સમય !
હાં,હું સમય છુ.
કાલચક્ર પર સતત ગતિ કરતો સમય છું .
હું સતત આગળ વધુ છું .મારી ગતિ નિશ્ચિત છે.
અખિલ બ્રહ્માંડના અવકાશમાં હું એકધારો વહ્યા કરું છુ.
મને બાંધવો કે રોકવો કે પાછો વાળવો શક્ય નથી.
હું જ દિવસ છું ,હું જ રાત છું.
હું પૃથ્વીની સપાટી પર ફરતો રહું છું અને પૃથ્વીને એની ધરી પર ફેરવતો રહું છું.
હા,હું સમય છું.
આપણી આજુબાજુમાંથી અવિરત પણે પસાર થતો રહેલો સમય આપણને સતત આવું કહેતો તો હશે જ !જે સાંભળી શકે છે એ એટલા સમય પુરતા ઈતિહાસ રચીને સમયના સાક્ષી બની જાય છે અને બાકીના બસ જીવ્યા કરે છે સમયના નામની બુમરાણ મચાવતાં .
એ સનાતન સત્ય છે કે સમયને રોકી શકાતો નથી પણ એનો યોગ્ય ઉપયોગ કરીને એને યાદગાર બનાવી શકાય છે.યાદ આવે છે રેતીની શીશીમાં ભરવામાં આવતો સમય ? એના ઉલટા સુલટા થવાના પરિમાણ ઉપરથી સમયની ગતિ નક્કી થતી.કહોને કે સમયનો સમય નક્કી થતો.આમ તો એક વિચાર એવો પણ આવે કે એ કદાચ સમયને કેદ કરવાની આદિમાનવની મિથ્યા કોશિશ જ હશે !પહેલાના વખતમાં સૂર્ય,ચંદ્ર,તારા,નક્ષત્રો,કે પવનની ગતિ ઉપરથી સમય્નુંમ માપદંડ નીકળતું.ઋતુઓનો સંદર્ભ પણ સૂર્યોદય અને સુર્યાસ્ત પરથી જ નક્કી થતો.એ સમયે ઘડિયાળ કે કેલેન્ડર ક્યાં હતાં ?તો પણ દુનિયા દોડતી જ હતી.કદાચ અત્યારના કરતા બમણી ઝડપથી દોડતી.
ગુગલના જણાવ્યા મુજબ ઇસ .૧૦ મિ સદીની આસપાસ ઘડિયાળની શોધ થઇ.પણ એનો ઉપયોગ ૧૮ થી ૧૯મી સદી મા વધુ થવા લાગ્યો.વ્યાપારિક ધોરણે એનું ઉત્પાદન થવા લાગ્યું.૨૦મી સદીથી ઘડિયાળ ક્ષેત્ર વિકસ્યું અને વિસ્તર્યું.યુરોપ અને અમેરિકામાં ઘડિયાળનો ઉપયોગ વધુ થવા લાગ્યો.સમય માળખું નિશ્ચિત થયું અને લોકો ટાઈમ નામના બંધનમાં ટાઈ થવા લાગ્યાં.
ભારત આ બધાં કરતાં આગળ હતું એટલે જ મેં આગળ કહયું એમ કોસ્મિક પરિબળોથી એ સમયને પારખી લેતું.કેલેન્ડરની બાબતમાં પણ એવું જ બન્યું.રોમન કેલેન્ડરથી શરુ કરીને ગ્રેગોરીયન કેલેન્ડર સુધીની શોધ થઇ જેમાં હિંદુ કેલેન્ડર,ઇસ્લામિક કેલેન્ડર,જુલીયન કેલેન્ડર,ટ્રેડીશનલ કેલેન્ડર ઓફ ચીન ,ઈજિપ્શિયન કેલેન્ડરનો સમાવેશ થાય છે.પણ આ બધાનો બેઝ તો સૂર્ય અને ચંદ્રની ગતિવિધિ જ રહી .
