Samayni Sidi in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | સમયની સીડી

Featured Books
Categories
Share

સમયની સીડી

નવલિકા

સમયની સીડી

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


“સમયની સીડી”

“લોપા, તારી મમ્મી કયાં છે? કેમ એનો મોબાઇલ સ્વીચ ઓફ છે ?” “પપ્પા, મમ્મી તો સવારના ૧૦ વાગ્યાના બ્યુટીપાર્લરમાં ગયા છે. ૧ વાગવા આવ્યો, હજી આવ્યાં નથી. જમી લેજો, મને આવતાં મોડું થશે કહીને નીકળ્યાં છે. મેં અને કોષાએ જમી લીધું છે. તમારૂં ટીફીન મોકલાવું નીરજભાઇ ને શ્રેય સાથે ?”

“ના.....ના....હું અડધો કલાકમાં આવું છું. જમીને થોડો આરામ પણ કરવો છે. આજે પગમાં દુખાવો વધુ છે.” “સારૂં, પપ્પા.” કહી લોપાએ ફોન મૂકી દીધો. બન્ને દેરાણી જેઠાણીના મુખ પર લુચ્ચું હાસ્ય આવી ગયું. “આ સાસુમાને યુવાન થવાનું ઘેલું લાગ્યું છે. “સાઠે બુદ્ધી નાઠી” કહેવત એમને ખૂબ પરફેક્ટ લાગુ પડે છે. બાપ રે રોજ કંઇક ને કંઇક નવી પ્રવૃતિ શોધે છે. કયારેક કીટી પાર્ટી તો કયારેક મહિલા મંડળ મોર્નીંગ શોમાં પિકચર જોવા ઉપડી જાય. કયારેક લંચ કરવા બહાર જાય તો કયારેક મોલમાં ફરવા જાય. વાહ, જલસા તો આપણા માજીને જ છે. પપ્પા બિચારા કામમાં રચ્યા પચ્યા રહે. શું કરે બીજું ? બૈરીનું આવુ ગાંડપણ એમને પણ શરમજનક લાગતું જ હશે ને? આ વખતે સાલવી દીદી આવે ત્યારે મારે ફરિયાદ કરવી જ છે. દીદી,જરા મમ્મીને સલાહ આપીને જાવ કે આ ઉંમરે આ બધું ના શોભે. લોકો મજાક ઉડાવે છે, એમની સાથે અમારી પણ બદનામી થાય છે.” “ભાભી રહેવા દોને મા-દીકરી એકના એક જ છે. આપણા કહેવાથી કંઇજ ફર્ક નથી પડવાનો. માજી ગાંડાઘેલાં થઇ ગયાં છે. એમને કરવા દો જે કરવું હોય એ. આપણે શું ?” બન્ને પોતપોતાના રૂમમાં ગયા. લોપા અને શ્રેય, કોષા અને નીરજ બે દીકરા ને વહુઓ. વસુધંરા અને ધનપાલ સાસુ-સસરા. સાલવી અને કૈનવ દીકરી-જમાઇ.

ધનપાલભાઇ ખૂબ મહેનતુ અને સફળ વ્યક્તિ. વસુબહેન પ્રેમાળ સ્ત્રી અને ઉદાર માતા. એમના દીકરાઓ માટે જીવ આપતા પણા ના અચકાય.

દીકરી સાલવી એટલે ગુણોનો ભંડાર. સુખી ઘરની દીકરીને મળ્યા ઉત્તમ સંસ્કાર, અને એણે દીપાવ્યુ કૈનવનું ઘરદ્વાર. આ કુટુંબમાં “તમે તૈયાર તો અમે સાથે જોડાઇશું”વાળી ભાવના તરવરે. ખૂબ સંસ્કારી દીકરીને ખૂબ પ્રેમાળ સાસુ-સસરા મળ્યા. સાલવી ખૂબવિવેકી. બધાં સાથે એની વાણી નમ્ર અને પ્રેમાળ. સાસુને હાથમાં ને હાથમાં સાચવે. સસરા સાથે પત્તાં રમે, કેરમ રમે. કયારેક અંચઇ કરે અને મીઠો ઝગડો પણ કરે.

