Dhak Dhak Girl - Part - 22 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ૨૨

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ૨૨

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૨૨]

લેખક: અશ્વિન મજીઠિયા

.
[આ પહેલાનો ૨૧મો એપિસોડ માતૃભારતી પર પબ્લીશ થયો ત્યારે તેમાં ઘણા સંવાદો અને ફકરા ગાયબ થઇ ગયેલા. જો કે થોડા જ કલાકોમાં તેને સુધારી લેવાયો હતો, પણ તોયે ત્યાં સુધીમાં ૧૨૫ જેટલા નિયમિત વાંચકોએ તે વાંચીને ઈનબોક્સમાં અસંતોષ પણ વ્યક્ત કરી દીધો હતો. માતૃભારતી વતી હું આપ સહુની ક્ષમા યાચું છું અને સાથે સાથે એક વિનંતી કે આ ૨૨મો એપિસોડ આગળ વાંચો તે પહેલા ૨૧મો એપિસોડ ડાઉનલોડ કરીને ફરી એકવાર વાંચી લેશો તો આ હપ્તામાં વધુ રસ પડશે.]

********

અનંત-ચતુર્થીનાં દિવસે તે જનોઈ-ફન્કશન રંગેચંગે ઉજવાઈ ગયા બાદ પણ બીજે દિવસે અમુક તો કામ હતા જ કે જે મમ્મીએ તાકીદે પતાવવાનાં હતા, પણ કમનસીબે તે દિવસે રીક્ષાવાળાઓની હડતાળ હતી અને મમ્મીએ ટાઉનમાં જવુયે ખુબ જરૂરી હતું.
આટલા દિવસો ઘરમાં ધ્યાન નહોતું આપ્યું તો દાણા-પાણી અને બહુ બધો કિચનને લાગતો સામાન લાવવો જરુરી હતો. પણ પુના મ્યુનીસીપલ કોર્પોરશનની ભરચક્ક ભરેલી બસમાં તે આટલું બધું લાવવું અશક્ય જ હતું.

બપોર પછી ધડકન પણ ઘરે આવી હતી. આમ તો હવે પ્રસંગ પૂરો થયા બાદ તેની મારા ઘરે ડ્યુટી પૂરી થઇ ગઈ હતી, તે છતાંય એકાદ બે દિવસ જ્યાં સુધી..મમ્મી ફરીથી ફૂલ-ટાઈમ નોર્મલ રૂટીનમાં ન આવે, ત્યાં સુધી તે એકાદ બે કલાક હેલ્પીંગ-હેન્ડ તરીકે ઓનરરી સર્વિસ દેવા આવશે તેવું મેં જયારે મમ્મીને કહ્યું, તો મમ્મીને એમાં કંઈ જ ના પાડવા જેવું ન લાગ્યું..થેન્ક ગોડ..!
ખેર, જયારે મમ્મીએ ઑટો-રીક્ષાની હડતાલની વાત કરીને ચિંતા વ્યક્ત કરી, તો મેં હળવેથી ધડકનને ઈશારો કર્યો-
"આંટીજી, તમે જો કહેતા હો તો આપણે મારી ગાડી પર જઈને જઈ આવીએ કે..? મારી પાસે ટુ-વ્હીલર છે."
[આ ધડકન..કોઈકવાર મમ્મીજી તો કોઈકવાર આંટીજી કહીને મનફાવે ત્યારે પાટલી બદલી નાખતી, જે મને બહુ ખૂંચતુ.]

"અરે, પણ સામાન કેટલો બધો છે..! નહીં ફાવે તને.." -મમ્મીએ ફોર્માલીટી કરી.

"ફાવશે..! મને આદત છે..મોટ્ટી મોટ્ટી બેગ્સ ગાડી પર લઇ આવવાની." -મારી તરફ જોતાં તે બોલી.

ઑફીસ ટ્રીપ પરથી હું જયારે પાછો ફરતો હતો તે સમયે તે મને ઍરપોર્ટ પર રીસીવ કરવા આવી હતી અને પછી મારી જમ્બો સાઈઝ ટ્રાવેલ-બેગ સંભાળતા અમે તેની જ આ સ્કુટી પર આવ્યા હતા તે વાત યાદ કરાવતું હોય તેવું તેની મધાળ સ્મિત હતું. હું મારું હસવું રોકી ન શક્યો એટલે પટકન મારું મોઢું મેં લેપટોપમાં ખોસી દીધું.

