Manni Sundarta in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | મનની સુંદરતા

Featured Books
Categories
Share

મનની સુંદરતા

નવલિકા

મનની સુંદરતા

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


મનની સુંદરતા

“શ્યામલી ઓ શ્યામલી. જરા સારી તૈયાર થજે. ગઇ વખતવાળો પેલો ભૂરો ડ્રેસ ના પહેરતી, એમાં વધુ કાળી લાગે છે. વાળ છૂટા રાખજે અને ઊંચી એડીના સેંડલ પહેરજે, એટલે જરાક લાંબી લાગે. આ મૂરતીયો ઘણો સારો છે. પૈસાવાળો પણ છે.અહીંયા મેળ પડી જાય એટલે ભયો ભયો.” બાની આવી વાતોથી શ્યામલી ટેવાઇ ગઇ હતી.જયારે કોઇ જોવા આવવાનું હોય,એટલે બાનું લેકચર ચાલુ થઇ જાય.પાંસઠ વર્ષના બાનો હજી એટલો જ ઠસ્સો.ઘરમાં એમનું જ વર્ચસ્વ. બધાંને ખખડાવી નાખે. બાપુજી તો ભગવાનનું માણસ. સાવ સીધા અને સરળ. બાપુજી માટે શ્યામલી હૈયાનો હાર.ખૂબ લાડ કરે શ્યામલીને. બાપુજીએ શ્યામલીને ધાર્મિક, સામાજીક બધા જ સંસ્કાર પૂરતા આપ્યા હતા. હંમેશા શ્યામલીને આશ્વાસન આપતા, “દીકરી, જે છોકરો તારા સુંદર મન અને સંસ્કારને જોઇ તને સ્વીકારશે એ ધન્ય ધન્ય થઇ જશે. બાહ્ય સુંદરતાની શું ખાત્રી? ભગવાન ના કરે કોઇ એવો રોગ આવે તો ભલભલા દેખાવડા પણ કદરૂપા થઇ જાય છે. મનની સુંદરતા ઉગેલા સૂરજ જેવી છે. જેની રોશનીથી ચારેકોર અજવાળું ફેલાય અને વેર દૂર ભાગે છે.નિર્દોષતાથી નીતરતું હૈયું અને હેતની હેલીથી જિંદગી મોગરાના ફૂલની જેમ મહેંક જેવી મઘમઘતી થઇ જાય છે. માટે તું જરાય હિમ્મત ના હારતી. કદાચ ઇશ્વરે તારા માટે કંઇક સારૂં જ આયોજન કર્યું હશે. એટલે જ બીજા બધા મૂરતિયા તને નાપસંદ કરે છે.” શ્યામલી આછું સ્મિત આપીને બોલી, “બાપુજી, હું જાણું છું કે માણસ બાહ્ય રૂપ અને આકારથી જ આકર્ષાય છે.આંતરિક સુંદરતાની અવગણના થાય છે.ઇશ્વર જેવા મહાન સર્જનહારે દરેકને આગવું સત્ય અને શકિત આપ્યા છે, જેનાથી એ બીજાને સુખી કરી શકે. કોઇક તો મારા મનની સુંદરતાને પારખુ નજરથી પારખશે ને? બસ એ દિવસે મારા નસીબ આડેથી પાંદડું ખસી જશે. તમે નાહકની ચિંતા ના કરો.” શ્યામલી બહારથી કઠણ કાળજાની દેખાતી પણ મનમાં દુઃખી રહેતી.એની મા પણ શ્યામવર્ણી હતી.ખૂબ ખાનદાન ઘરની દીકરી હતી.બાપુજીએ માને એના ગુણોથી પસંદ કરી હતી.જયારે શ્યામલીની માને પહેલી વખત બાએ જોઇ ત્યારે બધાની સામે જ મોઢું બગાડીને કહ્યું હતું કે “આ છોકરી ઘણી કાળી છે. મારા દીકરા જોડે ના શોભે.” પણ બાપુજીએ જીદ લીધી હતી કે મોટાને આ છોકરીની સાથે જ પરણાવશે. “ઘરની વહુ ગુણીયલ અને ખાનદાન જોઇએ. ઘરને સ્વર્ગ બનાવી દે સારી છોકરી હોય તો.” પપ્પા પણ બાપુજીની વાતથી સહમત હતા. અંતે બાએ પરાણે હા પાડી ને શ્યામલીની મા ઘરમાં આવી. બા સ્વભાવના ખૂબ જ કડક એટલે માને વાતે વાતે ઉતારી પાડે. બાપુજી માને ખૂબ જ વહાલ કરે. ભલે વહુ હોય પણ દીકરીની જેમ સાચવે, “વહુ બેટા,તમારી બાની વાતનું જરાચ ઓછું ના લગાડશો.એનો એવો સ્વભાવ છે.