ધનપાલભાઇ દીકરીને સુખી જોઇ આનંદવિભોર બની જાય. વાહ મારો કાળજાનો કટકો, મારૂં નામ રોશન કરે છે. હું તો દિવસ-રાત કાળી મજૂરી કરતો. સંસ્કારની બારાખડી તો વસુએ જ શીખવી છે. બન્ને દીકરાઓ પણ લાગણીશીલ. મા બાપનું મૂલ્ય બાખૂબી સમજતા. વહુઓ આમ તો સારી પણ તેઓના મોર્ડન થીંકીંગ પ્રમાણે જમાનો આગળ ચાલે. સાથે તેઓ પણ મોર્ડન બનતા જાય. પણ જો જૂની પેઢી સહેજ અમથી આગળ વધે તો સહન ના થાય. મા - બાપ એટલે ઘરમાં બેસી ટીવી જોતાં, ચોપડી વાચતાં, ઘર સંભાળતા, બાળકો સાચવતા અને લેન્ડલાઇન ફોન ઓપરેટર સિવાય કંઇજ નહીં. આવા વિચારવાળી બન્ને વહુઓની સાસુ બ્યુટીપાર્લરમાં જાય એ ચર્ચાનો વિષય બની જાય. એમના મનોપ્રદેશમાં વિચારના તોફાનનું વાવાઝોડું ચાલ્યા કરે. “આજે તો માજીને ખખડાવી નાખવા છે. આ શું વળી ? ગાંડપણની એક હદ હોય. આ ઉંમરે આવા નખરાં? લોકો કેવી કેવી વાતો કરે છે ? મારી ફ્રેન્ડસ તો, મને કેવાં મહેણાં મારે છે. તારા કરતાં તારા સાસુ જુવાન લાગે છે. છી શરમ જ નથી આ માજીને.” લોપા ખૂબ રોષે ભરાઇ હતી. એવામાં ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો સામે ધનપાલભાઇ હતા. લોપા ગુસ્સામાં પૂછવા લાગી,“જમવાનું પીરસી દઉં ?” “ના,બેટા...તું આરામ કર. તારી મમ્મી આવશે, પછી અમે સાથે જમી લઇશું.” લોપા મનોમન બબડી. ડોસો પણ ઘેલો છે, બૈરી પાછળ.

આ ઉંમરે પ્રેમ ફાટી નીકળ્યો છે. વસુ, વસુની માળા જપે છે. લોપા રૂમમાં જઇ ટી.વી. ઓન કરી મન ડાઇવર્ટ કરવા પિકચર જોવા લાગી. ત્યાં ફરીથી ડોરબેલ વાગી. જા મારે નથી ખોલવો દરવાજો. ડોસા બાપાને ખોલવા દો. એમની જોહરાજબી આજે રૂડાંરૂપાળાં બનીને આવ્યા હશે. જોઇજોઇને હરખાશે બુઢ્ઢા બાપા.

