Pincode -101 Chepter 14 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 14

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 14

પિન કોડ - 101

પ્રકરણ-14

આશુ પટેલ

નતાશાના મોઢે મોહિની મેનન નામ સાંભળીને ઓમરને ઝટકો લાગ્યો.
નતાશાની ચકોર નજરે પણ તરત નોંધ્યું કે તેણે પોતાની ઓળખ મોહિની મેનન તરીકે આપી એથી ઓમરને ઝટકો લાગ્યો હતો. જોકે ઓમરે ઝડપથી પોતાના ચહેરાના હાવભાવ પર કાબૂ મેળવી લીધો.
‘યુ આર નોટ મોહિની મેનન!’ ઓમરે નતાશાની સામે ધારદાર નજરે જોતા કહ્યું: ‘મને ખબર છે કે તમે મોહિની મેનન નથી!’
‘ઓકે. તમને ખબર જ છે કે હું કોણ છું તો પછી મારું નામ શા માટે પૂછી રહ્યા છો?’ તેની સાથે આગળ શું વાત કરવી એ વિચારવા માટે સમય મેળવવા નતાશાનું મગજ સક્રિય થઇ ગયું હતું.
ઘણી વાર આક્રમણ એ સુરક્ષાનો શ્રેષ્ઠ પ્રકાર સાબિત થતો હોય છે. અને સામાન્ય માણસને પણ પોતાનો બચાવ કરવાની નોબત આવે તો તે જાણતા કે અજાણતા સામેવાળાને બચાવની સ્થિતિમાં મૂકી દેતો હોય છે. નતાશાને પોતાને પણ સમજાતું નહોતું કે તેના મોઢે મોહિની મેનનનું જ નામ કેમ આવી ગયું હતું. તેણે બે દિવસ પહેલા કોઇ બે માણસને મોહિની મેનન નામની કોઇ છોકરી વિશે વાત કરતા સાંભળ્યા હતા એ વખતે તેના મગજમાં એ નામ નોંધાઇ ગયું હતું, સાહિલની મજાક કરતી વખતે પણ તેણે એ છોકરી વિશે કહ્યું હતું. અત્યારે આ માણસ સામે તે એકદમ સાવચેતીપૂર્વક વાત કરી રહી હતી એટલે તેણે પોતાની સાચી ઓળખ છુપાવવા જતા મોહિની મેનનનું નામ ફેંકી દીધું હતું.
‘તમારું નામ શું છે એની મને ખબર નથી, પણ તમે મોહિની મેનન તો નથી જ.’ ઓમરે ભારપૂર્વક કહ્યું.
‘તમને મારા નામથી મતલબ છે કે કામથી?’ નતાશાએ વળતો સવાલ ર્ક્યો.
‘જેની સાથે કામ કરવું હોય એનું નામ શું છે એ તો ખબર હોવી જ જોઇએ ને?’ ઓમરે પણ સામો સવાલ ર્ક્યો. અને પછી ઉમેરી દીધું: ‘આમ પણ હું તમને પેમેન્ટ કરીશ ત્યારે તમારે પેન કાર્ડ અને સાચું નામ આપવું જ પડશે!’
ઓમરે રામકૃષ્ણ રેસ્ટોરાંમાં નતાશા અને સાહિલ વચ્ચેની વાત સાંભળી હતી એટલે તેને એ તો ખબર હતી જ કે નતાશાને પૈસાની સખત જરૂર છે અને તે જે રીતે એ જ દિવસે, પોતે કહેલા સમય પર, તેને મળવા તેની ઓફિસમાં આવી હતી એ જોતા તેને કામ મેળવવાની કેટલી ગરજ છે એનો પુરાવો પણ તેને મળી ગયો હતો.
આ તરફ નતાશાને પણ સમજાઇ રહ્યું હતું કે આ માણસ દેખાવ અને કપડાં પરથી લાગે છે એટલો સરળ નથી એટલે નતાશાએ ચોખ્ખી વાત કરી દીધી: ‘એક્ચ્યુલી તમે જે રીતે અચાનક મને રસ્તા વચ્ચે ઊભી રાખીને ઓફર કરી એટલે હું મારું સાચું નામ આપતા અચકાઉં છું.’
