રિય રહી ઊભો પાસે નહીં બોલે ! - નહીં બોલું !

અપ્રસંગ ભજવતું ચિરાતું મર્મસ્થળ ક્યાં ખોલું ?’

ગાલે હાથ દઇ લખેલું અને આંખો લોહતી લોહતી વળી સજજ બની લખવા બેઠી :

‘ધર્મ તણે વશ શરીર જડ તો રહી શકે જડ - સાચે !

પણ ચેતન મન કહ્યું ન માને - નહીં ધર્મને ગાંઠે.

એક ભવે ભવ બે, નદજુગના, જેવા, સંગમ પામે તે વચ્ચે તરતી અબળાનો છૂટકો તો જીતે જાતે !’

છેલ્લાં બે પદ ગાતી ‘હાય ! હાય !’ કરતીએ કલમ દૂર નાંખી; અને ખુરશીની પીઠ ભણી અવળી ફરી, વિશાળ મેડી પર અને સામી બારી બહારના અંધકાર પર દૃષ્ટિ કરતી બેઠી.

‘પરિચિત પ્રિય રહી ઊભો પાસે નહીં બોલે ! નહીં બોલું’ એ પદ

વારંવાર ગાતી ગાતી ‘શું એમ જ ? હાય ! હાય !’ એમ કરતી જાય અને રોતી જાય. ‘ઓ મારા સરસ્વતીચંદ્ર - મારે તમારે બોલવા વ્યવહાર સરખો પણ નહીં - હાય ! હાય ! એ તે કેમ ખમાય ?’ એમ કરી આવેશમાં ને આવેશમાં ખુરસીના તકિયા પર માથું કૂટ્યું. મનની વેદનામાં શરીરની વેદના જણાઇ નહીં : ક્ષણવાર ત્યાં ને ત્યાં જ માતું રહ્યું અને દુઃખમાં મીંચાયેલી જાગ્રત આંખ આગળ વળી સરસ્વતીચંદ્ર આવી ઊભો. વિદ્યાચતુરને ઘેર એના પ્રથમ પ્રસંગે ચિતાર બિડાયેલી પાંપણો વચ્ચે તાદૃશ થયો અને પ્રથમ

પત્રમાં લખેલો.

ધન્યાસિ વૈદર્ભિ ગુણૈરુદારેર્યયા સમાકૃષ્યત નૈષધોડપિ । અતઃ સ્તુતિઃ કા ખલુ ચન્દિરાકાયા યદબ્ધિમપ્યુત્તરલીકરોતિ ।। એ શ્લોક ગાતો ગાતો હસતો હસતો શરમાતી નિમીલિન સ્મિત કરતી મુગ્ધાને હાથ હાથમાં લેતો સરસ્વતીચંદ્ર સ્વપ્નની પેઠે કુમુદસુંદરીએ

મીંચેલી આંખોથી જોયો, અંતરમાં પ્રસન્ન પ્રફુલ્લ થવા છતાં ગભરાઇ, અને એ સ્વપ્નાનંદમાંથી સટકી ઉદાસવૃત્તિથી આંખ ઉઘાડતી ઉઘાડતી માથું ઊંચું કરતી કરતી ગાવા લાગી :

‘પૂર્ણ પામી વિકાસ મુખ મુજ હાસ કરતું પ્રેમથી, તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સામો હસી; ને કરંતો મંદ મંદ ઘુઘાટ ભર આનન્દશું

ફેંકી તરંગો મુજ ભણી ધીમે ધીમે નાચંત શું !’૧

સરસ્વતીચંદ્રને આવા સિન્ધુનું રૂપ આપતાં રમ્ય વિચારો મસ્તિકમાં તરવરવા લાગ્યા, પૂર્ણિમાની ‘ચંદા’ જેવા કુમુદસુંદરીના મુખ પર મધ્યરાત્રે એકાંતમાં ચંદ્રિકા જેવું શાંત રમણીય સ્મિત છલકાવા લાગ્યું અને ઘડીક ઉઘાડી અને ઘડીક મીંચેલી આંખો રાખી ગાયેલી કવિતા તે વારંવાર ગાવા

લાગી અને શોકને સ્થળે આનંદ સ્ફુરવા - ઊભરાવા - દશે દિશાએ રેલાવા

- લાગ્યો !

‘ને કરંતો મંદ મંદ ઘુઘાટ ભર આનંદશું

ફેંકી તરંગો મુજ ભણી ધીમે ધીમે નાચંત શું ?

ફેંકી તરંગો - તરંગો - મુજ ભણી - ભણી - નાચંત શું !’

બોલતાં બોલતાં મુખ દીન થઇ ગયું : ‘ખરી વાત. મેં તે એવાં શાં પુણ્ય કર્યાં હોય કે એવા મહાત્મા સાથે એથી વધારે સંબંધ રહે ? એટલું

લીંબુઉછાળ રાજ્ય રહ્યું તેટલું ભાગ્ય મારા જેવીને ઓછું ન હતું.’ મોં પર શોકના શેરડા પડ્યા, ગૌર ગાલ દુઃખથી વિવર્ણ (ફિક્કા) થઇ બેસી ગયા જેવા થયા, અને હ્ય્દયનો ઊંડો નિઃશ્વાસ મુખમાંથી નીકળી આખી મેડીને -

આખા જગતને પાછો શોકમય કરવા બેઠો - પ્રવર્તમાન થયો. આનંદનો

ચમકારો પૂરો થઇ રહેતાં પળવાર હસેલી રાત્રિ, હતી એવી અંધારી બની.

એવામાં નવીનચંદ્રે મેડીનું બારણું સપટાવ્યું અને સાંકળ દીધી તેનો ખડખડાટ કુમુદસુંદરીના કાનમાં આવ્યો અને એ ચમકી. માનવીની વૃત્તિ અનુકૂળતા ન હોય ત્યાંથી શોધી કાઢે છે તો અનુકૂળતા પોતાની મેળે જ દોડી આવે ત્યાં વૃત્તિ વિચારનું કહ્યું કરે એ મહાભાગ્યની પરિસીમા વિના બનતું નથી. ચમકેલા ચિત્તે - કાને - નેત્ર પર બળાત્કાર કર્યો અને તે બે

મેડી વચ્ચેના દ્ધાર ભણી વળ્યું - તો સાંકળ ન મળે ! કુમુદસુંદરી ! નવીનચંદ્ર

સરસ્વતીચંદ્ર છે એ વિચારે તારું મસ્તિક ભમાવ્યું ? પ્રમાદધન અને કૃષ્ણકલિકાવાળા આજના જ બનાવે તારું પતિવ્રત શિથિલ કર્યું ? એકાંત, અનુકૂળતા અને વૃત્તિ, ત્રણનો સંગમ થયો ?’ ‘મારા જેવી સામાની વૃત્તિ નહીં હોય તો ?’ આ ભીતિ ઘણાંક વિષયાંધને સદ્‌ગુણાસાધક થઇ પડે છે.

મુગ્ધા, તારામાં એ ભીતિ હતી ? જો મારા પર હજી પ્રીતિ ન હોય તો સરસ્વતીચંદ્ર ઘરબાર છોડી અત્ર આમ શું કરવા આવે ?’ એ વિચારે તારા

મનની ભીતિ દૂર ન કરી ? પરવૃત્તિ પોતાની વૃત્તિનો પ્રતિધ્વનિ કરે છે તે ભાનથી જ એકદમ મન્મથ નિરંકુશ બની તનમનાટ નથી મચાવી મૂકતો ?

ભૂત અને વર્તમાન પતિને સરખાવતાં ભૂતકાળનો પતિ શું અત્યંત મોહક ન લાગ્યો ? તેની સાથે થયેલા પૂર્વ પ્રસંગે શું હ્ય્દયને મૂર્છા ન પમાડ્યું ?

વાંચનાર, તારા અંતઃકરણને - તારા અનુભવને - કહે કે આ સર્વનો ઉત્તર ખરેખરો આપે. પાંસુલ ! તારો ઢાંક્યો અનુભવ ઉઘાડી દે અને આ અવસ્થાની ખરી કિંમત કરવાું સાધન આપ. વિશુદ્ધ ! તારો ક્વચિત્‌ ખૂણેખાંચરે પડેલો

પ્રસંગ સ્મરણમાં આણી આ અવસ્થાની ભયંકરતા - દુસ્તરતા બરોબર સમજાવ.

સર્વથા અનિવાર્ય દશાપાશમાં પડેલી અબળા બાળકી પર દયાભરી, અમીદૃષ્ટિથી જો, એ અનિવાર્યને નિવારનાર સક્તિ પાસે માગ કે સદ્‌બુદ્ધિનો જય કરે.

તું બ્રાહ્મણ હોય તો ગાયત્રી ભણ - બ્રાહ્મણની પ્રાર્થના સદ્‌બુદ્ધિનો જ ઇચ્છે છે - તેનું સર્વસંહારી બ્રહ્મત્વ તેમાં ગાયત્રી ભણ - બ્રાહ્મણને સદ્‌બુદ્ધિ વિના બીજું કાંઇ જોઇતું નથી. પવિત્ર ગાયત્રી ! બ્રહ્મણપુત્રીની તારા તેજથી છાઇ

દે. તું એમ કરશે ? - તે તો સર્વજ્ઞ જાણે. માનવી જેટલી ઇચ્છાઓ રાખે છે એ સર્વ સફળ થવાને જ નિર્માઇ હોય એમ કાંઇ જગત જોતું નથી.

વિશુદ્ધિ સદૈવ રહશે ? લક્ષ્મી ચંચલ છે તો વિશુદ્ધિ ચળ પણ નહીં

હોય ? ઇશ્વર રાખે તેવી ખરી. મૂર્ક અને ધૂર્ત માનવી ! અભિમાન અને દંભ ઊભયને છોડી દે. એટલો તો સુજ્ઞ અને સાધુ થા ! સામાને શિખામણ દેનાર ! પોતાની જ અંતઃપરીક્ષા કર.

ગરીબ બિચારી કુમુદ ! તે ઊઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઇ.

પાછી આવી. બે વાર ગઇ અને બે વાર પાછી આવી. સદ્‌ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ખુરશી પર બેઠી. ‘જ્ઞાન

મને ગમતું નથી.’૧ - ‘ગુણહીન ગોવાળિયા લોકજ્ઞાન નથી પામતે રે’૨ એવું એવું ગાતી વળી ઊઠી - સાંકળે હાત અડકાડ્યો - લઇ લીધો અને પાછી આવી ખુરશી પર બેઠી અને ટેબલ ઉપર ઊંધું માથું નાખ્યું. વિચારશક્તિ વીર્યહીન - નપુંસક બની ગઇ. ‘તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સામો હસી - ફેંકી તરંગો મુજ ભણી -’ આ પદમાં કલ્પનાપક્ષી પકડાયું.

‘આ વિશાળ વક્ષઃસ્થળમાં સમાસ પામવો - આ તરંગ - હસ્ત - ભુજ ફેંકાઇને મને સહાય’ એ અવસ્થાની અભિલાષરૂપ રમણીયતા ઊંધા પડેલા

મસ્તિકને ભોળવવા - લલચાવવા - ભમાવવા લાગી. વિચારમાં પડી, વિચારનું નિવાસન (દેશનિકાલ) જોઇ, ઓઠ પર આંગળી મૂકી એક પણ ખુરશી પર અને એક નીચે એમ રાખી તે ઊભી.

બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે વનલીલાનું સાસરું હતું. વનલીલાને સાસુસસરો હતાં નહીં. આ પ્રસંગે તે અગાશીમાં પવનમાં સૂતેલા પતિનું

માથું ખોલામાં લઇને તેને નિદ્રાવશ કરતી કરતી ગાતી હતી તે સ્વર તૂટકતૂટક ઘડીઘડી નિ-શબ્દ જગતના વાયુની પાંખ ઉપર બેસી કાન ઉપર આવતા હતા અને કુમુદસુંદરીને નવરાઘી દઇ કંપાવતા હતા :

‘ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ !

તમ માટે ગાળી મેં જાતડી, બિહારીલાલ !’૩

કુમુદસુંદરીનું મોં વીલું થઇ ગયું. થોડુંક ન સંભળાયું. ‘એણે મારે સારુ આ ગાળી - મેં શું કર્યું ?’ એ વિચાર થયો. વળી સંભળાયું :

‘તાલાવેલી લાગી તે મારા તનમાં બિહારીલાલ !

કળ ના પડે રજનીદિનમાં, બિહારીલાલ !’૩

નિ-શ્વાસ મૂકતાં પોતાને લાગેલી તાલાવેલી સમજાઇ - ન સહેવાઇ

અને મુખ મૂક થઇ ગયું. રંગીલું ગીત વળી વાઘ્યું :

‘બાંધી પ્રીતડી તે તો સદૈવુ પાળીએ, બિહારીલાલ

સલિલમીનતમી રીત રાખી રાચીએ, બિહારીલાલ !૩

વનલીલાના કોમળ ગાનની અસર શી કહેવી ?

‘બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીએ -’

એ બરોબર ધ્યાનમાં બેસી ગયું. ઓઠ ઉપરથી આંગળી ખસી અને કર્તવ્યનો નિર્ણય કરતો હાથ છૂટો થયો અને પડ્યો ! કુમુદસુંદરી ઉપર

મદનનું સામ્રાજ્ય થઇ ગયું - તેના મસ્તિકમાં, હ્ય્દયમાં અને શરીરમાં એની આણ વર્તાઇ ગઇ. નિ-શંક બની તેણે ખુરશી તજી અને ઉઘાડી સાંકળ

ભણી દૃષ્ટિ કરી પગ ઉપાડ્યો.