એણે રૂમ ખોલી સહેજ ડોકીયું કર્યું. સાસુમા જ હતાં. વાળ કપાવ્યા હતા. ફેશીયલ કરાવવાથી ખૂબ નીખરતા હતા. સસરાજી બોલ્યા, “અરે વાહ, વસુરાણી આજે તો તમારી ઉંમર અડધી થઇ ગઇ જાણે. ખૂબ શોભે છે આ વાળ તમારા ગોળમટોળ ચહેરાને, તમારા વ્યક્તિત્વને એક અલગ જ નિખાર આપે છે.” “બસ બસ હવે વાયડા થાઓ મા. ખોટા વખાણ બંધ કરો. જમ્યા તમે?” “ના તારી રાહ જોતો હતો. “અરે રે આવું શું કામ કર્યુંર્ ? જમી લેવું હતું ને લોપા, કોષા સૂઇ ગયા ? ચાલો હું થાળી પીરસીને લાવું છું.” કહી રસોડામાં ગયા ને બે થાળી પીરસીને આવ્યા. જમ્યા બાદ બન્ને રૂમમાંગયા. લોપાના દુષ્ટ મનમાં ખૂબ નટખટ વિચારો સળવળતા હતા. આજે રૂમમાં ઝાંખીને જોવું છે. શું કરે છે આ પ્રેમલાઓ. સસરા આડા પડ્યા. આજે પગનો દુખાવો થોડો વધુ છે. અરે, તમે મને કીધું કેમ નહી ? લાવો દબાવી આપું. સાસુમા પગ દબાવતાં હતાં ને સસરાજી નસકોરાં બોલાવતાં હતાં. લોપા રૂમમાં પાછી આવી. આ સ્ત્રી કેવી છે? આટલા મોજશોખ પણ કરે છે ને પતિનું આટલું ધ્યાન પણ રાખે છે! વિચારો કરતાં કરતા લોપા સૂઇ ગઇ.

ચાર વાગ્યા એટલે વસુબહેન ચહા બનાવા રસોડામાં ગયા. કોષા આવીને એમને ધ્યાનથી જોવા લાગી. “ શું જોવે છે દીકરા ?” “મમ્મી, ખોટું ના લગાડશો, પણ આ ઉંમરે તમે મોર્ડન થાઓ એ થોડું ઓડ લાગે છે.” વસુબહેન હસી પડ્યા. બોલ્યા, “બેટા. સાંભળ આ ચાર લીટીઓ.

તકદીર બદલતે દેખા હે.

ઉમ્મીદે કુચલતે દેખા હે.

જીનકો પલકોં મેં છુપાકે રખા.

આજ ઉનકા નઝરીયા બદલતે દેખા હે.”

“વાહ મમ્મી તમે તો શાયરી પણ બોલો છો.” “કોષા બેટા એક જમાનામાં હું સારી લેખિકા હતી. મારા જીવનની દરેક પળ પેપર પર ઉતારી રાખી છે. નવી ખુશીઓમાં જૂની સ્મૃતિઓ કયારેય ખોવાય ના જવી જોઇએ.” કોષા અપલક નિહાળતી રહી વસુબહેનને, ત્યાં તો બૂમ સંભળાઇ, “ચા બની ગઇ કે બહારથી મંગાવી લઉ કોષા.” સાસુ વહુ હસી પડયા. “એક્ટિંગ ના કરો. લાવી તમારી ચા.” કહી વસુબહેન મલકાઇ પડ્યા. “લોપા બેટા ઉઠો તો ચા ઠંડી થઇ જશે.” લોપા આંખો ચોળતાં ટેબલ પર આવી. મગજ હજી ગરમ જ હતું. ચૂપચાપ ચા પીને શાક લેવા જતી રહી. “કોષા, આજે લોપા કેમ ગુસ્સામાં છે ? મમ્મી મને ખબર નથી. કદાચ તમારૂં આટલું મોર્ડન થવું ,આટલા મોજશોખ કરવા એમને પસંદ નથી.” વસુબહેન હસી પડ્યા. “ગાંડી છોકરી છે, સાવ આવું બધું મગજ પર ના લેવાય. સંસારમાં બધું ચાલ્યા કરે. અરે હા, આજે કૈનવ -સાલવી જમવા આવવાના છેે ને ? “હા મમ્મી, ભાભી એટલે જ બધું લેવા ગયા છે.” “સારૂં મારે શાક સમારવાનું હોય તો આપી દેજો હું સમારી દઇશ.” “સારૂં, મમ્મી.” કહી કોષા કામે લાગી ગઇ. લોપા શાક લઇને આવી ત્યારે સાસુ સસરા વાતો કરતા હતા. સાસુમા બહારગામ જવાની ફરમાઇશ કરતા હતા. સસરાજી જગ્યા નક્કી કરતા હતા.