ઓમરે કહ્યું: ‘હું તમારી વાત સમજું છું પણ મેં તમને મારું સાચું નામ આપ્યું, મારો સાચો નંબર આપ્યો અને મારી ઓફિસનું સાચું એડ્રેસ પણ આપ્યું એટલે તમને નથી લાગતું કે તમારે પણ ખુલ્લા મનથી વાત કરવી જોઇએ?’
‘ઓકે. હું સ્પષ્ટ શબ્દોમાં વાત કરું છું. મારું નામ નતાશા નાણાવટી છે. મને પૈસાની જરૂર છે એટલે તમારા પર વિશ્ર્વાસ ના બેસવા છતાં, તમને મળીને તમારી ઓફર શું છે એ જાણવા માટે અને તમારી ઓફર યોગ્ય લાગે તો સ્વીકારી લેવાના ઇરાદાથી, તમને મળવા આવી છું. તમે મને મોડેલિંગ માટે ઓફર કરી એ ઓફર સ્વીકારવામાં મને વાંધો નથી, પણ હું બોડી એક્સ્પોઝ નહીં કરું અને તરત જ, રિઝનેબલ રકમ મળતી હશે તો જ તમારી ઓફર સ્વીકારીશ.’ નતાશાએ કડકડાટ પોતાની વાત કહી દીધી અને પછી બે સેક્ધડનો પોઝ લઇને પૂછી લીધું: ‘હવે બોલો, કઇ ટૂથપેસ્ટ માટે મારે મોડેલિંગ કરવાનું છે અને મોડેલિંગ માટે કેટલા રૂપિયા મળશે? અને એના કરતાં વધુ મહત્ત્વનો સવાલ એ છે કે, મને ક્યારે પૈસા મળશે?’
‘આઇ એમ ઇમ્પ્રેસ્ડ!’ ઓમરે સ્મિત કર્યું અને ઉમેર્યું : એઝ આઇ ટોલ્ડ યુ, આ લાઇક યોર એટિટ્યૂડ.’
‘થેન્કસ.’ નતાશાએ એ શબ્દમાં ખરેખર આભારની કોઇ લાગણી દર્શાવ્યા વિના કહ્યું.
‘યુ આર વેલકમ.’ ઓમરે પણ કહેવા ખાતર કહ્યું અને પછી તે કામની વાત પર આવી ગયો: ‘તમે ખુલ્લા દિલે વાત કરી તો હું પણ એ જ રીતે વાત કરીશ. તમને મોડેલિંગનું પહેલું અસાઇનમેન્ટ આ વીકમાં જ અપાવીશ. મારો હેતુ તમને મદદ કરવાનો હતો અને સાથે મારી એજન્સી માટે એક ફ્રેશ ચહેરો મેળવવાનો પણ હતો. શક્ય હશે તો આ વીકમાં જ ‘સ્માઇલ પ્લીઝ’ ટૂથપેસ્ટની એડ ફિલ્મ માટે શૂટિંગ ગોઠવી લઇશું. તમને જે પેમેન્ટ મળે એ પેમેન્ટમાંથી પંદર ટકા મારી એજન્સી ચાર્જ કરશે...’
ઓમર એની વાત પૂરી કરે એ પહેલાં જ નતાશા વચ્ચે બોલી પડી: ‘એ બધું ઠીક છે. મને પહેલું પેમેન્ટ ક્યારે મળશે? મને તરત પૈસા મળવાના હોય તો જ તમારી ઓફર સ્વીકારવામાં અને મોડેલિંગ કરવામાં રસ છે. નહીં તો થોડા દિવસ પછી મને એક ફિલ્મમાં તક મળવાની જ છે. એની સાઇનિંગ અમાઉન્ટ મળી જશે પછી મને તમારી ઓફર સ્વીકારવાની જરૂર જ નહીં પડે.’
‘ઓહ! હું ભૂલી જ ગયો કે તમને પૈસાની સખત અને તાત્કાલિક જરૂર છે. સામાન્ય રીતે તો મારી કંપની દરેક મોડેલ સાથે એ રીતે જ ગોઠવણ કરે છે કે કોઇ કંપની મોડેલિંગ માટે પેમેન્ટ કરે ત્યારે જ મોડેલને તેની રકમ મળે, પણ તમારા કિસ્સામાં હું બાંધછોડ કરીશ. હું તમને એડવાન્સ રકમ આપીશ. પણ મને એ વાતની ખાતરી કેમ થશે કે તમે એડવાન્સ પૈસા લઇને ગાયબ નહીં થઇ જાઓ?’ ઓમરે એક બાજુ નતાશા પર ઉપકાર કરવાની ભાવના દર્શાવી અને બીજી બાજુ શંકા પણ દર્શાવી દીધી.