આ પ્રસંગે પ્રત્યેક પગલું ભરતાં તેણે વાર કરી અને પ્રત્યેક પગલાની સાથે તેના મન અને શરીરની અવસ્થાઓ પલટાઇ કંઇ કંઇ વિચારો તેને

ચમકાવવા લાગ્યા, કંઇ કંઇ અભિલાષો તેનું કાંડું પકડવા લાગ્યા. કંઇ કંઇ

આશાઓએ તેને હડસેલી, કંઇ કંઇ સ્વપ્નોએ તેને ભમાવી, કંઇ કંઇ પ્રકારનો નશો તેને ચડ્યો, કંઇ કંઇ લીલાંપીળાં તેણે જોયાં અને કંઇ કંઇ સત્ત્વ ભૂત

- તેની દૃષ્ટિ આગળ નાચવા લાગ્યાં. અબળાબુદ્ધિએ મદનની ‘મરજાદ’

પાળી અને પોતાનાં સર્વ બાળકવને જેમનાં તેમ રહેવા દઇ ઘૂંઘટો તાણી ક્યાંક સંતાઇ ગઇ. ભીમ વિકારના ત્રાસથી થાકેલું દુર્યોધન જ્ઞાન જડતાના સરોવરને તલિયે ડૂબકી મારી ગયું. પૃથ્વીને પગ તળે ચાંપી નાંખી આખા બ્રહ્માંડમાં ઝઝૂમતો એકલો હિરણ્યાક્ષ ત્રાડી રહ્યો હતો. સૃષ્ટિમાત્રને નિર્જીવ કરી દઇ પ્રલયસૂર્ય આખા વિશ્વમાં અગ્નિનો વર્ષાદ વર્ષાવી રહે એમ પવિત્ર સુંદર કુમુદસુંદરીને ભાનહીન અસ્વતંત્ર કરી નાંખી મનોભાવ બળવાન અબળાને સર્વત : નિર્દય પરાભવ કરવા લાગ્યો. અને તે કેવળ જડ જેવી અશરણ -

અનાથ - બની ભાસી.

અધૂરામાં પૂરો વનલીલાનો ઉતાવળ કરતો સ્વર સંભળાયો :

‘શરદની રાતલડી અજવાળી રે

કહાના, તારો કીકી કામણગારી રે’

છેલ્લું પદ બેત્રણ વખત સંભળાયું. પતિને ખભે હાથ મૂકી તેની આંખો સામું જોઇ તેને મેડીમાં ખેંચતી આંખોના પલકારા કરતી હસતી વનલીલાના હાસ્યમાં ભળી જતા, વધારે વધારે દૂર જતા, ઓછા ઓચા સંભળાતા, ઉતાવળા, ઘસડાતા, સ્વર, ‘કહાના, તારી કીકી કામણગારી રે

- કહાના દતારી કીકી કામણગારી રે - કહાના. તારી કી-’ એટલે આવી વિરામ પામ્યા. વનલીલાની અવસ્થાની ઇર્ષ્યા કરતી, પોતાના કહાનાની કીકી સ્મરી તેના કામણને વશ થતી, કુમુદસુંદરી હશે ખરેખરી ચસકી -

અને પોતાના હાથમાં પણ ન રહી.

મૂળ આગળ - ઘણે છેટે - થયેલા પુષ્કળ વર્ષાદના બળથી જમાવ પામી ધસી આવતા પૂરને બળે ઊભરાઇ જઇ - ફેલાઇ જઇ - શાંત અને

પ્રશન્ન સરિતા એકદમ મલિન થઇ જઇ અસહ્ય અનિવાર્ય વેગથી ખેંચાતી હોય તેમ ધસે; વાયુના ઝપાટાની ઝપટથી, રમણીય મંદ લીલા કરતી સુમલતા (ફૂલની વેલી) હલમલી જઇ અચિંતી કંપવા માંડે : તેમ કુમુદસુંદરી પરસ્વાધીન થતાં તેને ચમક થઇ હોય તેમ તેનું આખું શરીર પળેપળે ફુવારાની ઉચ્ચ

ધારી પેઠે ચમકવા - ઊછળવા - લાગ્યું, ઇષ્ટજન અને પોતે બેની વચ્ચે થોડુંઘણું દેશકાળનું અંતર હજી સુધી રહેતું ન ખમાતાં અધીરા બનેલા કપાળ

ઉપર કરચલીઓ પડી અને ફરકવા લાગી - જાણે કે ત્યાં આગળ મદન

મહારાજે ધ્વજા ચડાવી દીધી હોય અને ફરકવા લાગી - જાણે કે ત્યાં આગળ દર્પથી જગતનો તિરસ્કાર કરી ફરકતી ન હોય ! મસ્તિકમાં નાચતા નિશાચર મદનની આડીઅવળી પદપંક્તિ પડી હોય, અંતર ભરાઇ રહેલા સરસ્વતીચંદ્રના કલ્પનાભૂતના ફાટા પગ બહાર દેખાઇ આવ્યા હોય, તેમ

બેયે વિલ્વળ ભમ્મરો ભાંગી ગઇ અને પોતાના પર પડતી પારકી મલિન દૃષ્ટિને પ્રતાપથી દૂર રાખવાની પવિત્ર શક્તિ જતી રહેતાં જાણે કે નવી અશક્તિ આવી હોય તેમ જાતે જ અપવિત્ર બની શિથિલવિથિલ દેખાવા

લાગી. એ ભમ્મરનું જોર નીચું ઊતરી પગમાં થઇને જતું રહ્યું હોય તેમ

‘તાણાવેલી લાગી તે મારા તનમાં, બિહારીલાલ !’

એમ વિકળ મોં વતે બોલી જમીન ઉપર પગની પાની વડે અચિંત્યો જોરથી ઠબકારો કર્યો અને વિશુદ્ધિને ઠેસ મારી. પોતાની અને ઇષ્ટજનની વચ્ચે ભીંત કે બારી કાંઇ પણ ન હોય તેમ તેને જોતી હોય એવી - અહુણાં ને અહુણાં તેને પ્રત્યક્ષ જોવા પ્રયત્ન કરતી ખેંચાતી, ખેંચાઇ જતી એક જ કર્મ કરતી - અકર્મ - આતુર અને અધીરી આંખો ધીમા ચાલનારા શરીરથી પણ પહેલી દોડી જઇ દષ્ટદર્શન શોધતી શરીર પાછળ મૂકી અંતરથી નીકળી પડવાનું કરતી હતી : તે જાણે કે - સામી મેડીમાંના ચંદ્રને બળે આકર્ષાતા તન-મન સાગરમાનું મીનયુગ આકર્ષાઇ અગાડીમાંના અગાડીના ધપેલાં મોજાંને

માથે દેખાઇ આવ્યું ન હોય ! - સામી મેડીના પ્રદેશના કિનારા જેવી બારી પર ઊભેલા માછી મદનના હાથમાંની સૂક્ષ્મ અદૃષ્ય જાળમાં ભરાઇ જવું પવિત્રતાના સાગરમાં રહેનારું મીનયુગ અપવિત્ર હવામાં ખેંચાઇ - તરફડિયાં

મારી થાકી વૃથા પ્રયાસ છોડી - નિર્જીવ બનવાની તૈયારી પર આવી પવને

પ્રેરેલા ભૂતસંસ્કારના તરંગોના જ હેલારાથી માછી ભણી ધકેલાાતું ન હોય

! ઇષ્ટ વસ્તુ જોઇ રહેલી કીકીને બીજું કાંઇ જોવા જ ન દેવું એવો નિર્મય

કર્યો હોય, બાહ્ય સંસારમાં સ્ફુરતા જ્ઞાનનું કિરણ પણ પોતાના ચેતન ભાગની અંદર સરવા ન પામે તેવો માર્ગ પકડ્યો હોય, પોતાનાથી આડુંઅવળું ભૂલેચૂકે ફરકાઇ ન જવાય એવી સાવચેતી રાખી હોય, અને અંતરથી ઊછળતું

જ્ઞાન ઊભું જ ન થઇ શકે એમ તેને માથે જડ ભારરૂપ થઇ જવા પોતે જ ભારત યત્ન કર્યો હોય : તેમ આખી આંખ રૂઢ સંકોડાઇ ગઇ - અને

‘કહાનાની કામણગારી કીકી’નું જ પ્રતિબિંબ તેમાં અદૃશ્યે વ્યાપી રહ્યું. હજી

કુમુદસુંદરી ઝીણું ઝીણું ગણગણાતી હતી, ખભા મરડતી હતી, લહેકા કરતી હતી અને ‘કહાના’ અને ‘કીકી’ શબ્દો પર ભાર મૂકતી હતી :

‘કહાના ! તારી કીકી કામણગારી રે

કહાના ! તારી કીકી કામણગારી રે

કહાના ! કીકી તારી કામણગારી રે

કહાના ! તારી કીકી કામણગારી રે... ...

‘કામણ’ શબ્દપર ભાર મૂકતાં મૂકતાં તર્જની વડે તર્જન કર્યું અને નીચલો હોઠ કરડી દાંત પણ કચડ્યા.

બારી પાસે આવી તેમ તેમ આટલી ક્રિયા પણ બંધ થઇ ગઇ.

આંખો ઉઘાડી છતાં દૃષ્ટિક્રિયા વિરામ પામી હોય - તેમ ભાતભાતનાં લીલાંપીળાં દેખાવા માંડ્યાં. તમ્મર ચડી હોય તેમ આખી મેડી નજર આગળ ગોળ

ફરવા - તરવા - માંડી અને સામી ભીંત પળવાર હીંચકા ખાતી લાગી, પળવાર કંપતાદર્પણમાં દેખાતી હોય તેમ નાની મોટી થતી લાગી. ‘હવે શું રોવું ?’ કરી આંખમાંનું પાણી સુકાઇ ગયું. કાનમાં પ્રથમ તો રાત્રિની ગર્જના જેવો તોરીનો સ્વર ટકટકારો કરી રહ્યો અને પ્રાણયામ જાતે ઉત્પન્ન થયો. બોલવું, ગણગણવું, શ્વાસ લેવો - સર્વ છોડી માં ઇધઉઘાડું રહી ગયું અને ઉપર નીચે ન હાલતી ન ચાલતી દાંતની હારો રહી ગઇ - જાણે કે

મદનચિતામા મૂકવા સારુ શબ જ ગોઠવી મૂક્યું હોય અને એ ચિતા પૂરેપૂરી તૈયાર થવાની વાટ જોવાતી હોય ! સેનાધીશના શંકનાદની સૂચના સાંભળવા સ્થિર ઊંચી ડોક કરી વીરસેના ઊભી હોય ! સેનાધીશના શેખનાદની સૂચના સાંભળવા સ્થિર ઊંચી ડોકી કરી વીરસેના ઊભી હોય અને મરણના મુખમા કૂદી પડવાની વાટ જ જોઇ રહી હોય તેમ સુંદર કંટ ઉત્કંટ અને નિશ્ચલ

બની ગયો. પાપકૂપમાં પડવા તેના ખોડ ઉપર ઊભી રહી કૂવામાં ડોકું કરી પડવાની તે તૈયારી કરતી હોય તેમ તેના નાજુક અને નાગ જેવા હાથ નાગફણા પેઠે જ ઉપસ્થાન કરી રહ્યા અને ધ્રૂજવા લાગ્યા. કોઇ જોર કરી બારણું ઉઘાડવાની આજ્ઞા કરતું હોય અને અનિચ્છાથી તે માનવી પડતી હોય, બારી ઉપર હાથેલી વડે થાપા દેવા હોય - તેમ કંપની બાળકના જેવી આંગળીઓ પહોળી રાખી બે હાથે બારી હાથેલીઓ દેખાડી; - પણ આવા કર્મનાં અપરિચિત કાંડાં, એમાં આશ્રય આપતાં હામ જતી રહી તેમ,

લૂલાં પડી ગયાં; અને હાથેલીઓ નિરાધાર હોય તેમ, ચતી રહેવાનો યત્ન કરવા છતાં, લટકવા લાગી. આતુરતાથી ઊંચું થતું, અવશતાથી કંપતું,

લજ્જાથી સંકોચાતું, આશાથી તળે ઉપર થતું, કામાર્તિથી વેગવાહી બનતી નાડીઓમાં વેગથી ધડકતા રુધિરના ઉછાળાઓથી ફરકતું, સૂક્ષ્મતર થતા, પટુતર થતા જ્ઞાનતંતુઓની સર્વાંગી અને આવેશભરી સ્ફુરણાથી ઊભી થતી રોમરાજિના મૂળે મૂળે આગળ અને શિખરે શિખર ઉપર ઉદ્દીપ્ત થતું, વારાફરતી

ચળકાટ અને વિવર્ણતા ધરતું નાનુંસરખું પણ અગણિત મહાવિકારોને સમાસ આપતું, જાતે એક પણ અનેકવૃત્તિમય થતું, ચેતન છતાં જડતાને સ્વીકારતું, પવિત્ર છતાં અપવિત્રતા ભણી ઊલટતું, પ્રમાદધનનું હોવા છતાં સરસ્વતીચંદ્રની સત્તા માનતું, અને સ્થિર થવા - ક્રિયામાં સંક્રાંત થવા - દેખાઇ આવતા પણ વૃથા પ્રયત્ન કરતું, અસ્થિર, કિયાહીન, દીન અને વિલ્વળ અંગ ઉત્તમાંગના આધારભૂત થવાને બદલે જાતે અગાડી ધપતા ઉત્તમાંગને જ આધારે પાછળ

પડી - છૂટું ન પડતાં - નીચે લટકી રહ્યું હોય એવો વિકાર અનુભવતી બાળા નખથી શિખ સુધી થરથરવા લાગી, વાંચેલા મદનજ્વરના સ્પષ્ટ

પ્રયોગની પાત્ર થતી થતી બળી બળી થવા લાગી, અને મરણ પ્રત્યક્ષ ઊભું હોય તેમ બેબાકળી (ભયવ્યાકુળી) અને વીલી બની. તેના સુંદર પ્રફુલ્લ

ગાલસંપુટ મુખમાં ચુસાવા લાગ્યા. પક્વ બિમ્બૌષ્ટ વિવર્ણ બન્યા અને

માઘમાસની ઠંડીને વશ હોય તેમ સંકોચાઇ ત્ર્હેંકાઇ ગયા. આંખો બાડી થઇ

અને સુંદર મુખ કદ્ધૂપું અને પ્રેતના જેવું ભયંકર થયું. માત્ર આ સર્વ વિકૃતિનું તેને પોતાને દર્શન ન થયું. - ભાન ન રહ્યું - જાણે કે આત્મભાન વિનાનું સર્વશઃ ન હોય ! આત્મભાનની ન્યૂનતા એ જ ઉત્કર્ષની બાધક છે.