તે પછી કલાકોનાં કલાકો આ બંને..ભવિષ્યની થનાર સાસુ-વહુ..ભેગાને ભેગા જ હતા. પપ્પા ઘરે આવી ગયા તે પછીયે છેક મોડી સાંજે જયારે આ બંને ઘરે પાછી આવી, ત્યારે મમ્મી ખુબ જ થાકેલી લાગતી હતી, પણ તોય તેનાં ચહેરા પર તો મનગમતું શોપિંગ કરી આવ્યાનો આનંદ છલકતો હતો.

તે પછી દર વખતની આદત મુજબ જ મમ્મી બધું જ મને અને પપ્પાને બતાવતી હતી, ત્યારે ધડકન ઘરે જવા માંડી તો મમ્મી બોલી-
"થેંક્યુ ધડકન, આજે શોપીંગમાં મસ્ત મજા આવી ગઈ. ક્યારેક ક્યારેક તો એકલા આવું બધું શોપિંગ કરવા જવામાં એટલો કંટાળો આવે કે પૂછ જ નહીં. અને તારી તે સ્કુટી.. ખુબ જ કામ આવી ગઈ આજે તો." -સંતોષ અને આનંદથી મમ્મીનો ચહેરા દીપી ઉઠ્યો.

"નો પ્રોબ્લમ આંટીજી..! મને પણ શોપિંગ કરવું બહુ ગમે. નેક્સ્ટ ટાઈમ તમને જો કંટાળો આવે તો મને નક્કી ફોન કરજો. આપણે બેઉ જઈશું."

"ઠીકે..! પણ જાય છે તે પહેલા ચા પીને જા..ખુબ થાકેલી લાગે છે તું..અને આમેય આ બંને બાપ-દીકરા માટે તો ચા મુકું જ છું."

"અરે નહીં..! જામ મોડું થઇ ગયું છે. ઘરે મમ્મીને પણ થોડું હેલ્પ કરાવું હવે." -કહીને ધડકન ઘરે જવા નીકળી ગઈ.

હું ફરી પાછો લેપટોપમાં ઊંધું ઘાલીને કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરતો જ હતો, કે તેનો મેસેજ આવ્યો-

"પેલી યલ્લો કલરની પીશવીમાં એક નેવી-બ્લુ કલરનું ચેકર્ડ શર્ટ છે. મમ્મીએ તારા કોઈક કઝીન માટે લીધું છે પણ મને તે જામ ગમ્યું છે, અને તારા પર તો તે મસ્ત સુટ થશે. કઝીનને તો આપણે બીજું ય લઈને આપી શકીએ ને..?"
[લોલ્ઝ..! કહેવાની જરૂર નથી.. તે શર્ટ પછી મેં મમ્મી પાસેથી પડાવી જ લીધું.]

********

બધું સરસ અને સરળ રીતે વ્યવસ્થિત ગોઠવાતું જતું હતું, કે એક દિવસ...
પિતૃપક્ષ ચાલતો હતો ને તે દિવસે નાનાજીનું શ્રાદ્ધ હોવાથી મમ્મી, મામાનાં ઘરે ગઈ હતી કે બપોરે ધડકન ઘરે આવી.

"તન્મય..આ જો..નોઝ રીંગ..!" -પોતાનાં નાક તરફ આંગળી ચીંધીને તે બોલી- "કેવી લાગે છે?"
ભાગ્યે જ નાકમાં કંઈ પહેરનારી ધડકને નાકમાં બાલી પહેરવાથી તેનો આખો લૂક જ બદલાઈ ગયો હતો.
હું તેને કોમ્પ્લીમેન્ટ આપું તે પહેલા તો બહાર વાદળોનો ગડગડાટ સંભળાયો.

"બોલ ને..! કેવી લાગે છે? બહુ બધી રાઉડી તો નથી લાગતીને..?"

"રાઉડી નહીં..સેક્સી.." -મેં આંખ મીંચકારીને તોફાની સ્માઈલ આપ્યું.

