હે ભગવાન, આને ક્યાં એડમિશન મળશે ?
લતા જગદીશ હિરાણી
કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણી મૂંઝવણો હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓ આ મૂંઝવણોના ઉકેલ શોધવા જેટલા પરિપક્વ હોતા નથી. તમારા સંતાન પણ આ પરિસ્થિતિમાં હોઇ શકે. તમે તેની કારકિર્દીના વિકાસ માટે માર્ગદર્શક બની શકો છો. માર્ગદર્શક બનવા માટે તમારે તમારી જાતને અસરકારક રીતે ઘડવી પડશે અને જરૂરી પાસાઓ સમજવા પડશે.
ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કારકિર્દીના વિકાસ માટેના મહત્વના પરિબળો સમજીએ.
1. વિદ્યાર્થીઓની પોતાની પરિપક્વતા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની તૈયારી.
2. માતા-પિતાની હૂંફ અને માર્ગદર્શન
3. મિત્રવર્તુળની પસંદગી
4. કૉલેજનું વાતાવરણ અને કૉલેજના પ્રાધ્યાપકોની વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેની દૃષ્ટિ – નિષ્ઠા.
આ બધા પરિબળો અગત્યના છે અને દરેક પરિબળો પર જુદી જુદી વ્યક્તિઓનો પ્રભાવ છે. આપણે માતા-પિતા તરીકે શું કરી શકીએ એ બાબત પર વિચારીએ.
1. ઉચ્ચ શિક્ષણ પાયાની જરૂરિયાત છે.
કેટલાક માતા-પિતા આ હકીકત સ્વીકારતા નથી. તેઓ એવું માનતા હોય છે કે ભણ્યા વગર પણ પૈસા કમાવાય છે. કેટલાક એવું પણ માનતા હોય છે કે અમારા ધંધામાં કંઇ ભણવાની જરૂર નથી. સારી છોકરી કે છોકરો જીવનસાથી તરીકે મળે એ માટે સંતાનોને ભનાવવાની ઇચ્છા રાખનારા માતા-પિતા પણ છે. જો માતા-પિતાને ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત સમજાય નહીં તો તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે નહીં. શિક્ષણ જીવન વિશેનો દૃષ્ટિકોણ ઘડે છે એ વાત સ્વીકારીને માર્ગદર્શન આપો.
2. ઊંચી ટકાવારી પણ આવશ્યક છે.
કેટલાક માતા-પિતા એવું માનતા હોય છે કે ઓછા ટકા મેળવનારા વિદ્યાર્થી વધુ વ્યવહારુ હોય છે અને વાસ્તવિક જીવનમાં વધુ સફળ થાય છે. આ સનાતન સત્ય નથી એ સમજવા જેવું છે. કેટલાક વિદ્યાર્થીઓ મૂળભૂત શક્તિ ધરાવતા હોવા છતાં મહેનત કરવાની પરિપક્વતાને અભાવે ઓછા ટકા મેળવતા હોય છે. આવા વિદ્યાર્થીને ઊંચી ટકાવારી આવશ્યક છે એ વાત જો માતા-પિતા સમજાવી શકે તો વિદ્યાર્થી ધાર્યું પરિણામ મેળવી શકે છે. ઊંચી ટકાવારી લાવવા માટે મહેનત કરનાર વિદ્યાર્થી જિદગીભર જવાબદાર નાગરિક બનવાના ગુણ કેળવી શકે છે.
3. શિક્ષણનો ખર્ચ દિવસે દિવસે વધતો જાય છે.
શિક્ષણનો ખર્ચ અને માતા-પિતાની આર્થિક મર્યાદા વિશે સંતાનોને માહિતગાર બનાવવા ખૂબ જરૂરી છે. મધ્યમ અને નબળા વર્ગના માતા-પિતા ક્યારેક સંતાનો સાથે આ બાબત ચર્ચા કરવાનું ટાળતા હોય છે. આ બાબતની સાચી સમજ આપવાથી તમારા સંતાન શિક્ષણ સિવાયના બિનજરૂરી ખર્ચા ઘટાડવાનું વિચારી શકે. પૈસેટકે પોસાઇ શકે એવા માતા-પિતાએ પણ બિનજરૂરી ખર્ચા નહીં કરતા સંતાનોને સમજાવવું જોઇએ. પૈસા ખરચવા માટે સમયનો ભોગ આપવો પડે છે. ખોટા ખર્ચ કરવાની આદત અભ્યાસમાંથી ધ્યાન વિકેન્દ્રિત કરે છે. તમારા સંતાન ક્યાં કેટલા પૈસા ખર્ચે છે એનો હિસાબ માગવો એ કંઇ અજુગતું નથી એ વાત સ્વીકારો.