કુમુદસુંદરી આમ દ્ધાર ઉઘાડવા ગઇ. દ્ધારથી આણીપાસની સાંકળ

ઉગાડવી એના હાથમાં હતી. પેલી પાસની સાંકળ કૃષ્ણકલિકાએ ઉઘાડી હતી - વાસી ન હતી; આ તેનું સખીકૃત્ય કુમુદસુંદરીના અપભ્રંશને અતિ અનુકૂળ લાગ્યું. કુમુદસુંદરી ! તું સાંકળ કેમ ઉઘાડતી નથી ? દ્ધાર આગળ

હથેલી ધરી છતાં કેમ ધક્કેલતી નથી ? આની આ દશામાં જુગના જુગ વીત્યા છતાં સ્તબ્ધ - અકર્મ - તું કેમ ઊભી રહી છે ? આમ કેટલી વાર તું ઊભી રહેશે ? શું તને નિંદ્રા નથી આવતી રાત્રિના બાર વાગી ગયા છે. શું તને કોઇ અટકાવે છે ? દેખાતું તો કોઇ નથી. રસ્તા પરની બારીમાંથી આવતા પવનને લીધે ટેબલ પર કંપતા દીવાએ કુમુદસુંદરીની ઉઘાડવાની બારી ઉપર જ પાડી હતી. કુમુદસુંદરી સ્તબ્ધ હતી પમ તેની છાયા દીવાની જ્યોતને અનુસરી હાલતી હતી. એ છાયાનું કદ કુમુદસુંદરી કરતાં મોટું હતું. બારી ઉઘાડવા પ્રસારેલી હાથેલીની છાયા સાંકળ આગળ

હતી અને તે પણ કશાની ‘ના ના’ કરતી હોય તેમ હાલતી હતી.

કુમુદસુંદરી ! શું તું અનાથ છે ? શું તારી વિશુદ્ધિનું આવી ચૂક્યું

? શું બહારના ભયથી મુક્ત થઇ - એકાંત પ્રમાદધનશૂન્ય મેડીમાં - સૂવા વારો આવ્યો એટલે તારી વિશુદ્ધિ ચળી ? શું તારી વિશુદ્ધિનો અવકાશ

પ્રસંગની ન્યૂનતાને લીધે જ આજ સુધી હતો ? અરેરે ! શું ઇશ્વર વિશુદ્ધિનો સહાયભૂત નથી થઇ પડતો - શું તે તારા જેવા શુદ્ધ સુંદર હ્ય્દયવાળી અબળાને મહાનરકમાં પડતી જોઇ જ રહેશે અને તને તારવા હાથ સરખો નહીં ધરે ?

કમાડ ઉપર પોતાની છાય પડેલી જોવા મદન-અંધા અશક્ત નીવડી.

આ લોક અને પરલોકની તિરસ્કાર કરી, લજ્જાને લાત મારી, ભયને હસી કાઢી, વિશુદ્ધિને મૂર્છા યમાડી, અને હ્ય્દયને સૂતું વેચી, સામેનું દ્ધાર ઉઘાડવાનું સાહસ કરવા વિષમય નાગ જેવો હાથ ધસ્યો ! હાથમાં જીવ આવ્યો -

દેશનું અંતર પળવારમાં કાપી પોતાની પ્રિય પુત્રીની ઉગારવા ગુણસુંદરીનો શુદ્ધ વત્સલ આત્મા છાયા પોતાની માતા જેવી લાગી અને ધસેલા હાથને ઝાલતા જેવો છાયાહસ્ત સામો ધાયો. હાથ દ્ધારને અડકતાં જ કુમુદસુંદરી ભડકી અને એકદમ હાથ પાછો ખેંચી લઇ ઊભી. મચ્છેન્દ્રે ગોરખને અચિંત્યો જોયો તેમ પોતે પણ છાયા ભણી ફાટી ભડકેલી આંખે જોઇ, દીન બની, હાથ જોડી આંગળીઓમાં આંગળીઓ પરોવી ઊભી. ભરતી બીજી પાસ વળવા લાગી. નવો જીવ આવ્યો અને દુર્યોધનની ભરસભામાં અશરણ બનેલી દ્રૌપદીનું રક્ષણ કરવા દ્ધારિકાથી કૃષ્ણ આવ્યા ને સર્વને અદૃશ્ય પણ પોતાને દૃશ્ય દીનબંધુને અચિંત્યા જોતાં પાંચાલીને હર્ષ થયો હતો તેનાથી અનેકધા વિશેષ હર્ષ પામતી અદૃશ્ય પવિત્ર જનનીમૂર્તિ દેખતી બાળા માતા જેવી છાયા સામું જોઇ રહી, અને પોતાની લજ્જા ઢાંકવા આવેલી જનની આગળ નીચું જોતી આંખમાંથી આંસુની ધારા લાગી. મુખ માત્ર છિન્નભિન્ન સ્તવન કરી રહ્યું : પોતે શું કહે છે, કોને કહે છે તેનું ભાન ન રહ્યું : યદ્‌ચ્છાવસ્તુ જીભ પર નાચી રહી.

‘અનાથકને નાથ ! ઓ ધાયે ! પ્રભુ અનાથકે નાથ ! (ધ્રુવ)

શ્રીકૃષ્ણ પોઢ્યા દ્ધારિકામાં, ઝબકીને જાગ્યા શ્રીનાથ !

તત્ક્ષણ ઊઠીને ઊભા થયા, પ્રભુ ચૌદ લોકના નાથ, ધાયે૦૧

રુક્મિણી લાગ્યાં પૂછવા : ‘સ્વામી, કો કારજ છે આજ ?’

- ‘પાંચાલી પાંડવતણી ! તમે શેં ન જાણો એ વાત ? ધાયે૦૨

આજ મારી દાસીને મહાદુઃખ પડ્યું મારે તત્ક્ષણ જાવું રે ત્યાંય !’

ગોવિંદ કહે : ‘લાવો ગરુડને, મને પછી પૂછજો રે વાત!’ ધાયે૦૧

ગરુડ મૂક્યો મારગે, જાણ્યું રખે પડતી રાત !

‘નરસૈંયાચા રે સ્વામી સંચર્યા રે, દ્રૌપદીએ નીરખ્યા શ્રીનાથ !’

‘ધાયો પ્રભુ અનાથનકો નાથ -

ધાયો પ્રભુ અનાથનકો નાથ !

ધાયો ધાયો તું પ્રભુ અનાથનકો નાથ !’

‘હા ધાયો - ધાયો - તું વિના બીજું કોમ આમ મારી વહારે ચડે

? ઓ મારા પ્રભુ !’ છેલ્લી કડીઓ ઊંચું જોઇ, હાથ જોડી, બોલકતાં બોલતાં, જીભને જોર આવ્યું, મોં મલકાઇ ગયું, સ્વર કોમળ મધુર થયો, આંખો ચળકવા લાગી. પવિત્રતાની પેટીઓ જેવાં સ્તનપુટ ઉત્સાહથી ધડકવા

લાગ્યાં અને રોમેરોમ ઊભાં થયાં. ‘દ્રૌપદીએ નીરખ્યા શ્રીનાથ’ કહેતાં કહેતાં હ્ય્દય નવી આશા - નવા ઉમળકા-થી ફૂલ્યું અને છાયા ભણી સ્નિગ્ધ ભીની આંખ જોઇ રહી. માતાને બાઝી પડતી હોય તેમ છાયા ભણી હાથ પ્રસાર્યા.

ઉપકારનાં અનિવાર્ય આંસુ બંધ ન રહ્યાં. ખાળ્યાં પણ નહીં, અને માતા જેવી છાયાને પગે પુષ્પવૃષ્ટિ પેઠે પડ્યાં. શાંત થતી ઉપકારથી સ્ફુરતી છાતી પર હાથ મૂકતી ગાયેલું ફરી ફરી ગાવા લાગી અને બીજે હાથે દ્ધારની સાખ પકડી હાંફતી હાંફતી ઊભી રહી. કંપતી કાયાને ટેકવનાર

મળ્યું. રાક્ષસના હાથમાંથી છોડવી માતા પુત્રીને છાતીએ દાબતી હોય તેવી પુત્રીની સ્થિતિ અનુભવમાં આવી. ઇશ્વર કયે માર્ગે રક્ષણ કરશે તેની કલ્પના કરવા ક્ષુદ્ર માનવી ક્યાંથી પામશે ?

ઉપકારનો ઊભરો શમવા આવતાં તેમાં પ્રશ્ચાત્તાપનો પ્રવાહ ભળ્યો.

રોતી - આંસુના પટથી ઢંકાતી - આંખ પવિત્ર હ્ય્દયને વશ થઇ અને હ્ય્દય

સ્વતંત્ર થવા પામ્યું. થાકેલો પગ જરાક ખસતાં સારંગી અથડાઇ અને દૃષ્ટિ તે ઉપર પડી. સારંગી ભણી દીન લોચન જોઇ જ રહ્યાં, સારંગીમાં જીવ આવ્યા જેવું થયું - તેના તાર જાતે કંપતા ભાસ્યા. એ તારના રણકાર -

ભણકારા કાનમાં આવવા લાગ્યા અને નવીનચંદ્રની પવિત્રતા રક્ષવા ગાયેલી કડીઓ, કોઇ અદૃશ્ય સત્ત્વ ગાતું હોય તેમ, સારંગીના તાર ઉપરથી ઊડી પવનમાં તરવા લાગી, નિર્બળ કાન પર વીંઝાવા લાગી :

‘શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હરશિરે...

પડવા માંડેલી પડી પછી’.....

*

*

*

‘ભ્રષ્ટ થયું - જરી તેનો શતમુક વિનિપાત જ નિર્મેલો !

ભ્રષ્ટ થઇ મતિ તેનો શતમુક વિનિપાત જ નિર્મેલો !

...વિનિપાત જ નિર્મેલો’...

છેલ્લી કડીએ વિચારને જગાડ્યો ને કુમુદસુંદરી છળી હોય તેમ ચમકી ‘હાય

! હાય !’ એટલી બે શબ્દ બોલી એ ડગલાં પાછી હઠી. અને સારંગીથી બીતી હોય તેમ મોં વિકાસી, બાળકહ્ય્દયને થાબડતી હોય તેમ છાતી પર બે હાથ મૂક્યા.

‘મેં શું કર્યું - હું શું કરવા જતી હતી ? પવિત્ર સરસ્વતીચંદ્ર, આવી અપવિત્ર સ્ત્રીથી તારી જોડ ન બંધાત - મારા જેવી ભ્રષ્ટાનો ત્યાગ તેં કર્ય તે કેવળ ઉચિત જ થયું છે !’

‘હે ઇશ્વર ! આવી જ રીતે મને સદૈવ પવિત્ર રાખજે !’

‘જન્મેજન્મ તું મને સન્મતિ દેજે -

નિર્મળ રહે મન-કાયા રે !

કોટિક ભવમાં કિલ્મિષ નાસે

એ માગું ભવ-રાયા રે ! જન્મે૦’

પવિત્રતાના વિચાર કુમુદસુંદરીના ચિત્તમાં ઊભરાવા લાગ્યા અને તેની ઉત્કર્ષભરી અસર તેના શરીર પર પણ સ્ફુરવા લાગી. તે પાછી ખુરશી પર બેઠી અને જે પત્રોએ એના મનન ઉપર આટલો મોહ પ્રસાર્યો હતો તેના તે પત્રો નિર્મળ ચિત્તથી વાંચી, પૂર્વની નિર્મળ અવસ્થાનાં સ્મારક ગણી, છાતી સરખા ચાંપી, અમ્મરના પડમાં પાછા સાચવી મૂકી, કબાટમાં

મૂક્યા. પાછી હતી ત્યાં ને ત્યાં બેઠી અને રાત્રિ જાય છે તેનો વિચાર કર્યા વિના, ઘડિયાળમાં એક વાગ્યો તે કાન આવ્યો છતાં ન સાંભળી, ઘડીક દિવ્ય વિચારમાં પડી. પોતાના મન ઉપર મોહ થયો હતો તેનાં કારણ વિચારી, પોતે કેટલીક ભ્રષ્ટતામાંથી કેવા ઇશ્વરપ્રસાદથી જ ઊગરી તે વાતમાં

મનમાં રમમાણ કરી, ગુણસુંદરી, સૌભાગ્યદેવી, વનલીલા અને અલકકિશોરીનાં પવિત્ર રૂપ મન આગળ ખડાં કરવા લાગી. ‘અલકબહેન કરતાં હું ગઇ’

વિચારી અભિમાન છોડ્યું, અને નણંદની ઉન્મત્ત પણ નિર્દોષ મૂર્ખતાથી છવાયેલા વિશુદ્ધ રત્નોના ભંડાર જેવા તેના ભોળા અંતઃકરણ ઉપર પ્રીતિ ઝરવા લાગી. રમતિયાળ રસીલી પતિવ્રતા વનલીલા જેવી સહી પોતાને

મળી તે મહાભાગ્ય ભાસ્યું, અને તેની સંગતિથી પોતે વધારે ઉત્કર્ષ પામી

માનવા લાગી. પળવાર પરનું તેનું પતિસુખ સંભારી બોલી ઊઠી : ‘એ

મારી વનલીલુડી, આ સુખ તને સનાતન છાજજો !’ એવો આશીર્વાદ આપ્યો.