નતાશા હસી: ‘હું જેમ તમારા પર વિશ્ર્વાસ મૂકીને કોઇ ઓળખાણ-પીછાણ વિના તમને મળવા આવી એ રીતે તમારે પણ મારા પર વિશ્ર્વાસ મૂકવો પડે. નહીં તો વાત પડતી મૂકીએ. હું તો કામ માગવા આવી નહોતી. તમે મને સામે ચાલીને ઓફર કરી એટલે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ!’
ઓમર પણ હસ્યો: ‘ઓકે. હું તમારા પર વિશ્ર્વાસ મૂકું છું.’ તેણે કહ્યું અને પછી ટેબલનું ડ્રોઅર ખોલીને પાંચસોની નોટોનું બંડલ કાઢીને નતાશા તરફ લંબાવ્યું. અને પછી પોતે નતાશા પર ઉપકાર કરી રહ્યો હોય એ રીતે તેણે ચહેરા પર સ્મિત સાથે કહી દીધું: ‘હું પહેલી વખત કોઇને એડવાન્સ રકમ આપી રહ્યો છું અને એ પણ કોઇ જાતની ઓળખાણ-પીછાણ વિના!’
એ શબ્દોથી તેણે નતાશાને આડકતરી રીતે સંભળાવી પણ દીધું કે ઓળખાણ-પીછાણ વિના તે પોતાનું નામ કહેતા પણ અચકાતી હતી,પણ પોતે તેને ઓળખાણ-પીછાણ વિના એડવાન્સ રકમ આપી દીધી હતી!
નતાશાએ એક ક્ષણ માટે વિશ્ર્વાસ ના બેઠો કે તેને એડવાન્સ પૈસા મળી રહ્યા છે અને એ પણ પચાસ હજાર! તેને થયું કે થોડા કલાક પહેલા તેને આ માણસ માટે કેવા કેવા વિચારો આવ્યા હતા. થોડી મિનિટ પહેલા પણ તે તેને પોતાનું સાચું નામ આપતા પણ અચકાઇ હતી! એટલે તેને ઓમરનો કટાક્ષ સમજાવા છતાં પણ તેણે સામે કંઇ સંભળાવ્યું નહીં.
નતાશાએ ઓમરના હાથમાંથી નોટોનું બંડલ લેતા કહ્યું: ‘થેન્કસ અ લોટ.’ આ વખતે તેના એ શબ્દોમાં ખરેખર આભારની લાગણી વ્યક્ત થઇ રહી હતી.
‘યુ આર વેલકમ. આપણે કાલે એગ્રીમેન્ટ કરી લઇશું. એક વર્ષ સુધી તમે જે પણ મોડેલિંગ કરો એ મારી એજન્સી થ્રૂ કરશો એવું એગ્રીમેંટ કરવામાં તમને વાંધો નથી ને?’
‘નોટ એટ ઓલ.’ નતાશાએ કહ્યું.
‘તમને કાલે બપોરે એક વાગ્યે આવવાનું ફાવશે?’ ઓમરે પૂછ્યું.
‘શ્યોર.’ નતાશાએ કહ્યું.
એ પછી એડ ફિલ્મ કોણ ડિરેક્ટ કરવાનું છે અને એવી બીજી થોડી વાતો કરીને નતાશાએ રજા લીધી.
પચાસ હજાર રૂપિયા એડવાન્સ મળ્યા એટલે નતાશામાં નવા ઉત્સાહનો સંચાર થયો હતો. બધી દિશાઓ બંધ થઇ ગઇ હોય એવું લાગતું હોય ત્યારે ક્યાંક નાનકડું પણ આશાનું કિરણ દેખાય તો માણસમાં સંજોગો સામે બાથ ભીડવાની નવી શક્તિનો સંચાર થતો હોય છે. અહીં તો ઓમરની ઓફર પ્રમાણે નતાશાને એક વર્ષ સુધી મોડેલિંગના અસાઇનમેન્ટસ મળતા રહેવાના હતા. તેને જ્યાં સુધી બીજી કોઇ તક ના મળે ત્યાં સુધી મુંબઇમાં ટકી રહેવા માટે રસ્તો મળી ગયો હતો. નતાશાને થયું કે જિંદગી પણ સાપસીડીની રમત જેવી છે. ક્યારેક અણધારી રીતે નીચે પછાડે તો ક્યારેક થોડા કે ઘણા પગથિયાંનો એકસાથે જંપ મરાવી દે.
* * *
નતાશા રવાના થઇ એ પછી ઓમર હાશમીએ તરત જ કોઇને કોલ ર્ક્યો.
સામેથી ‘હલ્લો’ સંભળાયું એ સાથે તેણે કહ્યું: ‘ચીડિયા પીંજરે મેં આ ચૂકી હૈ!’

(ક્રમશ:)