“કયા જઇશું ? દુબઇ? મલેશીયા ? કાશ્મીર ? વસુ મારા પગની તકલીફનો વિચાર કરીને જગ્યા નક્કી કરજે.” લોપા રસોડામાં જતાવેંત જ બબડી, “લો પાછું જુવાનીયાઓને હનીમૂન પર જવાનું ભૂત વળગ્યું છે. જાત્રા કરવાની ઉંમરે આવી રોમેન્ટિક જગ્યાએ જવું છે. હવે તો હદ થાય છે. આજે શ્રેયને કહેવું જ પડશે કે આ વેવલાવેડા બંધ કરાવ નહીંતર હું આ ઘરમાંથી ચાલી જઇશ.” “ ભાભી જવા દો ને આ વાત ને. કરવા દો ને એમને એન્જોય. આપણે શું ?” “ના, મને નથી પસંદ આ બધું. શ્રેયને મારે ધમકાવવો જ પડશે.” રસોઇ પતી ગઇ. બધા ફ્રી થઇ ગયા. સાલવી-કૈનવ પણ આવી ગયા. લોપા અને નીરજ પણ વહેલા વહેલા આવી ગયા. આજે આખો પરિવાર સાથે બેસી જમવાના હતા. બધા બહાર પોર્ચમાં બેસી ગપ્પા મારતા હતા. લોપા, કોષા પણ જોડાઇ ગયા. કૈનવને મસ્તી સૂઝી. સાસુમાને ટીખળમાં કહ્યું, “ મમ્મી તમે સાલુના દીદી લાગો છે આ હેર કટમાં, ખૂબ સુંદર લાગો છો.” બધા હસી પડ્યા. લોપા કટાક્ષમાં બોલી. “હવે જમાનો રીવર્સ થવા લાગ્યો છે. બૂઢાપો જવાનીને ઝંખવા લાગ્યો છે. ઉંમરને તો અવગણાય છે. સમાજનો ડર નથી રહ્યો, કોઇ છોછ પણ નથી મોજશોખમાં.” એકધાર્યું બોલતી ગઇ. ખૂબ ધ્યાનથી સાંભળતા વસુબહેન ઉભા થયા. “લોપા દીકરા બોલી લીધું ?હવે મને સાંભળશો બધાં ?

“હું અને તમારા પપ્પા એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. મારા અંધ સાસુને જીવની જેમ સાચવતા હતા. તમારા પપ્પા કાળી મજૂરી કરે. દિવસરાત એકાઉન્ટ લખે. થોડા થોડા પૈસા બચાવીને કટોકટીથી ઘર ચલાવીએ.