કપાળે ચાંલ્લો કરેલો અને અંગે સાદાં મંગળભૂષણ પહેરેલાં એવી પતિ વિના જગતમાંની બીજી કાંઇ પણ વાત ન સમજનારી - સમજવા ઇચ્છા પણ ન રાખનારી - સૌભાગ્યદેવી સાસુ વહુની આંખ આગળ આવી ઊભી અને ‘બાપુ, મારા જેવી જ થશે’ એવો આશીર્વાદ આપતી માથે હાથ

મૂકતી લાગી અને ભ્રમમાં કુમુદસુંદરીએ ઊંચું પણ જોયું. ગુણસુંદરીનો પણ સ્વર સંભળાયો : ‘બહેન, હું તો હવે તારી મેળે જ સંભાળવાનું છે. તારા પિતાના પવિત્ર કુલને કલંક ન લાગે, તારી માની કૂખ વગોવાય નહીં, આટલું નાનું સરખું પણ આખા મોંનું - શરીરનું - ભૂષણ નાક તે જાય

નહીં, તું આટલી ડાહી છે તે ધૂળમાં જાય નહીં, આટલો પરિશ્રમ કરી તને વિદ્યા આપી છે તે નિરર્થક થાય નહીં, પવિત્ર સંસ્કૃત વિદ્યા ખરાબે પડી ગણાય નહીં, લોકવ્યવહારનો તિરસ્કાર કરી આપેલી અંગ્રેજી વિદ્યાને માથે અપવાદ આવે નહીં, આ લોક અને પરલોક ઉભયમાંથી તું ભ્રષ્ટ થાય

નહીં, સાધારણ લોકના જેવી વિકારવશ અનાથ તું ગણાય નહીં, તું આવી સુંદર છે તે રાક્ષસી જેવી બને નહીં, તારું સ્ત્રીતેજ જતું ન રહે, તારા આજ તેજસ્વી અને નિર્મળ કાચ જેવા અંતઃકરણ ઉપર જોવું તને જ ન ગમે એવું ન થાય - પુત્રી ! મારી શાણી પુત્રી ! જે કરે તે આ સૌ વિચારીને કરજે, હોં ! અમે તો આજ છીએ ને કાલે નથી. કન્યાદાન સાથે અમારા હાથમાંથી તો તું ગયેલી જ છે. પણ તારી માનો સ્નેહ સંભારજે - તારી માને ભૂલીશ

મા - એકલી, પરદેશમાં, પરઘરમાં ઇશ્વરને ખોળે બેઠી બેઠી પણ માને ભૂલીશ નહીં; માનું કહ્યું વિસારીશ નહીં. હવે અમારું કહ્યં માનવું - ન

માનવું - તે તારા જ હાથમાં છે - તું અને તારો ઇશ્વર જ જાણનાર છો.

અમારો શું ? અમે કોણ ? કર્તાહર્તા ઇશ્વર - અમે તો માત્ર વચમાંનાં દલાલ

- આ ઘેરથી પેલે ઘેર સોંપીએ છીએ. તું કાંઇ અમારી નથી - તને શિખામણ દેવી શું કરવા પડે ? પણ માનું હૈયું કહ્યું નતી કરતું - અમારાથી કહેવાઇ

જ જવાય છે. કર - ન કર - તે તો તું જાણે. પણ હું તો કહું છું. હવે તું મોટી થઇ. જો, બહેન, જો, બધું તારી મરજી પ્રમાણે કરજે - પણ એક આટલું સરખું માનું કહ્યું માનજે હોં ! જો, સુખદુઃખ બદલાશે, બંધુ થશે, પણ કર્યું ન ક્યું નહીં થાય. માટે બહેન, જો હું શું કહું છું ? - એટલું માનું કહ્યું સરત રાખજે !’ એમ દીનવદને બોલતી બોલતી ગુણસુંદરી ડૂસકાં ભરતી દીકરીએ સાંભળી. પોતાને ખભે હાથ મૂકી પાછળ ઊભી હોય તેમ

લાગ્યું અને માના હાથ ઝાલવા પોતાનો હાથ ઊંચો કરી પોતાને ખભે

મૂક્યો અને અચિંત્યું પાછું જોયું. પાછું જુએ છે તો ‘કુમુદ, જો, બેટા, કોઇ

નહીં હોય ત્યાં પણ ઇશ્વર સાક્ષી છે હોં ! સરત રાખજે. હું તો ખોટો બાપ છું. પણ મારો ને તારો બેનો ખરો બાપ તો એ છે, હોં. આ જગતમાં તું જે કામ કરે તે એ બાપને પૂછીને કરજે - એ તને કદી ખોટી સલાહ નહીં

આપે, સદૈવ સહાય થશે અને એ તને સર્વત્ર જડશે. મને ભૂલજે પણ એને ભૂલીશ નહીં. એના કોપપ્રસાદ જેવા તેવા નથી - પાછા ફરે તેવા નથી.

મેં તને કોઇ વેળા ક્ષમા આપી હશે - પણ ઇશ્વરની તો શિક્ષા થયે જ જાણીશ. ક્ષમા માગવાનો અવકાશ નહીં રહે.’ આમબોલતું વત્સલતાથી કોમળ પણ ઉપદેશદાનને લીધે કઠણ ભાસતી આંખવાળું પિતાનું મુખ

કુમુદસુંદરીએ પોતાની પાછળ હવામાં ઊભેલું દીઠું. તે ચમકી અને ઊભી થઇ ચારે પાસ બાવરી બની જોવા લાગી તો જ્યાં જુઓ ત્યાં પવનમાં કોઇનાં મુખ અને કોઇનાં શરીર તરવરે : એક પાસ પિતાનું, અને બીજી

પાસ માતાનું મુખ; એક ઠેકાણે વનલીલા ઊભેલી; એક ઠેકાણે અલકકિશોરી આળસ મરડે; રસ્તા પરની બારી આગળ બુદ્ધિધન ઊભેલો; અગાસીની બારી આગળ સાસુ અઠીંગેલી; નવીનચંદ્રવાળી મેેડીની બારી આગળ

સરસ્વતીચંદ્ર ઊભેલો અને બાડી આંખ પવિત્રતાની પરીક્ષા કરવા કરવા જોઇ રહેલો; અને બધું તો બધું પણ પોતાની જ પાસે ટેબલ પર બાળક કુમુદસુંદરી પણ મોટી બહેનની મશ્કરી કરતી હસતી બેઠેલી લાગી. કુમુદસુંદરી તો આ સર્વ જોઇ ગભરાઇ જ ગઇ કે આ શું ? - આ બધું શું ? - શું આ બધાંએ આજ મને નાણી જોઇ ? આ તે સ્વપ્ન કે સાચું ? એમ

વિચારતી, ગભરાતી, ચારપાસ અને ઉપરનીચે દૃષ્ટિ ફેરવવા લાગી. ઘેલી બની ગયેલી કુમુદ આમતેમ દોડવા લાગી અને બાવરી ઉપર નીચે, ભીંતો પર, છત પર, ભોંય પર, પલંગ પર, ટેબલ પર, બારીઓ આગળ અને પવનમાં આમથી તેમ જોવા લાગી, અને ટેબલ પરની કુમુદસુંદરી હળવે હળવે ટોળ કરી ગાતી સંભળાઇ :

‘બહેન બાવરી, હોં - તું તો બાવરી હોં !

હાથનાં કર્યાં તે વાગશે હૈયે કે બહેન મારી બાવરી હોં !

બાવરી હોં !’

એમ કહેતી કહેતી નાની બહેન ઊઠી અને સામે આવી હસતી હસતી હાથેલી વતે ચાળા કરવા અને બહેનને બનાવવા લાગી. કુમુદસુંદરી થાકી ગઇ અને ખુરશી પર બેસી રોઇ પડી. ‘ઓ ઇશ્વર ! હવે હું આવો વિચાર પણ ફરીથી નહીં કરું !’ એમ બોલી નિઃશ્વાસ મૂકી અમૂંઝાઇ ટેબલ

પર માથું દીધું પટક્યું, રોઇ રોઇ આંખો રાતી કરી દીધી, ટેબલ પરના કાગળ પલાળી દીધા અને છાતી કૂટી. પશ્ચાત્તાપની - ઇશ્વરશિક્ષાની -

સીમા આવી. ચોળાયેલી આંખ ઊંચી કરતાં સર્વ દેખાવ અગોચર થયેલો

લાગ્યો, મેડી નિત્યના જેવી એકાંત દેખાઇ અને તેમાં પોતાને એકલી હતી તેવી જ જોઇ, ઇશ્વરે ક્ષમા આપી અંતઃકરણે પરખી - ઇશ્વર ત્રૂઠ્યો લાગ્યો.

હ્ય્દય ભાર તજી હલકું હલકું થતું અનુભવ્યું.

હજી પ્રાયચ્છિત્ત પૂરું ન થયું. અશ્રુપાત અને શરીર ઝબકોળતોન અટક્યો.

‘રોઇ રોઇ રાતી આંકડી, ખૂટ્યું આંસુનું નીર !

નયને ધારા બબ્બે વહે, હવે અંગ રુધિર -

વૈદર્ભી વનમાં વલવલે !’

માનસીક વિશુદ્ધિએ પળવાર પોતાનો ત્યાગ કર્યો તેથી વલવલતી જેવી ઉત્કૃષ્ટ બાળા પ્રાયશ્ચિત્તવનમાં અટવાઇ; સમુદ્રનાં મોજાં એક ઉપર એક એમ આવ્યાં જ જાય તેમ રહી રહીને રોવા લાગી; જાગ્રત સ્વપ્નમાં માએ કહેલાં વચન અને બાપે આપેલો ઉપદેશ સંભારીસંભારી પોતાના પુત્રીપણામાં ખરેખરી ન્યૂનતા આવી જાણી પોતાને વારંવાર ધિક્કારવા લાગી; તે વચન અને તે ઉપદેશના અક્ષરેઅક્ષરમાં રહેલું ગંભીર સત્ય પ્રત્યક્ષ કરી કંપવા

લાગી; પતિથી, પ્રિયથી, માથી, બાપથી, વિશુદ્ધિથી અને ઇશ્વરથી પણ પોતે વિખૂટી પડી એકલી અનાથ બની હોય તેમ ટળવળવા લાગી; અને

‘એ સર્વ સ્વજનની સ્વીકારવા યોગ્ય હવે હું કદી પણ થઇશ ?’ એવું મનને સુકાઇ જતે મોંએ મનાવતી પૂછવા લાગી. ‘હું અપરાધી કોઇને મોં શું દેખાડું ?’ કરી લજ્જાવશ બની ધરતીમાં પેસી જતી હોય તેવા વિકારનો અનુભવ થયો. ‘આટલો અપરાધ ક્ષમા કરી હવે મને સ્વીકારો’ એમ દીન વદનથી કહેતી ભાસી. અંબારૂપ ઇશ્વરને કે પછી પોતાની માને કાલાવાલા કરતી હોય - ‘તે હવે કોઇ પણ સ્થળે દેખાય છે ?’ એમ કરી સર્વત્ર જોતી હોય - તમે આંસુભરી લવી :

‘અંબા, ઓ મારી માડી રે ! જોજે તું પદ નિજ ભણી ; કર્યા તે મારા સામું રે - જોઇશ ન તું મુજ કરણી.’

વળી ગદ્‌ગદ કંઠે ગાવા લાગી :

‘તેં તો મને દીધી રે આવી માનવી કાયા, માત !

તે તું ન ત્યજ મુને રે, તારા વણ હું કરું રે વલોપાત -

વહાલી મારી માવડી !૧

દશે એ દિશાઓએ રે મા ! હું જોઉ તે તારો પંથ -

તું વણ તે દેખાડે રે કોણ કે આમ થાવું સંત ?

સૌ સૂનું મા વિના !૨

‘ઓ મા ! ઓ મા !’ કરતી કરતી શુદ્ધ પવિત્ર બનતી બનતી કુમુદસુંદરી અશ્રુસ્નાનથી સંસ્કારી થઇ. રોવું છોડી ગંભીર થઇ અને સ્વાધીન દશા પામી.

