પ્રેમ - પ્રગતિ - પૃથા
[Ultimatum with child girl]
રવિ ગોહેલ
'પૃથા' એ મેકઅપ બોક્સ ખોલ્યું અને અરીસાની સામે બે હોઠને ચીપી ચીપીને લીપસ્ટીક લગાવી, પાંપણ તેજ ધારદાર બનાવી અને હેર સ્ટાઈલ બનાવી રહી હતી.તેમની પાછળ અડધો અરીસામાં દેખાતો તેમનો પતિ 'પ્રેમ' શર્ટનાં બટન બંધ કરી હાથનાં કાડાં પરનાં બટન બંધ કરી રહ્યો હતો.પૃથાની તૈયારી અને તેનો શણગાર-મેકઅપ જોઈ રહ્યો હતો.થોડીવારમાં પૃથાની હેર સ્ટાઈલ બની ગઈ અને પ્રેમને ફ્કત સ્પ્રે લગાવવાનો બાકી હતો.રોજ અને દર વખતે તેનાં નિયમ મુજબ પુછ્યું,"પ્રેમ હું કેવી લાગું છું?".પ્રેમે વાતનો જવાબ થોડીવાર પછી આપ્યો.તેને જવાબમાં,પૃથાને દિવાલ સાથે દબોચી લીધી અને ગળા પર ડોકનાં ભાગ પર જબરદસ્ત રસયુક્ત ચુંબન કરવા લાગ્યો.એ બહાર ફરવા જતું કપલ કંપલીટ તૈયાર થઈ ગયા પછી - રોમાન્સ કરી દસ મિનીટ પછી રૂમની બહાર નિકળ્યું.
પૃથા ઘરની વહુ અને પ્રેમની પણ. પૃથા અને પ્રેમનાં લગ્નનો સમય - બે વર્ષ.એમ, બંને વચ્ચેની ખુશી તમે કે હું જોઈએ તો લાગે - બસો વર્ષ.પૃથા જીવનમાં આવી એ પછીની જિંદગી પ્રેમ માટે અગત્યની બની ગઈ.પ્રેમની વિચારસરણી એરેન્જ મેરેજ માટે બદલાઈ ગઈ.લગ્ન પછી પણ ખુબ ઊંડો પ્રેમ થાય એ વાતનું બેનમુન ઊદાહરણ.ગામડાનાં ધરથી શહેરમાં નોકરી માટે આવેલ એ પાટીદાર કપલ.સ્વતંત્ર ભાડાનાં બે બેડ હોલ કિચનમાં રહેતાં એ બે વ્યક્તિ.પ્રેમની નોકરી છ કલાકની છે પણ એ છ કલાક પૃથા કેમ સમય પસાર કરે છે એ એનું મન જાણે છે! પ્રેમની ઘરે આવ્યા બાદ ની રીલેક્ષ થવાની રીત અનોખી છે.પૃથા તેમની છાતી પર દસ મિનિટ સુધી માથું ટેકાવીને મોટા બેડમાં ખુદનાં અને તેનાં પતિનાં હદયને શાંતિ અર્પે છે.
હમણાં થોડા દિવસોથી પ્રેમ કોઈ વાતથી પરેશાન છે એવું લાગે છે.મોઢાં પર જે નુર જોવા મળે છે એ તેજ વિહોણું છે.પૃથાએ આ વાતને નોંધમાં કરી છે.પૃથાની આ નોંધણી વધુ બે-ચાર દિવસ ચાલી.છેલ્લે, વાતની ખરાઈ માટે પ્રેમને પુછી જ લીધું,
"પ્રેમ છેલ્લા એક અઠવાડીયાથી આપણા વચ્ચેનું અંતર વધી ગયું છે.શું વાત છે એ મને ખુલ્લા મને જણાવો"
"પૃથા - હું થોડાં દિવસોથી એક જ વાત વિચારું છું"
"જે વાત હોય એ મને બધું જ કહો.હું તમારી સાથે જ છું"
પ્રેમે પૃથાનાં હાથમાં તેમની બિઝનેસ ડાયરી આપી,
"તું જો કેટલાં ડિલરોનાં કોન્ટેક્ટ કર્યા છે.કેટલાની ઈન્કવાયરી મેં નોટ કરી છે"
પૃથા ડાયરી હાથમાં લઈને ડાયરીનાં પાનાં ઊથલાવા લાગી,
"હા,તો શું થયું?"