તમે જરાય કાળા નથી.જોનારની આંખો ખરાબ છે. તમારા ગુણોને જે દિવસે એ પારખશે એ દિવસે તમને હેતથી વળગી પડશે.” શ્યામલીની મા કહેતી, “બાપુજી મને ખબર છે બા મનના ખૂબ સાફ છે. એમની વાણીમાં કડવાશ છે. હું કદાપિ માઠું નહી લગાડું એમની વાતોથી, તમે બેફિકર રહો.” વાહ આને કહેવાય કુળવધૂ. નાના દીકરા માટે બાએ ખૂબ રૂપાળી વહુ શોધી. ગોરી અને સ્વરૂપવાન. બા હંમેશા બાપુજીને ટકોર કરે,“જોઇ મારી પસંદ ? છે ને રૂપરૂપની રંભા મારી નાની વહુ રાધા ?” બાપુજી જવાબ આપવાનું ટાળે. નાહકનુ ંચર્ચામાં શું ઊતરવું ? બા બન્ને વહુઓમાં ખૂબ ભેદભાવ કરે.રાધાને રાણીની જેમ સાચવે. મોટીને ઘરનાં કામ કરવાનાં, ને નાનીને બહારના વહેવારવટ અને પ્રસંગોમાં મોકલે. શ્યામલી જન્મી ત્યારે પણ બાએ એને જોઇને મોઢું બગાડતાં કીધું હતું, “લો.આ બીજી કાળી આવી.મા જેવી છે અસ્સલ.” આમ હંમેશાં રંગભેદ રહ્યો છે આ માદીકરી માટે. શ્યામલી હંમેશાં માને બાનાં કટુવચનો મૂંગા માેંઢે સાંભળતાં જોઇ મનમાં દુખી થતી.શું વાંક મારી માનો ? એટલું જ ને કે એ શ્યામ છે ?બધાંની આટલી સેવા કરે, ઘરનાં બધાં કામ કરે.મહેમાનની આગતાસ્વાગતા કરે તો પણ આટલી અણમાનીતી ? રાધાકાકી વાતે વાતે બાને છણકા કરે.બાપુજીને ઉતારી પાડે, એમના બાળકોનું પણ ધ્યાન ના રાખે. તો પણ એ રૂપાળાં એટલે સારાં ? આવા હલકા વિચાર છે લોકોના ? મારે પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે ? ના ના.કદાપિ નહી.આવા ભેદભાવ જ ઘરમાં અશાંતિ લાવે છે. અન્ન અને દાંતને વેર કરાવે છે.હું ભણેલી ગણેલી,આ નવા જમાનાની સ્વાભિમાની છોકરી છું. શા કારણે આવા અપમાન સહું ? આવા વિચારોમાં ખોવાયેલી શ્યામલીને અચાનક માની બૂમ સંભળાઇ, “શ્યામલી જલ્દી આવ.જો બાને શુું થાય છે?” બેબાકળી થઇને દોડી બાના રૂમ તરફ.જઇને જુએ છે કે બા પરસેવે રેબઝેબ છે. છાતીમાં સખત દુખાવો છે બાનું માથુ પંપાળતી મા પણ ગભરાયેલી લાગી. પપ્પા ડોક્ટરને બોલાવી આવ્યા. ડોક્ટરે “હળવો એટેક છે, તાત્કાલિક દાખલ કરી દો”એવું કહ્યું.તાત્કાલિક દાખલ કર્યા બાને. શ્યામલી બા સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગઇ. પપ્પા અને શ્યામલી બાને પંપાળતાં પંપાળતાં આશ્વાસન આપે “સારૂં થઇ જશે ,ભગવાનનું નામ લો,હિમ્મત રાખો. તમને કાંઇ જ નહી થાય.બીજી બાજુ બાપુજીને સમજાવે, “બાપુજી, નાનકાભાઇ અને રાધાને પાછા બોલાવી લઇએ. ભગવાન ના કરે બાની તબિયત વધુ બગડે તો નાનકાભાઇ તમને ખૂબ સંભળાવશે. ફરવા તો ગયા છે, પાછા આવવું પડશે તો શું બગડવાનું છે ?” બાપુજીએ શાંંતિથી ઉત્તર આપ્યો “વહુ બેટા,એમને આવતાં બે દિવસ નીકળી જાય તો નાહકની એમની ટ્રીપ બગાડવી.ફર્યા વગર પાછા આવશે તો રાધાવહુનો ગુસ્સો કાબુમાં નહી રહે. તમે એનો સ્વભાવ તો જાણો છો. તમે અને શ્યામલી છો પછી કોઇની જરૂર નથી.” બાપુુજીની વાત આમ તો સાચી હતી. પાછા બોલાવી લેવાની ઉતાવળથી ઘરમાં કંકાસ જ થવાનો હતો.