બહાર એકાએક જ અંધારું થવા લાગ્યું હતું. વાદળોનો ગડગડાટ વધવા લાગ્યો હતો, ને બસ થોડી જ પળોમાં મોટા મોટા ટીપાં પડવા ચાલુ થઇ ગયા.
આ વરસે ચોમાસું ખાસ્સું નિષ્ફળ ગયું હોવાથી જુન-એન્ડ અને જુલાઈની શરૂઆતમાં વરસાદ થોડો પડ્યા બાદ તો સાવ ગાયબ જ થઇ ગયેલો અને આટલા મહિના બાદ તે દિવસે અચાનક જ ભરચોમાસા જેવું વાતાવરણ થઇ જતાં નવેસરથી જ ચોમાસું બેઠું હોય તેવી ખુશી અને ઉત્તેજના મારા મનમાં વ્યાપી ગઈ.

"હેપ્પી રેઈનીંગ સ્વીટી..!" -મારી જેટલી જ ખુશીથી ઉછળીને ધડકન ચહેકી ઉઠી- "હેપ્પી ફર્સ્ટ રેઇન ઑફ આવર બ્યુટીફૂલ રીલેશનશીપ..!"

"થેંક યુ..! એન્ડ સેમ ટુ યુ ટૂ, ડાર્લિંગ..!" -મેં તેને સામે અભિવાદન કર્યું.

"આઈ વિશ કે આપણે બંને એકમેક પર લટકીને આ વરસાદમાં સાથે ભીંજાતા હોત."

"એવું? યાર..તો ચલ, લેટ્સ ગો ધેન.." -મારું લેપટોપ બાજુ પર રાખતાં હું બોલ્યો.

"યેડો થઇ ગયો છે કે? તારું આ પ્લાસ્ટર શું વોટરપ્રૂફ છે? હેહેહેહે..!"

"તો શું થઇ ગયું? પ્લાસ્ટર તો કાઢીને બીજું પણ લગાવી શકાય છે. પહેલા વરસાદની લજ્જત ફરી પાછી નહીં મળી શકે..ચલ..!"

"અરે પણ.."

"અરે પણ શું? અત્યારે સમજો કે હું ચેક-અપ વગેરે કરાવવા જો બહાર ક્યાંક ગયો હોત...અને જો વરસાદ આવ્યો હોત તો ભીંજાયો હોત કે નહીં? બસ..તો પછી. કંઈ નહીં થાય. ચલ ટેન્શન નહીં લે ફાલતુમાં."

ધડકનનો હાથ પકડીને લંગડાતો લંગડાતો હું તેને ટેરેસ પર લઇ ગયો. વરસાદનાં બોર બોર જેવડા મોટા ટીપાંઓ પુર જોશથી માથે ત્રાટકી રહ્યા હતા અને તે પ્રત્યેક ટીપે ટીપે અંગમાં મસ્તીનું પુર ઉમડવા લાગ્યું.

ધડકને મારું કાંડું પકડીને તેને કોણીએથી વાળીને એકદમ સીધું પડકી રાખ્યું ને પછી વરસાદનાં ટીપાઓ વડે તેની પર આઈ લવ યુ લખ્યું.

મને તો સમજાતું જ નથી કે છોકરીઓને આવાં કીડા કરવામાં શું મજા આવતી હશે, પણ તોય તેની તરફ જોતાં જોતાં તેની આ બાલીશ હરકતને હું માણતો રહ્યો, ઓનેસ્ટલી.. આનાથી હું તો જાણે કે ખુબ જ સ્પેશીયલ હોઉં તેવી લાગણીઓ મને થઇ આવી હતી.

થોડીવારમાં તો વરસાદનું જોર એટલું વધી ગયું કે હું અને ધડકન પુરેપુરા ભીંજાઈ ગયા. બરફ જેવું ઠંડુ પાણી ને ધડકનનો હુંફાળો સ્પર્શ..!
વાઉ..! જબરદસ્ત ડેડલી કોમ્બીનેશન હતું આ.
પંદર મિનીટ વરસાદ વરસ્યો ને પછી ધીમો પડ્યો, એટલે અમે નીચે આવી ગયા.

"હું મારું શર્ટ બદલી આવું..!" -મારા ઘરનાં લીવીંગ-રૂમમાં પ્રવેશતા જ હું બોલ્યો.