"મારી નોકરી છુટે એવું લાગે છે કેમ કે નવાં ડિલર મળતા નથી અને કંપનીનો ટાર્ગેટ પુરો થતો નથી"
પૃથાએ પ્રેમને રાહત આપવા કોશિષ કરી પણ નિષ્ફળ રહી,
"પૃથા મેં ધણાં ડિલર સાથે વાત કરી.બધાંને કંપનીની પ્રોડક્ટ ક્વોલીટી સામે ફરીયાદ છે.કંપની એમાં બદલાવ કરવા ઈચ્છતી નથી.કંપનીનાં મેનેજરને મારા કામ સામે શંકા છે"
પ્રેમની હિમ્મત તુટતી ગઈ.છેલ્લે જેનો ડર હતો એ જ બન્યું.પ્રેમને એ કંપનીમાંથી છુટ્ટો કરી દેવામાં આવ્યો. એ નમકીનની પ્રખ્યાત કંપનીને બીજા માણસની તલાશ રહેવા લાગી અને ગણતરીનાં દિવસોમાં પ્રેમની જગ્યા કોઈ બીજી વ્યક્તિએ લઈ લીધી હતી.ગામડું છોડીને આવેલ દંપતિ માટે શહેરમાં નોકરી વિના ચાલે એમ ન હતું.બે જ વિકલ્પ નજરે હતાં.એક પૃથાને કામ કરવું પડે અને બીજું પ્રેમને સારાં પગારથી મળતી નોકરી કરવી પડે.આ વાત પ્રેમનાં ઘરે મા-બાપને જાણ ન થાય તો સારું.નહીંતર એક જ ડાયલોગમાં કિસ્સો તમામ,"તો આવતા રહો ગામડે - આપણું ખેતર તો છે જ ને!"
પૃથા અને પ્રેમ જાણતા હતાં કે,ઓછી વસ્તીનાં ગામડામાં શું રોટલો રળવો? કે શું સપનાંઓ પુરાં કરવા? પૃથા અને પ્રેમને ખબર હતી કે,ગામડાનાં જીવનમાં જલ્દી વિકાસ નથી.એ તેમનાં ભવિષ્યમાં આવનારા બાળકને સારી જિંદગી આપવા માંગે છે.કોઈ સ્ટેટસ બનાવવા માંગે છે.પ્રેમનો સતત પ્રયાસ રહેતો પૃથાને સારી જિંદગી આપપવાનો તેમનાં હર એક શોખ પુરાં કરવાનો.બસ આ જ કારણથી ગામડાંનું જીવન પસંદ ન હતું.પ્રેમનાં મા-બાપ એ જ વાતનાં વિરોધી હતાં.
પ્રેમને એ નમકીન કંપનીએ ધણી ઊંચાઈ આપી હતી - ઈજ્જત આપી હતી.પગાર વત્તા કમીશન ભેગું થતું ત્યારે પૃથાની ખરીદી કરવામાં પાછું વળીને જોવું ન પડતું.બધાં કારણોમાં તેમની પત્નિ પૃથાની નિતી અને "બધું સારું થઈ જશે" એ પ્રેમ તરફનું આશ્વાસનનું વાક્ય.
નોકરી છુટ્યાં પછી એક-દોઢ મહિનો થયો કે હજું પ્રેમને યોગ્યતા મુજબ નોકરી મળી નથી.ઓછા પગારથી ચાલું કરવી પડતી નોકરીમાં તેમનું ઘર ચાલે એમ નથી.સાથે સોયથી લઈને સાબુ-પાણી-દુધનો ખર્ચ.ધણી બધી ઓફિસનાં ચક્કર લગાવી ચુક્યો.ઓછાં ભણતરવાળી પૃથા ઘરકામ માટેનું નક્કી કરી આવી.બે-ત્રણ ભગવાન અને માતાજીની ટેક લીધાં બાદ થોડી જીવન ગાડી પાટા પર ચાલી.પ્રેમને નોકરી આખરે મળી જ ગઈ અને જે મળ્યું તે રાજી રહીને ચલાવવું પડે એમ છે.પગાર ૯૫૦૦/- પુરાં વિધાઉટ કમિશન.જેવી નોકરી લાગી કે પહેલું કામ પૃથાને ઘરકામ છોડાવાનું કર્યું અને પહેલાં પગારમાં ચડત ભાડું ચુકવ્યું.ઘરે ખબર ન હતી કે,પૃથા પારકાં કામ કરવા જાય છે.નહીંતર ઘરથી લાંબુ લેક્ચર સાંભળવું પડે એમ હતું.એ જ કારણથી જલ્દીથી નોકરી મુકાવી દીધી અને ઘરે ખબર પણ....