4. સરકારી કૉલેજમાં ઓછા ખર્ચે ભણવાની તક ઝડપવા જેવી છે.
વધતી જતી સ્વનિર્ભર કૉલેજોની સંખ્યા અને આવી કૉલેજ દ્વારા કરાતી જાહેરાતો અને ઊભી કરાયેલી ભવ્ય ઇમારતો ક્યારેક ઓછી આવકવાળા માતા-પિતાના સંતાનોને પણ લલચાવે છે. આવી લાલચ તમારા સંતાનોને ન થાય એ માટે સજાગ રહો અને તેમને વધુ મહેનત કરી ઊંચી ગુણવત્તા લાવી સરકારી કૉલેજમાં ઓછા ખર્ચે ભણવાની પ્રેરણા આપો. માતા-પિતા તરીકે સંતાનને ઉચ્ચ શિક્ષણ આપવા સિવાયની તમારી બીજી જવાબદારીઓ પણ છે એ હકીકત સમજાવો.
5. સ્વનિર્ભર કૉલેજ દ્વારા ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મળી શકે છે.
સ્વનિર્ભર કૉલેજોની વધતી જતી સંખ્યા શિક્ષણમાં હરિફાઇનું વાતાવરણ ઘડી રહી છે. કેટલીક સ્વનિર્ભર કૉલેજો ઊંચી ગુણવત્તાવાળા શિક્ષણ માટે તૈયાર થઇ રહી છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવું ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકે એવું વાતાવરણ ગુજરાતમાં ઘડાઇ રહ્યું છે. આવી કૉલેજોના લાભ લેવાની ઇચ્છા ધરાવનારા માતા-પિતાએ પોતાની આર્થિક સદ્ધરતા માટે તૈયારી કરવી જરૂર્રી છે. આર્થિક સહાય માટે બેંક દ્વારા મળતી લોન વિશે માહિતી પણ મેળવી લેવી જરૂરી છે. ક્યારેક માતા-પિતાના આયોજનના અભાવે વિદ્યાર્થી પોતાની ફી સમયસર ભરી શકતા નથી અને તેના કારણે તેના અભ્યાસને અસર થાય છે. નબળી આર્થિક સ્થિતિવાળા માતા-પિતાએ સ્વનિર્ભર કૉલેજની પસંદગી કરતાં પહેલાં આર્થિક આયોજન કરવું ખૂબ જરૂરી છે.
6. તરુણ અવસ્થાની માનસિક મૂંઝવણ પણ સમજવા જેવી છે.
તરુણ અવસ્થાના ઘણા પ્રશ્નો છે. દરેક માતા-પિતા આ પરિસ્થિતિમાંથી પસાર થયેલા હોય છે પણ સંતાનો સાથેના વહેવારમાં આ વાત ભૂલી જાય છે. માતા-પિતાના સુચનો ન સ્વીકારવા, ઊંચા અવાજે સાચી વાતનો પણ વિરોધ કરવો, અભ્યાસને પણ અવગણીને મિત્રો સાથે હરવું-ફરવું, મોડી રાતના ઉજાગરા, વહેલા ન ઊઠવું વગેરે બાબતો તરુણાવસ્થા સાથે જોડાયેલ છે. આ બધી નબળાઇ પર કાબુ લેવા તમારા સંતાનોને તૈયાર કરવા એ જ માતાપિતાની મોટી જવાબદારી છે.