"અરે, અહીંયા જ બદલી લે ને..! શરમાય છે કે મારાથી..?" -ધડકન હજીય છેડછાડના મૂડમાં જ હતી.

"ઠીકે..તારી જ આવી મરજી છે તો પછી..ડોન્ટ બ્લેમ મી લેટર." -આમ કહીને મારું ટીશર્ટ કાઢીને મેં ધડકન પર ફેંક્યું.

ખીલખીલાટ હસતી ધડકન આગળ કંઈ બોલે તે પહેલા તો અચાનક જ એક હળવા ધક્કાથી દરવાજો ઉઘડ્યો અને મમ્મી અંદર આવી..સાવ અણધારી જ..!

બહુ જ ઓકવર્ડ સીન હતો તે..
હું ઉઘાડો..!
ધડકન આખી ભીંજાયેલી..!
મારું ટીશર્ટ તેના હાથમાં..!

હું અને ઑફકોર્સ ધડકન...બંને ભોંઠા પડી ગયા. ચુપચાપ ધડકને મારું ટીશર્ટ સોફા પર મુક્યું, પોતાની બેગ ઉઠાવી અને કંઈ જ ન બોલતા ઘરમાંથી બહાર નીકળી ગઈ.

મમ્મી પણ કંઈ જ ન બોલી અને સીધી રસોડામાં જ ચાલી ગઈ, ને ઓરડામાં હું એકલો જ રહી ગયો.
ત્યાં સુધીમાં વરસાદ સાવ અટકી જ ગયો હતો એટલે બીજું શર્ટ ચડાવીને હું ઘરમાંથી બહાર નીકળ્યો અને ધીમે ધીમે દાદરા ઉતારવા લાગ્યો. મમ્મી મને જતાં જોઈ રહી હતી પણ તોય ન પૂછ્યું કે- હું ક્યાં જાઉં છું.

નીચે ઉતરીને મેં એક રીક્ષા કરી, અને એકલો જ હોસ્પિટલમાં જઈ ને મારું પ્લાસ્ટર બદલાવી આવ્યો. જતાં ને આવતા રસ્તામાં, અને બહાર રહ્યો તે દરમ્યાન..પળેપળ હું વિચારતો રહ્યો કે મમ્મીએ જે જોયું તે બદ્દલ તેનું રીએક્શન શું હશે? જયારે પોતે કોઈ વસ્તુ માટે સહમત ન હોય ત્યારે વાતનું વતેસર કે રાઈનો પહાડ કરવો તે તેને માટે તો ડાબા હાથનો ખેલ છે. અને એમાંય અત્યારે જયારે તેને જો લાગતું હશે કે તેણે રાઈને બદલે આખો પહાડ જ જોયો છે, તો..તો આને પહાડ કરતાં પણ કેટલું મોટું સ્વરૂપ તે આપશે?
બસ..એ વિચારે જ હું ધ્રુજી ઉઠ્યો. મને હવે ચોક્કસપણે એવું લાગવા માંડ્યું કે મમ્મીએ ધડકન સાથે મને આ હાલતમાં જોઈ લીધો તે પહેલાં જ.. મારે મારી વાત તેની સામે છેડી દેવી જોઈતી હતી.
છેલ્લે છેલ્લે હવે જયારે..તે ધડકન સાથે સરખી હળતીમળતી થઇ ગઈ હતી...ત્યારે જ જો કે મારે દાણો ચાંપી દેવાની જરૂર હતી, પણ ત્યારે તો મને એવું લાગ્યું હતું કે હમણાં બધું સરખું સરખું ચાલે છે તો હજીયે થોડી વધુ આત્મીયતા આ બંને કેળવી લ્યે, તે પછી મારો રસ્તો કદાચ વધુ સરળ થઇ જશે.
પણ હવે..આ બનાવ પછી તો એવું ચિત્ર તેની સામે ખડું થઇ ગયું હતું, જાણે કે તેની પીઠ પાછળ અમે બંનેએ કેટકેટલાય ફૂલ ખીલવી લીધા હશે. અને તેને અંધારામાં રાખીને બસ..તેને બાટલીમાં ઉતારવાની જ અમે કોશિષ કરતા હતા. મમ્મી હવે કદાચ એવું પણ વિચારે કે ધડકન મારે ઘરે જે નિયમિત આવે છે..તો તે ફક્ત પોતાના અંગત સ્વાર્થ અને મોજમજા માટે જ...અને નહીં કે મમ્મીને કોઇપણ રીતે મદદરૂપ થવા માટે.