ચાલો, નોકરી તો ચાલું થઈ ગઈ.ભલે,ઓછો પગાર છે.પૃથાને ઘર ચલાવવામાં થોડી તકલીફ પડે છે અને પ્રેમને ખર્ચાઓનાં કાબુ પર.એ પરિસ્થિતિઓ વચ્ચે પણ પૃથાનો એક જ ડાયલોગ "બધું સારું થઈ જશે". એવાં બિનઅનુકુળ માહોલમાં બીજી વાત પર પ્રકાશ પાડવા માટે આજે સ્પેશ્યલી પ્રેમનાં મમ્મીનો ગામડેથી ફોન આવ્યો,
"શું કરો છો - દિકરા"
પૃથાએ મસ્ત હસીને જવાબ આપ્યો - "મમ્મી એકદમ મજામાં"
"તો વાંધો નહીં - તારા પપ્પા બહું યાદ કરે છે બંનેને"
"ઓહહ! આપો તેમને મમ્મી"
"હાલ્લો, પપ્પા - શું કરો છો?"
"બેઠાં છીએ દિકરા - તમે બે'ય શું કરો છો"
"બસ, એકદમ આનંદ"
જાતજાતની વાતો કરી પછી,એક સાઈડ ફોન પર 'કુસુમબેન' છે અને બીજી સાઈડ 'પૃથા'. કુસુમબેને પૃથાને પુછ્યું..,
"શું બેટા! કાંઈ નવીનમાં સમાચાર" - બોલવાનાં અર્થ પરથી જ પૃથા સમજી ગઈ કે મમ્મી શું કહેવા માંગે છે,
"મમ્મી હજું તો એવું કાંઈ નથી પણ અમે બંને વિચારીએ જ છીએ.થોડું સીટીમાં પરિસ્થિતિ સારી થવાની રાહ જોતાં હતાં.હવે તમે કીધું તો યાદ રાખીશ"
"હા એમ,શું કરે છે મારો દિકરો?" - કુસુમબેને વાતોમાં યુટર્ન લીધો
પૃથાની વાતો પરથી જ પ્રેમ સમજી ગયો હતો કે, મમ્મીનો આજનો ફોન શું જણાવે છે...
"હા મમ્મી - કેમ છે તને અને પપ્પાને!"
"સારું હો..અમારે દાદા-દાદી બનવું છે"
"હા-હા મમ્મી પાક્કું"
શનિવારની રાત - પ્રેમ અને પૃથા માટે ખુશીની રાત હોય.બીજો દિવસ રજાનો રવિવાર મજા આપનાર હોય.એમાં બંનેએ આજ નક્કી કર્યું છે,"વિધાઉટ કોન્ડોમ".પૃથા પ્રેમનાં બાળક માટે તૈયાર છે.બંને પક્ષની સંમતિ છે.એક પરણિત સ્ત્રીને માં બનવાની ઈચ્છા અને ઘરનાં લોકોને મળતું રમકડું - એની વ્યાખ્યા શબ્દોમાં વર્ણન નથી આપતી.એ રાતને પ્રેમે અને પૃથાએ સુહાગરાત બનાવી દીધી.બંધ કમરાની અંદર સ્પ્રેની સુગંધ આવી રહી છે.એકદમ ફ્રેશ મુડમાં એ કપલ.નાઈટલેમ્પનો પ્રકાશ વધુ મોહિત લાગે છે.બોડી સ્પ્રેની સુગંધ તનનાં મિલનને ઉત્સુકતા આપે છે.ચુંબનોની હારમાળા અને શરીરથી શરીરને અપાતો અખુટ આનંદ.એ રાતથી પૃથા બાળકની...