એક કલાક પણ ઘરની બહાર ફરવા ના જઇએ, કેમકે બા અંધ હતા, એમને એકલાં ના મૂકાય. આવી ગરીબીમાં શ્રેય જન્મ્યો. ખર્ચા વધવા લાગ્યા. મોંઘવારી વધતી ગઇ. હું તમારા પપ્પાથી છાના રાખી ખાખરા, પાપડ કરતી. એ પૈસાથી શ્રેયની પેટની બિમારીનો ઇલાજ કરાવતી. પપ્પાનો પગાર વધ્યો. પણ હજી ગરીબી તો એટલી જ હતી, કેમકે બાને કમળો થઇ ગયો. હોસ્પીટલમાં ૧૫ દિવસ રાખવા પડ્યા. પણ તેઓ મૃત્યુ પામ્યાં. આટલો ખર્ચો કર્યો પણ જીવ ના બચ્યો. ફરીથી મને સારા દિવસ જવા લાગ્યા. દીકરી સાલવી જન્મી. એના આગમનથી પપ્પાનું કિસ્મત બદલાયું. ખૂબ સારી નોકરી મળી. રહેવા માટે એક રૂમ-રસોડાનું ઘર પણ મળ્યું. મે ખાખરા, પાપડ, અથાણાં બનાવવાનું ચાલુ રાખ્યું. એ ખાનગી મૂડી, ભવિષ્ય માટે બચાવી રાખી. શ્રેયને સારી સ્કૂલમાં ભરતી કર્યો. સાલવી ચાલવા લાગી. કુદરતને હજી મને એક સંતાનની ખોટ પૂરી કરવી હતી. નીરજનો જન્મ થયો. ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી ગઇ. ત્રણ બાળકોના ભવિષ્ય માટે તમારા આ બાપે કાળી મહેનત કરી છે. અમે કદીય હર્યાંફર્યાં નથી. પણ તમારી કોઇ ફરમાઇશ નકારી નથી. તમને મોંમાગ્યું અપાવ્યું છે. જુવાનીના એ દિવસો અમે મહેનતમાં જ વિતાવ્યા છે. તમારા પપ્પા હંમેશાં કહેતા, “મેં મજૂરી કરી છે,પણ મારા બાળકોને નહીં કરવા દઉં. એમને સરસ રીતે સેટ કરી દઇશ. એમનું જીવન સુખમય જવું જોઇએ. આ પ્રેમાળ પિતા, તમારા જીવતા જાગતા પૂજનીય દેવ છે. રહી વાત મારા મોર્ડન થવાની તો સાંભળી લો. જીંદગી અમૂલ્ય છે. અને મોત અનિશ્ચિત છે. આખી જિંદગી કરકસર ને હાયબળતરામાં વિતાવી, દરેક મોજિશોખને મારી દફનાવી દીધા. થોડા દિવસ પહેલાં તમારા પપ્પાએ મને કહ્યું કે વસુ તેં કયાકેય વાળ કપાવ્યા નથી. હંમેશાં સાદગીભર્યુ જીવન જીવી છે.હવે સુખના દિવસો આવ્યા છે. જીવનમાં કઇક નવું કર. ખૂબ મોજ કર. જુવાનીના દફનાવેલા દરેક મોજશોખને જીવિત કર. તારી આ બન્ને દીકરી જેવી વહુઓ તારી આ ભાવના જરૂર સમજશે, ને તને તારી નવી જિંદગીમાં આનંદ ઉમેરાવશે. મને તમારા પપ્પાની વાત ખૂબ સ્પર્શી ગઇ. મે જરાક અમથા વાળ કપાવ્યા. ફેશીયલ કરાવ્યું કેમકે મારા પતિ મને નવા રૂપમાં જોવા માંગતા હતા. પણ મારો આ બદલાવ મારી દીકરીઓને પસંદ નથી, એવું મને લાગે છે. મારી આ ભૂલ બદલ મને માફ કરી દો, અને અમને થોડા દિવસ જાત્રા એ જવાની વ્યવસ્થા કરાવી આપો. લોપા એ હાથ જોડીને કહ્યું “પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. તમારી આવી ઉમદા મહાનતાને હું બોલી ઉઠી અભાગણી પારખી ના શકી. તમે ખૂબ સુંદર છો તનમનથી હવે તમારે બધા જ મોજશોખ કરવાના છે. અને અમે પણ તમારી સાથે મજા કરીશું. શ્રેય ચલો ને આપણે બધાં સાથે ફરવા જઇએ. મમ્મી પપ્પાને બેસ્ટ રૂમ આપીશું. એમને ફરીથી જીવન માણવા દઈએ”. બધાએ મંજૂર કર્યું. બીજે દિવસેથી શ્રેય બુકિંગ અને ઇન્કવાયરીમાં લાગી ગયો. લોપા અને કોષા વસુબહેનની બે લાકડીઓ બની ગયા જાણે. આવો પ્રેમ પામીને દુઃખી દિવસોને ભૂલી ખુશીથી રહેવા લાગ્યા.

ખૂબ ખુશખુશાલ વસુબહેન આજે મસ્ત મજાની શાયરી ગુનગુનાવતા હતા.

“જીંદગી કી કઠીન રાહો પર તેરા હી સહારા થા.

તેરી બાંહો મે જન્નત કા નઝારા થા.

ખફા હો ગયે જબ સારે રીશ્તે હમસે.

તબ તેરા દામન હી મેરી મંજીલ કા આખરી કિનારા થા.”