જ્યારે સંતાનો તમારી વાત-સૂચન ન સ્વીકારે ત્યારે ગુસ્સો કે જોહુકમી ન કરતાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરો. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં ચર્ચા કરો અને નિર્ણય લેવામાં તમારા સંતાનોને ભાગીદાર બનાવો. યુવાન સંતાનોને બાળક તરીકે જોવાનું છોડી તેમની સાથે માનપૂર્વકનો વ્યવહાર કરો. તરુણાવસ્થાની વિદ્રોહી મનોદશાથી ક્યારેક કૉલેજમાં પ્રાધ્યાપકો સાથે પણ મતભેદ થઇ શકે. આ પરિસ્થિતિમાં સંતાનોની ભૂલ-વ્યવહારને છાવરવાને બદલે સાચું માર્ગદર્શન આપી જીવન મૂલ્યો વિશે સમજ આપો.
7. ખરેખર પછાત સમાજના માતા-પિતાને સમજણ આપવાની તાતી જરૂર
ઘણા માતા-પિતા ખરેખર પછાત પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં પોતાના સંતાનોને ભણાવવા ઝઝુમતા હોય છે. આવા માતા-પિતા ક્યારેક સંકોચથી જરૂરી માહિતી મેળવતા અચકાતા હોય છે. આવા માતા-પિતાએ ક્ષોભ સંકોચ છોડી સંતાનના ઉચ્ચ શિક્ષણને લગતી પાયાની બાબતોની માહિતી મેળવવી જરૂરી છે. કૉલેજોએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે. આવા માતા-પિતાના સંતાનોની પણ ફરજ બને છે કે માતા-પિતાના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવે અને તેમની ભાવનાને સમજી નિષ્ઠાપૂર્વક ધ્યાન આપે.
8. માતા-પિતાના યોગદાન વિશે જનજાગૃતિનો અભાવ
કેટલીક સારી શાળાઓમાં થતી વાલીઓની મિટીંગને બાદ કરતાં માતા-પિતા સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં શું કરી શકે એ માટેની જનજાગૃતિનો અભાવ જોવા મળે છે. સમજદાર અને સક્ષમ માતા-પિતાએ આવી જવાબદારી સ્વીકારવા જેવી છે કે તમારા સંતાનો જે કૉલેજમાં ભણતા હોય તે કૉલેજના વિદ્યાર્થીઓના વાલીઓનું રચનાત્મક સંગઠન કરી કૉલેજના અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શું કરી શકાય તેનો વિચાર કરવો, જરૂરી પ્રવૃત્તિઓનું કૉલેજ સાથે મળી આયોજન કરવું અને તેના અમલ માટે પ્રયત્નશીલ રહેવું.
તમારા સંતાનોના અભ્યાસમાં અડચણ ઊભી કરનારા પ્રશ્નોની કૉલેજના સંચાલકો સમક્ષ રજૂ કરવાની હિંમત કેળવવાની જરૂર છે. આવી જાગૃતિ શિક્ષણમાં પાયાના સુધારા લાવી શકશે. વિદ્યાર્થીના કુટુંબીજનો શિક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે એ માટે અમેરિકામાં ‘હાર્વર્ડ ફેમિલી રીસર્ચ પ્રોજેક્ટ’ જેવા અનેક પ્રયાસો વર્ષોથી થઇ રહ્યા છે. આવી માહિતીનો અભ્યાસ કરી ગુજરાતના જાગૃત વાલીઓએ પહેલ કરવા જેવી છે.
9. કૉલેજના અભ્યાસ સિવાયના સમયમાં તમારા સંતાન શું કરે છે તે જાણવું જરૂરી છે
તમારા સંતાનોની કારકિર્દીનો આધાર કૉલેજના અભ્યાસ સિવાયના સમયમાં તમારું સંતાન શું કરે છે તેના પર આધાર રાખે છે. અમેરિકા જેવા દેશોમાં રાષ્ટ્રકક્ષાએ વિવિધ કાર્યક્રમો આયોજિત થતાં હોય છે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આપણે ત્યાં ‘અમદાવાદ મેનેજમેંટ એસોસિએશન’ જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમો, વર્કશોપ, સેમિનાર, વ્યાખ્યાનોનું આયોજન કરે છે. આવા કાર્યક્રમમાં તમારા સંતાનો ભાગ લે તેવો આગ્રહ રાખો. કૉલેજોમાં પણ રમતગમત, સંગીત, નાટક, વક્તૃત્વ, સમાજસેવાની વિવિધ પ્રવૃતિઓનું આયોજ્ન થતું હોય છે. તેમાં તમારા સંતાનો ભાગ લે તે ખૂબ જરૂરી છે. અભ્યાસ સિવાયના સમયનો વ્યર્થ ઉપયોગ નથી થતો તેનું જરૂર ધ્યાન રાખો.