પૃથાને કોફી પસંદ છે - પ્રેમને સસ્તી એક કપ ચા.પૃથાને શોપિંગ પસંદ છે - પ્રેમને પહેલી પસંદગીમાં ખરીદી કરી લેવી.પૃથાને એનો પતિ 'પ્રેમ' પસંદ છે અને પ્રેમની આખી દુનિયા 'પૃથા'.પૃથાને ગર્ભનો આઠમો મહિનો છે અને બંને પતિ પત્નિએ ધણું વિચારીને પ્લાનીંગ કરી નાખ્યું છે.નામ શું રાખીશું? છોકરો હશે કે છોકરી? વગેરે વગેરે.રસોડામાં જ્યાં બધાં વાસણો રાખે છે ત્યાં નાની સ્ટીલની ડબ્બીમાં ભેગાં કરેલ દર મહિનાનાં એક-એક હજાર રૂપિયા.પ્રેમની માં એ તેમનાં શહેરનું ખરીદેલ પ્રખ્યાત દુકાનનું બાબાશુટ.પૃથાની માં એ મોકલેલ સુવાદાણા-ગુંદથી બનાવેલ સુખડી જેવો પાક.બધાં રાહ જોઈ રહ્યાં છે આવનાર મહેમાનની.ઘરનાં કલબલાટની અને પાટીદાર પરિવારનાં સભ્યની.
"પ્રેમ હવે હું નામ બદલાવીશ નહીં.છોકરાનું 'દિગંત' અને છોકરીનું નામ - 'પ્રગતિ' જ રાખીશ"
"પણ એ રાશિ ન આવી તો?"
"રાશિ ન આવે તો કાંઈ નહીં,એમને આપણે બીજા નામથી બોલાવી તો શકીએ ને!"
"હા એ સાચું એ બધામાં મને યાદ રાખે છે.મારું નામ 'પ્રેમ' છે" - જોર જોરથી મજાકમાં હસવા લાગ્યાં.
પૃથાને મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.બાળક આવવાનો સમય થઈ ચુક્યો છે.દાખલ થયાનાં ચાર કલાકનાં ઈંતેજાર બાદ નર્સ બહાર સમાચાર લઈને આવી,
"પ્રેમભાઈઈ...જલેબી મંગાવો જલેબી.છોકરીનો જન્મ થયો"
"વાહહ લક્ષ્મી એમને..."
"હા, ચાલો મોઢું મીઠું કરાવો"
"હા-હા કેમ નહીં"
કુદરતની રચનાં પૃથાની ઈચ્છા જેવી જ થઈ.રાશિ એ જ આવી જે નામ નક્કી કર્યું હતું.એ જ નામ રાખ્યું 'પ્રગતિ'.અંગ્રેજીનાં ત્રિપલ 'પી' નો સમુહ બન્યો."પ્રેમ-પ્રગતિ-પૃથા".ઘરમાં ખુશી છવાઈ ગઈ.વાતાવરણમાં અલગ રંગત આવી ગઈ.પ્રેમે અને તેમનાં પિતાએ બોક્સ ભરી ભરીને મીઠાઈ વેચી.પ્રગતિનાં આગમનનાં સમાચાર ટીવી-મિડીયા જેમ સગાં-વહાલાંને પહોંચી ગયાં.
પ્રગતિની દિવસો વિતતાં પ્રગતિ થતી હતી.એ પાંચ વર્ષની થઈ ચુકી હતી.આજ રાત પ્રગતિની તબિયત રાત્રે વધારે બગડી.સોસાયટીનાં આજુબાજુનાં બે-ત્રણ અલગ-અલગ ડોક્ટરની દવાઓ લીધી પણ પરીણામ ન સુધર્યું.એ બિમાર - પ્રગતિ એમ ને એમ સુનમુન વગર હલનચલન પથારીમાં પડી રહેતી.
આજ પ્રગતિને મોટાં ડોક્ટર પાસે લઈ જવામાં આવી છે.લાંબી કતારોમાં વેઈટીંગ બાદ ડોક્ટરની મુલાકાત થઈ.એ બાળકોનાં સ્પેશ્યલ ડૉક્ટર પ્રગતિનાં આખા શરીરની ચકાસણી કરે છે.બે કલાકનાં ખાસ્સા ઈંતેજાર બાદ રીપોર્ટ આવ્યો અને હદયનાં ધબકારાં ચુકી જાય એવું પરીણામ જાહેર થયું.પૃથાને તો માનવામાં જ ન આવતું કે આવું પણ હોઈ શકે.પ્રેમ લેબોરેટરીમાંથી બહાર નિકળી ડૉક્ટરને રીપોર્ટ બતાવવા ગયો ત્યારે ડૉક્ટર પણ અચરજમાં પડી ગયાં કે આખીર આવી તો કેવી કુદરતની રચના?.પ્રગતિનાં આખા શરીરનાં ચેકઅપ બાદ રીપોર્ટમાં આવ્યું કે ઊંચું બ્લડપ્રેશર અને બચપનથી ડાયાબીટીસ પ્રગતિનાં શરીરમાં દાખલ થઇને ધીમે ધીમે શરીરનો વિકાસ અટકાવે છે."પ્રેમ આ ડોક્ટર શું બોલે છે?" - પૃથા વારંવાર એક જ પ્રશ્ન પ્રેમને પુછી રહી હતી અને પ્રેમ બિલકુલ ચુપ.માં - બાપનું મન વાસ્તવિકતા સ્વિકારી નથી શકતું.રીપોર્ટ લઈ દવાઓથી ભરેલ હાથમાં ઝબલું લઈને હોસ્પિટલેથી ત્રણેય નિકળી ગયાં.