દુનિયાભરનાં વિચારો કરતો અને મારે સામે આવી પડેલા આ અણધાર્યા સંકટનો સામનો મારે કઈ રીતે કરવો તેનાં પ્લાન બનાવતો બનાવતો હું પાછો ઘરે આવ્યો ત્યાં સુધીમાં તો પપ્પા પણ ઘરે આવી ગયા હતા, અને જોયું તો તેઓ એકદમ ધીરગંભીર મુદ્રા ધારણ કરીને બેઠા હતા.

આ જોઇને મને તો જાણે કે ખાતરી જ થઇ આવી કે મમ્મીએ તેમને ચોક્કસ જ અમારા એફેરની વાત હવે કરી દીધી હશે. પપ્પા આટલા દિવસ પેટમાં વાત દબાવીને બેસી શકે છે..ને એ તેમને માટે કોઈ મોટી વાત નથી..હું ઓળખું તેમને. પણ સાથે સાથે મમ્મીને પણ હું એટલી જ ઓળખું છું.
જેવા તેઓ ઘરમાં પ્રવેશ્યા હશે..કે તેમની બેગ પણ તેણે તેમને જગ્યાએ મુકવા નહીં દીધી હોય...કે નહીં તેમને તેમના બુટની લેસ ખોલવા જેટલો સમય આપ્યો હોય...ને બસ, એકદમ જ વાતની કોઈ પૂર્વ-ભૂમિકા બાંધ્યા વગર જ...જાણે કે કોઈ બોમ્બ ફોડતી હોય તેમ ધડાકાભેર ઊંચા અવાજે તેણે વાતની શરૂઆત કરી દીધી હશે.
તો સામે પક્ષે પપ્પાએ બસ...ફક્ત હોંકારો જ આપી આપીને વાત છેક સુધી સાંભળે રાખી હશે. જો કે તેમને વચ્ચે બોલવાની સંધી મમ્મીએ આપી પણ નહીં હોય..તે જુદી વાત છે.

એની વે..હું ઘરમાં આવ્યો ત્યારે ડીનરનો ટાઈમ થઇ ગયો હતો અને તેઓ બંને ડાઈનીંગ ટેબલ પર જમવાની જ તૈયારીમાં હતા. હું તેમની સાથે જોડાયો...કે જાણે વાટ જ જોતી હોય તેમ મમ્મીએ ધડકનની વાત છેડી જ દીધી-
"તન્મય.. આ ધડકન તારી ફક્ત મૈત્રિણ જ છે..? કે એથી ય વધુ કંઈ..?"

"મમ્મી..પપ્પા..હું અને ધડકન એકમેકથી પ્રેમ કરીએ છીએ.."
મારે પણ હવે સીધી જ વાત કરવી પડશે તેવું લાગતા મેં કોઈ પણ આનાકાની વગર કબુલાત કરી દીધી. અને આમેય પપ્પાને તો ખબર જ હતી. પણ, બાય એની ચાન્સ, જો તેઓએ મમ્મીને આ વાત અત્યાર સુધી ન કરી હોય...તો તેમને પણ હું જાણે પહેલી જ વાર ખબર આપતો હોઉં તેમ જોઈ-સંભાળીને મેં મારું વાક્ય રજુ કર્યું.

"પ્રેમ કરો છો? પ્રેમ? તે કૉલેજમાં ભણનારી છોકરીને શું સમજાય કે પ્રેમ એટલે શું? તેનામાં છે કંઈ ઠરેલપણું? મેચ્યુરીટીનાં નામે મીંડું છે તેનામાં. આ..આ તને આટલું મોટું પ્લાસ્ટર આવ્યું છે, ને સાંજે વરસાદમાં તે તારી સાથે.."

"મમ્મી પ્લીઝ..સાંજે તો મારી જ ભૂલ હતી, તેની બિલકુલ જ નહીં. ઉલ્ટાનું તે તો મને અટકાવી રહી હતી કે વરસાદમાં બહાર નથી જવું. પણ હું જ તેને લઈને ગયો બહાર. અને આ એકસીડન્ટ પણ ફક્ત ને ફક્ત મારા કારણે જ થયો હતો તે વાત પણ હું તને અગાઉ દસ વખત કહી ચુક્યો છું. અને મેચ્યુરીટીની જો વાત કરતી હો..તો તેની ઉમર કરતાં તો અનેકગણી તે મેચ્યોર્ડ છે."