વસ્તુ, વૃત્તિ અને શક્તિ એ ત્રિપુટીનો યોગ પ્રવૃત્તિનિવૃત્તિમનો સાધક છે. સૃષ્ટિના સર્વ પદાર્થો પેઠે એનો પણ સદુપયોગ તેમ જ દુરુપયોગ થાય છે. તે સર્વ ઘટનાનો સૂત્રધાર શું ધારે છે તે તો કહી શકાતું નથી, પણ તેની ઇચ્છાને અધીન રહેતી કોઇક જાતની સ્વતંત્રતા માનવીમાં છે અને તે સ્વતંત્રતાની પ્રવૃત્તિ ઉપરથી જ કર્મમાત્રની શુભાશુભતા કલ્પાપ છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ, સત્‌ અથવા કલ્પિત વસ્તુ ભણી માનવીની વૃત્તિ ખેંચાય છે અથવા જાય છે અને તેમ થવામાં શક્તિ ઓછીવત્તી સાધક અથવા બાધક થાય છે. શક્તિ જડ અથવા ચેતન અંશની હોય છે. જડશક્તિનો ઉપયોગ વૃત્તિને અનુસરનાર જ હોય છે. ચેતનશક્તિ બુદ્ધિને અનુસરી વૃત્તિને અનુકૂળ અથવા પ્રતિકૂળ થાય છે. પૃથગ્જન૧ તેમ જ કેટલાક બીજા એમ માને છે કે સ્વતંત્રતા એટલે જડશક્તિની નિરંકુશતા. કેટલાક એમ

માને છે કે સ્વતંત્રતા એટલે ચેતનશક્તિની નિરંકુશતા. જડશક્તિ પશુઓને અને પશુવૃત્તિના સંસ્કારી માનવીઓને વધારે પરિચિત હોય છે અને તેની સંવૃદ્ધિ સુલભ છે. ચેતનશક્તિની સંવૃદ્ધિ દુર્લભર છે અને સદ્‌બુદ્ધિને અનુસરવામાં વપરાતી હોય ત્યારે તે શક્તિ જય પામે તે તો પવિત્ર સુખ અને ઇશ્વરપ્રસાદની પરીસીમા છે. આ જય પામવો તે યુદ્ધના પ્રસંગ સિવાય બનતું નથી.

કેટલાંક માનવી આવા યુદ્ધપ્રસંગ વિના પવિત્ર રહેલાં હોય છે - પ્રસંગ ન આવે તે પણ એક મહાભાગ્ય જ છે ! પ્રસંગ આવ્યે શુદ્ધ જય પામે તે તો વિરલ જસ, પણ જય પામતાં પહેલાં શત્રુના ઘા સહેવા પડે અને આગળ

ધપતા પહેલાં જરી પાછળ પડવું પડે તો તેથી યુદ્ધમાં પડનારનો જય સકલંક નથી થતો. આવા પ્રસંગના અપરિચિત માનવી ! આવા યોદ્ધાની પાછી પડેલી પદપંક્તિ અને સામે મુખે ખમેલા ઘામાંથી વહેતું રુધિર જોઇ, તે ઉપરથી તે યોદ્ધાની માન આપજે - તેની પૂજા કરજે. માનવીની નિર્બળતાનો અંત નથી - તારી નિર્બળતા કસાઇ ઉઘાડી પડી નથી તે લક્ષમાં રાખી -

થોડાઘણા પણ બળવાન યોદ્ધાને જોઇ જયનું સ્તવન કરજે - અને પ્રસંગ પડ્યે ઇશ્વર તને પણ એવું જ બળ આપે એવી પ્રાર્થના કરજે. નિર્બળતા ઉપર અનુકંપા ઊપજે અને સન્માર્ગે બળની ઉત્પત્તિ જોઇ અનુમોદન થાય

એ પણ સૂક્ષ્મ અનુભવ અને ઉદાર કોમળ પવિત્રતા વિના કેવળ દુર્લભ છે.

ક્ષણવાર નિર્બળ નીવડેલી પણ અંતે પવિત્ર રહી શકેલી બાળક કુમુદસુંદરીની સુંદર અને શક્તિમતી પવિત્રતા મૂલ્યપરીક્ષક ! તારી ચતુરતા ઘણી સૂક્ષ્મ રાખજે અને તેનો સદુપયોગ કરજે. આત્મપરીક્ષા પ્રથમ કરજે કે પરપરીક્ષા શુદ્ધ થાય. પોતાની છાયાની ચમકદાર અને પોતાની જ કલ્પનાશક્તિ પાસેથી ઉપદેશ લેનાર ચેતનશક્તિ બલિષ્ઠ અને નિરંકુશ મોહના આવરણને ફાડી નાંખે એ વિશુદ્ધિનું મહિમન્‌ ગવાય તેટલું ઓછું છે.

અક્ષુસ્નાનથી શુદ્ધ બની, હ્ય્દયપશ્ચાત્તાપનું તપ કરી, પવિત્ર સત્ત્વોનું સમાધિમાં દર્શન કરી, વિશુદ્ધિમય બનતી બાળાના મુખ ઉપર નવું નવું તેજ આવવા લાગ્યું, તેનું વિશાળ કપાળ આકાશ જેવું વિશાળતર થયું અને રક્તચંદ્રે પૂર્ણિમા અનુભવી. આંખો આનંદાશ્રુથી સ્નિગ્ધ બની વિકસી ચળકાટથી ઊભરાઇ, અને ગંભીર મંદ સ્મિત શાંત નદી જેવી અધરરેખા ઉપર તરંગાયમાન થયું. પાંખો પ્રસારી વિસ્તાર પામી પ્રફુલ્લ બની, ઊંચી ચાંચ રાખી બેઠેલું રમણીય રસિક નિરંતર સંયુક્ત સ્તનસંપુટાકાર દ્ધિજનું૧ જોડું સુવૃત્ત હ્ય્દયમાં ગર્ભરૂપે રહેલા કોમળ આનંદને સેવવા લાગ્યું. હ્ય્દયકમળમાં તત્ક્ષણ ઉદયમાન થતા તેજગર્ભની અસર ઊંચે ચડી જતાં તેની મસ્તિક પણ તર થયું અને વિભ્રમશિખર પામતાં હોય તેમ નયનપુટ પણ અર્ધાનિમીલિન થયાં. નખથી શિખ સુધી પવિત્ર તેજ સ્ફુરવા લાગ્યું.

મનઆકાશમાં પવિત્રતાનો કોમળ ઉદય થતાં અંધકાર નાશ પામ્યયો.

મદનનિશાચર અદૃશ્ય થઇ ગયો. કુમુદસુંદરી ઊઠી અને હવે શું કરવું તે વિચારવા લાગી. સૂવાનો વિચાર કર્યો. પણ પલંગ ભણી જતાં જતાં સૂઝી આવ્યું : ‘સરસ્વતીચંદ્રની સાથે મારે હવે સંબંધ નથી એ વાત આજથી સિદ્ધ. ઇશ્વર, હવે એ પવિત્ર પુરુષને મારા ભ્રષ્ટ હ્ય્દયમાં આણી અપવિત્ર ન કરીશ - મને મારા યોગ્ય મારા પતિમાં જ રમખાણ રાખજે, એકલો પતિ

મને છાજે તો ઘણું છું.

‘પણ સરસ્વતીચંદ્રની એક સેવા કરવાનું મારા હાથમાં છે. મુંબઇ

જઇ ઘેર જઇ પોતાને ઉચિત વ્યવહારમાં પડે - દેશસેવા કરે - એટલું એને હું સમજાવી ન શકું ? એટલું કાર્ય કરવા એની પાસે જવું એ યોગ્ય ખરું

? ના. પણ પિતા અને મિત્રથી સંતાતા ફરતા રત્ન ઉપર મારી દૃષ્ટિ જાય

અને એ રત્નને આમ અંધકાર સમુદ્રમાં પડતું હતું જોઇ રહું એ પણ ઉચિત ખરું ? - ના.

‘એની પાસે જવામાં વિશુદ્ધિને ભય ખરો ? - હા. મારોયે વિશ્વાસ નહીં અને એનો વિશ્વાસ નહીં.’

‘ત્યારે ન જવું’

‘પણ ચંદ્રકાંત આવે છે તે પહેલાં કંઇક નાસી જશે તો ? પછી કાંઇ ઉપાય ખરો ? - કાંઇ પણ ઉપાય હોય તો તે આજની રાતમાં જ છે

- પ્રભાત થતાં નથી. મારા વિના બીજા કોઇના હાથમાં એ ઉપાય નથી.’

‘નાસશે ? આટલું સાહસ કરનારનો હવે શો ભરોસો ?

‘વિશુદ્ધિને કાંઇ બીક નથી. સ્ત્રી આગળ પુરુષ નિર્બળ છે. મારામાં

મારાપણું હશે તો વિકારનો ભાર નથી કે બેમાંથી એકના પણ મનને એ વશ કરે. અને હવે વશ કરે ? - ઇશ્વર મારો સહાયભૂત છે.

‘ભયંકર સાહસ કરવાનું છે - પણ આવશ્યક છે.

‘ના, હવે મારી વિશુદ્ધિ નિર્ભય છે. મારી માતા, આજ તારો ઉપદેશ - તારી પવિત્રતા - એ મારું અભેદ્ય કવચ છે. હું તારી પુત્રી છું.

પતિ ! તમારા કૃત્ય સામું જોવું એ મારું કામ નથી. મારે મારા પોતા ઉપર જવાનું છે. હું કોણ ? કોણ માબાપની દીકરી ? આ ક્ષણભંગુર ક્ષુદ્ર સંસારમાં વિશુદ્ધિને મૂકી બીજું શું લેવાનું છે ? પવિત્ર સાસુજી - મહાસતી દેવી !

- તમારો આશીર્વાદ ફરે એવો નથી ! ત્યારે મલિન વિચાર જખ મારે છે.’

પલંગ પર હાથ મૂકી નીચું જોઇ પળવાર વિચારમગ્ન થઇ. અંતે ઊંચું જોઇ, બે હાથે પલંગ પકડી - સત આવ્યું હોય તેમ ઉશ્કેરાઇ લાગી.

ગાતાં ગાતાં દીનતા ધરવા લાગી :

‘અંબા ! વહેતી આવની તું, અંબા, વહેલી આવ રે, -

મૂક હાથ તુજ મુજ મસ્તક પર, અંબા વહેલી આવ;

અંબા, જગજનની !૧

મદનદૈત્યસમ મલિનસત્ત્વને કાઢ તું ઉરથી બહાર રે; પવિત્ર તારું તેજ હ્ય્દયમાં વસાવ આજની રાત; - અંબા૦ ૨

તૈજસી માયા રચી મસ્તિકમાં નિર્મળ સ્વપ્ન તરાવ રે;

ચર્મચક્ષુએ પાટા બાંધી, સતનું ઘેન ચડાવ; - અંબા૦ ૩

શાંત તેજ તુજ, મા મુજ મુખ પર આજે એવું રાખ રે, દશામૂઢ પ્રિય ચંદ્ર ન પામે જોઇ જે મોહ જરાય - અંબા૦ ૪

પ્રિય ચંદ્રને દશા ગ્રસે તે હુંથી ન જોઇ શકાય રે, તેજસ્વીને જોઇ છવાયો કાળજું ફાટી જાય; - અંબા૦ ૫

ન ગણી ભીતિ, ન ગણી રીતિ, મધ્યરાત્રિએ આમ રે -

પવિત્ર કાર્ય કરવા ઉર ચલવતું અણઘટતી આ હામ - અંબા૦ ૬

સ્નેહની માયાથી લપટાયાં, તોય તીવ્ર સ્મરબાણ રે, બુઠ્ઠાં થઇ અમ ઉર ન પેસે ! ઝૂએ પરતો દર્શાવ - અંબા૦ ૭

સુખદુઃખમાં ને પતિ પરાયા થતાં તું એકલી એક રે, છાતી સરખી ચાંપે તે, મા જાળવજે મુજ ટેક ! - અંબા૦ ૮

તુજ ખોળે માથું, મા, રાખે નિજ પુત્રીની લાજ રે; પર થયેલા પ્રિયને છોડવતાં સત મુજ રહો નિષ્કામ ! - અંબા૦૯

પિતા કહો કે કહો જગદંબા ! મારે મન મુજ માત રે !

અગ્નિમાં પેસું તેને, મા, કાઢ બહાર વણ આંચ - અંબા૦ ૧૦

ગાઇ રહી પલંગ એમનો એમ પકડી રાખી, બારીમાંના આકાશ સામું જોઇ, જોસથી ફરફડતે ઓઠે બોલી : ‘હે અંબા ! પુરુષ તારા હાથમાંનું રમકડું છે. તેને દુઃખમાંથી ઉગારવો તે તારી સત્તાની વાત છે. તારો પ્રતાપ તેને હસાવે છે - રડાવે છે - રમાડે છે. સૂર્ય તો ઊગતાં ઊગે છે અંધકારની સંહારિણી અને સંસારની તારક તો માતા ઉષા છે. અંબા ! સરસ્વતી અને

લક્ષ્મી, વિધાત્રી અને કાલિકા - એ સર્વ તારાં રૂપ છે !

‘અંબા ! હું તારી પુત્રી છું - તારા પ્રભાવનો અંશ મારામાં સ્ફુરતો

મને લાગે છે. સરસ્વતીચંદ્ર, તમને મહાપાતકમાંથી ઉગારવા એ મારી સત્તામાં છે. મદન તમારી છાતી પર ચડી બેસે તો તેને ભસ્મસાત્‌ કરવો એ મારું કામ છે.

‘સરસ્વતીચંદ્ર ! તમારા મનમાં મારું કહ્યું વસો ! આપણી પૂર્વપ્રીતિને ઉચિત તમારી સેવા હું બજાવી શકું એમ કરો ! હે શુદ્ધિ - બુદ્ધિ ! મારામાં વસો !’

એટલું બોલી ખુરશી પર બેઠી અને જે કાગળ પર પ્રથમ લખવા

માંડ્યું હતું તે જ કાગળની પીઠ પર ભૂલથી લખવા માંડ્યું.

‘પર થયેલા સ્વજન!

‘તારી સાથે બોલવાનો હવે મને અધિકાર નથી, તો ચિત્ત પોતાનો રસ્તો લેખ દ્ધારા કરે છે. એ ચિત્ત ઉપર તને કાંઇ પણ અનુકંપા હોય, એ ચિત્ત તારે સારુ બળે છે તેમ એને સારુ તારું ચિત્ત રજ પણ બળતું હોય

તો મારા ચિત્તની છેલ્લીવેલ્લી પ્રાર્થના સુણી લે અને તેના ઉત્તરમાં કંઇ પણ બોલવાને ઠેકાણે પ્રાર્થના સિદ્ધ કર. ઘુવડની દૃષ્ટિ ગઇ તો તે તેનાં કર્મ !