આઇ.સી.યુ.માં બાની તાત્કાલિક સારવાર શરૂ થઇ ગઇ. આવ્યા પછી થોડી થોડી સુધરવા લાગી બાની તબિયત. શ્યામલી અને એના પપ્પા બા સાથે આખો દિવસ બેસી રહ્યા. સાંજના ડોક્ટર તપાસીને ગયા પછી શ્યામલીએ પપ્પાને ઘરે જવા કહ્યું. પપ્પા બાને હવે ઘણું સારૂં છે,તમે ઘરે જાવ,બાપુજી પણ ચિંતા કરતા હશે.બા પાસે હું રહીશ.પપ્પા ગર્વ લેતા હતા આ દીકરી પર જે બાએ સદાય એને નફરત કરી છે, એમની કેટલા મનથી ચાકરી કરે છે ? નસીબદાર છું, કે આવી રતન જેવી દીકરીનો બાપ છું.એ ઘરે ગયા. શ્યામલી બાને પંપાળતાં પંપાળતાં એકાદ ઝેકું ખાઇ લે. બાની જરાક બૂમથી જાગી જાય.“બા શું થાય છે? હવે તમને કેવું લાગે છે ? ડોક્ટર સાહેબે કહ્યું કે તમે જ્લ્દી સારા થઇ જશો.” બા ટગર ટગર જોયા કરે આ છોકરીને. બેડ નં ૨ના પેશન્ટને પણ હળવો એટેક આવ્યો હતો. એમની પણ એ જ સારવાર અપાતી હતી. એમની પત્ની શ્યામલીની પ્રેમાળ વાણી, કુશળ વર્તન જોઇ નવાઇ પામતા. આ જમાનાની દીકરી આટલી ડાહી અને સમજુ. હા બા, હા બા કરતા એની જીભ ના સૂકાય. ધન્ય છે એના મા-બાપને. જે ઘરમાં જશે, એ ઘરને મહેકાવશે. શ્યામલી ચોપડી વાંચતા વાંચતા બાને પંપાળે. હવે બાને ઘણું સારૂં હોવાથી થોડી વાતો પણ કરે બા સાથે. જોક્સ કહે. ઉખાણાં પૂછે. બાને પણ ખૂબ મજા આવે શ્યામલી સાથે. આંખમાં આંસુ આવી જાય શ્યામલીનો પ્રેમ જોઇને. શ્યામલી દુપટ્ટાથી બાનાં આંસુ લૂછે. “બા તમે કોઇ પણ આડા અવળા વિચાર ના કરો.તમે જલ્દી સાજા થઇ જાવ એટલે આપણે ઘરે જઇએ.બાપુજી તમને બહુ યાદ કરે છે. આજે તમને સ્પેશીયલ રૂમમાં શીફટ કરશે, પછી પપ્પા,બાપુજીને લઇને આવશે તમને જોવા.”બા શ્યામલીને પૂછે,“નાનાને ખબર મોકલાવ્યા?” શ્યામલીએ ઉત્તરમાં હા ક્હ્યું. “બા કાલે એ લોકો પાછા આવી જશે.” બાપુજીએ તો નહોતું જણાવ્યું પણ ચંપકકાકાએ નાના કાકાને જાણ કરીને પાછા આવવા કહ્યું. બા મનમાં ખુશ થઇ ગયા.મારી રાધા આવશે, મારો નાનકો આવશે.બીજે દિવસે બાને સ્પેશીયલ રૂમમાં શીફટ કર્યા. ઘણું સારૂં હતું હવેે બાને, પણ હજી થોડા દિવસ તો હોસ્પિટલમાં જ રાખવા પડશે. એવુ ડોક્ટરે કહ્યું. બીજી બાજુ અચાનક આવા સમાચારથી પાછું આવી જવું પડ્યું એટલે નાનકાએ હોસ્પિટલમાં આવી બાને કહ્યું, “શું થયુ હતુ બા તમને તે આમ અમને ઉતાવળે બોલાવી લીધા ચંપકકાકાએ? તમે તો ઘણા સ્વસ્થ લાગો છો.” બા તો હેબતાઇ જ ગયા આ દીકરો આવીને પૂછતો નથી મા તને કેવું છે ? પાછા આવવું પડ્યું એનો ગુસ્સો કરે છે ? બાકી હતું તો રાધાવહુ પણ આવ્યા.