આજ રાત એવી રાત છે જેમાં બંનેમાંથી કોઈને ઊંધનું જોકું નથી આવતું.શું થશે? એવી દુવિધામાં મગજમાં વિચારો દોડી રહ્યાં છે.ડોક્ટરે કહી દીધું છે પ્રગતિનો ઈલાજ આપણા સીટીમાં નથી તેમને મુંબઈની ચિલ્ડ્રન સ્પેશ્યલ હોસ્પિટલમાં લઈ જવી પડશે. ખર્ચમાં આશરે બે લાખની ગણતરી ઓછામાં ઓછી.
પિતાની લાગણીની વાત કંઈક અલગ હોય છે!!.રાતનાં બે વાગ્યાની આજુબાજુ ધરમેળે બંને પતિ-પત્નિ વચ્ચે નક્કી થાય છે.''ચાર-પાંચ દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી લઈએ અને પ્રગતિને મુંબઈ લઈ જાય.દિકરીથી વિશેષ શું હોય!''.પ્રગતિની ઊંચા બ્લડપ્રેશરની બિમારી તેમની જિંદગી માટે નુકસાનકારક તો હતી જ પણ ક્યારે શું થાય એની જાણ રહે તેમ ન હતી.
પ્રેમે આજે ઓફીસે રજા રાખી.આળસ મરોડીને પથારીમાં ઊભો થયો.બંને હાથની હથેળીમાં નજર કરી ઈશ્વરને પ્રાર્થના કરી,"ભગવાન આ હાથમાં શક્તિ આપજે,જેનાંથી પ્રગતિને લાંબુ આયુષ્ય આપી શકાય.તેની જિંદગી બચાવી શકાય".એટલામાં પૃથા નાહીને બહાર આવી.માથે વાળમાં ટુવાલ વીટેલ અને એ છોડીને ભીનાવાળને ફટકારી-ફટકારી કોરા કર્યાં બાદ મંદિર સામે બે હાથ જોડી એ જ પ્રાર્થના,"ઈશ્વર મારી પ્રગતિને જલ્દી ઠીક કરી દે.એ અમારી જાન છે".પ્રેમ પૈસાની વ્યવસ્થામાં-દોડધામમાં છે.મોબાઈલની ફોનબુકમાંથી લગભગને ફોન કરી દીધા.કોઈ પાસે પાંચ હજાર,કોઈ પાસે દસ હજાર.એમ કરીને પૈસા ભેગાં કર્યાં.તેમનાં પિતાએ ગામડેથી મોકલાવેલ પચાસ હજાર.હજું છેલ્લે વધારે નાણાં માટે પચાસ હજાર પાંચ ટકાનાં વ્યાજે શરાફી મંડળીમાંથી લીધા.ત્રણ દિવસમાં કુલ બે લાખ વીસ હજાર જેટલી રકમ ભેગી કરી.
