જીવનના વળાંકે
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
શાંત-પાર લાગતો ,
હું અપાર લાગતો .
કાપ કૂપ જ્યાં થઈ,
ધારદાર લાગતો .
કોઈ યાદ એટલું ,
ધોધમાર લાગતો .
સાંજ ઉંચકી ફરું,
ને સવાર લાગતો.
મુક્ત ભાવતાલથી,
એ બજાર લાગતો.
જે પળે નદી થતો,
નિર્વિકાર લાગતો.
જે નજીક આવતું,
આવકાર લાગતો.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અંગત અનુભૂતિની આ ગઝલ છે. પણ અંગત અનુભૂતિ શબ્દમાં મૂકાયા પછી જેવી બિનઅંગત બને છે કે તરત જ એ અપાર અર્થ ધરાવતી બની જાય છે, કોઈને માટે એ દિશા ચિંધનારી પણ બની રહે છે. કોઈની અનુભૂતિનું સમર્થન બની જાય છે. કોઈની શ્રધ્ધા દ્રઢ બને તેને માટે તે કારણભૂત પણ બની જાય છે. બસ, એ જ ઉદેશ્યથી થોડીક અંગત વાત આજે લખવા બેઠો છું.
જીવનના ક્યા વળાંકે ઊભો છું એ ખબર નથી. બધું જ શાંત લાગે છે. પાંચેય ઇન્દ્રિયોની સાથે છું અને છતાંય પાર છું. શરીરમાં છું અને શરીરની પેલે પર લાગુ છું. દરેક વખતે એમ લાગે છે કે બધાની પાર છું. આ બધામાં છું છતાંય પેલે પાર છું. કોઈ શબ્દ નથી જે આ મન:સ્થિતિને અક્ષરસઃ મૂકી શકે. હું અપાર લાગુ છું.
જ્યાં સુધી કાપ-કૂપ કરવી પડી છે ત્યાં સુધી વારંવાર જાતને ધાર કાઢવાના પ્રશ્નો રહેતા હતા. હવે જો કાપ-કૂપ છૂટી ગઈ તો ધારદાર થવાનો ય પ્રશ્ન નથી રહ્યો. બધું જ ધારદાર લાગે છે. કોઈનું સ્મરણ સતત પ્રત્યેક પરિસ્થિતિમાં એટલું ઘૂંટાયા કરે છે. કોઈની યાદ એટલી છે કે હવે જે બોલું છું એ પળે ધોધમાર વરસતો લાગુ છું. જોંઉ છું તો પણ ધોધમાર વરસાદની જેમ પડતો લાગુ છું. કોઈની યાદમાં હું કેવો ધોધમાર થઈ ગયો છું? આવું આપણે બધાએ અનુભવ્યું હોય છે.
દ્રષ્ટિ બદલાઈ જાય છે અને આખી વાત બદલાઈ જાય છે, અચાનક જો ખબર પડી જાય કે તમારી પાસે જીવનમાં જો સમય ઓછો છે તો ? કેટલું બધું નકામું છૂટી જાય છે. બસ એમ જ એક-એક પળ કિંમતી બની જાય છે. આમ લાગે છે કે સાંજ ઊંચકીને ફરું છું પણ સર્વને માટે હું સવાર જેવું અજવાળું બની ગયો છું. એ સર્વને માટે મારું હોવું એમના જીવનની સવાર બની ગઈ છે.
નદી દરેક હાલતમાં ખળખળ વહેતી હોય છે. એક ક્ષણ પણ અટકતી નથી. મેં અનેક વખત રાતભર રહીને અનુભવ્યું છે કે રાત્રે પણ નદી તો એ જ સ્ફૂર્તિથી, એ જ ગતિએ ખળખળ વહી જતી હોય છે. જ્યારથી નદીની જેમ જીવી જવું છે એમ નક્કી કર્યું છે ત્યારે જાણે સાવ નિર્વિકાર થઈ ગયો છું. મને હું નિર્વિકાર લાગ્યો છું. જળમાં નહીં મળ....એ ન્યાયે સાવ નિર્મળ થઈ ગયો છું.
કયારેક લાગુ છું કોઈક બારણા જેવો, કયારેક લાગુ છું કોઈ આંગણા જેવો. સત્ય એટલું જ છે કે કોઈના પણ પગલા હવે મારા તરફ આવી ચડે છે ત્યારે તેને જાણે હું માત્ર અને માત્ર આવકારું છું. મારું મૌન પણ આવકાર બની ગયું છે. મારું હોવું કોઈ અવસરનો આવકાર બની ગયું છે.
આ સમગ્ર ગઝલ કોઈનો પત્ર વાંચતો હોઉં કે કદાચ એથીય ઝડપથી મેં મને મોકલાવેલા સંદેશાની જેમ લખી છે. ગઝલ લખાય એ પછી એનું શીર્ષક શું મુકવું એ મૂંઝવણ હતી. મનમાં થતું હતું કે જીવનમાં આ કેવા વળાંકે આવીને ઊભો છું અને યાદ આવી ગઈ કિસન સોસાની નઝમ.
એવા વળાંક પર ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ,
અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી સદી તરફ...
આ પંક્તિઓ અનેકવાર અનુભવી છે. આપણા સૌના જીવનમાં એવા વળાંકો અનેકવાર આવતા હોય છે જ્યારે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય. બંનેમાં લાભ અને ગેરલાભ હોય. બંને તરફ મન ખેંચાતું હોય. બંને તરફ સરખી મૂંઝવણ થતી હોય. ના. જીવનના એવા વળાંકો તરફનો આ વળાંક નથી. આ વળાંક બધા જ વળાંકોને પાર કરી જનારો વળાંક છે. મારી આત્મકથાનો એક ટુકડો છે.