મોઢું ચડાવેલું, ગુસ્સાના હાવભાવ.“બા, આવું ના કરાય. મારા છોકારાઓને ફર્યા વગર પાછા લાવવા પડ્યા. તમે તો સાજા થઇ ગયા છો ? ઉતાવળ કરીને પાછા શા માટે બોલાવ્યા.મોટા ભાઇ, ભાભી તો હતા.અમે આવ્યા પછી હુ તમારી ચાકરી કરી લેત. મારા તો નસીબ જ ખરાબ છે.બોલતાં બોલતાં રડવા લાગી.” શ્યામલી કાકીને વહાલથી કહ્યું, “કાકી,બા વતી હું માફી માંગું છું. પણ બા કે .બાપુજી એ તમને પાછા બોલાવવાનો વિચાર સુદ્ધાં નહોતો કર્યો. ચંપકકાકાએ તમને બોલાવી લીધા બાપુજીને પૂછયા વગર.” “તુ ચૂપ રહે કાયડી,”કાકી વધુ ગુસ્સે થયા. “બહુ ચાંપલી થઇને બાને મસ્કા ના માર. એક તો અમારૂં વેકેશન બગડ્યું અને ઉપરથી અહીંયા વૈતરા કરવાના ?” શ્યામલી ચૂપ થઇ ગઇ. કાકીનો ગુસ્સો કાબૂમાં નથી, કંઇ પણ બોલીશ તો ચાર સાંભળવું પડશે. બા સૂતાં સૂતાં રડયાં કરે. અરે રે,આવા દીકરા-વહુ ? રૂપિયા, દાગીના ભારોભાર આપતી ત્યારે બા બા કરતી આ રાધા,આજે મારી ચાકરી કરવાનો વખત આવ્યો તો આટલી ધુંઆપુંઆ ? મારો મોટો ને એની વહુ તનમનથી મારો પડ્યો બોલ ઝીલતા રહ્યા હંમેશાં. મોટીને તો મેં કાંણી પૈ પણ નથી આપી કયારેય. તો પણ કયારેય ફરિયાદ નથી કરી. નમ્ર વાણી ને વિવેકથી જિંદગીભર મને અને એના બાપુજીને જીવતા ભગવાન માની પૂજયા છે.આવી વહુને મેં કેવળ નફરત જ કરી છે. પ્રેમથી બેટા નથી ક્હ્યું એને કદી. છતાંય દીકરીને મારી સાથે હોસ્પિટલ મોકલી દીધી. બાનું બરાબર ધ્યાન રાખજે. દવા સમયસર પીવડાવજે. સૂઇ ના જતી. કેટલી બધી સૂચનાઓ આપી હતી શ્યામલીને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે ? દીકરી પણ માના ગુણોવાળી. ખૂબ મનથી ચાકરી કરે. કોઇ જ ખોટો દેખાડો નહી. ફક્ત નિઃસ્વાર્થ લાગણી,અને પ્રેમ. નાનકો અને રાધા ગયા પછી બાએ શ્યામલીને કહ્યું, “બેટા, તારા બાપુજીને લાવને મારી પાસે. મારે એમની સાથે થોડીક વાતો કરવી છે. મન હળવું કરવું છે.” શ્યામલીએ ફોન કરી બાપુજીને બોલાવ્યા.