મુંબઈ ગયા બાદ એ હોસ્પિટલનો પણ એ જ રીપોર્ટ આવ્યો જે શહેરની હોસ્પિટલનો છે.પૈસાની સગવડ ગમે તેમ કરી સાથે લઈ ગયા હતાં.ડોક્ટરનું કહેવાનું હતું કે "પહેલાં તો પ્રગતિનાં શરીરમાં ઓપરેશન દ્રારા એક ડિવાઈઝ મુકવી પડશે જેથી બ્લડપ્રેશર લેવલ રહે.એ નાની અમથી ડિવાઈઝ જ પ્રગતિને લાંબી આયુષ્ય આપશે.કાયમ ઊંચા બ્લડપ્રેશરને કારણે હદયનો હુમલો આવી શકે છે".માં-બાપ,દાદા-દાદી અને બધાંની એક મંજુરીથી પ્રગતિનું ઓપરેશન કરવામાં આવ્યું.છ કલાક ચાલેલ ઓપરેશન બાદ પ્રગતિને ધીમે ધીમે હલનચલન કરતી જોઈને બધામાં જીવ આવ્યો.એક મહિનો અને અઠાર દિવસ એ હોસ્પિટલમાં રાખવામાં આવી.ત્યાં સુધીમાં અંદાજીત ખર્ચ બે લાખને ચાલીસ હજાર પહોંચ્યો.બાકીનાં વધુ પૈસાની સગવડ માટે પ્રેમ હજું વ્યવસ્થામાં છે.અંતે પ્રગતિને ડિસ્ચાર્જ કરી ત્યાં સુધીમાં બે લાખ સાઈઠ હજારને આંકડો પહોંચી ગયો હતો.
ધરથી એક દોઢ મહિના દુર થયેલ પ્રગતિ ઘરે આવતાં ચારેબાજુ નજર ટકોરીને જોવે છે.બિલકુલ નવો અહેસાસ-નવું વાતાવરણ.હવે ફરી પ્રગતિની જિંદગીમાં રોનક દેખાવા લાગી.તેનો હસતો ચહેરો જોઈ પૃથા અને પ્રેમ મનોમન રાજી થાય છે.તેમને દવાઓનાં કાગળમાંથી મુક્તિ મળી નથી.એક દવાની ગોળી તો આજીવન લેવી પડશે એવી ડોક્ટરની સલાહ હતી.એ બધી તકલીફોથી વિશેષ હતી પ્રગતિની ચહેરા પરની સ્માઈલ.પ્રેમ લાખો રૂપિયાનાં દેણામાં ડુબી ગયો પણ દિકરીની સામે જુએ છે ત્યારે એ ખર્ચેલ પૈસાની વસુલી લાગે છે.૯૫૦૦/- કુલ પગારમાંથી આજ વધારા સહિતનો પગાર ૧૨૫૦૦/- પણ પરિવાર સાથેની ખુશી મુલ્ય વિહીન - અમુલ્ય.
આજ રવિવારનો દિવસ છે.પ્રગતિનો તેમનાં પપ્પા સાથે રમવાનો આખો દિવસ.રાતે મોડે સુધી ધમાલ-મસ્તીને માંડમાંડ સુતેલ એ પ્રગતિ.અડધી બપોર થવા આવી ત્યારે પ્રેમ અને પૃથા ઊઠ્યાં અને પ્રગતિ એ રાતથી સુતા પછી ઊઠી જ નથી.સવારમાં પૃથાએ ધણી કોશિષ કરી,પ્રેમે ધણી મનાવી પણ એ નિર્દોષ આંખ ન જ ખુલી.પ્રેમે ખર્ચેલ બે લાખ સાઈઠ હજારનું વળતર ખતમ.પ્રગતિની પૃથા અને પ્રેમ સાથેની લેણદેણ ખતમ.પ્રગતિને રાત્રે ઊંધમાં જ હાર્ટ એટેક થઈ ગયો.આગલાં દિવસોની રમતોની ચીખ મગજમાંથી નિકળતી નથી,આજે એનું અસ્તિત્વ શુન્ય.
પ્રગતીની જિંદગી બચાવવાં ઝડપી દોડેલ અને પાણીની જેમ પૈસા લુટાવનાર પિતા - પ્રેમની આંખો અને માતાનાં વહાલનાં આંસુ યાદોથી આંખોમાં સુકાતા નથી.એ શહેરોમાં આવી પ્રગતિ કરવા આવેલ યુગલની 'પ્રગતિ'.
ગામડેથી આવેલ પ્રેમનાં પિતાનો એ જ ડાયલોગ,"આવતો રહે ગામડે - આપણું ખેતર તો છે જ ને!" અને પ્રેમ-પૃથા એકબીજાને સામસામે કહી રહેલ આશ્વાસનનાં શબ્દો,"બધું સારું થઈ જશે".ફરી શહેર છોડી પ્રેમ અને પૃથા તેમનાં ગામડે રહેવા ચાલ્યાં ગયા.પૃથા અને પ્રેમની 'પ્રગતિ' અટકી ગઈ.જિંદગી તુટીને ભટકી ગઈ - "પ્રગતિ".
સમાપ્ત