પણ દિવસ જોનાર ! નયન તારે છે તે તો ઉઘાડ !

અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં : ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમાં ૧

નભવચ્ચોવચ્ચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી, સુભગ ઘડીક એ બન્યું; નવાઇ ન, એ દશા જો ના જ ટકી. ૨

પણ ઊંચા નભના સંચારી પક્ષીરાજ, તું આવ્યો આ.

ધરતી પર ત્યાંથી ઊડ પાછો; પક્ષહીનનો દેશ જ આ. ૩

ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં !

વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં ! ૪

ગિરિશિખરે, ધનમાં ને નભમાં ઊંચો તું ઊડશે જ્યારે, સૂર્યબિંબથી સળગી ઊતરતા કરઅંબાર વિષે જ્યારે. ૫

સુવર્ણપક્ષની જશે ભભક ભળી, તે સમય તુજ કીર્તિને જોઇ જોઇ પૃથ્વી પરથી પૂછશું - ઉરમર્મથી અનુમોદીને. ૬

નહીં ઉડાયે પોતાથી - પણ પ્રિયની વિમાનગતિ જોઇ

રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ ! નીકર રહીશું રોઇ. ૭

સ્નેહ પોતાનું માણસ પૃથ્વીના પડમાં સંતાયેલું હોય ત્યાંતી શોધી કાઢે છે. ચર્મચક્ષુ છેતરાય પણ હ્ય્દયની ઓળખવાની શક્તિ ઓર જ છે.

બાહુક દમયંતીથી ઢાંક્યો ન રહ્યો.

કહેનારે કહેવાનું કહી. દીધું. ફળદાતા પોતે જ પરકીય બન્યો ત્યાં હજી કેટલો ક્રૂર નહીં થાય તે તેના વિના બીજું કોણ જાણે ? સહેનાર સહેશે

- હજી કેટલું સહન કરાવવું તે તારા હાથમાં છે.

લિ. કોણ તે કહ્યે તારી પાસેથી શો લાભ છે ?’

કાગળ લખી રહી અને હાથમાં લીધો.

‘આ પત્ર હું એમના ખિસ્સામાં મૂકીશ - અને જાગતા હશે તો એમના ઉપર નાંખી પાછી આવતી રહીશ. એમની સાથે બોલીશ નહીં.

એમના સામું જોઇશ નહીં. અંબા, મારી સાથે ચાલ.’

આટલું બોલી એકદમ ઊઠી અને જાણ્યે તેમ જ અજાણ્યે લખાયેલા સર્વ લેખોનું પાત્ર થયેલા પત્રમેઘને ચંદ્રલેખા જેવી બનેલી હાથેલીમાં લટકતો રાખી ખચક્યા વિના ચાલી. જે દ્ધાર ઉઘાડવા જતાં આકાશ અને પાતાળ

એક થઇ ગયાં હતાં તે દ્ધાર પળવારમાં પગ વતે હડસેલી ઉઘાડ્યું અને પોતે અંદર આવી ઊભી.

અંદર કોઇ હતું કે ? તે કોણ હતું ? તે શું કરતું હતું ? કુમુદસુંદરીને આ પ્રસંગે જોઇ તેના મનમાં શું આવ્યું અને તેણે શું કર્યું ?

બુદ્ધિધનની સાથે મોડી રાત્રે ઘેર આવી નવીનચંદ્ર પોતાની મેડીમાં આવ્યો. આખા દિવસનાં તર્કભર નાટક, બુદ્ધિધનનું પ્રથમ વિકસતું દેખાતું કારભારતંત્ર, કાલ શું થવાનું છે તેની કલ્પના પોતાનું ઘર, કુમુદસુંદરી, પોતાને નીકળવાને વિચાર અને તે સંબંધી સર્વ યોજનાઓ : આ સર્વ વિષય નવીનચંદ્રના મસ્તિકમાં ઊભરાવા અને વધવા લાગ્યા અને કોમળ

નિદ્રા બીતી બીતી માત્ર દૂર ઊભી રહી.

ખાટલા ઉપર તેને ચટપટી થઇ. અધૂરામાં પૂરું જોડેની મેડીમાંથી કુમુદસુંદરીના અવ્યક્ત સ્વરે અને તેમાં ભળતા સૂક્ષ્મ રુદિતે દ્ધારનું અંતર ન જેવું કાર્યું અને ઉભય નવીનચંદ્રના કાન પર દૂઃખદોષણા પેઠે વીંઝાવા લાગ્યા.

નિદ્રા ન જ આવી એટલે તેણે ખાટલાનો ત્યાગ કર્યો અને ગાંસડીમાંથી એક કાગળ કાઢ્યો. તેમાં કેટલીક કવિતા પ્રથમની લખેલી હતી અને કેટલીક નવીનચંદ્ર અત્યારે ઉમેરવા બેઠો. તે પણ લખી રહ્યો અને અંતે ખાટલા પાછળ ખુરસી પર દીવી મૂકી સૂતો સૂતો પોતે લખેલું પોતે વાંચવા લાગ્યો.

વાંચતાં વાંચતાં એકાગ્ર થઇ ગયેલા ચિત્તમાં પેસવા અનિદ્રાને અવકાશ

મળ્યો. કાગળ પકડી હાથ છાતી પર પડી રહી ગયા અને નયન સ્વપ્નવશ અંતરમાં વળ્યું.

એટલામાં કુમુદસુંદરીએ દ્ધાર ઉઘાડ્યું તેની સાથે નિદ્રા પાછી જતી રહી અને આંખો ચમકીને ઊઘડી.

‘આ શું ?... કુમુદસુંદરી !’ આ પ્રશ્ન નવીનચંદ્રના મસ્તિકાકાશમાં વ્યાપી ગયો. તે દિગ્મૂઢ થયો; સ્વપ્ન કે જાગ્રત તે ન સમજાયું; કલ્પનાવશ થયો, કુમુદસુંદરી પર કંઇ કંઇ વૃત્તિઓવાળી હોવાનો આરોપ કર્યો, પરવૃત્તિનો આભાસ થતાં સ્વવૃત્તિ જાગવા લાગી, વિશુદ્ધિ ડગમગતી - કંપતી - જય

પામવા પ્રયાસ કરવા લાગી, મને નિશ્ચય કર્યો કરે આંખો ન ઉઘાડવી, આંખોએ નિશ્ચય કર્યો કે પોપચાં જરાક ઉઘાડાં રાખી પાંપણોમાંથી જોવું કે કુમુદસુંદરી શું કરે છે. કુતૂહલ તલપી રહ્યું, હ્ય્દય અધીરું બની ગયું અને શરીર સ્તબ્ધ થઇ ગયું.

દ્ધાર ઉઘાડી કુમુદસુંદરી અંદર આવી અને દૃશ્ય પદાર્થ જોવા લાગી.

નવીનચંંદ્રના ખીસામાં પત્ર મૂક્યો - તેને મુક્તી નવીનચંદ્રે જોઇ. પત્ર મૂકી કુમુદસુંદરીએ પાછું જવાનું કર્યું - પણ નવીનચંદ્રની છાતી પરનો પત્ર દીઠો.

સ્ત્રૈણ જિજ્ઞાસા હ્ય્દયમાંથી છલંગ મારી મસ્તિકમાં આવી. પાછાં જવાને સટે કુમુદસુંદરી ખાટલાના ઉશીકા ભણી ચાલી અને ધીમે રહીને સૂરેલાના હાથમાંથી પત્ર ખેંચવા લાગી. કોણ જાણે નવીનચંદ્રની ઇચ્છાથી કે કોણ જાણે કુમુદસુંદરીની

ચતુરતાથી આખો પત્ર સરતો સરતો ફાટ્યા વિના હાથમાં આવ્યો.

કુમુદસુંદરીએ અક્ષર ઓળખ્યા ! સરસ્વતીચંદ્ર ખરો ! એ જાગે કે ઊંઘે છે તે જોવા પળવાર એના શરીર પર મુગ્ધ નયન રમમાણ થયું. જે શરીર પર પોતે અત્યંત ઉલ્લાસથી પિતાને ઘેર છાની છાની જોઇ રહેતી તે શરીર ખરું - માત્ર કૃશ અને વિવર્ણ થયું હતું - તે તો થાય જ ! છાતી ઉપર પાંસળીઓ સ્પષ્ટ દેખાતી હતી, મુખ પુર લાલાશ ન હતી. અને

લક્ષધિપતિનો બાળક, ઘરબાર તજી, પરદેશમાં, પરગૃહમાં આમ અનાથ જેવો પોતાને વાસ્તે જ ભમે છે - એ વિચાર બાળાના મનમાં થયો અને સૂતેલું શરીર ધ્રૂજતી ધ્રૂજતી રોતી રોતી જોવા લાગી.

મન્મથ તો કેવળ ભસ્મસાત્‌ જેવો થયો પણ પ્રિયદુઃખ જોવાથી થતુંત દુઃખ દુઃસહ થઇ પડ્યું. કુમુદસુંદરી સરસ્વતીચંદ્રનું શરીર ઊભી ઊભી જોઇ રહી ! નિઃશ્વાસ એક પછી એક નીકળવા જ લાગ્યા; આંખો આંસુથી છલકાઇ ગઇ; પાંપણોમાંથી ગાલ ઉપર, ઓઠ ઉપર, ત્યાંથી ખભા ઉપર અને છાતી ઉપર વસ્ત્ર પલાળતી આંસુની ધાર ટપકટપક થઇ રહી; છાતી તોડી અંતરના ધબકારા સ્તનમાં મૂર્તિમાન થયા, અને અંતરનાં ડૂસકાં મુખમાં

ચડી આવ્યાં. વગર બોલ્યે આખું શરીર ‘હાય હાય’ કરી રહ્યું. પાંચ મિનિટ, દસ મિનિટ, તે આમની આમ ઊભી જ રહી, આંખો ન ઉઘાડવાનો નિશ્ચય

કરનારે ન જ ઉઘાડી.

અંતે રોતી રોતી કુમુદસુંદરી ખાટલા પાછળ ગઇ અને પત્ર વાંચવા

લાગી. સરસ્વતીચંદ્રનું સર્વ હ્ય્દય તેમાં દુઃખમય અક્ષરરૂપે ચમકતું હતું.

શાહી તાજી જ હતી ! દુઃખથી વાંકી વળી ગઇ હોય તેમ વાંકી પત્ર વાંચવા

લાગી - ગઝલો ગાવા લાગી :

‘દીધાં છોડી પિતામાતા; તજી વહાલી ગુણી દારા, ગણ્યા ના મર્મ ભેદાતા; લીધો સંન્યાસ એ, ભ્રાતા ! ૧

પિતા કાજે તજી વહાલી , ન માની વાત મેં તારી ; ગણ્યા ના ગાઢ નિઃશ્વાસ; લીધો સંન્યાસ એ, ભ્રાત ! ૨

થયો દારુણ મનમાન્યો, વિફળ થઇ સ્નેહની સાનો, હવે સુકુમાર ઉર ફાટી જતું જોવું રહ્યું બાકી. ૩

રુએ તે દેવી રોવા દે ! અધિકારી ન લો’વાને

પ્રિયાનાં આંસુ હું, ભાઇ; ન એ રહેવાય જોવાઇ. ૪

અહો ઉદાર વહાલી રે ! ટકાવી દેહ રાખી રે;

ન ભુલાતું તું ભૂલી દે ! વિધિનું ધાર્યું વેઠી લે ! ૫

અહા ઉદાર વહાલી રે ! સતી તું શુદ્ધ શાણી રે !

ન જોડાતું તું જોડી દે ! છૂટેલાને તું છોડી દે ! ૬

અહો ઉદાર વહાલી રે ! સતી તું શુદ્ધ શાણી રે !

છૂટે ના તે નિભાવી લે ! પડ્યું પાનું સુધારી લે ! ૭

અહા ઉદાર વહાલી રે ! દીઠું તે સ્વપ્ન માની રે;

ન ભુલાતું તું ભૂલી દે ! દીસે તેને નિભાવી લે ! ૮

અહો ઉદાર વહાલી રે ! ન નિવારાયું ભાવી રે,

ન ભુલાતું તું ભૂલી જા - વિધિનું પાયું તે પી જા. ૯

અયિ ઉદાર ઓ વહાલી ! સખા ! વહાલા ! ખરા ભાઇ !

અમીની આંખ મીંચો ને ! જનારાને જવા દો ને ! ૧૦

ગણી સંબંધને તૂટ્યો, ગણી સંબંધને જૂઠો, કૃતઘ્નીને વિસારો ને ! જનારાને જવા દ્યો ને ! ૧૧

હતી લક્ષ્મી ! હતા તાત ! હતી વહાલી ! હતો ભ્રાત !

નહીં ! - ત્યારે - નહીં કાંઇ, ન લેવું સાથ કંઇ સાહી. ૧૨

અહો તું ભાઇ વહાલા રે ! ભૂલી સંસ્કાર મારા રે, બિચારો દેશ આ આર્ય ! - કરે તે કાજ કંઇ કાર્ય. ૧૩

અહો તું ભાઇ - ભાઇ રે તું-રૂપી છે કમાઇ રે

બિચારા દેશને, તેને ગુમાવે શોધી શેં મુનેે ! ૧૪

મૂકી દે શોધવો મુને ! મૂકી દે શોચવો મુને !

પ્રિયાની આ દશા દેખું - નથી સંસારમાં રહેવું. ૧૫

હવે પાછો નહીં આવું ! મૂક્યું પાછું નહીં સ્હાઉ !