"આ જો તનિયા..! અમસ્તો ફાલતુમાં વાદવિવાદ કરવાનો કોઈ અર્થ નથી..ને મારો એવો કોઈ મૂડ પણ નથી. તને ખબર છે ને કે આપણે ઇન્ટર-કાસ્ટ મૅરેજની વિરુદ્ધમાં જ છીએ અને એવામાં તારી જ વાઈફ જો.."

"બરોબર છે તારું કહેવું," -પપ્પાએ મમ્મીની વાતને કાપતા કહ્યું- "પણ આ વખતે આય એગ્રી વિથ તન્મય. ધડકન ઈઝ અ સેન્સીબલ ગર્લ..ને તેનામાં મેચ્યોરીટી તો બેશક છે જ. તારી ગેરહાજરીમાં તેને આવડે તેવું કિચન તો તેણે સાંભળી જ લીધું હતું. કોઈક નવા ઘરમાં..નવા લોકોમાં તે કેટલી સહેલાઈથી સેટ થઇ ગઈ હતી..! અને ઇન્ટર-કાસ્ટની જ જો વાત કરતી હો...તો આપણા રીતરીવાજ આપણી સંસ્કૃતિનો જો તે આદર કરતી હોય..તેનું પાલન કરતી હોય..તો તો પછી પ્રોબ્લમ જ શું છે?"

હું તો જાણે કોઈક શોક લાગ્યો હોય તેમ પપ્પાની સામે જોતો જ રહી ગયો. આ..આટલો બધો બદલાવ તેમનામાં આવ્યો કેવી રીતે? હજુ ચાર દિવસ પહેલાં મારી સામે કંઇક અલગ જ રૂપ દેખાડ્યું હતું ને આજે સાવ જુદા જ વિચારો તેઓ રજુ કરી રહ્યા હતા, મારી જ સામે અને..અને મમ્મીની સામે પણ..!

મેં જોયું કે મમ્મી તો મારા કરતા પણ વધુ મોટો આંચકો ખાઈ ગઈ હતી. તેણે તો બિલકુલ જ નહીં વિચાર્યું હોય કે પપ્પા મારી બાજુએ આવીને ઉભા રહી જશે..અને તે પણ...તેઓ બંને એકલા હોય ત્યારે નહીં..બલ્કે મારી હાજરીમાં જ જાણે તેને પરાસ્ત કરવા માંગતા હોય...તેવી રીતે.

"આ જુઓ," -મમ્મી થોડું ચિડાઈને બોલી- "મારું આ ઘર એ જ મારી દુનિયા છે. અને મારી દુનિયા આમ સાવ બહારની દુનિયાનાં રંગે બદલાવા તો નહીં જ દઉં હું. અને તમે આ બધું જે આજે ઊંધુંચત્તું બોલો છો...પણ આટલો વખત તો કોઈ દિવસ આપણા બંનેનો મત જુદો પડ્યો નથી, તો આજે આ તમાશાબાજે તમારા પર કયો મન્તર મારી દીધો છે?"

"દર વખતે વાત તારા ભાઈઓ કે તારી બેનનાં ઘરની કે પછી સાવ ત્રાહિત લોકોની જ હોય છે...કે જેમાં દખલ દેવી કે ન દેવી તેનાથી મને કોઈ ઝાઝો ફરક નથી પડતો, એટલે મારો મત અલગ પાડીને મારે કોઈ જ વિવાદ ઉભો નથી કરવો હોતો. પણ આજે હવે વાત આ આપણા ઘરની છે, તો જરૂરી નથી કે મારો મત હું સાવ મફતમાં જ ફેંકી દઉં. મારી વાત પણ તારે સાંભળવી અને સમજવી તો પડશે જ, કારણ સવાલ અત્યારે આપણા દીકરાની પસંદ-નાપસંદ અને તેની જિંદગીનો છે."