બાપુજી વોકર લઇને બા પાસે આવ્યા.“કેમ છે તમને હવે?” એમ પૂછયું કે તરત જ બા હાથ જોડી બાપુજીની માફી માંગવા લાગ્યા. શ્યામલી ખૂબ સમજદાર. એને લાગ્યું કે બા-બાપુજીને એકાંતમાં ખૂબ, હળવે મને વાતો કરવી છે. એ “ઘરે જઇને માને મળતી આવું” કહી નીકળી ગઇ. બા રડતાં રડતાં બોલ્યા,“મને માફ કરજો. મેં હંમેશાં બધાનું દિલ દૂભાવ્યું છે. તમે મોટી જેવી ખાનદાન વહુ આપણા ઘરમાં લાવ્યા ને મેં તેને કેવળ તિરસ્કાર કર્યો. નસીબવાળાના ઘરમાં આવી વહુ આવે. અને હું અભાગી એના રંગ આડે છુપાયેલા સુંદર ગુણોને જોઇ ના શકી.ભગવાન મને કદીય માફ નહી કરે.નાનીને મેં ફૂલે પૂજી, અનહદ લાડ લડાવ્યાં.કેટકેટલુ સોનું,ચાંદી,રૂપિયા આપ્યા.આજે એને ફર્યા વગર પાછું આવવું પડ્યું તો પોત પ્રકાશ્યું. આજે હું મારા અંતરાત્માથી ઊતરી ગઇ.ભગવાન મને મોત આપે એ પહેલો મારી મોટીના પગે પડી માફી માંગવા ઇચ્છું છું.” બાપુજી ચશ્મા કાઢી આંસુ લૂછતા બોલ્યા, “ગાંડાં જેવી વાત ના કરો. હજુ આપણે આપણી શ્યામલીને પરણાવવાની છે. તમારે એને ખૂબ પ્રેમ આપવાનો છે. દેવું બાકી રાખીને ના જવાય. હવે તો તમે સાચા ખોટાની પરખ કરતાં શીખી ગયા.માટે જાગ્યા ત્યારથી સવાર.” બાપુજીની વાત થી બા થોડા હળવા થયા.શ્યામલીની ચાકરીની વાત બાપુજીને કરતા હતા, ત્યાં જ એક બહેન રૂમમાં આવ્યા. બા-બાપુજીને પ્રણામ કરી બોલ્યાં, “બા આપને એક વાત કરવી છે. અમે તમારા આઇ.સી.યુ. વોર્ડના પડોશી છીએ.” બોલતાં હળવુ હસ્યા. બાને પણ હસવું આવી ગયું.“મારા પતિ બેડ નં ૨ ના પેશન્ટ છે. છેલ્લા ચાર દિવસથી હું તનમનથી ચાકરી કરતી તમારી દીકરીને જોયા કરૂં છું. એની વાણી અને વર્તનમાં જે નમ્રતા છે,એ સંસ્કાર અને સાદગીથી હુું અને માારા પતિ ખૂબજ પ્રભાવિત થયા છીએ. મારો દીકરો આકાશ હમણા જ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાથી પાછો આવ્યો છે. ઘણાં માંંગા આવે છે એના માટે પણ એને કોઇ કન્યા પસંદ નથી આવતી. દેખાવડી છોકરીને પરણવું હોત તો અમેરિકામાં ઘણી છોકરીઓ હતી. પણ એને સંસ્કારી અને ખાનદાન કન્યા જોઇએ છે. એના પપ્પા પાસે એક દિવસ રહ્યો હતો આઇ.