10. માતા-પિતાને અસર કરતા પરિબળો
માતા-પિતાની વિદ્યાર્થીઓના વિકાસ માટે નિષ્ઠા હોય તો પણ કેટલાક પરિબળોની અસર થતી હોય છે.
- ભૂજમાં રહેતા માતા-પિતા વિદ્યાનગર કે વડોદરામાં ભણતા સંતાનની કૉલેજની નિયમિત મુલાકાત લેવાનું ઇચ્છતા હોય તો પણ કોલેજનું અંતર, સમયનો અભાવ, આવકની મર્યાદા, નોકરી-ધંધાની સમસ્યા જેવી પરિસ્થિતિમાં અસરકારક રીતે ન પણ કરી શકે.
- ક્યારેક એવું પણ બને છે કે માતા-પિતા પોતાના સંતાનોની પ્રેમ અને હૂંફ જેવી જરૂરિયાત પ્રત્યે ઉદાસીન હોય છે.
- માતા-પિતાની માનસિક પરિપક્વતાનો અભાવ ક્યારેક નડે છે. આવા માતા-પિતા એવું જ માનતા હોય છે કે ‘છોકરાંઓ તો આમ જ ઘડાય... પડતા જાય, ઠોકર ખાતા જાય અને શીખતા જાય..’
11. કેટલાક સરળ ઉપાયો
- માતા-પિતાએ પોતાના સંતાનો જે કોઇ અભ્યાસ કરતા હોય તેના વિશે સામાન્ય સમજણ મેળવો. પોતાના સંતાનો અભ્યાસ સરસ રીતે પૂરો કરે તો તેનું ભવિષ્ય કેવું બની શકે તેનું સંપૂર્ણ ચિત્ર બનાવો.
- યુવાન સંતાનો સાથે માણી શકાય તેવી પ્રવૃત્તિઓ, જેમ કે ક્રિકેટ, અંતાક્ષરી, સંગીત, જિમ્નેશ્યમ વગેરેમાં ભાગીદાર બનો.
- નિયમિત રીતે ફોન કરી સંતાનોની પ્રવૃતિઓથી માહિતગાર રહો. શક્ય હોય તો પ્રેમાળ અને પ્રોત્સાહન આપતા પત્રો લખો.
- પ્રેરણાત્મક લખાણવાળા પુસ્તકો ભેટ તરીકે આપતા રહો.
- તમારા સંતાનોની દરેક સફળતાને દિલથી બિરદાવો.
- હકારાત્મક વલણથી નિષ્ફળતામાંથી બહાર નીકળી આગળ વધવા સંતાનને તૈયાર કરો.
- તમારું વર્તન તમારા સંતાનને રોલમોડેલ તરીકે સ્વીકારવું ગમે તેવું રાખો.
- તમારા સંતાનોના મિત્રોને મળતાં રહો અને તેમને પણ પ્રોત્સાહિત કરો.
- તમારા સંતાનોના મિત્રોના માતા-પિતાના સંપર્કમાં રહો જેથી તેમના મિત્રોના કૌટુંબિક વાતાવરણ અને સંસ્કાર વિશે માહિતી મળતી રહે.
- અભ્યાસમાં અડચણ ઊભી કરતા ભયસ્થાનો વિશે જરૂર લાગે ત્યારે ખુલ્લા દિલે મિત્રભાવે વાતચીત કરો.
- કૉલેજના કોઇપણ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળે તો એ તક ચૂકશો નહીં.
- કૉલેજ તરફથી તમારા સંતાન વિશેની ફરિયાદ મળે તો સંતાનને છાવરવાનું કે ઠપકો આપવાનું ટાળો. ફરિયાદ આવે ત્યારે એવા વર્તનના મૂળ કારણ સુધી જઇ યોગ્ય સમજ પૂરી પાડો.
- પરીક્ષાના નબળા પરિણામ આવ્યા પછી ઠપકો આપવાના બદલે એ નિયમિત રીતે વર્ગમાં હાજરી આપે તેવો આગ્રહ રાખતા રહો અને એને માનસિક રીતે તૈયાર કરો.