"કમઓન મમ્મી, ધડકનમાં કહેવાપણું શું છે? ક્યારેય તારી સાથે ઊંધુંચત્તું વર્તન તેણે કર્યું છે? આટલા દિવસોમાં ક્યારેય તેણે તારું મન દુભવ્યું છે? મારા એકસીડન્ટ માટે તેને જ જવાબદાર ઠેરવીને તું ગમે તેમ બોલી હોઈશ કે વર્તી હોઈશ...પણ તે એક શબ્દ પણ એવો બોલી છે કે જે તેણે ન બોલવો જોઈએ..? શબ્દો તો શું તેનાં હાવભાવ કે વર્તનમાં ય ક્યારેય એવું લાગ્યું છે તને? તે ઉપરાંત...જરા વિચાર કે ગમે તેની સાથે મૅરેજ કરીને આપણા જ ઘરનું વાતાવરણ બગાડી નાખવાનું શું મને પરવડે કે? આફ્ટરઓલ મને...અને તમને બંનેને પણ ખબર છે કે મૅરેજ પછી મારું તમારાથી જુદાં રહેવું સાવ અશક્ય જ છે. તો હાથે કરીને એવી છોકરી હું શા માટે પસંદ કરું કે જેનો આગળ જતાં તારી સાથે કોઈ તાલમેલ જ પોસીબલ ન હોય..? તમારા બંનેનું ટ્યુનીંગ જેટલું તારા માટે મહત્વનું છે એથી ય વધુ તે મને જરૂરી છે. જો..એકવાર તું તે લોકોને મળી તો જો. બહુ મજાના લોકો છે. મળીએ તો ખરાં. તે પછી નક્કી કરજે ને."

"હા,” -પપ્પાએ મારી વાતને સપોર્ટ કરવા ચાહ્યું- “મને તો સમજાય છે આની વાત અને..”

"અને અણઘડ અને અનસમજુ તો હું જ છું ને..! બોલી દો ને એમ પણ..!" -મમ્મીએ તેમની વાત કાપતા કહ્યું

"જો..વાતને વિવાદ બનાવ્યા વગર પણ કરી શકાય છે...ને તે તને આવડે પણ છે. તો જો તું ઈચ્છે તો શાંતિથી વાત થઇ શકશે...બાકી આવું વલણ રાખીને વાત અધ્ધર જ મૂકી દેવી હોય, તો બેહતર છે કે ચુપચાપ જમી જ લઈએ." -પપ્પા હાર માનવાનાં મૂડમાં નહોતા.

"તમે બેઉ બાપ-દીકરો એક જ ગાડે જઈને બેસી ગયા છો, એટલે આમ જ બોલશો ને હવે તો..!"

"એવું નથી મમ્મી...મારું એટલું જ કહેવું છે કે તમે બંને એક વાર તે લોકોને મળી લો...બસ..!"

"મારે તે ચીકન-મટન ખાનારા લોકોનાં ઘરે પાણીયે નથી પીવું."

"અરે પણ તે લોકો પાગલ થોડાં છે કે તને ઢોકળા અને પુરણ-પોળી ભેગા ઈંડા-કરી કે ચીકન-સૂપ પીરસશે..!" -પપ્પાએ થોડી મજાક કરવા લીધી.

"વાહ..તમને તો તેમનાં મેનુની પણ ખબર પડી ગઈ...કે એ લોકો ઢોકળા અને પુરણ-પોળી ખવડાવવાના છે..!" -મમ્મીએ મજાકની ય ઉલટતપાસ લેવા ચાહી- "તમે બંને જણા સાવ એક જ થઇ ગયા છો તે વાતની મારે હવે બીજી કોઈ સાબિતીની જરૂર નથી."

"અરે..! તું મજાક પણ નથી સમજતી? કે પછી સમજવા નથી માંગતી?"

"જુઓ..! મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી એ પર-માટી ખાનારા લોકોનાં ઘરે મોઢું એંઠુ કરવાનો."

એક પળ માટે મારા મગજમાં એક વિચાર તો આવ્યો પણ તરત જ હું બોલતા અટકી ગયો...અને પછી એક બીજો જ સુઝાવ મેં આપ્યો-
"ઠીક છે ને મમ્મી..! તો તેમને અહીયાં આપણા ઘરે જ બોલાવી લઈએ તો?"

"હમમમ..નાઈસ..!"