સી.યુ.માં ત્યારે એણે તમારી દીકરીને તમારી દેખરેખ અને સેવા કરતી જોઇ.સદાય હસતી અને બાનું બનતું ધ્યાન રાખતી તમારી એ દીકરી મારા આકાશને ખૂબ ગમી ગઇ છે. તમને વાંધો ના હોય તો એક વખત આપ એને જોઇ લો. વાતચીત કરી જુઓ. તમને ગમે તો જ આગળ વાત વધારીશું. બાની આંખમાં હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. મારી શ્યામલીનાં ભાગ્ય ખૂલી ગયા.સામેથી ભણેલા છોકરાનું માંગું આવ્યું. આકાશને બોલાવ્યો.બા-બાપુજી એને મળીને રાજી રાજી થઇ ગયા.ખૂબ હસમુખો દેખાવડો, સાદો અને સરળ છોકરો છે. હોસ્પિટલમાં જ શ્યામલી અને આકાશની મીટીંગ ગોઠવાઇ. મોટી વહુ બા પાસે આવી, એવી બાએ એને વહાલથી ચૂમી લીઘી. ભેટી ભેટીને વ્હાલ કર્યું. સોહામણો આકાશ શ્યામલીને ખૂબ ગમી ગયો. બધા ખુશ ખુશ થઇ ગયા. મોઢામોઢ વાત પાકી થઇ ગઇ.બન્ને પેશન્ટ સાજા થઇ જાય પછી સગાઇની તારીખ નક્કી કરીશું એવું બાપુજીએ જણાવ્યું. જોતજોતામાં બા પણ સાજા થઇ ગયા.આકાશના પપ્પાને તો ઓફિસ જવાની પણ છુટ્ટી મળી ગઇ. સગાઇની તૈયારીઓ શરૂ થઇ ગઇ. બાએ શ્યામલી માટે સોનાનો સેટ બનાવડાવ્યો. રાધા કંઇ બોલે એ પહેલા બાએ કડક થઇને કહી દીધું,“મારા ઘરમાંં રહેવું હોય તો ,મારા કાયદા-કાનૂન પ્રમાણે રહેવાશે. નહીતર અલગ ઘર લઇને રહેવા જવાની છૂટ છે.” રાધા વહુ હવે શું બોલે ? ચૂપચાપ સગાઇની તૈયારીઓમાં લાગી ગયા.

ખૂબ ધામધૂમથી દીકરીની સગાઇ થઇ. સુંદર ચણિયાચોળીમાં આજે કેટલી સુંદર લાગતી હતી શ્યામલી! બાએ મનની આંખોથી પહેલીવાર શ્યામલીની સુંદરતા પારખી હતી.આ સુંદરતા મનની હતી જે સુંદર સ્વભાવથી બાહ્ય દેખાવમાં ઝલકતી હતી.

“ધન્ય દિવસ ,ધન્ય ઘડી ,ધન્ય પળ.

સુંદર મનથી જીત્યા સૌનાં દિલ

સુંદર સાથી સાથે કાપશે શ્યામલી,

જીવન ની મંઝીલ.”