ઘડિયાળ હોય કે કેલેન્ડર –આમ જોવા જઈએ તો સમયનું જ પરિમાણ છે.સમાજ વ્યવસ્થાનો એક ભાગ પણ ખરો જ ખરો.ગયેલો સમય,અત્યારનો સમય અને આવનારો સમય –અને એને આધારે જીવાતું માનવ જીવન આ બધાનો તાલમેલ એટલે જ જિંદગી.
સમયની સાથે ભાગવું પડે છે.અત્યારના જમાનામાં સમય પોતે પણ ખુબ જડપથી ભાગે છે.”સમય તું ધીરે ધીરે ચલ...સારી દુનિયા છોડ કે પીછે ,આગે ના નિકલ...તું આગે ના નિકળ...પલ પલ..”ગીત ગાવું બહુ સહેલું છે.પણ,સાચે તો આવું બનતુ નથી.એટલે જ આપણે સમય સાથે પગલું મેળવતા શીખાવું જ પડે છે. નથી. આપણે જ આપણી જરૂરિયાતો અને મહત્વકાક્ષાનો વ્યાપ એટલો વિસ્તારિત કરી નાખ્યો છે કે આપણને આપણી જાત માટે કે આપણા સંબંધ કે આપણા સમાજ માટે સમય જ નથી રહયો.એમાં વાંક આપણો જ તો છે .બહુ બધુ એક્સામટુ પામી લેવાની હોડમાં ઘણી વાર જે હોય તે પણ ગુમાવી દેવાનો વારો આવે છે.એ ના થાય એટલે સમય શિસ્ત જરૂરી છે.
થોડું ટાઈમ પ્લાનીંગ ઘણું આપી જાય છે.સમય તો દરેકની પાસે ૨૪ કલ્લાક જ હોય છે પણ ઘણાં પાસે એનો ઉપયોગ કરવાની એક આગવી સુજ હોય છે.થોડા મુદ્દા જો ધ્યાનમાં રાખીએ તો આ સમયની મહામારી માંથી પાર ઉગારી જ શકાય છે.કામની પ્રાયોરીટી મુજબ કામની વહેચણી કરવી.દરેક કાર્યને એને આધારે એક ચોક્કસ સમય આપવો અને નક્કી કરેલી સમય મર્યાદામાં એ કાર્ય પુરુ કરવાનો આગ્રહ પણ રાખવો.એક કામ પુરુ ના થાય ત્યાં સુધી અનિવાર્ય સંજોગો સિવાય બીજું કામ હાથમાં ના લેવું.જે કામ આપનું ના હોય તે કામ નહિ કરી શકાય એમ કહેતા શીખવું (વિવેક પૂર્વક).કોઈ પણ માનવી સંપૂર્ણ નથી હોતો તો સહજ છે કે બધાં જ કામની ફાવટ ના પણ હોય.આવું કરવાથી આપનો કાર્યભાર ઘટશે અને સામેની વ્યક્તિ પર પણ તમે સ્પષ્ટ હોવાની એક સારી છાપ ઉભી કરી શકાશે.
કોઈ પણ પ્રકારનો તણાવ પણ તમારી કાર્યક્ષમાતા પર હાવી થઇ શકે છે.જે ના કેવળ તમારુ કામ બગાડે છે પણ સાથે સાથે તમારા સમયનો પણ વ્યય કરે છે.માટે દિવસમાં થોડો સમય તમારી પોતાની પાછળ પણ આપવો. થોડી હળવી કસરતો ,યોગ ,પ્રાણાયામ કરવાથી તન અને મન બન્ને પ્રફૂલ્લીત રહેશે જેનાથી વધુ માત્રામાં વધુ કામ ઓછા સમયમાં હળવાશથી થઇ શકાશે અને એ બચેલો સમય અગેઇન તમે તમારા પરિવારને ,તમારા આપ્તજનને આપી શકશો.એ રીતે સમ્બમ્ધોમા પણ સુસંવાદીતા જળવાશે.સમય કેટલો આપવો એ જ પુરતું નથી પણ કેવો આપવો એ પણ મહત્વનું છે.સમયની ક્વોન્તીતી કરતા ક્વોલીટી મહત્વની છે .વાત માત્ર કોઈ વ્યક્તિ કે કોઈ સંબંધ પુરતી જ નથી.વાત છે ધીરે ધીરે એક સ્વસ્થ ,શિસ્તબદ્ધ ,સફળ સમાજ નિર્માણની.જે નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી લાંબે ગાળે સાકાર થશે.