"આ જુઓ..! તમે બંને બાપ-દીકરાએ જો પહેલેથી બધું નક્કી જ કરી લીધું હોય, તો મને પૂછવાની ફોર્માલીટી પણ શું કામ કરો છો..?" -બોલતા બોલતા મમ્મી ટેબલ પરથી ઉભી થઇ ગઈ અને રસોડામાં કામ આટોપવા લાગી. જરૂર કરતાં પણ વધુ જોરથી વાસણ પછડાવાનાં અવાજો અંદરથી આવ્યા લાગ્યા, એટલે પપ્પાએ હાક મારી-
"અરે...! પૂરું જમી તો લે..!"

"એ...તમે લોકો ઉડાવો મિજબાની. હું તો ધરાઈ ગઈ છું..!" -વાસણોનાં ઘોંઘાટ વચ્ચે મમ્મીનો ઘાંટો સંભળાયો.

વાત અધુરી રહેવાને કારણે અસ્વસ્થપણે મેં પપ્પાની સામે જોયું તો તેણે હથેળી ઉંચીનીચી કરીને મને શાંત રહેવાનો સંકેત કર્યો-
"રીલૅક્સ માય સન..! ટેન્શન મત લે. રાત તો આખી મારી જ છે. બેડરૂમમાં તેને કેમ પટાવવી તે મને આવડે છે." -મને આંખ મારતા તેઓ બોલ્યા.

પપ્પાને આવું રોમેન્ટિક બોલતાં કદાચ મેં પહેલી જ વાર સાંભળ્યા હશે...તો આવી ટેન્શનભરી ક્ષણોમાં ય મને હસવું આવી ગયું.

જિંદગીમાં એવી પળો બહુ ઓછી આવી હશે, કે પપ્પાએ મારી તરફેણ કરીને મમ્મીની વિરુદ્ધ મત આપ્યો હોય.
બાકી મારી તરફેણ કરીને જયારે પણ તેમણે મમ્મી સાથે પોતાની અસહમતી દેખાડવી હોય તો મોટે ભાગે તેઓ મૌન રહીને જ તે દર્શાવતા હોય છે. અને તે દર વખતે તેમનું તે મૌન પણ મને ખુબ જ વહાલું લાગતું. પણ આજે તો જાણે તેઓ મારા જીગરજાન દોસ્ત હોય તેમ મારી ફેવરમાં ય બોલ્યા અને પછી મસ્ત...સેક્સી સ્ટાઈલમાં આંખ મારીને એવો ડાયલોગ બોલ્યા..કે મને તો તેમને બાથમાં લઈને ભેટી પડવાનું મન થઇ આવ્યું.

.

લગેચ..મારા બેડરૂમમાં જઈને મેં ધડકનને મેસેજ કરી નાખ્યો. ધડકન સોલ્લીડ ખુશ થઇ ગઈ. આમેય ગુરુવાર તો થઇ ગયો હતો, એટલે બે દિવસ પછીનાં રવિવારનો અમે લોકોએ પ્લાન બનાવી નાખ્યો.
રવિવાર હોવાને કારણે એક તો પ્લાન કેન્સલ થવાની શક્યતા ઓછી હોતી અને બીજું એ...કે તે દિવસે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ-મેચ હતી, તો બંને પપ્પાઓને વાતો કરવા માટે એક વિષય પણ ઉપલબ્ધ કરાવી શકાય તેમ હતો.

.

બીજા દિવસે શુક્રવારે મારે ફરી પાછુ ડોક્ટર પાસે જવું પડ્યું, કારણ આ વખતનું પ્લાસ્ટર બરાબર બેઠું નહોતું. તો ફોનમાં તેઓએ કહ્યું તેમ તે કાઢીને ફરીથી નવું બેસાડવું પડે તેમ હતું. ઑટોરીક્ષા કરીને હું ઘરેથી હોસ્પિટલ તરફ તો નીકળ્યો...પણ ત્યારે મને તો બિલકુલ જ ખબર નહોતી..કે બરોબર તે જ સમયે..
મારી મમ્મીને મળવા માટે અમારી બિલ્ડીંગનાં પગથીયા ચડી રહી હતી, તન્વી..મારી એક્સ ગર્લફ્રેન્ડ..!
[ક્રમશ..]

.

_અશ્વિન મજીઠિયા..