રહ્યું તે યે તજી દેવું - શું છે સંસારમાં લેવું ? ૧૬

અહો તું જીવ મારા રે ! દીધો શો દંશ દારાને ?

ગણી ના પ્રાણપ્યારી તેં ! ઠગી તેં મુગ્ધ વહાલીને ! ૧૭

અહો તું જીવ મારા રે ! દીધો શો દંશ દારાને ?

થશે શું પ્રાણપ્યારીને ? હણી મુગ્ધા કુમારી તેં. ૧૮

હવે, ઓ ક્રૂર ઉર, ફાટ ! અહોરાત્રિ વહો ધાર,

અભાગી નેત્ર મારાને ! ઘટે નિરાંત તે શાની ? ૧૯

અહો ઓ જીવ મારા રે ! દઇ આ દંશ દારાને;

ઘટે ના વાસ સંસારે - ઘટે સંન્યાસ તો ત્હારે. ૨૦

અહો ઓ જીવ મારા રે ! દઇ આ દંશ દારાને,

ઘટે ના ભોગ-સંસાર, ઘટે ના શાંત સન્યાસ. ૨૧

શરીરે ભસ્મથી છાયો, ઉરે અત્યંત સંતાપ્યો,

ઊંડો જ્વાળામુકી જેવો, - હવે સંન્યાસ આ તેવો ! ૨૨

તજી તેં ત્યાં પડી છૂટી સરિતા અબ્ધિમાં સૂતી !

ગિરિ ! એ સાંકળી તુને નહીં તોડી કદી તૂટે; ૨૩

જડાઇ ભૂમિમાં સ્થિર, ઊંચે આકાશ ઉદ્‌ગ્રીવ,

થઇ તારે રહ્યું જોવું નદીનું અબ્ધિધમાં રોવું. ૨૪

હવે સ્વચ્છંદચારી હું ! યદૃચ્છાવેશધારી હું !

પતંગો ઊડતી જેવી - હવે મારી ગતિ તેવી. ૨૫

ઊડે પક્ષીગણો જેમ, હવે મારે જવું તેમ;

સમુદ્રે મોજું રહે તેવું હવે મારેય છે રહેવું. ૨૬

નહીં ઊંચે - નહીં નીચે મળે આધાર, ઘન હીંચે,

નિરાધાર - નિરાકાર - હવે મારીય એ ચાલ. ૨૭

સ્પુરે પોતે, ન દેખાય, કુમુદની ગંધ ગ્રહી વાય, અરણ્યે એકલો વાયુ ! જીવન એ ભાવી છે મારું. ૨૮

જહાંગીરી-ફકીરી એ ! લલાટે છે લખાવી મેં !

પ્રજો હું ‘નૃપાળે’ હું ! ઉરે, ઓ એકલી, તું - તું !’ ૨૯

કવિતા વંચાઇ. કાગળ પર ઠેકાણે ઠેકાણે લખનારનાં આંસુ પડવાથી ઘણાક અક્ષરો ચેરાયા હતા અને ઘણેક ઠેકાણે આંસુના ડાઘ ભીના અને તાજા હતા. જેમ જેમ વધારે વાંચતી ગઇ તેમ તેમ કુમુદસુંદરીના મર્મ કચડાવા - ચિરાવા લાગ્યા, દુઃખનો પાર રહ્યો નહીં, અને આંસુનો અવધિ

દેખાયો નહીં.

અંતે શોકનં શિખર આવ્યું, કવિતા પૂરેપૂરી વંચાઇ રહ્યા પછી પળવાર વિચારમાં પડી, હૈયાસૂની બની, કુમુદસુંદરી ત્રિદોષ થયો હોય તેમ

બકવા લાગી :

‘નિરાધાર - નિરાકાર અરણ્યે એકલો એ તો !

હવે પાછો નહીં આવે ! ઊંડો જ્વાળામુખી જેવો !

ગણ્યા ના મર્મ ભેદાતા ! ન ભુલાતું ન ભુલાય !

ઉરે - ઓ એકલી ! તું તું ! અરણ્યે એકલો એ તો -

નિરાધાર - નિરાકાર ! સહુ હું દુષ્ટને કાજ !

ન ભુલાતું - ન ભુલાય ! - નિરાધાર - નિરાકાર !

નહીં તોડી કદી તૂટે !’... ... ... ...

એમ ગરીબડું મુખ કરી રોતી રોતી - પોતે ક્યાં છે તે ભૂલી જઇ

- છિન્નભિન્ન ગાતી કુમુદસુંદરીની આંખમાં તમ્મર આવી, વીજળી શિર પર પડતાં નાજુક વેલી બળી જઇ અચિંતી પડી જાય તેમ મૂર્ચ્છા પામી કુમુદસુંદરી ધરતી પર ઢલી પડી, કાગળ હાથમાંતી આઘો પડી ગયો, તેનું લોહી ફટકી ગયું, અને આંખો ન ઉગાડવાનો નિશ્ચય પડતો મૂકી સરસ્વતીચંદ્ર સફાળો ઊઠ્યો ! - ઊભો થયો ! અણીને સમયે દૃઢ પ્રતિજ્ઞાઓ જાતે જ સરી જાય

છે. ભરસેના વચ્ચે ભક્તને અર્થે જ શ્રીકૃષ્ણ રથચક્ર લઇ ઊભા થયા !

સ્નેહસમુદ્ર વિવેકતીરની મર્યાદા નિત્ય જાળવે છે પણ અકળાય છે ત્યારે

પ્રતિજ્ઞા પર્વતને પણ પી જાય છે એવી ઇશ્વરની અકળ માયા છે.

મુંબઇ જવાનો ઉપદેશ કરવા આવેલીને ઉત્તર મળી ચૂક્યો. કવિતાના અક્ષરે અક્ષરે હ્ય્દય ચિરાતું ગયું. પોતાના ઉપર સરસ્વતીચંદ્રની નિર્મળ અને અનિવાર્ય પ્રીતિ, એ પ્રીતિ છતાં ગુરુકાર્યને અર્થે કરેલો ત્યાગ અને ત્યાગ કર્યો છતાં ન ખસતો હ્ય્દયસંબંધ, સંબંધ છતાં કરેલો પવિત્ર અને સ્નેહભર ઉપદેશ, કુમુદસુંદરીને આવો ઉપદેશ કરવા છતાં સરસ્વતીચંદ્રનો પોતાનો ભીષ્મ સંન્યાસ, ‘એ સંન્યાસ મારા જ પરની પ્રીતિને લીધે અપ્રતિહત છે’

એ બુદ્ધિ, હવે એનું શું પરિણામ થશે તે વિષે અમંગળ શંકાઓ, અને એવા અનેક તર્કવિતર્કથી ઊભરાતું હ્ય્દય શોકનો ભાર સહી ન શક્યું અને મૂર્છિત થયું. ખાટલામાંથી ઊઠી નીચે ઊભેલા સરસ્વતીચંદ્રના પગ આગળ મૂર્ચ્છાવશ પડેલી અબળા તેનું અંતઃકરણ ચીરવા લાગી. દક્ષયજ્ઞમાં મૂર્ચ્છિત થયેલી ઉમાને જોઇ પળવાર અનુકંપાવશ શિવની પેઠે સરસ્વતીચંદ્ર મૂર્ચ્છાની મૂર્તિ ઉપર દૃષ્ટિ કરી જોઇ રહ્યો. એક પળમાં અનેક વિચારો સમાસ પામતા વહ્યાં.

આજ સુધી વેશ અને વિકાર ગુપ્ત રાખ્યા હતા તે આજ ઉઘાડા થઇ ગયા તેની સાથે મુખાકૃતિ પણ પ્રકૃતિસ્થ વિકારને વશ દેખાઇ. પોતાના ઘરમાં જ પોતે હોય અને પોતાની સ્ત્રીની જ અવસ્તા જોતો હોય એવો દેખાવ મુખ ઉપર સહસા આવી ગયો. જે વિદ્ધત્તા અપ્તરંગીપણાના પડમાં સંતાડી રાખી હતી તે કવિતાની ચાળણીમાંથી આજ ટપકી ગઇ. જે શોકસીમાં પરદેશીપણાના ધુમ્મસમાં અદૃશ્ય રાખી હતી તેના ઉપર અભિજ્ઞાનસૂર્ય શ્યામ

ચળકાટ મારવા લાગ્યો.

પરગૃહમાં આ દશા ઉઘાડી પડે - કોઇ દ્ધાર ઉઘાડે - તો શી અવસ્થા થાય તેનો વિચાર કરવા અવસર ન હતો. ઘટિકાયંત્રને કૂંચી આપતાં આપતાં અત્યંત સંકોચાતી કમાન ઓચિંતી કડાકો કરી તૂટે તેમ પોતાની

મેડીમાં આવેલીના મનમાં પત્ર દ્ધારા દુઃખની કૂંચી ફેરવતો ફેરવતો સરસ્વતીચંદ્ર, આખા દિવસ અને રાત્રિનાં વિવિધ દુઃખો ખમી થાકેલી નિઃશ્વસ્ત બની દુઃખ

દુઃસહ થતાં મૂર્ચ્છિત થઇ પડેલીને જોઇ ચમક્યો અને શું કરવું તે તેને સૂઝ્‌યું નહીં. વિચાર અને વિકાર પોતે કરેલી હાનિથી ઓશિયાળા બની નાસી ગયા. ખાટલાના પાયા આગળ નિર્માલ્ય કુસુમમાળા પેઠે પડી રહેલી કુમુદસુંદરીના

મુખ આગળ બેઠો. લોકવ્યવહારની નીતિ ભૂલી જઇ તેની મસ્તિકકળી ખોળામાં

લઇ આસનાવાસના કેવી રીતે કરવી તે વિચારવા લાગ્યો - વિચારતાં વિચારતાં પોતે વ્યાવહારિક નીતિથી વિરુદ્ધ ચાલે છે તે ભાન આવ્યું, પરંતુ તે નીતિને આ વેળા અપ્રાસંગિક ગણી અવગણી. અવગણી તે છતાં ગણી પણ ખરી. આશ્વાસક હાથ મૂર્ચ્છિત મુખ ઉપર ફરવા ગયો પણ અટક્યો અને માત્ર જડ કેશભારને ટેકવી રહ્યો. હવે શું કરવુપં તે ન સૂઝ્‌યું. શું બોલવું - મૂર્ચ્છા કેમ વાળગી તેનો ઉત્તર બુદ્ધિએ ન આપ્યો. પોતાની

મેડીમાં કોઇને બોલાવવું પણ શી રીતે ? સર્વથા સર્વ ઉપાય પરવશ રહ્યા.

અંતે પ્રસંગે આપેલી બુદ્ધિને બલે મૂર્ચ્છિત કાનમાં નિઃસ્વર શબ્દ

કહેવા લાગ્યો : ‘કુમુદસુંદરી ! કુમુદસુંદરી ! ઊઠો ઊઠો ! આમ શું કરો છો

? આપણી બેની વિનાકારણ ફજેતી થશે ! - અસત્ય આરોપ આવશે.

સાચી વાત કોઇ માનશે નહીં !’ ઘણા ગૂંચવાડામાં પડી આનું આ સરસ્વતીચંદ્ર

વારંવાર કહેવા લાગ્યો, પણ કુમુદસુંદરી જાગી નહીં.

રાત્રિ જતી હતી તેમ તેમ ઘરમાં વહેલાં ઊઠનારાંઓને ઊઠવાનો સમય પાસે આવતો હતો. મૂર્છા જોઇ સ્નેહશોકમાં પડેલા હ્ય્દયમાં ભય પણ પેઠો અને સૂક્ષ્મ વિષયોનું ભાન જતું હતું. સરસ્વતીચંદ્રે ઉતાવળ કરવા

માંડી અને કુમુદસુંદરીનું મુખ તથા હાથ ઝાલી ધીમે ધીમે ઢંઢોળવા મંડ્યો.

કુમુદસુંદરી ભૂમિ ઉપર બેભાન પડી હતી અને શું થાય છે તે જોવા કે જાણવા અશક્ય હતી. શિયાળામાં અત્યંત શૈત્ય પડવાથી પ્રાણ તજી

નાની ચકલી ભૂમિ પર પડી હોય અને ટાઢથી સંકોચાયેલા છતાં પણ તેનાં વીખારયેલાં નાજુક પીછાં ખરી પડવા જેવાં લાગતાં હોય તેમ નાની સરખી બાળક જેવી દેખાતી કુમુદ પડી હતી અને તેનું વસ્ત્ર શરીર પર લપેટાયું છતાં અ-સ્વ-સ્થ થયું હતું. મલમલનો ઝીણો સૂતી વખત પહેરવાનો સાળુ નિમ્નોન્નત અવયવોનો અત્યંત સહવાસી થઇ પિશુનકર્મ કરતો હતો અને સરસ્વતીચંદ્રનાં લોચનને પ્રિય થવા મથતો હતો. ભૂ-નભના સંયોગ આગળ

ઊગતા ચંદ્રને ઢાંકી ઊભેલી અને તેના તેજથી ચળકતી નાની રૂપેરી વાદળીની પેઠે ખાટલાની ઇસ નીચે ભૂમિ પર પડેલી અને પ્રકાશ મારતી ગૌર દેહલતિકા પુરુષના ભયત્રસ્ત લોચનને ભય ભુલાવી રમણીય સાનો કરવા લાગી. મખમલ

જેવા કોમળ અને સુંવાળા મિષ્ટમાંસલ અવયવ ચંપાતાં ચંપાતાં જગાડનાર હસ્તને પળવાર મોહનિદ્રામાં લીન કરી સ્પર્શેન્દ્રિય દ્ધારા જાગતા મસ્તિકમાં પહોંચવા યત્ન કરવા લાગ્યા. પરંતુ કુસુમકલિકા પેઠે બિડાયેલાં પોપચાં ઉપર સ્ફુરતી અત્યંત અમંગળ શંકાને બળે વિકાર પોતાનો ઉદયને અપ્રાસંગિક ઘણી જરીક જાગી નિદ્રાવશ થયો. કરુણરસ ચક્રવર્તી થયો અને સંસ્કારોની પાસે સામંતકર્મ કરાવવા લાગ્યો.