વિક્ટર હુગો નું સુંદર વાક્ય છે “He who every morning plans the transaction of the day and follows out that plan, carries a thread that will guide him through the maze of the most busy life. But where no plan is laid, where the disposal of time is surrendered merely to the chance of incidence, chaos will soon reign.”
જીવનમાં એક લક્ષ હોવું જરૂરી છે.એ લક્ષને સિદ્ધ કરવા ચોક્કસ પ્લાન પણ જરૂરી છે.એ વિના સફળતા અસંભવ છે.અત્યારની વાહ વાહીના યુગમાં માણસ બિચારો બહુ જલદી ભરમાઈ જાય છે અને ઓછી મહેનતે સફળતાને વરવા નીકળી પડે છે .ક્યારેક લઘુતા ગ્રામથી તો ક્યારેક ગુરુતા ગ્રંથીનો ભોગ બનતો માણસ આખરે શારીરિક અને માનસિક રોગી બની જાય છે જેની એને પોતાને ખબર પડતી નથી.નિરાશાવાદી જીવાનાધારાથી બચવા હકારાત્મક અભિગમ કેળવવો પણ એટલો જ જરૂરી હોય છે.હકારાત્મક વિચારધારા કોઈ પણ કાર્યની સફળતા ઈચ્છવા માટે પાયા સ્વરૂપ છે.પોઝીટીવ એપ્રોચ પણ કાર્યક્ષામાંતામાં વધારો કરનારું મહત્વનું પરિબળ છે.આશાવાદને જીવંત રાખવાનું માધ્યમ છે. પણ સાથે એક વાત એ પણ કરવી છે કે ,”સફળતાનો અર્થ માત્ર નિષ્ફળતાનું ના હોવું જ નથી થતો ,પરંતુ સફળતાનો સાચો અર્થ છે પોતાની ઈચ્છા પૂર્ણ થવી.એનો અર્થ છે કે પૂરેપૂરું યુદ્ધ જીતાવું.નહિ કે નાની મોટી લડાઈ જીતવી “ એડવિન સિ.બ્લીસ નામના એક તત્વ ચિતકે કહેલી આ વાત ના કેવળ હિંમત પુરી પાડે છે પણ સાથે સાથે નાના મા નાના કાર્યનો મહિમા પણ સ્પષ્ટ કરે છે.જો ખરેખર વિચારીએ તો આજની અર્થહીન દોટમાં આપણે જે ભાગ્યા છીએ અને એ પછી સમય નામના કાળચક્રને આગળ ધરીને સમયથી પણ ભાગીએ છીએ એની સામે આ વાતો અરીસો ધરે છે.સમયને પામવા આપણે ઘડિયાળ અને કેલેન્ડરની શોધ તો કરી નાખી પણ એ જ ઘડિયાળ અને કેલેન્ડરમા આપણે લોલક બનીને જુલતા રહી ગયા.એટલે કહેવાનુંમ એમ નથી કે શોધ ખોટી છે,ના,આપણને એને મૂલવતા નથી આવડ્યું.એટલે જ સમયની ચક્કીને રોજ રોજ ઘુમેડવા છતાં આપણે એમાંથી બહાર નથી આવી શકાતાં. એક વાર સમયને પારખાતામ,એની કદર કરતાં શીખી જઈશુ એ પછી કયારેય નહિ કહી શકીએ કે ,”સમય મળતો જ નથી !” પછી આપણે આરામથી કહીશું કે “હા,હું સમય છું”
બાકી તો જે સમજ થી ના સમજે એને સમય બધું સમજાવી દે છે.
ગોપાલી બુચ