આખરે મહાપ્રયાસે, પ્રયાસના બળથી કે પછી સ્પર્શ ચમત્કારથી કુમુદસુંદરી જાગી અને સરસ્વતીચંદ્રના ખોળામાં પોતાનું માતું જોઇ એકદમ

ખડી થઇ આઘી બેઠી; ઇશ્વર જાણે ક્યાં કારણથી સરસ્વતીચંદ્રના હાથે આઘી ખસતીનો હાથ અચિંત્યો ઝાલ્યો અને તેવો જ પાછો પડતો મૂક્યો.

કુમુદસુંદરી તેના સામું જોઇ રહી. આ મૂક નાટક કાંઇક વાર રહ્યું. અંતે સરસ્વતીચંદ્ર ઊઠી ખાટલામાં બેઠો. તે જ પળે કુમુદસુંદરી પણ ઊઠી અને સરસ્વતીચંદ્રે લખેલી ગઝલોવાળો પત્ર લઇ છેટે ઊભી. ન બોલવાની નિશ્ચય

ચળ્યો. જયવંત વિશુદ્ધિ ઉભય ચિત્તમાં શાંતિનો વરસાદ વરસાવવા લાગી.

ભયથી બંધાયેલી કૃત્રિમ પ્રતિજ્ઞાઓ ભય જતાં મેળે તૂટી. કુમુદસુંદરીને બોલવાની હિંમત આવી. ઘરથી આઘે રાત્રે કામ કરવા રોકાયેલી મજૂર

સ્ત્રીઓ છોબંધ ટીપતી ટીપતી રાગ લંબાવતી ગાતી ગાતી અને નિયમસર ટીપતાં ધબકારા વડે તાલ દેતી હતી.

‘અખંડ રહો મારી અખંડ રહો આ અખંડ માઝમ રાત !

પિયુ વિના મારો કેમે કર્યો પેલો દિવસડો નવ જાય !’ અખંડ૦

સરસ્વતીચંદ્રના સામી પોતે ઊભી તે જ પળે આ સ્વર સાંભળી કુમુદસુંદરીનાં રોમેરોમ ઊભાં થયાં ! ‘માઝમરાત’ શબ્દ હ્ય્દયમાં વીંઝાયા !

વળી પાસે રહેનાર મોડી રાત જાગનાર કોઇ પુંશ્ચલીના ઘરમાંથી સ્વર આવતો હતો :

‘રંગ માણો મારા રાજ, પધારો, હિંદુ ભાણ રે ! રંગ૦

સૂરજ ! થાને પૂજશું રે ભ-મોતીયારા થાર;

ઘડી એક મોડો ઊગજો - મારો સાહેબો ખેલે શિકાર રે ! રંગ૦

અસવારી પ્રતિ નાથની રે - ઘોડારા ઘમસાર !-

કોઇ વારે હીરામોતી - હું વારું મારા પ્રાણ રે !’ રંગ૦

ભયંકર ગીત સાંભળી, લાલચથી ફોસલાયેલી રોમરાજિ પર કોપાયમાન થઇ, હજી પણ પોતાનામાં નિર્બળતાની છાયા દેખી ખિન્ન બની, સરસ્વતીચંદ્ર

પરના પોતાના સ્નેહ પર એ છાયાનો આરોપ મૂકી, એ સ્નેહ અને તજ્જન્યશોક ઉભયને લીધે વિશુદ્ધિના રાજ્યતંત્રમાં ભેદ પડ્યો ગણી, ઉભયનો ત્યાગ કરવો એ ધર્મ છે એવું ભાન આણી, મૂર્ચ્છા પામનારી બળવાન બાળા એકદમ સચેત થઇ અને સરસ્વતીચંદ્રને જે કહેવું હોય તે એકદમ બેધડક બની ટૂંકામાં કહી દેવું એ નિશ્ચય કર્યો. રેતીમાં પડેલી રેખા વાયુથી ઘસાઇ

જાય તેમ મૂર્ચ્છાનો આવેશ, વિશુદ્ધિ જાળવવાનાં વેગવાન પ્રયત્ન આગળ

અદૃશ્ય બની ગયો.

સરસ્વતીચંદ્ર આ પ્રસંગે ખાટલામાં નીચું જોઇ બેઠો બેઠો પળવાર ઊંડા વિચારમાં ડૂબી ગયો. ‘લક્ષ્મીથી અને સાંસારિક પ્રતિષ્ઠાથી હું મેળે ભ્રષ્ટ થયો તેમ જ આ પળે વિશુદ્ધિના ઉત્કર્ષથી પણ હું ભ્રષ્ટ થયો -

આટલો સરખો મારે વાસ્તે કુમુદસુંદરીના મનમાં સારો અભિપ્રાય હશે તે પણ પડતો મૂકવાનું મેં કારણ આપ્યું’ - એમ વિચારી મનમાં પોતાના ઉપર ખીજવાયો. અને બારણે ઇન્દ્રસભાનું નાટક જોઇ પાછા આવતાં નાટકનાં ગીતો તૂટક ગાતા લોકનાં ગીતની પાતક અસરથી ત્રાસ પામી કંટાળ્યો.

ખીજવાઇ કંટાળી, ઇચ્છવા લાગ્યો કે ‘હું આ સુવર્ણપુરમાં ન આવ્યો હોત તો ઉચિત થાત ! અત્યારે ને અત્યારે મને પવનપાવડી જેવું કાંઇ મળે અને હું ઊડી જાઉં ?’ આંખ ઊંચી થતાં કુમુદસુંદરીને જોઇ દયાર્દ્ર થયો અને પોતાને અપરાધી માની, શકુંતલાને ઓળખી કાઢી તેને પગે પડતાં ક્ષમાર્થી દુષ્યંતના બોલેલા શબ્દ સ્મરી તે જ વૃત્તિ અનુભવવા લાગ્યો અને સુતનુ હ્ય્દયાત્પત્યાદે શવ્યલૌકમપૈતુ એ શબ્દ મનમાં બોલી પાછું નીચું જોયું.

એટલામાં પવનમાંથી સ્વર આવતા હોય, આકાશવાણી થતી હોય, પૃથ્વીનાં પડમાંથી નાદ ઊપડતો હોય : એમ કુમુદસુંદરીના મુખમાંથી શબ્દ

ક્યાંથી આવે છે તે જાણી શકતો - જોઇ શકતો - ન હતો. શબ્દ માત્ર તેના કાન સાથે અથડાતાં જ પ્રત્યક્ષ થતા અને મર્મને ભેદતાં જ સમજાતા. કોઇ

મંદિરમાં સ્થાપેલી મૂર્તિ બોલી ઊઠતી હોય, રૂપાની ઘંટડીઓ અચિંતી વાગવા

માંડતી હોય, કોમળતા, સુંદરતા, પવિત્રતા અને ગંભીરતા - એ સર્વ એકરૂપ બની મૂર્તિમતી થઇ ઉપદેશ કરવા લાગી હોય તેમ કુમુદસુંદરી અપૂર્વ તેજ ધારી બોલવા લાગી.

‘તમારી સાથે બોલવાનો મારો અધિકાર તમે જ નષ્ટ કર્યો છે તે છતાં કોણ જાણે શાથી હું આજ બોલું છું - પણ તે છેલવેલ્લું જ બોલું છું.

‘મારી ભૂત, વર્તમાન અથવા ભવિષ્ય અવસ્થા જાણવાનો અધિકાર તમે જ તજી દીધો છે - તમને એમ જ ગમ્યું - તમારી ઇચ્છા. એ અવસ્થા હવે તમને જણાવવી એ સર્વથા અનુચિત છે. એટલું જ કહું છું કે ભૂલેચૂકે બીજી કોઇ ભાગ્યહીનની એ અવસ્થા ન કરશો !

‘મારે તમને કહેવાવું ને તમારા ખીસામાંના પત્રમાં છે - એટલું પણ તમે મારું હિત કરશો - એટલું પણ સાંભળશો - એવો મને વિશ્વાસ નથી. વિશ્વાસ શી રીતે રાખું ? હું રાખું કે ન રાખું તેની તમારે પરવા પણ શી ? હાસ્તો - ખરી વાત. મૂર્ખાએ એ પત્ર લખાઇ ગયો : લખ્યા વિના ના રહેવાયું.

‘સરસ્વતીચંદ્ર ! કૃપા કરી, દયા આણી, મુંબઇ જાઓ. શું ભણેલાઓ સર્વ તમારા જેવા હશે ? શું ક્રૂરતા વિદ્યાની અંગભૂત જ હશે ? મુંબઇ

જાઓ કે મારા પિતાને મળો. પણ આમ ક્રૂર ન થશો.

‘પતંગ પેઠે રહો - કે સમુદ્રમાં મોજાં પેઠે રહો - કે વાયુ પેઠે રહો

! એ સર્વ નિર્દયતા રચતાં તમે કોઇ રોકે તેમ નથી ! જીવતી છતાં ચિતા વચ્ચે બેઠેલી, તેને કંઇ નાસવાનું છે ? તમે છૂટ્યા પણ મારાથી કંઇ છુટ્યું

? - બળીશું, ઝળીશું, રોઇશું કે મરીશું - વજ્ર જેવું આ કાળજું ફાટશે -

થશે તે થવા દઇશું - તેમાં તમારે શું ? તમારે તમારી સ્વતંત્રતા અખંડ રહી - એટલે થયું.

‘ઉત્તર મારે નથી જોઇતો - કહુંં છું તે વિચારજો એટલે ઘણું.’

‘ઇશ્વર તમને સદ્‌બુદ્ધિ આપો !’

આટલું બોલતાં બોલતાં ગળગળી થઇ ગયેલી, આંખમાં વહેતું આંસુનું પૂર ખાળવા વૃક્ષા પ્રયત્ન કરતી, અંતે રોઇ પડતી, ‘મને દુઃખમાં છાતી સરસી તમે કાંઇ હવે ચાંપી શકવા જેવું રાખ્યું છે ?’ એવું ભાન આપતી ઠપકો દેતી હોય તેમ ઉતાવળો છેલ્લો ક્રોધકટાક્ષ નાંખતી, દુઃખમય

બાળા અચિંતી પોતાની મેડી ભણી દોડી, પાછું પણ જોયા વિના પૂંઠ પાછળ

દ્ધાર વાસી દીધાં, પાછું જોયું ન જોયું કરી સાંકળ વાસી, અને પલંગ પર પડી રોઇ ઊભરો કાઢ્યો અને શાંત થઇ. શાંત થતાં ટેબલ પર આવી સરસ્વતીચંદ્રની ગઝલો બે વાર વાંચી. બે વાચ વાચતાં મોંએ ચડી, મોંએ

ચડતાં તે ગઝલોવાળો પત્ર નિરર્થક થયો; નિરર્થક થતાં તે પાસે રાખવો એ વિશુદ્ધિમાં ન્યૂનતા રાખવા જેવું લાગ્યું, એ ન્યૂનતા મટોડવા માત્ર ફાડી નાંખ્યો, એ ફાડતાં ફાડતાં વિચાર થયો કે સરસ્વતીચંદ્રના હાથનો એક પણ પત્ર હવે મારી પાસે શું કરવા જોઇએ, એ વિચાર થતાં તેના સર્વ પત્ર કાઢી તેનો નાશ કરવાનો નિશ્ચય કર્યો, નિશ્ચય થતાં હ્ય્દય ફાટતું - ચિરાતું

- લાગ્યું, હ્ય્દય ચિરાતાં તેને સાંધતી હોય તેમ સર્વ કાગળો હ્ય્દય સરસા ફરી ફરી ચાંપ્યા - ચૂમ્યા અને અશ્રુપાતથી નવરાવ્યા, અને નવરાવી નવરાવી પ્રિયજનનું શબ હોય ેતમ તેમને ખડક્યા - અને દીવા વડે અગ્નિદાહ દીધો

! એ અગ્નિદાહ દેવાતાં હાથમાં ન રહેલા અંતઃકરણે ઠૂઠવો મૂક્યો, બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી તેને શોકમંદ બનેલા હાથે કાચની એક સુંદર શીશીમાં સંભાળથી રજેરજ ભરી, શીશી પર કાગળ ચોડી, તે પર ‘મર્મદારક ભસ્મ’ એવું નામ લખ્યું, શીશીને પણ છાતીસરસી ચાંપી-

ચૂમી-ટેબલ પર નિત્ય દૃષ્ટિએ પડે એવે સ્થાને ધીમે પાછી ફરી; મહાપ્રયાસે પલંગ પર ચડી; પળવાર ત્યાં બેસી રહી; પછી ઢળી પડી સૂતી; અને ખેદમાં ને ખેદમાં રાત્રીના ત્રણ વાગતાં સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, હ્ય્દયનો ભાર હલકો કરી ત્યાગનો ને ત્યાગનો જ વિચાર કરતી કરતી, અકલ્પ આત્મપ્રયાસથી વિશુદ્ધ બનવા જતાં ઇશ્વરકૃપાએ મહાજય

પામેલી, ભાગ્યશાળી પવિત્ર ઉત્કૃષ્ટ સતી કુમુદસુંદરી તપને અંતે આનંદસમાધિ

પેઠે જાતે આવેલી અસ્વપ્ન નિદ્રાને વશ થઇ.